Home Blog Page 4936

આઈપીએલ પર કોરોના સંકટઃ વિદેશી ખેલાડીઓ નહીં આવી શકે

નવી દિલ્હીઃ આઈપીએલના આયોજન પર કોરોનાનું સંકટ મંડરાઈ રહ્યું છે. કોરોના વાયરસના કારણે ટૂર્નામેન્ટના આયોજનને લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. 29 માર્ચથી શરુ થવા જઈ રહેલી આઈપીએલની શરુઆતની મેચોમાં વિદેશી પ્લેયર્સ જોડાઈ શકશે નહી.

પ્રાપ્ત વિગતો અનુસાર ટુર્નામેન્ટમાં આવનારા વિદેશી પ્લેયર્સના વિઝા પર 15 એપ્રીલ સુધી રોક લગાવી દેવામાં આવી છે અને બાદમાં જ કોઈ વિદેશી લોકો ભારત આવવાના વિઝા મેળવી શકશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશી પ્લેયર્સના ભાગ લેવા પર હજી કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ વર્ષે થનારી આઈપીએલ 29 માર્ચથી શરુ થઈ શકશે કે નહી તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

ભારત સરકારે કોરોના વાયરસના વધતા સંકટથી સતર્ક થઈને ભારતમાં આવનારા વિદેશી મહેમાનને 15 એપ્રીલ સુધી વિઝા ન આપવાનો નિર્ણય કર્યો છે. અત્યારે બીસીસીઆઈએ આ મામલે કંઈ કહ્યું નથી. તેમણે આ મામલે રાહ જોવાની અને આ પોલીસીને યોગ્ય રીતે જાણ્યા બાદ જ કંઈક કહેવાનો નિર્ણય કર્યો છે.

ભારત સરકાર દ્વારા વિદેશી મહેમાનોને આપેલા વિઝા પર 15 એપ્રીલ સુધી રોક લગાવી દેવામાં આવી છે. આ મામલે બીસીસીઆઈ આવનારા કેટલાક દિવસો સુધી રાહ જોયા બાદ જ કોઈ નિર્ણય લેવાની વાત કહી છે. દેશમાં વધી રહેલા કોરોના વાયરસના મામલાને જોતા ભારતીય સરકારે આ કડક નિર્ણય લીધો છે.

કોંગ્રેસ છોડવાના સિંધિયાના 10 કારણ અને 10 પડકાર

હોળી ધૂળેટી દરમિયાન ભાજપનું રંગપંચમી અભિયાન મધ્યપ્રદેશમાં સત્તાનો રંગ લાવશે તે ઉત્તરાયણ પછી જ સ્પષ્ટ થઈ ગયું હતું. આમ છતાં, કોંગ્રેસના સિનિયર નેતાઓ પવન પડવા લાગ્યો તે પછીય પોતપોતાના પતંગ ઉડાવતા રહ્યા હતા. ધૂળેટીના દિવસે આખરે ધાર્યા પ્રમાણે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના કેસરિયા રંગે રંગાવાનું નક્કી કર્યું. કેટલાક હવે એવું કહી રહ્યા છે કે સિંધિયા માટે આ કેસરિયા કરવા જેવું જ છે. તેમના માટે કોંગ્રેસમાં અસ્તિત્વ બચાવવાનો સવાલ હતો. રાજકીય અસ્તિત્વ બચાવવા ભાજપમાં ગયા છે, પણ ત્યાંય તેમણે ટકી જવા સંઘર્ષ કરવાનો થશે.
બુધવારે બપોરે ઉદ્વેગ ચોઘડિયામાં આખરે ભાજપમાં તેમનો સત્તાવાર પ્રવેશ થયો ત્યારે આવકાર આપવા માટે અમિત શાહ હાજર રહ્યા નહોતા. માત્ર સત્તાવાર રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો. બિનસત્તાવાર અને અસલી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આવ્યા નહિ, એટલે પ્રથમ દિવસે જ ‘મહારાજા’ને એક પગથિયું નીચે ઉતારીને ‘ખંડિયા રાજા’ બનાવી દેવાયા. તે પછી માત્ર રાજ્યસભાના ઉમેદવાર બનાવીને મધ્યપ્રદેશના રજવાડાથી બહાર મોકલી દેવાયા એટલે રાજામાંથી હવે માત્ર ભાજપ માટે લડનારી એક ટુકડીના ‘સેનાપતિ’ બની ગયા.

ભાજપના મુખ્યાલય પર પત્રકારોને નાનકડું સંબોધન કર્યા પછી ભાજપના નેતાઓ તેમને ઘેરીને અંદર લઈ ગયા હતા, જેથી પત્રકારો સાથે વાર્તાલાપ ના કરી શકે. ભાજપના સભ્ય બન્યા પછી અડધો કલાકમાં જ તેમની બોલવાની આઝાદી પણ લઈ લેવામાં આવી. મધ્યપ્રદેશની સરકાર વાયદા પાળતા નથી માટે મારે સડક પર ઉતરવું પડશે એવું તેમણે જાહેર સભામાં કહ્યું હતું. હવે પત્રકારોને ખાનગીમાં પણ સિંધિયા ભાજપની સરકાર રોજગારીનું વચનપાલન નથી કરી રહી તેવું કહી શકશે નહિ. જે નેતાની પોતાની રોજગારી પક્ષપલટો કરીને મળી હોય તેઓ બીજાને ક્યાંથી રોજગારી આપી શકે?
ભાજપે પોતાના પ્રવક્તા ઝફર ઇસ્લામને સિંધિયાના ઘરે મોકલ્યા હતા અને ત્યાંથી સિંધિયાને લઈને તેઓ મુખ્યાલય પર આવ્યા હતા. ભાજપમાં શું બોલવું તેના પાઠ નેતાને ભણાવાતા હોય છે. તેથી ઝફર ઇસ્લામે તેમને તાલીમ આપી દીધી અને તે પ્રમાણે તેમણે પોતાનું નિવેદન પત્રકારો સમક્ષ આપી દીધું. પક્ષપલટા માટે કોંગ્રેસની નિષ્ફળતાના કારણો તેમણે આપ્યા, પણ આપણે હવે જોઈએ કે અસલી 10 કારણો કયા હતા. સિંધિયાના કોંગ્રેસ છોડવાના 10 કારણો સાથે ભાજપમાં તેમની સામે 10 પડકારો કયા હોય શકે તે પણ જોતા જઇશું.

કારણઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ના બનાવાયા
2018ની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણીપ્રચારમાં જ્યોતિરાદિત્ય છવાયેલા હતા. રાજસ્થાનમાં સચિન પાયલટ ધૂમ મચાવી રહ્યા હતા અને છત્તીસગઢમાં પણ નવા નેતાઓનો ફાલ ઉત્સાહથી પ્રચારમાં લાગ્યો હતો. મધ્યપ્રદેશમાં ભાજપ પણ પોતાના પ્રચારમાં સિંધિયાનું નામ લેતી હતી. ‘માફ કરો મહારાજ, હમે ચાહિએ શિવરાજ’ – એવું સૂત્ર ભાજપનું પણ હતું. તેથી એવું લાગતું હતું કે જો સત્તા મળી તો કોંગ્રેસમાં નવી પેઢીના નેતાઓ આગળ વધશે. તેવું થયું નહિ. મધ્યપ્રદેશમાં કમલનાથને જ મુખ્યપ્રધાન બનાવાયા. રાજસ્થાનમાં સચિને સમાધાન કરીને ડેપ્યુટી સીએમપદ લઈ લીધું, પણ સિંધિયાએ સમાધાન ના કર્યું.

પડકારઃ મુખ્યપ્રધાન બનવું મુશ્કેલ
હાલમાં તો મુખ્યપ્રધાન નથી બનવાનું તે નક્કી થઈ ગયું છે. છ વર્ષ રાજ્યસભામાં હોવાથી આગામી ચૂંટણી પછીય તેમના માટે મુખ્યપ્રધાન બનવાનું શક્ય નહિ હોય. શિવરાજસિંહની જગ્યાએ ભાજપ કોને મુખ્યપ્રધાન બનાવે છે તે જોવાનું રહે છે. નવા મુખ્યપ્રધાન હશે તેમન જ આગામી ચૂંટણીમાં ચેહેરો બનાવાશે, તેથી સિંધિયા માટે એક દાયકો મુખ્યપ્રધાન બનવાનું મુશ્કેલ બની શકે છે.

કારણઃ સાથીઓને પ્રધાનમંડળમાં ઓછા મહત્ત્વનાં ખાતાં
સિંધિયાને મુખ્યપ્રધાન ના બનાવાયા, પણ તેમને શાંત પાડવા તેમના જૂથના 6ને પ્રધાનો બનાવાયા હતા. જોકે તેમને સારાં ખાતાં અપાયા નહોતા તેનો અસંતોષ સિંધિયા જૂથમાં હતો. નાણા, ગૃહ, મહેસૂલ, કૃષિ, શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ જેવા સારા ખાતાં સિંધિયા જૂથના નેતાઓને ના મળ્યા.

પડકારઃ 

ભાજપની સરકાર બનશે તેમ માની લઈએ તો નવી સરકારમાં પણ તેમના બધા સાથીઓને સારા ખાતાં મળે તેવી શક્યતાઓ ઓછી છે. ભાજપમાં પણ છુપા જૂથો છે જ. શિવરાજસિંહની જગ્યાએ નરેન્દ્રસિંહ તોમર કે વિજયવર્ગીયને મુખ્યપ્રધાન બનાવાય તો શિવરાજસિંહના ટેકેદારોને સારા મંત્રાલય આપવા પડે. સુમીત્રા મહાજન જેવા નેતા પણ નારાજ બેઠા છે, તેમનેય સમાવાના. તેથી સિંધિયાના બધા ટેકેદારોને પ્રધાનો પણ નહિ બનવા મળે, ત્યારે સારા મંત્રાલયની ચર્ચા જ અસ્થાને રહેશે.

કારણઃ ટેકેદારોને ટિકિટ ના મળી
આ તો જીત પછીની વાત થઈ, પણ પહેલેથી જ સિંધિયાને કાબૂમાં રાખવા માટે દિગ્વિજય અને કમલનાથ સંપી ગયા હતા. ટિકિટોની વહેંચણીની વાત આવી ત્યારે સિંધિયાના ટેકેદારોને ઓછામાં ઓછી ટિકિટો મળે તે માટેના પ્રયાસો થયા હતા. બે મોટા જૂથો સંપી ગયા હતા એટલે સિંધિયાના ગમે તેટલા પ્રયાસો છતાં બધા ટેકેદારોને ટિકિટ અપાવી શક્યા નહિ. ઘણી જગ્યાએ ટેકેદારોને ધારી બેઠક અપાવી શક્યા નહિ. ટિકિટ મામલે ગરમાગરમી થઈ ત્યારે દિલ્હીમાં હાઇકમાન્ડે નેતાઓને બોલાવ્યા. સિંધિયા બેઠકમાંથી નારાજ થઈને જતા રહ્યા, પણ સરવાળે તેમના ટેકેદારોને ઓછી ટિકિટો મળી.

