નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષિતો આપવામાં આવનારી ફાંસી માત્ર સાડા બાર કલાક પહેલા જ ફરી એકવાર ટળી ગઈ છે. નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોમાંના એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પડતર હોવાથી પટિયાલા હાઉસ કોર્ટે ચારેયની ફાંસી પર આગલા આદેશ સુધી રોક લગાવી દીધી છે.
આજે જ સુપ્રીમ કોર્ટે પવનની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. સાથે જ પટિયાલા હાઉસ કોર્ટે પણ ડેથ વોરંટ પર રોક લગાવવાની અક્ષય અને પવનની અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન પવને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી હતી. પરંતુ ચારેયની ફાંસી ફરી એકવાર ટળી છે. આ ત્રીજીવાર છે જ્યારે નિર્ભયાના દોષિતોની ફાંસી ટળી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પવન ગુપ્તાની દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે તમામ જરૂરી ટેબલો પરથી ફગાવવાની ભલામણો સાથે રાષ્ટ્રપતિ કાર્યાલય પહોંચી છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ગૃહમંત્રાલયને ભલામણ કરી છે કે દયા અરજી ફગાવવામાં આવવી જોઈએ.
ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે, રાષ્ટ્રપતિ દયા અરજી ફગાવે. રાષ્ટ્રપતિ છત્તીસગઢના પ્રવાસેથી રાષ્ટ્રપતિ ભવન પાછા ફરી ચુક્યા છે. હવે રાષ્ટ્રપતિના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ હાલ નિર્ભયાના દોષિતો વિરૂદ્ધ ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવી છે.
ક્રાઈસ્ટચર્ચઃ અહીં હેગ્લે ઓવલ મેદાન પરની બીજી અને શ્રેણીની આખરી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 7-વિકેટથી હરાવીને ન્યૂઝીલેન્ડે ભારતનો 2-0થી વ્હાઈટવોશ કરી નાખ્યો.
આજે મેચના ત્રીજા દિવસે સવારના સત્રમાં ભારતને તેના બીજા દાવમાં 124 રનના મામુલી સ્કોર પર આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડે જીત માટે 132 રનનો ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લઈને બીજી ટેસ્ટ પણ જીતી લીધી હતી. બંને ઓપનર – ટોમ લેથમ (52) અને ટોમ બ્લન્ડેલ (55)ની હાફ-સેન્ચૂરીઓ અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે થયેલી 103 રનની ભાગીદારી કારણે ગૃહ ટીમનો વિજય આસાન બન્યો હતો. કેન વિલિયમ્સન પાંચ રન કરીને આઉટ થયો હતો. આ 3 વિકેટમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 2 અને અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 1 વિકેટ લીધી હતી. રોસ ટેલર અને હેન્રી નિકોલ્સ નોટઆઉટ રહ્યા હતા.
અગાઉ, ભારતે 6 વિકેટે 90 રનનો તેનો અધૂરો દાવ આજે આગળ વધાર્યો હતો, પણ એના બેટ્સમેનો કિવી બોલરોનો લાંબો સમય સુધી સામનો કરી શક્યા નહોતા. તેઓ વધુ માત્ર 34 રન જ કરી શક્યા હતા.
ભારતે પહેલા દાવમાં 242 રન કર્યા હતા અને એના જવાબમાં ન્યૂઝીલેન્ડે તેના પહેલા દાવમાં 235 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડના કાઈલ જેમીસનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ટીમ સાઉથીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. જેમીસને પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી. બેટિંગમાં, એણે પહેલા દાવમાં 9મા ક્રમે આવીને 49 રન કર્યા હતા. બીજા દાવમાં એની બેટિંગ આવી નહોતી. ફાસ્ટ બોલર ટીમ સાઉથીએ બે ટેસ્ટ મેચમાં કુલ 14 વિકેટ લીધી હતી.
પાંચ મેચોની ટ્વેન્ટી-20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઈટવોશ કર્યો હતો, પણ ત્યારબાદ પ્રવાસની બાકીની પાંચેય મેચમાં ભારતનો પરાજય થયો. એમાં વન-ડે શ્રેણીની 3 મેચ અને ટેસ્ટ શ્રેણીની બે મેચનો સમાવેશ થાય છે.
