મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે હવે શાંતિના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા ૧૪ મુદ્દાઓના શાંતિ પ્રસ્તાવ પર ઈરાને આખરે પોતાનો પ્રતિસાદ આપી દીધો છે. ખાસ વાત એ છે કે, ઈરાને આ જવાબ પાકિસ્તાન મારફતે અમેરિકા સુધી પહોંચાડ્યો છે. આ અહેવાલ બાદ વિશ્વભરમાં આશા જાગી છે કે લાંબા સમયથી ચાલી રહેલું આ યુદ્ધ કદાચ વિરામ તરફ આગળ વધી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર ઈરાનનું વલણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે ઈરાન ટૂંક સમયમાં અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવો અને યુદ્ધ જેવી સ્થિતિનો અંત લાવવાનો છે. ૧૪ મુદ્દાઓના આ એક પાનાના પ્રસ્તાવમાં ઈરાનની અણુ ગતિવિધિઓ પર અંકુશ અને તેના બદલામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ તેમજ ઈરાનની ફ્રીઝ કરાયેલી અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ઈરાનના જવાબની સાથે જ ત્યાંના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટ કર્યું છે કે, તેઓ દુશ્મન સામે ક્યારેય માથું ઝુકાવશે નહીં. તેમણે જણાવ્યું કે જો વાતચીતનો માર્ગ અપનાવવામાં આવે છે, તો તેનો અર્થ આત્મસમર્પણ નથી, પરંતુ ઈરાનના અધિકારો અને રાષ્ટ્રીય હિતોની મજબૂતી સાથે રક્ષા કરવાનો છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું રાજકીય પગલું ભરતા પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. રવિવારે લખનૌના જનભવન ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. આ વિસ્તરણમાં ખાસ કરીને સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં 2 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે જ્યારે 6 નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળ્યું છે.
કોણે લીધા મંત્રી પદના શપથ?
રાજ્યપાલ દ્વારા જનભવનમાં તમામ નેતાઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ લેનારા નેતાઓમાં નીચે મુજબના નામ સામેલ છે:
ભૂપેન્દ્ર ચૌધરી
મનોજ પાંડે
અજીત પાલ
સોમેન્દ્ર તોમર
કૃષ્ણા પાસવાન
સુરેન્દ્ર દિલેર
હંસરાજ વિશ્વકર્મા (રાજ્ય મંત્રી)
કૈલાશ રાજપૂત (રાજ્ય મંત્રી)
આ યાદીમાં હંસરાજ વિશ્વકર્મા અને કૈલાશ રાજપૂતને રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે, જ્યારે અન્ય નેતાઓને કેબિનેટ અને સ્વતંત્ર પ્રભારના મંત્રી બનાવવામાં આવ્યા છે.
તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. તમિલગા વેત્રી કઝગમ (TVK) ના અધ્યક્ષ સી. જોસેફ વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ છેલ્લા ૬૦ વર્ષથી તમિલનાડુની સત્તા પર વારાફરતી રાજ કરતા બે મુખ્ય પક્ષો – DMK અને AIADMK ના શાસનનો દૌર સમાપ્ત થયો છે. ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
Chennai, Tamil Nadu: TVK Chief and Chief Minister-designate Vijay received Governor Rajendra Arlekar at Jawaharlal Nehru Stadium to administer the oath of office
રવિવારે સવારે ૧૦ વાગ્યા પછી યોજાયેલા આ કાર્યક્રમમાં વિજયની સાથે અન્ય ૯ મહાનુભાવોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ‘બુસી’ એન. આનંદ, આધવ અર્જુના, કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી. વેંકટમણન, સીટીઆર નિર્મલકુમાર, એ. રાજમોહન, ટી. કે. પ્રભુ અને એસ. કીર્તનાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વિજયના નેતૃત્વવાળી આ સરકાર કોંગ્રેસના સહયોગથી બનેલી ગઠબંધન સરકાર છે. રાજ્યપાલે નવી સરકારને ૧૩ મે સુધીમાં વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કરવા સૂચના આપી છે.
