Home Blog Page 555

પાપડી ભેળી ઇયળ બફાઈ જાય

 

પાપડી ભેળી ઇયળ બફાઈ જાય

 

પાપડી જ્યારે એના વેલા પર હોય ત્યારે એમાં ઘર કરીને રહેતી ઇયળ પાપડીનો દાણો ખાઈને પોષણ મેળવે છે. ઇયળ બીજા કોઈને નુકસાન કરતી નથી. માત્ર પાપડીમાં પોતાનું ઘર બનાવીને રહે છે.

પણ આ પાપડીને ઊંધિયું અથવા એવી કોઈ વાનગી બનાવવા માટે જ્યારે બાફવામાં આવે ત્યારે ઇયળ પણ એના ભેગી બફાઈ જાય છે.

Butterfly caterpillar. larva

આમ, કારણ વગરની દંડાઈ જઈને ઇયળ પોતાનો જાન ગુમાવે છે. આવા જ અર્થની કહેવત છે, ‘સૂકા ભેગું લીલું પણ બળે’. આમ, સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં કોઈકને કારણે વેઠવું પડે ત્યારે સંગ પ્રભાવે મળતા આ દંડને માટે ‘પાપડી ભેળી ઇયળ બફાઈ જાય’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

અનુપ જલોટા ગઝલને બદલે ભજનની લગન લાગી!

બોલિવૂડમાં જેમને ‘ભજન સમ્રાટ’ તરીકે ઓળખવામાં આવે છે એ અનુપ જલોટાએ ગાયક તરીકે કોરસમાં ગાઈને શરૂઆત કરી હતી અને પહેલાં ગઝલો ગાઈ હતી. અનુપ જ્યારે 20 વર્ષની ઉંમરે લખનઉથી મુંબઇમાં આવ્યા ત્યારે ઓલ ઈન્ડિયા રેડિયો પર કોરસ ગીતોમાં અવાજ આપતા હતા. સૌથી પહેલાં લખનઉમાં રેડિયો પર સ્વર પરીક્ષા આપી હતી એમાં નાપાસ થયા હતા. છ મહિના પછી ફરી આપી ત્યારે પાસ થયા હતા.

અનુપને કોરસમાં ગાવાના મહિને રૂ.320 મળતા હતા. એમના પિતા મુંબઇ આવી ગયા હતા પણ અનુપને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા પછી જ આવવાની પરવાનગી આપી હતી. અનુપે કેટલાક ફિલ્મ ગીતોમાં પણ કોરસમાં ગીત ગાયું હતું. મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે વગેરેના ગીતોમાં પણ સમૂહમાં એમનો સ્વર હતો. અનુપનું ‘ચાંદ અંગડાઈયાં લે રહા હૈ’ સાથે પહેલું ગઝલનું જ આલબમ બહાર આવ્યું હતું. પરંતુ ભજનમાં નામ કમાવાના હતા.

અનુપ ‘સૂર સિંગાર’ના જાહેર કાર્યક્રમમાં ભજન ગાતા હતા ત્યારે નિર્માતા-નિર્દેશક અને અભિનેતા મનોજકુમારના કાને એમનો અવાજ પડ્યો હતો. એમણે ઘરે બોલાવીને અનુપને કહ્યું કે એક ફિલ્મ બનાવી રહ્યો છું એમાં ગીત ગાવાના છે. સુધીર દળવી અભિનિત ફિલ્મ ‘શિરડી કે સાઈબાબા’ (1977) માં અનુપે ગાયેલા ડમ ડમ ડમરુ બાજે, ભોલા ભંડારી સાઈ અને ‘સુમેર મનવા’ લોકપ્રિય થયા હતા. 1977 માં જન્માષ્ટમી પ્રસંગે એક મંદિરના જાહેર કાર્યક્રમમાં એમણે બીજા કેટલાક ભજનો સાથે ‘ઐસી લાગી લગન’ ગાયું હતું. બે મહિના પછી મંદિર તરફથી ફોન આવ્યો કે તમે જે ભજન ગાયું હતું એ અમે ‘પોલીડોર’ કંપનીને આપવા માંગીએ છીએ. અનુપે કહ્યું કે વાંધો નથી પણ હું એક વખત સાંભળવા માંગુ છું. અનુપે ભજન સાંભળીને કહ્યું કે સારું ગાવાયું છે પણ એમાં એક કમી રહી ગઈ છે. એમાં મંજીરા નથી.