હાલમા જેટલા ધારાસભ્યો રાજીનામાં આપશે તેમને મોટા ભાગને ફરીથી ભાજપની ટિકિટ મળી શકશે. પરંતુ તેમાંય કર્ણાટકની જેમ અપવાદ રહેવાના. બેથી ચાર ધારાસભ્યોને ટિકિટ ના પણ મળે, કેમ કે ભાજપ પોતાના સ્થાનિક દાવેદારની અવગણના કરે તો ઉલટાની બેઠક ગુમાવવાની પણ આવે.

કારણઃ પત્નીને ટિકિટ ના મળી, પોતાની બેઠક ના બદલી

ટેકેદારો માટે વગ કામ ના આવી અને દિગ્ગીરાજા અને નાથના જૂથે મોવડીઓને મનાવી લીધા, તે પછી અંગત હિતની વાત આવી ત્યારે પણ તેમનું હાઇ કમાન્ડ સામે ચાલ્યું નહોતું. 2018માં વિધાનસભાની ચૂંટણીમાં જીત મળવાથી કોંગ્રેસમાં ઉત્સાહ હતો, પણ 2019ની લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધીમાં હવા ફરી ગઈ હતી. છેલ્લે એર સ્ટ્રાઇકને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ જીતવું મુશ્કેલ લાગ્યું, ત્યારે સિંધિયાએ પણ ગુના બેઠક બદલવા માગણી કરી હતી. તેમને ગ્વાલિયરથી ચૂંટણી લડવી હતી, પણ મનાઈ કરી દેવામાં આવી. પોતાના બદલે પત્નીને ગ્વાલિયરની ટિકિટ મળે તોય ચાલે તેવો વચ્ચેનો રસ્તો પણ દિગ્ગીએ ચાલવા ના દીધો. દિગ્વિજયસિંહે પોતે અઘરી લડાઈ પસંદ કરી અને ભોપાલની બેઠક પર પ્રજ્ઞા ઠાકુર સામે હારી ગયા. સિનિયર નેતાઓને સહેલી બેઠકો નહિ અપાય તેવી નીતિ જાહેર કરાઈ હતી.

પડકારઃ

ભાજપમાં પણ મનગમતી બેઠક મેળવવી મુશ્કેલ બનશે. ગ્વાલિયર ભાજપમાં સિંધિયા પરિવાર અથવા તો ગ્વાલિયર પેલેસના રાજકારણનો ભારે વિરોધ રહ્યો છે. પ્રભાત ઝાએ નારાજી વ્યક્ત પણ કરી છે. અત્યારે રાજ્યસભામાં મોકલ્યા છે, પણ ભવિષ્યમાં લોકસભા માટે મનગમતી બેઠક મેળવવી મુશ્કેલ બનશે. પત્નીને ટિકિટ અપાવવી પણ મુશ્કેલ થશે, કેમ કે પરિવારના એકથી વધુ સભ્યને ટિકિટ આપવાની આવે ત્યારે ભાજપમાં થોડી મુશ્કેલી રહે છે.

કારણઃ પ્રદેશપ્રમુખ બનવા ના મળ્યું
સિંધિયા જૂથ સંગઠન પર કબજો ના જમાવે અને વધુ ટિકિટો ના લઈ જાય તે માટે પ્રથમથી જ દિગ્વિજય અને કમલનાથ સાવધ હતા. તેથી 2018ની ચૂંટણી અગાઉ તેમને મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રમુખ બનવા દેવાયા નહોતા. તેમની જગ્યાએ કમલનાથને પ્રદેશ પ્રમુખ બનાવી દેવાયા હતા. ચૂંટણી પહેલાં અને ટિકિટોની વહેંચણી પહેલાં જ આ રીતે તેમનું ધાર્યું થયું નહોતું.

પડકારઃ પ્રદેશપ્રમુખ બનવાનું શક્ય નહિ બને
ભાજપમાં પણ પ્રદેશપ્રમુખ બનવું શક્ય નથી. ભાજપમાં સંગઠન પર સંઘની વધારે મજબૂત પકડ હોય છે. સંઘની પસંદગીના નેતાને જ પ્રમુખ બનાવાતા હોય છે. બીજું સંગઠન પર આરએસએસ દ્વારા નિમાયેલા પ્રચારક મહામંત્રીનું જ વર્ચસ્વ હોય છે. તેથી સિંધિયા પ્રદેશપ્રમુખ ના બની શકે અને બને તો પણ તેમનું ધાર્યું ના થાય, જે તેઓ કોંગ્રેસમાં કરવા માગતા હતા.

કારણઃ પ્રચારમાં સિંધિયાની અટકનો ફાયદો લેવાયો, પછી અવગણના
વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રદેશપ્રમુખ ના બનાવાયા તેની નારાજી હતી. તે નારાજી દૂર કરવા અને સ્ટ્રેટેજિક કારણોસર કોગ્રેસના મોવડીમંડળે તેમને વિધાનસભા ચૂંટણી વખતે પ્રચારસમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. સિંધિયા નામ હજીય નાનો મોટો ટેકેદાર વર્ગ છે અને ગ્રામીણ પ્રજા તે પરિવારના નામે મતો આપતી હોય છે. કોંગ્રેસે તેનો ફાયદો લીધો. ખાસ કરીને ગ્વાલિયર અને ચંબલ પ્રદેશમાં કોંગ્રેસને 34માંથી 27 બેઠકો પણ મળી. જોકે બાદમાં પક્ષે વળતર ના આપ્યું અને મુખ્યપ્રધાન બનાવ્યા નહિ.

પડકારઃ પ્રચારમાં સિંધિયાનો ચહેરો નહિ હોય
ભવિષ્યમાં શું થશે તે નક્કી નથી, પરંતુ હાલમાં ભાજપના પ્રચારમાં માત્ર એક જ ચેહેરો હોય છે – નરેન્દ્ર મોદી. ભાજપને બીજા કોઈ ચહેરાના નામે મતો માગવાની જરૂર નથી. બીજું સિંધિયા પરિવારના નામે ભાજપ મતો માગવા નીકળશે ત્યારે ગાંધી પરિવાર સામેની તેમની ટીકાની ધાર બૂઠી થઈ જવાની. એટલે અટકનો કોઈ ફાયદો મળશે નહિ કે તેના કારણે વિશેષ લાભ પણ મળશે નહિ.

કારણઃ અધિકારીઓ સાંભળતા નહોતા, નિમણૂકો થતી નહોતી
પોતાના વિસ્તારમાં માનીતા અધિકારોને મૂકાતા નહોતા તેની ફરિયાદ પણ હતી. સમગ્ર સરકારી તંત્ર પર કમલનાથ અને દિગ્વિજયસિંહની પક્કડ હતી. દિગ્વિજય સુપરસીએમ કહેવાય છે. સિંધિયા પરિવાર સાથે દોઢ સદી જૂની દુશ્મનાવટ દિગ્વિજયસિંહની છે. તેમના પરિવારની જાગીર રાધોગઢ હતી અને સિંધિયાના ખંડિયા રાજા હતા, પણ રાણી લક્ષ્મીબાઇને દગો દઈને જીવાજીરાવ સિંધિયાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો. તે વખતે રાઘોગઢ લક્ષ્મીબાઇ સાથે રહ્યું હતું અને સિંધિયા પરિવારનો કાયમ વિરોધ રહ્યો હતો. સિંધિયા કે તેમના પ્રધાનોના ધાર્યા કામ અધિકારીઓ કરતા નહોતા.

પડકારઃ અધિકારીઓ ભાજપના સીએમનું પણ સાંભળતા નથી
ભાજપનું મોવડીમંડળ અત્યારે દિલ્હીમાં બેઠાબેઠા અધિકારીઓ વડે જ આખું તંત્ર ચલાવે છે. ભાજપનું શાસન છે ત્યાં પણ મુખ્યપ્રધાને ખાસ કંઈ કરવાનું હોતું નથી. દિલ્હીથી સીધી અધિકારીઓને સૂચના જતી હોય છે. ગુજરાતમાં સીએમ કે ડેપ્યુટી સીએમ શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે, તંત્ર દિલ્હીમાં બેઠેલા મોવડીઓની ઇચ્છા અનુસાર શક્તિશાળી અમલદારો ચલાવતા હોય છે. સિંધિયાને કેન્દ્રમાં પ્રધાન બનવા મળશે તોય તેમના સચિવો તેમનું સાંભળવાના નથી.

કારણઃ પોતાના વિસ્તારને યોજનાઓ ના મળી
સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ કયા પ્રદેશમાં જશે તેનો નિર્ણય કમલનાથ અને દિગ્વિજય પોતાની રીતે કરી લેતા હતા. સિંધિયાના પ્રભુત્વવાળા પ્રદેશોમાં કોઈ વિશેષ યોજના આવતી નહોતી તેવી ફરિયાદ હતી. પોતાના વિસ્તારના ખેડૂતોને રાહત પણ ના મળી તેનો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પડકારઃ પોતાના વિસ્તારને મહત્ત્વ આપવાનું શક્ય નથી
ભાજપમાં પણ પોતાના વિસ્તારમાં પ્રોજેક્ટ્સ લાવવાનું એટલું સહેલું હોતું નથી. ભાજપના સાંસદો અને પ્રધાનોની સંખ્યા મોટી છે. ઘણા બધા રાજ્યોમાં સત્તા છે અને રાજ્યકક્ષાના નેતાઓની પણ માગણીઓ હોય છે. બીજું કે ઉદ્યોગગૃહોને માફક આવે તે રીતે જંગી પ્રોજેક્ટ્સ આવતા હોય છે, ત્યાં નેતાઓની ઇચ્છા પ્રમાણે પ્રોજેક્ટ્સ પાસ કરાવવા મુશ્કેલ હોય છે.

કારણઃ અપમાનજનક સ્થિતિ
પક્ષમાં અવગણના થતી હતી. મોવડીમંડળને મળવાનું પણ મુશ્કેલ હતું. મુખ્ય પ્રધાન કમલનાથે સમાધાન માટે પ્રયાસો કર્યા નહોતા. વચનપાલન નહિ થાય તો પોતે રસ્તા પર ઉતરી પડશે એવું સિંધિયાએ જાહેરસભામાં કહ્યું હતું. તેના જવાબમાં કમલનાથે એટલું જ કહ્યું હતું – ‘ઉત્તર જાયેં’.

પડકારઃ માન મર્યાદામાં જ મળશે
ભાજપમાં જાહેરમાં ઓછું અપમાન થાય છે. જૂથબંધી પણ ખાનગીમાં વધારે ચાલે છે, તેથી અપમાનજનક સ્થિતિ નહિ થાય, પણ વધારે કોઈ માન મળશે નહિ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જલદી મળે નહિ, એ જ રીતે નરેન્દ્ર મોદી પણ કોઈને મળતા નથી. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર પણ સ્ક્રિપ્ટ પ્રમાણે જ મહેમાન કલાકાર તરીકે જ હાજરી પુરાવવા મળશે. તેમને આવકારવા અમિત શાહ પણ હાજર રહ્યા નહોતા તે ઉપર વાત કરી જ છે.

