Home Blog Page 515

PM મોદીએ, શાહે દેશવાસીઓને નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ આજે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થયું છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિશ્વમાં વસેલા ગુજરાતી સમુદાય માટે ગુજરાતી નવું વર્ષ  એટલે કે ‘બેસતા વર્ષ’નો તહેવાર આજે છે, આ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉજવણી છે. આ તહેવાર સામાન્ય રીતે દિવાળી પછીના દિવસે કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે આવે છે. આ તહેવારને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

PM મોદીએ પાઠવી શુભકામનાઓ 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને શુભકામના પાઠવતાં લખ્યું કે નૂતન વર્ષાભિનંદન…!!! આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ. ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામનાઓ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવા વર્ષની શુભકામના આપતા કહ્યું કે, સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે, આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઊજવી દિવાળી, PM મોદીને ગણાવ્યા સારા ‘મિત્ર’

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો હતો અને આ અવસરે ભારતના લોકોનું અભિવાદન કર્યું હતું. ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને તેમને “એક મહાન વ્યક્તિ” ગણાવી હતી. આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા, નવા અમેરિકન રાજદૂત સર્ઝિયો ગોર, FBI ડિરેક્ટર કાશ પટેલ અને નેશનલ ઈન્ટેલિજન્સની ડિરેક્ટર તુલસી ગબાર્ડ હાજર રહ્યાં હતાં.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે જ મેં તમારા વડા પ્રધાન સાથે વાત કરી. વાતચીત ખૂબ સારી રહી. અમે વેપાર વિશે ચર્ચા કરી. તેમને તેમાં ખૂબ રસ છે. થોડા સમય પહેલાં અમે આ મુદ્દે ચર્ચા કરી હતી કે પાકિસ્તાન સાથે કોઈ યુદ્ધ ન થવું જોઈએ. તેમાં વેપારનો મુદ્દો પણ સામેલ હતો, તેથી હું આ વિશે વાત કરી શક્યો. અને હવે આપણા વચ્ચે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે બહુ સારી વાત છે.

તેઓ એક મહાન વ્યક્તિ છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં મારા ખૂબ સારા મિત્ર બન્યા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દિવાળીની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો  હતો.

ટ્રમ્પે ફોન કરીને પીએમ મોદીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

પીએમ મોદીએ તેમના સોશિયલ મિડિયા X પર લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ફોન કોલ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર. પ્રકાશના આ તહેવારે આપણા બે મહાન લોકશાહી દેશો દુનિયાને આશાની કિરણ બતાવતા રહે અને આતંકવાદના તમામ સ્વરૂપો સામે એકતાથી ઊભા રહે.

અકથ્ય

સોમેશ ગાડી ચલાવતો હતો અને સાક્ષી ચૂપચાપ બેઠી હતી. થોડી વાર પે’લા જ એણે મ્યુઝીક ઑફ કર્યું હતું. સોમેશ કંઈ બોલ્યો નહોતો, પરંતુ એ સાક્ષીના મૌનની લિપિને ઉકેલવા મનોમન મથી રહ્યો હતો.

કાર હાઈવે ઉપરથી સિંગલ પટ્ટી રોડ પર ફંટાઈ ગઈ સાથોસાથ સાક્ષીના મનના વિચારો પણ એ જ માર્ગે દોડી રહ્યા હતા.

ગઈકાલે સાક્ષીના મોટા ભાઈનો ફોન આવ્યો હતો. એમાં કંઈ નવાઈની વાત નહોતી. એકમેકનાં ખબરઅંતર પૂછવા માટે સમયાંતરે ફોન થતા હોય છે સંબંધોમાં… પરંતુ સામાન્ય વાતો આટોપીને ફોન મૂકતાં પે’લાં એ જાણે કે કહેવાની રહી ગયેલી વાત અચાનક જ યાદ આવી હોય એમ સાવ સપાટ સ્વરે બોલી ગયા હતા:

“અરે હા… સાક્ષી…! પછી પેલું મકાન પડુંપડું હતું ને, તે પછી કાઢી જ નાખ્યું હોં…”

-અને આ છેડે સાક્ષી સ્તબ્ધ થઈ ગઈ. જાણે મૂર્તિ…! જમવાના ટેબલ પર હતાં, ને ફોન આવેલો… એટલે જમતાં-જમતાં સોમેશ પણ મૂંગી થઈ ગયેલી સાક્ષીને થોડી વાર પછી જ ધ્યાનથી જોઈ શક્યો.લાંબા સહજીવનના પરીપાકરૂપે સોમેશ સાક્ષીના ભાવોને ઓળખી શકતો.

સૂતાં સુધીમાં એ ફક્ત એક જ વાક્ય બોલી: “આપણે કાલે ગામે જવું છે… તું રજા લઈ લઈશ, સોમુ?”

ધૂળિયા રસ્તે આગળ વધતી કારની અંદર તો ડમરી નથી ચડીને ક્યાંક? કે પછી સાક્ષીના મનમાં વિચારો ગોટાયા છે એકસામટા.. એને ગૂંગળામણ થવા લાગી. મોટા ભાઈની છાપ પહેલેથી જ વ્યવહારુ…! લાગણીની વાતોને વેવલાવેડામાં ખપાવે સાક્ષીએ ક્યારેય પોતાની લાગણીઓ પ્રદર્શિત જ નહોતી કરી.

એક આંચકો… અને કાર ઊભી રહી ગઈ.

અધીરાઈથી દરવાજો ખોલીને સાક્ષી ઉભડક હૈયે ઊતરી પડી.

એ જ ગામ, ગલી, વળાંક, જૂનું પૈતૃક મકાન…! એ ઝડપથી ડેલીનો દરવાજો હડસેલીને ફળિયામાં પ્રવેશી… ગુલમહોરના ઝાડ હેઠે ઘર માલિકણ અનાજ સાફ કરી રહ્યાં હતાં. એ સાક્ષીના આગમનને સમજે એ પે’લાં તો સાક્ષી ઓસરીમાં થઈને ઘરના અંદરના ભાગમાં અલોપ થઈ ગઈ.

અંદરના ખંડમાં સાંકળવાળા હીંચકાને પકડીને એ પોતાના બાળપણના સ્મરણસાગરમાં જાણે કે હિલ્લોળે ચડી… ઘરની દીવાલોમાંથી ઠેકડો મારીને મસ્તી જાણે કે કૂદી પડી.

કેટલીય વાર પછી સોમેશે એને ઢંઢોળીને વર્તમાનમાં આણી.

સ્મૃતિપાનથી આકંઠ સંતૃપ્ત સાક્ષી કંઈ બોલી ન શકી… સોમેશનો હાથ પકડીને એ ભારે હૈયે આંગણું વળોટી ત્યારે ઘર માલિકણના શબ્દો એના કાનમાં થઈને સમગ્ર અસ્તિત્વમાં વિખરાઈ ગયા..…

‘કદી-કદી આવતાં રે’જો બુન… તમારું જ ઘર છે !

(રેખાબા સરવૈયા)

(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)

૨૨ ઑક્ટોબર ૨૦૨૫

મોતી પાક મીઠાઈ

આ મોતી પાક મીઠાઈ માટે બુંદી બનાવવા, ઝારાનો ઉપયોગ કરવાની જરૂર નથી! ફક્ત કળછીના ઉપયોગ વડે બુંદી પાડી શકાય છે! બેસતા વર્ષે ઓછા સમયમાં આ મીઠાઈ સહેલાઈથી બની શકે છે!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 2 કપ
  • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
  • તેલ 1 ટી.સ્પૂન
  • ઘી અથવા તેલ બુંદી તળવા માટે
  • સાકર 1½ કપ
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • કેસરી ખાવાનો રંગ 4-5 ટીપાં
  • ચાંદીનું વરખ

રીતઃ એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં બેકીંગ પાઉડર ભેળવીને તેમાં થોડું થોડું પાણી મેળવીને ખીરું બનાવી લો. આ ખીરું ના પાતળું કે ના ઘટ્ટ પણ મધ્યમ પ્રકારનું હોવું જોઈએ.

હવે કઢાઈમાં ઘી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. એક કળછીમાં ખીરું લઈ તેના વડે ગરમ ઘીમાં કઢાઈમાં આવે તેટલું ખીરું સેવની જેમ ગોળ ગોળ પાડીને સોનેરી રંગે તળી લીધા બાદ એક પ્લેટમાં કાઢી લો. (અથવા જલેબીના સાંચા કે દૂધની પ્લાસ્ટિકની કોથળીમાં મહેંદીનો કોન ભરીએ તે રીતે ખીરું ભરીને સેવની જેમ તળી લો)

આ જ રીતે બધી સેવ તળી લીધા બાદ તે ઠંડી થાય એટલે મિક્સીમાં તેનો અધકચરો ભૂકો કરી લો.

એક તપેલીમાં ½ કપ પાણી લઈ તેમાં 1½ કપ સાકર મેળવીને તપેલી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાં એલચી પાઉડર પણ મેળવી દો. સાકરની ચાસણી બને ત્યાં સુધી ચમચા વડે હલાવતાં રહેવી. તેમાંની સાકર ઓગળી જાય અને ચાસણીમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો. હવે તેમાં કેસરી રંગ ઉમેરવો હોય તો 4-5 ટીપાં ઉમેરી દો અને તળેલી બુંદી હવે આ ચાસણીમાં મેળવી દો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં પાથરીને ફેલાવી દો. ઉપરથી ચાંદીનું વરખ લગાડી દો.

2 કલાક બાદ મિશ્રણ ઠરે એટલે મીઠાઈના ચોસલા પાડીને ખાવાના ઉપયોગમાં લો.

પંચાંગ 22/10/2025

બિહાર ચૂંટણીમાં 243 બેઠકો અને મહાગઠબંધનના 256 ઉમેદવારો

પટના: બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે થઈ રહેલી ચૂંટણીમાં મહાગઠબંધને કુલ 256 ઉમેદવારો ઉતાર્યા છે. એટલે કે 13 બેઠકો પર ગઠબંધનના જ સાથી પક્ષો એકબીજા સામે લડી રહ્યા છે. આમાંથી છ બેઠકો પર RJD વિ. કોંગ્રેસ, ચાર બેઠકો પર CPI વિ. કોંગ્રેસ, બે બેઠકો પર RJD વિ. VIP અને એક બેઠક પર કોંગ્રેસ વિ. IIP નો સીધો મુકાબલો છે. એટલે આ બેઠકો પર મહાગઠબંધનના પક્ષો NDA સામે પણ લડી રહ્યા છે અને આપસમાં પણ ટક્કર આપી રહ્યા છે.

કયા પક્ષના કેટલા ઉમેદવાર?ચૂંટણીમાં RJD 143 બેઠકો પર મેદાનમાં છે. કોંગ્રેસ 62, ભાકપા-માલે (CPI-ML)  20, VIP 15, CPI 9, CPM 4 અને IIP 3 બેઠકો પર લડી રહ્યા છે. આ રીતે મહાગઠબંધનના કુલ 256 ઉમેદવારો મેદાનમાં છે. જોકે બીજા તબક્કા માટેનું નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે, એટલે હજી કેટલાક ઉમેદવારો નામાંકન પાછું ખેંચે તેવી શક્યતા છે.

આ જ ચર્ચાનું પરિણામ છે કે લાલગંજ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર આદિત્ય રાજાએ સોમવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું. અહીં RJD તરફથી શિવાની શુક્લા ઉમેદવાર છે. જો અન્ય બેઠકો પર પણ આવું થાય તો ‘ફ્રેન્ડલી ફાઈટ’ બેઠકોની સંખ્યા ઘટી શકે છે. હાલ આવી બેઠકોની સંખ્યા 13 છે.

આ રીતે હાલ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધન પોતાના જ સાથીઓ સામે 13 બેઠકો પર ‘મિત્રો વચ્ચેની ટક્કર’ લડી રહ્યું છે.

BCCIએ એશિયા કપ ટ્રોફી અંગે નકવીને આપી ચેતવણી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ (BCCI)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીને સત્તાવાર ઇમેઇલ લખીને એશિયા કપની ટ્રોફી ભારતને પરત આપવાની માગ કરી છે. પાકિસ્તાન સામેની ફાઇનલમાં જીત્યા બાદ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી નકવીએ તે ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઓફિસમાં રાખી દીધી હતી.

BCCIએ નકવીને નવી ચેતવણી આપી છે કે તેઓ ટ્રોફી ભારતને પરત આપે, નહીં તો આવતા મહિને થનારી બેઠકમાં આ મામલો ICC સુધી લઈ જવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું.

 BCCIએ એશિયા કપ ટ્રોફી અંગે આપી ચેતવણી

ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ (BCCI)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીને સત્તાવાર ઇમેઇલ લખીને એશિયા કપની ટ્રોફી ભારતને પરત આપવાની માગણી કરી છે. જણાવી દઈએ કે પાકિસ્તાન સામેના ફાઇનલમાં જીત્યા બાદ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી નકવીએ તે ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલના મુખ્યાલયમાં રાખી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર BCCIએ નકવીને નવી ચેતવણી આપી છે કે તેઓ ટ્રોફી ભારતને પરત આપે, નહીં તો આવતા મહિને થનારી બેઠકમાં આ મામલો ICC સુધી લઈ જવામાં આવશે.ACCની 30 સપ્ટેમ્બરની બેઠકમાં BCCIએ નકવીના વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે એશિયા કપ એ ACCની માલિકીનો છે. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ભાર આપીને કહ્યું હતું કે એશિયા કપ 2025ની ટ્રોફી સત્તાવાર રીતે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની વિજયી ભારતીય ટીમને સોંપવી જોઈએ અને તેને તાત્કાલિક ACCના અધિકાર હેઠળ રાખવી જોઈએ.

બીજી તરફ, BCCI નવેમ્બરમાં દુબઈમાં થનારી ICC બેઠકમાં આ મુદ્દો ઉઠાવવા માટે તૈયાર છે. ભારતીય બોર્ડ ACC અધ્યક્ષના વર્તન વિરુદ્ધ સત્તાવાર અને કડક વિરોધ નોંધાવવાની યોજના બનાવી રહ્યું છે. 30 સપ્ટેમ્બરના ACCની બેઠકમાં BCCIએ નકવીના વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે એશિયા કપ એ ACCની માલિકીનો છે.

 

જાપાનમાં સૌપ્રથમ વાર મહિલા PM બન્યાં સાને ટાકાઇચી

ટોક્યોઃ સાને ટાકાઇચી આજે જાપાનનાં વડા પ્રધાન બની ગયાં છે. તે દેશના ઈતિહાસમાં વડા પ્રધાનપદ પર પહોંચનારાં પ્રથમ મહિલા છે. જાપાનના રાજકારણમાં આજે એટલે કે 21 ઓક્ટોબરે એક નવો માઇલસ્ટોન નોંધાયો છે. ટાકાઇચી એવા સમયે સત્તા સંભાળી રહી છે જ્યારે દેશ ગંભીર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. 64 વર્ષની સાને ટાકાઇચી લાંબા સમયથી સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના દક્ષિણપંથી જૂથના ભાગરૂપે કાર્યરત રહ્યાં છે. તેમણે જાપાન ઇનોવેશન પાર્ટી સાથે ગઠબંધન પણ કર્યું છે.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને જુલાઈમાં મોટો પરાજય ભોગવવો પડ્યો હતો. ત્યાર બાદ ત્રણ મહિના ચાલેલા રાજકીય આંતરિક વિરોધને ખતમ કરતાં ટાકાઇચીએ ભૂતપૂર્વ વડા પ્રધાન શિગેરુ ઇશિબાની જગ્યા લીધી છે. ઇશિબાનો કાર્યકાળ માત્ર એક વર્ષનો રહ્યો અને તેમણે ગયા મંગળવારે રાજીનામું આપી દીધું હતું. ટાકાઇચીએ વડા પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે, પરંતુ તેમનું ગઠબંધન હજી પણ સંસદનાં બંને ગૃહોમાં સંપૂર્ણ બહુમતીથી થોડું ઓછું છે. હવે તેમને કાયદા પસાર કરવા માટે અન્ય વિપક્ષી જૂથોને પોતાના પક્ષમાં લાવવાં પડશે.

કોણ છે ‘આયર્ન લેડી’ ટાકાઇચી?

ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની શિષ્યા મનાતાં સાને ટાકાઇચીને જાપાનનાં ‘આયર્ન લેડી’ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 1961માં નારા પ્રાંતમાં થયો હતો. તેમનાં માતા-પિતા રાજકારણથી દૂર હતાં.

પડોશી દેશો સાથેના સંબંધ

વિદેશ નીતિમાં ટાકાઇચી કડક વલણ માટે જાણીતાં છે. તેમને ચીન પ્રત્યે કઠોર અને દક્ષિણ કોરિયા પ્રત્યે સાવધ માનવામાં આવે છે. ટાકાઇચી જાપાનના યુદ્ધકાળના ઈતિહાસની સમીક્ષક રહી છે અને તેઓ યાસુકુની મંદિરની નિયમિત મુલાકાત લે છે, જે ચીનને સતત નારાજ કરતું રહ્યું છે.

ઝારખંડમાં પણ તૂટશે શું ઇન્ડિયા એલાયન્સ? : JMM નારાજ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ઇન્ડિયા એલાયન્સ માટે ઝારખંડ મુકિત મોરચા (JMM)ની નારાજગીએ નવા રાજકીય સંકેતો આપી દીધા છે. ઝારખંડ સરકારના મંત્રી અને ગિરિડીહના ધારાસભ્ય સુદિવ્ય કુમાર સોનુએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે JMM બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ નહીં લે.

એ સાથે જ તેમણે કહ્યું કે મહાગઠબંધનના કોઈ પણ ઉમેદવારના સમર્થનમાં તેઓ પ્રચાર પણ નહીં કરે. હવે જોવાનું એ રહ્યું છે કે ઝારખંડમાં પણ ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન તૂટશે કે નહીં.

JMMએ બિહારમાં ચૂંટણી ન લડવાનો લીધો નિર્ણય

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને RJDએ ગઠબંધન ધર્મનું પાલન ન કરવાને કારણે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. તેમના કહેવા મુજબ બિહારની બેઠક વહેંચણી અને અન્ય વ્યવસ્થાઓમાં JMMને ઊલઝાવી રાખવામાં આવી અને અંતિમ ક્ષણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પાર્ટીને ચૂંટણીમાંથી અલગ થવું પડ્યું. તેમણે આક્ષેપ કર્યો હતો કે જેમ ઝારખંડમાં કોંગ્રેસ અને RJDને “મોટા ભાઈ”ની ભૂમિકા આપીને બેઠક વહેંચવામાં સહયોગ અપાયો હતો, તેવી જ રીતે બિહારમાં JMM સાથે અન્યાય થયો છે.

કોંગ્રેસે JMMના પક્ષમાં ન લીધું સ્પષ્ટ સ્ટેન્ડ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે JMMના પક્ષમાં કોઈ સ્પષ્ટ સ્થિતિ લીધી નથી, ન તો મધ્યસ્થતાનો પ્રયાસ કર્યો છે. આ કારણે JMMએ બિહારમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે RJD અને કોંગ્રેસ બંને જવાબદાર છે. ઝારખંડના CM હેમંત સોરેનના નેતૃત્વ હેઠળ JMMએ બિહારમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ કહ્યું  હતું કે તે કોઈ ગઠબંધનનો ભાગ નહીં બને અને માત્ર છ વિધાનસભા બેઠકો — ચકાઈ, ધમદાહ, કટોરિયા, મનિહારી, જામુઈ અને પીરપૈંથી — પરથી પોતાના ઉમેદવારો ઉતારશે.

JMMના મહાસચિવ સુપ્રીમો ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ સરહદી વિસ્તારોમાં પાર્ટીનો જનાધાર સતત વધી રહ્યો છે અને તેમનું મુખ્ય ધ્યાન આદિવાસી તથા વંચિત વર્ગના મુદ્દાઓને આગળ લાવવા પર રહેશે.