Home Blog Page 960

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી

ગુજરાતમાં હાલ આકરી ગરમીનો માહોલ છે, પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 3થી 6 મે, 2025 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, રાજ્યના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જેમાં કંડલા એરપોર્ટે સૌથી વધુ 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. જાણકારી પ્રમાણે 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 4 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અને છોટા ઉદેપુરમાં માવઠાની આગાહી છે. 5 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને દીવમાં વરસાદની શક્યતા છે. 6 મેના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. જેમાં કંડલા એરપોર્ટમાં 45.4 ડિગ્રી, રાજકોટમાં 44.5 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી, અમદાવાદમાં 43.5 ડિગ્રી, ડિસામાં 43.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, ભુજમાં 42.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.1 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, કેશોદમાં 40.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે ખેડૂતોને લણાયેલા પાકને વરસાદ અને પવનથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને વંટોળની શક્યતા હોવાથી, પાકની સુરક્ષા માટે કાળજી રાખવી જરૂરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીની સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ છે. આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ લણાયેલા પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યના નાગરિકોને પણ ગાજવીજ અને વંટોળથી સાવધ રહેવા અપીલ કરવામાં આવે છે.

ભારત હુમલો કરશે એવા ડરથી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ભયભીત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાં અને વલણથી પાકિસ્તાન સરકાર સ્પષ્ટપણે ડરી ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે ભારત પાકિસ્તાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.

સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે ભારપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે સતર્ક છે. તેમણે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાનના અસ્તિત્વ માટે સીધો ખતરો ઊભો થશે, તો જ આપણે આપણા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું. આ અગાઉ સિંધુ જળ સંધિ પર ભારતના નિર્ણયથી ડરતા ખ્વાજા આસિફે ભારત પર પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનો આરોપ લગાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય દબાણ અને ભારતના કડક વલણ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે  કહ્યું હતું કે તેઓ પહેલગામમાં ૨૬ લોકોની હત્યાની કોઈ પણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે તૈયાર છે. પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફનું આ નિવેદન વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા અને પાકિસ્તાન સરકારમાં પ્રવર્તી રહેલા ભય અને અસલામતીના ભાવને દર્શાવે છે. ભારતના કડક વલણ બાદ પાકિસ્તાન સ્પષ્ટપણે દબાણ હેઠળ આવી ગયું છે અને સંભવિત સૈન્ય કાર્યવાહીના ખતરાને લઈને એલર્ટ પર છે.

અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો

અમદાવાદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા સંચાલિત અમૂલે 1 મે, 2025થી દૂધની તમામ કેટેગરીના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો દૂધની મહત્તમ છૂટક કિંમતના 3થી 4 ટકા જેટલો છે, જે ખાદ્યપદાર્થોના ફુગાવા દરની સરખામણીએ મર્યાદિત છે. નોંધનીય છે કે, ગઈકાલે મધર ડેરીએ પણ દેશભરમાં લિટરદીઠ 2 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો.

અમૂલે આખરી વખત જૂન 2024માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જોકે, 2024માં 5 મહિના સુધી 1 લિટરના પેકમાં 50 એમએલ અને 2 લિટરના પેકમાં 100 એમએલ વધુ દૂધ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જાન્યુઆરી 2025માં 1 લિટરના પેકના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો પણ કરાયો હતો.

ગુજરાતમાં રોજનું 330 લાખ લિટર દૂધ 18,600 દૂધ સહકારી મંડળીઓ દ્વારા 36 લાખ પશુપાલકો પાસેથી એકત્ર થાય છે. પશુપાલનના ખર્ચમાં થયેલા વધારા, જેમ કે ઘાસચારો, પશુઆહાર, અને જાળવણી ખર્ચ,ને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ સાથે સંકળાયેલા 12 દૂધ સંઘોએ પણ પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે.

અમૂલ દૂધના વેચાણથી મળતી આવકનો 80 ટકા હિસ્સો પશુપાલકોને પરત આપે છે. આ ભાવ વધારાનો મોટો ભાગ દૂધ ઉત્પાદકોને મળશે, જે તેમને ઉત્પાદન વધારવા પ્રોત્સાહન આપશે. GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું, “આ નિર્ણયથી પશુપાલકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન વધશે.” આ ભાવ વધારો ગ્રાહકો માટે નાનો બોજ ઉમેરી શકે છે, પરંતુ તે રાજ્યના 36 લાખ પશુપાલકોના હિતમાં લેવાયેલું પગલું છે. અમૂલે ખાતરી આપી છે કે ગુણવત્તા અને પોષણ મૂલ્ય જાળવી રાખવામાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

વાઘ કે સિંહના ગળામાં આ કોલર જેવું શું હોય છે?