કારણઃ ભવિષ્ય નથી
કોંગ્રેસમાં પોતાના માટે કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસમાં નેતૃત્ત્વનો પ્રશ્ન આવીને ઊભો છે અને વિચારસરણીની પણ અવઢવ છે. પક્ષ કઈ દિશામાં જવા માગે છે તેની અનિશ્ચિતતા છે. તે સંજોગોમાં પોતાનું રાજકીય ભવિષ્ય શું હશે તેની અસ્પષ્ટતા ઊભી થઈ હતી.

પડકારઃ ભવિષ્ય અનિશ્ચિત
રાજકારણમાં કોઈ પણ નેતાનું ભાવિ અનિશ્ચિત જ હોય છે. આજનો અત્યંત મજબૂત નેતા કાલે હારી પણ જાય. કોઈને લોટરી લાગી જાય અને જૂથબંધીમાં અચાનક સીએમ પણ બની જાય. તે સંજોગોમાં ભાજપમાં જોડાયા પછી ભવિષ્ય સુનિશ્ચિત થઈ ગયું છે તેવું કહી શકાય નહિ. રાજ્યસભાની ટિકિટ મળી ગઇ છે, પણ કેન્દ્રમાં પ્રધાન બનવા મળશે તેમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ.

RBL, સાઉથ ઇન્ડિયન અને કર્ણાટક બેન્કે અફવાઓ પર સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ યસ બેન્કની નાણાકીય કટોકટી પછી કેટલીય અન્ય ખાનગી બેન્કો વિશે સોશિયલ મિડિયા પર અનેક અફવાઓ ચાલી રહી છે. જેથી આરબીએલ બેન્ક કર્ણાટક બેન્ક અને સાઉથ ઇન્ડિયન બેન્કે સ્પષ્ટતા કરવી પડી હતી. આ ત્રણે બેન્કોએ પોતાના ગ્રાહકોને અફવાઓ વિશે કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ મજબૂત અને સ્થિર છે. કોઈ પણ પ્રકારની અફવાઓ ખોટી છે અને સત્યથી વેગળી છે.

રિઝર્વ બેન્કે પણ ટ્વીટ કર્યું

આ પહેલાં રિઝર્વ બેન્કે પણ એક પછી એક બે ટ્વીટમાં જણાવ્યું હતું કે કેટલીક અન્ય ખાનગી બેન્કોને લઈને અફવાઓ ચાલી રહી છે, જે સદંતર ખોટી છે. ડિપોઝિટર્સના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

ટીવી ચેનલના અહેવાલે અફવા પ્રસરી

એક ટીવી ચેનલે આરબીએલ બેન્ક, કર્ણાટક બેન્ક અને સાઉથ ઇન્ડિયન બેન્કની મૂડી અને કુલ રકમ જમા વિશે ઉલ્લેખ કર્યો હતો. જેથી આ અહેવાલ સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. ત્યાર બાદ ત્રણ બેન્કોએ તેમની સ્થિતિ વિશે સ્પષ્ટીકરણ જારી કર્યું હતું. આરબીએલ બેન્કે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ મજબૂત છે. અને કોઈ પણ પ્રકારની અફવા નિરાધાર છે. કર્ણાટક બેન્કે પણ કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ પણ ઘણી મજબૂત છે અને રોકાણકારોએ કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. આ જ રીતે સાઉથ ઇન્ડિયન બેન્કે પણ કહ્યું હતું કે એનો કેપિટલ ટુ રિસ્ક એસેટ્સ રેશિયો જાન્યુઆરીના અંતે 13.12 ટકા હતો, જે આરબીઆઇના નિયમો કરતાં પણ વધુ છે.

 

એરપોર્ટ પર સ્ક્રિનિંગમાં બેદરકારીની શક્યતા નથીઃ સ્વાસ્થ્ય મંત્રી

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનું બીજું ચરણ સોમવારથી શરુ થયું છે. લોકસભામાં આજે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે સ્ક્રિનિંગમાં બેદરકારીની કોઈ શક્યતા જ નથી. 30 એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યમાંથી રોજ હેલ્થ રિપોર્ટ મંગાવાઈ રહ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. ઈરાનમાં પણ લેબ બનાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં લોકોને સંકટમાં ન નાંખી શકીએ એટલે કોરોનાને લઈને જાગૃતતા લાવવામાં મદદ કરો. 51 લેબમાં કોરોનાને લઈને ટેસ્ટ ચાલી રહ્યા છે. ઈટલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓના સેમ્પલ લાવવામાં આવી રહ્યા છે.

લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, એરપોર્ટ પર બહારથી આવેલા યાત્રીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. કેટલાક લોકોને તે જ સમયે અલગ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે લોકો પર શંકા હોય છે તેમનો તમામ ડેટા NCDC પાસે દિલ્હી મોકલી દેવામાં આવે છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.

સરકારે કહ્યું કે, કોરોના વાયરસના કારણે ફેલાયેલા ડર વચ્ચે એરપોર્ટ પર આવનારા વિદેશી યાત્રીઓના આંકડામાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસના કારણે આ આંકડો 70,000 થી 62,000 પર પહોંચી ગયો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે લોકસભામાં કહ્યું કે, કોરોના વાયરસને જોતા વિદેશોથી જલ્દી જ ભારતીયોને પાછા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, મેડિકલ ટીમને વિદેશ મોકલવામાં આવશે. ઈરાનમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. ઈરાનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે તેમના પરિજનોએ મુલાકાત કરી. વિદેશમાં રહેનારા ભારતીય એમ્બેસીનો સંપર્ક કરે.

