Home Blog Page 705

શું સ્ત્રી જ સ્ત્રીની સાચી અવરોધક છે?

અવનીશા અમદાવાદની એક IT કંપનીમાં ડેવલપર તરીકે કામ કરતી. એનું સપનું હતું પ્રોજેક્ટ મેનેજર બનવાનું, પણ ઓફિસમાં ટીમ લીડર ઝીવા હંમેશા એની અવગણા કરતી. અવનીશા સારો પ્રોજેક્ટ તૈયાર કરે, છતા એને એપ્રોચ કરવામાં ન આવે. ઝીવા જાણતી હતી કે અવનીશા ખુબ સારું કામ કરે છે, મેનેજર બનવા માટે પરફેક્ટ છે. એટલેસ્તો એ હંમેશા કોઈને રોઈ રીતે એને અપમાનીત કરતી.

જયારે ઓફિસના રાજકારણમાં ફસાયેલી અવનીશા ઘરે જાય ત્યારે સાસુ નીલમબહેન આગ્રહ રાખતાં કે ઘરના બધા કામ એ જ કરે. વારંવાર એને મહેણાં મારતા કે “નોકરી કરે છે એટલે ઘરની જવાબદારી ભૂલી જાય છે”. ઘણીવાર તો સાસુની બહેનપણીઓ પણ ટોકતી કે આ નોકરી- બોકરી તો ઠીક છે, બાકી ઘર સંભાળવું એ જ સ્ત્રીનું કામ છે.

અવનીશા ઘણીવાર હતાશ થઈ જતી. પણ પતિ ઉત્સવ હંમેશા એને સાથ આપતો, દરેક વાતને અવગણવાની સલાહ આપતો. અવનીશાને પતિના સહકારથી ઘણું પ્રોત્સાહન મળતું. આખરે એની મહેનત રંગ લાવી. ઓફીસના સિનીયર મેનેજર આશિષે અવનીશાના પ્રોજેક્ટને અપ્રુવ કરી એની કાબેલિયતને ધ્યાનમાં રાખી પ્રમોશન આપ્યું.

એક સ્ત્રી તરીકે અવનીશાને ઘર કે ઓફિસમાં બીજી સ્ત્રીનો તો સહકાર ન મળ્યો, પણ પતિ અને સિનીયર મેનેજરના સાથથી એ યોગ્ય જગ્યાએ પહોંચી શકી.

શું કામ એક સ્ત્રી જ સ્ત્રીને આગળ વધતી રોકે છે? ક્યાંકને ક્યાંક ન ઇચ્છતા આજે પણ એક સ્ત્રી જ સ્ત્રીની અવરોધક છે.

સ્ત્રીની સ્ત્રી માટેની સમજણશક્તિની ઉણપ

સમાજમાં સ્ત્રીઓ ઘણી આગળ વધી રહી છે. સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. પુરુષો પણ સ્ત્રીઓની આ સ્થિતિને સ્વીકારતા થયા છે, એની પ્રગતિને બિરદાવતા થયા છે. પણ ઘરથી માંડીને કાર્યક્ષેત્ર સુધી દરેક જગ્યાએ સ્ત્રીની સ્ત્રી માટેની સમજણશક્તિની ઉણપ વર્તાય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા રાઈટર નીતિક્ષા જેઠવા કહે છે કે, “એક સ્ત્રી જ ઈચ્છે છે કે સ્ત્રી ક્યારેય આગળના વધે એ ફક્ત ઘરના ચારખુણામાં ઘરના કામમાંજ સમાય જાય. એક સ્ત્રીંજ ઈચ્છે છે કે સ્ત્રી ક્યારેય એના કાર્યક્ષેત્રમાં આગળના વધે, એની પીછેહઠ થાય અને એ જોઈને હું ખુશ થાઉ. એક સ્ત્રીને એના જ સ્ત્રી સંબંધો બંધનમાંથી મુક્ત નથી કરી શકતા. ઘરના કામ પરિવારજનોની જવાબદારી સ્ત્રી એટલે માત્ર રસોડું, કદાચ આજ બિરુદ એક ઘરની વડીલ સ્ત્રી એના ઘરમાં આવનાર વહુ કે દેરાણીને આપતી હશે. કાર્યક્ષેત્રમાં પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને નીચી બતાવી પોતે આગળ વધવાનો પ્રયાસ કરે છે. સ્ત્રી આગળ વધી રહી છે પણ આગળ વધતા વધતા પાછળ નજર કરતાજ એને પાછળ ખેંચવામાં સ્ત્રીઓનું ઝુંડ જોવા મળે છે. પણ હવે સ્ત્રીઓ એ જ સ્ત્રીની પ્રગતિ માટે એના પડખે આવવું પડશે.”

