Home Blog Page 4948

આઈબીને મળ્યો પત્રઃ આ લોકો પર હુમલો કરવાની ધમકી

અમદાવાદઃ ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરોના નામે ગુરુવારે એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ પત્રમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઇબીને એક નનામો પત્ર મળ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત મહત્વના પદો ઉપર બેઠેલા 13 વ્યકિતઓ ઉપર આતંકી હુમલો થવાની દહેશત વ્યક્ત કરાઇ છે. જોકે, સત્તાવાર રીતે આ અંગે આઇબીના પત્ર કે આઇબીને મળેલા નનામા પત્રને કોઇ સમર્થન આપી રહ્યું નથી.

આઇબીને મળેલા એક નનામા પત્રના સંદર્ભમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત તમામ જિલ્લાઓને એક નનામા પત્રનો ઉલ્લેખ કરીને તકેદારી રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકના લેટરહેડ ઉપર નાયબ કમિશનરની સહીવાળો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ પત્ર જે પ્રકારે લખવામાં આવ્યો છે તે પોલીસની આંતરિક વહીવટી પ્રક્રિયા છે.

આ પત્રમાં 13 વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ કરાયેલો છે. આઇબીએ પોતાને મળેલા પત્રમાં એવી જાણકારી આપી છે કે, કેટલાંક લોકો ગુજરાતનો માહોલ બગાડવા માટે આતંકી હુમલો કે કોમી તોફાનો કરાવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરાઇ છે. આ અંગે હવે તકેદારીના પગલાં લેવા કહેવાયું છે.

પત્રમાં ઉલ્લેખ કરાયેલા નામોની વાત કરીએ તો અમિત શાહ (કેન્દ્રીય ગૃહમંત્રી), વિજય રૂપાણી (મુખ્યમંત્રી), નીતિન પટેલ (નાયબ મુખ્યમંત્રી), શિવાનંદ ઝા (ડીજીપી), જીતુ વાઘાણી (પ્રમુખ, ભાજપ), પ્રદિપસિંહ જાડેજા (ગૃહરાજ્ય મંત્રી), દિલીપદાસજી મહારાજ, આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશનર, પ્રવિણ તોગડીયા(એએચપી), શૈલેષ પરમાર (ધારાસભ્ય), ચીફ જસ્ટીસ (ગુજરાત હાઇકોર્ટ), ભરત બારોટ(પૂર્વ ધારાસભ્ય), ભૂષણ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય) ના નામોનો સમાવેશ થાય છે.

બેથી વધુ બાળકોવાળા પરિવાર માટે કડક નિયમો બનાવશે UP સરકાર

લખનૌઃ શું તમે ઉત્તર પ્રદેશમાં રહો છો. શું તમને બેથી વધારે બાળકો છે? તો સમારા માટે આ નકારાત્મક સમાચાર છે. યુપીની યોગી આદિત્યનાથ સરકાર બેથી વધુ બાળકોવાળી વ્યક્તિ માટે આકરા નિયમો બનાવી રહી છે. આવી વ્યક્તિઓને સામાજિક કલ્યાણ યોજનાઓ અને પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા પર પાબંદી લાગે એવી સંભાવના છે. રાજ્ય સરકાર એક નવી જનસંખ્યા નીતિ બનાવી રહી છે, જેમાં આવી જોગવાઈ કરવામાં આવે શક્યતા છે.

આરોગ્યપ્રધાન જય પ્રતાપ સિંહે બુધવારે કહ્યું હતું કે નવી નીતિઓ જલદી જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોની જનસંખ્યા નીતિઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને એમાંથી જે સૌથી સારી નીતિ હશે એને લાવવામાં આવશે અને દેશની સૌથી વસતિ ધરાવતા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે નિષ્ણાતોના એક જૂથ દ્વારા એક ડ્રાફ્ટ નીતિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં 2000માં જનસંખ્યા નીતિની સમીક્ષા કરવામાં આવી હતી.

