Home Blog Page 617

L&Tની મહિલા ટીમે ઝારખંડમાં માઇનિંગ મશીન શરૂ કરી રેકોર્ડ બનાવ્યો

મુંબઈઃ દેશના ખનન અને બાંધકામ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધવામાં આવી છે. લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ની કન્સ્ટ્રક્શન એન્ડ માઇનિંગ મશીનરી (CMB) વિભાગની મહિલાઓની ટીમે ઝારખંડના ટાટા સ્ટીલના નોઆમુંડી આયર્ન ઓર ખાણમાં 100 ટન ક્ષમતા ધરાવતો વિશાળ ડમ્પ ટ્રક સફળતાપૂર્વક ચાલુ કર્યો છે.

આ દેશનો પ્રથમ પ્રસંગ છે કે જ્યાં આવી ભવ્ય અને જટિલ મશીનરીનું એસેમ્બલી, પરીક્ષણ અને એને સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. આ ઘટના એલ એન્ડ ટી દ્વારા પરંપરાગત રીતે પુરુષો પ્રભાવિત ક્ષેત્રોમાં મહિલાઓને સશક્ત બનાવવા માટેની પહેલનું મહત્વની માઇલસ્ટોન છે.

આ મશીન કોમાત્સુ HD785-7 છે, જે 1200 હોર્સપાવર ધરાવતો ડમ્પ ટ્રક છે. તે પોતાની શ્રેણીમાં સૌથી મોટામાંનો એક છે અને તેમાં વેરિયેબલ હોર્સપાવર કન્ટ્રોલ, ઓટોમેટિક રિટાર્ડ સ્પીડ કન્ટ્રોલ અને કોમટ્રેક્સ પ્લસ ટેલેમેટિક્સ જેવી આધુનિક સિસ્ટમ્સ છે.

આ મશીનનું કમિશનિંગ 28 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી માત્ર છ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું, ચોમાસાની પરિસ્થિતિ વચ્ચે મહિલા ટીમે અનેક ઓપરેશનલ પડકારોનો સામનો કર્યો હતો. એક્સલ માઉન્ટિંગથી લઈને હાઇડ્રોલિક ઇન્ટિગ્રેશન સુધીનું ભધું કામ અત્યંત ચોકસાઈથી કરવામાં આવ્યું હતું. પહેલી ઓગસ્ટે એન્જિન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું અને બીજી ઓગસ્ટે સિસ્ટમ્સ એકીકૃત કરવામાં આવી હતી.

આ વિશાળ મશીનને 18 ઓગસ્ટે ટાટા સ્ટીલને વિધિવત્ રીતે સોંપવામાં આવ્યું હતું. અહીં પણ સંપૂર્ણ મહિલા ઓપરેટર ક્રૂને. એટલે કે મહિલાઓએ મશીન તૈયાર કર્યું અને હવે મહિલાઓ જ તેને પ્રોડક્શનમાં ચલાવશે.

એલ એન્ડ ટી CMBની કમિશનિંગ ટીમમાં અલિશા જેરાઈ, અનામિકા કેરાઈ, બનશ્રી મોંડલ, મોનરમા બેનર્જી, નૂતન બોબાંગા, પ્રિયંકા બિસ્વાસ, રૂબી શર્મા, સંજના સરકાર, સાસી કુમારી મહાતો અને સોમા કર્માકારનો સમાવેશ થતો હતો. આ સિદ્ધિ એલ એન્ડ ટી દ્વારા ઊભી કરાયેલ મજબૂત તાલીમ પ્રણાલીનું પ્રતિબિંબ છે, જે કઠોર ટેક્નિકલ ઇન્સ્ટ્રક્શનને માર્ગદર્શન અને મેદાની અનુભવ સાથે જોડે છે. ટીમની યાદગાર યાત્રા વિશે રૂબી શર્માએ કહ્યું હતું કે શરૂઆતમાં અમને શંકા હતી કે અમે કેટલાંક કામ કરી શકીશું કે નહીં, પરંતુ દિવસ પસાર થતા અમે સમજ્યા હતા કે એક પછી એક બધાં કામ અમે સફળતાપૂર્વક કરી શકીએ છીએ.