જંગલમાં ફરતા ઘણીવાર આપણને વાઘ/સિંહ કે બીલાડી કુળના અન્ય મોટા પ્રાણીઓના ગળામાં એક કોલર કે પટ્ટા જેવું પહેરાવેલુ જોવા મળે છે.

સહજ વિચાર આવે કે આ જંગલી પ્રાણીના ગળામાં આ કોલર જેવું શું હોય. આ વાઘ કે સિંહના ગળામાં પહેરાવાતા કોલર એ રેડિયો કોલર હોય છે. વન વિભાગ દ્વારા સંશોધન અર્થે સામાન્ય રીતે વાઘ/સિંહ ને બેભાન કરી પહેરાવવામાં આવે છે. આ રેડિયો કોલરથી વાઘ/સિંહનું જંગલમાં લોકેશન જાણી શકાય છે અને તેના દ્વારા તેનું સતત મોનિટરીંગ થઈ શકે છે.

ક્યારેક આ જંગલી પ્રાણીઓ માનવ વસ્તી તરફ જતા હોય તો તેનું લોકેશન જાણી તેને માનવ વસ્તી તરફ જતા અટકાવી શકાય જેના કારણે (મેન એનીમલ કોન્ફ્લીક્ટ) માનવ-પ્રાણી વચ્ચેનું ઘર્ષણ અટકાવીને જંગલી પ્રાણી અને માનવ બંનેના જીવન બચાવવામાં ઉપયોગી છે.

આ ઉપરાંત રેડિયો કોલર થી વાઘ/સિંહના જીવનચર્યાની પણ વિવિધ માહિતી સંશોધન માટે મળી શકે છે. જોકે રેડિયો કોલર એ વાઘ/સિંહને થોડી અગવડતા પણ આપે છે. વાઘ કે સિંહને કોલર પહેરાવી તેની માહિતી મેળવવા તેમના Corridor અને Territory ની માહિતી પણ સંશોધન માટે મળે છે.

કબીરવાણી: જીવન, યુવાવસ્થા, સત્તા અને ગર્વનો નાશ નિશ્ચિત છે

 

જીવન, જોબન, રાજ મદ, અવિચલ રહે ન કોય,

જુ દિન જાય સત્સંગમેં, જીવન કા ફલ સોય.

 

‘જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’ જેવા લોકગીત જેવી આ સાખી ક્ષણભંગુર સંસારની હકીકત કહે છે. કોઈ લાંબું જીવે કે કોઈ ટૂંકું જીવે – જન્મ અને મરણ વચ્ચેનો સમય એટલું જીવન શાશ્વત તો નથી જ. યુવાનીનાં વર્ષો સતત પ્રવૃત્તિમાં વીતી જતાં સમયનો ખ્યાલ રહેતો નથી.

જરા-વૃદ્ધત્વની સમસ્યાથી ઘેરાઈ જઈએ ત્યારે યુવાનીમાં વેડફેલો સમય યાદ કરીએ તો તે સમય પાછો આવતો નથી. તે જ રીતે રાજસત્તા કોઈની હંમેશાં રહેતી નથી. પૃથ્વી જેમ ભ્રમણ કરે છે તેમ સત્તાપરિવર્તનો થતાં રહે છે.

માનવીને ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિઓનું પણ અભિમાન થાય છે. કબીરજી કહે છે કે, સતત પરિવર્તનશીલ પરિસ્થિતિમાં જીવન, યુવાવસ્થા, સત્તા અને ગર્વનો નાશ નિશ્ચિત છે ત્યારે સત્સંગમાં જે સમય જાય તે જ જીવનનું સાચું ફળ છે.

આ સાખીમાં મૂળ વાત વિવેકની છે. આશાઓના મૃગજળ પાછળ દોટ મૂકીએ અને કાંઈક પ્રાપ્ત થયું તેનો ગર્વ કરીએ પણ આ ચીજો ઝાંઝવાનાં જળ જેવી છે, અવાસ્તવિક અને અસ્થાયી છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

આ પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં બ્લોક

22 એપ્રિલે કાશ્મીરના પહેલગામ ખીણમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલાને કારણે આખો દેશ ગુસ્સાથી ઉભરાઈ રહ્યો છે. ભારત સરકાર પણ પાકિસ્તાનને પાઠ ભણાવવાની સતત તૈયારી કરી રહી છે અને પાકિસ્તાનને અલગ અલગ રીતે અપમાનિત કરવામાં આવી રહ્યું છે. હવે ભારત સરકારનો ગુસ્સો પાકિસ્તાની કલાકારો પર પણ આવ્યો છે.