સામાજિક સુરક્ષા યોજનાઓમાંથી બાકાત રાખવા પર વિચાર

નિષ્ણાતોની સમિતિમાં સભ્ય પરિવાર કલ્યાણ મહાનિર્દેશક ડોક્ટર બદરી વિસાલે કહ્યું હતું કે દક્ષિણ ભારતનાં રાજ્યો જનસંખ્યા નિયંત્રણ કરવામાં સફળ થયાં છે. જોકે ઉત્તર પ્રદેશ હજી પણ આ દિશામાં સંઘર્ષ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારાથી વસતિ ઓછી ધરાવતાં રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જે લોકોનાં વધુ બાળકો છે, એમણે સુવિધાઓ આપવાની ઓછી કરી દીધી છે. આ રાજ્યોમાં જે લોકોના બેથી વધારે બાળકો છે, તેમને પંચાયત ચૂંટણી લડવા માટે અનુમતિ નથી. અમે આ નીતિ અપનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.સૂત્રો અનુસાર જે લોકોના બેથી વધુ બાળકો છે, તેમને સામાજિક સુરક્ષા યોજનાઓથી વંચિત કરવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હવે આવકવેરા વિભાગના નિશાને અહેમદ પટેલઃ પાઠવ્યું સમન્સ

નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ મોકલ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને કથિત રીતે જાહેર અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણી ખર્ચ માટે 550 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિ મામલે નોટિસ પાઠવી છે. 2 એપ્રિલ 2019ના રોજ આવકવેરા  વિભાગે મધ્ય પ્રદેશના કેટલાંક સ્થળો સહિત 52 જગ્યા પર દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019 અને ફેબ્રુઆરી 2020માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યા પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા પછી આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.

એપ્રિલ 2019 અને ઓક્ટોબર 2019ના દરોડામાં અલગ અલગ શહેરોમાં કોંગ્રેસના છ નેતાઓના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી હતી. 6 ફેબ્રુઆરી, 2020ના રોજ 40 સ્થળોની તપાસ કરવામાં આવી, જેમાં સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની મેઘા એન્જિનિયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ સાથે જોડાયેલ હતી. 11 ફેબ્રુઆરીના રોજ અહેમદ પટેલને તેમની વ્યક્તિગત હાજરીને લઇને સમન્સ પાઠવવામાં આવ્યું. જેમાં તેમને 14 ફેબ્રુઆરીએ હાજર રહેવા જણાવામાં આવ્યું હતું. અહેમદ પટેલને બીજુ સમન્સ પાઠવવામાં આવ્યું છે.

અહેમદ પટેલે સમન્સ અંગે પુષ્ટિ કરતાં જણાવ્યું કે તેઓ બિમાર છે અને સંસદીય કાર્યોમાં વ્યસ્ત છે. જ્યારે બે માંથી એક સમન્સ તેમના સાંસદવાળા ઈમેલમાં મોકલવામાં આવ્યું હતું. અહેમદ પટેલે જણાવ્યું કે આ પ્રકારનું ફંડ દરેક રાજકીય પક્ષને મળે છે અને જલ્દી જ સંસદના સત્ર બાદ સમન્સનો જવાબ પાઠવીશ.

હિંદુ મહાસભાના મતે દેશમાં વધતા આતંકવાદનું કારણ ગાંધીવાદ!!

નવી દિલ્હીઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશમાં વધતા આતંકવાદનું કારણ ગાંધીવાદ છે અને સરકારી ઓફિસોમાંથી ગાંધીજીના ફોટોગ્રાફ્સ અને પ્રતિમાઓને તુરંત દૂર કરવાની માંગ કરી છે. મહાસભાએ સંશોધિત નાગરિકતા કાયદો અને એનઆરસીનું સમર્થન કરતા ભારતના હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની પણ વિનંતી કરી છે. મીડિયા સાથે વાત કરતા અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશોક શર્મા અને પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે કહ્યું કે, દેશમાં અસલી આતંકવાદનું કારણ ગાંધીવાદ છે, કારણ કે દેશમાં આજે જેપણ રાષ્ટ્ર વિરોધી ગવિવિધિઓ થઈ રહી છે, તેની સાથે જોડાયેલા લોકો ગાંધીવાદી હોવાનો દાવો કરી રહ્યા છે.