ભજનમાં મંજીરા વાગતા હોય તો એ વધુ સારું લાગે. અનુપે એ ભજનમાં મંજીરાનું ડબિંગ કરાવીને ઉમેર્યા. પછી એ વધુ સારું લાગ્યું. રેકોર્ડ બજારમાં આવતાની સાથે જ ‘ઐસી લાગી લગન’ લોકપ્રિય થઈ ગયું અને અનુપ જલોટાનું ભજન ગાયક તરીકે મોટું નામ થઈ ગયું હતું. અનુપે ગાયક બન્યા પછી સંગીતકાર બનવાનું સપનું પણ પૂરું કર્યું હતું. જ્યારે ફિલ્મ ‘પત્તોં કી બાજી’ (1986) માં સંગીત આપતા હતા ત્યારે કિશોરકુમારના અવાજમાં એક ગીત રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે એ એમના ઘરે આ વાત કહેવા ગયા ત્યારે એમણે પહેલાં ના પાડી દીધી હતી. એમણે કહ્યું હતું કે તમે શાસ્ત્રીય પ્રકારના ગીતો બનાવતા હોવાથી હું ગાઈશ નહીં. અનુપે જ્યારે ‘નહીં દૂર મંઝિલ’ ગીત સંભળાવ્યું ત્યારે એમણે રાજી થઈને કહ્યું કે આ મારી સ્ટાઇલનું છે એટલે જરૂર ગાઈશ.

પંચાંગ 07/10/2025

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સર્વેઃ મહાગઠબંધનને મોટો આંચકો

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. આ અંગે  MATRIZE-IANS એક મત સર્વે કર્યો છે. આ સર્વે મુજબ બિહારમાં NDAનું પલ્લું ભારે જણાઈ રહ્યું છે. લોકો CM નીતીશકુમારનાં કાર્યો પર મહોર લગાવતા દેખાઈ રહ્યા છે.

ઓપિનિયન પોલ મુજબ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં NDAને 150થી 160 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે મહાગઠબંધનને 70થી 80 બેઠકો અને અન્યને નવથી 12 બેઠકો મળી શકે છે. આ સર્વે મુજબ એનડીએને 49 ટકા, મહાગઠબંધનને 36 ટકા અને અન્યને 15 ટકા મત મળવાની શક્યતા છે.

NDA, મહાગઠબંધનને કેટલી બેઠકો મળશે: સર્વે

NDAમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બને એવી શક્યતા છે. આ સર્વે અનુસાર ભાજપને 80થી 85 બેઠકો, JDUને 60થી 65 બેઠકો, હમ (HAM)ને 3થી 6 બેઠકો, LJPને (રામ વિલાસ પાસવાન ગ્રુપ) 4થી 6 બેઠકો અને આરએલએમને એકથી 2 બેઠકો મળી શકે છે.મહાગઠબંધનમાં RJDને 60થી 65 બેઠકો, કોંગ્રેસને સાતથી 10 બેઠકો, CPI-MLને 6થી 9 બેઠકો, CPIને એક બેઠક, CPIMને એક બેઠક અને VIPને બેથી 4 બેઠકો મળવાનો અંદાજ છે.


બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર રહેશે, 18 ઓક્ટોબરે ચકાસણી થશે અને 20 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. બીજા તબક્કાની જાહેરાત 13 ઓક્ટોબરે કરવામાં આવશે, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર રહેશે, 21 ઓક્ટોબરે ચકાસણી થશે અને 23 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે MATRIZE-IANS દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. આ સર્વે બિહારના લોકો સાથેની ચર્ચા પર આધારિત છે. બિહારની તમામ 243 બેઠકો પર કુલ 46,862 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો હતો.

બિહારમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે, 14 નવેમ્બરે ચૂંટણી પરિણામ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું. બિહારમાં બે તબક્કામાં ચૂંટણી થશે, જેમાં પહેલા તબક્કાનું  121 બેઠકો પર મતદાન  છ નવેમ્બરે અને બીજા તબક્કામાં 122 સીટો પર 11 નવેમ્બરે યોજાશે. આ સાથે મત ગણતરી 14 નવેમ્બર કરવામાં આવશે. વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બેરે પૂરો થાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીનું શુદ્ધીકરણ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારીના 10 દિવસ પહેલા સુધીમાં રહી ગયેલાં નામો ઉમેરવામાં આવી શકશે. બિહારમાં 14 લાખ નવા મતદારો જોડાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો, અધિકારીઓ અને પોલીસ દળ સાથે બેઠક યોજી છે.

મુખ્ય ચૂંટણી પંચ જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે બિહારમાં કુલ 243 વિધાનસભા ક્ષેત્રો છે, જેમાંથી 38 અનુસૂચિત જાતિ અને 2 અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. મતદાતાઓની કુલ સંખ્યા અંદાજે 7.42 કરોડ છે, જેમાં 3.92 કરોડ પુરુષો અને 3.5 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. અંદાજે ચાર લાખ વરિષ્ઠ નાગરિકો અને લગભગ 14,000 મતદાતાઓ એવા છે, જેઓ 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે.

મહાગઠબંધન અને NDA બંનેમાં હજી સુધી બેઠક વહેંચણી નક્કી થઈ નથી. NDA ગઠબંધનમાં ભાજપ, જેડીયુ ઉપરાંત ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), કેન્દ્રીય પ્રધાન જીતનરામ માંઝીની હિંદુસ્તાન આવામ મોર્ચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોર્ચા સામેલ છે. જ્યારે મહાગઠબંધનમાં RJD અને કોંગ્રેસ ઉપરાંત મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી, ડાબેરી પક્ષો અને પશુપતિ પારસની લોક જનશક્તિ પાર્ટી સામેલ છે.

2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને જીત મળી હતી. NDAએ 243 સભ્યોની વિધાનસભામાં 125 બેઠકો જીતી હતી, જ્યારે મહાગઠબંધને 110 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં RJDને 75 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 74 બેઠકો મળી હતી. બીજી તરફ, નીતીશકુમારની JDUને 43, કોંગ્રેસને 19, CPI(ML)ને 12 અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 5 બેઠકો મળી હતી. ઓછી બેઠકો મળવા છતાં NDAએ નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.

રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાશે

ગાંધીનગર: ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. આ વિશેની જાણકારી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં આપી હતી.પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે, તેમાં વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ જ સમયે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા-કોલેજોમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. વધુમાં આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

તા. ૦૭/૧૦/૨૦૨૫

યુવા સશક્તિકરણ કાર્યક્રમ 

તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન, સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન, શાળા અને કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વ્યાખ્યાન માળા,અગત્યના લોકેશન પર પદયાત્રા, દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે જેમાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિકસીત ભારત@૨૦૪૭ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન-ચિંતન કરાશે. આ ઉપરાંત અન્ય ૫૦ સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે.

આત્મનિર્ભર ભારત

GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલા લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા વડાપ્રધાનને એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ. આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હે, આયુષ્માન ભારત, નાણાકીય સમાવેષિકરણ અને DBT, સોલાર રૂફટોપ યોજના, GST સુધારા જેવા વિવિધ વિષયો પર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. ૭ ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે, જેને નાગરિકો નિહાળી શકશે.

આ ઉપરાંત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પણ રાજયની જુદી-જુદી કૉલેજોના વિધાર્થીઓએ સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદુર, જી.એસ.ટી. ક્રાન્તિ અંગે પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૪.૫૦ લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

તા. ૦૮/૧૦/૨૦૨૫

રોજગાર મેળો કાર્યક્રમ

ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ સાથે અન્ય કુલ ૩૩ જિલ્લાઓમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે. જેમાં ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૫ હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ પણ કરવામાં આવશે. વધુમાં, ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે ૧૦૦થી વધુ MOUs પણ કરવામાં આવશે.

