Home Blog Page 959

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત તટ પર ભારતીય નૌકાદળનો સૈન્ય અભ્યાસ

પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ટોચે પહોંચ્યો છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી ગ્રૂપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી. આ ઘટનાએ ભારતની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી, અને ભારત સરકારે આતંકવાદ સામે કડક પગલાંની જાહેરાત કરી છે. ભારતીય સેનાને તમામ પ્રકારની છૂટ આપવામાં આવી છે, જ્યારે પાકિસ્તાને પણ યુદ્ધની આશંકાએ સરહદ પર સૈન્ય તૈનાતી વધારી દીધી છે. આ તણાવ વચ્ચે ભારતીય નૌકાદળે ગુજરાતના દરિયાકાંઠે 30 એપ્રિલથી 3 મે, 2025 સુધી મોટાપાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે, જેનો હેતુ દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા અને દુશ્મન દેશોને ભારતની તાકાત દર્શાવવાનો છે.

ગુજરાત તટ પર નૌકાદળની તૈનાતી અને અભ્યાસ

ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં, ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે, યુદ્ધજહાજો તહેનાત કર્યા છે અને વિવિધ સૈન્ય અભ્યાસો હાથ ધર્યા છે. આ અભ્યાસમાં એન્ટી-શિપ મિસાઈલ ફાયરિંગ, લાંબા અંતરના સટીક હુમલાઓનું પરીક્ષણ, અને યુદ્ધની પરિસ્થિતિઓમાં ચાલક દળની તૈયારીનો સમાવેશ થાય છે. નૌકાદળના પ્રવક્તાએ X પર જણાવ્યું, “ભારતીય નૌકાદળનો ઉદ્દેશ લાંબા અંતરના સટીક આક્રમક હુમલાઓ માટે પ્લેટફોર્મો, સિસ્ટમો અને ચાલક દળની તત્પરતા દર્શાવવાનો છે. નૌકાદળ દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે હંમેશા તૈયાર છે.” ભારતીય કોસ્ટ ગાર્ડે પણ ગુજરાતના તટથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક જહાજો તહેનાત કર્યા છે, જે નૌકાદળ સાથે મળીને દેખરેખ અને સુરક્ષા વધારી રહ્યા છે.

INS સુરતનું MR-SAM પરીક્ષણ

24 એપ્રિલ, 2025ના રોજ ભારતીય નૌકાદળના નવીનતમ સ્વદેશી ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS સુરતે અરબી સમુદ્રમાં મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MR-SAM) સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણમાં ઝડપથી ઉડતા, સમુદ્રની સપાટીએથી નીચું ઉડતા લક્ષ્યને સચોટ રીતે નષ્ટ કરવામાં આવ્યું, જે ભારતની અદ્યતન રક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન હતું. MR-SAM, જે ભારતના DRDO અને ઈઝરાયેલના IAI દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે, તે 70 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને સપાટીથી સપાટી પર હુમલો કરતી મિસાઈલો તેમજ હવાઈ લક્ષ્યો સામે અસરકારક છે. નૌકાદળે X પર જણાવ્યું, “INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આત્મનિર્ભર ભારત માટે ગર્વની ક્ષણ છે.”

ગુજરાતના દરિયાકાંઠે ચાલી રહેલો નૌકાદળનો અભ્યાસ પાકિસ્તાનના કરાચી દરિયાકાંઠે 24-25 એપ્રિલે યોજાયેલા સરફેસ-ટુ-સરફેસ મિસાઈલ પરીક્ષણના જવાબમાં એક શક્તિશાળી સંદેશ તરીકે જોવામાં આવે છે. આ અભ્યાસમાં કોલકાતા-ક્લાસ ડિસ્ટ્રોયર્સ, નીલગિરી અને ક્રિવાક-ક્લાસ ફ્રિગેટ્સ સહિતના યુદ્ધજહાજોએ ભાગ લીધો, જેમાં બ્રહ્મોસ એન્ટી-શિપ અને એન્ટી-સરફેસ ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કરવામાં આવ્યું. નૌકાદળની આ તૈયારી ભારતની બહુ-આયામી યુદ્ધ ક્ષમતાઓ અને આત્મનિર્ભર રક્ષણ ઉત્પાદનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સૈન્ય અભ્યાસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિની જાણ નૌકાદળ અથવા કોસ્ટ ગાર્ડને કરવા અપીલ કરવામાં આવે છે. નાગરિકોને દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