મહાસભાના બન્ને નેતાઓએ કહ્યું કે, દેશમાં થનારી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ જેવી કે, ભીડ સાથે મળીને લોકોની હત્યા કરવી, પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ પર હુમલો કરવો અને ભારતના ટુકડે-ટુકડા કરવાની વાત કરવી, આવા તમામ પ્રકારના રાષ્ટ્રદ્રોહી કાર્ય કરનારા માત્ર અને માત્ર ગાંધીજીને જ પોતાના આદર્શ માને છે. તેમણે કહ્યું કે, શાહીન બાગ જેવા અલોકતાંત્રિક ધરણામાં જોડાયેલા લોકો ગાંધીને આદર્શ માને છે.

આનો પુરાવો છે કે, આ તમામ લોકો ગાંધીજીના પોસ્ટર લગાવીને આંદોલન કરે છે. શર્મા અને અગ્રવાલે કહ્યું કે, 1947 માં પણ દેશના ભાગ ગાંધીજીના કારણે થયા હતા અને વર્તમાન સમયમાં પણ દેશને ખંડિત કરવાનું સ્વપ્ન જોનારા લોકો આદર્શ ગાંધી છે. એટલા માટે અખિલ ભારતીય હિંદુ મહાસભા ખુલ્લા પત્ર દ્વારા રાષ્ટ્રપતિ પાસે માંગણી કરે છે કે દેશની તમામ સરકારી અને બીન-સરકારી ઓફિસોમાંથી ગાંધીજીના તમામ ચિત્રો અને પ્રતિમાઓ દૂર કરવાનો આદેશ આપે.

ભૂતકાળમાં પણ સાંસદો આ રીતે કરતા આવ્યા છે સંસદની ગરીમાનો ભંગ

નવી દિલ્હીઃ લોકસભા સ્પીકરે આસનથી પેપર છીનવી લેવા અને ફાડી નાંખવાના આરોપમાં કોંગ્રેસના 7 સાંસદોને બાકી રહેલા સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે. આવું પહેલીવાર નથી કે લોકસભામાં સાંસદોને તેમના અયોગ્ય વ્યવહારના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. પહેલા પણ આ પ્રકારની ઘણી જ ઘટનાઓ ઘટી ચૂકી છે.

2 જાન્યુઆરી 2019ના રોજ તત્કાલીન સ્પીકર સુમિત્રા મહાજને હોબાળા બાદ 45 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. તેમણે સૌથી પહેલા એઆઈડીએમકેના 24 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા અને બાદમાં 21 અન્ય સાંસદોને કે જેમાં એઆઈએડીએમકે સાથે ટીડીપી અને વાઈઆરસીપીના એક સાંસદ હતા. એઆઈડીએમકેના સાંસદ કાવેરી નદીમાં પ્રસ્તાવિત ડેમનો વિરોધ કરી રહ્યા હતા તો આંધ્રપ્રદેશના સાંસદ પોતાના ત્યાં એક વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા હતા.

12 ફેબ્રુઆરી 2014 ના રોજ તત્કાલીન સ્પીકર મીરા કુમારે આંધ્ર પ્રદેશના 18 સાંસદોને આખા બજેટ સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા. તે સમયે પૃથક તેલંગાણાના મુદ્દા પર સંસદની ગરીમા ખરડાઈ હતી અને તેના સમર્થક અને વિરોધીઓએ સદનમાં મરચાનો સ્પ્રે ઉડાડ્યો હતો.

14મી લોકસભામાં તત્કાલીન ટીએમસી સાંસદ મમતા બેનર્જી સસ્પેન્ડ થતા બચ્યા હતા. ઓગસ્ટ 2005 માં તેમણે સ્પીકરના સ્થાન પર જઈને પેપર ઉછાળ્યા હતા. તે સમયે સ્થાન પર ડેપ્યુટી સ્પીકર ચરનજીત સિંહ અટવાલ હતા. બાદમાં મમતાએ ડેપ્યુટી સ્પીકરને પોતાનું રાજીનામું મોકલ્યું હતું અને સદનમાંથી વોક આઉટ કર્યું હતું.