સ્ત્રીની સ્ત્રી પ્રત્યેની અપેક્ષાઓ

સમાજમાં સ્ત્રીઓ એકબીજાને નીચે ખેંચવાનું કામ કરે છે, જેનાથી અશાંતિ ફેલાય છે. જ્યારે દીકરીનો જન્મ થાય, ત્યારે માતા કે સાસુ પુત્રની અપેક્ષા રાખે છે. દીકરીને નાનપણથી જ ઘરકામ, સાસરે જવાની તૈયારી અને નિયમો શીખવવામાં આવે છે. લગ્ન બાદ સાસુ વહુ પાસેથી ઘરના કામમાં પરફેક્શનની અપેક્ષા રાખે છે. પોતે સહન કરેલી પીડા વહુએ પણ સહન કરવી જોઈએ એવું માને છે. આ ઝઘડાઓથી ઘરમાં અશાંતિ ફેલાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર મિનાક્ષી પ્રજાપતિ કહે છે, “વિધવા સ્ત્રીને શણગાર, રંગીન કપડાં કે જીવનનો આનંદ માણવાની મનાઈ કરવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ એની નિંદા કરે છે, એમ કહીને કે “એનો પતિ નથી, તો એ સમાજમાં શું કામ રહે?” કામકાજી સ્ત્રીઓ પાસે પણ ઘર અને નોકરી બંનેમાં સમાન પરફેક્શનની અપેક્ષા રાખવામાં આવે છે, જે અનુચિત છે. સ્ત્રીએ સ્ત્રીને સમજવાની જરૂર છે. એકબીજાને નીચે ખેંચવાને બદલે, સાથ આપીને મજબૂત બનાવવી જોઈએ. જો સ્ત્રીઓ એકબીજાને સમર્થન આપે, તો સમાજમાં મજબૂત સ્ત્રીઓની સંખ્યા વધશે, અને સમાજ વધુ સુખી થશે.”

સ્ત્રીઓ એકબીજાને સમજીને સમર્થન આપવાની જરૂર છે

સ્ત્રી કોઈપણ પરિસ્થિતિમાં હોય બીજી સ્ત્રી ક્યારેય એની મનોસ્થિતિને સમજી શકતી નથી. ઘણીવાર સ્ત્રીજ સ્ત્રીનું શોષણ કરતી નજરે પડે છે. સ્ત્રીઓ વચ્ચેની ઈર્ષા અને સ્પર્ધા ઘણીવાર ઘર અને સમાજમાં વિખવાદનું મૂળ કારણ બને છે. અમુક સ્ત્રીઓને એવી લાગણી થાય છે કે બીજી સ્ત્રી એમનાથી વધુ સફળ, આકર્ષક કે સમર્થ ન બનવી જોઈએ.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા નિવૃત શિક્ષિકા કોમલ દેસાઈ કહે છે કે, “ખાસ કરીને ઘરમાં, સાસુ-વહુના સંબંધોમાં, સત્તા અને પ્રભુત્વ જાળવવાની લડાઈ જોવા મળે છે, જ્યાં સાસુને ભય રહે છે કે વહુ તેનું સ્થાન ન હડપી લે. આ અસુરક્ષા અને ઈર્ષાની ભાવના સ્ત્રીઓને એકબીજાને નીચે ખેંચવા પ્રેરે છે, જેનાથી સંબંધોમાં તિરાડ પડે છે. આવું દરેક જગ્યાએ નથી હોતું, પરંતુ ઘણીવાર સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી અવરોધક બની જાય છે. જો સ્ત્રીઓ એકબીજાને સમજીને સમર્થન આપે, તો સમાજમાં સ્ત્રીશક્તિનો નવો અધ્યાય શરૂ થઈ શકે છે.”

