Home Blog Page 749

મહેન્દ્ર સિંહ ધોનીના હસ્તે ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરનું ઉદ્ઘાટન

રાંચી: ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સે શહેરમાં તેનું પ્રથમ અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ(સંકલિત) ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર શરૂ કર્યું. રાંચીના લોકો માટે આ સેન્ટર શહેરનું પ્રથમ અપગ્રેડેડ PET-CT સ્કેનર લઇને આવ્યું છે. ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને ઉત્તર પૂર્વીય રાજ્યો સહિત પૂર્વીય ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરવા માટે કોલકાતા સ્થિત પલ્સ ડાયગ્નોસ્ટિક્સ સાથે સંયુક્ત સાહસ શરૂ કર્યું છે.

આ સેન્ટરનું ઉદ્ઘાટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જી.એસ.કે. વેલુ, ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સના સી.ઈ.ઓ. અને મેનેજિંગ ડિરેક્ટર સુનૈના બિહાની તેમજ રાંચી અને સમગ્ર ભારતના જાણીતા ડોકટરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ અત્યાધુનિક સેન્ટર, એક જ છત નીચે વ્યાપક નિદાન સેવાઓ પ્રદાન કરે છે. જેમાં પેથોલોજી, રેડિયોલોજી, ન્યુક્લિયર મેડિસિન, કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને નિવારક આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે. આની સાથે જ, તે MRI, CT, PET-CT, ડિજિટલ અને પોર્ટેબલ એક્સ-રે, એડવાન્સ્ડ સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, 4D અલ્ટ્રાસાઉન્ડ, મેમોગ્રાફી, 2D ઇકો, ECG, EEG, EMG સહિત રૂટિન અને સુપર-સ્પેશિયાલિટી ટેસ્ટમાં 6,000 થી વધુ ટેસ્ટ પણ પ્રદાન કરે છે.આ સેન્ટર, નિષ્ણાત ડોકટરો, ચોક્કસ નિર્ધારિત ગુણવત્તા પ્રોટોકોલ અને અદ્યતન ટેકનોલોજી સાથે સચોટ પરિણામો સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, તેની વધારાની સર્વિસમાં રાંચીમાં હોમ સેમ્પલ કલેક્શન, હેલ્થ ચેક-અપ પેકેજો, વ્યક્તિગત જીનોમિક્સ, આખા શરીરની MRI તપાસ, ડિજિટલ સ્માર્ટ રિપોર્ટ્સ અને કન્સલ્ટેશન સપોર્ટનો સમાવેશ થાય છે.

શાકભાજી વિક્રેતાને મળી રૂ. 29 લાખની GSTની નોટિસ

બેંગલુરુઃ કર્ણાટકના હાવેરીમાં આવેલા એક શાકભાજી વિક્રેતા દુકાનદાર માટે એ સમયે અજીબ સ્થિતિ ઊભી થઈ જ્યારે તેને રૂ. 29 લાખની GST નોટિસ મોકલવામાં આવી છે અને તેને આ રકમ ચૂકવવા માટે કહેવામાં આવી. આ નોટિસ મળ્યા પછી હવે આ શાકભાજી વેચનારને સમજાતું નથી કે આટલી મોટી રકમ ચૂકવે તો કેવી રીતે?

હાવેરીના મ્યુનિસિપલ હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ નજીકના વિસ્તારમાં શંકરગૌડા છેલ્લાં ચાર વર્ષથી નાની શાકભાજીની દુકાન ચલાવી રહ્યા છે. તેના મોટા ભાગના ગ્રાહકો તેમને UPI અથવા અન્ય ડિજિટલ વોલેટ દ્વારા ચુકવણી કરે છે. પરંતુ શંકરગૌડા માટે મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ ગઈ જ્યારે GST અધિકારીઓએ તેમને ગયા ચાર વર્ષમાં કુલ રૂ. 1.63 કરોડની લેવડદેવડને આધારે રૂ. 29 લાખની નોટિસ મોકલીને ચુકવણી માટે નિર્દેશ આપ્યો.

શંકરગૌડાનું કહેવું છે કે તેઓ સીધા ખેડૂતો પાસેથી તાજી શાકભાજી લાવે છે અને પોતાની નાની દુકાન પરથી વેચે છે. તેનું કહેવું છે કે મોટા ભાગે તેના ગ્રાહકો UPIથી પેમેન્ટ કરે છે, કદાચ જ કોઈ કેશમાં પેમેન્ટ કરે. તેઓ વધુમાં કહે છે કે તેઓ દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે અને તમામ રેકોર્ડ્સ નિયમ મુજબ જ રાખે છે. તેમ છતાં આટલી અશક્ય રકમની GST નોટિસ મળતાં તેઓ આશ્ચર્યચકિત  છે.

