Home Blog Page 718

શિવાજીના અપમાન પર પુણેના યવતમાં વિવાદ

પુણેઃ પુણે જિલ્લાના દૌંડ તાલુકાના યવત ગામમાં સાંપ્રદાયિક વાતાવરણ બગડ્યા બાદ ભારે ટેન્શન પ્રવર્તતું હતું. લોકોના રોષને જોઈને આખું બજાર બંધ રહ્યું હતું. કેટલાંક તત્વોએ વાહનોની તોડફોડ કરીને તેને આગ ચાંપી દીધી. આરોપીના ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજુબાજુના ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ યવતમાં મોકલવામાં આવી છે. હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું છે.

દૌંડ તાલુકાના યવત ગામમાં સોશિયલ મિડિયા પર એક વાંધાજનક પોસ્ટ વાયરલ થયા બાદ વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. આ પોસ્ટ એક ખાસ સમુદાયની વ્યક્તિ દ્વારા મૂકવામાં આવી હતી, જેને કારણે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

યવતના નીલકંઠેશ્વર મંદિરમાં 26 જુલાઈએ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથે છેડછાડ થઈ હતી. આ ઘટનાનો આરોપી એક ખાસ સમુદાયની વ્યક્તિ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેની પોલીસે ધરપકડ કરી છે.

SP નારાયણ દેશમુખના જણાવ્યા અનુસાર પોસ્ટ મૂકનાર સૈયદ નામના યુવકની યવત પોલીસે ધરપકડ કરી છે. જોકે પોસ્ટમાં શું લખ્યું હતું તે હજી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા હવે પણ એ વાતો જાહેર કરાતી નથી, જેથી સ્થિતિ વધુ ન બગડે.

આ યુવક યવતના સહકારનગર વિસ્તારમાં રહે છે. સ્થાનિક કાર્યકર્તાઓએ ત્યાં પહોંચીને તેના ઘરમાં તોડફોડ કરી. જોકે પોલીસે સમયસૂચક દખલ કરીને વધુ હિંસા અટકાવી દીધી. દૌંડ તાલુકાનાં અનેક ગામોમાં આ ઘટના વિરુદ્ધમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બાબતે ધારાસભ્ય ગોપીચંદ પડલકરે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સૈયદ નામના “જેહાદી”એ યવતમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અપમાન કરીને ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે. અહીંના ધારાસભ્યે કહ્યું હતું કે આ પાછળ મોટું ષડયંત્ર હોવાની શક્યતા છે. આવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ, તેના પર UAPA કાયદા હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ.

ભૂતપૂર્વ PMના દોહિત્રને કોર્ટે બળાત્કાર મામલે દોષી ઠેરવ્યો

નવી દિલ્હીઃ કર્ણાટકના હાસનથી લોકસભાના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને વિશેષ કોર્ટે દોષી જાહેર કર્યા છે. રેવન્ના  તેમના ફાર્મહાઉસમાં કામ કરતી ઘરેલુ નોકરાણી પર બળાત્કારનો આરોપ હતો, જેને કોર્ટે યોગ્ય માન્યો છે. આ કેસમાં આવતી કાલે કોર્ટ સજા સંભળાવશે.

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાનો દોહિત્ર અને હાસનનો ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના નોકરાની મહિલા પર બળાત્કાર કરતો જ હતો. એ સાથે જ પીડિતાએ તેના પિતા એચડી રેવન્ના પર પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદ કરનાર પીડિતા એચડી રેવન્નાની પત્ની ભવાનીના સગા હતી. જ્યારે કેસ બહાર આવ્યો ત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. ત્યારે જ પ્રજ્વલ રેવન્નાના કેટલીક અશ્લીલ વિડિયોઝ સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પીડિતાનું યૌન શોષણ કરતા જોવા મળ્યો હતો. આ વાયરલ વિડિયોને આધારે કર્ણાટક મહિલા પંચે સ્વયં તપાસ શરૂ કરાવી હતી.26 સાક્ષીઓની લેવામાં આવ્યાં નિવેદન

પ્રજ્વલ રેવન્નાને કોર્ટે દોષી ઠેરવ્યા બાદ પીડિતાની તરફથી વકીલ અશોક નાયકે જણાવ્યું હતું કે આ કેસમાં અમે પીડિતાની તરફથી 26 સાક્ષીઓનાં નિવેદન નોંધાવ્યાં હતાં અને ઝડપથી સુનાવણી થઈ હતી. આ પીડિતાની જીત છે. હું SIT ટીમને તેમની તપાસ માટે અભિનંદન આપું છું. આરોપી રેવન્નાએ પોતે પોતાના યૌન ક્રિયાના વિડિયો રેકોર્ડ કર્યા હતા. અમે ડિજિટલ પુરાવાની મદદ લીધી અને તે સાચી સાબિત થઈ. જેને આધારે રેવન્નાને દોષી ઠેરવાયો.

