Home Blog Page 5014

‘ગૂગલ ફોટોઝ’ માં ખામી: તમારો પણ અંગત ડેટા લીક થયો હોઈ શકે

નવી દિલ્હી: શું તમે ગૂગલની ફોટોઝ એપ વાપરો છો? તો તમારા માટે માઠા સમાચાર છે. ગૂગલની ફોટો એપ ગૂગલ ફોટોઝમાં મોટી ખામી હોવાનું સામે આવ્યું છે. આ કારણે યૂઝર્સની પ્રાઈવેસીને મોટું નુકસાન પહોંચ્યું છે. ગૂગલની આ ખામીને લીધે તમારા ગૂગલ ફોટોઝમાં રાખેલો પર્સનલ વીડિયો અજાણ્યા લોકોને શેર થઈ ગયા છે. ગૂગલે કેટલાક લોકોનો ક્લાઉડ ડેટા અન્ય લોકોને આપી દીધો છે. શક્ય છે કે તેમાં તમારો પણ સમાવેશ થયો હોય. ગૂગલે આ માટે યૂઝર્સને એલર્ટ કરવાના પણ શરૂ કરી દીધું છે.

કંપનીએ કહ્યું કે, સોફ્ટવેરમાં આવેલા એક બગને કારણે કેટલાક યૂઝર્સના અંગત વીડિયો ઈમેલ મારફતે અજાણ્યા લોકોની પાસે પહોંચી ગયા છે. ગયા વર્ષે 21 નવેમ્બરથી 25 નવેમ્બરની વચ્ચે ગૂગલની ટેકઆઉટ સર્વિસમાં આ ખામી સર્જાઈ હતી. ગૂગલ ટેકઆઉટ સર્વિસનો ઉપયોગ યૂઝર્સ પોતાના ડેટા ડાઉનલોડ કરવા માટે કરે છે.

આ ખામીનો શિકાર એવા યૂઝર્સ થયા છે જેમણે પોતાની ગૂગલ ફોટોઝ એપમાં રહેલા ડેટાને એક્સપોર્ટ કરવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. ચાર દિવસ સુધી ગૂગલને પણ આ ખામી અંગે જાણકારી નહતી જેથી એક્સપોર્ટ ટૂલે અજાણ્યા યૂઝર્સના આર્કાઈવ્સમાં એ વિડિયો એડ કરી દીધા હતાં.

ગૂગલના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ખામીથી પ્રભાવિત બધા જ યૂઝર્સને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અમે આ ખામીની સુધારી લીધી છે અને આ સમગ્ર ઘટનાની યોગ્ય રીતે તપાસ ચાલી રહી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ખામી ન સર્જાય. આ બદલ અમે યૂઝર્સની માફી માંગીએ છીએ.

આ ટેક્નીકલ ખામીને લીધે કેટલા લોકોના અંગત વિડિયો અજાણ્યા લોકો પાસે પહોંચ્યા છે એ અંગે ગૂગલે કોઈ જાણકારી નથી પણ ગૂગલે કહ્યું છે કે, તેનાથી 0.01 ટકા કરતા પણ ઓછા યૂઝર્સ પ્રભાવિત થયા છે. મહત્વનું છે કે, વિશ્વભરમાં ગૂગલ ફોટોઝના 100 કરોડથી પણ વધુ યૂઝર્સ છે, જેથી 0.01 ટકાનો અર્થ છે કે, ખામીને કારણે લાખો યૂઝર્સના ડેટાને નુકસાન પહોંચ્યું છે.