ભારત સરકારે ભારતમાં કેટલાક પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ કલાકારોમાં માહિરા ખાન અને હાનિયા આમિર જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ભારત સરકારે ભારતમાં કેટલાક પાકિસ્તાની મીડિયા આઉટલેટ્સ સહિત 16 યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ પછી આ ગુસ્સો પાકિસ્તાનના લોકપ્રિય કલાકારો પર પડ્યો છે.

આ કલાકારોના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે બુધવારે ભારત સરકારે ભારતમાં ઘણા લોકપ્રિય પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. જેમાં હાનિયા આમિર, માહિરા ખાન, અલી ઝફર, સનમ સઈદ, બિલાલ અબ્બાસ, ઈકરા અઝીઝ, ઈમરાન અબ્બાસ અને સંજય અલી જેવા કલાકારોનો સમાવેશ થાય છે. હવે ભારતમાં આ કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આમાંથી કેટલાક કલાકારો બોલિવૂડમાં સક્રિય રહ્યા છે અને કરોડો રૂપિયા કમાયા છે. હાનિયા આમિરના બોલિવૂડ રેપર બાદશાહ સાથેના અફેરના અહેવાલો પણ હતા. જોકે, બાદમાં બંનેએ આ અફેરના સમાચારો પર પૂર્ણવિરામ મૂકી દીધું. આ સાથે માહિરા ખાને બોલિવૂડમાં ફિલ્મો કરી છે અને કરોડો રૂપિયા કમાયા છે. અલી ઝફરે બોલિવૂડમાં હીરો તરીકે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ હવે આ કલાકારોને ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દેવામાં આવ્યા છે.

ભારત પાકિસ્તાનને પાઠ ભણાવવાના મૂડમાં

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ આખું ભારત ગુસ્સાથી ઉકળી રહ્યું છે અને આતંકવાદને આશ્રય આપનાર દેશ પાકિસ્તાનને પાઠ ભણાવવા માંગે છે. પાકિસ્તાની કલાકારો પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે, તાજેતરમાં ભારત સરકારે પાકિસ્તાનની 16 થી વધુ યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, કેટલાક મીડિયા સંગઠનો પાકિસ્તાનની બહાર ભારતમાં જોઈ શકાશે નહીં. હવે ભારત આ આતંકવાદી હુમલા માટે પાઠ ભણાવવાના મૂડમાં હોય તેવું લાગે છે.

તો જીવન મધુર બને…

ગઈ કાલે (30 એપ્રિલે) એસએસસીનાં રિઝલ્ટ આવ્યાં. મુંબઈથી એક કિશોરનો ફોન આવ્યોઃ “સ્વામી, મેં 98 પર્સેન્ટ ધારેલા, પણ 94 આવ્યા… મારું કેલક્યુલેશન ક્યાં ખોટું પડ્યું?”

કિશોર, યુવાન, કૉર્પોરેટ ક્ષેત્રે કે પછી ખેલકૂદ ક્ષેત્રે- માણસ માત્ર જીવનમાં સારો, વધુ પર્ફોર્મન્સ આપવા, સારા માનવી બનવા તરફ સહેજે પ્રયત્નશીલ રહે છે. દરેક વ્યક્તિ પરફેક્ટ બનવાનો પ્રયત્ન કરે છે, પણ પરફેક્શનની વ્યાખ્યા શું? સર્વગુણસંપન્ન કોને કહેવાય?

ખરું જોતાં પરફેક્શનનો અંત જ નથી. સમાજમાં આજે એક જાતની સ્પર્ધા ચાલે છે શ્રેષ્ઠતા પુરવાર કરવાની. પરંતુ એક વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી કે, દુનિયાની આશરે સાત અબજની વસતીમાં શેરને માથે સવાશેર બેઠો જ હોય છે. એટલે પરફેક્શન જ્યાં સુધી પોતાની જાત માટે હોય ત્યાં સુધી તે આશીર્વાદરૂપ છે, પરંતુ જ્યારે સ્વયંને અન્ય કરતાં શ્રેષ્ઠ પુરવાર કરવા માટે કે બીજા માટે હોય ત્યારે હતાશા, ગ્લાનિ, સ્ટ્રેસ અને અફસોસ સિવાય કંઈ હાથમાં આવતું નથી, કારણ કે આપણે શ્રેષ્ઠતાના સર્ટિફિકેટ બીજા પાસેથી ઝંખતા હોઈએ છીએ, જેના કારણે તેની અસર માનવ સંબંધો ઉપર પણ પડે.