કોણ છે પ્રજ્વલ રેવન્ના

કર્ણાટકના હાસન લોકસભા વિસ્તારમાંથી પ્રજ્વલ રેવણ્ના વર્ષ 2019 થી 2024 દરમિયાન જનતા દળ (સેક્યુલર) પાર્ટી તરફથી સાંસદ રહ્યો હતો. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તે પાર્ટીનો ઉમેદવાર હતો, પરંતુ આ વખતે તે હાર્યો હતો.

ખેડૂત આંદોલન નિવેદન મામલે કંગના રનૌતની અરજી હાઈકોર્ટે ફગાવી

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, વર્ષ 2021 માં ભટિંડામાં કંગના રનૌત વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

કંગના રનૌતે આ કેસને રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. અહીં નોંધવું રહ્યુ કે ખેડૂત આંદોલન દરમિયાન કંગના રનૌતે એક મહિલાનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પૈસા આપીને આંદોલનમાં લાવવામાં આવી છે.

કંગના રનૌતના આ નિવેદન પછી ભટિંડાની મહિન્દર કૌરે વર્ષ 2021 માં તેમની સામે માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આ પછી કંગનાએ હાઇકોર્ટમાં આ ફરિયાદ ફગાવી દેવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ઘણી જગ્યાએ તેમની સામે કાનૂની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમ કે બુલંદશહેર અને આગ્રાની કોર્ટમાં, ખેડૂતોએ કંગના રનૌત પર મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

ખેડૂત આંદોલન દરમિયાન કંગના રનૌતે સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરતી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં બે વૃદ્ધ મહિલાઓ બતાવવામાં આવી હતી. કંગનાએ આ વિશે લખ્યું, ‘હાહાહા, આ એ જ દાદી છે જેમને ટાઇમ મેગેઝિનમાં સૌથી શક્તિશાળી ભારતીય મહિલા તરીકે વર્ણવવામાં આવી હતી. અને હવે 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાનના પત્રકારોએ ભારતને બદનામ કરવા માટે આંતરરાષ્ટ્રીય પીઆર હાઇજેક કર્યું છે. આપણને આપણા પોતાના લોકોની જરૂર છે જે આ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે બોલી શકે.

ઈફકોના નવા MD કે.જે. પટેલઃ ચેરમેન દિલીપ સંઘાણીનું એલાન

નવી દિલ્હીઃ  ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કે. જે. પટેલને ઈફકોના નવા નવમા મેનેજિંગ ડિરેક્ટર તરીકે જાહેર કર્યા છે. પટેલ અગાઉ ઈફકોમાં ટેક્નિકલ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા અને તેઓ ખાતર ઉદ્યોગમાં વ્યાપક અનુભવ ધરાવે છે. કે.જે. પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જિનિયર છે અને તેમને નાઇટ્રોજન અને ફોસ્ફેટ આધારિત ખાતર પ્લાન્ટના જાળવણીના જાળવણીમાં 32 વર્ષનો સમૃદ્ધ અનુભવ છે. તેઓ ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના મજબૂત ટ્રેક રેકોર્ડ માટે જાણીતા છે. તેઓ ઈફકોના પારાદીપ પ્લાન્ટના વડા હતા, જે ભારતનો સૌથી મોટો કોમ્પ્લેક્સ ખાતર પ્લાન્ટ છે.

સંઘાણીએ કે. જે. પટેલને નવા MD તરીકે આવકારતાં જણાવ્યું હતું કે પટેલ ઉદ્યોગ વિશેની ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, જે ઈફકોનાં લક્ષ્યો સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. તેમણે ઉમેર્યું હતું કે બોર્ડને પૂરો વિશ્વાસ છે કે કે.જે. પટેલ ઈફકોને સંશોધન અને મૂલ્ય સર્જનના એક નવા યુગમાં લઈ જશે અને ઈફકો તેની મજબૂત પાયાની ઉપર ઊભા રહીને ખેડૂત મિત્રો અને સહકારી સાથીઓના કલ્યાણ માટે કામ કરતી રહેશે.