ભારતીય સેનામાં ત્રણ વર્ષમાં સૈન્ય કમાન્ડઃ સૌથી મોટું પુનર્ગઠન

નવી દિલ્હીઃ આગામી ત્રણ વર્ષમાં ભારતીય સેનાના ઇતિહાસમાં સૌથી મોટું પુનર્ગઠન આર્મી, એરફોર્સ અને નેવીની કામગીરીને એકીકૃત કરવાવાળા સેના કમાન્ડસનું સંચાલન શરૂ કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળ્યા પછી સૌપ્રથમ વાર પોતાના સંબોધનમાં જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય સેનાની ત્રણ પાંખની સર્વિસિસને વિકસિત કરવામાં આવે, જેમાં તેમની આંતરિક ક્ષમતા, માલસામાન અને સૈનિકોને મિલિટરી કમાન્ડ્સ માટે એકીકૃત કરવી. તેમનો ઉદ્દેશ છે ખર્ચમાં ઘટાડો કરવો,  સૈનિકોની યોગ્ય રીતે ગોઠવણી કરવી અને સશસ્ત્ર દળો (ત્રણે પાંખ)ને એકજૂટ રૂપે લડાઈ લડે –એ માટે તૈયાર કરવાં.

ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) સ્ટાફને હાલ અંતિમ સ્વરૂપ નથી અપાયું. સીડીએસ તૈયાર થઈ રહેલા પ્રસ્તાવો જોઈ રહ્યું છે. જેથી તેમાં એક પશ્ચિમી થિયેટ કમાન્ડ, નોર્થન થિયેટ કમાન્ડ જે લદ્દાખથી લઈને નેપાળની સરહદને કવર કરશે અને જમ્મુ-કાશ્મીર માટે એક અલગ થિયેટ કમાન્ડનું ગઠન થશે.

પાકિસ્તાન અને ચીનને લગતી જમીનની સરહદોને કવર કરવાવાળી સિવાય ભારતની પાસે નેવી હેઠળ એક પેનિન્સુલા કમાન્ડ હશે. આ સાથે જ એર ડિફેન્સ હેઠળ એક એર ડિફેન્સ કમાન્ડ, સ્પેસ કમાન્ડ, વિવિધ સર્વિસ લોજિસ્ટિક અને તાલીમ કમાન્ડ પણ હશે. દરેક થિયેટ કમાન્ડમાં એક અભિન્ન એર ફોર્સ કમાન્ડ હશે અને તે આવશ્યકતાનુસાર વધારાના વિમાન તહેનાત કરી શકશે. સીડીએસે કહ્યું હતું કે સ્ટોક સંચાલન, હાલનો બધો શસ્ત્ર સરંજામ એક છત્ર હેઠળ એકીકૃત રહેવો જોઈએ અને એના નિયંત્રણ મુદ્દે સરળીકરણ થવું જોઈએ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણે પાંખના પ્રમુખોની વચ્ચે પ્રારંભિક ચર્ચા થઈ ચૂકી છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે નિયત સમયની અંદર કમાન્ડોને સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો તેમનો ઉદ્દેશ છે.

જનરલ રાવતે કહ્યું હતું કે ઉચ્ચ મૂલ્યવાળા સેના અધિગ્રહણ, જેમ નૌસેના માટે પ્રસ્તાવિત ત્રીજું વિમાનવાહક જહાજ-અર્થતંત્ર કેવી રીતે આગળ વધે છે, એના પર નિર્ભર કરે છે. નેવીએ ત્રીજા સ્વદેશી વિમાનવાહક જહાજની મંજૂરી આપવા માટે વર્ષો સુધી સરકારથી લડાઈ લડી છે, જે હાલમાં આઇએનએસ વિક્રમાદિત્ય અને આઇએનએસ વિક્રાંત, જેનું જલદી પરીક્ષણ શરૂ થવાનું છે- એ પૂરક હશે.

આ જ પ્રકારે ભારતીય એરફોર્સ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને લાગે છે કે ઉચ્ચ સર્વિસ પૂરી પાડવા માટે મોંઘાં લડાકુ વિમાનની ખરીદીને ઘટાડવી મહત્ત્વપૂર્ણ છે. દેશ 114 લડાકુ વિમાનોને અધિગ્રહણ કરવાની પ્રક્રિયામાં છે, જેને માટે વૈશ્વિક ટેન્ડર પહેલાં જ બહાર પાડવામાં આવ્યાં છે.

