પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય દળોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી ઝુંબેશ તેજ બનાવી છે. રાજ્યના CM નીતીશકુમારે પણ ચૂંટણી પહેલાં જનતાને ખુશ કરવા માટે સરકારી ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. તેઓ એક પછી એક લોકલોભામણી જાહેરાતો કરી રહ્યા છે. જેમાં મફત વીજળી, મહિલાઓ માટે આરક્ષણ, યુવા પંચની રચના સહિત અનેક જાહેરાતો સામેલ છે. તેમણે શિક્ષણ વિભાગના અનેક કર્મચારીઓના માનદ્ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતું કે નવેમ્બર, 2005માં સરકાર બન્યા પછીથી જ અમે શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. વર્ષ 2005માં શિક્ષણનું કુલ બજેટ રૂ. 4366 કરોડ હતું, જે હવે વધીને રૂ. 77,690 કરોડ થઈ ગયું છે. મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક, નવા શાળાભવનોનું નિર્માણ અને આધારભૂત માળખાનો વિકાસ થવાથી શિક્ષણ ક્ષેત્રે મોટો સુધારો થયો છે. શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે રસોઈયા, રાત્રિ પ્રહરીઓ અને શારીરિક શિક્ષણ તથા આરોગ્ય અનુરેખકોની મહત્વની ભૂમિકા રહી છે. આને ધ્યાનમાં રાખીને અમે આ કર્મચારીઓના માનદ્ વેતનમાં સન્માનજનક રીતે વધારો કરવાનો અને તેને બેવડું કરવાનો નિર્ણય લીધો છે.
नवम्बर 2005 में सरकार बनने के बाद से ही हमलोग शिक्षा व्यवस्था में सुधार के लिए लगातार काम कर रहे हैं। वर्ष 2005 में शिक्षा का कुल बजट 4366 करोड़ रूपए था जो अब बढ़कर 77690 करोड़ रूपए हो गया है। बड़ी संख्या में शिक्षकों की नियुक्ति, नए विद्यालय भवनों के निर्माण एवं आधारभूत संरचनाओं…
શિક્ષણ વિભાગ હેઠળ મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા રસોઈયાઓના માનદ્ વેતનમાં બે ગણો વધારો કરીને રૂ. 1650માંથી વધારીને રૂ. 3300 માસિક કરવાનો નિર્ણય લેવાયો છે. તે જ રીતે, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કામ કરતા રાત્રિ પ્રહરીઓનું માનદ્ વેતન રૂ. 5000માંથી વધારીને હવે રૂ. 10,000 માસિક કરવામાં આવશે.
શારીરિક શિક્ષણ અને આરોગ્ય ઇન્સ્ટ્રક્ટરનો માનદ્ વેતનમાં રૂ. 8000થી વધારીને હવે રૂ. 16,000 માસિક કરવામાં આવશે. આ નિર્ણયથી કાર્યરત કર્મચારીઓમાં ઉત્સાહ વધશે અને તેઓ વધુ મનોબળ અને લગનથી પોતાના કાર્ય નિભાવી શકશે.
આજે આ આર્ટિકલ વાંચતી વખતે વરસાદ તે રીતે જ મૂશળધાર હશે કે નહીં તે જાણતી નથી, પરંતુ છેલ્લા થોડાં દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. મુંબઈ એકદમ તરબતર થઈ ગયું છે. આ વરસાદને લીધે નોર્થ ઈસ્ટમાં મેઘાલય રાજ્યના ખાસી હિલ્સ વિસ્તારના મૈસિનરામ ગામની યાદ આવી. દુનિયાનો સૌથી વધુ વરસાદ આપણા દેશમાં આ ગામમાં પડે છે. એકવાર વરસાદ શરૂ થાય એટલે ત્રણેક અઠવાડિયા મૂશળધાર હોય છે. વરસાદનો અવાજ આપણને ગમે તેટલો ગમતો હોય છતાં તેમને તે નોઈઝ પોલ્યુશન લાગે છે. આથી ઘરના છાપરા પર તેઓ ઘાસના ગાદલા ગોઠવે છે, જેથી વરસાદનો અવાજ ઓછો સંભળાય.
