Home Blog Page 776

૧૨ જુલાઈ ૨૦૨૫

પંચાંગ 12/07/2025

નવસારી ફેમસ પાંઉ બટેટા

સ્ટ્રીટ ફુડ કોઈપણ જગ્યાનું હોય, તે સ્વાદિષ્ટ જ હોય છે. નવસારીનું ફેમસ સ્ટ્રીટ ફુડ પાંઉ બટેટા તમે નાસ્તામાં કે જમવામાં પણ બનાવી શકો છો!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 4
  • સૂકા ધાણા 2 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • કડી પત્તાના પાન 10
  • તેલ 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાં અધકચરા વાટેલાં ½ ટે.સ્પૂન
  • લસણ ખમણેલું 1 ટે.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન
  • ગરમ મસાલો અથવા પાઉંભાજીનો મસાલો 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન

પાઉં શેકવા માટેઃ સમારેલી કોથમીર 1 કપ, માખણ, પાઉંભાજીનો મસાલો, પાઉં

ચટણી માટેઃ

  • તીખા લીલા મરચાં 4
  • લસણની કળી 7-8
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • દાંડા સહિતની કોથમીર ધોઈને મોટા ટુકડામાં સમારેલી,
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • બરફનો ટુકડો 1

રીતઃ સૂકા ધાણાને એક પેનમાં શેકી લઈ ઠંડા થાય એટલે અધકચરા વાટી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તેમજ જીરૂનો વઘાર કર્યા બાદ તેમાં કળીપત્તાના પાન ઉમેરીને અધકચરા વાટેલાં આદુ-મરચાં તેમજ ખમણેલું લસણ 2 મિનિટ સાંતળીને હળદર ઉમેરી લીધા બાદ અધકચરા વાટેલાં સૂકા ધાણા મેળવી દો. એકાદ મિનિટ શેકાયા બાદ બાફેલા બટેટા છોલીને નાના ટુકડામાં સમારીને ઉમેરી દો.

હવે તેની ઉપર સમારેલી કોથમીર ભભરાવીને સ્વાદ મુજબ મીઠું બટેટામાં મેળવીને ફરીથી થોડીવાર સાંતળી લીધા બાદ 2 કપ પાણી ઉમેરી, કઢાઈ ઢાંકીને 10 મિનિટ ધીમા તાપે શાક થવા દો.

ચટણી બનાવવા માટે મિક્સીમાં લીલા મરચાં, લસણની કળી, આદુના ટુકડા, દાંડા સહિતની કોથમીર, જીરૂ, કાળું મીઠું ફક્ત ¼ ટી.સ્પૂન કે તેથી થોડું ઓછું, 1 બરફનો ટુકડો ઉમેરીને તેમાં જરૂર મુજબ સાદું મીઠું મેળવીને આ ચટણી પીસી લો.

બટેટાનું શાક 10 મિનિટ બાદ સહેજ ઘટ્ટ થયું હશે, તેમાં વાટેલી લીલી ચટણી 1 ટે.સ્પૂન મેળવી દો. તેમાં પાઉંભાજીનો મસાલો 1 ટી.સ્પૂન તેમજ સહેજ ખાંડ મેળવી, થોડી સમારેલી કોથમીર ભભરાવીને ફરીથી ઢાંકીને 2-3 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દો.

બધા પાંઉને બે ભાગમાં કટ કરી લો.

એક તવો ગરમ કરી તેમાં 1 ચમચી માખણ ગરમ કરવા મૂકી તેની ઉપર 1 ચમચી સમારેલી કોથમીર, ¼ ચમચી પાઉંભાજીનો મસાલો મેળવીને 1થી 2 પાંઉને ઉપરથી બંને બાજુએ વારાફરતે માખણ લાગે તે રીતે ફેરવીને ગરમ કરી લો. પછી અંદરની બાજુ તવામાં ફેરવી લો. જેથી અંદરથી પણ માખણ પાંઉમાં લાગે. આ રીતે બધા પાંઉ ગરમ કરી લો.