પરિવારના ઝઘડાથી શરુ થઈ હતી યસ બેંકની બરબાદી…

નવી દિલ્હી: એક સમયે લોકોની પહેલી પસંદ બનેલી યસ બેંક આજે ડૂબવાની આરે છે. એક એવી બેંક કે જે સરેરાશ વ્યાજથી વધુ ચૂકવણી કરવા માટે જાણીતી હતી. આજે તેના ખૂબ જ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મહિનાઓથી તેને બચાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેંકનો શેર સતત તૂટી રહ્યો છે, આજના સત્રમાં તે 50 ટકાથી વધુ તૂટ્યો છે. એસબીઆઈ હવે તેને બચાવવા આગળ આવી છે, પરંતુ બેંકોની દુનિયામાં આ ચમકતો તારો કેવી રીતે ખાડા સુધી પહોંચ્યો તે જાણવું છે? આ કહાનીની શરૂઆત રાણા કપૂરના પરિવારના સામંતિક વાતાવરણ અને આંતરીક ઝઘડાથી થાય છે. અહીં આપણે જાણીએ યસ બેંકનું અતથી ઈતી સુધીની સફર.

વર્ષ 2004ની વાત છે રાણ કપૂરે તેમના સંબંધી અશોક કપૂર સાથે મળીને યસ બેંકની શરુઆત કરી હતી. 26/11 મુંબઈ હુમલામાં અશોક કપૂરનું મૃત્યું થઈ ગયું, ત્યાર પછી અશોક કપૂરની પત્નિ મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બેંકના માલિકીના હક્કને લઈને લડાઈ શરુ થઈ. મધુ તેમની પુત્રીને બેંકના બોર્ડમાં સામેલ કરવા ઈચ્છતી હતી. એટલે કે બેંકની સ્થાપનાના 4 વર્ષમાં જ પારિવારીક ઝઘડો બેંક પર હાવી રહ્યો અને આજે આ નોબત આવી.

દેશની ખાનગી બેંકોમાં ચોથા નંબરની સૌથી મોટી બેંક યસ બેંકની હાજરી સમગ્ર દેશમાં છે. યસ બેંકનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. બેંકનું નેટવર્ક ઘણું મોટું છે. દેશભરમાં 1000થી વધુ બ્રાન્ચો  અને 1800 એટીએમ છે. યસ બેંકની મહિલા સ્પેશિયલ બ્રાન્ચ પણ છે, જેને યસ ગ્રેસ બ્રાન્ચના નામથી ચલાવવામાં આવે છે. આ બ્રાન્ચોમાં મહિલાઓ માટે ખાસ પ્રોડક્ટ ઓફર કરવામાં આવે છે. આ બેંકમાં તમામ કર્મચારીઓ પણ મહિલાઓ જ છે. આ ઉપરાંત દેશમાં 30થી વધુ યસ ઈએએમઈ બ્રાન્ચ પણ છે, જે SMEs ઉદ્યોગોને ખાસ સ્પેશિયલ સર્વિસ પૂરી પાડે છે.

પરિવારીક ઝઘડો: વર્ષ 2008માં અશોક કપૂરના મોત પછી કપૂર પરિવારમાં આંતરિક ઝઘડો શરુ થયો. અશોકની પૂત્રીને બોર્ડમાં સામેલ કરવાની વાતને લઈને ઝઘડો એટલો વધી ગયો કે, મામલો મુંબઈ હાઈકોર્ટ સુધી પહોંચ્યો, જેમાં જીત રાણા કપૂરના પક્ષની થઈ. ત્યાર પછી થોડા સમય માટે આ યુદ્ધે વિરામ લીધો અને રણવીર ગિલની બેંકના એમડી તરીકે નિમણૂંક કરવામાં આવી. આ દરમ્યાન કોર્પોરેટ ગવર્નન્સ સાથે સમજૂતીના મામલાઓ સામે આવ્યા અને બેંક દેવામાં ડૂબી ગઈ. ધીમે ધીમે સમય બદલાયો અને બેંકના પ્રમોટર્સે તેમનો હિસ્સો વેંચવાનું શરું કરી દીધું.

રાણ કપૂરને પણ વેચવા પડયા શેર: રાણા કપૂર બેંકમાં તેમના શેરને હીરા-મોતી ગણાવતા હતા અને કદી વેંચવા માગતા નહતા. પણ ઓક્ટોબર 2019માં સ્થિતિ એવી આવી કે રાણ કપૂર અને તેમના ગ્રુપની હિસ્સેદારી ઘટીને માત્ર 4.72 ટકા રહી ગઈ. 3 ઓક્ટોબરે સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ રજત મોંગાએ રાજીનામુ આપ્યું અને સપ્ટેમ્બરમાં તેમની હિસ્સેદારી પણ વેંચી દીધી હતી.