GST કલેક્શન એપ્રિલમાં 12.6 ટકા વધ્યું: ઓલટાઇમ ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ દેશમાં એપ્રિલમાં GST વસૂલાતમાં વધારો નોંધાયો છે અને તે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. GST વસૂલાતમાં ગયા મહિનાની તુલનામાં 20.7 ટકા વધારો જોવા મળ્યો છે, જ્યારે ગયા વર્ષની તુલનામાં એપ્રિલમાં GST વસૂલાત 12.6 ટકા વધી છે. એપ્રિલ 2025માં કુલ વસૂલાત રૂ. 2.37 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

દેશમાં એપ્રિલ, 2024માં જીએસટી વસૂલાત રૂ. 2.10 લાખ કરોડ રહી હતી, જે 1 જુલાઈ, 2017થી, જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારથી બીજી સૌથી મોટી વસૂલાત હતી. માર્ચ, 2025 દરમિયાન કુલ વસૂલાત રૂ. 1.96 લાખ કરોડ રહી હતી. ઘરેલુ ટ્રાન્ઝેક્શનમાં જીએસટી આવક 10.7 ટકા વધીને અંદાજે રૂ. 1.9 લાખ કરોડ થઈ, જ્યારે આયાતી માલ પરથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ ગઈ. એપ્રિલ દરમિયાન રિફંડ જારી કરવાનું પ્રમાણ 48.3 ટકા વધીને રૂ.27,341 કરોડ થયું છે.

ગયા મહિને માર્ચમાં GST વસૂલાતમાં ફેબ્રુઆરીની તુલનામાં 10 ટકા વધારો થયો હતો અને વસૂલાત 11 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આંકડાઓ અનુસાર માર્ચમાં રિફંડ પછી નેટ વસૂલાતમાં નવ ટકા વધારો થયો હતો અને કુલ ચોખ્ખી વસૂલાત રૂ. 1.76 લાખ કરોડ રહી હતી.

સરકારે થોડા દિવસો પહેલાં માલ અને સેવા કર અપીલ અધિકરણ (પ્રક્રિયા) માટેના નિયમોને નોટિફાય કર્યા છે, જેમાં અરજીઓની ફરજિયાત ઇ-ફાઇલિંગ અને સંયુક્ત પદ્ધતિથી સુનાવણીનો સમાવેશ થાય છે. નિયમોમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો અરજદાર બપોરના 12 વાગ્યા પહેલાં કોઈ અતિઆવશ્યક કેસ દાખલ કરે છે અને અરજી તમામ મામલામાં સંપૂર્ણ હોય, તો તેને બીજા કામકાજના દિવસે જ અપીલ ન્યાયાધીકરણ સમક્ષ લિસ્ટ કરવામાં આવશે.

આ કલાકારોએ અચાનક છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, બૉલિવૂડને કહ્યું અલવિદા

સિનેમાની દુનિયા એ સમુદ્ર જેવી છે, જેમાં ઘણા કલાકારો ડૂબકી લગાવે છે. કેટલાક ઘણા વર્ષો સુધી તેમાં રહે છે, પરંતુ કેટલાક સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ ખૂબ જ જલ્દી પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહી દે છે. આ ચર્ચા હાલમાં એટલા માટે થઈ રહી છે કારણ કે તાજેતરમાં અભિનેત્રી સીમા પાહવાએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડવા અંગે કેટલાક સંકેતો આપ્યા હતા. ચાલો જાણીએ તે અભિનેત્રીઓ વિશે જેમણે પ્રખ્યાત થયા પછી અભિનય છોડી દીધો.