વ્હાઈટવોશ થયો તે છતાં વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 360 પોઈન્ટ્સ સાથે હજી પણ ટોપ પર છે. ન્યૂઝીલેન્ડ 180 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
કોહલીની કબૂલાત અને ગુસ્સો…
મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વિરાટ કોહલીના બે જુદા જુદા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. એણે એક વાતે કબૂલ કર્યું હતું કે એની ટીમે કેટલીક ભૂલો કરી હતી અને તે ન્યૂઝીલેન્ડને ભારે પડી જાય એવી ફાઈટ આપી નહોતી. અમે આ પ્રવાસમાંથી કોઈ બહાના લઈને જવાના નથી, પણ કંઈક શીખીને જઈશું અને ભવિષ્યમાં અમારી રમતમાં સુધારો લાવીશું.
પરંતુ આ જ કોહલી એક પત્રકારે પૂછેલા એક સવાલથી ભડકી ગયો હતો. પત્રકારે એને પૂછ્યું હતું કે ‘વિરાટ, મેદાન પરના તારા વર્તન વિશે તારું શું કહેવું છે, જ્યારે તેં (કેન) વિલિયમ્સન આઉટ થયો હતો ત્યારે એને અને દર્શકોને ગાળો દીધી હતી. તને નથી લાગતું કે તું કેપ્ટન છો એટલે તારે મેદાન પર સારું વર્તન કરીને સારો દાખલો બેસાડવો જોઈએ?’
આ સવાલ સાંભળીને કોહલી ભડકી ગયો હતો અને કહ્યું: ‘હું તમને જવાબમાં સામું પૂછું છું. ખરેખર શું બન્યું હતું એ તમારે શોધી કાઢવાની જરૂર છે અને પછી આવીને આના કરતા સારો સવાલ પૂછજો. મેં મેચ રેફરી સાથે વાત કરી છે તમારે તમારું અધકચરું જ્ઞાન અહીંયા બતાવવું ન જોઈએ. અને જો તમારે વિવાદ ઊભો કરવો હોય તો આ યોગ્ય સ્થળ નથી. થેંક્યૂ.’
એ ઘટના મેચના બીજા દિવસે બની હતી. જ્યારે જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડના બીજા દાવમાં વિલિયમ્સનને આઉટ કર્યો હતો અને કોહલીએ આનંદમાં આવીને અમુક મસ્તીભર્યા ચેનચાળા કર્યા હતા. કોહલીએ દર્શકો તરફ જોઈને આંગળીથી ઈશારો કર્યો હતો કે તમે ચૂપ બેસો.
ઉલ્લેખનીય છે કે મેચ રેફરી રંજન મદુગલેને પણ એ ઘટના વિશે કંઈ વાંધાજનક જણાયું નથી.
કેન વિલિયમ્સને પણ એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં એ ઘટનાને મહત્ત્વ આપ્યું નહોતું અને કહ્યું હતું કે એ તો વિરાટની આગવી સ્ટાઈલ છે, એ ખૂબ જ લાગણી સાથે રમતો હોય છે. આપણે એમાં વધારે ઊંડા ઉતરવાની કે પિંજણ કરવાની કોઈ જરૂર નથી.
અમદાવાદઃ ભારત આખામાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી.રમનની રમન ઈફેક્ટની શોધના માનમાં આ દિવસને ઉજવવામાં આવે છે. સી.વી.રમનને તેમની આ શોધના કારણે 1930 માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું કે જે કોઈ ભારતીયને મળેલું પ્રથમ નોબેલ પ્રાઈઝ હતું.
ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા પણ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આના ભાગરુપે રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના 350 જેટલા વિદ્યાર્થીઓએ 28 વર્કિંગ મોડલ્સ, 27 નોન-વર્કિંગ મોડલ્સ, 36 જેટલી હેલ્ધી ફૂડ આઈટમ્સ, 28 પોસ્ટર્સ, 24 ઓર્ગેનિક રંગોળી અને 32 જેટલા સાયટૂન્સ રજૂ કરી સાયન્સ-ડેની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી ભાજપના મોવડી મંડળમાં પણ આંતરિક ચર્ચા ચાલું થઈ છે. ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી હોય તેવો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે. હકીકતમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર નિશાન તાકીને કહ્યું કે, હું એકલો છું ને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
પાટીદાર સમાજના કાર્યક્રમના મંચ પરથી નાયબ મુખ્યમંત્રીએ એવો સંદેશો વહેતો કર્યો કે, મને એકલો પાડવામાં આવી રહ્યો છે. પૂછી લો,આ બધાને. રોજ પેપર અને ટીવીમાં જોતા હશો કે,બધા એક બાજુને, હું એકલો છું. પણ મા ઉમિયાના આર્શિવાદથી હું અહીં છું. પાટીદારનું લોહી છું. તેમણે એમ પણ કહ્યું કે, ઘણાં લોકોને હું ગમતો નથી. મને ભૂલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ હું કોઇને ભુલતો નથી. જ્યાં પહોચ્યો છું તે એમ ને એમ નથી પહોચ્યો. જોકે, પટેલ પરોક્ષ રૂપે કોને ચેતવણી આપી રહ્યા હતા એ તો સ્પષ્ટ નથી થયું પણ એક વાત ચોક્કસ છે કે, ગુજરાત સરકારમાં નંબર બે નેતા નીતિન પટેલ એક વખત ફરી નારાજ છે.