જનરલ રાવતે વિગતવાર સમજાવતાં કહ્યું કે મેઇનટેનન્સ સાઇકલને જુઓ તો ઓછા સમયમાં વધુ વિમાનો અધિગ્રહણ થાય તો એકસાથે તેમની જાળવણની જરૂર પડશે. એનો અર્થ એ થયો કે આમાંથી કેટલાય એકસાથે એક સમય માટે કમિશનની બહાર થી જશે.આ સિવાય એરફોર્સ માટે શ્રેણીબદ્ધ અધિગ્રહણની એક પ્રણાલીનો મતલબ થશે કે કમસે કમ કેટલાંક મહત્ત્વનાં સંસાધન જેવા કે લડાકુ વિમાન હેલિકોપ્ટર અને ડ્રોનના ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ હશે, જ્યારે અન્યની સર્વિસ કરવામાં આવી રહી હશે.

દેશમાં ગોળા-બારુદનું ઉત્પાદન

સેનાનો ખર્ચ ઘટાડવાનો અન્ય એક ઉપાય એ હશે કે ઉચ્ચ ગુણવત્તાવાળા ગોળા-બારુદનું દેશમાં ઉત્પાદન કરવામાં આવે. તેમણે સવાલ કર્યો હતો કે જો ગોળા-બારુદની ઉપયોગિતાનો યોગ્ય સમય 10 વર્ષ છે તો શું તમે એને 20 વર્ષ માટે સ્ટોક કરશો? એ જરૂરી છે કે જરૂરત વખતે ઝડપથી ગોળા-બારુદના ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવે.

પેન્શન ખર્ચમાં ઘટાડો કરવો

સૌથી દૂરગામી પ્રસ્તાવોમાં એક છે સશસ્ત્ર દળોના રૂ. 1.33 લાખ કરોડના પેન્શન બજેટમાં કાપ કરવાની આવશ્યકતાથી જોડાયેલી છે. જે  અધિકારી રેન્કના કર્મચારીને 58 વર્ષની વય સુધી નિયોજિત કરવામાં સક્ષમ કરશે. તેમણે કહ્યું હતું કે એક તૃતીયાંશ લોકો 58 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે છે, હાલમાં સશસ્ત્ર દળોના સૈનિકો 37-38 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે, જ્યારે અધિકારી સામાન્ય રીતે 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે. પેન્શનનું બજેટ બહુ વધુ છે. શું એ વધુ હોવું જોઈએ?

બિનજરૂરી વ્યયને ઘટાડવો એ પ્રાથમિકતા

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે પ્રાથમિકતાઓ જણાવતાં કહ્યું હતું કે તેઓ ખોટા વ્યયને કમસે કમ કરવાની કોશિશો કરશે. બિનજરૂરી પુરવઠો અને સ્ટોકિંગને અટકાવશે અને સંભવ હશે તો જનરેટર અને વાહનોના પુર્જાઓ જેવા સામાનોનું ઝીરો સ્ટોકિંગ તરફ વધશે, કેમ કે આવો માલસામાન બજારમાં સરળતાથી મળી રહેશે. તેમણે કહ્યું હતું કે સરપ્લસ માલસામાન અને કર્મચારીઓનું અસરકારક સંચાલન કરવાની તાતી જરૂર છે.

 

રાશિ ભવિષ્ય 06/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ તા. 06/02/2020

શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી: સેન્સેક્સ 41,000ને પાર

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. જાન્યુઆરી મેન્યુફેક્ચરિંગ PMI પછી સર્વિસિસ PMI પણ સાત વર્ષની ઊંચાઈ પહોંચતાં શેરબજારમાં તેજીનો માહોલ હતો. જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ ક્ષેત્ર સારા ડેટા આવતાં અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું હોવાના સંકેતો મળતાં તેજીવાળાઓ શેરોમાં લેવાલી ચાલુ રાખી હતી. અર્થતંત્ર રિકવર થતાં દેશનો આર્થિક વિકાસદર વધવાની ધારણાએ શેરોમાં તેજીની આગેકૂચ જળવાઈ રહી હતી. જેથી સેન્સેક્સે 41,000ની અતિ મહત્ત્વની સપાટી કુદાવી હતી અને નિફ્ટી 50 ઇન્ડેક્સે પણ 12,000ની મહત્ત્વની સપાટી કુદાવી હતી.

વૈશ્વિક બજારોની સાથે એશિયન બજારોમાં પણ તેજી થઈ હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 353.28 પોઇન્ટ ઊછળીને 41,142ને મથાળે બંધ રહ્યો હતો અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 110.60 પોઇન્ટ ઊછળીને 12,090ના મથાળે બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જના 11 મુખ્ય ઇન્ડેક્સો પૈકી 10માં તેજી થઈ હતી. રિલાયન્સ, ટીસીએસ, એરટેલ, એસબીઆઇ અને તાતા સ્ટીલની આગેવાનીએ મેટલ, બેન્ક, ફાઇનાન્શિયલ, ઓટો અને બેન્ક અને રિયલ્ટી શેરોમાં સારીએવી લેવાલીને પગલે ભારે તેજી થઈ હતી.રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા માટે એમપીસીની ત્રિદિવસીય બેઠક આવતી કાલે પૂરી થશે. જોકે બજારની ધારણા પ્રમાણે મોટા ભાગે આરબીઆઇ મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખે એવી ધારણા છે.

સ્થાનિક બજારોને તેજી થવામાં વૈશ્વિક શેરબજારોની મદદ મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધારો આગળ વધ્યો હતો. મેટલ ઇન્ડેકસ ત્રણ ટકા વધ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1181 પોઇન્ટ વધ્યો હતો.છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 428 પોઇન્ટ વધ્યો હતો અને સેન્સેક્સ 1,407 પોઇન્ટ ઊછળ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 21 શેરો, એનએસઇ 50માંથી 34 શેરો અને બેન્ક નિફ્ટીમાંના 12માંથી 10 શેરોમાં તેજી થઈ હતી.

 

 

ગુજરાતમાં 49973 આયુષ પ્રેક્ટીશનરો છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે.

ગુજરાતમાં 49,973 આયુષ પ્રેક્ટિશનરોમાં સૌથી વધુ 26,716 આયુર્વેદની પ્રેક્ટિસ કરે છે, અન્ય 22, 930 હોમિયોપથી પ્રેક્ટિશનર છે અને 327 યુનાની પ્રેક્ટિશનર છે. દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ આયુષ પ્રેક્ટિશનરની નોંધણીમાં ગુજરાત પાંચમા સ્થાને છે, જ્યારે મહારાષ્ટ્ર 1.53 લાખ અને બિહાર 1.36 લાખ પ્રેક્ટિશનરો સાથે પહેલા અને બીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલી 64 આયુષ હોસ્પિટલોમાં 42 આયુર્વેદ હોસ્પિટલો છે. જ્યારે ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાં અડધાથી પણ વધુ 2316 હોસ્પિટલો ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી છે.