આયેશા ટાકિયા

બોલિવૂડ જગતની જાણીતી અભિનેત્રી આયેશા ટાકિયા જેમણે ‘ટોર્ઝન’ અને ‘વોન્ટેડ’ જેવી મહાન ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ પછી અભિનેત્રીએ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા અને અભિનેત્રીએ ફિલ્મોથી પોતાને દૂર કરી દીધી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્લાસ્ટિક સર્જરીને કારણે તેણીએ અભિનય છોડવાનું પગલું ભર્યું.

અનુ અગ્રવાલ

અનુ અગ્રવાલ પણ લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. 1990 માં અભિનેત્રી મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આશિકી’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી પણ તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને અચાનક તેમનો અકસ્માત થયો. આ પછી તેણે ફિલ્મોથી પોતાને દૂર કરી દીધા. હાલમાં, અભિનેત્રી સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે.

ઝાયરા વસીમ

બોલિવૂડ અભિનેતા આમિર ખાન સાથે ‘દંગલ’ અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને પ્રિયંકા ચોપરા સાથે ‘ધ સ્કાય ઇઝ પિંક’ જેવી ફિલ્મોથી ઓળખ મેળવનાર ઝાયરા વસીમે અચાનક ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધાર્મિક માન્યતાઓ સાથેના સંઘર્ષને કારણે તેમણે નાની ઉંમરે જ અભિનય છોડી દીધો હતો.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા 9 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

અમદાવાદના સૌથી વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને લઈ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બ્રિજને તોડીને નવો બનાવવાની યોજના હતી, પરંતુ હવે માત્ર તેને તોડવાનો નિર્ણય લેવાયો છે. આ ડિમોલિશન માટે AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે 9.31 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર જાહેર કર્યું છે. આ બ્રિજ, જે 50 કરોડ રૂપિયાના ખર્ચે 2017માં બન્યો હતો, છેલ્લા ત્રણ વર્ષથી નાગરિકોની અવરજવર માટે બંધ છે, કારણ કે તેમાં ગંભીર માળખાકીય ખામીઓ જોવા મળી હતી.

હાટકેશ્વર બ્રિજ, જે ખોખરા અને CTM ચાર રસ્તાને જોડે છે, તેની ટેન્ડર પ્રક્રિયા 2014માં શરૂ થઈ, 2015માં બાંધકામ શરૂ થયું, અને 2017માં તે લોકો માટે ખુલ્લો મૂકાયો. આ પ્રોજેક્ટની જવાબદારી તત્કાલીન ભાજપના પદાધિકારીઓ અને AMCના અધિકારીઓની હતી. જોકે, બાંધકામ દરમિયાન ગુણવત્તા પર ધ્યાન આપવામાં નિષ્ફળતા સર્જાઈ. 2021થી બ્રિજમાં ડેક સેટલમેન્ટ અને કોંક્રિટની ખામીઓ દેખાવા લાગી, અને ઓગસ્ટ 2022માં તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો. IIT રુડકી અને SVNIT સુરતના નિષ્ણાતોએ બ્રિજમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થયો હોવાનું નિશ્ચિત કર્યું હતું.