મહત્વનું છે, કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અનેક અવસરો પર નીતિન પટેલની નારાજગીના સમાચારો આવતા રહે છે ઉપરાંત કેટલાક સરકારી કાર્યક્રમોમાંથી તેમનું નામ અને ફોટા નહીં હોવાના પણ અનેક ઉદાહરણો છે. 2017માં ચૂંટણી જીત્યા પછી મંત્રીમંડળના શપથ ગ્રહણ પછી નાણામંત્રાલય નહીં મળ્યા પછી નીતિન પટેલ બે-ત્રણ દિવસ સુધી સચિવાલય તેમના કાર્યલય ખાતે ગયા નહતા.
મૂળ ઉત્તર ગુજરાતના વતની નીતિન પટેલની પાટીદાર સમુદાયમાં જબરજસ્ત પકડ હોવાનું માનવામાં આવે છે. મહેસાણામાં અજય હોવાનું મનાતા પટેલ છેલ્લા અનેક દાયકાથી રાજકારણમાં સક્રિય છે. સંઘની શાખાથી લઈને ભાજપ સરકારમાં સતત મંત્રી પદ સંભાળતા આવ્યા છે.
કાબુલઃ અમેરિકા-તાલિબાન વચ્ચે 29 ફેબ્રુઆરીના રોજ થયેલી સમજૂતી બાદ હવે અફઘાન સરકારનો વારો છે. હકીકતમાં સમજૂતી અનુસાર અફઘાન સરકારને દસ દીવસની અંદર તાલિબાન સાથે વાર્તા શરુ કરવાની છે. પરંતુ અત્યારસુધી આ વાર્તામાં જોડાનારા નેતાઓની એક ટીમ તૈયાર થઈ શકી નથી. તો અફઘાનિસ્તાનના એક સમાચાર પત્રમાં આ વાર્તા પહેલા જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને ચીફ એક્ઝિક્યૂટિવ અબ્દુલ્લાહ વચ્ચે મતભેદ પેદા થઈ ગયા છે. આ મતભેદ વાર્તાની ટીમના સભ્યોને લઈને છે. અબ્દુલ્લાહ સપ્ટેમ્બર 2014 થી ફેબ્રુઆરી 2020 સુધી અફઘાનિસ્તાનની યૂનિટી સરકારના ચીફ એક્ઝિક્યૂટિવ હતા.
હકીકતમાં 10 માર્ચના રોજ થનારી આ વાર્તા માટે રાષ્ટ્રપતિ ગની ઈચ્છે છે કે ટીમમાં આઠ જેટલા સભ્ય હોય. જો આનાથી વધારે સભ્યો આમાં જોડાયા તો દળની અંદર બીજું એક દળ બની જશે. તેમનું એપણ કહેવું છે કે આવનારા પાંચ દિવસની અંદર આ કામને પૂરું કરી લેવું જોઈએ. તેમના અનુસાર આ ટીમના ગઠનની કવાયત એકબીજા સાથે વાતચીતથી શરુ કરી દેવી જોઈએ. તો અબ્દુલ્લાહે ગની પર સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો કે, રાષ્ટ્રપતિ શાંતિ વાર્તામાં પોતાની વાત મનાવવા ઈચ્છે છે એટલા માટે આ પ્રક્રિયામાં એકાધિકાર બનાવી રાખવા ઈચ્છે છે. તેમણે એપણ કહ્યું કે, આ વિચારના કારણે કોઈ અફઘાન નેતા દોહામાં અફઘાનિસ્તાનની શાંતિને લઈને થયેલી સમજૂતીમાં જોડાયા નહોતા.