ફિચે ભારતના વિકાસદરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો

નવી દિલ્હીઃ ફિચ રેટિંગ્સે મજબૂત સ્થાનિક માગ અને અનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓનો હવાલો આપતાં નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસના અંદાજને 6.5 ટકા પરથી વધારીને 6.9 ટકા કર્યો છે. આ બદલાવ પ્રથમ ત્રિમાસિક આંકડાઓ બાદ આવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2026ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં વાર્ષિક ધોરણે 7.8 ટકાનો વધારો થયો, જે ગયા ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા હતો.

તાજા આંકડાઓ દર્શાવે છે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં સર્વિસિસ આઉટપુટમાં 9.3 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે અગાઉ આ આંકડો 6.8 ટકા હતો. પ્રાઈવેટ અને જાહેર વપરાશમાં વધારો થવાથી માગમાં તેજી જોવા મળી છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ખાનગી વપરાશમાં સાત ટકાનો વધારો નોંધાયો છે.

રેટિંગ એજન્સીએ અમેરિકા સાથે વધતા વેપાર તણાવથી ઊભા થતા જોખમોની તરફ પણ ઈશારો કર્યો છે. ઓગસ્ટમાં અમેરિકાએ ભારતમાંથી થતા આયાત પર 25 ટકા વધારાનો શુલ્ક લગાવ્યો છે. જોકે ફિચને આશા છે કે અંતે ચર્ચા દ્વારા શૂલ્કમાં ઘટાડો કરવામાં આવશે, પરંતુ એજન્સીએ ચેતવણી આપી છે કે શૂલ્કને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે મૂડીરોકાણના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડે એવી શક્યતા છે.

અહેવાલ PMI સર્વે અને જુલાઈના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે. આ ઉપરાંત, સપ્ટેમ્બરથી અમલમાં આવેલા તાજેતરના GST સુધારાઓને કારણે પણ નાણાકીય વર્ષ 2026માં વપરાશમાં વધારો થવાની અપેક્ષા છે.

ફિચનો અંદાજ છે કે ભારતનો વિકાસદર નાણાકીય વર્ષ 2027માં ઘટીને 6.3 ટકા અને નાણાકીય વર્ષ 2028માં 6.2 ટકા પર રહી શકે છે. ફિચે જણાવ્યું છે કે સ્થાનિક માગ અર્થતંત્ર માટે મુખ્ય વૃદ્ધિ ડ્રાઈવર બની રહેશે. એજન્સીએ એ પણ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2026ની શરૂઆતથી આવેલી મજબૂત વૃદ્ધિ વર્ષની બીજી છમાસિક સુધી ટકી રહે તેવી શક્યતા નથી.

નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

નેપાળમાં હિંસા ફાટી નીકળતાં સ્થિતિ વણસી ગઈ છે. ત્યારે હવે નેપાળ ગયેલા ભારતના ઘણા પ્રવાસીઓ ફસાયા છે, જેમાં ગુજરાતના લોકો પણ સામેલ છે. આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારનું વહીવટીતંત્ર વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર પણ આ પ્રવાસીઓને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે પ્રયાસ કરી રહી છે. પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે વાતની સરકારને ચિંતા સતાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના 43 લોકોનું એક ગ્રુપ ત્યાં ફસાયું છે. આ તમામ યાત્રાળુઓ પોખરામાં એક ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. આ તમામ યાત્રાળુઓએ એક વીડિયો સંદેશો મોકલીને સાંસદ અને ધારાસભ્યને મદદ માટે અપીલ કરી હતી.