રાજ્ય સરકારના 2015-16ના ઓડિટ રિપોર્ટમાં AMCના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે મિલીભગત હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે કોન્ટ્રાક્ટરે બાંધકામમાં વિલંબ કર્યો, જેના માટે 12.69 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો હતો, પરંતુ તેની વસૂલાત થઈ નહીં. ટેન્ડરની શરત મુજબ 1% ટેસ્ટિંગ ચાર્જ (38.83 લાખ રૂપિયા) બિલમાંથી બાદ કરવાનો હતો, પરંતુ આ રકમ પણ વસૂલાઈ નહીં. બાંધકામ દરમિયાન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ડિઝાઇન કન્સલ્ટન્ટ, અને પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ દ્વારા કોઈ સુપરવિઝન કે ગુણવત્તા તપાસ થઈ નહોતી. AMCના અધિકારીઓ બાંધકામ સ્થળે નિયમિત તપાસ માટે ગયા નહોતા, જેના કારણે નાણાકીય અનિયમિતતા અને ટેન્ડરની શરતોનો ભંગ થયો. ઓડિટ વિભાગે આ બાબતોની ગંભીર નોંધ લઈ કાર્યવાહીની સૂચના આપી હતી, પરંતુ AMCના અધિકારીઓએ કોઈ પગલાં લીધાં નહોતાં. દરેક તપાસમાં “સબ સલામત” હોવાનો દાવો કરવામાં આવ્યો, જે ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ હતો.

2023માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસને બ્રિજને તોડીને નવો બનાવવાની જાહેરાત કરી હતી, અને 51.7 કરોડ રૂપિયાનું ટેન્ડર જાહેર કરાયું હતું. જોકે, ત્રણ વખત ટેન્ડર જાહેર કરવા છતાં કોઈ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહીં. ચોથા ટેન્ડરમાં વિષ્ણુ પ્રકાશ આર. પુંગલિયા લિમિટેડ નામની કંપનીએ બિડ કરી, પરંતુ હવે AMCએ નવો બ્રિજ બનાવવાને બદલે માત્ર ડિમોલિશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે 9.31 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર જાહેર થયું છે, અને ડિમોલિશનની કામગીરી આગામી થોડા મહિનામાં શરૂ થવાની શક્યતા છે.

AMCએ 2023માં અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી હતી. આ ફરિયાદમાં નબળી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગ, છેતરપિંડી, અને ગુનાહિત કાવતરાનો આરોપ લગાવાયો હતો. કોન્ટ્રાક્ટર કંપનીના ચાર ડિરેક્ટર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી, અને બંને કંપનીઓને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાઈ હતી. AMCના ચાર એન્જિનિયર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચાર સામે વિભાગીય તપાસ શરૂ કરાઈ હતી.

LPG ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો કિંમત….

મુંબઈ: મે મહિનાના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા છે. ઇન્ડિયન ઓઇલે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરનો ભાવ મુંબઈમાં 1713.50 રૂપિયાને બદલે 1699 રૂપિયા થયો છે, કોલકાતામાં ભાવ 1868.50 રૂપિયાને બદલે 1851.50 રૂપિયા થયો છે, ચેન્નઈમાં ભાવ 1921.50 રૂપિયાને બદલે 1906.50 રૂપિયા થયો છે, દિલ્હીમાં નવો ભાવ 1747.50 થયો છે. અમદાવાદમાં નવો ભાવ 1765.50 રૂપિયા છે.19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટેલ, રેસ્ટોરાં, કેટરર્સ વગેરે માટે થાય છે. આવા કિસ્સામાં હોટેલ, રેસ્ટોરાં માલિકોને ફાયદો થઇ શકે છે. સરકારે 14.2 કિલોગ્રામના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે 1 મે, 2025ના રોજ, ઘરેલુ LPG સિલિન્ડર દિલ્હીમાં 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયામાં, મુંબઈમાં 852.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં 868.50, અમદાવાદમાં 860 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવ 8 એપ્રિલે અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારે ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. લગભગ એક વર્ષ પછી આ વધારો કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ દેશમાં કુલ 329 કરોડ એલપીજી કનેક્શન છે. આમાંથી 10.33 કરોડ ઉજ્જવલા યોજના 300 રૂપિયા ઓછા ભાવે સિલિન્ડર મળે છે. દક્ષિણનાં રાજ્યો (જેમ કે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ)માં, રાજ્ય યોજનાઓ પહેલાથી જ ચાલી રહી હોવાથી, ઉજ્જવલા યોજના હેઠળ ફક્ત 10 ટકા લાભાર્થીઓ જ છે.