હેતલ રાવ

ડૉ. જનક જોશીની US સેનેટ માટે ઉમેદવારીની જાહેરાત

અમેરિકા: ડેનવર, કોલોરાડોના નિવૃત્ત સ્પ્રિંગ્સ ફિઝિશિયન અને ભૂતપૂર્વ રાજ્ય ધારાસભ્ય ડૉ. જનક જોશીએ યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે તેમણે પીઢ રાજકારણી અને વર્તમાન સેનેટર જોન હિકેનલૂપર સામે આકરો પડકાર ફેંક્યો છે. જોશીએ તેમના નિવેદનમાં હિકેનલૂપરની નીતિઓ અને કટ્ટરપંથી આદર્શો પર આકરા પ્રહારો કર્યા, સાથે જ અમેરિકન સ્વપ્ન અને કોલોરાડોના મૂલ્યોનું રક્ષણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.ડૉ. જોશીએ જણાવ્યું, “હું કાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો. માત્ર એક સૂટકેસ અને 100 ડોલર સાથે આવ્યો હતો. સખત મહેનત અને આ દેશ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા દ્વારા મેં અમેરિકન સ્વપ્ન હાંસલ કર્યું. પરંતુ જોન હિકેનલૂપર જેવા રાજકારણીઓ આ દેશની તકોની ભૂમિની ભાવનાને નષ્ટ કરી રહ્યા છે. રાજ્ય વિધાનસભામાં મેં તેમના કટ્ટરપંથી વિચારો સામે લડત આપી અને હવે સેનેટમાં પણ આ જ લડાઈ ચાલુ રાખીશ.”જોશીએ રાજ્ય વિધાનસભામાં તેમના કાર્યકાળ દરમિયાન કર, ફી કે ખર્ચ વધારાની વિરુદ્ધ હંમેશા મતદાન કર્યું હતું. તેમનો ટ્રેક રેકોર્ડ સારી નોકરીઓ ઊભી કરવા, કાયદો અને વ્યવસ્થાને સમર્થન આપવા, રૂઢિચુસ્ત મૂલ્યોનું રક્ષણ કરવા અને પ્રગતિશીલ એજન્ડા સામે લડવાનો રહ્યો છે. તેમણે હિકેનલૂપરના “નકામા પાલતુ પ્રોજેક્ટ્સ”ને ક્યારેય સમર્થન ન આપ્યું.તેમણે વધુમાં ઉમેર્યું, “આ દેશે મને અને મારા પરિવારને અમેરિકન સ્વપ્ન જીવવાની તક આપી. હવે હું યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટમાં જઈને કોલોરાડોના મૂલ્યો, કાયદાનું શાસન અને આ દેશની મૂળ ભાવનાનું રક્ષણ કરીશ.” આ ઉમેદવારીની જાહેરાતથી કોલોરાડોના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે, અને ડૉ. જોશીનો હિકેનલૂપર સામેનો આ પડકાર રાજ્યના મતદારો માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ રજૂ કરે છે.

ઉત્તરાખંડની હર્ષિલ વેલીમાં વાદળ ફાટ્યું: 10નાં મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી હર્ષિલ વેલીમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાથી અહીં જ હર્ષિલ નજીક આવેલું ધરાલી નગર પાણીની ઝપેટમાં આવી ગયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ધરાલીમાં વરસાદી નાળા પાસે આવેલાં અનેક મકાનો પાણીમાં વહી ગયાં છે. અત્યાર સુધી 10નાં મોત થયાં છે

અહીં આશરે 15 મકાન વહી ગયા છે તેમ જ આશરે 50થી 60 લોકોને ગુમ થયા હોવાની માહિતી છે. આર્મી અને પોલીસની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. SDRF અને NDRFની ટીમો ભટવાડીથી ધરાલી માટે રવાના થઈ ચૂકી છે, જ્યારે ઋષિકેશથી પણ અન્ય બચાવ ટીમોને મોકલવામાં આવી છે.

ધરાલી ખાતે ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાને કારણે આ વિનાશક દૃશ્યો જોવા મળ્યાં છે. કહેવાય છે કે આ દુર્ઘટનામાં લગભગ 50થી 60 લોકો લાપતા છે. નદીના કાંઠે અચાનક આવેલા પૂરથી હજારો હોટલો અને હોમસ્ટેને નુકસાન પહોંચ્યું છે. તેમાં ઘણા મજૂરો ફસાઈ ગયા હોવાની પણ આશંકા છે. પાણી આવતા જ ત્યાં હાહાકાર મચી ગયો હતો, પરંતુ લોકોને બચવાનો મોકો મળ્યો ન હતો. પૂર સાથે મોટા મોટા પથ્થરો અને લાકડાના ઠોકરાં પણ વહેતા આવી રહ્યા હતા અને એના તળે આવી ગયાથી અનેક લોકોના મોતની આશંકા છે.