કોર્પોરેટ ગ્રાહકોએ ડૂબાડી બેંક: યસ બેંક પાસે તેના ગ્રાહકોની સૂચિમાં રિટેલ કરતાં વધુ કોર્પોરેટ ગ્રાહકો છે. YES બેંકે જે કંપનીઓને લોન આપી તેમાની મોટાભાગની કંપનીઓ ખોટમાં છે. કંપનીઓ નાદારીના આરે છે, તેથી લોન પરત મેળવવાની આશા ઘણી ઓછી છે. જ્યારે કંપનીઓ ડૂબવા લાગી તો બેંકની સ્થિતિ વધુ નાજુક બનતી ગઈ.

યસ બેંકનું સંકટ ત્યારે ઘેરું બન્યું જ્યારે બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. રિઝર્વ બેંકે કહ્યું કે, તે બેલેન્સ સીટની સાચી માહિતી નથી આપી રહ્યા. અને 31 જાન્યુઆરીએ તેમને પદ છોડવાનું કહેવામાં આવ્યું. આરબીઆઈએ બેંક પર 1 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો. બેંક પર આરોપ હતો કે, બેંક મેસેજિંગ સોફ્ટવેર સ્વિફ્ટના નિયમોનું પાલન નથી કરી રહી. આ સોફ્ટવેરનો ઉપયોગ બેંક લેવડદેવડ માટે કરતી હતી.

ઓગસ્ટ 2019માં મૂડીઝે યસ બેંકનું રેટિંગ ઘટાડી દીધું અને અન્ય રેટિંગ એજન્સીઓએ પણ મો ફેરવી લીધું. રેટિંગ ઘટવાને કારણે બેંકની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને બજારમાં નેગેટિવ સંકેતો ફેલાવા લાગ્યા.

સપ્ટેમ્બર 2018માં યસ બેંકનું માર્કેટ કેપ 80 હજાર કરોડની આસપાસ હતું તે 90 ટકા ઘટી ગયું છે. ઓગસ્ટ 2018માં બેંકના શેરની કિંમત 400 રૂપિયાની આસપાસ હતી, જે નાણાકીય સંકટને કારણે આજે 18 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. આશા છે કે, આગામી 30 દિવસની અંદરમાં દેશની ચોથા નંબરની સૌથી મોટી બેંકનું મર્જર કે ટેકઓવર થઈ જશે.

RBIનાં નિયંત્રણો પછી યસ બેન્કના શેરને રોકાણકારોની ‘ના’

નવી દિલ્હીઃ યસ બેન્ક પર રિઝર્વ બેન્કે નિયંત્રણો મૂક્યા પછી શેરબજારના રોકાણકારો સતત એને નો કહી રહ્યા છે. ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં યસ બેન્કનો શેર 27 ટકા તૂટ્યો હતો, જ્યારે મોર્નિંગ સેશનમાં આ શેર 80 ટકાથી વધુ ગગડ્યો હતો અને 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ પર આ શેર 82 ટકા સુધી ઘટ્યો હતો, જ્યારે એનએસઈ પર એ શેર 60 ટકા તૂટ્યો હતો.યસ બેન્કના શેરનું એક રૂપિયાનું લક્ષ્ય

યસ બેન્કના શેરો પર બ્રોકરેજ હાઉસિસે રેટિંગ અને ટાર્ગેટ બંને બદલી નાખ્યાં છે. વૈશ્વિક કંપની જેપી મોર્ગને યસ બેન્ક પર અંડરવેઇટ રેટિંગ કર્યું છે અને આ શેરનો ટાર્ગેટ રૂ. 55થી ઘટાડીને એક રૂપિયા કરી દીધું છે. બ્રોકરેજ કંપનીનું કહેવું છે કે બેન્કની નેટવર્થ બગડી છો, જેને કારણે લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યો છે. અન્ય એક બ્રોકરેજ મેક્વેરીએ યસ બેન્ક પર કહ્યું છે કે એની વેટવર્થ ખતમ થઈ ગઈ છે. અને એસબીઆઇ સહિત અન્ય બેન્કો એને એક રૂપિયામાં અધિગ્રહણ કરવા ઇચ્છે છે. જ્યારે યુબીએસે યસ બેન્કના શેરોને વેચી નાખવાની સલાહ આપી હતી અને એનું લક્ષ્ય રૂ. 20 થવાની આગાહી કરી છે. જોકે આ લક્ષ્યાંક કરતાં પણ યસ બેન્કનો શેર નીચામાં મળી રહ્યો છે.