NIAની FIRમાં હુમલામાં પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ થયાની રજૂઆત

નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે FIRમાં ખુલાસો થયો છે કે આ હુમલામાં આતંકવાદીઓએ પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ કર્યો હતો. સરહદ પારથી હેન્ડલર્સે હુમલાને અંજામ આપ્યો હતો. NIA હુમલાની યોજના ક્યાં ઘડવામાં આવી હતી, તેની તપાસ કરી રહી છે.

પહલગામ આતંકવાદી હુમલાની FIRમાં ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાં પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સે આ હુમલાનું ષડયંત્ર ઘડ્યું હતું. તેણે આતંકવાદીઓને ભારતમાં પહોંચાડવામાં મદદ કરી હતી. હેન્ડલર્સે આતંકવાદીઓને હથિયાર ઉપલબ્ધ કરાવ્યાં હતાં. આ હુમલામાં પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ થયો હતો. આ હુમલા બાદ કુલ આઠ કલમોમાં FIR નોંધી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103, 109, 61, 7, 27, 16, 18 અને 20 હેઠળ FIR નોંધવામાં આવી છે.

પહલગામ આતંકવાદી હુમલાની તપાસ NIA કરી રહી છે. NIAના ચીફ બૈસરન ખીણ પહોંચી હુમલાની તપાસ કરી રહ્યા છે. સ્થાનિકોનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે અને સંદિગ્ધોની પૂછપરછ પણ થઈ રહી છે.

આ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. એક બાજુ પાકિસ્તાન વિશ્વ સમક્ષ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે ભારત ગમે-ત્યારે તેના પર યુદ્ધ કરશે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. તેણે ઉરી અને અખનૂર સહિતના વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનની સેનાના હથિયારોનો ઉપયોગ અવારનવાર ભારત વિરુદ્ધ આતંક ફેલાવવા માટે થયો છે. જે પાકિસ્તાન આતંકવાદને સમર્થન અને પોષી રહ્યો હોવાની ખાતરી કરે છે. આતંકવાદી હુમલામાં આતંકવાદીઓની તસવીરોમાં તેમની પાસે જોવા મળેલાં હથિયારો પાકિસ્તાની સેનાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે, એમ અહેવાલ કહે છે.

‘સંગીતનો કોઈ ધર્મ નથી હોતો’,પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધ પર કવિતા કૃષ્ણમૂર્તિની પ્રતિક્રિયા

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે પીઢ ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. તેમણે કહ્યું કે સંગીતનો કોઈ ધર્મ નથી હોતો. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં પણ ઘણા પ્રતિભાશાળી કલાકારો છે, જેમને હવે તક મળવી જોઈએ.

લોકપ્રિય કલાકારોની કદર થવી જોઈએ…
કવિતાએ ઝૂમને કહ્યું,’મને લાગે છે કે સંગીતને કોઈ ભાષા કે અવરોધ નથી હોતો, તે બધું સાત સ્વર વિશે છે અને જો કોઈ કલાકાર ખૂબ જ સારો હોય અને તે લોકપ્રિય હોય તો તમારે તેમની પ્રશંસા કરવી જોઈએ અને વ્યક્તિગત રીતે મારા માટે સંગીતનો કોઈ ધર્મ નથી. કંઈ નથી, પરંતુ તે જ સમયે ભારતમાં પૂરતી પ્રતિભા છે જેને તમે ટ્રેક કરી શકો છો અને ભારતીય કલાકારોને તકો આપી શકો છો.’

પાકિસ્તાની કલાકારો વિશે ગાયકે શું કહ્યું?
તેમણે કહ્યું કે પાકિસ્તાની ગાયકો ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ દેશમાં સ્થાનિક કલાકારોની પણ ભરમાર છે. તેમણે કહ્યું, ‘પાકિસ્તાની કલાકારોએ ભારતમાં ઘણા ગીતો ગાયા છે અને લોકોએ તેમને સ્વીકાર્યા છે અને મને લાગે છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે, પરંતુ મને લાગે છે કે તમે ચોક્કસપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. ભારતીય કલાકારો યોગ્ય તકોની રાહ જોઈ રહ્યા છે, તો શા માટે તેમને પણ તક ન આપવામાં આવે.’