Chennai, Tamil Nadu: Chief Minister Vijay officially assumed charge as the Chief Minister of Tamil Nadu at the Tamil Nadu Secretariat
તમિલનાડુ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ૧૧૮ ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વિજયની પાર્ટી TVK ને વીસીકે (VCK) અને આઈયુએમએલ (IUML) એ બિનશરતી સમર્થન જાહેર કર્યું છે. આ બંને પક્ષો પાસે બબ્બે ધારાસભ્યો છે. હવે વિજય પાસે કુલ ૧૨૦ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બહુમતીના આંકડાથી વધુ છે. આ જીત અને સમર્થન સાથે વિજયે રાજ્યમાં એક નવા રાજકીય સમીકરણની શરૂઆત કરી છે.
દિગ્ગજ નેતાઓની હાજરી
આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે દેશના અનેક દિગ્ગજ નેતાઓ ચેન્નાઈ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બનાવ્યો હતો. ચાહકો અને સમર્થકોની ભારે ભીડ વચ્ચે વિજયે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળીને રાજ્યમાં સામાજિક ન્યાય અને પરિવર્તનનો વાયરો ફૂંક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારે બેંગલુરુના બાહ્ય વિસ્તારમાં યોજાનારા નિર્ધારિત કાર્યક્રમ પહેલા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. કાર્યક્રમ સ્થળની નજીક ફૂટપાથ પરથી વિસ્ફોટક બનાવવામાં વપરાતી બે જિલેટીન સ્ટિક્સ મળી આવતા સુરક્ષામાં ગંભીર ખામી હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના આગમન પહેલા રવિવારે સવારે જ્યારે સુરક્ષા એજન્સીઓ કાગલીપુરા વિસ્તારમાં તપાસ કરી રહી હતી, ત્યારે આશ્રમ પાસે ફૂટપાથના કિનારેથી આ જિલેટીન સ્ટિક્સ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળ મુખ્ય કાર્યક્રમ સ્થળથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જ છે. ઘટનાની ગંભીરતા જોઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફોરેન્સિક ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને આ પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તમામ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કર્યા બાદ, વડાપ્રધાન મોદીએ ‘આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન’ના 45 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો. શ્રી શ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં પીએમ મોદીએ નવા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે આ સંસ્થાની સેવા, આધ્યાત્મિકતા અને સામાજિક પરિવર્તનમાં આપેલી ભૂમિકાના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
11 મે એટલે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, સાથે જ ભારત માટે ગૌરવ અને વિજ્ઞાનના વિજયનો દિવસ. આ દિવસે ભારત પોતાની ટેકનોલોજીકલ શક્તિનું પ્રદર્શન કરે છે અને દેશના વૈજ્ઞાનિકોની મહેનતને સલામ કરે છે.
1998માં પોખરણમાં ભારતે અણુ પરીક્ષણ કરીને વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું, ત્યારથી લઈને આજ સુધી ટેકનોલોજીની આ સફર અટકી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ક્રાંતિકારી ટેકનોલોજી ઉભરી આવી છે જેણે દુનિયાના નકશા પર પ્રગતિની નવી વ્યાખ્યા લખી છે.
આવો જાણીએ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે એ પાંચ ટેકનોલોજી વિશે જેણે વૈશ્વિક સ્તરે માનવ જીવન અને ભવિષ્યની દિશા બદલી.
કેમથાય છે આ દિવસની ઉજવણી દિવસ?
ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના રહેલી છે. 11 મે, 1998માં ભારતે રાજસ્થાનના પોખરણમાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેને ‘ઓપરેશન શક્તિ’ નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દ્વારા ભારતે દુનિયાને બતાવી દીધું કે એ ટેકનોલોજી અને સંરક્ષણ બાબતે કોઈ પર નિર્ભર નથી. આ ભવ્ય સિદ્ધિની યાદમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 11 મે ને ‘નેશનલ ટેકનોલોજી ડે’ તરીકે જાહેર કર્યો હતો. 1999થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજીને બિરદાવવાનો અને યુવાનોને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરિત કરવાનો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાયો તો 1950ના દાયકામાં જોન મેકકાર્થી અને એલન ટ્યુરિંગ જેવા ગણિતશાસ્ત્રીઓએ નાખ્યો હતો, પરંતુ છેલ્લા એક દાયકામાં ‘ડીપ લર્નિંગ’ અને ડેટાની ઉપલબ્ધતાને કારણે એમાં ક્રાંતિ આવી છે. ખાસ કરીને ઓપનએઆઈ દ્વારા નવેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવેલા ChatGPT (ચેટજીપીટી) એ આ ટેકનોલોજીને સામાન્ય માણસ સુધી પહોંચાડી દીધી છે. એઆઈ દ્વારા મશીનો હવે માત્ર ગણતરી નથી કરતા, પરંતુ માણસની જેમ શીખીને નવા આઈડિયા પણ આપે છે. એનાથી ઉદ્યોગોમાં ઓટોમેશન આવ્યું છે, મેડિકલ ક્ષેત્રે અનેક જીવલેણ રોગોનું વહેલું નિદાન શક્ય બન્યું છે. સાથે જ ગૂગલ આસિસ્ટન્ટ કે સિરી જેવા ટૂલ્સથી રોજિંદું જીવન સરળ બન્યું છે. ડેટા પ્રોસેસિંગની આ ઝડપે દુનિયામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ સચોટ અને ઝડપી બનાવી દીધી છે.
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain)
કહેવાય છે બ્લોકચેન ટેકનોલોજીની શરૂઆત 2008માં ‘સતોશી નાકામોટો’ નામના વ્યક્તિ કે સમૂહ દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિટકોઈન જેવી ડિજિટલ કરન્સી માટે સુરક્ષિત માધ્યમ પૂરું પાડવાનો હતો. આ ટેકનોલોજી એટલે ડેટાની એક એવી સાંકળ કે જેમાં કોઈ એક જગ્યાએ ફેરફાર કરવો અશક્ય છે. એના કારણે બેંકિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં ત્રીજા પક્ષ એટલે કે વચેટિયા વગર વ્યવહારો સુરક્ષિત બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર નાણાકીય લેવડદેવડ પૂરતો નથી રહ્યો, પરંતુ જમીનના દસ્તાવેજોના ડિજિટાઈઝેશન, સપ્લાય ચેઈન અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પણ થઈ રહ્યો છે. એની અસરથી ડેટા સુરક્ષા અને પારદર્શિતાના ક્ષેત્રમાં એક નવો વિશ્વાસ પેદા થયો છે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT)
IOT શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1999માં કેવિન એશ્ટન દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈ-સ્પીડ ઈન્ટરનેટના આગમન પછી આ ટેકનોલોજી છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વધુ સક્રિય થઈ છે. આ ટેકનોલોજી ભૌતિક વસ્તુઓને સેન્સર્સ અને સોફ્ટવેર દ્વારા ઈન્ટરનેટ સાથે જોડે છે, જેથી વસ્તુઓ એકબીજા સાથે ડેટા શેર કરી શકે. એનાથી ‘સ્માર્ટ હોમ’ની કલ્પના સાકાર થઈ છે, જ્યાં લાઈટ, પંખા કે દરવાજા તમારા સ્માર્ટફોનથી ઓપરેટ થાય છે. ઉદ્યોગોમાં ‘સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ’ દ્વારા મશીનો પોતે જ ખામીની જાણ કરે છે, જેનાથી ઉત્પાદન ક્ષમતા વધી છે. હેલ્થકેરમાં ફિટનેસ બેન્ડ્સ દ્વારા દર્દીના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ શક્ય બન્યું છે, જે કટોકટીના સમયે જીવ બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
5G કનેક્ટિવિટી
5G ટેકનોલોજીના સંશોધનની શરૂઆત 2010ના દાયકામાં દક્ષિણ કોરિયા અને અમેરિકાની વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી. 2019-20થી એ વ્યાવસાયિક સ્તરે ઉપલબ્ધ બની. એ અગાઉની 4G ટેકનોલોજી કરતા 100 ગણી વધુ સ્પીડ અને અલ્ટ્રા-લો લેટન્સી આપે છે. 5G ના કારણે માત્ર ઈન્ટરનેટની સ્પીડ નથી વધી, પરંતુ એનાથી રિમોટ સર્જરી અને ડ્રાઈવરલેસ કાર જેવી ટેકનોલોજી માટે રસ્તો સાફ થયો છે. આ ટેકનોલોજીએ વર્ચ્યુઅલ રિયાલિટી અને મેટાવર્સ જેવી દુનિયાને વધુ વાસ્તવિક બનાવી દીધી છે. એની સૌથી મોટી અસર ગ્લોબલ કનેક્ટિવિટી પર પડી છે, જ્યાં ડેટા ટ્રાન્સફરનો વિલંબ લગભગ શૂન્ય થઈ ગયો છે.