CM પુષ્કર સિંહ ધામીએ વાદળ ફાટવાની ઘટનાથી થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે NDRF અને SDRFની ટીમો યુદ્ધને ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. પોલીસ અને આર્મી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને SDRFની ટીમ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે. SDRFની ટીમ ભટવાડીમાંથી રવાના થઈ ગઈ છે. વાદળ ફાટવાની આ ઘટના બપોરે 1:55 વાગ્યે બની હતી. ભૂતપૂર્વ CM ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું હતું કે ત્યાં ઘણું નુકસાન થયું છે, પરંતુ માનવહાનિ વિશે હાલ કંઈ નિશ્ચિત રીતે કહી શકાય નહીં. ધરાલી ગંગોત્રી રૂટ પર આવેલું છે અને આ વિસ્તાર ધાર્મિક તેમ જ સૈન્યની દૃષ્ટિએ પણ અતિ મહત્વપૂર્ણ છે. અહીંથી નિલોંગ વેલી માટે પણ રસ્તો જાય છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે.

અભિનેતા સંતોષ બલરાજનું 34 વર્ષની વયે કમળાને કારણે અવસાન

સાઉથ ફિલ્મ ઉદ્યોગને વધુ એક ઝટકો લાગ્યો છે. સુપરસ્ટાર પ્રેમ નઝીરના પુત્ર અને અભિનેતા શનવાસ કલાભવન નવસ પછી હવે કન્નડ અભિનેતા સંતોષ બલરાજના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત નિર્માતા અનેકલ બલરાજના પુત્ર અને કન્નડ અભિનેતા સંતોષ બલરાજનું 34 વર્ષની વયે એક હોસ્પિટલમાં અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાનું મૃત્યુ કમળાને કારણે થયું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંતોષ બલરાજને થોડા સમય પહેલા કમળાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમની તબિયત સારી લાગતી હતી, પરંતુ થોડા દિવસો પછી તેમની તબિયત ઝડપથી બગડતી ગઈ. આ ગંભીર બીમારીએ તેમનો જીવ લઈ લીધો અને યુવા અભિનેતા કાયમ માટે આ દુનિયા છોડી ગયા. સંતોષે તેમના અભિનય કારકિર્દીમાં મુખ્યત્વે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું. તેમના મૃત્યુના સમાચારથી તેમના ચાહકો તેમજ કન્નડ સિનેમા જગતમાં શોક ફેલાયો છે.

સંતોષે વર્ષ 2009 માં ફિલ્મ ‘કેમ્પા’ થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે અવિનાશ, રુચિતા પ્રસાદ અને પ્રદીપ સિંહ રાવત જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. તેમની બીજી ફિલ્મ ‘કરિયા 2’ હતી, જે તેમના પિતા અનેકલ બલરાજ દ્વારા સંતોષ એન્ટરપ્રાઇઝના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. ‘કરિયા 2’ માં અજય ઘોષ, મયુરી ક્યાતારી, સાધુ કોકિલા અને નાગેશ કાર્તિક પણ મુખ્ય ભૂમિકામાં હતા.

સંતોષની લોકપ્રિય ફિલ્મોમાં 2015 માં રિલીઝ થયેલી ‘ગણપા’ અને તાજેતરમાં 2024 માં રિલીઝ થયેલી ‘સત્યમ’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે સુમંત ક્રાંતિની ફિલ્મ ‘બર્કલે’ માં પણ દેખાયા હતા, જેમાં ચરણ રાજ, સિમરન નાટેકર અને રાજા બલવાડી જેવા કલાકારો પણ હતા.

સંતોષના પિતા, પ્રખ્યાત નિર્માતા અનેકલ બલરાજનું પણ ગયા વર્ષે બેંગલુરુમાં એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું. તેમને ‘કરિયા’, ‘કરિયા 2’ અને ‘જેકપોટ’ જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. સંતોષ તેની માતા સાથે રહેતા હતા અને લગ્ન કર્યા ન હતા. તેમના અકાળ મૃત્યુથી તેમનો પરિવાર અને ઉદ્યોગના લોકો ખૂબ જ દુઃખી છે. ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને તેમને યાદ કરી રહ્યા છે.

