ગુજરાતમાં દારૂબંધી છે? આ આંકડાઓ કહે છે, ના….

ગાંધીનગર:  ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો હોય પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. પહેલા સુરત અને હવે કચ્છમાં જે રીતે દારૂપાર્ટીના વિડિયો સામે આવ્યા છે તેને લઈ ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.

દારૂ મુદ્દે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસ દારુબંધી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમાં પ્રશ્નોતરી દરમ્યાન રાજ્યમાં દારુબંધીની સ્થિતિ પર ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી બુટલેગરો, દારુના અડ્ડાઓ અંગેની 9081 ફરિયાદો પોલીસને મળી છે. સૌથી વધુ અમાદાવાદમાં 4984 પોલીસ ફરિયાદ નોંધાઈ તો બીજી નંબરે સુરતમાં 1980 ફરીયાદો નોંધાઈ. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલમાં આ આંકડાઓ સામે આવ્યા છે.

મહત્વનું છે કે, મુદ્રાના કાંડાગરા ગામમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવાનો દારૂની બોટલ સાથે ગરબે ઝુમી રહ્યાં છે. આ તરફ ભરૂચમાં શહેરની વચ્ચે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઇન્દિરાનગર વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન છે. આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, દારૂબંધીના કાયદાની મોટી વાતો વચ્ચે દારૂની નદી વહી રહી છે. તો કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ઉપરથી લઈ નીચે સુધી હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ કરીને દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું ગણાવ્યું. કોંગ્રેસના પ્રહારો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. અને સરકાર દારૂબંધીના અમલ માટે મક્કમ છે એમ પણ કહ્યું હતુ.