જેનોમ એડિટિંગ (CRISPRટેકનોલોજી)
ક્રિસ્પર-કેસ-9 ટેકનોલોજીની શોધ 2012માં જેનિફર ડૌડના અને ઈમેન્યુઅલ ચાર્પેન્ટિયર દ્વારા કરવામાં આવી હતી, જેના માટે એમને 2020માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. આ ટેકનોલોજી વૈજ્ઞાનિકોને સજીવોના ડીએનએ (DNA) માં અત્યંત ચોકસાઈપૂર્વક ફેરફાર કરવાની શક્તિ આપે છે. આ ટેકનોલોજીથી ડોક્ટરો હવે શરીરની અંદર રહેલી બીમારીના મૂળ (જનીનો) સુધી પહોંચી શકે છે. જે બીમારીઓ આપણને વારસામાં મળે છે અથવા જેનો કોઈ ઈલાજ નહોતો, તેને હવે શરીરના ‘સોફ્ટવેર’ (DNA) માં સીધો સુધારો કરીને જડમૂળથી મટાડી શકાય છે, જેના કારણે મેડિકલ સાયન્સમાં મોટી ક્રાંતિ આવી છે. ખેતીવાડીમાં પણ આ ટેકનોલોજીની અસર જોવા મળે છે, જ્યાં જીવાત-મુક્ત અને વધુ પોષણયુક્ત પાક તૈયાર કરવામાં આવે છે. આ ટેકનોલોજીએ ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય અને ખોરાકની સુરક્ષા માટે અનંત શક્યતાઓ ખોલી આપી છે.
વિમર્શાત્મક સંસ્કૃતિ આધુનિક સંસ્થાઓ માટે માત્ર એક વિચાર નથી, પરંતુ વિકાસની અનિવાર્ય શરત બની ગઈ છે. મહાભારતના યક્ષપ્રશ્ન પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે યક્ષ દ્વારા પૂછાયેલા ગૂઢ અને મર્મસ્પર્શી પ્રશ્નો યુધિષ્ઠિરને માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ તેમના વિચારોના ઊંડાણ અને પરિપક્વતાની કસોટી પણ કરે છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચા પ્રશ્નો માત્ર જવાબ મેળવવા માટે નથી, પરંતુ વ્યક્તિ અને સંસ્થાને પોતાની અંદર ઝાંખવા માટે પ્રેરિત કરે છે.
આજના કોર્પોરેટ યુગમાં, જ્યાં ઝડપ અને પરિણામને વધુ મહત્વ આપવામાં આવે છે, ત્યાં ઘણી વખત પ્રશ્ન પૂછવાની સંસ્કૃતિ દબાઈ જાય છે. કર્મચારીઓ ઘણીવાર ડર અથવા અચકાટને કારણે પ્રશ્નો પૂછતા નથી, જેના કારણે નવીનતા અને સર્જનાત્મકતા ઘટી જાય છે. પરંતુ જે સંસ્થાઓમાં ખુલ્લા મનથી વિમર્શ અને ચર્ચાને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યાં ટીમ વધુ મજબૂત અને સર્જનાત્મક બને છે. “Teams that discuss together, grow together” માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક પ્રયોગશીલ સત્ય છે.