મળતી વિગતો અનુસાર નેપાળની તણાવભરેલી પરિસ્થિતિની વચ્ચે ગુજરાતથી ફરવા માટે ગયેલા અનેક પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે. ભાવનગરથી 43 લોકોનું એક ગ્રુપ નેપાળ ફરવા માટે ગયું હતું અને બાદમાં નેપાળમાં શરૂ થયેલા આંદોલનને કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા. હવે લોકોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. ફસાયેલા લોકોના પરિવારે સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક સાધતા તંત્રએ તમામને સુરક્ષિત પાછા લાવવાની ખાતરી આપી હતી. તંત્રએ જણાવ્યું છે કે આ તમામ લોકો સુરક્ષિત છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓની માહિતી સ્થાનિક કોર્પોરેટરને મળતા તેમણે વીડિયો કોલના માધ્યમથી તમામ ફસાયેલ પ્રવસીઓના ખબર અંતર પૂછ્યા હતા. કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ દ્વારા તુરંત સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીને જાણ કરી હતી અને ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ફસાયેલ તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવાયુ હતું.

નેપાળ પછી હવે ફ્રાન્સના રસ્તા પર ભયાનક હિંસાઃ 200ની ધરપકડ

પેરિસઃ નેપાળ પછી હવે ફ્રાન્સની સડકો પર ભયાનક વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ ફ્રાન્સની સડકો પર સેંકડો લોકોની ભીડ ઊતરી આવી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ હિંસા, આગજની અને તોડફોડ શરૂ કરી દીધી છે. ફ્રાન્સમાં આ હિંસા ત્યારે ફાટી નીકળી જ્યારે મેક્રોને દેશમાં નવા વડા પ્રધાનની જાહેરાત કરી હતી ત્યારથી ભારે બબાલ મચી ગઈ હતી.

200 પ્રદર્શનકારોની ધરપકડ

ફ્રાન્સના ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનની શરૂઆતના થોડા કલાકોમાં જ અંદાજે 200 લોકોને ધરપકડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારોએ બુધવારે પેરિસ તથા ફ્રાન્સના અન્ય ભાગોમાં રસ્તા પર ટ્રાફિક રોકી દીધો હતો અને ભયાનક આગજની કરી. પોલીસે પ્રદર્શનકારો પર આંસુ ગેસના ગોળા છોડ્યા. તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક પ્રદર્શનકારીએ નજીકની દીવાલ પર લખ્યું હતું  કે મેક્રોન અને તારી દુનિયા… દફા થઈ જા. આ વિરોધ આંદોલનના ભાગરૂપે થઈ રહ્યું છે. સૂત્રોચ્ચાર હતો – “બધું બંધ કરો.” ફ્રાન્સમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. જ્યારે રસ્તા પર ભારે પોલીસ બળ તૈનાત છે.

ફ્રાન્સની સડકો પર ઓછામાં ઓછા 80,000 પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતાં આંદોલનમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. જોકે આંદોલન તેના લક્ષ્ય “બધું બંધ કરો”ને પૂરેપૂરું હાંસલ ન કરી શક્યું. શરૂઆતમાં આ આંદોલન ઓનલાઈન શરૂ થયું અને ઝડપથી ફેલાયું. આ કારણે દેશમાં ભારે અફરાતફરી મચી હતી. ભીડે ઘણી જગ્યાએ બેરિકેડ્સ હટાવી દીધા. ત્યાર બાદ પોલીસે ઝડપથી ધરપકડ શરૂ કરી હતી.

ફ્રાન્સના ગૃહ મંત્રી બ્રુનો રેટેઇલોએ જણાવ્યું હતું કે પશ્ચિમ શહેર રેનેસમાં એક બસને આગના હવાલે કરી દેવામાં આવી હતી અને દક્ષિણ-પશ્ચિમમાં એક પાવર લાઇનને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેને કારણે ટ્રેનો ઠપ થઈ ગઈ. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારો “વિદ્રોહનું વાતાવરણ” બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.