પહેલગામ હુમલા પર ગાયકની પ્રતિક્રિયા
સુપ્રસિદ્ધ ગાયિકાએ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાની નિંદા કરી અને કહ્યું કે આ ઘટનાએ તેમને દુઃખી અને નિરાશ કર્યા છે. તેમણે કહ્યું,’એક દેશભક્ત તરીકે હું આપણી સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયનું સમર્થન કરવા માંગુ છું. હું મારી સરકારનો આદર કરું છું. હું મારા પ્રધાનમંત્રીનો આદર કરું છું.’

પાકિસ્તાની સ્ટાર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક
આગામી સૂચના સુધી તમામ પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અનેક ફિલ્મ સંસ્થાઓએ તેમની સાથે સહયોગ કરનારા ભારતીય કલાકારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. બુધવારે સાંજે ભારત સરકારે અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઝ અને પ્રોડક્શન હાઉસના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને યુટ્યુબ ચેનલોને પણ બ્લોક કરી દીધા હતા.

 

બિલ્ડરો દ્વારા સરકારને લગાવાયો 100 કરોડ રૂપિયાનો ચૂનો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બિલ્ડરોની એક મોટા છેતરપિંડી સામે આવી છે. બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા આ ફ્રોડથી રાજ્ય સરકારને આશરે 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હકીકતમાં ગાઝિયાબાદમાં બિલ્ડરો નિયમો અને કાયદાઓની ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને રજિસ્ટ્રી કર્યા વિના જ ગ્રાહકોને ફ્લેટ હેન્ડઓવર કરી રહ્યા છે. આ છેતરપિંડી સામાન્ય લોકોની કલ્પના કરતાં પણ મોટી છે, કારણ કે તેમાં 10,000થી વધુ ફ્લેટો સામેલ છે. રજિસ્ટ્રી કર્યા વિના ફ્લેટ હેન્ડઓવર કરવાની પ્રક્રિયા પાછળ સરકારને કરોડો રૂપિયાની રેવેન્યુનું નુકસાન ભોગવવું પડ્યું છે. બિલ્ડરોના આ ફ્રોડના પર્દાફાશ બાદ હવે કડક કાર્યવાહી શરૂ થશે.

ફ્લેટની સંખ્યાની તુલનામાં ઓછી રજિસ્ટ્રીઓ

વહીવટ તંત્રે  આ મામલાની ગંભીરતા જોતાં બિલ્ડરો સામે FIR નોંધવાની તૈયારી કરી રહ્યું છે. આ છેતરપિંડીમાં મોટા બિલ્ડરો પણ સામેલ છે, જેઓએ Completion Certificate લીધા વિના જ ગ્રાહકોને ફ્લેટનાં પઝેશન આપી દીધાં હતાં. સરકારે થોડા સમય પહેલા રૂ. 10,000 અને રૂ. 25,000ના સ્ટમ્પ પેપરો બંધ કર્યા હતા. જેમના પાસે આવા સ્ટમ્પ પેપરો હતા, તેમણે સરકારને ફરિયાદ કરી કે બિલ્ડરે રજિસ્ટ્રી કર્યા વિના જ ફ્લેટનાં પઝેશન આપી દીધાં છે. આફરિયાદની તપાસમાં ખુલાસો થયો કે જિલ્લાની ફ્લેટ સંખ્યાની સરખામણીમાં રજિસ્ટ્રીઓ ઓછી છે.