દિલીપ સંઘાણીએ નિવૃત્ત થતા MD ડો. યુ.એસ. અવસ્થીનો ઈફકો અને દેશના ખેડૂતો માટે આપેલા અમૂલ્ય યોગદાન અને સમર્પણ માટે આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વ સહકારી મોનિટર રિપોર્ટ અનુસાર ઈફકોને વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા (GDPમાં યોગદાનના હિસાબે) તરીકે સ્થાન મળ્યું છે, જે યુરોસિસ અને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (પ્રમુખ આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા) દ્વારા પ્રકાશિત છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે નવ સપ્ટેમ્બરે ચૂંટણી થશે, નોટિફિકેશન જાહેર

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ  ઉપરાષ્ટ્રપતિ પદ માટે 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરી શકાશે, જ્યારે નવ સપ્ટેમ્બરે મતદાન થશે. જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી થયું છે. અને હવે આ પદ માટે ફરી ચૂંટણી જરૂરી બની છે. ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. વર્ષ 2022માં થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ NDAના ઉમેદવાર તરીકે જીત્યા હતા. અને વિપક્ષી ઉમેદવાર માર્ગ્રેટ અલ્વા પર વિજય મેળવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણીની તારીખો:

(i) ચૂંટણીની અધિસૂચના જાહેર કરવાની તારીખ: 07 ઓગસ્ટ, 2025 (ગુરુવાર)

(ii) નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ, 2025 (ગુરુવાર)

(iii)  નામાંકનની તપાસની તારીખ: 22 ઓગસ્ટ, 2025 (શુક્રવાર)

(iv) નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 25 ઓગસ્ટ, 2025 (સોમવાર)

(v)  મતદાનની તારીખ:  9 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)

(vi) મતદાનનો સમય: સવારે 10:00 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી

(vii) મતગણતરીની તારીખ: 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)

ઉપરાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી લાયકાતો:

ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે.  તેની ઓછામાં ઓછી વય 35 વર્ષ હોવી જોઈએ. રાજ્યસભા માટે લાયક હોવો જોઈએ, એટલે કે ઉમેદવારે રાજ્યસભાની ચૂંટણી માટે જરૂરી તમામ લાયકાતો પૂર્ણ કરેલી હોવી જોઈએ.

જેતે ઉમેદવાર લાભના પદ પર ન હોવો જોઈએ. ઉમેદવાર રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઇ પગારધારકપદે ન હોય (જેમ કે સરકારી નોકરી). જોકે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે મંત્રી માટે આ નિયમ લાગુ પડતો નથી.

 

એક્ટિંગ માટે છોડ્યું ભણવાનું, મૃણાલ ઠાકુરે આ ફિલ્મ બાદ વધારી પોતાની ફી

મૃણાલ ઠાકુર સિનેમાની દુનિયામાં એક પ્રખ્યાત નામ છે. તેણીની સુંદરતા અને અભિનયના આધારે તેણીએ દર્શકોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પરંતુ, આની પાછળ ફક્ત તેણીની મહેનત અને સમર્પણ છે. શરૂઆતથી જ મૃણાલને અભિનયમાં રસ હતો અને એવું કહેવાય છે કે જો તમે જુસ્સાથી કંઈક ઇચ્છો છો, તો તમને તે મળશે. તેણીએ અભિનયમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોયું હતું અને આખરે આ સ્વપ્ન માત્ર સાકાર થયું જ નહીં, પરંતુ મૃણાલ ઠાકુર આજે એક પ્રખ્યાત નામ છે. આજે 1 ઓગસ્ટના રોજ તેના જન્મદિવસ નિમિત્તે તેના વિશે વધુ જાણીએ.