મુંબઈમાં પણ હાલમાં `વરસાદ વરસી રહ્યો છે’, `સાચવજે, વરસાદ પડી રહ્યો છે,’ `નરીમાન પોઈન્ટ ખાતે ભીંજાવા જઈએ?’ આવા સંવાદો ઘર-ઘરમાં સાંભળવા મળી રહ્યા છે. ઘર ઘરમાં કાંદાના ભજિયા ઝાપટવામાં આવી રહ્યા હોવાથી કાંદાની અછત ઊભી થઈ રહી છે. આમ છતાં આ વખતનો વરસાદ થોડો ઓર્ગેનાઈઝ્ડ હોય તેવું લાગે છે. એટલે કે, કમ સે કમ તાજેતરમાં. હવે તો વરસાદ ઓર્ગેનાઈઝ્ડ થયો છે કે આપણી મહાપાલિકા સશક્ત થઈને કામ કરી રહી છે કે લોકો ઘરમાંથી બહાર જ નીકળતા નથી તે જ સમજાતું નથી, પરંતુ આટલા વરસાદમાં પણ ટ્રેન્સ ચાલુ છે, ક્યારેક-ક્યારેક સ્લો થઈ જાય છે, લેટ થાય છે, પરંતુ બંધ પડી નથી. રસ્તા પર કંટાળાજનક ટ્રાફિકજામ નથી. રોજનાં અખબાર, દૂધ, શાકભાજીઓ, ફળો આ બધું જ સમયસર મળી રહ્યું છે. અમારી ઓફિસમાં એચ.આર.નો મેઈલ હજુ કાંઈ આવ્યો નથી કે, `વરસાદને લીધે ઓફિસમાંથી વહેલી રજા અપાઈ રહી છે.’ વરસાદમાં શાળા જલદી છૂટી જતી તેવી ખુશી કોર્પોરેટ દુનિયામાં આ વર્ષે હજુ સુધી મળી નથી. એકંદરે આ વરસાદનો વ્યાપક દ્રષ્ટિકોણ અને `સબકા ભલા’વાળી માનસિકતા યુટ્યુબ પરના કોઈક સ્પિરિચ્યુઅલ ગુરુએ શીખવી હોય તેવું લાગે છે.
વરસાદ પડવો અથવા પાડવો એ દર વર્ષનું નક્કી થયેલું કામ હોવા છતાં તેમાં સુસૂત્રતા લાવો, લોકોને ઓછામાં ઓછો ત્રાસ થાય તેનું ધ્યાન રાખો, રોજના પેપર વાંચવા નહીં મળે તો અનેકોનો દિવસ વેડફાઈ જાય છે તેનો વિચાર કરો’ આવી કાંઈક ટ્રેનિંગ તેને નક્કી મળેલી હોવી જોઈએ. આથી જ મુંબઈની ગતિને હજુ બે્રક લાગી નથી. આપણાં કામો અટક્યાં નથી. વરસાદ મહાશયનો આભાર માનવામાં વાંધો નથી. આપણું એક સારું હોય છે, પહેલાં`આવ રે વરસાદ’ કહીને વરુણરાજાને આમંત્રિત કરવાનો અને જળાશયો ભરાયાં, બીજારોપણ, રોપણીનાં કામો થયાં એટલે `અતિથિ તુમ કબ જાઓગે’ કહીને `રેઈન રેઈન ગો અવે’નો નારો લગાવવાનો. બિચ્ચારો વરસાદ! કાળઝાળ ઉનાળા પર ઉતારો તરીકે તે જ્યારે આવે ત્યારે આપણે તેની શું આગતા-સ્વાગતા કરીએ છીએ, પણ જતી વખતે તેને આપણે બરોબર વિદાય આપીએ છીએ ખરા?
રોપણી પરથી યાદ આવ્યું. બાળપણ ગામમાં વીત્યું હોવાથી આ વરસાદની મજા વધુ મળી છે એવું લાગે છે. માતા-પિતા ખેડૂત કમ શિક્ષક એવું ઘર હોવાથી ચોમાસુ, ડાંગરના ખેતર, બીજારોપણ, રોપણી, કાપણી, લણણી એ ક્રમે જૂનથી ઓક્ટોબરનો સમયગાળો વીતી જતો. રેઈનકોટ પ્રકાર ગામમાં અમારા સુધી પહોંચવા પૂર્વે ઝાડપાનથી તૈયાર કરેલી છત્રી માથાથી પગ સુધી પાછળની બાજુમાં ઢાંકેલી સ્થિતિમાં ઉપયોગ કરાતી. વરસાદમાં ખેતરોમાં કામ કરતા શ્રમિકોનું તે રક્ષણ કરતી. ક્યારેક-ક્યારેક ખેતરમાં જઈને ડાંગરનાં નાનાં-નાનાં રોપાં તે ખેતરમાં બધાની સાથે રોપવાની મજા આવતી. તે સમયે પગના આંગળાની ચામડી સતત પાણીમાં રહેવાથી ખરાબ થતી. તેનાથી રક્ષણ કરવા માટે પછી પગમાં કોપરેલ લગાવવામાં આવતું.ધીમે ધીમે ગમબૂટ અને રેઈનકોટ આવ્યા અને વરસાદમાં ભીંજાવું, ખેતરમાં કામ કરવું, ફક્ત મોજમસ્તી કરવી વધુ સુસહ્ય બનતું ગયું. તે સમયે બધા શ્રમિકોને અમારા ઘરમાંથી જમવાનું મોકલવામાં આવતું. એક ટોપલીમાં બધું ખાવાનું સમાવવામાં આવતું. તે અમને પણ મળતું. તે વરસાદમાં થોડું કામ કર્યા પછી ખેતરમાં મળતું તે ભોજન ખાવાની મજા અન્યત્ર ક્યાંય મળવાનું અશક્ય છે.હવે ખેતરમાં જઈને તે રીતે કામ કરી શકાશે કે કેમ એવો પ્રશ્ન મને જ પૂછ્યો ત્યારે, `અરે ત્યાં સાપ તો નહીં હોય ને? પગમાં ક્યાંક કાંટો તો લાગશે નહીં ને? કીચડમાં ક્યાંક પડી ગઈ તો?’ આવા અનેક પ્રશ્નોએ `રુક જાઓ’નું બોર્ડ લગાવ્યું. નાનપણમાં આવો ડર ક્યારેય મનને સ્પર્શ પણ કરતો નહોતો. શહેરમાં રહ્યા પછી આ ખોટ છે. જોકે ગામના વરસાદની વાત જ ન્યારી છે.