સાંસદ પરિમલ નથવાણી જાણવા માંગતા હતા કે સમગ્ર દેશમાં અને રાજ્યવાર કુલ કેટલા તબીબો આયુર્વેદ, હોમિયોપથી, યુનાની, સિદ્ધા અને નેચરોપથીની આયુષ પ્રેક્ટિસ કરે છે અને કેટલી આયુષ હોસ્પિટલો આવેલી છે. આયુષની સ્વાસ્થ્યસંભાળની સુવિધાઓને સમાજના મુખ્યપ્રવાહ સાથે જોડવામાં સરકારે કેવા પગલાં લીધા છે એ અંગે પણ નથવાણીએ પૃચ્છા કરી હતી. પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ મુજબ, આયુષ દ્વારા પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રેહાબિલિટેટિવ સેવાઓ સર્વગ્રાહી રીતે પૂરી પાડવામાં આવે છે. આ નીતિ સુનિશ્ચિત કરે છે કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતાં સ્થળો પર આયુષની સારવાર મળી રહે. આયુર્વેદિક દવાઓના ધોરણો નિશ્ચિત કરવા અને તેને માન્યતા આપવા તથા આયુષની ઔષધિઓનું અસરકારક ક્વોલિટી કંટ્રોલ કરવાની જરૂરિયાતને પણ સ્વાસ્થ્ય નીતિ સ્વીકારે છે. સ્થાનિક લોકોને સાંકળીને ટકી શકે એવી જીવનનિર્વાહ પદ્ધતિને વિકસાવવા માટે અને ઔષધીય વનસ્પતિના સ્થાનિક-ઔદ્યોગિકથી લઈને બજાર સુધીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા પર સ્વાસ્થ્ય નીતિ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઔષધીય વનસ્પતિની પદ્ધતિસરની ખેતીને બળવત્તર બનાવવા માટે પણ આ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે.

શાહીનબાગમાં બુરખો પહેરીને વિડીયો બનાવતી યુવતી પકડાઇ

નવી દિલ્હીઃ શાહીનબાગમાં બુધવારના રોજ એક બિનમુસ્લિમ યુવતીએ બુરખો પહેરીને વિડીયો બનાવ્યો તે મામલે  વાતાવરણ તંગ બન્યું હતું. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ યુવતીને ઘેરી લીધી હતી. પોલીસે કોઈપણ રીતે ત્યાં વચ્ચે જઈને યુવતીને પ્રદર્શનકર્તાઓ વચ્ચેથી બહાર કાઢી હતી. પાછળથી બહાર આવ્યું કે, વિડીયો બનાવી રહેલી યુવતી ગુંજા કપૂર છે. પોલીસે ગુંજા કપૂરની અટકાયત કરી છે.

ગુંજા કપૂર યૂ-ટ્યૂબ પર પોતાના વિડીયોને લઈને ખૂબ પ્રસિદ્ધ રહી છે. આટલું જ નહી પરંતુ વડાપ્રધાન મોદી પણ ટ્વીટર પર તેમને ફોલો કરે છે.

પ્રદર્શન કરી રહેલા લોકોનો આરોપ હતો કે ગુંજા કપૂર ભાજપના ઈશારા પર બુરખો પહેરીને પ્રદર્શનનો વિડીયો બનાવી રહી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં શાહીનબાગમાં ઉપસ્થિત પ્રદર્શનકારી મહિલાએ ગુંજનને ઘેરીને બેઠી છે અને તેમને પ્રશ્નો પૂછી રહી છે.

આ ઘટનાનો અન્ય એક વિડીયો પણ વાયરલ છે. જેમાં શાહીનબાગમાં ઉપસ્થિત ભીડ મહિલા પર તૂટી પડતી હોય તેવું કંઈક દેખાઈ રહ્યું છે. પોલીસ આમાં મહિલાનો બચાવ કરવા માટે વચ્ચે આવે છે, પરંતુ લોકો તેમનો વિરોધ કરે છે. બાદમાં પોલીસ ગુંજન કપૂરને કોઈપણ પ્રકારે બચાવીને લોકો વચ્ચેથી અલગ લઈ જાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંજા કપૂર ત્યાં ખૂબ વધારે પ્રશ્નો પૂછવા લાગી અને તેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોને શંકા ગઈ અને મહિલાઓએ તેમને પકડી લીધા. બાદમાં બુરખો દૂર કરીને તે લોકોએ તપાસ કરી તો કેમેરો મળી આવ્યો અને બાદમાં ત્યાં ઉપસ્થિત લોકોએ ગુંજા કપૂરને ઘેરી લીધા.પોલીસ તરત જ ત્યાં પહોંચી અને તેમને ત્યાંથી બચાવીને લઈ ગઈ.

