વિશ્વ શ્રવણશક્તિ દિવસ-2020: 3 માર્ચે ગાંધીનગરમાં વિશેષ કાર્યક્રમ

ગાંધીનગર : 3 માર્ચે સમગ્ર વિશ્વની સાથે ભારત પણ વિશ્વ શ્રવણશક્તિ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે ના રોજ જનજાગૃતિ કાર્યક્રમો યોજશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એ દિવસે RBSKના નેજા હેઠળ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ યોજવામાં આવશે જેમાં ગાંધીનગર સિવિલ કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા લોકોને સમજાવવામાં આવશે સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવે તો શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલા લોકો એમની તે શક્તિ પૂરેપૂરી મેળવી શકે છે.

આ સંદર્ભમાં ઉપલબ્ધ વિકલ્પોથી લોકોને માહિતગાર કરવામાં આવશે.

એ દિવસે ગાંધીનગર સ્થિત ઓડિટોરિયમમાં નિર્ધારિત જનજાગૃ઼તિ કાર્યક્રમમાં 400 જેટલા પરિવારો એમનાં શ્રવણશક્તિ ગુમાવવાની તકલીફનો ભોગ બનેલા બાળકોને લઈને આવશે. 50 જેટલા બાળકો કાર્યક્રમમાં ભાગ લેશે અને એમની ટેલેન્ટ પ્રસ્તુત કરીને દુનિયા બતાવશે કે તેઓ પણ હવે બીજા સ્વસ્થ બાળકોથી અલગ નથી. તેઓ હનુમાન ચાલીસાનું પઠન કરશે, શ્લોક બોલશે, સંગીત વગાડીને અને ગાયન ગાઈને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરશે.

ભારતમાં શારિરીક દિવ્યાંગતામાં શ્રવણશક્તિની ખોટ બીજા ક્રમે આવે છે. જો સમયસર સારવાર કરાવવામાં આવે તો આ તકલીફમાંથી બચી શકાય છે. જે બાળકો જન્મથી જ સાંભળી શકતા નથી હોતા તેઓ બોલી પણ શકતા નથી હોતા. ભારતમાં જન્મતા દર 1000માંથી 4 બાળકોને શ્રવણશક્તિની ગંભીર તકલીફ હોય છે. એ માટે કૉક્લિઅર ઈમ્પ્લાન્ટેશન નામની આધુનિક સર્જરી કરાવવી જરૂર હોય છે. આ સર્જરી ખૂબ ખર્ચાળ હોય છે. ખાનગી હોસ્પિટલમાં એ માટે 7-8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે મોટા ભાગના દરદીઓને પરવડી શકતો નથી.

ગુજરાત સરકારે 2013માં, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ્સ માટે ભંડોળની શરૂઆત કરી હતી. આ પ્રકારનું ભંડોળ શરૂ કરનાર ગુજરાત દેશનું માત્ર બીજું જ રાજ્ય છે. ઘણા રાજ્યોએ ગુજરાતના મોડેલનું અનુસરણ કર્યું છે.

હવે આ સર્જરી વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજોમાં કરવામાં આવે છે. ગાંધીનગર આવી કૉક્લિઅર ઈમ્પ્લાન્ટ સર્જરીમાં 500નો આંકડો પાર કરી ચૂક્યું છે.

ગુજરાત સરકાર શ્રવણશક્તિ ગુમાવી બેઠેલા બાળકોને એમના ઘેર જઈને મફત સ્પીચ થેરાપી આપે છે. એ માટે જિલ્લા સ્તરે અનેક પુનર્વસન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.