છેલ્લાં થોડાં દિવસથી બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે. તેમાંય એક દિવસ લિવિંગ રૂમમાં સુધીર વરસાદનું ગીત લગાવીને બેઠેલો હતો. મિલિંદ ઈંગળેનું `ગારવા’ આલબમ તેનું મન ગમતું હતું. મારું ઈ-મેઈલ ક્લિયરિંગ પૂરું થયા પછી હું પણ તેની સાથે જોઈન થઈ. બહાર વરસાદ પડતો હતો ત્યારે અંદર અમે એક પછી એક વરસાદ પરનાં ગીતો વગાડવાનું શરૂ કર્યું. પહેલું ગીત લગાવ્યું `મંઝિલ’ ફિલ્મનું રિમઝિમ ગિરે સાવન.. અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટરજીનું આ ગીત ચાળીસ-બેતાળીસ વર્ષ પૂર્વેનું છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા, ઓવલ મેદાન, નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઈવ વિસ્તારમાં શૂટિંગ કરાયું હતું. શૂટિંગ સાદું પણ ક્યારે પણ જોઈએ તોય ગીત એકદમ રિફ્રેશિંગ ફીલ આપી જાય છે. એક-એક ગીત યાદ કરીને અમે યુટ્યુબને હુકમ કરતાં હતાં. આ પછી `એક લડકી ભીગી ભાગી સી, સોતી રાતોં મેં જાગીસી’ ગીત વગાડ્યું. કિશોર કુમાર અને મધુબાલાના `ચલતી કા નામ ગાડી’ ફિલ્મે તો આપણને રીતસર ગાંડપણ લગાવ્યું હતું. આટલાં વર્ષે પણ તે ગીત જોતી વખતે જરા પણ કંટાળો આવતો નથી. આવું જ કાંઈક`શ્રી 420’માંના રાજ કપૂર-નરગિસ પર શૂટ કરાયેલું `પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ…’વરસાદના ગીતનું છે. એબ્સોલ્યુટ ઈમ્મોર્ટલ.પાંસઠ-સિત્તેર વર્ષ થયાં પણ આ બંને ફિલ્મ અને તેમાંનાં ગીતો આજે પણ તેટલાં જ ફ્રેશ છે.ફરી ફરી સાંભળવાનું મન થાય છે. આ પછી અમે મંગેશકરનાં અને આપણા અનેક ગાયકોનાં ગીતો સાંભળતાં રહ્યાં. એકંદરે અમારી સંગીતસભર વરસાદની સાંજ અલગ ખુશી આપી ગઈ.
હજુ પણ વરસાદ પડતો હોય તો હમણાં જ તમે પણ એક ગીત જરૂર વગાડો તમારી સામે ટીવી પર અથવા મોબાઈલ પર. બાવન સાલની હોલીવૂડ ક્લાસિક `સિંગિંગ ઈન ધ રેઈન’માંનું ટાઈટલ સોંગ. હમણાં જેઓ સિનિયર સિટીઝન બન્યાં છે તેમણે આ ફિલ્મ નક્કી જોઈ હશે. `જીન કેલી’ નામે અમેરિકન એક્ટર, ડિરેક્ટર, કોરિયોગ્રાફર, ડાન્સર, સિંગરે બનાવેલી આ ફિલ્મમાં તેણે જ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ સારી ચાલી અને આજે પણ તે ફિલ્મ જગતમાં તેને એક મીલનો પથ્થર માનવામાં આવે છે. તેમાંનું ગીત તમને ચોક્કસ પ્રફૂલ્લિત કરશે. `સિંગિંગ ઈન ધ રેઈન, આય એમ હેપ્પી અગેઈન, આય એમ ડાન્સિંગ એન્ડ સિંગિંગ ઈન ધ રેઈન, આય એમ હેપ્પી અગેઈન’ આ ગીત સાંભળતી વખતે મજા તો આવે જ છે, પરંતુ આ ગીત એટલે `દેખને કી ચીજ હૈ.’ જીવનમાં આપણો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ તે આ ગીત હસતાં-રમતાં આપણને કહી જાય છે.