અભિનય માટે અભ્યાસ છોડી દીધો

મૃણાલ ઠાકુરનો જન્મ 01 ઓગસ્ટ 1992 ના રોજ મહારાષ્ટ્રના ધુલેમાં થયો હતો. તેણીએ 2012 માં ‘મુઝસે કુછ કહેતી….યે ખામોશિયાં’ સીરિયલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે મૃણાલ ઠાકુરને આ શો માટે ઓફર મળી ત્યારે તે અભ્યાસ કરી રહી હતી. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે મૃણાલે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. એવું કહેવાય છે કે મૃણાલે તેના પરિવારને કહ્યા વિના અભિનય શરૂ કર્યો. ‘મુઝસે કુછ કહેતી….યે ખામોશિયાં’ પછી, મૃણાલે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું. ‘કુમકુમ ભાગ્ય’ શોમાં કામ કર્યા પછી તેણીએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં. આ શોમાં તેણીએ બુલબુલ અરોરાનું પાત્ર ભજવ્યું હતું.

ફિલ્મના પાત્રને સમજવા માટે રેડ લાઈટ એરિયામાં ગઈ હતી

મૃણાલ ઠાકુરે હિન્દી સિનેમામાં ‘લવ સોનિયા’ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યું હતું, જે વેશ્યાવૃત્તિ અને બાળ તસ્કરીના મુદ્દા પર બનેલી હતી. ફિલ્મના શૂટિંગ પહેલાં મૃણાલ કોલકાતા ગઈ હતી અને ત્યાં થોડા દિવસ રહી હતી. તે ત્યાંના સોનાગાછી રેડ લાઈટ એરિયામાં ગઈ હતી અને ત્યાં વેશ્યાવૃત્તિના દલદલમાં ફસાયેલી છોકરીઓ અને મહિલાઓના જીવનને નજીકથી જોયું હતું. બોલીવુડમાં મૃણાલ ‘સુપર 30’ ફિલ્મમાં ઋત્વિક રોશન સાથે જોવા મળી હતી અને અહીંથી તેના કરિયરે એક નવી ઉડાન ભરી હતી.

ઇન્ડોનેશિયામાં મજબૂત ચાહક વર્ગ

મૃણાલ ઠાકુરની ભારતમાં મજબૂત ચાહક વર્ગ છે. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ડોનેશિયામાં પણ તેમનો ચાહક વર્ગ મજબૂત છે. તેણીએ કેટલાક ઇન્ડોનેશિયન ટીવી શોમાં પણ કામ કર્યું છે.

લેખન અને ફોટોગ્રાફીનો શોખ

મૃણાલની અભિનય કુશળતા બધાએ જોઈ છે. પરંતુ, જો આપણે તેના શોખ વિશે વાત કરીએ, તો તેને લેખન અને ફોટોગ્રાફીનો શોખ છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે. ફોટોગ્રાફી પ્રત્યેના તેના શોખને કારણે, મૃણાલ ઘણીવાર તેના રજાઓનું વિગતવાર આલ્બમ તૈયાર કરે છે.

આ ફિલ્મ પછી ફીમાં વધારો થયો

વર્ષ 2022માં મૃણાલ ઠાકુરને તેલુગુ ફિલ્મ ‘સીતા રામમ’ થી ઘણી લોકપ્રિયતા મળી. આ પછી, તેણીએ તેની ફીમાં પણ વધારો કર્યો. આ ઉપરાંત, ‘હાય નન્ના’ (હિન્દીમાં હાય પાપા) પણ તેની લોકપ્રિય ફિલ્મ છે. મૃણાલની તાજેતરની ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ‘સન ઓફ સરદાર 2’ માં જોવા મળી રહી છે . આ ઉપરાંત, તે આ વર્ષે ‘ડાકૈત’ માં પણ જોવા મળશે.

પાકિસ્તાન સાથેની મિત્રતા માટે તુર્કીને મળી સજા

નવી દિલ્હીઃ તુર્કીની આખી હેકડી હવે ઊતરી ગઈ છે. પાકિસ્તાન સાથેની મિત્રતા કરવી તુર્કીને ભારે પડી છે. હા, પાકિસ્તાનને ટેકો આપવાનો દાવો તુર્કી માટે ઊલટો પડી ગયો છે. તેનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. આવકમાં ભારે ઘટાડો થયો છે. જૂનમાં તુર્કી જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ૩૭ ટકા ઘટાડો નોંધાયો છે. તુર્કી માટે આ મોટો ઝટકો છે કારણ કે પરંપરાગત રીતે ભારતીય પ્રવાસીઓ સૌથી વધુ જૂનમાં મુસાફરી કરતા રહ્યા છે.

પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. તુર્કીએ માત્ર નિવેદનોમાં જ નહીં પણ હથિયારો દ્વારા પણ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. ભારતે જ્યારે તુર્કીના ડ્રોન પાકિસ્તાન દ્વારા હુમલામાં ઉપયોગ થયાનું ખુલાસો કર્યોં, ત્યારે દેશમાં “બોયકોટ તુર્કી” અભિયાન શરૂ થયું. જેના કારણે અનેક ભારતીયોએ તુર્કી જવાનું ટાળ્યું હતું.

તુર્કીના સત્તાવાર પ્રવાસન આંકડાઓ મુજબ, 2025ના જૂનમાં ફક્ત 24,250 ભારતીય પ્રવાસીઓએ જ તુર્કી પ્રવાસ કર્યો, જ્યારે ગયા વર્ષે એટલે કે જૂન 2024માં આ આંકડો 38,307 હતો, એટલે  કે લગભગ ૩૭ ટકા ઘટાડો. મેમાં પણ આંકડો ઘટ્યો હતો — 31,659 ભારતીય પ્રવાસીઓ ગયા હતા, જ્યારે મે, 2024માં આ સંખ્યા 41,554 હતી.

પ્રતિકાત્મક તસવીર

બોયકોટ તુર્કીની અસર

તુર્કીના પાકિસ્તાન સમર્થનને કારણે ભારતમાં બોયકોટ તુર્કી અભિયાન શરૂ થયું. MakeMyTrip, EaseMyTrip અને Cleartrip જેવી ઓનલાઇન ટ્રાવેલ કંપનીઓએ પણ આ અભિયાનમાં ભાગ લીધો અને તુર્કી ટૂર પેકેજોને પ્રોત્સાહન ન આપવાનો નિર્ણય કર્યો. આ અભિયાનની અસર ધીમે-ધીમે હવે સ્પષ્ટ દેખાઈ રહી છે.

 

 

 

World Lungs Cancer Day: શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ? જાણો મહત્વ

દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ‘વિશ્વ ફેફસાં કેન્સર દિવસ’ (World Lungs Cancer Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ફેફસાંના કેન્સર, એક ગંભીર વૈશ્વિક આરોગ્ય પડકાર, વિશે જાગૃતિ લાવવા અને તેની અસરો ઘટાડવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. ફેફસાંનું કેન્સર વિશ્વભરમાં કેન્સર સંબંધિત મૃત્યુનું મુખ્ય કારણ છે, અને ભારત જેવા દેશોમાં પણ તેનો દર ઝડપથી વધી રહ્યો છે.

આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય આ રોગ સાથે સંકળાયેલી માન્યતાઓને દૂર કરવાનો, વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂકવાનો અને તેના સંચાલન અને સારવારમાં થઈ રહેલી પ્રગતિને પ્રકાશિત કરવાનો છે. આ દિવસ માત્ર દર્દીઓ અને તેમના પરિવારોને ટેકો આપવાની તક જ નહીં, પણ સંશોધન અને સારી આરોગ્ય નીતિઓ માટે મજબૂત અવાજ પણ ઉઠાવે છે. આપણે જાણીએ કે વિશ્વ ફેફસાંનું કેન્સર દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

‘વિશ્વ ફેફસાં કેન્સર દિવસ’ શા માટે ઉજવવામાં આવે છે?

‘વિશ્વ ફેફસાં કેન્સર દિવસ’ (World Lungs Cancer Day) ઉજવવા પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ફેફસાંના કેન્સરની ભયાનકતા વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે, કારણ કે તે વિશ્વભરમાં કેન્સરથી થતા મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે. આ દિવસ આ રોગ સાથે સંકળાયેલા કલંકને દૂર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે ઘણીવાર ધૂમ્રપાન સાથે જોડાયેલું હોય છે, જ્યારે સત્ય એ છે કે તે એવા લોકોને પણ થઈ શકે છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી.

આ દિવસ ધૂમ્રપાન સિવાય વાયુ પ્રદૂષણ, રેડોન ગેસ અને વ્યવસાયિક સંપર્ક જેવા અન્ય પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરીને નિવારણ પર શિક્ષિત કરવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. ઉપરાંત, તે વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂકે છે, કારણ કે સમયસર નિદાનથી સારવારના સારા પરિણામો મળી શકે છે.