માની લો કે તમે પરફેક્શનિસ્ટ છો- તો તમારી આંખો સતત ઑફિસની સ્વચ્છતામાં, કર્મચારીઓનાં કાર્યોમાં, ઘરની રસોઈમાં, સંતાનોના અભ્યાસ આદિમાં દરેક જગ્યાએ ઊણપ જ શોધતી ફરશે, જેના કારણે સામેવાળી વ્યક્તિએ જે ભાવથી, મહેનતથી, સમયનો ભોગ આપી સારું કામ કર્યું હશે તેને તમે વધાવી નહીં શકો. સમયાંતરે લોકોને પણ ખ્યાલ આવી જશે કે તમારી પાસેથી પ્રોત્સાહનની અપેક્ષા રાખવી વ્યર્થ છે, પરંતુ મહાન પુરુષો એ સત્યને સ્વીકારે છે કે આ દુનિયામાં કોઈ માણસ પૂર્ણ નથી. હું સ્વયં પૂર્ણ નથી, તે વિચારથી તેઓ બીજાની અપૂર્ણતાનો સ્વીકાર કરી શકે છે અને મધ્યમ માર્ગો કાઢી જીવનનું માધુર્ય અકબંધ રાખે છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે કલામ સાહેબના બાળપણનો એક સુંદર પ્રેરક પ્રસંગ છે. એ લખે છે કે એક રાતે અમે જમવા બેઠાં ત્યારે માતાએ મારા પિતાના ભાણામાં શાક અને બળી ગયેલી રોટલી મૂકી. બળેલી રોટલી જોઈને પિતા શું કહેશે, કરશે એ જોવા હું આતુર હતો. પિતાએ શાક-રોટલી મેંમાં મૂકીને મારા અભ્યાસ વિશે પૃચ્છા કરવા માંડી. વચ્ચે એમને અટકાવીને માતાએ બળેલી રોટલી બદલ માફી માગી. પિતાએ સહજતાથી કહ્યું કે “મને તો બળેલી રોટલી ભાવે છે, તમે જરાયે ચિંતા ન કરશો.”

 

એ રાતે મેં સૂતી વેળાએ મેં પિતાને પૂછ્યું કે, “શું ખરેખર તમને બળેલી રોટલી ભાવે છે?”

પિતાનો જવાબ હતોઃ “જો, તારી મા આખો દિવસ કામ કરીને થાકી ગઈ હોય… એ ભાણું પીરસે તે સમયે બળેલી રોટલી દિલને દઝાડતી નથી, પણ બળેલા શબ્દો હૃદયને દઝાડે છે. જીવન ભૂલોથી ભરેલું છે. હું પોતે સંપૂર્ણ નથી અને વર્ષોના અનુભવ પરથી હું એક વસ્તુ શીખ્યો છું કે એકબીજાની ભૂલોને સ્વીકારી આપણે સંબંધોનો આનંદ માણવો જોઈએ.”

આપણે સંપૂર્ણ નથી તે સત્યને લક્ષમાં રાખીને બીજાની અપૂર્ણતાને પ્રેમથી સ્વીકારી લઈએ તો જીવન મધુર બને છે. ગુજરાતમાં ગાંધીનગરમાં રહેતો મા-બાપ વગરનો દીકરો અક્ષરેશ. તેના દાદાએ તેને સારો અભ્યાસ થાય તે માટે વિદ્યાનગર છાત્રાલયમાં મૂક્યો. ફી નજીવી હતી, પણ ૧૬-૧૭ વર્ષના આ યુવાને ફીની રકમ મોજશોખમાં ઉડાડી દીધી. પછી છાત્રાલયના સંચાલકો તરફથી ફીની માગણી થતાં એ મૂંઝાયો. પોતાની મૂંઝવણ તેણે પત્ર દ્વારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આગળ પત્ર લખીને વ્યક્ત કરી. એમાં એણે ભૂલની માફી માગી અને ભવિષ્યમાં આવું નહીં બને તેવી ખાતરી આપી. સ્વામીશ્રીએ સામે પત્ર લખી અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું. પુનઃ ભૂલ ન થાય તે માટે જાગૃતિ આપી.

અક્ષરેશ કહે છે કે આ ઘટના બાદ છાત્રાલયમાં કોઈએ તેની પાસે ફી ન માગી. બે વર્ષ પછી જ્યારે તે ઘરે ગયો ત્યારે તેના દાદાએ તેને એક પત્ર વંચાવ્યો. પત્ર પ્રમુખસ્વામી મહારાજે દાદાજી પર લખ્યો હતો. ‘ઠાકોરભાઈ, તમારા પૌત્રથી ભૂલ થઈ છે, પણ તેને ભૂલનું ભાન થયું છે તો તેને માફ કરી દેજો. ફીની સહેજ પણ ચિંતા ન કરતા. ભગવાન બધું સારું કરશે.’ પ્રમુખસ્વામી મહારાજ તો પૂર્ણ પુરુષ હતા, છતાં બીજાની અપૂર્ણતાઓને સ્વીકારી શકતા હતા. એટલે જ લોકો તેમણે ચાહતા હતા.

રવીન્દ્રનાથ ટાગોર કહેતા, મારા જીવનની છેલ્લી સલામ એ વ્યક્તિઓને જે જાણતી હતી કે હું અપૂર્ણ છું છતાં મને પારાવાર પ્રેમ આપ્યો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

દેશના 28 ટકા મહિલા સાંસદો, વિધાનસભ્યોની વિરુદ્ધ ક્રિમિનલ કેસ

નવી દિલ્હીઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક (ADR)એ હાલમાં મહિલા સાંસદો અને વિધાનસભ્યોથી જોડાયેલો એક રિપોર્ટ જાહેર કર્યો છે. ADRના વિશ્લેષણ મુજબ દેશભરમાં 17 મહિલા સાંસદ અને વિધાનસભ્ય છે, જેઓ અબજોપતિ છે, જ્યારે દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 143 એટલે કે 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યોએ તેમની સામે ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

લોકસભાના 75 મહિલા સાંસદોમાંથી 32 ટકા એટલે કે 24, રાજ્યસભાના 37માંથી 10 એટલે કે 27 ટકા અને 400 મહિલા ધારાસભ્યોમાંથી 109 એટલે કે 27 ટકાનો 143 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાં સમાવેશ થાય છે. આ સિવાય કુલ 78 મહિલા સાંસદો-ધારાસભ્યો પર હત્યા અને હત્યાના પ્રયત્ન જેવા ગંભીર ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે, તેમાં લોકસભાનાં 14 (19 ટકા), રાજ્યસભાના 7 (19 ટકા) અને 57 મહિલા ધારાસભ્યો સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

કેટલાંક રાજ્યોમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં મહિલા સાંસદોની સંખ્યા ઘણી વધુ છે. બિહાર સંભવતઃ સૌથી વધુ 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સાથે આ યાદીમાં ટોચ પર છે. બિહારમાં 35માંથી 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે.

ભાજપમાં 217 મહિલા સાંસદો વિરુદ્ધ કેસ

ભાજપમાં સૌથી વધુ કુલ 217 મહિલા સાંસદો છે, જેમાંથી 23 ટકા સામે ક્રિમિનલ કેસ છે. કોંગ્રેસમાં કુલ 83 મહિલા સાંસદો-ધારાસભ્યોમાંથી 34 ટકા પર ક્રિમિનલ કેસ છે. એ જ રીતે TDPમાં 65 ટકા, આમ આદમી પાર્ટીમાં 69 ટકા સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

દેશમાં કુલ 512 મહિલા સાંસદો અને ધારાસભ્યોની કુલ જાહેર સંપત્તિ રૂ. 10,417 કરોડ છે, જેમાં પ્રત્યેક મહિલા નેતાની સરેરાશ સંપત્તિ રૂ. 20.34 કરોડ છે. આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ 24 મહિલા સાંસદ-ધારાસભ્ય ધનકુબેર છે, જેમની સરેરાશ સંપત્તિ રૂ. 74.22 કરોડ છે.

આ સિવાય મહિલા સાંસદો-ધારાસભ્યોની શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો 71% સ્નાતક છે અથવા ઊચ્ચ ડિગ્રી ધરાવે છે. 24% એ ધો. 5થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે 12 મહિલા સાંસદો-ધારાસભ્યો પાસે ડિપ્લોમાની ડિગ્રી છે. અન્ય 12 નેતાઓ પોતાને માત્ર સાક્ષર ગણાવ્યા છે.