“અરેરે, વરસાદ’ કે `અરે વાહ, વરસાદ’આ બે વાક્ય મને મારી પર્સનાલિટી બતાવી દે છે. વરસાદ પડશે જ, તેને જોઈએ તે રીતે પડવાનો છે. તેની પર આપણું કોઈ કંટ્રોલ નથી, તો પછી જે બાબત મારા હાથોમાં નથી તે મારે સ્વીકારવી જ જોઈએ. વારુ, `હું નહીં સ્વીકારું’ એમ પણ કહી નહીં શકાય. `યુ લવ ઈટ ઓર હેટ ઈટ, બટ યુ કાન્ટ ઈગ્નોર ઈટ, યુ કાન્ટ એવોઈડ ઈટ’એવો છે આ વરસાદ. આથી તે સ્વીકારવાનું અનિવાર્ય છે. નહીં સ્વીકારીને ક્યાં જઈશું?અને જો સ્વીકારવું હોય તો `અરેરે વરસાદ’કહીને રડતા ચહેરે સ્વીકારવાનું કે `અરે વાહ વરસાદ’ કહીને હસતાં-હસતાં તે વરસતા વરસાદની ખુશીમાં સામેલ થવું તે આપણે નક્કી કરવાનું છે. આ જીવવા પર સો વાર પ્રેમ કરવાનું શીખવનારા વરિષ્ઠ કવિ મંગેશ પાડગાવ કરે શીખવ્યું છે ને,`કહો કઈ રીતે જીવવું, કણસતા કણસતા કે ગીતો ગાતા.’ સો લેટ્સ ગો ઈન ધ રેઈન, એન્જોય ધ રેઈન એન્ડ બી હેપ્પી અગેઈન.
આમ આ દર વર્ષે પડતો વરસાદ આપણા માટે નિસર્ગનો એક સંદેશ લઈને આવેલો હોય છે. ટેક અ બ્રેક, રિલેક્સ એન્ડ રિજુવિનેટ! તે આપણને સૂર્યપ્રકાશનું મહત્ત્વ સમજાવે છે. અનેક દેશોનું જીવન વર્ષભર સતત પડતા વરસાદથી અને વાદળિયા વાતાવરણથી કેટલું મુશ્કેલ બનતું હોય છે તેનું ભાન તે આપણને કરાવે છે. તે કહે છે, જુઓ, તમારી સૂર્યપ્રકાશ સિવાય પંદર દિવસમાં આવી દશા થતી હોય તો નોર્થ પોલ નજીકના દેશોના માણસો કઈ રીતે રહેતા હશે તે વાતાવરણમાં?તમે તમારા ભારતમાં કેટલા સુખી છો,જસ્ટ બી ગ્રેટફૂલ વિથ વોટ યુ હેવ.
અમારો મોટો પુત્ર રાજ નાનો હતો ત્યારે ડિઝનીના `વિની ધ પૂ’નો ફેન હતો. આથી તે સમયે પૂ, પિગ્લેટ, ખ્રિસ્તોફર રોબિનની વિડિયો કેસેટ્સ કલાકોના કલાકો જોવાનો અમારો શોખ હતો.`વિની ધ પૂ’માંથી જ એકાદ જીવનમંત્ર મળી જતો, તેમાંથી એક વિચાર અહીં બરોબર બંધ બેસે છે,`વ્હેન લાઈફ થ્રોઝ યુ અ રેઈની ડે, પ્લે ઈન ધ પડલ!’ સો, લેટ્સ સિંગ ઈન ધ રેઈન, ડાન્સ ઈન ધ રેઈન એન્ડ બી હેપ્પી અગેઈન!
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) દ્વારા આયોજિત મહિલા ચેસ-વર્લ્ડ કપની ફાઈનલ મૅચ જીતી ઈતિહાસ રચનાર નાગપુરની 19-વર્ષી દિવ્યા દેશમુખે કહ્યું કે “ભાગ મિલ્ખાસિંહ ભાગ અને મેરી કોમ જેવી ફિલ્મની, એના પ્રેરણાદાયી ગીતોની એની પર ભારે અસર છે.”
