ટ્રમ્પની મુલાકાત પૂર્વે સુરક્ષા અને સજાવટની તૈયારીઓ

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને તોડી વિશાળ અને સુંદર બનાવવાની કામગીરી પૂર્ણ થવાના આરે છે. અત્યારે મોટેરા સ્ટેડિયમ પરિસરમાં તમામ એજન્સીઓ, કર્મચારીઓ, કારીગરો દ્વારા એકદમ ઝડપી કામ થઇ રહ્યુ છે. સ્ટેડિયમની તૈયારીને આખરી ઓપની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લીધે વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે.

શહેરના સાબરમતીથી મોટેરા સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર સમારકામ અને નવીનીકરણ એકદમ તેજ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ ગાંધીનગર થી મોટેરા ગામ વિસ્તાર તરફ આવતા તમામ માર્ગો નવા બનાવી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમ તરફ જતા માર્ગોની વચ્ચે આવેલા ડિવાઇડરનું સમારકામ તેમજ જાળીઓ લગાવવામાં આવી રહી છે. ભારતના વડા પ્રધાન તેમજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં આવવાના હોવાથી અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવી દેવામાં આવી છે.

સ્ટેડિયમ પરિસરમાં તેમજ બહારના ભાગમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે જ દેશ અને બહારની સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા મજબુત બનાવવા માટે અત્યારથી જ ખાનગી તેમજ સરકારી તંત્ર કામે લાગી ગયુ છે. એક તરફ સ્ટેડિયમની નજીક થી પસાર થતી મેટ્રો લાઇનનું કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ મોદી – ટ્રમ્પ મોટેરામાં આવવાના હોવાથી આખોય વિસ્તાર સરકારી તંત્રની ઝડપી અને વિવિધ કાર્યવાહીથી ધમધમી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)