અમેરિકન ટેરિફ અને ઇન્વેસ્ટર વિજય કેડિયાનો વાઇરલ વિડીયો…

નવી દિલ્હી: પ્રખ્યાત રોકાણકાર વિજય કેડિયાનો એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો છે. તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાતો પર કટાક્ષ કરતો અને સાથે જ ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પની જોરદાર હિમાયત કરતો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.વિજય કેડિયા આ વીડિયોમાં ઉત્સાહથી ‘રચના હૈ ફિર ઇતિહાસ’ ગીત ગાતા નજરે પડે છે. હિન્દી ફિલ્મ બ્રહ્મચારી (૧૯૬૮)ના સંગીત નિર્દેશક શંકર જયકિશન દ્વારા રચિત બોલિવૂડ ગીત ‘દિલ કે ઝરોખે મેં’ ની ધૂન પર તેમણે આ ગીત તૈયાર કર્યું છે. ગીતનો મૂળ હાર્દ જો અમેરિકા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનું ચાલુ રાખે તો ભારત માટે પણ નવેસરથી આર્થિક ઇતિહાસ રચવાની તક છે એ પ્રકારનો છે. તેમણે ભારતીયોને “ઇતિહાસ ફરીથી લખવા” અને એક મજબૂત, આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે આ ગીતમાં હાકલ કરી છે. તેમણે આ ગીતમાં પ્રતિકૂળતાને તકમાં ફેરવવાના વ્યાપક વિષયને પ્રતિબિંબિત કર્યો છે.

વિજય કેડિયા એક પ્રખ્યાત ભારતીય રોકાણકાર અને શેરબજારના નિષ્ણાંત છે. કોલકાતાના મારવાડી પરિવારમાં જન્મ થયો હતો. વિજય કેડિયાના પિતા સ્ટોક બ્રોકર હતા. 1978માં, જ્યારે વિજય 10મા ધોરણમાં હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ. તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પરંતુ શેરબજારમાં શરૂઆતમાં નિષ્ફળતા મળી. આજના સમયે તેમનું નામ શેરબજારમાં સફળતાનું પર્યાય છે. નાની ઉંમરે જ તેમને શેરબજારમાં રસ જાગ્યો અને 19 વર્ષની ઉંમરે તેમણે ટ્રેડિંગ શરૂ કર્યું.

1990માં વિજય કેડિયા કોલકાતાથી મુંબઈ આવ્યા. 1992માં તેમણે પંજાબ ટ્રેક્ટર્સના શેરમાં રોકાણ કર્યું, જેનાથી તેમને 500% નફો થયો. ત્યારબાદ એસીસી (ACC)ના શેરમાં રોકાણથી 10 ગણો નફો થયો, જેનાથી તેમણે મુંબઈમાં ઘર ખરીદ્યું. 2004-05માં તેમણે અટલ ઓટો, એજિસ લોજિસ્ટિક્સ અને સેરા સેનિટરીવેરમાં રોકાણ કર્યું, જે 10-12 વર્ષમાં 100 ગણા વધ્યા.

ભારત-પાકિસ્તાન બોર્ડર પર NIA ની મોટી કાર્યવાહી

ભારત-પાકિસ્તાન સરહદ પર રાષ્ટ્રીય તપાસ એજન્સીની મોટી કાર્યવાહી ચાલી રહી છે. અમૃતસર, ગુરદાસપુર સહિત 18 સ્થળોએ NIA ની મોટી કાર્યવાહી ચાલી રહી છે. NIA પાકિસ્તાનની સરહદે આવેલા ગામોમાં 18 સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે જે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

માહિતી અનુસાર, NIA ની ચાર ટીમોએ બટાલા ડેરા બાબા નાનક કાદિયાન વિસ્તારમાં દરોડા પાડ્યા છે. દરોડા ક્યાં પાડવામાં આવ્યા તે અંગે કોઈ માહિતી મીડિયાને આપવામાં આવી રહી નથી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, NIA ટીમે અમૃતસરમાં એક ટ્રાવેલ એજન્ટના ઘરે દરોડો પાડ્યો હતો જે વહેલી સવારે લોકોને વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરતો હતો. આ દરોડો શાસ્ત્રી નગરમાં વિશાલ કુમાર નામના એજન્ટના ઘરે પાડવામાં આવ્યો હતો. NIA ટીમે ઘણા દસ્તાવેજો પોતાના કબજામાં લીધા છે.