જ્યોર્જિયાના બાટુમી શહેરમાં દિવ્યા હિંદી ફિલ્મના પ્રેરણાદાયી સીન, સોંગ જોઈને વર્લ્ડ કપ ચેમ્પિયન બને છે તો ઘરઆંગણે મોહિત સુરિ દિગ્દર્શિત ‘સૈયારા’ ફિલ્મ જોતાં જોતાં જુવાન હૈયાં ધ્રૂસકે ધ્રૂસકે રડે છે. હવે, આ નિર્માતાનો પબ્લિસિટી સ્ટંટ છે કે પછી લાગણીનીતરતો રોમાન્ટિક ડ્રામા યંગ ઓડિયન્સને ખરેખર પસંદ આવી રહ્યો છે એ તો દ્વારિકાધીશ જાણે, પણ આટલા અનુભવ પરથી એટલું કહી શકું કે આજના હડહડતા સોશિયલ મિડિયા યુગમાં કોઈ બી ફિલ્મને પબ્લિસિટી સ્ટંટ પર ચલાવી શકાતી નથી. રિલીઝ સમયે પ્રચારનાં ગતકડાં કરવાથી સારું ઓપનિંગ કદાચ મળે, પણ તે પછી ફિલ્મ એની ગુણવત્તા પર અને પ્રેક્ષક બીજાને એ જોવાની ભલામણ કરે (માઉથ પબ્લિસિટી) તો ચાલે. હશે. એવું બની શકે કે સૈયારા ચાલી પડી એટલે એને વધુ ચલાવવા આવાં ગિમિક રચ્યાં હોય. જો કે આ અલગ વિષય છે. આપણે ફિલ્મ જોઈને રડવાની વાત કરીએ.
રૂપેરી પરદા પરનું દશ્ય જોઈને પહેલી વાર ક્યારે ડૂસકું મૂકેલું એ યાદ નથી. બાળવયે પપ્પા-મમ્મી સાથે ફિલ્મ જોવા જવાનું બનતું, પણ અમુક દશ્ય જોઈને રડવું જોઈએ એવી સમજણ ત્યારે નહોતી. કદાચ, રિશીકેશ મુખર્જીની કેન્સરગ્રસ્ત કથાનાયકવાળી આનંદ હોઈ શકે. કૉલેજકાળમાં સદમાની ક્લાઈમેક્સ જોઈને ગળું રૂંધાઈ ગયેલું. તે પછી ‘એક દૂજે કે લિયે’, ‘સાગર’ ઍન્ડ સો ઑન…
નવી ફિલ્મોમાં ‘રંગ દે બસંતી’, ‘કલ હો ન હો’, ‘ચક દે ઈન્ડિયા’, ‘તારે જમીં પર’, ‘બજરંગી ભાઈજાન’, વગેરે. ‘કલ હો ના હો’માં પ્રીટિ ઝિંટા જ્યારે અમન (શાહરુખ ખાન)ને કહે છે કે મને તારા માટે પ્રેમ છે ત્યારે એસઆરકે કહે છે કે એ તો ઓલરેડી સોનાલી બેન્દ્રે સાથે મૅરિડ છે. આ સાંભળીને બૅકગ્રાઉન્ડમાં અમનની મમ્મી (રીમા લાગુ) રડે છે તે સીન માર્ક કરજો.
એક ફિલ્મ એવી છે, જેનું સ્મરણ થતાં દિલ ઉદાસ થઈ જાય છે. એમાંય એક પરટિક્યલુર દશ્ય યાદ આવે છેને હૃદયમાં લાગણીનાં પૂર ઊમટે છે. એ ફિલ્મ એટલે 2004માં આવેલી ‘સ્વદેસ’. આ સીનઃ શાહરુખ ખાન ઉત્તર ભારતના અંતરિયાળ ગામમાં ટ્રેનપ્રવાસ કરી રહ્યો હોય છે. એક સ્ટેશન પર ગાડી ઊભી રહે છે ત્યારે પ્લેટફોર્મ પર આઠ-દસ વર્ષનો નિર્ધન બાળક એક હાથમાં બાલદી, બીજા હાથમાં કિટલી લઈને આમતેમ દોડી રહ્યો છેઃ ‘પાણી લ્યો કોઈ પાણી… પચીસ પૈસાનું એક પવાલું…’ અમેરિકાથી આવેલો નાસાનો સાયન્ટિસ્ટ ડૉ. મોહન ભાર્ગવ (શાહરુખ) આખી ફિલ્મમાં મિનરલ વૉટર પીએ છે, પણ એ પેલા બાળક પાસેથી પાણી ખરીદીને પીએ છે. ટ્રેન સીટી વગાડતી ધીરે ધીરે પ્લેટફોર્મ છોડે છે ત્યારે ડિરેક્ટર આશુતોષ ગોવારિકર ટ્રેનની બારીમાંથી પેલા બાળક પર કૅમેરા તાકે છે, જે એની કમાણી, પરચૂરણ ગણી રહ્યો છે. પછી શાહરુખનો ક્લોઝઅપ, એના ગળામાં રુદન અટકી ગયું છે, આંખો સહેજ ભીની છે. માંડ બે મિનિટનો આ સીન યુટ્યુબ પર મળી જશે. ઈમોશનલ ન બનો તો પૈસા પાછા.