Nutshell In 99

રાહુલ ગાંધીનો કાફલો અટકાવાયો, ભાજપના કાર્યકરોએ સૂત્રો પોકાર્યા

રાયબરેલીઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બુધવારે પોતાના જ સંસદીય ક્ષેત્રમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ કાર્યકરોએ તેમનો કાફલો અટકાવી જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો અને રાહુલ ગાંધી વાપસ જાઓનાં સૂત્રો પોકાર્યાં હતાં. આ વિરોધનું કારણ PM મોદીની માતા સામે કથિત અપશબ્દો છે, જેને લઈને કાર્યકરો અને નેતાઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

Patna: Leader of the Opposition in Lok Sabha and Congress MP Rahul Gandhi during the ‘Voter Adhikar Yatra’, in Patna on Monday, September 1, 2025. (Photo: IANS)ભાજપ કાર્યકરો સાથે રાજ્ય સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહ પણ રસ્તા પર ઊતરી આવ્યા. સમર્થકો સાથે ધરણાં પર બેસીને તેમણે રાહુલ ગાંધીનો રસ્તો રોકી દીધો. આ હોબાળાની વચ્ચે રાહુલનો કાફલો લગભગ એક કિલોમીટર પહેલાં જ અટકી ગયો. પોલીસ જ્યારે મંત્રી દિનેશ સિંહને હટાવવા પહોંચી ત્યારે કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. જોકે થોડા સમય પછી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.


દિનેશ પ્રતાપ સિંહે કહ્યું હતું  કે રાહુલ ગાંધીએ PM મોદીની માતાને ગાળો આપી છે. તેમCs જાહેરમાં માફી માગવી જોઈએ અને આવા કાર્યકરોને પાર્ટીમાંથી બહાર કરવા જોઈએ. એ જ સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશભરમાં ‘વોટ ચોર, ગદ્દી છોડ’નું સૂત્ર સાચું સાબિત થઈ રહ્યું છે. અમે તેને વારંવાર અને વધુ નાટકીય રીતે સાબિત કરીશું. રાહુલ ગાંધીના આ પ્રવાસની શરૂઆત જ વિરોધ અને વિવાદથી થઈ, જે દર્શાવે છે કે રાયબરેલીનું રાજકારણ આ વખતે વધુ ગરમ રહેવાનું છે.

જુવારના ઢોકળા

જુવારના લોટના પણ ઢોકળા બની શકે છે!

સામગ્રીઃ

  • જુવારનો લોટ 1 કપ
  • રવો ½ કપ
  • દહીં ¾ કપ
  • આદુ મરચાં પેસ્ટ 1 ટે.સ્પૂન
  • ઈનો પાઉડર 1 ટી.સ્પૂન
  • તેલ
  • મરચાં પાઉડર અથવા કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • લીલા મરચાં 2
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન

રીતઃ જુવારના લોટમાં રવો તેમજ દહીં મેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ ખીરું બનાવી લો. ઢાંકીને 15 મિનિટ માટે રાખી મૂકો.

ઢોકળા બનાવવાના વાસણમાં કાંઠો મૂકીને પાણી ગરમ કરવા મૂકો.

એક થાળીમાં તેલ લગાડી રાખો.

15 મિનિટ બાદ ખીરામાં ઈનો નાખી તેની ઉપર 1 ચમચી પાણી રેડીને ચમચા વડે ખીરું હલાવીને તેલ લગાડેલી થાળીમાં રેડીને ઢોકળા બાફવાના વાસણમાં ગોઠવી દો. ઢોકળાની થાળી ઉપર મરચાં પાઉડર અથવા મરી પાઉડર ભભરાવી દો. 20 મિનિટ બાદ ઢોકળા થયા છે કે નહીં તે ચપ્પૂની મદદથી ચેક કરી લો અને ગેસ બંધ કરી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી મરચાંના લાંબા ટુકડા કરી વઘારી દો. ગેસ બંધ કરીને તેમાં તલ ઉમેરીને તરત એક નાનું ઢાંકણ ઢાંકી દો. જેથી તલ ઉડે નહીં. આ વઘાર ઢોકળાની થાળી ઉપર રેડીને તવેથા વડે આખી થાળીમાં ફેલાવી દો. ઢોકળાના ચોસલા કરીને ચટણી સાથે પીરસો.