આ ગરમાગરમ પાંઉ, બટેટાના રસાવાળા લીલા શાક, બનાવેલી લીલી ચટણી તેમજ કાંદાના કચૂંબર સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

 

મહારાષ્ટ્ર: કેન્ટીનમાં મારામારીના કેસમાં ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ કેસ દાખલ

શિવસેનાના ધારાસભ્ય દ્વારા ધારાસભ્ય છાત્રાલયની કેન્ટીનમાં કેન્ટીન કર્મચારી પર હુમલો કરવાના મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. મુંબઈ પોલીસે આ કેસમાં શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરવા માટે પોલીસે ઔપચારિક ફરિયાદની રાહ જોવાની જરૂર નથી. પોલીસે આ મામલાની તપાસ કરવી જોઈએ. જો તે ગુનો હોય, તો યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કેન્ટીનના કર્મચારીને માર માર્યો હતો અને તેના પર ખરાબ ગુણવત્તાવાળા ભોજનનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સંજય ગાયકવાડ સરકાર અને વિપક્ષના નિશાના પર આવી ગયા હતા. તાજેતરમાં, મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે આવા વર્તનથી ધારાસભ્યો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે તે અંગે ખોટો સંદેશ મળે છે. તે જ સમયે, ગૃહ રાજ્યમંત્રી અને શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમે કહ્યું હતું કે પોલીસ ગાયકવાડ સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં, કારણ કે આ સંદર્ભમાં તેમની સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ અંગે શુક્રવારે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે કેન્ટીન કર્મચારી પર હુમલો કરવાના કેસમાં શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ બિન-દખલપાત્ર ગુનો નોંધવામાં આવી રહ્યો છે. તેમની સામે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ, સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પોલીસે હુમલાની તપાસ કરવી જોઈએ. તપાસ શરૂ કરવા માટે ફરિયાદની જરૂર નથી. જો તે દખલપાત્ર ગુનો હોય, તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે. એ સમજવું મહત્વપૂર્ણ છે કે કેટલાક ગુનાઓ દખલપાત્ર હોય છે, જ્યારે કેટલાક બિન-દખલપાત્ર હોય છે. બળના ઉપયોગના આધારે ગુનાની શ્રેણી નક્કી કરવામાં આવે છે. પોલીસને તેમનું કામ કરવા દો, તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.

શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય ગાયકવાડ પર મંગળવારે રાત્રે મુંબઈ ધારાસભ્ય છાત્રાલયના કેન્ટીન કર્મચારીને ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કર્યા બાદ થપ્પડ મારવાનો આરોપ છે. આ ઘટના આકાશવાણી ધારાસભ્ય છાત્રાલયમાં બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં, ગાયકવાડ કર્મચારી સામે અપશબ્દોનો ઉપયોગ કરતા અને બિલ ન ચૂકવવાની ધમકી આપતા અને પછી સેલ્સ કાઉન્ટર પર બેઠેલા કર્મચારીને થપ્પડ મારતા જોવા મળે છે. આ ઘટના બાદ, બુલઢાણાના ધારાસભ્ય ગાયકવાડે કહ્યું કે તેમને નબળી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવ્યું હતું અને તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલુ સત્રમાં આ મુદ્દો ઉઠાવશે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ બુધવારે સાંજે કેન્ટીન ચલાવતા કેટરર્સનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું. સરકારે કહ્યું કે નિરીક્ષણ દરમિયાન, કેન્ટીનમાં ખાદ્ય સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન જોવા મળ્યું.

NDDB ચેરમેન ડૉ. મીનેશ શાહ વિઝનરી લીડરશિપ એવોર્ડ 2025થી સન્માનિત

આણંદ: 9 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીમાં એગ્રીકલ્ચર ટુડે ગ્રૂપ દ્વારા 16મા એગ્રીકલ્ચર લીડરશિપ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડૉ. મીનેશ શાહને વિઝનરી લીડરશિપ એવોર્ડ 2025થી સન્માનિત કર્યા હતા. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહ દેવ, ઉત્તર પ્રદેશ સરકારના પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી ધર્મપાલ સિંહ તથા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. સદાશિવમ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ડૉ. મીનેશ શાહને એનાયત કરવામાં આવેલો આ પુરસ્કાર ડેરી અને સંલગ્ન ક્ષેત્રોમાં તેમના અસાધારણ નેતૃત્વ અને પરિવર્તનકારી યોગદાનોનો એક પુરાવો છે. ખેડૂતો-કેન્દ્રિત અને ટેક્નોલોજી-આધારિત ઉકેલોને આગળ વધારવાની તેમની અડગ કટિબદ્ધતાએ ગ્રામ્ય વિસ્તારોમાં આજીવિકાને વધારવામાં અને ભારતના કૃષિ અર્થતંત્રના વિકાસનો માર્ગ મોકળો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કૃષિના વિકાસને પ્રોત્સાહન આપવાની અને ગ્રામ્ય વિસ્તારોની સમૃદ્ધિને વેગ આપવાની ડૉ. મીનેશ શાહની નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે.ડૉ. મીનેશ શાહ જણાવ્યું હતું કે, ‘આ સન્માન પ્રાપ્ત થવાથી અમારા ખેડૂતોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે નિરંતર કામ કરવાની મારામાં વધુ મોટી જવાબદારીની ભાવના જાગૃત થઈ છે. હું આ પુરસ્કાર તમામ ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ અને NDDB તેમજ તેની આનુષંગિક સંસ્થાઓમાં કાર્યરત મારા સાથીદારોને સમર્પિત કરું છું, આ સન્માન જેટલું મારું છે તેટલું જ તમારું પણ છે.’

કલા અને સંસ્કૃતિની ભવ્ય પહેલ ‘અભિવ્યક્તિ’ હવે ભુજમાં

ભુજ: “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ” હવે કચ્છમાં પોતાની પ્રથમ આવૃત્તિ રજૂ કરશે. ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા “અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ” ભુજની કલાપ્રેમી જનતા માટે ચાર અદ્દભૂત પ્રસ્તુતિઓ રજૂ કરવાની છે, જે દર્શકો માટે તદ્દન નિઃશુલ્ક રહેશે. આ બે દિવસીય કાર્યક્રમમાં 12 જુલાઈ અને 13 જુલાઈના રોજ ટાઉન હોલ ખાતે નાટ્ય, નૃત્ય અને સંગીતની આકર્ષક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.12મી જુલાઈના રોજ ખુશી લંગાલિયા દ્વારા ભરતનાટ્યમ નૃત્ય “નર્મપ્રવાહ” રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ પ્રિયાંક ઉપાધ્યાય દ્વારા આધ્યાત્મિક પ્રાયોગિક નાટક “શૂન્યાવતાર” રજૂ કરવામાં આવશે. જ્યારે 13મી જુલાઈના રોજ, અનન્યા વૈદ્ય દ્વારા પ્રાયોગિક-આધુનિક લોકનાટક “વહી કહાની, ફિર” અને હાર્દિક દવે દ્વારા લોક સંગીતની પ્રસ્તુતિ “શબ્દ પરિક્રમા” રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શન દરેક શૈલીના પ્રખ્યાત કલા ક્યુરેટરો દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે. જેમાં સંગીત ક્ષેત્રે ભાર્ગવ પુરોહિત, રંગભૂમિમાં ચિરાગ મોદી અને નૃત્યમાં જયમિલ જોશી ક્યુરેટર રહ્યા હતા, જયારે મેન્ટર તરીકે કલા ક્ષેત્રના પ્રખ્યાત નામો – રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટક) અને મૌલિક અને ઇશિરા (નૃત્ય) નો સમાવેશ થાય છે.વર્ષ 2018માં અમદાવાદથી શરૂ થયેલ “અભિવ્યક્તિ”એ અત્યાર સુધીમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરત ખાતે કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી છે. યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિના મંચ ઉપર અત્યાર સુધી દેશભરમાંથી 1979 કલાકારોએ પોતાની કલા રજૂ કરી છે. તેમજ અભિવ્યક્તિના આ મંચ અત્યાર સુધી 6.19 લાખથી વધુ કલાપ્રેમીઓની પ્રશંસા મેળવી છે.

IT શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ 690 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 25,150ની  નીચે સરક્યો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ હતું TCSનાં નિરાશાજનક ત્રિમાસિક પરિણામો બાદ IT શેરોમાં નોંધપાત્ર વેચવાલી ફરી વળી હતી.  એ સાથે-સાથે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય બજાર તરફથી મળેલા નબળા સંકેતોએ પણ રોકાણકારોની ચિંતાઓ વધારી હતી.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સંશયને કારણે મંત્રાલય એક ટીમ અમેરિકા મોકલશે, જેથી વેપાર કરાર અંગે ચર્ચા કરી શકાય. અમેરિકા દ્વારા પહેલી ઓગસ્ટ સુધી વધારાની ડ્યૂટી ટાળવામાં આવી છે, પણ ત્યાર પછી શું થશે તે સ્પષ્ટ નથી. આ અનિશ્ચિતતાએ રોકાણકારોને સતર્ક બનાવી દીધા છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પરથી આયાત પર 35 ટકા ટેક્સ લગાવવાની વાત કરી છે. તેમ જ અન્ય દેશો પર પણ 15–20 ટકાના નવા ટેરિફ લાગુ કરવાનો સંકેત આપ્યો છે. જેને કારણે વૈશ્વિક વેપાર યુદ્ધની ચિંતાઓ ફરી વધી છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 3 ટકા સુધીનો કાપ મૂકે. જેને કારણે ફેડની સ્વતંત્રતાને લઈને પ્રશ્નો ઊઠી રહ્યા છે, જે બજારની સ્થિરતા માટે ખતરો સાબિત થઈ શકે છે. આ સાથે વોલેટિલિટી ઇન્ડેક્સ લગભગ  બે ટકા વધીને 11.87 પર પહોંચ્યો છે. તેનો અર્થ એ છે કે બજારમાં ગભરાટ અને તેજ ઉતાર-ચઢાવની સંભાવના વધી  છે.

રોકાણકારોના રૂ. 3.63 લાખ કરોડ ડૂબ્યા

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 11 જુલાઈએ ઘટીને રૂ. 456.62 લાખ કરોડ થયું છે, જે અગાઉ 10 જુલાઈએ રૂ. 460.25 લાખ કરોડ હતું. આ રીતે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ રૂ.3.63 લાખ કરોડનો ઘટાડો થયો છે.

BSE પર કુલ 4165 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2450 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1557 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 158 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 133 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 42 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 250 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 198 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અનુપમ ખેરની ‘તનવી ધ ગ્રેટ’ જોશે, અભિનેતાએ વ્યક્ત કરી ખુશી

પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અનુપમ ખેર શુક્રવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમની આગામી ફિલ્મ “તન્વી ધ ગ્રેટ” પ્રદર્શિત કરવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મે ભારે ચર્ચા જગાવી છે.

રાષ્ટ્રપતિ માટે આયોજિત ખાસ સ્ક્રીનિંગ વિશે IANS સાથે વાત કરતા અનુપમે કહ્યું,”અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કારણ કે મને લાગે છે કે રાષ્ટ્રપતિને અમારી ફિલ્મ ગમશે. તે કોઈથી પાછળ નથી. મારો મતલબ, તે ક્યાંથી આવી છે? અને આજે, તે આપણા દેશમાં સર્વોચ્ચ પદ પર છે અને તેનું કદ ખૂબ મોટું છે. મને લાગે છે કે તે અદ્ભુત રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું, “સાચું કહું તો, અમે તે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તે અમારી ફિલ્મ જોશે.”

રાષ્ટ્રપતિ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર (RBCC) ખાતે આયોજિત એક ખાસ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોશે. સ્ક્રીનિંગમાં તન્વી, કરણ ટેકર, બોમન ઈરાનીનું પાત્ર ભજવનાર નવોદિત કલાકાર શુભાંગી, સહ-લેખકો અંકુર અને અભિષેક તેમજ ફિલ્મની ટીમ હાજર રહેશે. ફિલ્મમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાના મજબૂત કલાકારો જેમ કે જેકી શ્રોફ, અરવિંદ સ્વામી, પલ્લવી જોશી, નાસેર, અનુપમ ખેર અને ઇયાન ગ્લેન પણ છે. ફિલ્મમાં બે ઓસ્કાર વિજેતાઓ, સંગીત નિર્દેશક એમ.એમ. કીરવાની અને સાઉન્ડ ડિઝાઇનર રસુલ પુકુટ્ટી પણ છે.

‘તન્વી ધ ગ્રેટ’નું નિર્માણ અનુપમ ખેર સ્ટુડિયો દ્વારા NFDC ના સહયોગથી કરવામાં આવ્યું છે. વૈશ્વિક વિતરણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની આગેવાની હેઠળની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને અનિલ થડાનીની આગેવાની હેઠળની AA ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ‘તન્વી ધ ગ્રેટ’ 18 જુલાઈના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ઓટીઝમ સ્પેક્ટ્રમ ધરાવતી 21 વર્ષીય મહિલા તન્વી રૈના પર આધારિત છે, જે તેની માતા વિદ્યા અને દાદા કર્નલ પ્રતાપ રૈના સાથે રહે છે. આ ફિલ્મ ભારતીય સેનાની બહાદુરીની ગાથા દર્શાવે છે.

શાંતિ, સાધગી અને આધ્યાત્મની અનોખી દુનિયા એટલે આમિશ સમુદાયનો વસવાટ.

અદાણી સ્વાસ્થ્ય સંભાળ માટે વિશ્વ કક્ષાની પ્રથમ AI-ઇકોસિસ્ટમ્સ બનાવશે

મુંબઈઃ અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વભરના વિખ્યાત તબીબોને સંબોધન કરતાં ભારતમાં સ્વાસ્થ્ય સંભાળ માટે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સિસ્ટમને વ્યાપક બનાવવા તેની ફરીથી ડિઝાઇન કરવાની ભારપૂર્વક હિમાયત કરી છે.

મુંબઇમાં તાજ મહેલ પેલેસ હોટેલમાં એશિયા પેસિફિક (SMIS-AP)ની સોસાયટી ફોર મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરીની પાંચમી વાર્ષિક પરિષદને સંબોધતાં ગૌતમ અદાણીએ નાગરિકોને પરવડે તેવા વિસ્તરણીય અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્ટિસને જોડતી  પ્રથમ AI- મલ્ટિ-ડિસિપ્લિનરી હેલ્થકેર ઇકોસિસ્ટમ્સના નિર્માણ કરવાની યોજનાઓની વિસ્તૃત  રૂપરેખા આપી હતી.

તેમણે કહ્યું હતું કે આપણે અહીં આવતી કાલના ભારતની સ્વાસ્થ્ય સંભાળ માટે એક સંકલિત, બુદ્ધિશાળી, સમાવેશક અને પ્રેરિત સિસ્ટમનું નિર્માણ કરવા માટે એકત્ર થયા છીએ. ભારતમાં દિવ્યાંગતાના મુખ્ય કારણ તરીકે પીઠનો દુખાવો ટાંકીને અદાણીએ ડાયાબિટીઝ અથવા હૃદયરોગ કરતાં વધુ વ્યાપક સંકટ કરોડરજ્જુનું હોવા તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું હતું કે જો આપણે આપણી રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાનો સંપૂર્ણ બોજ વહન કરવો હોય તો આપણે પહેલાં આપણા નાગરિકોની કરોડરજ્જુને સાજી કરવી જ જોઈએ. તેમણે અહીં એકત્ર થયેલા કરોડરજ્જુના સર્જનો અને નિષ્ણાતોના વૈશ્વિક મેળાવડામાં તેમણે તબીબોને માત્ર વ્યવસાયના અગ્રણી જ નહીં બની રહેવા, પરંતુ રાષ્ટ્રના નિર્માતાઓ બનવા વિનંતી કરી હતી.

અદાણી હેલ્થકેર મંદિરોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે પ્રથમ અમદાવાદ અને મુંબઇમાં 1000-બેડના સંકલિત તબીબી કેમ્પસની સ્થાપના કરવામાં આવશે. આ કેમ્પસ વિશ્વ કક્ષાના અને આમ નાગરિકોને પોષાય તેવી AI-પ્રથમ હેલ્થકેર ઇકોસિસ્ટમ્સ હશે જેની રચના રોગચાળા કે કટોકટીના સંજોગોમાં ઝડપથી વિસ્તારી શકાય તેવું મોડ્યુલર, સ્કેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું હશે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે આ કેમ્પસ ક્લિનિકલ કેર, સંશોધન અને શૈક્ષણિક તાલીમ માટેના શ્રેષ્ઠ કેન્દ્રો તરીકે સેવા આપશે. અદાણીએ ઉમેર્યું હતું કે સ્વાસ્થ્ય સંભાળને વધુ અપગ્રેડ્સની જરૂર નથી. પરંતુ તેને બુદ્ધિ અને સહાનુભૂતિના મૂળમાં રહેલી ક્રાંતિની જરૂર છે.

સરકાર અને વિશ્વ આરોગ્ય સંગઠ્ઠન સાથે જોડાયેલા વિશ્લેષણ દર્શાવે છે કે ભારત પાસે 10,000 લોકો દીઠ હાલમાં ફક્ત 20.6 ડોકટર, નર્સો અને મિડવાઇફ છે જે ડબ્લ્યુએચઓના બેંચમાર્ક 10,000 દીઠ 44.5થી ઘણો નીચે છે.આ અછત એક સંપૂર્ણ ગ્રામીણ -શહેરી અસંતુલન દ્વારા વધે છે ખાસ કરીને અનિચ્છનીય ગ્રામીણ સમુદાયોને છોડીને લગભગ 74 ટકા ડોકટરો શહેરી વિસ્તારોમાં પ્રેક્ટિસ કરે છે.

 નોંધઃ- અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ તાજ મહેલ, મુંબઇમાં સોસાયટી ફોર મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી વિષે એશિયા પેસિફિકની પાંચમી કોન્ફરન્સમાં કરેલું સંબોધન.