તા. ૦૯/૧૦/૨૦૨૫ અને ૧૦/૧૦/૨૦૨૫

મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન

MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ, રિવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો, અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન તેમજ ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.

તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫

રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન, વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત, રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત કરવામાં આવશે.

તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫

રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન

દિવસે નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ, સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન, તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રિસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન તેમજ તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫

કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ    

રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો – સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫

ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો

લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં રૂ. ૧ કરોડથી રૂ. ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામોનો સમાવેશ થાય છે.

આરોગ્ય વિભાગ

વિકાસ સપ્તાહ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત ૧૭૦૦ સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ, નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત ૧૦,૦૦૦થી વધુ  લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. ૭ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત ૬૦૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ ૧.૫ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું કરવામાં આવશે.

આ ઉપરાંત વય વંદના યોજના અંતર્ગત – ૭૦થી વધુ ઉંમરના ૧૪૦૦૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ, વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય તથા પદાધિકારી દ્વારા ટી.બી.ના નિદાન માટેના ૧૮૦ TrueNAT મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ, રાજ્યની ૨૪ મેડિકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation)  તાલીમનું આયોજન, ૧૦મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન, જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ, પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરીનું E  book મારફતે લોન્ચિંગ કરવામાં આવશે.

ફ્રાન્સના નવા PMએ એક મહિનામાં આપ્યું રાજીનામું

પેરિસઃ ફ્રાન્સમાં રાજકીય સંકટ ઓછું થવાનું નામ નથી લેતું. રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોનની મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે. રાષ્ટ્રપતિ મેક્રોએ નવા નિયુક્ત પ્રધાનમંત્રી સેબાસ્ટિયન લેકોર્નુનું રાજીનામું સ્વીકારી લીધું છે. નવી કેબિનેટની જાહેરાતના થોડા જ કલાકો પછી PMએ આપેલું આ રાજીનામું આ યુરોપિયન દેશને વધુ ઊંડા રાજકીય સંકટમાં ધકેલી ગયું છે.

મેક્રોએ ગયા મહિને જ લેકોર્નુને વડા પ્રધાન તરીકે નામિત કર્યા હતા, પરંતુ રવિવારે રાત્રે મેક્રોએ મોટા પાયે કોઈ ફેરફાર કર્યા વિના નવી કેબિનેટની યાદી જાહેર કરી હતી, જેની ભારે ટીકા થઈ હતી. હવે આ જાહેરાતના થોડા કલાકો પછી જ વડા પ્રધાને રાજીનામું આપ્યું છે.

રાષ્ટ્રપતિ મેક્રોએ રવિવારની રાત્રે નવી સરકારની રચના જાહેર કરી હતી. વડા પ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુના નેતૃત્વ હેઠળ કેબિનેટમાં મોટા ભાગના ઓળખીતા ચહેરાઓને જ સ્થાન મળ્યું હતું. મેક્રોનના શાસન દરમિયાન સાતમા પ્રધાનમંત્રી બનેલા લેકોર્નુની નિમણૂકને એક મહિનો પણ પૂરો ન થયો હતો કે નવી કેબિનેટ જાહેર થઈ ગઈ હતી. પરંતુ હવે પ્રધાનમંત્રીએ પોતે જ રાજીનામું આપી દીધું છે.

ફ્રાન્સની હાલત ખરાબ

ગયા અઠવાડિયે જાહેર થયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે ફ્રાન્સનું જાહેર ઋણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ફ્રાન્સનું લોનથી GDP પ્રમાણ હવે ગ્રીસ અને ઇટલી પછી યુરોપિયન યુનિયનમાં ત્રીજા ક્રમે છે અને તે યુરોપિયન યુનિયન દ્વારા નક્કી કરાયેલા મર્યાદા  60 ટકાના લગભગ બે ગણા છે.

પાછલી સરકારોએ છેલ્લાં ત્રણ વાર્ષિક બજેટો વિના મતદાન સીધા સંસદમાં રજૂ કર્યા હતા. બંધારણ મુજબ આ રીત મંજૂર છે, પરંતુ વિરોધ પક્ષે તેની ભારે ટીકા કરી છે. લેકોર્નુએ ગયા અઠવાડિયે વચન આપ્યું હતું કે સાંસદોને બિલ પર મતદાન કરવાની તક મળશે.

મેક્રોનો દાવ ઊલટો પડ્યો

હકીકતમાં, મેક્રોએ પોતાની સ્થિતિ મજબૂત કરવાની આશામાં ગયા વર્ષે મધ્યમાં અચાનક સંસદીય ચૂંટણી બોલાવી હતી. ત્યારથી ફ્રાન્સ રાજકીય સંકટમાં ફસાઈ ગયો છે. મેક્રોનનો આ દાવ ઊલટો પડ્યો હતો અને રાષ્ટ્રીય સભામાં તેમનું ગઠબંધન અલ્પમતમાં આવી ગયું છે.

CJI બી. આર. ગવઈ પર વકીલનો ચંપલ ફેંકવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર ચંપલ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આરોપી વકીલની અટકાયત કરવામાં આવી છે. તેનું નામ રાકેશ કિશોર છે. ચંપલ ફેંકવાનો પ્રયાસ કરતાં પહેલાં વકીલે ચીસ પાડતાં કહ્યું હતું કે સનાતનનો અપમાન નહિ સહન કરવામાં આવે.

એ દરમિયાન જસ્ટિસ ગવઈ સંપૂર્ણ રીતે શાંત રહ્યા. વકીલ રાકેશ કિશોરને કોર્ટના સ્ટાફે પકડીને પોલીસને સોંપી દીધો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે તેમને આવી ઘટનાઓથી કોઈ અસર થતી નથી, અને બધાને પોતાની દલીલો ચાલુ રાખવા કહ્યું હતું.

આરોપી વકીલથી પૂછપરછ શરૂ

સુપ્રીમ કોર્ટમાં નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ મહલા તથા સુપ્રીમ કોર્ટ સિક્યુરિટી ડીસીપી જેટીન્દ્ર મણી હાજર છે. આરોપી વકીલની પૂછપરછ ચાલી રહી છે.

સિનિયર વકીલોએ  ઘટનાની નિંદા કરી

CJI પર હુમલાના પ્રયાસની કડક નિંદા થઈ રહી છે. આરોપી વકીલ સામે કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. સિનિયર વકીલ ઇંદિરા જયસિંહે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ મામલે વિગતવાર તપાસ જરૂરી છે. આરોપી વકીલ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

આ ભારતના સર્વોચ્ચ ન્યાયાલય પર સ્પષ્ટ જાતિવાદી હુમલો લાગે છે. સુપ્રીમ કોર્ટના બધા જજોએ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરવું જોઈએ કે ન્યાયાલય વિચારધારાત્મક હુમલાઓ સહન નહીં કરે. ન્યાયાલયની ગૌરવને અનુરૂપ રીતે CJI ગવઈએ કોઈ વિક્ષેપ વિના પોતાની ન્યાયિક કામગીરી ચાલુ રાખી છે.

 

કટકમાં ફરી હિંસા ભભૂકી, અડધા શહેરમાં કરફ્યુ લાગુ, ઇન્ટરનેટ બંધ

કટકઃ ઓડિશાના કટકમાં હિંસા બાદ 13 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ (કલમ 144) લાગુ કરવામાં આવી છે. ઓડિશા સરકારે રવિવાર રાત્રે તાજી હિંસાની ઘટનાઓ બાદ આ નિર્ણય લીધો હતો અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે. આ પગલું તાજેતરમાં દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન થયેલા ઝપાઝપી બાદ લેવામાં આવ્યું છે, જેમાં 25 લોકો ઘાયલ થયા હતા.

પોલીસ કમિશનર એસ. દેવદત્ત સિંહે જણાવ્યું હતું કે આ આદેશ રવિવાર રાત્રે 10 વાગ્યાથી 36 કલાક સુધી અમલમાં રહેશે. કરફ્યુ દરગાહ બજાર, મંગલાબાગ, છાવણી, પુરીઘાટ, લાલબાગ, બિદાનાસી, મરકટ નગર, સીડીએ ફેઝ-2, માલગોદામ, બાદામબાડી, જગતપુર, બયાલીસ મૌજા અને સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ રહેશે.

રાજ્ય સરકારે હાલની કાનૂની અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખોટી માહિતીના પ્રસારને અટકાવવા માટે કટક મહાનગર વિસ્તાર, કટક ડેવલપમેન્ટ ઓથોરિટી (CDA) અને આસપાસના 42 મૌજા વિસ્તારમાં રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવાર સાંજે સાત વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

કટકમાં હિંસા કેવી રીતે ભભૂકી?

અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસાની આ તાજી ઘટના વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા પ્રશાસનના આદેશોની અવગણના કરીને રવિવારે સાંજે મોટરસાઇકલ રેલી કાઢ્યા બાદ થઈ હતી. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા દળોએ રેલીમાં સામેલ લોકોને આગળ વધવાથી રોક્યા ત્યારે તેઓ હિંસક બની ગયા. તેમણે કહ્યું હતું કે રેલીમાં ભાગ લેનારા લોકોનો પ્રવેશ સંવેદનશીલ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાના હેતુથી હતો, પોલીસે તેમને અટકાવ્યા બાદ તેમણે પથ્થરમારો શરૂ કર્યો. પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો અને ટિયર ગેસ તથા રબરની ગોળીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો.

બિહાર ચૂંટણી કેટલા તબક્કામાં, ક્યારે મતદાન થશે?: ચૂંટણી પંચ આજે કરશે એલાન

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ સાંજે ચાર વાગ્યે કરે એવી શક્યતા છે. ચૂંટણી પંચે સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. બિહારમાં કુલ 243 વિધાનસભાની બેઠકો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે છેલ્લા બે દિવસમાં બિહારનો પ્રવાસ કર્યો હતો અને તમામ રાજકીય પક્ષો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ હવે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે.

બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે આ સમયમર્યાદા પહેલાં જ ચૂંટણી પૂર્ણ થઈ જશે. બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થશે. બિહાર ચૂંટણી પહેલાં SIR પ્રક્રિયા કરવામાં આવી હતી, જેને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો હતો.

બિહાર ચૂંટણીની ખાસ વાતો

    • CECએ રાજકીય પક્ષોને સૂચના આપી છે કે દરેક મતદાન કેન્દ્ર પર પોતાનો ઇલેકશન એજન્ટ નિયુક્ત કરે અને ફોર્મ 17C સુધી મતદાન પ્રક્રિયા દરમિયાન હાજર રહે.
    • આ વખતે એક બૂથ પર મહત્તમ 1200 મતદારો રહેશે, જેથી મતદાન વધુ સુગમ બને.
    • મતદારોને મોબાઈલ ફોન રાખવાની મંજૂરી મળશે.
    • EVM પર મોટા અક્ષરોમાં ઉમેદવારનું નામ અને રંગીન તસવીર હશે.
    • ચૂંટણી દરમિયાન વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, જ્યાં મતદારો અને ઉમેદવારોને ચૂંટણી સંબંધિત તમામ માહિતી એક જ સ્થળે મળશે.
    • બૂથથી 100 મીટર સુધી ઉમેદવાર પોતાના એજન્ટને તૈનાત કરી શકશે.
    • બિહારના તમામ મતદાન કેન્દ્રો પર 100 ટકા વેબકાસ્ટિંગ થશે જેથી યોગ્ય દેખરેખ રાખી શકાય.
    • EVM પરનો સિરિયલ નંબર પણ મોટા અક્ષરોમાં દર્શાવવામાં આવશે.

NDAમાં બેઠકોની વહેંચણી પર બેઠક

ચૂંટણી પહેલાં NDA અને ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચાણી અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે. રવિવારે BJP ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન સાથે લલન સિંહ, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાએ બેઠક કરી હતી.રાજ્યમાં 243 બેઠકોમાંથી 203 બેઠક BJP અને JDU વચ્ચે વહેંચાશે, જ્યારે બાકી 40 બેઠકો ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા, જીતન રામ માંઝીની “હમ” અને ચિરાગ પાસવાનની પાર્ટી વચ્ચે વહેંચાશે.