આ દિવસનું મહત્વ

‘વિશ્વ ફેફસાના કેન્સર દિવસ’નું મહત્વ અનેક સ્તરે છે. તે જનજાગૃતિ ફેલાવવામાં મદદ કરે છે, જેનાથી લોકો તેના લક્ષણો ઓળખી શકે છે અને સમયસર તબીબી મદદ મેળવી શકે છે. તે દર્દીઓ અને તેમના પરિવારો માટે સમર્થન અને આશાનું પ્રતીક પણ છે, જે તેમને એ જાણવામાં મદદ કરે છે કે તેઓ એકલા નથી.

કેન્સરનું નિદાન થયા પછી પણ ગુણવત્તાયુક્ત જીવન શક્ય છે. વધુમાં, તે સરકારો અને આરોગ્ય સંસ્થાઓને તમાકુ નિયંત્રણ નીતિઓ, હવાની ગુણવત્તામાં સુધારો અને આરોગ્ય સેવાઓની પહોંચ સુધારવા માટે પગલાં લેવા માટે પ્રેરિત કરે છે.

વિશ્વ ફેફસાં કેન્સર દિવસ થીમ 2025

‘વિશ્વ ફેફસાં કેન્સર દિવસ 2025’ ની થીમ ‘મજબૂત લોકો સાથે: ફેફસાંના કેન્સર જાગૃતિ માટે સંયુક્ત’ છે. આ થીમ એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ફેફસાંના કેન્સર સામેની લડાઈમાં એકતા સૌથી મોટી તાકાત છે.

તે સંદેશ આપે છે કે આ રોગનો ભાર ઘટાડવા માટે દરેક વ્યક્તિએ સાથે મળીને કામ કરવું પડશે, પછી ભલે તે દર્દીઓ હોય, તેમના પરિવારો હોય, આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો હોય, સંશોધકો હોય કે નીતિ-નિર્માતા હોય. ‘મજબૂત લોકો સાથે’ નો અર્થ છે સામૂહિક પ્રયાસોની શક્તિને ઓળખવી જેથી જાગૃતિનો સંદેશ વધુ અસરકારક રીતે ફેલાવી શકાય.

‘વિશ્વ ફેફસાંનું કેન્સર દિવસ’ ફક્ત એક વાર્ષિક કાર્યક્રમ નથી, પરંતુ જાગૃતિ લાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આ દિવસે, લોકોને ફેફસાંના કેન્સરથી બચવા માટે ઘણી મહત્વપૂર્ણ બાબતોની યાદ અપાવવામાં આવે છે, જેમ કે ધૂમ્રપાન છોડવું, પ્રદૂષણ ટાળવું, નિયમિત તપાસ કરાવવી અને લક્ષણોને ગંભીરતાથી લેવા.

 

 

શિવનું નૃત્ય અને એનર્જીનું વિજ્ઞાન

શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા અપરંપાર છે. આપણી પૂજા અને અર્ચના માત્ર શિવલિંગની પૂજા પૂરતી જ સિમિત રહી જાય છે, કેમકે આપણે એ ચૈતન્ય સ્વરૂપને પૂર્ણ રૂપે જાણી શકતા નથી. સમગ્ર વિશ્વમાં હિન્દૂ ધર્મ જ એવો ધર્મ છે, જેના મૂળ વાસ્તવિકતા સાથે જોડાયેલા છે. જેમાં કલ્પનાઓનો આધાર વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. જેમાં બ્રહ્મહાંડની ઉત્પતિ અને વિનાશના પુરાવાઓ છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો આ વાતને માની રહ્યા છે.

આંખ બંધ કરો એક પળ માટે કલ્પના કરો, સૃષ્ટિની રચના થાય છે, નાશ થાય છે, બધું તૂટે છે, અને ફરીથી ઊભું રહે છે, એ શક્તિ કોણ છે? કદાચ આપણે નામ આપી રહ્યા છીએ કે ભગવાન. કેમકે બાળપણથી લઈને આજ સુધી આપણને એજ શીખડાવવામાં આવ્યું છે કે બધું જ એક અદ્રશ્ય શક્તિ દ્વારા સંચાલિત છે જેને જ આપણે ઈશ્વર કહીએ છીએ. એક મિનિટ માટે વિચારો કે કેવી રીતે, તો તમારી પાસે કોઈ જવાબ હોય ના શકે. સનાતનના મૂળ એટલા ઊંડા છે કે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હિન્દૂ શાસ્ત્રોમાં વર્ણવેલા છે.  આપણે એક ખોટા માળખામાં એટલા ફસાયેલાં છીએ કે મૂળ રૂપ સુધી પહોંચવું દિવસે દિવસે અઘરું થતું જાય છે. એ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે વિશ્વની સૌથી મોટી સિદ્ધિ પણ ત્યાં સુધી ભાગ્યે જ પહોંચશે.