 

 

 

 

વિશ્વના દેશો કોરોનાને ગંભીરતાથી લેઃ વિશ્વ આરોગ્ય સંગઠન

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપતા કહ્યું કે, દુનિયાના દેશોએ કોરોના વાયરસના સંકટને ગંભીરતાથી લીધું નથી. સંગઠને કહ્યું કે, આખા યૂરોપમાં અને અમેરિકામાં આ બીમારીનો પ્રકોપ વધી ગયો છે. આ દેશોમાં સારવાર કરતા ડોક્ટર્સે હોસ્પિટલની તૈયારીઓ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. સંગઠને કહ્યું છે કે, દુનિયાના દેશોને આ સંકટને એક મોક ડ્રિલના રુપમાં ન લેવું જોઈએ પરંતુ આ મામલે ગંભીરતાથી પગલા ભરવા જોઈએ.

સંગઠને દુનિયાભરના દેશોને આગ્રહ કર્યો છે કે કોરોનાના ચેપને રોકવા માટે સફળ અને ડકડ પગલા ભરો. આ મામલે અત્યારે હજી પણ વધારે કામ કરવાની જરુર છે. સંગઠને કહ્યું કે, આ વાયરસથી 85 દેશોના 100,000 લોકો સંક્રમિત છે. આ બીમારીથી અત્યારસુધીમાં 3300 થી વધારે લોકોના મોત થયા છે. વૈશ્વિક બજારની અર્થવ્યવસ્થા પર આના પડનારા પ્રભાવ પર પણ સંગઠને ધ્યાન આકર્ષિત કર્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, ઈટલી, ફ્રાંસ, ગ્રીસ અને ઈરાનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક ક્રૂઝ શિપને કેલિફોર્નિયાના તટ પરથી દૂર રાખવામાં આવ્યું છે કે જેથી યાત્રીઓની તપાસ થઈ શકે. આ મહામારીએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, પર્યટન, રમત-ગમતના કાર્યક્રમો, સ્પોર્ટ્સ, અને શાળાઓ પર કહેર વરસાવ્યો છે. વિશ્વભરના આશરે ત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આને લઈને ઘણા ધાર્મિક કાર્યક્રમ પણ પ્રભાવિત થયા છે. વેટિકને કહ્યું કે, પોપ ફ્રાંસિસને પોતાનો કાર્યક્રમ બદલવો પડી શકે છે. બેથલહમને લોંકડાઉન અંતર્ગત રાખવામાં આવ્યું છે. સાઉદી અરબે આને નિષ્ફળ કરવા માટે મક્કામાં ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળને ખાલી કરી દીધું છે.

યસ બેંક સંકટ એ સરકારનું પકોડાનોમિક્સઃ કોંગ્રેસ

નવી દિલ્હી: યસ બેંક પર આવેલા સંકટને પગલે બેંકના ગ્રાહકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોગ્રેસના નેતા જયવીર શેરગીલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. શેરગીલે તેમના ટ્વીટમાં કહ્યું કે, બેંકોની ખરાબ સ્થિતિ માટે બીજેપી સરકારની પકોડાનોમિક્સને ધન્યવાદ જે ભારતને આર્થિક બંદીની રાજધાની બનાવવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે પૂછ્યું કે, હેવ વધુ કેટલી બેંકો કંગાળ થશે? હજુ કેટલા ઉદ્યોગો બંધ થશે. નાણામંત્રીના રાજીનામાં પહેલા હજું દેશમાં કેટલી બેરોજગારી ફેલાશે?

અન્ય એક ટ્વીટમાં શેરગીલે લખ્યું કે, ભાજપે છેલ્લા 6 વર્ષમાં કરેલી નારેબાજીની હકીકત: 2014માં 15 લાખ લે લો (તમામના ખાતાઓમાં), 2018માં પકોડા લે લો (બેરોજગારો માટે), 2020માં તાળા લે લો (બેંક અને ઉદ્યોગો માટે)  તેમણે આગળ લખ્યું ભાજપની ભૂલ નાણાકીય નીતિઓને પગલે ભારતના લોકો તેમના ખીસ્સામાંથી ભોગવી રહ્યા છે.