PDA પાઠશાળાઃ અખિલેશ યાદવે CM યોગીને અલ્ટિમેટમ આપ્યું?

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં સ્કૂલ મર્જર (શાળાઓના વિલય)ની નીતિને લઈને ભારે વિવાદ છે. ઘણા શિક્ષકો તેનો વિરોધ કરી રહ્યા છે અને એ સાથે-સાથે રાજકીય પાર્ટીઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ જ ક્રમમાં સમાજવાદી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશમાં PDA પાઠશાળા શરૂ કરી છે. તેમનો તર્ક છે કે જ્યારે સુધી શાળાઓમાં પૂરતા શિક્ષકોની નિમણૂક ન થાય, ત્યાં સુધી PDA પાઠશાળા ચાલુ રહેશે.

અખિલેશ યાદવે શું કહ્યું?

મિડિયા સાથે વાત કરતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે PDA પાઠશાળાને પોલીસ રોકી શકતી નથી. CMએ પાઠશાળામાં આવીને હાલત જોવી જોઈએ. સરકારે પોતે સ્વીકાર્યું છે કે તેણે ઘણી શાળાઓ બંધ કરી છે અને કેટલીકનો વિલય પણ કર્યો છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરો ત્યાં સુધી વિદ્યાર્થીઓને ભણાવતા રહેશે જ્યાં સુધી નવી શિક્ષકની ભરતી ન થાય.

PDA પાઠશાળા શું છે?

થોડા દિવસો પહેલાં જ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ CM અખિલેશ યાદવે કહ્યું હતું કે સમાજવાદી લોકો PDAની પાઠશાળા ચલાવીને બાળકોને શિક્ષિત કરશે. તેમણે પાર્ટી કાર્યકરોને અપીલ કરી હતી કે સમાજવાદી સાથીઓ એવાં ગામોમાં ટીમ બનાવીને પહોંચે જ્યાં સરકારી શાળાઓ બંધ પડી છે અથવા બંધ થવાને આરે છે. પરંતુ આવા જ એક શિક્ષકને પોલીસે ધરપકડ કરી છે અને ત્યારથી વિવાદ શરૂ થયો છે.

શાહરૂખના સમર્થનમાં આવ્યો આશિષ ચંચલાણી,ટ્રોલર્સને આપ્યો જવાબ

તાજેતરમાં અભિનેતા શાહરૂખ ખાનને ફિલ્મ ‘જવાન’ માં શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ જાહેરાત થતાં જ દેશભરના સેલિબ્રિટીઓ તરફથી અભિનેતાને અભિનંદન સંદેશાઓ મળવા લાગ્યા. સોશિયલ મીડિયા પર કેટલાક નેટીઝન્સે અભિનેતાને ફિલ્મ ‘જવાન’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવા સામે વાંધો ઉઠાવ્યો.


શાહરુખ ખાનને રાષ્ટ્રીય પુરસ્કાર મળવા પર નેટિજન્સે કહ્યું કે શાહરૂખે ‘જવાન’ સિવાય અન્ય ફિલ્મોમાં વધુ સારી અભિનય કર્યો છે, તો તેને આ ફિલ્મ માટે એવોર્ડ કેમ મળ્યો? હવે આ અંગે, યુટ્યુબર આશિષ ચંચલાનીએ ટ્વીટ કરીને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે.

યુટ્યુબર અને કન્ટેન્ટ ક્રિએટર આશિષ ચંચલાનીએ સોમવારે પોતાના એક્સ હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું, ‘જવાન પ્રત્યેની આ બળજબરીથી થતી નફરત હું ક્યારેય સમજી શકીશ નહીં. ચક દે પછી આ મારી પ્રિય શાહરૂખની ફિલ્મ છે. તે એક શાનદાર અને મનોરંજક ફિલ્મ હતી.’