વસ્તુ એવી છે કે, સિનેમા એટલે જુદી જુદી લાગણીની રોલરકોસ્ટર રાઈડ. ક્રાઈમ થ્રિલર હોય કે સાઈકોલોજિકલ ડ્રામા કે રોમાન્સ- આપણે હસીએ છીએ, રડીએ છીએ અથવા ક્યારેક કંઈ જ ન અનુભવીએ. મેઈન ચીજ શું છે કે રૂપેરી પરદા પર ભજવાતી કોમેડી, ટ્રેજેડી, મારામારી સાથે આપણે કનેક્ટ થઈએ છીએ કે નહીં.
રડવાની વાત આવે ત્યારે બધા માટે એ અનુભવ સરખો ન હોય. કોઈને થિયેટરની ડાર્કનેસમાં અમુક સીનમાં પોતાના જીવનમાં વ્યાપેલું અંધારું દેખાય ને રોઈ પડે. કોઈ ફિલ્મની કોમેડી જોઈને રડવું આવે તો કોઈ કરુણ સીન એવો લખાયો ને ભજવાયો હોય કે હસવું આવે, કંટાળો આવે, પણ રડવું આવતું નથી. હેંને?
મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે કોઈને ઈમોશનલ થતાં જોઈએ છીએ ત્યારે આપણા મગજમાં મિરર ન્યુરોન એવો જ અનુભવ ઉત્પન્ન કરે છે. મિરર ન્યુરોન મગજના એવા કોષ (સેલ્સ) છે, જે બીજાને કશુંક કરતા જોઈને આપણી અંદર એવો અનુભવ કરાવે. જેમ કે કોઈને બગાસું ખાતાં જોઈને આપણને પણ બગાસું આવી જાય. અમુક પાત્ર કે દશ્ય પ્રત્યે આપણે કેવી લાગણી અનુભવીએ છીએ એ નક્કી કરે ઓક્સિટોસિન નામના હોર્મોન.
જેમ દરેક જોક પર આપણે હસતા નથી એમ ફિલ્મની દરેક સિચ્યુએશન કે પાત્ર સાથે આપણે લાગણીથી જોડાઈ શકતા નથી. કોઈને મશ્કરા ટોક-શો કે સ્ટેન્ડઅપ કોમેડી ખડખડાટ હસાવે તો કોઈને એ ત્રાસદાયક લાગે. મોજ કે મહાત્રાસ? એ નક્કી કરે છે વ્યક્તિત્વ, ઉછેર અને સંજોગ. એ બદલાઈ પણ શકે. માણસમાં પરિવર્તન આવે, એને નવા અનુભવ થાય ત્યારે એ જ ટોક શો કે સ્ટેન્ડ અપ કોમેડી કરનાર પરફોરમર સામે જુદો પ્રતિભાવ હોઈ શકે.
કેટલાક લોકો પોતાનાં દુઃખ કે લાગણીનું પ્રોસેસિંગ જિવાતા જીવનમાં પણ નથી કરી શકતા. આવા લોકો ફિલ્મ જોતી વખતે શૂન્યમનસ્ક રહે છે. નાર્સિસિસ્ટ પર્સનાલિટી (જાતના જ પ્રેમમાં રહેનારા) કે કોઈ ડિસઑર્ડર ધરાવનારા પણ કંઈ ફીલ કરી શકતા નથી. ક્યારેક આર્થિક-સામાજિક પરિબળ પણ મહત્વનો રોલ ભજવે. અતિ ધનવાન વ્યક્તિ નિર્ધનનાં દુઃખ કે ગરીબી વિશેની ફિલ્મ સાથે કનેક્ટ ન પણ થાય. કોઈને થિયેટરમાં લોકો વચ્ચે રડવું અયોગ્ય લાગે. કોમેડી ફિલ્મમાં હાસ્ય સહેલાઈથી સ્વીકારાય, પણ રુદન નહીં. કારણ બીજા આપણને દુઃખી થતા જોઈ લેશે તો? એવો ડર લાગે.
એક એકરારઃ ‘સૈયારા…’ ફિલ્મ પૂરી થઈ ને પરદા પર એન્ડ-ટાઈટલ્સ આવવા માંડ્યાં ત્યારે મારું હૈયું ભરાઈ આવેલું. એવું નથી કે ‘સૈયારા’ના હેપી એન્ડિંગ સાથે હું હેપી નહોતો, પણ અંદર એક મનોઝંઝટ મચેલી હતી એ નક્કી. વધુ લખવામાં સ્પોઈલર આવી જવાનો ભય છે.
-અને ઓ હેલ્લો, ‘સૈયારા’ જોઈને તમને રડવું ન આવે તો એ ઓલરાઈટ બાબત છે. બાકી, ફુરસદમાં તમારો અભિપ્રાય જણાવશો તો ગમશે.