ઉલ્લેખનીય છે કે સત્રના પ્રથમ દિવસથી દિલ્હી હિંસાએ બંન્ને સદનોની કાર્યવાહીને પ્રભાવિત કરવામાં આવી છે. વિપક્ષનો વિરોધ શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. લોકસભામાં તો કોંગ્રેસી સાંસદોને સપ્સેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ આ વિરોધની તપાસ માટે કમીટીની રચના પણ કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, કોરોના વાયરસના મુદ્દે સંસદને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ નથી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં કહ્યું કે, આ આંકડામાં વધારે ઘટાડો આવી શકે છે અને આ આશરે 40,000 સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

સેન્સેક્સમાં 3000 પોઇન્ટ અને નિફ્ટીમાં 900 પોઇન્ટનો કડાકો

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાઇરસને WHOએ વૈશ્વિક સ્તરે રોગચાળો જાહેર કર્યો હતો. વળી, કોરોના વાઇરસના કેસના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, એ જોતાં વૈશ્વિક બજારમાં ભાગે ગભરાટ ફેલાયો હતો. ભારત સહિત અનેક દેશો સાવચેતીરૂપે તેમના દેશમાં ફોરેનર્સના આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેથી વૈશ્વિક અર્થતંત્રને લઈને અસમંજસતાભર્યો માહોલ છે. જેને લીધે વૈશ્વિક શેરબજારોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. જેથી સેન્સેક્સ 3000 પોઇન્ટ  નિફ્ટી ઇન્ડેક્સ પણ 900 પોઇન્ટ તૂટ્યા હતા.

BSE-500- એક મહિનામાં 98 શેરોએ નકારાત્મક રિટર્ન આપ્યું

શેરબજારો પર કોરોનો વાઇરસનો ઓછાયો છે, ત્યારે BSE-500 ઇન્ડેક્સ એક મહિના દરમ્યાન 3,149 પોઇન્ટ તૂટ્યો છે. આ ઇન્ડેક્સમાંના 500 શેરો પૈકી 492 શેરોએ નકારાત્મક વળતર આપ્યું છે અને આ શેરો 64 ટકા સુધી તૂટ્યા છે.

બે કલાકમાં રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ સ્વાહા

મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ 2800 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો છે, ત્યારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1,26,12,428 કરોડ થઈ ગયું છે, જે ગઈ કાલે આ કંપનીઓનું માર્કેટ કેપ 1,37,13,558.72 કરોડ હતું. આમ માત્ર બે કલાકમાં જ રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ સાફ થઈ ગયા હતા.

ડોલર સામે રૂપિયામાં ધોવાણ

ફોરેક્સ માર્કેટમાં ડોલરની સામે રૂપિયા બજાર ખૂલતાની સાથે જ 74.50 થયો હતો. પ્રારંભમાં ડોલર સામે રૂપિયો 82 પૈસા તૂટ્યો હતો. કોરોના વાઇરસને કારણે આર્થિક મંદીને કારણે ડોલર સામે રૂપિયામાં ભારે ધોવાણ થયું હતું. ડોલર સામે રૂપિયો 17 મહિનાની નીચી સપાટીએ હતો.

 

કેવોક છે રજનીકાંતનો રાજનીતિ બદલવાનો પ્લાન?

નવી દિલ્હીઃ સુપરસ્ટાર રજનીકાંતે પોતાના ભવિષ્યના રાજકારણને લઇ પત્તા ખોલી નાંખ્યા છે. રજનીકાંતે કહ્યું છેકે તેઓ એક એવી પાર્ટી બનાવા જઇ રહ્યા છે જેમાં સરકાર અને પાર્ટી અલગ-અલગ કામ કરશે. રજનીકાંતના પ્લાન પ્રમાણે તેઓ પોતે પાર્ટીના નેતા હશે અને પોતે મુખ્યમંત્રી બનશે નહીં. રજનીકાંતે એમ પણ કહ્યું કે તેમની પાર્ટીનો નિયમ એ છે કે જે પણ નેતા પાર્ટીનું નેતૃત્વ કરશે તેઓ કયારેય સરકારનો હિસ્સો બનશે નહીં.

રજનીકાંતે કહ્યું કે તેઓ છેલ્લાં ઘણા સમયથી તામિલનાડુનું રાજકારણ જોઇ રહ્યા છે. તેમણે ડીએમકે અને એઆઇએડીએમકેનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકો બદલાવ માંગે છે. રજનીકાંતે કહ્યું કે તેઓ પોતાની પાર્ટીમાં યુવાનો અને ભણેલા-ગણેલા લોકોને તક આપી તામિલનાડુમાં નવી લીડરશીપ તૈયાર કરવા માંગે છે. તેના માટે તેમણે એ નિર્ણય લીધો છે કે તેઓ પોતે સીએમ કેન્ડિડેટ બનશે નહીં.

રજનીકાંતના ડ્યુઅલ પ્લાનના મતે પાર્ટીમાં બે સેક્શન હશે. એક સેકશન પાર્ટીને જોશે અને બીજું સરકારના કામકાજને જોશે. રજનીકાંતના મતે અમે એ નક્કી કર્યું છે કે પાર્ટી સરકાર પર હાવી થશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભણેલા-ગણેલા અને સારા ટ્રેક રેકોર્ડવાળા લોકોને પોતાની પાર્ટીમાં ચૂંટણી લડવાની તક આપશે.