એપલે કમાલ કરી! iPhone 17 સિરીઝ લોન્ચ કરી, જાણો કિંમત

એપલે 9 સપ્ટેમ્બર, 2025 ના રોજ Awe-Dropping ઇવેન્ટમાં ભારતમાં તેની નવી iPhone 17 સિરીઝ લોન્ચ કરી, જેમાં ચાર મોડેલ શામેલ છે: iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને નવો અલ્ટ્રા-થિન iPhone Air. આ વખતે Apple એ 128GB વેરિઅન્ટને સંપૂર્ણપણે દૂર કરી દીધો છે અને બધા મોડેલ હવે 256GB સ્ટોરેજથી શરૂ થાય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે, બેઝ iPhone 17 ની કિંમત પાછલા મોડેલ કરતા થોડી સસ્તી રાખવામાં આવી છે, જ્યારે Pro અને Pro Max માં કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

ભારતમાં iPhone 17 Pro ની શરૂઆતની કિંમત ₹ 1,34,000 છે, અને Pro Max ₹ 1,49,900 થી 2TB વેરિઅન્ટ ₹ 2,29,900 સુધી ઉપલબ્ધ છે. ઉપરાંત, iPhone 16 અને 16 Plus જેવા iPhone 16 વેરિઅન્ટ્સની કિંમતમાં 10,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે તેમને વધુ સારો વિકલ્પ બનાવે છે.

iPhone 17 ની કિંમત હવે 82,900 રૂપિયા (256GB) થી શરૂ થાય છે, જે પાછલા મોડેલ કરતા 7000 રૂપિયા ઓછી છે. કારણ કે ગયા વર્ષે iPhone 16 89,900 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, Pro મોડેલની કિંમત 1,34,000 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે Pro Max ની શરૂઆતની કિંમત 1,49,900 રૂપિયા છે. બેઝ મોડેલને સસ્તું બનાવવું એપલની એન્ટ્રી-સેગમેન્ટમાં સ્પર્ધા વધારવાની વ્યૂહરચના દર્શાવે છે, જ્યારે હાઇ-એન્ડ મોડેલ્સ પર પ્રીમિયમ જાળવી રાખે છે.

iPhone 16 અને iPhone 16 Plus જેવા જૂના મોડેલ્સ પર કિંમતમાં 10,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. એમેઝોન પર iPhone 16 Pro Max ની કિંમત પણ લગભગ 1,30,900 રૂપિયા થઈ ગઈ છે.

નવી કિંમતો અને સુવિધાઓ સાથે, એપલે ભારતીય બજારમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. નવા મોડેલોમાં AI-સંચાલિત કેમેરા અને પ્રોસેસિંગ સુવિધાઓ શામેલ છે જે પ્રીમિયમ વપરાશકર્તા અનુભવને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, પ્રોમોશન ડિસ્પ્લે અને ઉન્નત કેમેરા સેટઅપ જેવી સુવિધાઓ, ખાસ કરીને પ્રો મેક્સમાં 8x ઓપ્ટિકલ ઝૂમ, વ્યાવસાયિક વપરાશકર્તાઓને આકર્ષિત કરશે.

કરિશ્મા કપૂરનાં બાળકોએ સંપત્તિમાં ભાગ માટે HCનાં દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બાળકો– સમાયરા કપૂર (20) અને કિયાન રાજ કપૂર (15) એ તેમના પિતા અને પ્રખ્યાત બિઝનેસમેન સંજય કપૂરની મિલકતમાં હિસ્સો માગતા દિલ્હી હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. બાળકોનો આક્ષેપ છે કે તેમની સાવકી મા પ્રિયા કપૂરે એક શંકાસ્પદ વસિયતને આધારે સંપૂર્ણ મિલકત પોતાને નામે કરવાનો પ્રયાસ કર્યો છે.

શું છે વિવાદ

સંજય કપૂરનું નિધન જૂન, 2025માં લંડનમાં હાર્ટ એટેક આવવાથી થયું હતું. તેમની ઉંમર માત્ર 53 વર્ષની હતી. તેમના નિધન બાદ જુલાઈમાં એક વસિયત સામે આવી, જેની તારીખ 21 માર્ચ, 2025 બતાવવામાં આવી હતી, તેમાં સંપૂર્ણ મિલકત પ્રિયા કપૂરને નામે નોંધાયેલ છે. બાળકોનો દાવો છે કે આ વસિયત શંકાસ્પદ પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવી છે અને શક્ય છે કે ખોટી છે.