યુરોપના જીનોવામાં કોસ્મોસ એનર્જી માટે રિસર્ચ કરતી દુનિયાની સૌથી મોટી લેબની બહાર હિન્દુત્વની સૌથી પ્રાચીન નટરાજની પ્રતિમા લગાવેલી છે. ફિઝિક્સની દુનિયાની સૌથી મોટી લેબની બહાર, નૃત્ય કરતાં શિવની કાંસ્યની મૂર્તિ સનાતન ધર્મના મજબૂત મૂળની સાબિતી છે. 1960 થી ભારત cern એટલેકે યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ સંસ્થા જે કવોન્ટમ ફિઝિક્સ અને તેના રિસર્ચ માટે કામ કરે છે, તેનું સભ્ય છે. તેની સાથેના મજબૂત સંબંધ માટે ભારતે 2004 માં શિવની નટરાજની પ્રતિમા ભેટ સ્વરૂપે આપેલી. હિન્દુત્વના ગર્વની આ ઘટનાનો મુખ્ય શ્રેય અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સેગનને જાય છે.

કાર્લ સેગન વિશ્વવિખ્યાત ઍસ્ટ્રોફિઝિસ્ટ, લેખક અને લોકપ્રિય સંવાદક છે. તેમની લોકપ્રિય ટીવી સિરીઝ COSMOS માં તેમણે હિંદુ ધર્મના બ્રહ્માંડ દૃષ્ટિકોણને સરાહના કરી હતી. કાર્લ સેગને ખાસ રજૂઆત કરી કે હિંદુ ધર્મ એ એકમાત્ર પ્રાચીન સંસ્કૃતિ છે, જેણે બ્રહ્માંડને ‘નિરંતર સર્જન અને વિનાશના ચક્ર’ તરીકે વર્ણવ્યું છે. હિંદુ ધર્મમાં બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ સંચાલન કરે છે અને મહેશ (શિવ) નાશ કરે છે, અને ફરીથી નવી સર્જનશૃંખલા શરૂ થાય છે. જેને વિજ્ઞાનના આયમને આધારે સ્વીકારવામાં આવેલ છે.

જીવન અને મૃત્યુનો ચક્રકાર દ્રષ્ટિકોણ આજના આધુનિક વિજ્ઞાન સાથે જોડાયેલ છે, જેમાં Big Bang થિયરીથી બ્રહ્માંડની ઉત્પત્તિ અને ભવિષ્યમાં Big Crunch અથવા Heat Death જેવી શક્યતાઓ દર્શાવવામાં આવે છે. અણુઓ કોઈ પણ અવસ્થામાં સ્થિર નથી તે સતત સ્પંદનમાં રહેતાં હોય છે. આ અણુઓની ગતિ એ કોઈ સ્થિતિ નથી પરંતુ કદી ના રોકનારો નિરંતર પ્રવાહ છે જેમાં સર્જન અને વિસર્જનની શક્યતાઓ છે. Cern ના વૈજ્ઞાનિકોએ આજ સ્થિતિને શિવ તાંડવ સાથે સુસંગત કરી છે એનું માનવું છે કે કણોનું સતત કંપન એ નૃત્યનું એક સ્વરૂપ છે. જે શક્તિથી જીવનને ઉર્જા મળે છે તે સતત ગતિમાન રહેતાં શિવની મુદ્રાઓ અને સતત વહેતી જટાનું સ્વરૂપ છે. વિજ્ઞાન તેને ગતિ ઉર્જા કહે છે. આ દરેકમાં ગતિ છે એ સૂચવે છે કે બ્રહ્માંડ સતત હલતું રહે છે. દરેક પરમાણુ, તારો, ગ્રહો બધું ગતિમાં છે. બીજી બાજુ,જીવનનો મુખ્ય આધાર છે તે છે સ્થિરતા, તે બીજું કંઈ નહીં પણ નટરાજની મૂર્તિમા શિવનો મુખારવિંદ છે. જે સતત ગતિમાન હોવા છતાં શિવજીનો ચહેરો સ્થિર અને આનંદમય છે. એ જ સ્થિતિ શક્તિનું પ્રમાણ છે,જે બધું ધારણ કરે છે.