થલૈવાના નામથી પ્રખ્યાત રજનીકાંતે કહ્યું કે અમે અમારી મીટિંગમાં નક્કી કર્યું છે કે જે પાર્ટીના નેતા હશે તેઓ સરકારમાં સામેલ થશે નહીં. જે મુખ્યમંત્રી બનશે તે પાર્ટીના મુખ્યિયા હશે નહીં. હું પાર્ટીનો નેતા રહીશ અને કોઇ બીજો વ્યક્તિ સીએમ ઉમેદવાર હશે. તે વ્યક્તિ રાજ્યમાંથી હશે, ભણેલો હશે અને તેમાં રાજ્યને લઇ એક વિઝન હશે.

રજનીકાંતે આગળ કહ્યું કે પાર્ટી ખુદ જ અમારી જે સરકારને પ્રશ્ન પૂછશે, કંઇપણ ખોટું થશે તો અમારી પાર્ટી ખુદ જ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે. અમે સમાંતર સરકાર ચલાવીશું નહીં. અમારી પાસે સીમિત સંખ્યામાં લોકો છે. અમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીશું. તામિલનાડુના લોકો માટે અમે જે પ્લાન તૈયાર કર્યો છે તેને લઇ અમે લોકોની વચ્ચે જઇશું. અમે આ અંગે નેતાઓ, પત્રકારો અને અધિકારીઓ સાથે પણ વાત કરી ચૂકયા છીએ પરંતુ કોઇપણ આ પ્લાન પર રાજી નથી. પરંતુ અમે અમારા આ પ્લાન પર આગળ વધીશું.

સુવિચાર – ૧૨ માર્ચ, ૨૦૨૦

સિંધિયાના ભાજપમાં જવાથી હવે મધ્યપ્રદેશના રાજનૈતિક સંકટમાં શું થશે?

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના કદ્દાવર નેતા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા છે. સિંધિયા ભાજપમાં આવવાથી હવે 22 જેટલા ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્યપ્રદેશની કમલનાથ સરકારના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે. કોંગ્રેસના તમામ પ્રયત્નો હવે બાગી ધારાસભ્યોને મનાવવા માટેના છે. તો આવો જાણીએ કે મધ્યપ્રદેશના રાજનૈતિક સંકટમાં હવે આગળ શું-શું થઈ શકે છે.

મધ્યપ્રદેશના સિંધિયા સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. હવે વારો વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિનો છે કે જેઓ કોંગ્રેસના નેતા છે. નિયમો અનુસાર જો કોઈ સભ્યએ રાજીનામું આપ્યું છે તો તેનાથી વિધાનસભા અધ્યક્ષ સંતુષ્ટ હોવા જરુરી છે. તો તેઓ સંતુષ્ટ છે તો રાજીનામું સ્વીકારી શકે છે. જો સ્પીકરને લાગે છે કે દબાણ કરીને ધારાસભ્યોનું રાજીનામું અપાવવામાં આવ્યું છે તો તેઓ સભ્યો સાથે વાત કરી શકે છે. સાથે જ એ સભ્યને પોતાના સમક્ષ ઉપસ્થિત થવા માટે કહી શકે છે. સ્પીકર સંતુષ્ટ હોય ત્યારે જ રાજીનામાને પછીની કાર્યવાહી માટે આગળ વધારી શકાય છે. કર્ણાટકમાં સ્પીકર આવું કરી ચૂક્યા છે. વર્તમાન સ્થિતિને જોતા એવું સહેજ પણ લાગતું નથી કે સ્પીકર એટલી સરળતાથી રાજીનામાનો સ્વિકાર કરશે.

સંવિધાનના નિયમો અનુસાર વિધાનસભા અધ્યક્ષ રાજીનામા આપનારા સભ્યોને પૂર્ણ કાર્યકાળ માટે અયોગ્ય જાહેર નથી કરી શકતા. આ પહેલા કર્ણાટકમાં વિધાનસભા અધ્યક્ષે રાજીનામું આપનારા બાગી ધારાસભ્યોને હંમેશા માટે અયોગ્ય જાહેર કર્યા હતા. આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ધારાસભ્યોની અયોગ્યતાને યોગ્ય નહોતી માની પરંતુ તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી.

મધ્યપ્રદેશની વર્તમાન સ્થિતિમાં રાજ્યપાલની કોઈ સીધી ભૂમિકા નથી. જો કે 16 માર્ચથી મધ્યપ્રદેશમાં બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે. આ બજેટ સત્ર આ વખતે સરકારનું ભવિષ્ય નક્કી કરી શકે છે. આમાં કમલનાથ સરકારના બહુમતનું પરીક્ષણ થઈ શકે છે. જો સરકાર બજેટ પાસ કરાવવામાં નિષ્ફળ જાય છે તો સરકારનું પડવું નિશ્ચિત થઈ જશે. રાજ્યપાલ લાલજી ટંડને કહ્યું છે કે હું આ આખા ઘટનાક્રમ પર નજર રાખીને બેઠો છું.

જો મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા 230 માંથી અડધાથી વધારે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું તો પછી વારો રાજ્યપાલનો આવશે. આ રાજ્યપાલના વિવેક પર નિર્ભર કરશે કે તેઓ સદનને ભંગ કરીને વચગાળાની ચૂંટણીની ભલામણ કરે કે પછી ખાલી સીટો પર બાય ઈલેક્શનની. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ બાય ઈલેક્શન પર ભાર આપશે.