આ કેસમાં બિલ્ડરોને ગ્રાહકો પાસેથી સ્ટેમ્પ પેપરની રકમ વસૂલવા છતાં પણ રજિસ્ટ્રી કરાવી ન હતી. હવે રાજ્યનો ફાઇનાન્સ અને રેવન્યુ વિભાગ આવા બિલ્ડરોને નોટિસ પાઠવવાની તૈયારીમાં છે. જો નોટિસ મળ્યા પછી પણ બિલ્ડરો રજિસ્ટ્રી નહીં કરે, તો તેમની સામે FIR નોંધાશે. ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન, ક્રોસિંગ રિપબ્લિકના ઘણા પ્રોજેક્ટ્સમાં આ ફ્રોડ ચાલી રહ્યો છે. આ ઉપરાંત, ઈંદિરાપુરમ અને સિદ્ધાર્થ વિહારમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે. અહીંના લોકો ઘણાં વર્ષોથી ફ્લેટમાં રહે છે, પરંતુ હજી સુધી તેમની રજિસ્ટ્રી થઈ નથી.

ચંડોળા તળાવમાં ડિમોલિશન ત્રીજા દિવસ પણ યથાવત્

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને પોલીસની સંયુક્ત કામગીરી હેઠળ ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશનની કામગીરી ત્રીજા દિવસે પણ યથાવત રહી. આ કામગીરીમાં ખાસ કરીને ગની પથ્થરવાળાના ઘર, દુકાનો, અને ગેરકાયદે બનાવેલી લેબર કોલોની પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ગની પથ્થરવાળાએ મિલતનગરમાં 10 નાની ઓરડીઓ સાથેની લેબર કોલોની બનાવી હતી, જેનું સંચાલન તેનો પુત્ર હુસૈન પથ્થરવાળા કરતો હતો. આ ઉપરાંત, કુખ્યાત લલ્લા બિહારી (મહમૂદ પઠાણ)ના લગભગ 5,000 ચોરસ વારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામો પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા.

અમદાવાદના ચંડોળા તળાવ, જે મોટા અને નાના તળાવ એમ બે ભાગમાં વહેંચાયેલું છે, તેની આસપાસના ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે 29 એપ્રિલ, 2025થી શરૂ થયેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં 2,000થી વધુ કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં 50થી વધુ JCB મશીનો, 60 ડમ્પર ટ્રક, અને 2,000 પોલીસ કર્મચારીઓ સહિત 20 SRP કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. વધુમાં, ગઈકાલે આ વિસ્તારમાં ગેરકાયદે વીજ દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.

ગની પથ્થરવાળાએ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે લેબર કોલોની બનાવી હતી, જેમાં 10 ઓરડીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કોલોનીનું સંચાલન તેના પુત્ર હુસૈન દ્વારા કરવામાં આવતું હતું. બીજી તરફ, લલ્લા બિહારીએ સિયાસતનગર અને બંગાળી વાસ જેવા વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો કર્યા હતા. તેના 2,000 ચોરસ વારના ફાર્મહાઉસમાં એર-કન્ડિશન્ડ રૂમ, ફુવારો, બગીચો, અને બાળકોનો રમતનો વિસ્તાર હતો. લલ્લા બિહારી બનાવટી ભાડા કરારો બનાવી, ગેરકાયદે ઘૂસણખોરોને આધાર કાર્ડ અને વીજ જોડાણો મેળવવામાં મદદ કરતો હતો. તેની પાસે 50 કાર, 250 રિક્ષા, અને ઘોડાઓ પણ હતા. પોલીસે તેની સામે FIR નોંધી છે, અને તેની સાથે તેના પુત્ર ફતેહમહમદને પણ અટકાયતમાં લેવાયો છે.

ગુજરાત હાઈકોર્ટે 29 એપ્રિલ, 2025ના રોજ આ ડિમોલિશનને મંજૂરી આપી, જણાવીને કે ચંડોળા તળાવ એક જળાશય છે, અને તેની આસપાસ કોઈ બાંધકામની મંજૂરી નથી. સરકારે કોર્ટમાં દલીલ કરી કે આ ડિમોલિશન રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી માટે જરૂરી છે, કારણ કે આ વિસ્તારમાં ગેરકાયદે ઘૂસણખોરો ઉપરાંત ડ્રગ્સ, દેહવ્યાપાર, અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્ત્વો સક્રિય હતા. 26 એપ્રિલે રાત્રે થયેલા ઓપરેશનમાં 890 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 143 બાંગ્લાદેશી નાગરિકો હોવાનું નિશ્ચિત થયું હતું.

AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી.સી. પરમારના જણાવ્યા મુજબ, લગભગ 2,000 ગેરકાયદે બાંધકામોની ઓળખ કરવામાં આવી છે, અને તેમાંથી 50% કામગીરી 29 એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ હતી. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે, જેનાથી 1.25 લાખ ચોરસ મીટરથી વધુ જમીન ખાલી કરાશે. મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનીએ જણાવ્યું કે, આ કામગીરી જળાશયની ક્ષમતા જાળવવા અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અનિવાર્ય છે. સિયાસતનગરના 18 રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, દાવો કર્યો કે તેઓ યુપી, બિહાર, અને પશ્ચિમ બંગાળના ભારતીય નાગરિકો છે અને 1970થી આ વિસ્તારમાં રહે છે. તેમણે રેશન કાર્ડ, આધાર કાર્ડ, અને ચૂંટણી ID જેવા દસ્તાવેજો રજૂ કર્યા, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી, કારણ કે તેમની પાસે બાંધકામની કોઈ કાયદેસર પરવાનગી નહોતી.

પંચાયતે ઇતિહાસ રચ્યો, WAVES 2025 માં સમાવિષ્ટ થનારી પ્રથમ સીરિઝ બની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું ઉદ્ઘાટન કર્યું. મુંબઈમાં આયોજિત વેવ્ઝ સમિટ 2025માં ‘પંચાયત’વેબ સીરિઝનું નામ સામેલ કરવામાં આવ્યું છે. પંચાયત એક મનોરંજક અને ભાવનાત્મક વેબ સીરિઝ છે જે ઉત્તર પ્રદેશના ફુલેરા ગામની વાર્તા કહે છે.તેમાં, અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર), જે એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, તે ગ્રામ પંચાયતનો સચિવ બને છે.

‘પંચાયત’ સીરિઝ શેના પર આધારિત છે?
વેવ્સમાં પંચાયત વેબ સીરિઝ ઉમેરવામાં આવી છે. આ સીરિઝ ગ્રામીણ જીવન, રાજકારણ અને સંબંધો પર હળવી નજર નાખે છે. નીના ગુપ્તા (મંજુ દેવી), રઘુબીર યાદવ (બ્રિજ ભૂષણ) અને ચંદન રોય (વિકાસ) જેવા કલાકારો તેની સીઝનમાં કામ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેની ત્રણ સીઝન રિલીઝ થઈ ચૂકી છે.

વેવ્સ 2025 શું છે?
વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) 2025 1 થી 4 મે દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ચાલશે. આ એક મોટો કાર્યક્રમ છે જ્યાં ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને વાર્તાકારો ફિલ્મો, વેબ સિરીઝ અને ડિજિટલ સામગ્રીના ભવિષ્ય વિશે ચર્ચા કરવા માટે ભેગા થશે. તેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રજનીકાંત, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ શામેલ હશે.

પંચાયતનું ખાસ સત્ર
WAVES 2025 ના ત્રીજા દિવસે ‘મેકિંગ ઓફ પંચાયત: ગ્રાસરુટ્સ સ્ટોરીટેલિંગ’ નામનો સત્ર યોજાશે. આમાં, જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ અને ફૈઝલ મલિક પંચાયતની વાર્તા અને પ્રાદેશિક વાર્તાઓના મહત્વ વિશે વાત કરશે. આ સત્રમાં ડિજિટલ મીડિયામાં શોના યોગદાનનું સન્માન કરવામાં આવશે.