તાજી શાકભાજી GSTના દાયરામાં આવતી નથી. જો શાકભાજી વેચનાર સીધા ખેડૂતો પાસેથી ખરીદીને કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ વિના વેચે છે, તો એના પર GST લાગુ પડતો વેપાર તરીકે ગણાતો નથી. અહેવાલ અનુસાર તાજેતરમાં કર્ણાટકના GST વિભાગે જણાવ્યું હતું કે તેઓ UPI પેમેન્ટ લેવાવાળા વેપારીઓ પર ધ્યાન આપી રહ્યા છે. તેમ જ તેવું પણ જણાવવામાં આવ્યું કે જેમનો ટર્નઓવર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે, તેમને GST રજિસ્ટ્રેશન માટે નોટિસ મોકલવામાં આવશે.

રંગબેરંગી શણગારો સાથે ધામધૂમથી ઉજવાય છે હિંડોળા ઉત્સવ

અમદાવાદ: ભગવાન કૃષ્ણના સ્વરૂપને અષાઢ વદથી શ્રાવણ વદ સતત એક મહિનો હિંડોળે ઝુલાવવાનો ઉત્સવ મંદિરોમાં ઉજવાય છે. શ્રધ્ધાળુઓ ઠાકોરજી માટે કલાત્મક ઝુલો લાવી શણગારી ઘરે પણ હિંડોળાનો ઉત્સવ ઉજવે છે. સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોરમાં પણ ભવ્ય રીતે હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.કૃષ્ણના મોટાભાગના મંદિરોમાં સાંજના શણગાર પછી હિંડોળા દર્શન શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે. કૃષ્ણના મોટાભાગના મંદિરોમાં સાંજના શણગાર પછી હિંડોળા દર્શન શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે.ફૂલો, શાકભાજી, મીનાકારી, લીલોતરી, લીલો મેવો, સુકો મેવો, કમળનો, મોતીનો, પવિત્રા, ડોલરનો, કાચનો, આર્ટિફિશિયલ ફ્લાવરનો એમ વિવિધ પ્રકારની સજાવટ સાથે ઠાકોરજીને હિંડોળે ઝુલાવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

PM મોદીને સમર્થનથી શશિ થરૂરનો કોંગ્રેસમાં બોયકોટ?

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા શશિ થરૂર હાલ પોતાની જ પાર્ટીમાં ઘેરાયેલા છે. ઓપરેશન સિંદૂર પછી તેમણે સ્વીકાર્યું હતું કે તેમની પાર્ટી સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ તેઓ આ બાબતોને વાતચીતથી ઉકેલી લેશે. હવે કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. મુરલીધરને શશિ થરૂર પર સીધો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી શશિ થરૂર પોતાનું વલણ બદલતા નથી, ત્યાં સુધી તેમને પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં નહીં આવે.

શશિ થરૂર કેરળની રાજધાની તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચોથી વખત સાંસદ બન્યા છે. તેઓ રાજ્યના રાજકારણમાં અત્યંત લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે, છતાં કે. મુરલીધરને સ્પષ્ટ કહ્યું છે કે હવે તેમને તેમના જ સંસદીય ક્ષેત્ર એટલે કે તિરુવનંતપુરમમાં કોંગ્રેસના કાર્યક્રમોમાં આમંત્રિત નહીં કરવામાં આવે.

તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી થરૂર રાષ્ટ્રીય સુરક્ષા અંગે પોતાનું વલણ બદલતા નથી, ત્યાં સુધી તેમને કોઈ પણ પાર્ટીના કાર્યક્રમમાં આમંત્રિત નહીં કરવામાં આવે. આ નિવેદન પછી હવે પ્રશ્નો ઊઠવા લાગ્યા છે કે શું કોંગ્રેસ હવે પોતાના જ દિગ્ગજ નેતાનો કેરળમાં અઘોષિત રીતે બોયકોટ કરી રહી છે?

શશિ થરૂર પર કાર્યવાહી કરશે કોંગ્રેસ હાઈકમાન્ડ?