શરદ પવારે કહ્યું, સિંધિયા સાથે વાત થઈ હોત તો સ્થિતિ ન બગડત

મુંબઈઃ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, તેમને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ક્ષમતાઓ પૂર્ણતઃ વિશ્વાસ છે જેમની 14 મહિના જૂની સરકાર વરિષ્ઠ પાર્ટી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના પ્રત્યે નિષ્ઠા રાખનારા ધારાસભ્યોની બગાવતને ગઈને સરકાર પડી જવાની કગાર પર પહોંચી ગઈ છે. પૂર્વ કોંગ્રેસી પવારે કહ્યું કે, જો સિંધિયા સાથે વાતચીત શરુ કરવામાં આવી હોત તો પાસેના રાજ્યમાં વર્તમાન સ્થિતિ ઉત્પન્ન ન થાય. સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. સિંધિયાએ એક દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી દીધી હતી. પવારે મીડિયાને કહ્યું કે, લોકો માને છે કે કમલનાથ ચમત્કાર કરી શકે છે. આ આવનારા એક-બે દિવસમાં ખ્યાલ આવી જશે કે આ વાસ્તવમાં થશે. મને મધ્યપ્રદેશ વિધાનસભાની સંરચના વિશે ખ્યાલ નથી.

તેમણે કહ્યું કે, પરંતુ જો રાજા સાહેબની સાથે એક વાત થઈ હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત. તેઓ વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં પોતાની હાર બાદ ઈચ્છતા હતા કે તેમને નવી જવાબદારી આપવામાં આવે. આ કોંગ્રેસની સંસ્કૃતિ નથી અને આ સરળ પણ નથી.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એ વાત ખોટી છે કે કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વની ઉણપ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં એક નેતૃત્વ છે અને તેઓ સક્ષમ છે. એનસીપી પ્રમુખ પવારે મહારાષ્ટ્રમાં મધ્ય પ્રદેશ જેવી રાજનૈતિક સ્થિતિ હોવાથી ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર સારું કામ કરી રહી છે અને યોગ્ય રસ્તા પર છે. એ વાતમાં કોઈ સંદેહ નથી કે, મહા વિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

કોરોના વાઇરસ રોગચાળો જાહેરઃ યુરોપથી અમેરિકા યાત્રા પર 30 દિવસનો પ્રતિબંધ

નવી દિલ્હી: કોરોના વાઇરસના કહેરને જોતાં અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપથી અમેરિકાના બધા પ્રવાસો પર 30 દિવસ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.અમેરિકાનો આ નિર્ણય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના વાઇરસને વિશ્વ માટે મહામારી (જીવલેણ) રોગ જાહેર કર્યાના એક દિવસ પચી આવ્યો છે. કોરોનાને મહામારી જાહેરત કરતાં WHOએ કહ્યું હતું કે આ વાઇરસથી અત્યાર સુધી વિશ્વભરમાં 4300થી વધુ લોકોનાં મોત થયાં છે. યુરોપિયન દેશ ઇટાલીએ કોરોના વાઇરસ વધુ પ્રસરતાં અટકાવવા માટે સંપૂર્ણ રીતે લોક ડાઉન જાહેર કર્યું છે. ખાડી દેશોએ પણ વિદેશોના આવાગમન માટે પ્રતિબંધ મૂક્યો છે.

કોરોના વાઇરસથી સંકળાયેલી 10 વાતો

  1. એર ઇન્ડિયાએ રોમ, મિલાન અને સોલ માટે પોતાની ફ્લાઇટો અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે રોમ, મિલાન અને સોલની ફ્લાઇટો મોટે ભાગે 15થી 28 માર્ચ સુધી બંધ રહેશે.
  2. દિલ્હીમાં રહેતા 46 વર્ષીય એક વ્યક્તિને બુધવારે તપાસ દરમ્યાન કોરોના વાઇરસની પુષ્ટિ થઈ હતી. એ વ્યક્તિએ ઇટલી સહિત ત્રણ દેશોનો પ્રવાસ કર્યો હતો. દિલ્હીમાં આ કેસના દર્દીની સંખ્યા પાંચની થઈ છે. સરકારે કહ્યું છે કે તેના આસપાસના 50 ધરોની નિગરાની કરાઈ ચૂકી છે.
  3. ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 67 ટઈ છે. જોકે ભારતૈ કોરોના પ્રભાવિત દેશોના પ્રવાસ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે આ રોગને પ્રસરતો અટકાવવા અનેક પગલાં લીધાં છે.
  4. કોરોના કહેરને કારણે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે જમ્મુના પાંચ જિલ્લાઓમાં પ્રાથમિક સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રોને 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.
  5. કોરોના વાઇરસના ખોટા સમાચાર ફેલાવશે એ વ્યક્તિને દંડ કરવામાં આવશે.
  6. વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 1,19,400થી વધી ગઈ છે, જેમાં 4,300 લોકોનાં મોત થયાં છે.
  7. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે ઇટલી અને ઇરાનમાં આ રોગ માટે બહુ ચિંતાનું કારણ છે. ત્યાંથી ભારતીયોને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે.
  8. જયશંકરને કહ્યું કે આ બીમારી આશરે 90 દેશોમાં ફેલાઈ ગઈ છે. વિશ્વભરમાંથી ભારતીયોને પાછી લાવવાની પ્રક્રિયા ચાલુ છે
  9. અત્યાર સુધી કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોમાંથી 948 પ્રવાસીઓને કાઢી શકાયા છે, જેમાંથી 900 ભારતીય નાગરિકો છે