નવી દિલ્હીઃ ભારત પર પહેલી ઓગસ્ટથી લાગુ થનાર 25 ટકા ટેરિફ હવે 7 ઓગસ્ટથી લાગુ પડશે, એટલે કે, એ દરમિયાન ભારતને હાલ માટે રાહત મળી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે, જેના હેઠળ અમેરિકા 69 દેશો અને યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશો પર આયાત ટેરિફ લગાવશે. આ ઓર્ડર ગુરુવારે મોડી રાત્રે સહી થયો હતો અને સાત ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. જે દેશોનું નામ આ યાદીમાં નથી, તે દેશો પર 10 ટકા ડિફોલ્ટ ટેરિફ દર લાગુ થશે.
ટ્રમ્પની આ પહેલ પારસ્પરિક વેપારી સંબંધોને મજબૂત બનાવવાની તેમની વ્યૂહરચનાનો ભાગ છે. અનેક દેશોના ટેરિફ દરોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, જ્યારે કેટલાક દેશોએ છેલ્લી ઘડીના કરારને કારણે ભારે ટેરિફથી બચાવ કર્યો છે.
વ્હાઇટ હાઉસે શુક્રવાર સુધી ડેડલાઇન નક્કી કરી હતી, જેને કારણે ઘણા દેશો પર અંતિમ ક્ષણે કરાર કરવા અથવા આકરા ટેરિફનો સામનો કરવાનું દબાણ છે. વરિષ્ઠ વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર સાત ઓગસ્ટ સુધી ટેરિફ લાગુ ન કરવાનો નિર્ણય નવા ટેરિફ શેડ્યૂલને વધુ સારી રીતે સુસંગત બનાવવા માટે લેવામાં આવ્યો છે.
સૌથી વધુ ટેરિફ દર ધરાવતા દેશોમાં સિરિયા (41 ટકા), સ્વિટ્ઝરલેન્ડ (39 ટકા), લાઓસ અને મ્યાનમાર (40 ટકા), ઈરાક અને સર્બિયા (35 ટકા), અને લિબિયા તથા અલ્જિરિયા (30 ટકા) સામેલ છે. જ્યારે તાઇવાન, ભારત અને વિયેતનામ જેવા દેશો પર 20થી 25 ટકા વચ્ચેના ટેરિફ દરો લાગુ થશે.
આ નવો ઓર્ડર વૈશ્વિક વેપાર પર ઊંડો અસર કરી શકે છે, કારણ કે અમેરિકા તેના વેપાર ભાગીદારો સાથે વધુ સમાન અને લાભદાયક કરારની માગ કરી રહ્યું છે. અગાઉ પણ અમેરિકા વિવિધ દેશો સાથેના વેપાર વિવાદોને કારણે ટેરિફ વધારી ચૂક્યું છે, અને આ પગલું તે નીતિઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં માનવામાં આવી રહ્યું છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે, દેશમાં રાજકીય હોબાળો મચી ગયો છે. વિપક્ષ સરકાર પર હુમલો કરી રહ્યો છે. તે સરકાર પાસેથી જવાબો માંગી રહ્યો છે. ગુરુવારે, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ આ અંગે વાત કરી. તેમણે જે કહ્યું તે પહેલાં, ચાલો જાણીએ કે ટ્રમ્પના ટેરિફ પર ભારત શું કરશે. શું ભારત કોઈ બદલો લેવાની કાર્યવાહી કરશે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે?
હાલમાં, ભારત એવી કોઈ કાર્યવાહી નહીં કરે જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડે. તેના બદલે, ભારત આ મામલાને વાતચીત દ્વારા ઉકેલશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટપણે કહ્યું છે કે રાષ્ટ્રીય હિત અમારી સરકારની પ્રાથમિકતા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ (આયાત ડ્યુટી) ની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મોદી સરકાર ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, કામદારો, નિકાસકારો, MSME અને તમામ હિસ્સેદારોને મહત્વ આપે છે.
દિલ્હી અને વોશિંગ્ટનમાં ચાર બેઠકો યોજાઈ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દિલ્હી અને વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે ચાર બેઠકો યોજાઈ. બંને દેશોએ માર્ચ 2025 માં પરસ્પર ફાયદાકારક વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરી હતી. ઉદ્દેશ્ય ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો હતો. સરકાર તાજેતરના વિકાસની અસરનું મૂલ્યાંકન કરી રહી છે.
તમામ હિસ્સેદારો સાથે વાતચીત થઈ રહી છે
તેમણે કહ્યું, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તમામ હિસ્સેદારો સાથે વાત કરી રહ્યું છે અને માહિતી મેળવી રહ્યું છે. અમે દેશના હિતોનું રક્ષણ અને આગળ વધારવા માટે તમામ જરૂરી પગલાં લઈશું. આજે, ભારત નાજુક પાંચમાંથી બહાર આવીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે.