બાળકોની માગ

સમાયરા અને કિયાને અદાલતને વિનંતી કરી છે કે મિલકત વેચવા, ટ્રાન્સફર કરવા અથવા કોઈ તૃતીય પક્ષને સોંપવા પર રોક લગાવવામાં આવે. એ સાથે સાથે તેમને પણ મિલકતમાં હિસ્સો અપાવવાની માગ તેમણે કરી છે. આ કેસમાં પ્રતિવાદી તરીકે પ્રિયા કપૂર, તેમનો પુત્ર, સંજયની મા રાણી કપૂર અને વસિયતનાં એક્ઝિક્યુટર શ્રદ્ધા સૂરી મરવાહને સામેલ કરવામાં આવ્યા છે.

30,000 કરોડનું સામ્રાજ્ય

સંજય કપૂર સોના કોમસ્ટારના ચેરમેન હતા. કંપનીનું માર્કેટ કેપ આશરે 30,000 કરોડ રૂપિયા છે. તેમાંથી 28 ટકા હિસ્સેદારી પારિવારિક રોકાણ કંપની Aureus Investments Pvt. Ltd. પાસે છે. બાળકોનો આક્ષેપ છે કે પ્રિયા કપૂરે પહેલેથી જ આ કંપની અને કપૂર પરિવારના આર.કે. ટ્રસ્ટ પર કાબૂ મેળવી લીધો છે. જોકે કરિશ્મા કપૂર પોતે સીધી આ કાનૂની લડાઈમાં સામેલ નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે તે પોતાનાં બાળકોનાં હિતોની રક્ષા માટે સંપૂર્ણપણે તેમની સાથે ઊભી છે.

દીપિકા પાદુકોણે દીકરી દુઆના પહેલા જન્મદિવસ પર શું ખાસ કર્યુ?

બૉલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તેની પુત્રી દુઆનો પહેલો જન્મદિવસ ઉજવ્યો છે. જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અભિનેત્રીએ પોતાની પુત્રી માટે પોતાના હાથે કેક તૈયાર કરી. ચાલો જોઈએ અભિનેત્રીએ શું પોસ્ટ કર્યું.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પુત્રી દુઆ મંગળવારે એક વર્ષની થઈ છે. એક દિવસ પછી, દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પુત્રીના પહેલા જન્મદિવસની ઉજવણીનો એક સુંદર ફોટો શેર કર્યો. તેમાં ઘરે બનાવેલી ચોકલેટ કેક જોવા મળે છે.

દીકરી માટે દીપિકાની પ્રેમ ભાષા

અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, ‘મારી પ્રેમની ભાષા? મારી દીકરીના પહેલા જન્મદિવસ માટે કેક બનાવી રહી છું.’ આ સાથે, તેણે બલૂન ઇમોજીસ પણ મૂક્યા છે.

આ તસવીર સામે આવતાની સાથે જ કોમેન્ટ સેક્શનમાં સ્ટાર્સથી લઈને ચાહકો સુધીની પ્રતિક્રિયાઓ આવી રહી છે. અભિનેત્રી ભૂમિ પેડણેકરે રેડ હાર્ટ ઇમોજી બનાવ્યો છે. આ સાથે યુઝર્સે દીપિકાની પુત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી છે. લોકોને કેક પણ ખૂબ પસંદ આવી છે.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું શીર્ષક નક્કી નથી અને તેને અસ્થાયી રૂપે ‘AA22XA6’ કહેવામાં આવી રહ્યું છે. નિર્માતાઓએ જાહેરાતનો વીડિયો શેર કર્યો હતો, જેમાં દીપિકા પાદુકોણ તલવારબાજી કરતી જોવા મળી હતી. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે અભિનેત્રી આ ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળશે.