Home Blog Page 513

MLA ક્વાર્ટર્સનું ગૃહમંત્રી અમિત શાહને હસ્તે લોકાર્પણ

ગાંધીનગરઃ રાજ્યના ધારાસભ્યોને નવા વર્ષે નવું નિવાસસ્થાન મળશે. ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં નવા બનેલા MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કરશે. વિવિધ ભથ્થાં અને પગાર મળી કુલ 1.16 લાખ સરકારી પગાર મેળવતા ધારાસભ્યોને 37.50 રૂપિયાના ભાડા સાથે આવાસ અપાશે. અને એ પણ એટલા પૂર્ણ સુવિધાયુક્ત કે જેમાં ફર્નિચરથી માંડીને ઇલેકટ્રોનિક ઉપકરણો સહિત તમામ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. ધારાસભ્યોએ માત્ર કપડાંની બેગ ભરીને રહેવા જવાનું બાકી રહેશે.

ગાંધીનગરના સેક્ટર-17માં જૂનાં MLA ક્વાર્ટર્સને તોડીને 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ 4BHK ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં

આવી છે. ખાસ કરીને આ આવાસમાં પ્રાઇવસીનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનની જરૂરિયાત હોવાથી સરકારે પાંચ વર્ષ અગાઉ MLA ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કર્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં

આવી હતી. અહીં જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટઆઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ અને ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન-આઉટ ગેટ રહેશે.

વર્ષ 2021માં નવા MLA ક્વાર્ટર્સ તૈયાર કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સરકારે નવ માળના 12 એપાર્ટમેન્ટ બાંધવાનું નક્કી કર્યું હતું. આ આવાસોમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રિજ, ટીવી સહિતની સુવિધા છે. પગ લુછણિયાં, પડદા, ફિનાઈલ, ટોઇલેટ ક્લીનર પણ પૂરાં પાડવામાં

આવે છે. આ મકાનનું લાઈટ બિલ પણ સરકાર ભરે છે. આ સ્થળ સચિવાલય-વિધાનસભાની એકદમ નજીક હોવાની સાથે ગાંધીનગર શહેરની મધ્યમાં આવેલું છે. ગુજરાતની પહેલી સરકાર બની ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ચોથી વખત ધારાસભ્યોનાં આવાસ બન્યા છે.

ગુજરાતની પહેલી સરકાર બની ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ચોથી વખત ધારાસભ્યોનાં આવાસ બની રહ્યા છે. ગાંધીનગરમાં વર્ષો પહેલાં સેક્ટર-17માં સૌપ્રથમ ધારાસભ્યોનાં કવાર્ટર બનાવવામાં આવ્યાં હતાં

નમો ડ્રોન દીદી યોજનાએ મહિલાઓને બનાવી આત્મનિર્ભર

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, વિકસિત ભારત @2047ના ધ્યેયને સાકાર કરવામાં મહિલાઓ અમૂલ્ય યોગદાન આપી રહી છે. તેમણે લૉન્ચ કરેલી વિવિધ યોજનાઓએ મહિલાઓનું મનોબળ વધાર્યું છે અને તેમને આગળ વધવા પ્રેરિત કરી છે. આવી જ એક યોજના છે- નમો ડ્રોન દીદી યોજના, જે નવીન ડ્રોન ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા મહિલાઓને આર્થિક સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં સ્વ-સહાય જૂથો અને સખી મંડળોએ નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.નમો ડ્રોન દીદી યોજના: કૃષિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાની મહત્વાકાંક્ષી પહેલ

નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની મહત્વાકાંક્ષી પહેલ છે. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ક્લસ્ટર લેવલ ફેડરેશન હેઠળ ‘નમો ડ્રોન દીદી યોજના’ કૃષિ સેવાઓ માટે ડ્રોન પૂરા પાડીને મહિલા સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવે છે. આ યોજનાનો ઉદ્દેશ ડ્રોન પ્રદાન કરીને હાલના કસ્ટમ હાયરિંગ કેન્દ્રોને મજબૂત બનાવવાનો, શ્રમ અને ઇનપુટ્સ પરના ખર્ચમાં ઘટાડો કરવાનો, ડ્રોન પાઇલટ્સ અને ટેક્નિશિયન માટે આવકના સ્ત્રોત પેદા કરવાનો, પાક વ્યવસ્થાપન વધારવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. એડવાન્સ ટેક્નોલૉજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.રાજકોટના ડ્રોન દીદી સોનલબેન પાંભર 15 લાખ રૂપિયાની આવક મેળવી બન્યા લખપતિ

રાજકોટ જિલ્લાના નાનાવડા ગામના 33 વર્ષીય સોનલબેન પાંભરે ખેતીમાં ડ્રોન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને 15 લાખ રૂપિયાની કમાણી કરી છે અને એટલે જ સોનલબેન માત્ર ડ્રોન દીદી જ નહીં, પણ લખપતિ દીદી તરીકે પણ ઓળખાય છે. સોનલબેને ડ્રોન દીદી બનવાની સફર અંગે જણાવ્યું હતું કે, “પહેલા હું ઘરકામ કરતી હતી. મિશન મંગલમના કર્મચારીએ અમારા ગામમાં જાહેર મીટિંગ કરી મંડળની બહેનોને નમો ડ્રોન યોજનાની જાણકારી આપી જેનાથી મને આત્મનિર્ભરતાની  પ્રેરણા મળી. ડિસેમ્બર 2023માં મેં મહારાષ્ટ્રના પૂણે (સેવરી) ખાતે 15 દિવસની તાલીમ લીધી અને ત્યારબાદ રાજકોટમાં IFFCO તરફથી વધારાની તાલીમ મેળવી. ટેક્નિકલ ટીમે મને ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું. પહેલી વાર મેં 10 જૂન, 2024ના રોજ સફળતાપૂર્વક ડ્રોનનો ઉપયોગ કરીને મારા ગામના ખેતરોમાં કપાસ અને મગફળીના પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કર્યો. એ પછી તો મને અન્ય ખેડૂતો પાસેથી પણ કામ મળવા લાગ્યું અને મારી આવકમાં વધારો થયો.”

સોનલબેને ઉમેર્યું કે, “છેલ્લા એક વર્ષમાં મેં 1,740 ખેડૂતોને મગફળી, સોયાબીન, તુવેરદાળ, કપાસ, ચણા, વટાણા, જેવા અનેકવિધ પાકોમાં ડ્રોન મારફતે જંતુનાશક દવાનો છંટકાવ કરી આપ્યો છે, જેનાથી આજ સુધીમાં મને કુલ ₹15,38,500ની કમાણી થઈ છે. સ્વ-સહાય જૂથમાં જોડાવાથી મને ફક્ત ડ્રોન દીદી તરીકે જ નહીં, પરંતુ લખપતિ દીદી તરીકે પણ ઓળખ મળી છે. આ યોજનાથી મારું અને મારા પરિવારના જીવનધોરણમાં સુધારો થયો છે. આ યોજના માટે હું મિશન મંગલમ વિભાગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.”

બનાસકાંઠાના ડ્રોન દીદી ભાવનાબેન ચૌધરી કરે છે દર મહિને 50,000 રૂપિયાથી વધુની કમાણી

બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વરસડા ગામના રહેવાસી ભાવનાબેન ચૌધરી જણાવે છે કે, “મેં બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે અને હું ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલી છું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ હું સખી મંડળ સાથે કામ કરી રહી છું. હું સખીમંડળના તમામ કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાઉં છું. પહેલા તો ડ્રોન વિશે મને કે મારા ગામમાં કોઇને પણ કોઇ જાણકારી નહોતી. મને જિલ્લા અને તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાની શાખામાં બોલાવવામાં આવી અને ડ્રોન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. મને ડ્રોન દીદી બનવાની ખૂબ ઉત્સુકતા હતી. મેં GNFC, ભરૂચ દ્વારા અમદાવાદ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની રેસિડેન્શિયલ ડ્રોન તાલીમ મેળવી હતી અને ત્યારબાદ ડ્રોન પાયલટની પરીક્ષા પાસ કરીને મેં મારું લાયસન્સ મેળવ્યું. તે પછી મને ડ્રોનનો પ્રારંભિક સેટ મારા ઘરે પ્રાપ્ત થયો અને મેં મારા ગામમાં ખેતરોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યું. આજે હું મારા ગામમાં ડ્રોન દીદી તરીકે ઓળખાઉં છું અને દર મહિને 50,000 રૂપિયાથી વધુની કમાણી કરું છું. આ કામે મને સન્માન અને સ્વતંત્રતા બંને અપાવ્યા છે, અને આ તક પૂરી પાડવા બદલ હું નરેન્દ્ર મોદીસાહેબ અને નમો ડ્રોન દીદી યોજનાની ખૂબ આભારી છું.”

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે નમો ડ્રોન દીદી યોજના એક પરિવર્તનકારી પહેલ સાબિત થઈ છે. આ યોજના થકી, ગ્રામીણ મહિલાઓએ આર્થિક સ્વતંત્રતા, સમ્માન મેળવ્યા છે અને તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને પોતાના સમુદાયો માટે તેઓ રોલ મૉડલ બની છે. તેમની હિંમત, દૃઢતા અને સફળતા મહિલા સશક્તિકરણની સાચી ભાવનાના ચરિતાર્થ કરે છે અને ભારતના ઉજ્જવળ, આત્મનિર્ભર ભવિષ્યના વચનને પ્રતિબિંબિત કરે છે.

દિવાળીના દિવસોમાં અહીં જામે ભક્તોની ભીડ…

દિવાળીના પાવન પર્વ સાથે જ જ્યારે નવું વર્ષ શરૂ થાય છે, ત્યારે ગુજરાતમાં એક સુંદર પરંપરા જીવંત થઈ ઉઠે છે, દેવ દર્શનની. લોકો પોતાના પરિવાર સાથે તીર્થસ્થાનોની યાત્રા પર નીકળે છે, જ્યાં પ્રભુના દર્શનથી નવા વર્ષની શરૂઆત થાય છે. ગુજરાતના તીર્થસ્થાનોમાં જાણે ભક્તિનો માહોલ છવાઇ જાય છે.

ચાલો જાણીએ, નવા વર્ષે ભક્તોથી ઉભરાતા ગુજરાતના જાણીતા તીર્થસ્થાનો વિશે..

દ્વારકા

દ્વારકા એક પ્રાચીન શહેર છે, જેને ભગવાન કૃષ્ણના નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દ્વારકાધીશ મંદિરની શાંતિમય આભા અને કિનારા પરના આકર્ષક નજારો મંત્રમુગ્ધ કરી દે છે. એટલું  જ નહીં દ્વારકાથી 11-15 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચ ગુજરાતીમાં હોટ ફેવરીટ છે. ભારતમાં સૌથી વધુ બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચમાંથી એક છે. જ્યાં વોટર સ્પોર્ટ્સ, સ્કુબા ડાઈવિંગ, કેનોઇંગ અને બોટ રાઈડિંગ પણ થાય છે. જે પ્રવાસીઓને એક અનોખો સમુદ્ર અનુભવ આપે છે. જેના કારણે દ્વારકા આવીને દર્શન અને મોજ-મસ્તી બન્નેને અનુભવ કરી શકાય છે.

સોમનાથ

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એટલે સોમનાથ મહાદેવ. સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલુ પ્રખ્યાત યાત્રાધામ છે. દિવાળી વેકેશનમાં આ તીર્થ સ્થાનની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય છે. સોમનાથ મંદિર નજીક ફરવા માટે ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

અંબાજી

અંબાજી મંદિરમાં દિવાળીના દિવસોમાં ભક્તોની ભીડ રહે છે. આ પાવન તીર્થસ્થળે દર્શન કરવા આવનારાઓ આ પર્વમાં મંગલમય વાતાવરણનો આનંદ માણે છે. દિવાળી દરમિયાન અંબાજી મંદિરમાં અને આજુબાજુના વિસ્તારોમાં રંગીન દીવડાંઓથી ઝળહળતી શોભા, સંગીત, અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન થાય છે, જે દર્શનનો વિશેષ આનંદ આપે છે. અંબાજી ખાતે જઇને લોકો દર્શન કર્યા પછી આજુબાજુના દર્શનીય સ્થળો પણ જોવા જતાં હોય છે.

ડાકોર

ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે બારે મહિના ભક્તોની ભીડ રહેતી હોય છે. પરંતુ દિવાળી પર્વ પર ખાસ કરીને ભાવિકો દર્શન કરવા જતા હોય છે. ડાકોરના ઠાકોરના દર્શન કરી, ગોમતી ઘાટે પવિત્ર સ્નાન કરી ભક્તિનીમાં લીન થઈ જવાય છે.  દિવાળીના સમયે ડાકોરમાં સ્થાનિક મેળાઓનું આયોજન થાય છે, જ્યાં લોકો હસ્તકલા, ખાધ્ય સામગ્રી અને કલાત્મક વસ્તુઓની ખરીદી માટે આવે છે.

પાવાગઢ

ગુજરાતમાં આવેલા પાવાગઢ પર્વત પર દિવાળીના સમયે ધાર્મિક કાર્યક્રમો અને આરતીનું આયોજન કરવામાં આવે છે. પાવાગઢના આસપાસના મનોહર દૃશ્યો અને હરિયાળી, ભક્તોને આકર્ષિત કરે છે. અહીંની શાંતિ, દર્શનના અનુભવને વધુ યાદગાર બનાવે છે. દિવાળી દરમિયાન, પાવાગઢમાં જતા લોકો માટે રહેવા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં સ્થાનિક હોટલ અને દક્ષિણ ભારતમાં અલગ અલગ પ્રકારના ખોરાક પીરસતા સ્થળો છે. ખાસ કરીને પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા ભક્તો રોપવેની પણ મજા માણે છે. તો નજીકમાં આવેલા ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની મુલાકાત લઈ ફોટોગ્રાફી કરવાનું પણ ચુકતા નથી.

ચોટીલા

ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક શક્તિપીઠ છે, જ્યાં માં ચામુંડાની પૂજા થાય છે. આ મંદિર પર્વતની ટોચ પર સ્થિત છે એનો ઇતિહાસ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે. ચોટીલા માતાજી 52 શક્તિપીઠોમાંની એક. એવું માનવામાં આવે છે કે અહીં માતાજીના દર્શન કરવા માટે ભક્તો અને સાધુઓ દૂર-દૂરથી આવે છે. બ્રિટિશ સમયગાળામાં ચોટીલા એજન્સી થાણાનું કેન્દ્રીય મથક રહ્યું હતું.  પ્રાચીન કાળમાં ચોટીલાને ચોટગઢ તરીકે ઓળખાતું હતું. આજે ચોટીલા તીર્થ સ્થળ તરીકે ગુજરાતમાં ખાસ નામ ધરાવે છે.

બહુચરાજી

બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું શક્તિપીઠ છે, જ્યાં મા બહુચરની પૂજા થાય છે. એ કિન્નર સમુદાય તથા સ્ત્રીઓ માટે ગૃહસુખનું પ્રતીક છે. 1152માં રાજા સંખલ દ્વારા બનાવાયેલું આ મંદિર પૌરાણિક કથા અનુસાર દેવી સતીના જમણા હાથના પતન સ્થળ છે, જ્યાં ચારણ કન્યા બહુચરાએ ડાકુઓ પર વિજય મેળવ્યો હતો. તીર્થધામ બહુચરાજી માં બિરાજમાન બહુચર માતાજીના મંદિરે દિવાળી અને નવા વર્ષે હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે.

હેતલ રાવ

તેજસ્વી યાદવ જ હશે મહાગઠબંધનના CM પદના ઉમેદવાર

પટનાઃ પટનામાં મહાગઠબંધનના દિગ્ગજ નેતાઓનો જમાવડો છે. મહાગઠબંધન એલાન કરી શકે છે કે તેજસ્વી યાદવ મહાગઠબંધ તરફથી CM પદના ઉમેદવાર છે. RJDની એ માગ છે કે તેજસ્વી યાદવનું નામ CM ફેસ તરીકે જાહેર કરવામાં આવે, જેથી ચૂંટણીમાં લાભ મળી શકે. એ મુદ્દે  પટનાની હોટેલ મૌર્યામાં મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે તેજસ્વી યાદવના મુખ્ય પ્રધાન પદની ઉમેદવારી પર મહોર લાગી શકે છે. એટલે કે તેજસ્વી યાદવને સીએમ ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે જાહેર કરવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ મહાગઠબંધન “ચાલો બિહાર, બદલીએ બિહાર”નું સૂત્ર આપશે.

મહાગઠબંધનમાં બેઠક વહેંચણીRJDએ 143 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસને 61, VIP પાર્ટીને કુલ 9 બેઠકો, જ્યારે ડાબેરી પક્ષોને  કુલ 30 બેઠકો મળી છે. સત્તાવાર યાદી સિવાય પણ મહાગઠબંધનના સાથીઓએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

VIPને નવ બેઠકો મળી છે, પરંતુ તેણે 15 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. એ જ રીતે, CPIને 6 બેઠકો મળી છે, પરંતુ તેણે નવ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. (CIPM)ને 4 બેઠકો મળી છે, પરંતુ તેણે છ ઉમેદવારોને ઉમેદવારી નોંધવાની મંજૂરી આપી છે. હાલ મહાગઠબંધનની કુલ ઉમેદવાર યાદી 243થી વધી 254 થઈ ગઈ છે. જોકે દાવો કરવામાં આવી રહ્યો છે કે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ પહેલાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

દુર્ગાપૂજા

ઘરમાં દુર્ગાપૂજાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. ઘરગૃહિણી દુર્ગેશ્વરી પગ વાળીને એક ઠેકાણે બેસી શકતી નહોતી, જાણે કે એના પગમાં પૈડાં લાગી ગયાં હતાં!

ઘડીમાં અહીં તો ઘડીમાં ત્યાં…!

અને કેમ ન હોય દોડાદોડી…! કારણ કે પોતાની જ સીધી નિગરાની હેઠળ થનારી આ પ્રથમ જ તો દુર્ગાપૂજા હતી. સાસુમાના દેહાંત પછીની પે’લી પૂજા…

પરણીને સાસરે આવી ત્યારથી ઇચ્છતી હતી કે પૂજામાં આમ જોઈએ, પૂજામાં તેમ જોઈએ… પણ સાસુમાની હયાતિમાં એ એક પણ વિચારનો અમલ કરવો તો દૂર… રુઆબદાર સાસુમા સામે વિચારની અભિવ્યક્તિ પણ કરી શકવી શક્ય નહોતી.

પણ આ વરસની વાત જ જુદી હતી… પંડાલની કમાન અને પ્રવેશદ્વાર પાસે અત્તરનો ફુવારો તો રાખવો જ વળી… પૂજા પછી પ્રસાદમાં માને ધરાવવાનાં નૈવેદ્યમાં કઈ કઈ મીઠાઈ બનાવવાની એને માટે કેટરર્સને ૩થી ૪ વખત તો ઘરે બોલાવેલા પછી તો મેનુ ફિક્સ થયું.

પૂજા વખતનું બધાનું પણ એણે જ નક્કી કર્યું.

હા, મનમાં થોડા કચવાટ સાથે દુર્ગેશ્વરીએ પૂજામાં બોલાવેલા બ્રાહ્મણોને આપવાની દક્ષિણા માટે ધણીનું માન રાખ્યું ખરું..!

બધી તૈયારીઓ ચરમસીમા પર હતી. દીકરીની બહેનપણીઓ આંગણામાં રંગોળી પૂરી રહી હતી. પોતે સવારની પૂજાની થાળીમાં કોઈ ચીજ રહી ન જાય એની નજર નાખી રહી હતી.

ઘરનોકરાણી પ્રવેશદ્વાર માટે આસોપાલવનું તોરણ બનાવતી હતી. બોખા મોંની ખોલબંધ જોઈને ચકોર ગૃહિણીએ જરાક અણગમાથી નેણ સંકોચીને પૂછ્યું: ‘અલી..… કંઈ કહેવા જતાં મૂંગી થઈ ગઈ કે શું?” અને કેમ ભૈ… તારી વહુને હાથે મેંદી મેલી છે કે… એ કેમ ન આવી?, નોકરાણી થોડી થથરી ગઈ પછી આત્મસંવરણ કરતી હોય એમ કહેવા લાગી:

“વહુમા…! તમે તો જાણો છો, વહુ બેજીવ સોતી છે, હવે સવાર-સાંજમાં ખાટલો ઢાળશે કાં તો. આજ હવારથી ઈને ઠીક નથી. તીમાં પડોશીની બાઈને મોકલતી’તી દવાખાને. મારાથી તો અહીંથી કેમ કરીને નિહરાઈ…! તી હારુ કવ સુ કે… આ ઈવડી ઈ આવી’તી બાઈ… કંઈ ગઈ સે મુને કે દાક્તરે કીધું સે હુવાવાઈડ વહમી થાહે… ઠાવકું પાધરું નઈ ઊતરે. દાખલ કરી દેવાનું કીધું. હવે પેલા પરથમ તો રૂપિયા માગે… મારે ક્યાંથી કાઢવા…! વહુમા… જો તમે ઉપકાર કરેલ તો…,

વાતને અધવચ્ચેથી જ વેતરી નાખતી હોય એમ દુર્ગેશ્વરી તાડૂકી: ‘બસ… ગઈ ને જાત ઉપર… સા…! ઘરનો પ્રસંગ બગાડવાનું આ નાટક રે’વા દે… છાનીમાની કામ પૂરું કર,

નોકરાણીની આંગળીમાં સોય ખ…ચ…કરીને ઘૂસી ગઈ અને નીકળ્યું રાતુચોળ લોહી—જાણે દુર્ગાપૂજાનું કંકુ!!

(રેખાબા સરવૈયા)

(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)

સુવિચાર – ૨૩ ઑક્ટોબર ૨૦૨૫

૨૩ ઑક્ટોબર ૨૦૨૫

કબીરના મતે આધ્યાત્મિક ઉન્નતિ એટલે…

 

આગી આચિ સહના સુગમ, સુગમ ખડગ કી ધાર,

નેહ નિબાહન એક રસ, મહા કઠિન બ્યૌહાર.

 

આધ્યાત્મિક ઉન્નતિનો પથ મહાકઠિન છે. આ માર્ગે લપસી જવાય, થાકી જવાય, કંટાળી જવાય અને નાસીપાસ થવાય એવા અનેક વ્યવહારોમાંથી સાંગોપાંગ પાર ઊતરવું પડે છે. કબીરજી આ મુશ્કેલીનો અંદાજ આપતા કહે છે કે, આગની આંચ સહન કરવી સહેલી છે. ખડગની તેજ ધાર પર ચાલવું પણ સરળ છે.

પરંતુ આપણી દ્રષ્ટિએ સૌ ભેદ મિટાવી, સર્વ પ્રતિ સમભાવ, સમાદર અને પ્રેમ રાખવો તે કાર્ય ખરેખર મુશ્કેલ છે. ડગલે ને પગલે અહંકારના કારણે બીજાઓ પ્રત્યે પારકાનો ભાવ થાય. ધૃતરાષ્ટ્ર જેમ મામકાનો ભાવ આવી જ જાય. તેમાંથી બચીએ ત્યાં ઇચ્છાનું મોજું ઉભું થાય; તેમાં ડૂબવાથી બચીએ ત્યાં તો પ્રલોભન દેખાય. આજે આનંદ લૂંટી લઈએ તો કાલ કોણે જોયું તેની ચિંતાની ભાવના જન્મે.

ગાંધીજીની સલાહ હતી કે, આશ્રમવાસીએ સદાય જાગૃત રહી અગિયાર મહાવ્રતો પાળવા, કારણ કે તપ વિના વ્યક્તિત્વ વિકાસ શક્ય નથી. કબીરજીનો ઉપદેશ તો અકળ જગતના પદાર્થોને એક જ માનવાનો છે. આ સત્ય સમજાય તો આંખ જે જુએ, તેમાં તત્સત્ત્વનું દર્શન જ થાય.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પુતિનની દેખરેખમાં રશિયન સેનાએ કર્યો પરમાણુ અભ્યાસ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે જમીન, સમુદ્ર અને હવા આધારિત પરમાણુ શસ્ત્રોનો સમાવેશ કરતી કવાયતનું નિરીક્ષણ કર્યું હતું. આ કવાયતમાં મિસાઇલ ફાયરિંગનો સમાવેશ થતો હતો. આ કવાયત એવા સમયે થઈ હતી જ્યારે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી, અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પણ મુલતવી રાખવામાં આવી છે.

ત્રણેય રશિયન પરમાણુ શક્તિઓએ આ કવાયતમાં ભાગ લીધો હતો. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) એ જણાવ્યું હતું કે લાંબા અંતરની મિસાઇલ, યાર્સ, રશિયાના પેલેસેત્સ્ક લોન્ચ સ્ટેશનથી છોડવામાં આવી હતી. બીજી મિસાઇલ, સિનેવા, બેરેન્ટ્સ સમુદ્રમાં સબમરીનમાંથી છોડવામાં આવી હતી. રશિયન Tu-95 બોમ્બરોએ પણ લાંબા અંતરની ક્રુઝ મિસાઇલો છોડ્યા હતા.

કમાન્ડ સિસ્ટમ તૈયારીનું પરીક્ષણ

રશિયન સરકારે જણાવ્યું હતું કે આ કવાયત વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને કમાન્ડ સિસ્ટમની તૈયારી ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી. રશિયન જનરલ સ્ટાફના ચીફ જનરલ વેલેરી ગેરાસિમોવે વિડીયો કોલ દ્વારા પુતિનને જણાવ્યું હતું કે આ કવાયતનો હેતુ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવવાનો હતો.

ટ્રમ્પ-પુતિન મુલાકાત મુલતવી

પુતિને કહ્યું કે આ કવાયત પૂર્વનિર્ધારિત હતી, પરંતુ તે તે દિવસે થઈ જે દિવસે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ પુતિન સાથેની તેમની મુલાકાત રદ કરી રહ્યા છે, જે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં યોજાવાની હતી. ટ્રમ્પે કહ્યું કે જો બેઠકનું કોઈ પરિણામ નહીં આવે તો તે સમયનો બગાડ હશે.

સોમવારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લવરોવે જણાવ્યું હતું કે રશિયા હાલમાં યુક્રેનમાં યુદ્ધવિરામના પક્ષમાં નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે સમય બગાડવાનું ટાળવા માટે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત પહેલા સંપૂર્ણ તૈયારી કરવી જરૂરી છે.

પંચાંગ 23/10/2025