ઉત્પાદન પછી હવે સર્વિસિસ PMI પણ વધીને સાત વર્ષની ઊંચાઈએ

નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી જાહેર થઈ રહેલા આંકડા એ વાતની પુષ્ટિ કરે છે કે દેશનું અર્થતંત્ર મંદીની ગર્તામાંથી બહાર નીકળીને ધીમે-ધીમે પાટે ચઢી રહ્યું છે અને આર્થિક ક્ષેત્રે વ્યાપેલી સુસ્તી ધીમે-ધીમે દૂર થઈ રહી છે. મંગળવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આંકડા સકારાત્મક આવ્યા હતા. હવે સર્વિસિસ ક્ષેત્રે જાહેર થયેલા આંકડા પણ પ્રોત્સાહક આવ્યા છે. જાન્યુઆરીમાં માગ મજબૂત રહેતાં સર્વિસિસ ક્ષેત્રની કામગીરીમાં ઉછાળો આવ્યો હતો અને સર્વિસિસ PMI સાત વર્ષના ઊંચાઈએ પહોંચ્યા હતા.

નવા ઓર્ડર્સમાં નોંધપાત્ર વધારો

દેશમાં વેપાર ક્ષેત્રે નવા ઓર્ડર્સમાં વધારો, સાનુકૂળ બજાર વાતાવરણ અને વેપારીઓનું માનસ સકારાત્મક રહેવાને કારણે કામકાજમાં તેજી જોવા મળી હતી. આઇએચએસ માર્કિટ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ (સર્વિસિસ પીએમઆઇ) જાન્યુઆરીમાં 56.3ના સ્તરે આવ્યો હતો, જ્યારે ડિસેમ્બરમાં એ 53.3ના સ્તરે હતો. એ 2013થી 2020ના ગાળામાં સર્વિસિસ PMI  સૌથી ઊંચા સ્તરે હતો.બજારોમાં ગ્રાહકલક્ષી માગ વધવાથી વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેથી વેપારીઓની આવકમાં પણ વધારો નોંધાયો હતો. આમ માગ વધતાં સર્વિસ પ્રોવાઇડરોએ પણ ક્ષમતામાં વધારો કર્યો હતો, જેથી રોજગારમાં પણ વધારો થયો હતો. વર્ષ 2012 પછી આ રોજગારી સર્જનનો વધારો એવા સમયે થયો હતો, જ્યારે વિશ્વ બજારોમાં સ્લોડાઉન ચાલી રહ્યું છે.

જાન્યુઆરીમાં કોમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ ડિસેમ્બરના 53.7થી વધીને 56.3 નોંધાયો હતો. જાન્યુઆરીના ડેટા દર્શાવે છે કે ખાનગી ક્ષેત્રની કામગીરીમાં વધારો થયો હતો, ખાસ કરીને એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ ક્ષેત્ર વિસ્તૃત પાયે કામકાજમાં વધારો થયો હતો. ખાસ કરીને છેક 2013ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઉત્પાદકો અને સર્વિસ પ્રોવાઇડરોના નવા બિઝનેસમાં  જાન્યુઆરી 2020માં નોંધપાત્ર વધારો થતાં કુલ સરેરાશ વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.

ડિફેન્સ એક્સપોમાં વડાપ્રધાને કહ્યુંઃ વોર-ફેર નહીં, પણ વેલફેર

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ડિફેન્સ એક્સપો શરુ થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. સુરક્ષાના યંત્રો બનાવવા સાથે જોડાયેલા વ્યાપારીઓએ આ ચાર દિવસીય એક્સપોમાં 70 થી વધારે દેશોની 1028 કંપનીઓ પોતાના ઉત્પાદનો અને ટેકનિકોનું પ્રદર્શન કરી રહી છે. આમાં 856 ભારતીય અને વિદેશી કંપનીઓ છે. આ ચાર દિવસીય આયોજનમાં 39 દેશોના રક્ષામંત્રીઓ પણ આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતની આત્મ નિર્ભરતાનું એક અન્ય મહત્વપૂર્ણ પહેલુ છે, આપણા પર માનવતાને પણ સુરક્ષિત રાખવાની જવાબદારી છે. પોતાની સાથે પાડોશી મિત્ર દેશોને પણ સુરક્ષા આપવાની જવાબદારી આપણા પર છે. આપણા પર સુરક્ષા સાથે જોડાયેલા તમામ પડકારો છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને લઈને આપણો વિચાર કોઈ બીજા દેશ વિરુદ્ધ નથી. ભારત હંમેશાથી વિશ્વશાંતિનું વિશ્વાસપાત્ર ભાગીદાર રહ્યું છે. ભારત દુનિયાનું એક પ્રમુખ એરોસ્પેસ રિપેર અને ઓવરહાઉલ હબ બનવાની ક્ષમતા રાખે છે. ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં અઢળક શક્યતાઓ રહેલી છે. અહીંયા ટેલેન્ટ છે અને ટેક્નોલોજી પણ છે. અહીંયા ઈનોવેશન પણ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે આઈડીઈએએક્સના વિચારને વેગ આપવા માટે 200 નવા સ્ટાર્ટ-અપનું લક્ષ્ય રાખ્યું છે. આપણે પહેલ અંતર્ગત ઓછામાં ઓછી 50 નવી ટેક્નિકનું ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સીવાય, સ્વદેશીકરણને વેગ આપવા માટે સહયોગી શૈક્ષણિક સંશોધન માટે ડીઆરડીઓમાં કામ ચાલુ છે.

ભારત દુનિયાનો એક પ્રમુખ એરોસ્પેસ રિપેર એન્ડ હબ બનવાની ક્ષમતા રાખે છે. ભારત અંતરિક્ષમાં પણ પોતાના હિતોને સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી ક્ષમતાની શોધ કરી રહ્યું છે. અંતરિક્ષમાં ભારતની ઉપસ્થિતિ મજબૂત રહી છે અને આગામી વર્ષોમાં આને વધારે મજબૂત કરવામાં આવશે. જે લોકો અર્થવ્યવસ્થા અને ડિફેન્સને સમજે છે, તે લોકો જાણે છે કે, ભારત માત્ર એક બજાર નથી પરંતુ એક મોટો અવસર પણ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે આગલા પાંચ વર્ષોમાં 1500 થી વધારે ડિફેન્સ ક્ષેત્રમાં એમએસએમઈએસની સંખ્યા લેવા ઈચ્છીએ છીએ. વર્ષ 2018ના ડિફેન્સ એક્સપોમાં, આઈડીઈએએક્સ (ડિસેન્ટ્રલાઈઝ્ડ એથેરિયમ એસેટ એક્સચેન્જ) શરુ કરવામાં આવ્યું હતું. ભારતીય ડિફેન્સ ઓર્ગેનાઈઝેશનના સ્ટાર્ટ અપ, એમએસએમઈ, વ્યક્તિગત ઈનોવેટરોને જોડવા માટે જરુરી ઈકોસિસ્ટમનું નિર્માણનું લક્ષ્ય હતું. સ્પેસ ટેક્નિકના મામલે ભારતની રુચી વોર-ફેર માટે નહી પરંતુ વેલફેર માટે છે. મને ગૌરવ છે કે આ મામલે ભારતે સ્વદેશી ટેક્નોલોજીનો વિકાસ કર્યો છે. આજે ઈસરો ભારત માટે, આખી દુનિયા માટે, આઉટર સ્પોસને એક્સપ્લોર કરી રહ્યું છે, તો ભારતનું ડીઆરડીઓ આ એસેટ્સને ખોટી તાકાતોથી બચાવવા માટે ડિફેન્સની દિવાલ ઉભી કરી રહ્યું છે.

ડિફેન્સ એક્સપો 2020: તસવીરી ઝલક…

ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 11માં ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું. મોદીએ કહ્યું- ભારત માત્ર એક બજાર નથી. ભારત સમગ્ર વિશ્વ માટે તક પણ છે. આ ડિફેન્સ એક્સપો વિશ્વનો ભારત પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે.

પીએમ મોદીના હસ્તે ઉદઘાટનની સાથે 11માં ડિફેન્સ એક્સપોની શરૂઆત થઈ ગઈ છે.. 5થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ મેળામાં 70 દેશોની વેપન્સ બનાવનારી 172 અને ભારતની 857 કંપનીઓ ભાગ લેશે.

એશિયાના આ સૌથી મોટા રક્ષા પ્રદર્શનમાં 40 દેશોના રક્ષામંત્રી ભાગ લેશે.

એક્સ્પોની થીમ ‘ભારત એક ઊભરતું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ’ રખાઈ છે. તેમાં અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને નોર્વે સહિત અનેક દેશોના સૈન્ય ઉપકરણો બનાવતી કંપનીઓ સામેલ છે.

એક્સપોમાં દસો એવિએશન પ્રથમ વખત તિરંગના નિશાન વાળું રાફેલ લડાકૂ વિમાન રજૂ કરશે.

અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન પણ એફ-35 લાઈટનિંગ સેકન્ડને પ્રથમ વખત વિશ્વને બતાવશે. અમેરિકા આ લડાકૂ વિમાન ભારતને વેચવા માંગે છે.

વૃંદાવન મેદાનમાં લાગ્યો હથિયારોનો મેળો

આવાસ વિકાસ વિભાગના વૃંદાવન મેદાનમાં એશિયાનો સૌથી મોટો વેપન્સ મેળો લાગ્યો છે.

ભૂમિદળના હથિયારોમાં પિનાક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર અને ધનુષ તોપ સિવાય ઈન્ટીગ્રેટેડ મલ્ટીફંક્શન સાઈટ, સ્મોલ આર્મ્સ એડવાન્સ્ડ હોલોગ્રાફિક સાઈટ, આઈ સેફ લેઝર, નાઈટ વિઝન ડિવાઈસિસ, બોર્ડર સર્વેલાન્સ સિસ્ટમ, લેઝર આર્ડિનન્સ ડિસ્પોઝલ સિસ્ટમ, લેઝર ડેઝલર્સ, ઓપ્ટિકલ ટારગેટ લોકેટર અને એક્સપ્લોસિવ ડિટેક્ટરને બતાવવામાં આવશે.

ભારતમાં નાની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓએ પણ નોંધણી કરાવી છે. આ એક્સ્પોમાં 54 દેશ સાથે એમઓયુ સાઈન થવાની આશા છે. ઈઝરાયેલે સૌથી મોટું 20 લોકોનું પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. આશરે રૂ. 20 હજાર કરોડનું રોકાણ થવાની આશા વ્યક્ત કરાઈ છે.

આ દરમિયાન ફાઈટર જેટ્સ-સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર ફાઈટર પ્લેન,ચિનૂક અને ચીતા હેલીકોપ્ટર પણ લખનૌ એરપોર્ટ પરથી ઉડાન ભરશે.

એક્સપો 5થી 7 ફેબ્રુઆરી સુધી આમંત્રિત લોકો માટે ખુલ્લો રહેશે. જ્યારે અંતિમ 2 દિવસ 8 અને 9 ફેબ્રુઆરીએ તેને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

5થી 9 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ ડિફેન્સ એક્સપોમાં 19 ટેકનિકલ અને વ્યાવસાયિક સેમિનાર આયોજિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.