૦૧ મે ૨૦૨૫

IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સ ટુર્નામેન્ટમાંથી બહાર, પંજાબ જીત્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025 માંથી બહાર થઈ ગયું છે. ચેપોક સ્ટેડિયમ, જે અગાઉ સૌથી મજબૂત કિલ્લો હતો, તે ખરાબ રીતે તૂટી ગયું છે. આ સિઝનમાં ઘણી મેચ હારી ચૂકેલી ચેન્નાઈને હવે ઘરઆંગણે સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. 30 એપ્રિલ, બુધવારના રોજ ચેપોક ખાતે રમાયેલી મેચમાં, શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ પંજાબ કિંગ્સે ફરી એકવાર આ મેદાન પર યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. યુઝવેન્દ્ર ચહલની ઐતિહાસિક હેટ્રિક અને શ્રેયસ ઐયરની શાનદાર અડધી સદીની મદદથી પંજાબે છઠ્ઠી જીત નોંધાવી. આ સિઝનમાં 8મી હાર સાથે, ચેન્નાઈ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની.

આ મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 191 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જો સેમ કરનને અન્ય બેટ્સમેનોનો સારો ટેકો મળ્યો હોત તો આ સ્કોર વધુ મોટો થઈ શક્યો હોત. ટીમે ચોથી ઓવરમાં અને 22 રનમાં બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પ્રમોટ થયેલા ઓલરાઉન્ડર સેમ કુરન (47 બોલમાં 88 રન, 9 ચોગ્ગા, 4 છગ્ગા) એ વિસ્ફોટક બેટિંગ કરી. તેમને રવિન્દ્ર જાડેજા (17) અને ડેવાલ્ડ બ્રેવિસ (32) તરફથી થોડો સાથ મળ્યો. કરણે આ સિઝનમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી, પરંતુ સદીની નજીક પહોંચતા 18મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

કરનના આઉટ થયા પછી તરત જ, ઐયરે 19મી ઓવરમાં લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (4/32) ને પાછો બોલાવ્યો અને ચહલે ચેન્નાઈની 200 રનથી વધુની આશા પર પાણી ફેરવી નાખ્યું. ચહલે બીજા બોલ પર એમએસ ધોની (11) ની વિકેટ લીધી અને પછી છેલ્લા ૩ બોલમાં દીપક હુડા, અંશુલ કંબોજ અને નૂર અહેમદની વિકેટ લઈને આઈપીએલ 2025 ની પહેલી હેટ્રિક નોંધાવી. આ તેની કારકિર્દીની બીજી હેટ્રિક હતી. આખરે આખી ટીમ 20મી ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

પ્રભસિમરન-ઐયરની મજબૂત અડધી સદી

આ પછી પંજાબ કિંગ્સનો વારો આવ્યો અને તેમના માટે ફરીથી પ્રિયાંશ આર્ય-પ્રભસિમરન સિંહની ઓપનિંગ જોડીએ ઝડપી શરૂઆત કરી. પછી, પાંચમી ઓવરમાં 44 રનના સ્કોર પર પ્રિયાંશ (23) ના આઉટ થયા પછી, કેપ્ટન શ્રેયસે પ્રભસિમરન સાથે મળીને બાજી સંભાળી. છેલ્લા ચાર સતત મેચોમાં નિષ્ફળ રહેલા ઐયરે આ વખતે એ જ શૈલી બતાવી જે તેણે સિઝનની શરૂઆતમાં બતાવી હતી. આ દરમિયાન, પ્રભસિમરન (54) એ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને બીજી અડધી સદી ફટકારી. બંને વચ્ચે 72 રનની ભાગીદારી થઈ. અહીં, પંજાબે બે ઓવરમાં પ્રભસિમરન અને નેહલ વાઢેરા (5) ની વિકેટ ગુમાવી દીધી.

ચેન્નઈને વાપસીની થોડી આશા હતી પરંતુ સુકાની ઐયરે શશાંક સિંહ (23) સાથે મળીને તે આશાઓ પર પાણી ફેરવી દીધું. ઐયરે બીજી શાનદાર અડધી સદી ફટકારી. મેચની છેલ્લી ત્રણ ઓવર રોમાંચક સ્પર્ધામાં ફેરવાઈ જવાની તૈયારીમાં હતી, પરંતુ 19મી ઓવરમાં ચહલે જે વિનાશ વેર્યો તે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જો ચેન્નાઈ પાસે 10 રન વધુ હોત તો તેઓ આ મેચ જીતી શક્યા હોત. પંજાબે આખરે 19.4 ઓવરમાં મેચ જીતી લીધી.