સનાતન ધર્મ કોઈ સ્થાપિત ધર્મ નથી. એ તો જીવાત્મા અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધનું શાસ્ત્ર છે. શિવ તત્વ શૂન્યથી આવે છે, પણ અનંત સુધી જાય છે. એમની ત્રિશૂળ – સમયના ત્રણ પરિમાણ (ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય)નું સંકેત છે. આપણે ધર્મમાં માનીયે કે ના માનીયે એ અલગ વાત છે પણ આપણા અસ્તિત્વનો આધાર એ કોઈ સામાન્ય ઘટના ના જ હોય શકે એ માનવું ઘણું જરૂરી છે. કાર્લ સેગન એ હિંદુ ધર્મના વિઝનને ‘the only religion which talks about the right age of the universe’ તરીકે વ્યક્ત કર્યું. એ દરેક હિન્દૂ માટે ગૌરવપ્રદ ગણી શકાય. સનાતન ધર્મના યોગ, તંત્ર વિજ્ઞાન, અને શિવતત્વ દ્વારા આપણે બ્રહ્માંડના કેટલાય વિશ્વોને સ્પર્શી શકીયે છીએ ,એ કોઈ નાની વાત ના જ હોય શકે.

હર હર મહાદેવ

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

ચૂંટણી દાવઃ CM નીતીશકુમારનું કર્મચારીઓના વેતનવધારાનું એલાન

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય દળોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી ઝુંબેશ તેજ બનાવી છે. રાજ્યના CM નીતીશકુમારે પણ ચૂંટણી પહેલાં જનતાને ખુશ કરવા માટે સરકારી ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. તેઓ એક પછી એક લોકલોભામણી જાહેરાતો કરી રહ્યા છે. જેમાં મફત વીજળી, મહિલાઓ માટે આરક્ષણ, યુવા પંચની રચના સહિત અનેક જાહેરાતો સામેલ છે. તેમણે શિક્ષણ વિભાગના અનેક કર્મચારીઓના માનદ્ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતું કે નવેમ્બર, 2005માં સરકાર બન્યા પછીથી જ અમે શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. વર્ષ 2005માં શિક્ષણનું કુલ બજેટ રૂ. 4366 કરોડ હતું, જે હવે વધીને રૂ. 77,690 કરોડ થઈ ગયું છે. મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક, નવા શાળાભવનોનું નિર્માણ અને આધારભૂત માળખાનો વિકાસ થવાથી શિક્ષણ ક્ષેત્રે મોટો સુધારો થયો છે. શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે રસોઈયા, રાત્રિ પ્રહરીઓ અને શારીરિક શિક્ષણ તથા આરોગ્ય અનુરેખકોની મહત્વની ભૂમિકા રહી છે. આને ધ્યાનમાં રાખીને અમે આ કર્મચારીઓના માનદ્ વેતનમાં સન્માનજનક રીતે વધારો કરવાનો અને તેને બેવડું કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષણ વિભાગ હેઠળ મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા રસોઈયાઓના માનદ્ વેતનમાં બે ગણો વધારો કરીને રૂ. 1650માંથી વધારીને રૂ. 3300 માસિક કરવાનો નિર્ણય લેવાયો છે. તે જ રીતે, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કામ કરતા રાત્રિ પ્રહરીઓનું માનદ્ વેતન રૂ. 5000માંથી વધારીને હવે રૂ. 10,000 માસિક કરવામાં આવશે.

શારીરિક શિક્ષણ અને આરોગ્ય ઇન્સ્ટ્રક્ટરનો માનદ્ વેતનમાં રૂ. 8000થી વધારીને હવે રૂ. 16,000 માસિક કરવામાં આવશે. આ નિર્ણયથી કાર્યરત કર્મચારીઓમાં ઉત્સાહ વધશે અને તેઓ વધુ મનોબળ અને લગનથી પોતાના કાર્ય નિભાવી શકશે.