ઉદાહરણ તરીકે, કેટલીક સફળ કંપનીઓમાં ‘ઓપન ફોરમ’ અથવા ‘ક્વેશ્ચન અવર’ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જ્યાં દરેક કર્મચારીને પોતાની વાત નિર્ભયપણે રજૂ કરવાની તક મળે છે. આ પ્રક્રિયા માત્ર સમસ્યાઓના ઉકેલ માટે જ નહીં, પરંતુ વિશ્વાસ અને સહકાર વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે.
આજના માનવ વર્તનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે લોકો ઝડપથી નિર્ણય લેવાની દોડમાં વિચારવાનો અને પ્રશ્ન પૂછવાનો સમય ગુમાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુગમાં આપણે વધુ પ્રતિક્રિયા આપીએ છીએ, પરંતુ ઓછું વિમર્શ કરીએ છીએ. અહીં વિમર્શાત્મક સંસ્કૃતિ એક નવી દિશા આપે છે, જેમાં પ્રશ્નો પૂછવા નબળાઈ નહીં, પરંતુ બૌદ્ધિક શક્તિનું પ્રતિક બને છે.
નવી દૃષ્ટિએ જોવામાં આવે તો, વિમર્શ હવે માત્ર ચર્ચા નથી, પરંતુ ‘કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’નું સાધન છે, જ્યાં વિવિધ મતો અને વિચારો સાથે મળીને વધુ સારો નિર્ણય લઈ શકાય છે. સાચો લીડર એ જ છે, જે પોતાની ટીમને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરે, કારણ કે જ્યાં પ્રશ્નો છે, ત્યાં જ વિકાસની શરૂઆત છે.
અંતમાં, યક્ષપ્રશ્ન આપણને શીખવે છે કે જીવન અને સંચાલનમાં સૌથી મહત્વપૂર્ણ જવાબો ત્યારે મળે છે, જ્યારે આપણે સાચા પ્રશ્નો પૂછવાની હિંમત રાખીએ. એ જ વિમર્શાત્મક સંસ્કૃતિનો મૂળ મંત્ર છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
ક્રાંતિ એ બહુ રૂપાળો અને સાથે સાથે એટલો જ છેતરામણો શબ્દ છે, ખાસ કરીને રાજકારણમાં. રાજકીય ક્રાંતિની ઓરા જ એટલી પાવરફૂલ છે કે એ સૌને આકર્ષે છે અને નવી આશા જગાવે છે. ગયા વર્ષે નેપાળમાં ઝેન-જીની ક્રાંતિ. એ પહેલાં ભારતમાં અન્ના હજારેના આંદોલનની પ્રોડક્ટ એવા અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનથી જગાવેલી નવી આશા.
પરંતુ વિશ્વનો ઇતિહાસ ફંફોસશો તો ખ્યાલ આવશે કે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને સામાન્ય માણસને સમ્માનના નામે શરૂ થયેલી મોટાભાગની ક્રાંતિઓએ છેવટે તો ‘ઊલમાંથી ચૂલમાં પડવા’ જેવી સાબિત થઇ છે અને ન્યાય-સ્વતંત્રતા-સમાનતા-ગૌરવ માટેની સામાન્ય માણસની ઝંખના અધૂરી જ રહી છે.
આ વાત યાદ આવવાનું કારણ વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર જ્યોર્જ ઓરવેલની એટલી જ વિખ્યાત નવલકથા ‘એનિમલ ફાર્મ’ છે. બીજા વિશ્વયુધ્ધ પછીના સમયગાળામાં, 1945માં લખાયેલી આ નવલકથા વિશ્વ સાહિત્યમાં રાજકીય ઉપહાસ તરીકે અત્યંત જાણીતી છે.
ઓરવેલે એમાં રશિયન ક્રાંતિને કેન્દ્રમાં રાખીને તીવ્ર કટાક્ષ કર્યા છે, પરંતુ આજે દુનિયાભરના રાજકીય તખતા પર જે ખેલ રચાઇ રહ્યા છે અને પ્રજાની હાલત સત્તા પલટો કર્યા પછી ય ‘ઊંટ કાઢતા બકરું બેઠા’ જેવી થઇ રહી છે એ જોતાં ‘એનિમલ ફાર્મ’ આજે, એંસી વર્ષ પછી ય એટલી જ તાજી અને એટલી જ પ્રસ્તુત લાગે છે. દુનિયાના કોઇપણ દેશના રાજકારણમાં નજર નાખશો તો ક્યાંક ને ક્યાંક કોઇક નેપોલિયન, કોઇક સ્નોબોલ, કોઇક ઓલ્ડ મેજર કે કોઇક બન્જામિન અને કોઇક બોક્સર મળી જ આવશે!