યુટ્યુબરના આ ટ્વીટ આવતાની સાથે જ નેટીઝન્સ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી. એક યુઝરે લખ્યું કે જો યુટ્યુબરને ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ કરતાં ‘જવાન’ ફિલ્મ વધુ ગમે છે, તો તેણે આ ફિલ્મ ફરીથી જોવી જોઈએ. બીજા યુઝરે કહ્યું કે ‘જવાન’ શાહરૂખની અન્ય ફિલ્મો જેટલી સારી નથી. આ ઉપરાંત, અન્ય યુઝર્સ પણ આશિષ ચંચલાનીની ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.

NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર

NDA સંસદીય દળની બેઠક યોજાઈ. આ બેઠકમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું. આ સાથે અનેક ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બેઠકને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર નિશાન સાધ્યું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકને સંબોધિત કરતી વખતે કહ્યું કે વિપક્ષ પોતાના પગમાં પથ્થર મારવામાં નિષ્ણાત છે.

‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચાની માંગણી કરીને વિપક્ષે ભૂલ કરી છે. આનાથી વિપક્ષને જ શરમ આવી છે. વિપક્ષે દરરોજ આવી ચર્ચાઓ કરવી જોઈએ, આ મારું ક્ષેત્ર છે. અમે જમ્મુ-કાશ્મીરમાં બંધારણ લાગુ કર્યું છે, જ્યારે કોંગ્રેસ આ ઇચ્છતી નહોતી. PM મોદીએ એમ પણ કહ્યું કે રામ મંદિરનું ભૂમિપૂજન આ દિવસે થયું હતું. આ સાથે PM મોદીએ તિરંગા યાત્રા અને ખેલો ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની વાત કરી છે.

બેઠકમાં શું થયું?

સમાચાર એજન્સી અનુસાર, NDA સંસદીય પક્ષની બેઠકમાં ઓપરેશન સિંદૂર પર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દરમિયાન સશસ્ત્ર દળોની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી હતી. ઠરાવ અનુસાર, અમે પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે અમારી ઊંડી સંવેદના અને આદર વ્યક્ત કરીએ છીએ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પહેલગામ હુમલાના જવાબમાં, ભારતે 6-7 મે, 2025 ની મધ્યરાત્રિએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ન્યાય કરવામાં આવ્યો હતો, જેણે પુષ્ટિ આપી હતી કે ભારત આતંકવાદને ક્યારેય ભૂલતું નથી અને ક્યારેય માફ કરતું નથી.

રક્ષાબંધન માટે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટી

અમદાવાદ: રક્ષાબંધન આવે એટલે સિઝનેબલ બજારમાં રંગબેરંગી વિવિધ રાખડીઓ જોવા મળે. પરંપરાગત રેશમની દોરી સાથે દર વર્ષે રાખડીઓમાં અવનવી ડિઝાઈન નવીનતા વેપારીઓ બજારમાં મૂકે છે.ભાઈ-બહેનના પવિત્ર બંધનની દોરીમાં રેશમથી માંડી હીરા, મોતી, સોના, ચાંદી, રુદ્રાક્ષ સહિત અનેક ચીજવસ્તુઓ પરોવવામાં આવે છે.આ સાથે બાળકોને મનોરંજન આપતા પાત્રોવાળી રાખડીઓમાં પણ વિવિધતા આવતી જાય છે. છોટાભીમ, મોટું-પતલું, હનુમાન, ટોમ એન્ડ જેરી, છોટા ભીમ, રાધા કૃષ્ણ જેવા અનેક પાત્રો સાથેની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે.અત્યારના સમયમાં વધુ ટ્રેન્ડમાં આવેલા ભગવાન રામ નામની રાખડીઓ સાથે ઓમ, સાથિયા, ગણેશજી સહિતના ભગવાનની વિવિધતા સાથેની રાખડીઓ બજારમાં આવી ગઈ છે.

શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રખાડીઓના નાના-મોટા સ્ટોલ, મંડપ, મેળા લાગ્યા છે. આ સાથે મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓના પણ રાખડી મેળા લાગ્યા છે.શહેરના વસ્ત્રાપુર હાટમાં હાથશાળ સપ્તાહ અંતર્ગત હાથશાળ અને રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેશમ, ઉન, રુદ્રાક્ષ, મોતી સહિત અનેક ડિઝાઈનર રાખડીઓ મૂકવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)