કે. મુરલીધરને મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું  કે થરૂર હવે અમારી સાથે નથી, તેથી તેમના દ્વારા કોઈ કાર્યક્રમનો બોયકોટ કરવાનું પ્રશ્ન જ નથી. તેમણે ઉમેર્યું હતું  કે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય હોવા છતાં થરૂરને હવે અમારી વચ્ચેના સભ્ય તરીકે નહીં માનવામાં આવે. પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે કે તેમની સામે શાં પગલાં લેવામાં આવે.

વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ, કોલેજ બિલ્ડિંગ પર પડ્યું, 16ના મોત, 70 ઘાયલ

બાંગ્લાદેશ વાયુસેનાનું એક F-7 ટ્રેનર વિમાન આજે બપોરે 1:30 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે) ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર કેમ્પસની અંદર આવેલી શાળા પર પડ્યું છે, જેના કારણે શાળા અને આસપાસના વિસ્તારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે.

આ અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પોતાના જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડતા જોવા મળી રહ્યા છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, F-7 ટ્રેનર વિમાન બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને 24 મિનિટ પછી 1:30 વાગ્યે ક્રેશ થયું હતું. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી, પરંતુ અકસ્માતનું કારણ કે જાનહાનિ વિશે તાત્કાલિક માહિતી આપી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, F-7 ચીની વિમાન છે.

એપીના અહેવાલ મુજબ, સેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર વિમાન ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં એક સ્કૂલ કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને 70 ઘાયલોને 6 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ, બાંગ્લાદેશ આર્મીના કર્મચારીઓ અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને બપોરે 1:18 વાગ્યે માઇલસ્ટોન કોલેજ નજીક વિમાન ક્રેશ થવાની માહિતી મળી હતી, ત્યારબાદ ત્રણ યુનિટ ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે, જ્યારે બે અન્ય યુનિટ રસ્તા પર તૈયાર છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. જોકે, અકસ્માતના કારણ કે જાનહાનિની સંખ્યા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કેટલાક સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પોસ્ટ્સે પાઇલટની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી.

સંસદ ભવનમાં PM મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક

સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ દરમિયાન, પીએમ મોદીની અધ્યક્ષતામાં તેમના કાર્યાલયમાં સંસદ પરિસરમાં એક મોટી બેઠક ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન મેઘવાલ પણ તેમાં હાજર છે. સંસદ સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ મોદીએ કહ્યું કે આ ચોમાસુ સત્ર વિજયોત્સવ છે. આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિ જોઈ છે.

સત્ર શરૂ થાય તે પહેલાં, વડા પ્રધાન મોદીએ સંસદ પરિસરમાં ઘણી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બંધારણ બોમ્બ અને બંદૂકો પર વિજય મેળવી રહ્યું છે. નક્સલવાદ ઝડપથી ઘટી રહ્યો છે. રેડ ઝોન ધીમે ધીમે ગ્રીન ઝોનમાં ફેરવાઈ રહ્યો છે. આ સત્ર દેશ માટે ખૂબ ગર્વની વાત છે. તે વિજયોત્સવ જેવું છે. દેશના સુરક્ષા દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ 100 ટકા લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આખી દુનિયાએ આપણા સુરક્ષા દળોની તાકાત જોઈ.

દેશના હિતમાં મન એક થવું જોઈએ

ઓપરેશન સિંદૂર પછી દેશનો પક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં ગયેલા બહુપક્ષીય પ્રતિનિધિમંડળોની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રતિનિધિમંડળોએ આતંકવાદના માસ્ટર પાકિસ્તાનને ઉજાગર કર્યું છે. હું બધા સાંસદો અને પક્ષો દ્વારા દેશના હિતમાં કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરું છું. બધા પક્ષોના અલગ અલગ એજન્ડા હોય છે, મત પક્ષના હિતમાં ન હોય શકે પરંતુ મન દેશના હિતમાં એક થવું જોઈએ.

22 મિનિટમાં આતંકવાદીઓનો ખાત્મો

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ, આપણા સુરક્ષા દળોએ માત્ર 22 મિનિટમાં આતંકવાદીઓને ખતમ કરી દીધા અને તેમના ઠેકાણાઓને પણ જમીનદોસ્ત કરી દીધા. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચોમાસા સત્રમાં, બધા સાંસદો એકતા અને વિજયની ભાવનાને અવાજ ઉઠાવશે, દેશની લશ્કરી શક્તિ, જાહેર પ્રેરણા અને મેડ ઇન ઇન્ડિયા સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે.

વડાપ્રધાન મોદીએ નક્સલવાદ સામે સરકારના નિર્ણાયક પગલાંનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશમાં નક્સલવાદ લાંબા સમયથી અસ્તિત્વમાં હતો. પરંતુ આજે નક્સલવાદ સંકોચાઈ રહ્યો છે. ગઈકાલના લાલ કોરિડોર આજે વિકાસના ક્ષેત્રમાં ફેરવાઈ રહ્યા છે. સુરક્ષા દળો નક્સલવાદનો અંત લાવવાના લક્ષ્ય સાથે ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે. હું ગર્વથી કહી શકું છું કે દેશના ઘણા જિલ્લાઓ હવે નક્સલવાદમાંથી બહાર આવી ગયા છે. આપણું બંધારણ જીતી રહ્યું છે.

UPમાં 224 પોલીસ કર્મચારીઓ છ મહિનાથી ફરજ પરથી ગાયબ

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર કમિશનરેટમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં લગભગ 224 પોલીસ કર્મચારીઓ ગાયબ થયા છે. આ પોલીસ કર્મચારીઓ છેલ્લા છ મહિનાથી ડ્યૂટી પર હાજર નથી અને તેમનું કોઈ અસ્તિત્વ પણ મળતું નથી. આ મામલો પ્રકાશમાં આવતાં હડકંપ મચી ગયો છે.

કાનપુર કમિશનરેટમાં નિયુક્ત થયેલા આશરે 224 પોલીસ કર્મચારીઓ તેમની ફરજ પરથી ગાયબ છે. આ પોલીસ કર્મચારીઓ ન તો તેમના વતનમાં છે કે ન તો ઘરે. વધુમાં, તેમના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યા છે, જેને કારણે તેમનું સ્થળ જાણવું મુશ્કેલ બની રહ્યું છે. આ મામલે પોલીસ વિભાગ તરફથી બે વખત નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જેથી આટલા મોટા પાયે પોલીસ કર્મચારીઓ ગાયબ થવાને મુદ્દે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ માહિતી UP પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચાડવામાં આવી છે.

આ ગાયબ થયેલા 224 કર્મચારીઓમાં 167 પોલીસ કર્મચારીઓ છે અને 57 ટ્રાફિક વિભાગ સાથે જોડાયેલા છે. ઘણા પોલીસ કર્મચારીઓ એવી કુંભની ફરજ બાદથી પરત ફર્યા નથી, કેટલાક મેડિકલ લીવ પર ગયા હતા અને કેટલાક લગ્નને બહાને રજા પર ગયા હતા.

આ લાપતા પોલીસ કર્મચારીઓમાં 109 પુરુષ કોન્સ્ટેબલ, 57 મહિલા કોન્સ્ટેબલ, 34 પુરુષ પોલીસ કર્મચારીઓ અને 24 મહિલા કર્મચારીઓ છે.

આમાંથી 39 પોલીસ કર્મીચારીઓ પોલીસ કાર્યવાહી બાદ ડિસલોકેટ થઇ ગયા છે, 20 કર્મચારી છ મહિનાથી ગેરહાજર છે, 34 રજા લઇને ગયા, પરંતુ પરત નથી ફર્યા અને 27 રજા પછીથી ફરજ પર આવ્યા નથી. આ તમામ પોલીસ કર્મચારીઓઓને વિભાગ દ્વારા બે વખત નોટિસ મોકલવામાં આવી ચૂકી છે, છતાં પણ કોઈ જવાબ મળ્યો નથી.

ન્યાયાધીશ યશવંત વર્મા સામે શરૂ થશે મહાભિયોગની કાર્યવાહી

રોકડ કૌભાંડમાં ફસાયેલા ન્યાયાધીશ યશવંત વર્મા સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, તેમને પદ પરથી દૂર કરવા માટે. હાઈકોર્ટના ન્યાયાધીશ વર્મા તેમના નિવાસસ્થાનેથી બિનહિસાબી રોકડ મળી આવ્યા બાદ ગેરવર્તણૂકના આરોપોનો સામનો કરી રહ્યા છે.

સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે લોકસભાના 145 સાંસદોએ ન્યાયાધીશ વર્મા સામે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા. તે જ સમયે, રાજ્યસભામાં 54 સાંસદોએ હાઈકોર્ટના ન્યાયાધીશ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને ટેકો આપ્યો.