‘એનિમલ ફાર્મ’માં જ્યોર્જ ઓરવેલે એક અદભૂત દુનિયા રચી છે. જાનવરોનાં પાત્રોની આ સૃષ્ટી માણસોની સૃષ્ટીથી જરાય અલગ નથી. લોભ, લાલચ, અહંકાર, દ્વોષ, સત્તાની લાલસા, શોષણ, આદર્શવાદ, વફાદારી-એ બધું છે અહીં.
નવલકથા મુનાર ફાર્મ નામના એક એવા ફાર્મથી શરૂ થાય છે, જ્યાં જાનવરો પોતાના માલિક મિસ્ટર જોન્સના શોષણથી કંટાળી ગયા છે. એક દિવસ ‘ઓલ્ડ મેજર’ નામનો એક વૃદ્ધ ડુક્કર બધા જાનવરોની સભા બોલાવીને એમને એક સપનું બતાવે છે. એવી દુનિયાનું સપનું, જ્યાં બધા જ જાનવર સમાનતા અને સ્વતંત્રતાથી જીવી શકે, જ્યાં દરેક માટે ન્યાય હોય, શાંતિ હોય. ઓલ્ડ મેજર અહીં માર્ક્સ અને લેનિન જેવા આદર્શવાદી વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જેમના વિચારો લોકોને ક્રાંતિ કરવા માટે પ્રેરે છે.
આ વૃધ્ધ આદર્શવાદી ડુક્કરના વિચારોથી પ્રેરાઇને ફાર્મમાં રહેતા જાનવરો ફાર્મના માલિક મિસ્ટર જોન્સ સામે બળવો કરીને એને હાંકી કાઢે છે. હવે આ ફાર્મ જાનવરોનું છે એટલે એનું નામ બદલીને “એનિમલ ફાર્મ” રાખવામાં આવે છે.
નવી નવી ક્રાંતિ થઇ છે. માલિકને હાંકી કાઢવામાં સફળતા મળી છે એટલે જાનવરો ખુશ છે. શરૂઆતમાં સમાનતા અને ન્યાયના આદર્શો મુજબ વ્યવસ્થા ગોઠવાય છે. ઓલ્ડ મેજર જો કે લાંબુ જીવતા નથી એટલે ફાર્મની ધૂરા સૌથી હોંશિયાર ગણાતા નેપોલિયન અને સ્નોબોલ નામના બે ડુક્કરો પાસે આવે છે.
બસ, અહીંથી જ શરૂ થાય છે સત્તાનો ખેલ, નેપોલિયન અને સ્નોબોલ વચ્ચે ધીમે ધીમે સત્તાની હરીફાઈ શરૂ થાય છે. જોસેફ સ્ટાલિનની યાદ અપાવતો નેપોલિયન સ્નોબોલને પણ દૂર હાંકી કાઢે છે અને એકલાહાથે સત્તા હસ્તગત કરીને ભય, પ્રચાર અને પોતાના વફાદાર કૂતરાઓના બળ પર ફાર્મનો તાનાશાહ બની જાય છે. મજાની વાત એ છે કે આરામદાયક જીવન, દારૂ, વેપાર જેવી સુવિધાઓ સામે જાનવરોએ બળવો પોકાર્યો હતો અને સમાનતા માટે ક્રાંતિ કરી હતી એ સુવિધાઓ હવે નેપોલિયન અને એના વફાદાર ડુક્કરો પોતાના માટે અપનાવવા લાગે છે. બોક્સર વફાદાર ઘોડો છે અને નેપોલિયન માટે આંધળી વફાદારીથી મજૂરી કરતો રહે છે. સ્ક્વીલર નામનું ભૂંડ નેપોલિયન માટે પ્રોપેગેન્ડા ચલાવતું રહે છે. બેન્જામિન નામનો ઇન્ટેલિજન્ટ ગધેડો આ શોષણ સમજે છે, પણ કાંઇ કરી શકતો નથી. ફાર્મમાં જે ઘેંટાઓ છે એ બિચારા ભોળાભાવે આ પ્રોપેગેન્ડાથી અંજાઇને નેપોલિયનના એશોઆરામ માટે કાળી મજૂરી કરતા રહે છે.