આટલું જ નહી પરંતુ અબ્દુલ્લાહનું એપણ કહેવું છે કે, અફઘાનિસ્તાન સરકારનું એક સીક્રેટ ડેલિગેશન સતત તાલિબાનના સંપર્કમાં છે. પ્રાપ્ત વિગતો અનુસર અફઘાની નેતાઓ એપણ માને છે કે, તાલિબાન સાથે વાર્તાને લઈને સરકારની અંદર મતભેદ છે, પરંતુ આ મતભેદ સમય રહેતા ખતમ થઈ જશે. હાઈ પીસ કાઉન્સિલ સચિવાલયના પૂર્વ પ્રમુખ અકરમ ખાપુલવાક પણ માને છે કે અત્યારે વિદેશો અને આંતરિક દબાણ ખૂબ વધારે છે. તેમને વિશ્વાસ છે કે સરકાર તાલિબાન સાથે કોઈ સમજૂતિ સુધી જરુર પહોંચશે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે તાલિબાન સાથે થનારી વાર્તા પહેલા રાષ્ટ્રપતિ ગનીના એ નિવદને રાજનૈતિક ધરતિકંપ લાવી દીધો છે જેમાં તેમણે કહ્યું કે, વાર્તા પહેલા સરકાર કોઈ તાલિબાની કેદીને નહી છોડે. તેમના અનુસાર આ સમજૂતિમાં સમાવિષ્ઠ નથી. આટલું જ નહી તેમણે એપણ કહ્યું કે તાલિબાન કેદીઓની મુક્તિનો મુદ્દો વાર્તાનો ભાગ તો બની શકે છે પરંતુ આને વાર્તા માટે શરત તરીકે મંજૂર નહી કરવામાં આવે. સમજૂતિ અનુસાર અફઘાન સરકાર 5000 કેદીઓને મુક્ત કરશે જ્યારે તાલિબાન 1000 એફઘાન કેદીઓને પણ મુક્ત કરશે.
‘નવાં નવાં પરિવર્તન લાવીને ટુરિસ્ટોને આકર્ષતા રહેવું જોઈએ’… આ શબ્દો છે HRH ગ્રુપ ઑફ હોટેલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શ્રીજી અરવિંદસિંહ મેવાડના, જે ખાનગી માલિકીની હોય એવી સૌથી મોટી અને એકમાત્ર હેરિટેજ પેલેસ-હોટેલ્સ અને રિસોર્ટ્સ ચેન ધરાવે છે.
માણેક ચોક-સિટી પેલેસ
અમે શાહી લગ્ન સમારંભોના પ્રણેતા છીએ: ઉદયપુરે ભારતમાં એનો ટ્રેન્ડ સ્થાપ્યો છે એવું HRH ગ્રુપ ઑફ હોટેલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શ્રીજી અરવિંદસિંહ મેવાડનું કહેવું છે.
શ્રીજી અરવિંદસિંહ મેવાડ
‘HRH ગ્રુપ ઑફ હોટેલ્સ શાહી લગ્ન સમારંભોનું પ્રણેતા છે. એણે ઉદયપુરને લોકોનું સૌથી વધુ માનીતું વેડિંગ ડેસ્ટિનેશન બનાવ્યું છે. આ હકીકત સંતોષજનક તો છે જ, છતાં આજના અનુભવાત્મક પર્યટનના જમાનામાં સંતોષ માનીને ન બેસી રહેવાય. આજે તો નવા ટ્રેન્ડ્સ સ્થાપી શકે એવાં અવનવાં ટુરિસ્ટ પ્રોડક્ટ્સ લાવવાની જરૂર છે.’ આ શબ્દો છે ઉદયપુરના શ્રીજી અરવિંદસિંહ મેવાડના, જે HRH ગ્રુપ ઑફ હોટેલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. આ ગ્રુપ ભારતની ખાનગી માલિકીની હોય એવી સૌથી મોટી અને એકમાત્ર હેરિટેજ પેલેસ-હોટેલ્સ અને રિસોર્ટ્સની ચેઈન ધરાવે છે.
ઉદયપુરને દેશ સાથે જોડતી એર અને રોડ કનેક્ટિવિટી બહેતર બની એને કારણે આ હેરિટેજ સિટીમાં હાઈ-પ્રોફાઈલ વેડિંગ્સનાં આયોજનો શક્ય બની શક્યાં એ હકીકત સમજાવતાં શ્રીજી અરવિંદસિંહ મેવાડ કહે છે: ‘શહેરને વેડિંગ ડેસ્ટિનેશનમાં પરિવર્તિત કરવાના અમારા દાયકાથી ચાલતા પ્રયાસો આખરે ફળ્યા. બહુ ઓછા લોકો એ વાત માની શકશે કે ઉદયપુર ઍરપોર્ટમાં ૨૦૦૫ કે ૨૦૦૭માં આવા ઈવેન્ટ્સ માટે આવેલાં ખાનગી વિમાનોના પાર્કિંગ માટેની પૂરતી સુવિધા પણ નહોતી.’
ઝનાના મહલ-સિટી પેલેસ
HRH ગ્રુપ ઑફ હોટેલ્સ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે જે સ્થળો પૂરાં પાડે છે એ અનોખાં છે, અધિકૃત છે અને એમાં રજવાડી અતીતનો રોમાન્સ જળવાયેલો છે. ઝનાના મહલ, માણેક ચોક, શિવ નિવાસ પેલેસ પુલ ડેક અને ભવ્ય જગમંદિર આઈલૅન્ડ પેલેસ જેવાં સ્થળો શાહી ઠાઠમાઠથી લગ્ન, સંગીતસંધ્યા અને રિસેપ્શન જેવા સમારંભો યોજવા માટેનાં આદર્શ સ્થળો છે. અહીંની સાજસજાવટ, ખાણીપીણી અને મનોરંજનના અન્ય વિકલ્પો અમર્યાદિત છે.
HRH ગ્રુપ ઑફ હોટલ્સની વિશિષ્ટતા વિશે શ્રીજી કહે છે: ‘અમારા ગેસ્ટ્સ રાજાઓનાં મૂળ મહાલયોનો અનુભવ કરી શકે છે એ જ અમારી વિશિષ્ટતા છે. અમારાં પેલેસ-હોટેલ્સ અને અભયારણ્ય-રિસોર્ટ્સ આખા રાજસ્થાનમાં ફેલાયેલાં છે. અમે રજવાડી અનુભવ માટે આઈલૅન્ડ પેલેસ, ડેઝર્ટ સફારી અને વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુઅરીઝ વગેરે ઑફર કરીએ છીએ. દાખલા તરીકે ઉદયપુરનો શિવ નિવાસ પેલેસ એક ગ્રાન્ડ હેરિટેજ પેલેસ તરીકે વર્ગીકૃત થયેલો છે. જગમંદિર આઈલૅન્ડ પેલેસ અને ગજનેર પેલેસ (બિકાનેર) અદ્વિતીય ગણાતી હેરિટેજ હોટલ્સ છે. આ ઉપરાંત, ઉદયપુરની શિકારબાડી અને ગાર્ડન હોટેલ, કુંભલગઢની અવધિ હોટેલ, રાણકપુરના ફતેહબાગ ને જેસલમેરના ગોરબંધ પેલેસ તથા બિકાનેરના કરણી ભવન પેલેસ અમારા HRH ગ્રુપ ઑફ હોટેલ્સના રોયલ રીટ્રીટ્સ છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા દરેક ગેસ્ટ એવો અનુભવ કરે કે જાણે એ શાહી પરિવારના જ ગેસ્ટ છે. અમે અમારી પ્રોપર્ટીઝને ઈન્નોવેટ કરવાની સાથેસાથે અમારા ઐતિહાસિક અતીતના સ્પિરિટને પણ જાળવીએ છીએ.’
તાજ ગ્રુપ ઑફ હોટેલ્સ સાથેના કરારને કારણે તાજેતરમાં જ ફતેહ પ્રકાશ પેલેસ તાજ ફતેહ પ્રકાશ પેલેસ બન્યો છે. શ્રીજીના કહેવા મુજબ ૧૯૭૧માં તાજ લેક પેલેસ સાથે તાજ ગ્રુપ સંકળાયું ત્યારથી એમનો પરિવાર તાજ ગ્રુપ સાથે સંબંધો ધરાવે છે. શ્રીજી માને છે કે પર્યટનમાં જે તે સ્થળનો સાંસ્કૃતિક મિજાજ જળવાવો જોઈએ. એમનું કહેવું છે કે સિંગાપોર, બેંગકોક, દુબઈ અને પેરિસ જેવા દરેક શહેરમાં આપણા આખા દેશ કરતાં વધુ પર્યટકો જાય છે. આથી આપણે આપણી નાનકડી સિદ્ધિથી સંતોષ માનીને બેસી ન રહેવું જોઈએ.
ફિલ્મો સાથેનો નાતો
(ડાબે) ઓક્ટોપસી, (જમણે) ગાઈડ
ઉદયપુરમાં વર્ષોથી અંગ્રેજી, હિંદી અને પ્રાદેશિક ફિલ્મોના શૂટિંગ થતાં આવ્યાં છે. છેક ૧૯૨૯માં હિમાંશુ રાયે એમની ‘અ થ્રો ઑફ ડાઈસ’ ફિલ્મનું શૂટિંગ ઉદયપુરમાં કરેલું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે. ૧૯૬૦માં બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ગાઈડ’ તથા ‘મેરા સાયા’ અને ‘જલમહાલ’માં પણ ઉદયપુર ચમક્યું હતું. ૧૯૮૨-૮૩માં જેમ્સ બોન્ડ સિરિઝની ફિલ્મ ‘ઑક્ટોપસી’ને કારણે ઉદયપુર વિશ્વના નકશા પર મુકાયું હતું. ૨૦૦૧માં સુભાષ ઘાઈની ‘યાદેં’ તથા ૨૦૧૩માં ‘યે જવાની હૈ દીવાની’માં પણ ઉદયપુરનો માહોલ સરસ રીતે કેપ્ચર થયો હતો. હવે રોયલ વેડિંગનો કન્સેપ્ટ આવ્યો છે. ૨૦૧૫માં સૂરજ બડજાત્યાની ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મ તથા ઈમ્તિયાઝ અલીની ‘લવ આજકલ 2’માં પણ ઉદયપુરનો માહોલ કેપ્ચર થયો હતો.
(આ લેખ ‘ચિત્રલેખા’ના ‘વેડિંગ સ્પેશિયલ-૨૦૨૦’ અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે)
ગાંધીનગર: ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. પહેલા સુરત અને હવે કચ્છમાં જે રીતે દારૂપાર્ટીના વિડિયો સામે આવ્યા છે તેને લઈ ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.
દારૂ મુદ્દે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસ દારુબંધી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમાં પ્રશ્નોતરી દરમ્યાન રાજ્યમાં દારુબંધીની સ્થિતિ પર ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી બુટલેગરો, દારુના અડ્ડાઓ અંગેની 9081 ફરિયાદો પોલીસને મળી છે. સૌથી વધુ અમાદાવાદમાં 4984 પોલીસ ફરિયાદ નોંધાઈ તો બીજી નંબરે સુરતમાં 1980 ફરીયાદો નોંધાઈ. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલમાં આ આંકડાઓ સામે આવ્યા છે.
મહત્વનું છે કે, મુદ્રાના કાંડાગરા ગામમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવાનો દારૂની બોટલ સાથે ગરબે ઝુમી રહ્યાં છે. આ તરફ ભરૂચમાં શહેરની વચ્ચે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઇન્દિરાનગર વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે. આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, દારૂબંધીના કાયદાની મોટી વાતો વચ્ચે દારૂની નદી વહી રહી છે. તો કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ઉપરથી લઈ નીચે સુધી હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ કરીને દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું ગણાવ્યું. કોંગ્રેસના પ્રહારો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. અને સરકાર દારૂબંધીના અમલ માટે મક્કમ છે એમ પણ કહ્યું હતુ.
કરાંચીઃ આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવામાં અમેરિકાની મદદ કરવાવાળો ડોક્ટર જેલમાં ભૂખ હડતાળ પર બેઠો છે. આફ્રિદીના નકલી ટીકાકરણ કાર્યક્રમથી અમેરિકાને વર્ષ 2011માં લાદેનને મારવામાં મદદ મળી હતી. ત્યાર બાદ શકિલ જેલમાં છે. આફ્રિદીના ભાઈ જમિલ આફ્રિદીએ મધ્ય પંજાબ પ્રાંતની જેલમાં આફ્રિદીને મળ્યા પછી એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું શકિલ પોતાના અને પોતાના પરિવારની સાથે થઈ રહેલા અન્યાય અને અમાનવીય વલણનો વિરોધ કરી રહ્યો છે.
આતંકવાદીઓથી સંબંધ રાખવા બદલ જેલ
આફ્રિદીના વકીલ કમર નદીમે પણ ભૂખ હડતાળની પુષ્ટિ કરી છે. આંતકવાદીઓથી સંબંધ રાખવાના ગુનામાં મે, 2012માં આફ્રિદીને 33 વર્ષ માટે જેલમાં નાખી દીધો છે. તેણે હંમેશાં આ આરોપો નકાર્યા હતા, ત્યાર બાદ સજામાં 10 વર્ષ ઓછા કરી દેવામાં આવ્યા.
બદલા લેવા માટે કાર્યવાહીઃ અમેરિકી સંસદસભ્ય
કેટલાક અમેરિકન સંસદસભ્યોનું માનવું છે કે આફ્રિદીએ લાદેનને મારવામાં મદદ કરી હતી. તેનાથી બદલો લેવા માટે આતંકવાદીઓથી સંબંધ રાખવાનો આરોપ લગાડવામાં આવ્યો અને સજા કરવામાં આવી. 2011માં લાદેનની હત્યા પાકિસ્તાને અને વિશેષરૂપે તેમની સેના માટે શરમજનક બાબાત ગણાય. વર્ષોથી આફ્રિદીને તેના વકીલથી મળવાની અનુમતિ નથી. તેમના પરિવારે પણ વર્ષોથી અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવાની ફરિયાદ કરી છે.
ટ્રમ્પના નિવેદને પાકિસ્તાનમાં તરખાટ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી સભા દરમ્યાન કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનને આફ્રિદીને છોડવા માટે કહેશે પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે આ વિશે મૌન સાધી લીધું. ટ્રમ્પે આ નિવેદને પાકિસ્તાનમાં હડકંપ મચાવ્યો હતો. દેશના એ વખતના ગૃહપ્રધાને કહ્યું હતું કે આફ્રિદીના ભવિષ્યનો નિર્ણય પાકિસ્તાની સરકાર કરશે, ટ્રમ્પ નહીં.
NGO પર લાલ આંખ
હાલના વર્ષોમાં પાકિસ્તાની અધિકારીઓએ બિનલાભકારી સંસ્થાઓ(NGOs) પર લાલ આંખ કરતાં તેમને દેશ છોડીને જવા મજબૂર કરી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આફ્રિદીનો મામલો સામે આવ્યા પછી પાકિસ્તાનને જાસૂસીના ડરે આ પગલું ભર્યું છે.
નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના વાયરસના બે નવા કેસની જાણકારી આપી છે. દિલ્હી અને તેલંગાણામાં એક-એક મામલાની પુષ્ટી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંન્નેની સ્થિતિ સ્થિર છે અને તેમના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. દેશમાં કુલ મામલાઓની સંખ્યા 5 થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંન્ને પૈકી એક તાજેતરમાં જ ઈટલીથી પરત આવ્યો હતો. જ્યારે એક યૂએઈથી પાછો આવ્યો છે. આ પહેલા કેરળમાં ત્રણ કેસની પુષ્ટી થઈ હતી. ત્રણેય લોકો ચીનથી પાછા આવ્યા હતા. જો ત્રણેય લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં આનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ આ વાયરસ 60 થી વધારે દેશોમાં ફેલાઈ ગયો છે. આખા વિશ્વમાં કોરોના વાયરસના કારણે 3000 થી વધારે લોકોના મોત થયા છે. ચીનમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1912 પર પહોંચી ગઈ છે. તો 80,026 દર્દીઓની સંખ્યા પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચીન બાદ દક્ષિણ કોરિયામાં સૌથી વધારે પ્રકોપ કોરોના વાયરસનો દેખાયો છે. અત્યારસુધી અહીંયા દર્દીઓની સંખ્યા 4,335 થઈ ગઈ છે. જર્મનીમાં આજે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 129 થી વધીને 150 પર પહોંચી ગઈ છે.
નવી દિલ્હી: ઇઝરાયલમાં ફરી એક વાર ચૂંટણી થશે. આ પહેલાં પાછલા બે વર્ષમાં બે વાર ચૂંટણી થઈ ચૂકી છે. આ ત્રીજી વાર ચૂંટણી યોજવામાં આવી રહી છે અને જો ત્રાજી વાર પણ સ્પષ્ટ બહુમતી નહીં મળી તો વધુ એક ચૂંટણી. જોકે એ ચૂંટણીઓ રાજકારણનો અવરોધ દૂર કરવામાં વિફળ રહી હતી. ઇઝરાયલની સાથે ભારતના સારા સંબંધ છે. નરેન્દ્ર મોદી સૌપ્રથમ ભારતીય વડા પ્રધાન છે, જેમણે પહેલી વાર ઇઝરાયલની મુલાકાત લીધી હોય. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુની સાથે તેમની મિત્રતા જગજાહેર છે. હાલ રાજકીય રીતે ભારત સ્થિર છે અને ઇઝરાયેલ અસ્થિર છે. જો નેતાન્યાહૂની જગ્યાએ બીજા કોઈ વડા પ્રધાન આવ્યા તો એ જોવું રસપ્રદ રહેશે ભારતની સાથે તેના સંબંધ કેવા રહે છે.
એટલા માટે આટલી ચૂંટણી
2018ના અંતે ઇઝરાયલની લિકુડ પાર્ટીના અનુભવી નેતા બેન્જામિન નેતાન્યાહૂ શક્તિના સર્વોચ્ચ શિખરે છે. નેતાન્યાહૂ ઇઝરાયેલના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન બનેલા છે. જોકે તેમને સંસદમાં એક સીટની બહુમતી મળી. નવ એપ્રિલ, 2019 ફરી એક વાર આકસ્મિક ચૂંટણી કરાવવામાં આવી.
બહુમત ના મળ્યો
ઇઝરાયલમાં ક્યારેય કોઈ પાર્ટીને સંસદમાં સંપૂર્ણ બહુમત પ્રાપ્ત નથી કરી શકી અને નેતાન્યાહૂ પર્યાપ્ત સીટો જીતવામાં અસફળ રહ્યા. સરકાર બનાવવા માટે તેઓ સત્પાહો સુધી સંઘર્ષ કરતા રહ્યા. ફછી પોતાના પ્રતિદ્વંદ્વી. પૂર્વ સશશ્ત્ર દળોના પ્રમુખ બેની ગેંટ્ઝને સરકાર રચવાનની તક આપવાને બદલે નેતાન્યાહૂએ 17 સપ્ટેમ્બર, 2019એ વધુ ક ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો.
સરકાર ફરી ના બની
આ ચૂંટણીમાં પણ નેતાન્યાહૂની સીટો ઓછી પડી ગઈ. લિકુડ અને ગેંટ્સની બ્લુ એન્ડ વ્હાઇટ પાર્ટીની વચ્ચે ચૂંટણી જંગમાં ટાઇ પડી ગઈ. જેથી લિબરમેનને કિંગ મેકર બનાવી. જોકે લિબરમેને સત્તા બચાવવા માટે બંનેની સાથે નીતિગત મતભેદોનો હવાલો આપ્યો. કેટલાય મહિનાઓની સોદાબાજી પછી પણ નેતાન્યાહૂ અને ગેંટ્સ –બંને પર્યાપ્ત ટેકો મેળવવામાં નિષ્ફળ રહ્યા. આને પરિણામે સોમવારે નવેસરથી ચૂંટણી થવાની છે.
સંક્રમણ કાળ છે
આ ચૂંટણી પાછલી વખતની ચૂંટણીથી ઘણી અલગ છે. પાછલી ચૂંટણી બાદ નેતાન્યાહૂની વિરુદ્ધ ઔપચારિક અપરાધના આરોપ લગાડવામાં આવ્યા છે. આ ચૂંટણીના બે સપ્તાહ પછી 17 માર્ચે તેમની સામે કેસ શરૂ થવાનો છે. વળી, પાછલી બે ચૂંટણી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લાંબા સમયથી ટાળવામાં આવી રહેલી પશ્ચિમ એશિયા શાંતિ યોજનાને મતદાતાઓ સમજ્યા વગર લડ્યા હતા. જેમાં અમેરિકા કબજાવાળા વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલની વસાહતને માન્યતા આપશે.પેલેસ્ટિનના લોકો આને લઈને ગુસ્સ્મા છે. નેતાન્યાહૂએ ચૂંટણી પછી આ વસાહતને જોવાનો નિર્ણય કર્યો છે. સામે પક્ષે ગેંટ્સની પણ અલગ સમસ્યાઓ છે.
ચોથી ચૂંટણી થઈ તો…
જો સોમવારે ચૂંટણી અવરોધ વધ્યો તો ચોથી ચૂંટણી પણ થશે.જોકે કેટલાક ઇઝરાયેલી રાજકારણીઓ આવું નથી માનતા. તેમનું કહેવું છે કેરાજકીય અસ્થિરતાની સાથે એનો અર્થ કાર્યવાહક સરકાર હેઠળ આર્થિક હેરાનગતિ વધારવાનો થાય. આ ગેંટ્સના નેતૃત્વવાળા ગઠબંધનમાં લિકુડ પાર્ટીના ભાગીદાર રહેલા દળોના પક્ષપલટાનું કારણ બની શકે. ઘણાબધા ઇઝરાયલીઓ નેતાન્યાહુ અને ગેંટસને સાથે જોવા ઇચ્છે છે, જેનાથી કલહ ખતમ થાય. જોકે ગેંટ્સનું કહેવું છે કે તેઓ નેતાન્યાહુની સાથે સાઠગાંઠ નહીં કરે.