Home Blog Page 5003

એક્ઝિટ પોલ એટલે પોલંપોલઃ ભાજપનો દાવો દિલ્હીમાં જીતનો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ શનિવારે સામે આવેલાં લગભગ બધા જ એક્ઝિટ પોલના પરિણામો એકસૂરમાં કહેતા હતા કે દિલ્હીમાં કેજરીવાલની હેટટ્રિક થશે, પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં સરકાર  બનાવવા પર કાયમ છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ પણ એક્ઝિટ પોલનાં પરિણોમો નકારતાં જીતવાનો દાવો કર્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે આપને 30-32 વધુ સીટો પ્રાપ્ત નહીં થાય,જ્યારે ભાજપને 36થી 38 સીટો મળશે. ભાજપના નેતાઓનું અનુમાન છે કે કોંગ્રેસને એક-બે સીટ મળશે. 

ભાજપના નેતાઓનો તર્કવિતર્ક

એક્ઝિટ પોલના પરિણામોને નકારતાં ભાજપના કેટલાય  નેતા અનેક તર્ક વિતર્ક આપી રહ્યા છે. તેઓ મતદાન યોજવાના ટાઇમિંગ અને સેમ્પલ સાઇઝને લઈને તર્ક કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સગઠનનના મહામંત્રી બી.એલ. સંતોષે એક્ઝિટ પોલને મુદ્દે સવાલ ઊભા કર્યા હતા. તેમનું માનવું હતું કે આમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેક્ટર્સ સામેલ નહોતા. તેમાં સૌથી મોટું કારણ તેમણે છેલ્લા બે કલાકમાં આશરે 17 ટકા મતદાન થયું હતું. જેને એકઝિટ પોલમાં સામેલ નહોતું કરવામાં આવ્યું.  

ભાજપની લહેરઃ મનોજ તિવારી

દિલ્હી ભાજપ એકમના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી કહે છે દિવસભર જેટલા પણ મથકોએ તેઓ ગયા હતા, ત્યારે ત્યાં ભાજપની લહેર જોવા મળી હતી.  તેમને માહિતી મળી હતી કે મતદાન કેન્દ્રોએ 50 ટકાથી વધુ લોકોએ ભાજપના ટેબલ પરથી મતદાનની સ્લિપ લીધી હતી. તેમના જણાવ્યા મુજબ ભાજપ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં પણ પહેલાથી સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે મારી સિકસ્થ સેન્સ કહે છે, ભાજપને 50 કરતાં વધુ બેઠકો મળશે.

 

 

કનૈયા કુમારની ગાડી પર વિરોધ કરી રહેલા લોકોએ હુમલો કર્યો

જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના કાફલા પર ઈંડા અને મોબિલ ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, કનૈયા કુમાર રવિવારના રોજ પોતાની જન ગણ મન યાત્રા પર જુમઈ પહોંચ્યા હતા અને એક સભાને સંબોધન કર્યું હતું. બાદમાં જુમઈ પરિસદનમાં રાત્રી રોકાણ બાદ કનૈયા કુમારનો કાફલો આગળ વધ્યો હતો. તે જ્યારે મહિસૌરી બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા લોકોએ કનૈયા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના કાફલા પર મોબિલ ઓઈલ ફેંક્યું હતું.

આ દરમિયાન કનૈયા કુમારના સમર્થકો અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તેમના સમર્થકો અને મીડિયાકર્મચારીઓ વચ્ચે પણ આ દરમિયાન બોલાચાલી થઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને કનૈયા કુમારના કાફલાને આગળ વધાર્યો હતો. જો કે આ ઘટનામાં કનૈયા કુમારને કોઈ હાની કે ઈજા થઈ નથી.

આ પહેલા સાત ફેબ્રુઆરીના રોજ કટિહારમાં કનૈયા કુમારના કાફલા પર ચંપલ ફેંકવામાં આવ્યા હતા અને સુપૌલ જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકો કનૈયા કુમારના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.

હવે એક રૂપિયાની નવી નોટઃ રંગ-ડિઝાઇન નક્કી

નવી દિલ્હીઃકેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક રૂપિયાની કરન્સી નોટ જારી કરવાની છે. આ એક રૂપિયાની નવીનક્કોર નોટ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવશે. જોકે નોટબંધ પછી બાકી નોટ પણ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવી હતી.  આ નવી એક રૂપિયાની નોટમાં સૌથી ઉપર ભારત સરકાર લખેલું હશે, જ્યારે અન્ય નોટો પર ઉપરથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે. નોટમાં નાણાં મંત્રાયલના સચિવ અતનુ ચક્રવર્તીના હસ્તાક્ષર હશે. અન્ય નોટોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે.

આ નવી એક રૂપિયાની નોટમાં સત્યમેવ જયતે, નંબરિંગ પેનલમાં કેપિટલ ઇનસેટ લેટર ‘એલ’ હશે. નોટમાં પહેલા ત્રણ અલ્ફાન્યુમરિક આકારમાં હશે. નોટમાં પ્રતીકરૂપે અનાજની ડિઝાઇન હશે, જે દેશનમા કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવશે. કરન્સી નોટનો રંગ ગુલાબી હશે. નોટનું કદ 97 X 6.3  સેમી હશે. નોટના કેન્દ્રમાં સત્યમેવ જયતે લખેલું હશે. એક રૂપિયાના મૂલ્યવર્ગની નોટોમાં મલ્ટિ ટોનલ વોટરમાર્ક હશે.

 

 

 

અનામત મુદ્દે સરકાર ફરી ફસાઈઃ કોર્ટના ચુકાદાનું શું કરવું?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત મુદ્દે ઉત્તરાખંડ હાઈ કોર્ટનો નિર્ણય ફેરવી તોળ્યો છે. જેના પર ફરી રાજકારણ ગરમાયું છે. વિપક્ષી કોંગ્રેસની સાથે-સાથે એનડીએ સરકારમાં સામેલ એલજેપી અને જેડીયુ જેવા પક્ષો પણ સરકારને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફેરવી તોળવા માગ કરી રહ્યા છે. આ મુદ્દે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. બે વર્ષ પહેલાં પણ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના બદલાવથી સરકારે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો?

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઇ કોર્ટના આદેશને કાઢી નાખ્યો હતો, જેમાં કહ્યું હતું કે રાજ્ય સરકારને કહેવામાં આવ્યું હતું કે રાજ્ય પ્રમોશનમાં અનામત આપવાના આંકડા એકત્ર કરે. હાઇકોર્ટે રાજ્ય સરકારને એ માલૂમ કરવા કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીના લોકોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહીં, જેથી પ્રમોશનમાં અનામત આપી શકાય. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ રાજ્ય સરકારને અનામત આપવાનો નિર્દેશ જારી ના કરી શકે. સુપ્રીમે કહ્યું કે રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપવા માટે બંધાયેલી નથી.

અનામત મૌલિક અધિકાર છે?

કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે અનામત મુદ્દો સરકારોને આધીનના હોવો જોઈએ. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે સરકારી પદો પર એસસી-એસટી લોકોની નિમણૂક સરકારોની મરજીથી ના હોવી જોઈએ.

ભાજપ-આરએસએસ અનામતની વિરુદ્ધમાં રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કરતાં કહ્યું હતું કે  ભાજપ અને આરએસએસ પરઅનામત આપવાની વિરુદ્ધમાં છે. ભાજપ અને આરએસએસની વિચારધારા અનામત આપવાની વિરુદ્ધ છે. તેઓ ક્યારેય ઇચ્છતા નથી કે એસસી-એસટીની પ્રગતિની થાય. તેઓ સંસ્થાગત માળખાને તોડી રહ્યા છે.

U-19 વર્લ્ડ કપઃ બાંગ્લાદેશી ખેલાડીઓના બેહુદા વર્તનની ICCએ ગંભીર નોંધ લીધી

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા) – ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમના મેનેજર અનિલ પટેલે કહ્યું છે કે રવિવારે અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચ બાદ વિજેતા બનેલા બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે કરેલા બેહુદા આક્રમક વર્તનની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ગંભીર નોંધ લીધી છે. તેના અધિકારીઓ મેચની અંતિમ મિનિટોના વિડિયો ફૂટેજની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ફાઈનલ મેચમાં ભારત ઉપર 3-વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓ એકદમ આનંદમાં આવી ગયા હતા અને બેફામ બની ગયા હતા. ભારતીય ખેલાડીઓ સાથે થયેલા ઝઘડા બદલ બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ માફી માગી છે જ્યારે ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓનો પ્રતિસાદ ‘ગંદો’ હતો.

અનિલ પટેલે ઈએસપીએનક્રિકઈન્ફોને જણાવ્યું હતું કે મેદાન પર એ મિનિટોમાં ખરેખર શું બન્યું હતું એની અમને કશી જાણ નથી. જોકે દરેક જણને આઘાત લાગ્યો છે. ICC અધિકારીઓ એ અંતિમ મિનિટોનું ફૂટેજ જોવાના છે અને બાદમાં અમને જણાવશે.

મેચ ચાલુ હતી ત્યારે પણ બાંગ્લાદેશના ખેલાડીઓ ફિલ્ડિંગ કરતી વખતે વધારે પડતા આક્રમક રહ્યા હતા. એનો ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામ દરેક બોલ ફેંક્યા બાદ ભારતીય બેટ્સમેનોને (સ્લેજિંગ કરતો હતો) અપશબ્દો બોલતો હતો.

મેચ જેવી પૂરી થઈ કે તરત જ બાંગ્લાદેશના ખેલાડીઓ મેદાનમાં દોડી ગયા હતા અને ભારતીય ખેલાડીઓ સામે એમની બોડી લેંગ્વેજ (વર્તન) ખરાબ હતી. બંને ટીમના ખેલાડીઓ મારામારી પર આવી ગયા હતા, પણ કોચિંગ સ્ટાફના સભ્યો તથા મેદાન પરના અધિકારીઓએ તંગદિલી દૂર કરી હતી.

અનિલ પટેલનો દાવો છે કે મેચ રેફરી ગ્રેમ લેબ્રોય પોતાને મળ્યા હતા અને મેદાન પરની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એમણે સ્પષ્ટતા કરી હતી કે આઈસીસી સંસ્થા એ ઘટનાને ઘણી જ ગંભીરતાથી લેવાની છે. તેઓ એ ઘટનાનું ફૂટેજ જોશે અને બાદમાં અમને જણાવશે.

BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને 4,050 કરોડ

મુંબઈ તા. 10 ફેબ્રુઆરી, 2020 : બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે ટર્નઓવર 4,050 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.4,050.61 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, “ મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

શાહીનબાગ મામલે સુપ્રીમ કોર્ટઃ રસ્તો રોકવો યોગ્ય નથી

નવી દિલ્હી :નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગત અંદાજે 50 દિવસોથી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર આજે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આજે સુનવણી દરમિયાન કહ્યું કે, સાર્વજનિક જગ્યા પર અનંત કાળ માટે વિરોધ કરવામાં ન આવી શકે. કોર્ટે એમ પણ ટકોર કરી કે, શુ તમે સાર્વજનિક જગ્યાઓને કેવી રીતે ઘેરી શકો છો. મામલા પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે અને આગામી સુનવણી 17 ફેબ્રુઆરીના રોજ થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે ક્યારેય પણ આટલા લાંબા સમય સુધી રસ્તા રોકીને બેસો તે યોગ્ય નથી. તમારે પ્રદર્શન માટે કોઈ અલગ જગ્યા પસંદ કરવી જોઈએ. જોકે, કોર્ટે આજે પ્રદર્શનકારીઓને હટાવવાનો કોઈ આદેશ આપ્યો નથી. કોર્ટે કહ્યું કે, આ મામલામાં તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. આજે કોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટમાં શાહીન બાગને લઈને સુનવણી થઈ હતી. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે.

આ પહેલા ગત શુક્રવારે શીર્ષ અદાલતે આ અરજી પર સુનવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે આ પરેશાનીથી પરિચિત છીએ, પણ આજે સુનવણી નહી થાય. આ મામલાની સુનવણી સોમવારે થશે. હકીકતમાં, 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મતદાનને પગલે સુનવણી ટાળી દેવાઈ હતી. સાથે જે કોર્ટે કહ્યું કે, જોઈએ છીએ કે આ સમસ્યાનુ કેવી રીતે સમાધાન નીકળી શકે છે.

મુંબઈનું અગ્નિશામક દળ હાઈટેક થશે, રોબોટ બુઝાવશે આગ

મુંબઈ – મહાનગર મુંબઈ શહેર તથા ઉપનગરોમાં હવે ગલીએ ગલીએ બહુમાળી રહેણાંક ઈમારતો બંધાવા લાગી છે. જ્યાં જુઓ ત્યાં ગગનચૂંબી ઈમારતો બંધાઈ છે અથવા બંધાઈ રહી છે ત્યારે એ માટે રહેવાસીઓની સુરક્ષાનાં પગલાં ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આવી ગગનચૂંબી ઈમારતોમાં જ્યારે આગ લાગે છે ત્યારે આગને બુઝાવવામાં અગ્નિશામક દળના જવાનોને ભારે મુશ્કેલી પડતી હોય છે.

માત્ર આગ લાગે ત્યારે જ નહીં, પરંતુ પૂર આવે ત્યારે કે લિફ્ટ ખોરવાઈ જાય એવી ઘટનાઓ વખતે પણ ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવે છે. આવી અનેક કામગીરીઓ બજાવતી વખતે અગ્નિશામક દળ ઉપર તાણ આવી પડે છે. આને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના ફાયર બ્રિગેડ વિભાગને હાઈટેક કરવાનો નિર્ણય લીધો છે.

મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ હાલમાં જ એમનું પ્રથમ સિવિક બજેટ મહાનગરપાલિકા ગૃહમાં રજૂ કર્યું હતું. એમાં તેમણે ફાયર બ્રિગેડ વિભાગના વિકાસ માટે રૂ. 135.16 કરોડના ભંડોળની ફાળવણીની જાહેરાત કરી હતી.

છેલ્લા સાત વર્ષમાં મુંબઈમાં આગ લાગવાની દુર્ઘટનાઓમાં 386 જણે જાન ગુમાવ્યા હતા.

આ સાત વર્ષ દરમિયાન મુંબઈમાં આગની કુલ 13,226 ઘટનાઓ બની હતી. એમાં 1,498 જણ ઘાયલ પણ થયા હતા. 2019ની સાલમાં મુંબઈમાં આગની દુર્ઘટનાઓમાં 28 જણનાં મરણ નિપજ્યા હતા. 2018માં એ સંખ્યા 52 હતી.

આગની ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર બ્રિગેડ વિભાગે તેના કાફલામાં એક રોબોટનો પણ સમાવેશ કર્યો છે.

આગ રોકવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ મદદરૂપ થશે. મુંબઈમાં 24 વિભાગોમાં સ્વતંત્ર અગ્નિ સુરક્ષા પાલન કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

અગ્નિશામક દળના મુખ્યાલયમાં અત્યાર હાલ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ કાર્યરત છે. તદુપરાંત જીપીએસ સિસ્ટમ આધારિત ઓટોમેટિક અનુસરણ પદ્ધતિ કાર્યરત કરવામાં આવી છે. હવે અગ્નિશામક દળમાં ડિચિટલ મોબાઈલ રેડિયો સિસ્ટમ પણ લાગુ કરવામાં આવનાર છે. તે ઉપરાંત આગ બુઝાવવા માટે દળમાં એક રોબોટ પણ તહેનાત કરવામાં આવનાર છે. તે ઉપરાંત 64 મીટરથી વધારે ઊંચી ટર્ન લેડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ, ડ્રોન અને ક્વિક રીસ્પોન્સ વેહિકલનો પણ સમાવેશ કરવામાં આવશે.

પાકિસ્તાનમાં લોટ અને ખાંડના ભાવ 70 રુપિયાને પાર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓનો અંત જ નથી આવતો. દેશમાં લોટની ભારે તંગી વચ્ચે હવે પાકિસ્તાનમાં ખાંડની કિંમતો આકાશ આંબી રહી છે. રોજીંદા જીવનનિર્વાહ માટે અત્યંત જરૂરી લોટ અને ખાંડની વધતી જતી કિંમતોને પગલે હવે ઈમરાન ખાને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. ઈમરાન ખાને લોટ અને ખાંડની કિંમતોની વધતી કિંમતોની તપાસ કરીને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ મામલે ઈમરાન ખાને ટ્વીટ કર્યું છે.

લોટ અને ખાંડની વધતી જતી કિંમતોને પગલે હવે પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે, એક સામાન્ય રોટીની કિંમત 12થી 15 રૂપિયા થઈ ગઈ છે. ઈમરાન સરકારના 15 મહિનાના કાર્યકાળમાં ખાંડની જથ્થાબંધ કિંમતો હવે 74 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. બજાર નિષ્ણાંતોના મતે આગામી સપ્તાહ સુધીમાં ખાંડની કિંમતો 80 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જશે. તો બીજી તરફ પાકિસ્તાનના મોટા શહેરો કરાચી, હૈદરાબાદ અને લાહૌરમાં લોટની કિંમતો 70 રુપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.

ખાંડની વધતી કિંમતો છતાં ઈમરાન સરકારે હજુ સુધી નિકાસ પર પ્રતિબંધ નથી લગાવ્યો. જેથી હવે એવી આશંકા ઉભી થઈ છે કે, જો નિકાસ પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો ખાંડની કિંમત પ્રતિ કિલો 100 રુપિયા થઈ શકે છે. મહત્વનું છે કે, અગાઉ પરવેઝ મુશર્રફના કાર્યકાળમાં ખાંડની કિંમતો 105 રુપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.

લોટ અને ખાંડ પછી હવે પાકિસ્તાનમાં ગેસની કિંમતોમાં પણ 5 ટકાની વૃદ્ધિ થવા જઈ રહી છે. લોટની અછત પૂરી કરવા પાકિસ્તાન સરકારે ત્રણ લાખ ટન ઘંઉની આયાત કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં લોટની અછતની શરુઆત ગયા મહિને ખૈબર પુખ્તુનખ્વા પ્રાંત અને સિંધથી થઈ હતી. પેટ્રોલની કિંમતોનો વિરોધને પગલે ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. જેથી સિંધમાં લોટની સપ્લાઈ અટકી ગઈ હતી.

ટ્રમ્પની મુલાકાત પૂર્વે સુરક્ષા અને સજાવટની તૈયારીઓ

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને તોડી વિશાળ અને સુંદર બનાવવાની કામગીરી પૂર્ણ થવાના આરે છે. અત્યારે મોટેરા સ્ટેડિયમ પરિસરમાં તમામ એજન્સીઓ, કર્મચારીઓ, કારીગરો દ્વારા એકદમ ઝડપી કામ થઇ રહ્યુ છે. સ્ટેડિયમની તૈયારીને આખરી ઓપની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લીધે વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે.

શહેરના સાબરમતીથી મોટેરા સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર સમારકામ અને નવીનીકરણ એકદમ તેજ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ ગાંધીનગર થી મોટેરા ગામ વિસ્તાર તરફ આવતા તમામ માર્ગો નવા બનાવી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમ તરફ જતા માર્ગોની વચ્ચે આવેલા ડિવાઇડરનું સમારકામ તેમજ જાળીઓ લગાવવામાં આવી રહી છે. ભારતના વડા પ્રધાન તેમજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં આવવાના હોવાથી અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવી દેવામાં આવી છે.

સ્ટેડિયમ પરિસરમાં તેમજ બહારના ભાગમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે જ દેશ અને બહારની સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા મજબુત બનાવવા માટે અત્યારથી જ ખાનગી તેમજ સરકારી તંત્ર કામે લાગી ગયુ છે. એક તરફ સ્ટેડિયમની નજીક થી પસાર થતી મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ મોદી – ટ્રમ્પ મોટેરામાં આવવાના હોવાથી આખોય વિસ્તાર સરકારી તંત્રની ઝડપી અને વિવિધ કાર્યવાહીથી ધમધમી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)