અંતે જ્યારે સામાન્ય જાનવરો બારીમાંથી અંદર નેપોલિયનનો એશોઆરામ જૂએ છે ત્યારે એમને સમજાય છે કે, એનામાં અને અગાઉના માલિક મિસ્ટર જોન્સમાં કોઇ ફરક નથી. જે ક્રાંતિ શોષણ ખતમ કરવા માટે થઈ હતી, એ જ નવા શોષણમાં ફેરવાઈ ચૂકી હતી!
આ નવલકથામાં જ્યોર્જ ઓરવેલનું એક વાક્ય અત્યંત જાણીતું બન્યું છેઃ “બધા જાનવરો સમાન છે, પરંતુ કેટલાક જાનવરો બીજા કરતાં વધુ સમાન છે.” પાવર કઇ રીતે લોકોને કરપ્ટ કરે છે, સત્તામાં બેઠલા લોકો સત્યને કઇ રીતે મેનીપ્યુલેટ કરે છે, આદર્શના નામે કેવી રીતે છેતરપીંડી થાય છે અને સમાજમાં નબળા વર્ગના લોકો કઇ રીતે ઉચ્ચ વર્ગના લોકોના શોષણનો ભોગ બને છે એ ઓરવેલે જાનવરોનાં પાત્રોના માધ્યમથી બખૂબી દર્શાવ્યું છે.
આજે પણ દુનિયાના તમામ દેશોમાં આવું જ ચાલે છે. શોષણનો અતિરેક થાય ત્યારે કોઇક ક્રાંતિવીર દહાડે છે, લોકોના સૂંતેલાં સપનાંને જગાડે છે, એના પર સવાર થઇને સત્તા પર બિરાજે છે અને પછી એ જ શોષણનું ચક્ર ફરીથી શરૂ થાય છે. એટલા માટે જ ‘એનિમલ ફાર્મ’ એ જ્યોર્જ ઓરવેલની ઓલ-ટાઇ ક્લાસિક નવલકથા ગણાય છે.
દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આતંકીઓ આત્મઘાતી હુમલા, વાહન આધારિત IED વિસ્ફોટ અથવા અંધાધૂંધ ગોળીબાર કરવાની ફિરાકમાં છે. આ ગંભીર ખતરાને જોતા દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓએ રણનીતિક વિસ્તારોમાં કિલ્લેબંધી કરી દીધી છે.
ભાજપ મુખ્યાલય અને સંવેદનશીલ સ્થળો પર સખત પહેરો
સૂત્રોના જણાવ્યા અનુસાર, દીન દયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલી ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ઓફિસ અને તેની આસપાસની સરકારી કચેરીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં વધારાના સશસ્ત્ર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે, ઠેર-ઠેર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારો, બજારો અને ટ્રાન્સપોર્ટ હબ પર એન્ટી-સબોટાજ તપાસ તેજ કરવામાં આવી છે.
ISI મોડ્યુલ અને જૂના બનાવોની કડીઓ
તાજેતરમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરતા શહઝાદ ભટ્ટી મોડ્યુલના 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ મોડ્યુલ દિલ્હીમાં ‘ટાર્ગેટ કિલિંગ’ અને પ્રખ્યાત મંદિરો પર હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ ઉપરાંત, 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 12 લોકોના મોત બાદ NIA સતત તપાસ કરી રહી છે. આ વિસ્ફોટમાં જૈશ-એ-મોહમ્મદના કનેક્શન અને ડોક્ટરોના મોડ્યુલની સંડોવણી સામે આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હવે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી.