નિર્ભયાના દોષિતોની ફાંસી ફરીથી ટળી

નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષિતો આપવામાં આવનારી ફાંસી માત્ર સાડા બાર કલાક પહેલા જ ફરી એકવાર ટળી ગઈ છે. નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોમાંના એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પડતર હોવાથી પટિયાલા હાઉસ કોર્ટે ચારેયની ફાંસી પર આગલા આદેશ સુધી રોક લગાવી દીધી છે.

આજે જ સુપ્રીમ કોર્ટે પવનની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. સાથે જ પટિયાલા હાઉસ કોર્ટે પણ ડેથ વોરંટ પર રોક લગાવવાની અક્ષય અને પવનની અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન પવને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી હતી. પરંતુ ચારેયની ફાંસી ફરી એકવાર ટળી છે. આ ત્રીજીવાર છે જ્યારે નિર્ભયાના દોષિતોની ફાંસી ટળી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પવન ગુપ્તાની દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે તમામ જરૂરી ટેબલો પરથી ફગાવવાની ભલામણો સાથે રાષ્ટ્રપતિ કાર્યાલય પહોંચી છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ગૃહમંત્રાલયને ભલામણ કરી છે કે દયા અરજી ફગાવવામાં આવવી જોઈએ.

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે, રાષ્ટ્રપતિ દયા અરજી ફગાવે. રાષ્ટ્રપતિ છત્તીસગઢના પ્રવાસેથી રાષ્ટ્રપતિ ભવન પાછા ફરી ચુક્યા છે. હવે રાષ્ટ્રપતિના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ હાલ નિર્ભયાના દોષિતો વિરૂદ્ધ ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવી છે.