અમે સમાન કરારો કરવા માટે પ્રતિબદ્ધ છીએ
છેલ્લા 11 વર્ષમાં ભારતીય નિકાસમાં સતત વધારો થયો છે. ભારતે UAE, UK, ઓસ્ટ્રેલિયા અને EFTA (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) દેશો સાથે ફાયદાકારક વેપાર કરારો કર્યા છે. અમે અન્ય દેશો સાથે પણ સમાન કરારો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરકારને વિશ્વાસ છે કે અમે વિકસિત ભારત-2047 ના લક્ષ્ય તરફ ઝડપથી અમારી યાત્રા ચાલુ રાખીશું.
કોંગ્રેસ સરકાર પર હુમલો કરે છે
બીજી બાજુ, પીયૂષ ગોયલ દ્વારા આપવામાં આવેલી આ માહિતી પર, કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેમણે સંસદમાં વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત કરી નથી. કોંગ્રેસે કહ્યું કે મંત્રીએ દેશની ચિંતાઓને સંબોધિત કરી નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની મિત્રતા પર જે વિશ્વાસ મૂક્યો હતો તે સંપૂર્ણપણે પોકળ સાબિત થયો.
જયરામ રમેશે કહ્યું કે, આજે વાણિજ્ય મંત્રીએ ટ્રમ્પ અને અમેરિકન ટેરિફના મુદ્દા પર સંસદમાં કોઈ નિવેદન આપ્યું નથી. અમેરિકા સાથે વેપાર સોદો ન કરી શકવા, અમેરિકા દ્વારા 25 ટકા ટેરિફ લાદવા અને રશિયા અને ઈરાન સાથે વેપાર પર વધારાનો દંડ લાદવા જેવા મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ નથી. દેશની ચિંતાઓનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
બિહારમાં SIR ના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થયું છે. તેના પહેલા તબક્કામાં બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી આજે પ્રકાશિત કરવામાં આવશે. ચૂંટણી પંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ અંતિમ યાદી નથી. આ ફક્ત ડ્રાફ્ટ મતદાર યાદી છે. જો કોઈનું નામ આ યાદીમાં બાકી રહે છે, તો તે મતદાર 1 સપ્ટેમ્બર, 2025 સુધી પોતાનું નામ ઉમેરી શકે છે. અંતિમ યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
ડ્રાફ્ટ મતદાર યાદીના પ્રકાશન પહેલાં, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બિહારના મતદારોને સંદેશ મોકલ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, બિહારના પ્રિય મતદારો, SIR ના આદેશોના ફકરા 7(4) (પૃષ્ઠ 3) મુજબ, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી આવતીકાલે એટલે કે શુક્રવાર, 1 ઓગસ્ટ, 2025 ના રોજ https://voters.eci.gov.in/download-eroll?stateCode=S04 પર પ્રકાશિત કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે તેની ભૌતિક અને ડિજિટલ નકલો બિહારના તમામ 38 જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) દ્વારા બિહારના તમામ 38 જિલ્લાઓમાં તમામ માન્ય રાજકીય પક્ષોને આપવામાં આવશે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) અને 243 ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO) તે વિધાનસભા મતવિસ્તારના કોઈપણ મતદાર અથવા બિહારના કોઈપણ માન્ય રાજકીય પક્ષને 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2025 સુધી કોઈપણ લાયક મતદારનું નામ ઉમેરવા, કોઈપણ અયોગ્ય મતદારનું નામ દૂર કરવા અથવા ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈપણ એન્ટ્રીમાં સુધારા માટે દાવા અને વાંધા આપવા માટે આમંત્રિત કરશે.
બાકાત રહેલા મતદારોના નામ આ રીતે ઉમેરી શકાય છે
ડ્રાફ્ટ મતદાર યાદી 1 ઓગસ્ટ, 2025 ના રોજ પ્રકાશિત થશે.
જો તમારું નામ આ યાદીમાં નથી, તો તમે 1 સપ્ટેમ્બર, 2025 સુધી દાવા અને વાંધા દાખલ કરી શકો છો.
ફોર્મ 6 અથવા ફોર્મ 8 (સુધારણા/સ્થાનાંતરણ માટે) ભરીને ERO અથવા BLO ને સબમિટ કરવાનું રહેશે.
ચૂંટણી પંચે 11 દસ્તાવેજોની યાદી બહાર પાડી છે, જેમાંથી એક સબમિટ કરવાનું રહેશે.
બિહારમાં 7.24 કરોડ મતદારો, 65 લાખ નામ દૂર કરવામાં આવ્યા છે
બિહારમાં મતદાર સુધારણા પછી, કુલ 7.24 કરોડ મતદારો છે. 65 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જેમના નામ દૂર કરવામાં આવ્યા છે તેમાં મૃત, વિસ્થાપિત અને વિદેશી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે કહ્યું છે કે 24 જૂન, 2025 સુધી, બિહારમાં 7.89 કરોડ મતદારો હતા. SIR 24 જૂન, 2025 ના રોજ બિહારમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેનો પ્રથમ તબક્કો 26 જુલાઈના રોજ પૂર્ણ થયો હતો.