મહત્વનું છે કે, ખાનગી ક્ષેત્રની યસ બેંક આ સમયે નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ યસ બેંકમાંથી નાણા ઉપાડની મર્યાદા નક્કી કરી દીધી છે. આરબીઆઈએ આ આદેશ પછી હવે ગ્રાહકો તેમના ખાતામાંથી 50 હજાર રૂપિયાથી વધુ નાણાનો ઉપાડ નહીં કરી શકે. આરબીઆઈ અનુસાર આ નાણા ઉપાડવાની મર્યાદા 5માર્ચથી 3 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ ઉપરાંત આરબીઆઈએ બેંકના કારોબાર પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. મહત્વનું છે કે, યસ બેંક છેલ્લા ઘણા સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહી છે.

હોળી પર યસ બેન્ક પર નાણાકીય સંકટની હોળી

નવી દિલ્હીઃ ગયા વર્ષે દિવાળીએ મહારાષ્ટ્રની  પીએમસી બેન્કમાં નાણાકીય સ્થિતિ ખરાબ થઈ હતી અને આ વખતે હોળી પર યસ બેન્કમાં નાણાકીય કટોકટી ઘેરી બની છે. એટલે સુધી કે યસ બેન્કનો શેર 50 ટકા કરતાં વધુ ઘટી ગયો હતો. બેન્કની હાલત એટલી કફોડી થઈ ગઈ કે રિઝર્વ બેન્કે દરમ્યાનગીરી કરવી પડી. રિઝર્વ બેન્કે પણ ગ્રાહકોને પૈસા ઉપાડવા માટે એક ચોક્કસ મર્યાદા મૂકી દીધી હતી.

માત્ર રૂ. 50,000ની ઉપાડમર્યાદા

યસ બેન્કમાં ગ્રાહકોના હિતોનું ધ્યાન રાખતાં પ્રતિ અકાઉન્ડ રૂ. 50,000 સુધી ઉપાડમર્યાદા રાખવામાં આવી છે. ભલે તમારા અકાઉન્ટમાં લાખ્ખો રૂપિયા જમા હોય, પણ તમને રૂ. 50,000 સુધી ઉપાડ કરવા દેવાશે. વળી આ પ્રતિબંધ 30 દિવસો માટે જ છે. જે પાંચ માર્ચથી શરૂ થશે અને ત્રીજી એપ્રિલ સુધી રહેશે.

ખાતાદીઠ રૂ. 5 લાખ ઉપાડવાની છૂટ

એવું નથી કે યસ બેન્કમાંથી રૂ. 50,000થી વધુ નથી કાઢી શકતા. રિઝર્વ બેન્કે કહ્યું છે કે સ્પષ્ટ કર્યું છે કે તમે મેડિકલ ઇમર્જન્સી હોય કે એજ્યુકેશન ફી વધુ ચૂકવવાની હોય કે પછી ઘરમાં લગ્નપ્રસંગ હોય તો તમે તમારા ખાતામાંથી રૂ. 50,000થી વધુની રકમ કાશી શકો છો. આ મર્યાદા રૂ. પાચં લાખ સુધીની છે.

અત્યાર સુધી જારી થયેલા ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની ચુકવણી

કેટલાક એવા મામલા પણ છે, જેમાં પાંચ માર્ચે રિઝર્વ બેન્ક દ્વારા જારી થયેલા આદેશ પહેલાં વદુ રકમના ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર જારી કરવામાં આવ્યા હોય. જોકે જે પણ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર રિઝર્વ બેન્કના આદેશ પહેલાં જારી થયા છે, તેમને પૂરી રકમની ચુકવણી કરવામાં આવશે.

SBI-LIC  યસ બેન્કમાં હિસ્સો ખરીદશે

એસબીઆઇ અને એલઆઇસી નાણાકીય કટોકટીગ્રસ્ત યસ બેન્કમાં 49 ટકા હિસ્સો ખરીદશે. આ બંને 24.5 ટકા હિસ્સો લેશે. જોકે આ અહેવાલને પગલે યસ બેન્ક અને સ્ટેટ બેન્કના શેરો ગગડ્યા હતા.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં કહ્યું હતું કે 30 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી છે., જે મહત્તમ મર્યાદા છે. રિઝર્વ બેન્ક આ દિશામાં કડક પગલાં ભરશે.