સાંસદો દ્વારા હસ્તાક્ષર કરાયેલ મેમોરેન્ડમ લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને સુપરત કરવામાં આવ્યા બાદ ન્યાયાધીશ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

અવનવા શણગાર સાથે ઉજવાઈ રહ્યો છે હિંડોળા ઉત્સવ

અમદાવાદ: અષાઢ માસ આવે એટલે વ્રત, ઉપવાસ, ઉત્સવ, આરાધના અને અનુષ્ઠાનના દિવસોની શરૂઆત થઈ જાય. ભગવાન કૃષ્ણના સ્વરૂપને અષાઢ વદ થી શ્રાવણ વદ સતત એક મહિનો હિંડોળે ઝુલાવવાનો ઉત્સવ મંદિરોમાં ઉજવાય છે. શ્રધ્ધાળુઓ ઠાકોરજી માટે કલાત્મક ઝુલો લાવી શણગારી ઘરે પણ હિંડોળાનો ઉત્સવ ઉજવે છે.

સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોરમાં પણ ભવ્ય રીતે હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

કૃષ્ણના મોટાભાગના મંદિરોમાં સાંજના શણગાર પછી હિંડોળા દર્શન શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે. મંદિરો અને તીર્થ સ્થાનોમાં ફૂલો, શાકભાજી, મીનાકારી, લીલોતરી, લીલો મેવો, સુકો મેવો, કમળનો, મોતીનો, પવિત્રા, ડોલરનો, કાચનો, આર્ટિફિશિયલ ફ્લાવરનો એમ વિવિધ પ્રકારની સજાવટ સાથે ઠાકોરજીને હિંડોળે ઝુલાવે છે.

વૈષ્ણવ મંદિરો, હવેલીઓમાં, ગામ શહેરના મોટા મંદિરોમાં હિંડોળાનું આયોજન થાય છે. જ્યાં ભગવાનને ઝુલાવવા ભક્તો ઉત્સવની જેમ ઉજવણી કરે છે. હિંડોળે ઝુલતા ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.અમદાવાદમાં વસ્ત્રાપુર હવેલી, થલતેજ, અસારવા, પાલડી જલારામ મંદિર, વલ્લભ સદન, વ્રજધામ હવેલી સેટેલાઈટ, ગોપાલ ધામ ભૂયંગદેવ, બાલકૃષ્ણ લાલજીની હવેલી મણીનગર, સોલા ભાગવત, નટવર ગોપાલની હવેલી દોશીવાડાની પોળ સહિત અનેક મંદિરો હવેલીઓમાં ભગવાનના વિવિધ હિંડોળે ઝુલી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ બમણો દંડ વસૂલવામાં આવશે

રોડ એન્જિનિયરિંગ ખામીઓ કે અન્ય કારણો ઉપરાંત, દેશભરમાં થતા માર્ગ અકસ્માતોનું એક મોટું કારણ ડ્રાઇવરોની પોતાની બેદરકારી પણ છે. દુઃખદ વાત એ છે કે દર વર્ષે થતા અંદાજે અઢી લાખ માર્ગ અકસ્માતોમાં મોટી સંખ્યામાં બાળકો પણ પોતાનો જીવ ગુમાવે છે.

તેથી, બાળકોની સલામતીની સાથે ડ્રાઇવરોને જવાબદાર બનાવવાના ઉદ્દેશ્યથી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે મોટર વાહન કાયદાને વધુ કડક બનાવવા અને બાળકો સાથે મુસાફરી કરતી વખતે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ બમણો દંડ લાદવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ સાથે, ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે કાર્યવાહી કરવાનો વિચાર પણ પ્રસ્તાવમાં શામેલ છે.

મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે

એવું કહેવાય છે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તે સમયે બાળકો (સગીરો) પણ વાહનમાં સવારી કરતા હોય, તો ઉપરોક્ત નિયમના ઉલ્લંઘન માટે નિર્ધારિત દંડની રકમ કરતાં બમણો દંડ લાદવામાં આવશે.

આ પ્રસ્તાવ ફક્ત ખાનગી વાહનો માટે જ નહીં, પરંતુ શાળાઓની માલિકીના અથવા ભાડા પર સંચાલિત વાહનો માટે પણ હશે. વાહન માલિક અને ડ્રાઇવર બંને સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે. આ સાથે, એક બીજો પ્રસ્તાવ છે કે વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોની ઓળખ કરવામાં આવે. આ માટે, મેરિટ-ડિમેરિટ પોઇન્ટ સિસ્ટમ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.