Home Blog Page 4847

રિઝર્વ બેન્કના રાહત પેકેજથી સેન્સેક્સ-નિફ્ટી ગેલમાં

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં લાલચોળ તેજી થઈ હતી. રિઝર્વ બેન્કના રાહત પેકેજથી બેન્કિંગ અને નાણાકીય શેરોમાં ભારે લેવાલીથી આગઝરતી તેજી થઈ હતી. ઓટો શેરોમાં પણ ભારે તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 3.5 લાખ કરોડનો વધારો થયો હતો. બજારની અપેક્ષા છે કે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે હજી વધુ મોટા એલાન થવાની શક્યતા છે વૈશ્વિક બજારોની તેજીની પણ હકારાત્મક અસર પડી હતી. જેથી બજાર આજે એક મહિનાના ઉપલા સ્તરે બંધ થયું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીએ આશરે 3.5 ટકાની છલાંગ

સેન્સેક્સ અને નિફ્ટીએ આશરે 3.5 ટકાની છલાંગ લગાવી હતી. સેન્સેક્સ 986 પોઇન્ટ 31,589એ બંધ થયો હતો અને નિફ્ટી ઇન્ડેક્સ 274 પોઇન્ટ ઊછળીને 9,267ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 1,281 પોઇન્ટ વધીને 20,681ના સ્તરે બંધ થયો હતો. બેન્ક નિફ્ટીના 12 શેરોમાં તેજી થઈ હતી. જ્યારે મિડકેપ 286 પોઇન્ટ વધીને 13,047ના મથાળે બંધ રહ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અઢી ટકા તેજી સાથે બંધ થયો હતો. રિઝર્વ બેન્કે કોવિડ-19થી દેશના અર્થતંત્રને બચાવવા માટે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. જેમાં એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને રાહત આપવા સિવાય સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાના ઉપાય પણ સામેલ છે. રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જેથી બેન્કો હવે નાના-મોટા ઉદ્યોગોને વધુ સરળતાથી લોન આપી શકશે. કંપનીઓ વિસ્તરણ કરી શકશે, જેથી જોબ માર્કેટમાં તેજી આવશે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 23 શેરોમાં તેજી થઈ હતી અને નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.

સપ્તાહમાં સેન્સેક્સ દોઢ ટકો અને નિફ્ટી 1.9 ટકા વધ્યા

આ સપ્તાહમાં સેન્સેક્સ દોઢ ટકો અને નિફ્ટીમાં 1.9 ટકા તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારે બેન્ક નિફ્ટી 4.4 ટકા અને મિડકેપ શેરોમાં 3.9 ટકાની તેજી થઈ હતી.

કંપની ત્રિમાસિક પરિણામોની મોસમ

આગામી સપ્તાહે કેટલીય અગ્રણી બેન્કો અને હેવી વેઇટ કંપનીઓનાં પરિણામો આવવાનાં છે. જેથી આસપ્તાહે આઇસીઆઇસીઆઇ બેન્કર 15 ટકા, એક્સિસ બેન્ક 16 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં 17 ટકાની તેજી થઈ હતી. આ ઉપરાંત સિપ્લામાં 18 ટકા, શ્રી સિમેન્ટમાં 19 ટકાની તેજી થઈ હતી.

 

જાણો, કેવી રીતે WHO ને મળે છે ફંડીંગ?

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. વિભિન્ન દેશો પોતાની રીતે આ મહામારી સામે લડી રહ્યા છે અને આ બીમારી સામે લડવા માટે દેશોને વધારે ધનની જરુર છે. ત્યારે આવા સમયમાં આશાનું કિરણ WHO દેખાય છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દ્વારા WHO ને થતું ફંડિંગ રોકી દીધું છે.

WHO ને પૈસા આપનારા લોકોમાં સૌથી વધારે યોગદાન અમેરિકાનું રહે છે. યોગદાન કુલ ફંડિંગનું 14.67 ટકા જેટલું હતું. બાદમાં WHO સામે આર્થિક સંકટ આવી શકે છે. ત્યારે આવામાં એ જાણવું જરુરી છે કે કેવી રીતે WHO નું ફંડિંગ કરાય છે?

WHO માટે ચાર રીતે ફંડિંગ કરવામાં આવે છે, જેમાં મૂલ્યાંકન યોગદાન, નિર્દિષ્ઠ સ્વૈચ્છિક યોગદાન, કોર સ્વૈચ્છિક યોગદાન અને પીઆઈપી યોગદાનનો સમાવેશ થાય છે. WHO ની વેબસાઈટ અનુસાર, મુલ્યાંકન યોગદાનમાં સંગઠનના સભ્ય બાકી રકમની ચૂકવણી કરે છે. પ્રત્યેક સભ્ય દેશ દ્વારા કરવામાં આવનારી ચૂકવણીની ગણતરી દેશના ધન અને જનસંખ્યાની સાપેક્ષ કરવામાં આવે છે. સ્વૈચ્છિક યોગદાન સભ્ય દેશો અથવા અન્ય ભાગીદારોથી આવે છે.

તો કોર સ્વૈચ્છિક યોગદાન અંતર્ગત ઓછા ફંડિંગ ગતિવિધિઓને સંસાધનોના સારા પ્રવાહથી લાભાન્વિત કરવા અને તત્કાલ મુશ્કેલીના સમયમાં ફંડિંગ કરવામાં આવે છે. જ્યારે પેનડેમિક ઈંફ્લૂએંઝા પ્રિપેયર્ડનેસ યોગદાનને 2011 માં શરુ કરવામાં આવ્યું હતું. આ સંભવિત મહામારીમાં સુધાર અને વિકાસશીલ દેશોની વેક્સીન અને અન્ય મહામારીની આપૂર્તિમાં વૃદ્ધીને વધારવા માટે શરુ કરવામાં આવ્યું હતું. તાજેતરના વર્ષોમાં WHO ના મૂલ્યાંકન યોગદાનમાં ઘટાડો નોંધાયો છે.

ગુલબાઈ ટેકરાના લોકોની ધીરજ ખૂટીઃ પતરા તોડી આવ્યા બહાર

અમદાવાદઃ શહેરના ગુલબાઇ ટેકરાને કોરોનાની મહામારી વચ્ચે કોરોન્ટાઇનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ વિસ્તારમાં રહેતા ગરીબ શ્રમજીવી લોકોની ધીરજ ખૂટી જતાં પતરાંથી બંધ કરાયેલ વિસ્તારમાં તોડફોડ કરી બહાર આવી ગયા હતા.આ સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇનમાં મૂકવામાં આવ્યો છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓ, તહેવાર ઉત્સવોમાં પૂજન કરવામાં આવતાં તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીં વસવાટ કરતા લોકો દ્વારા બનાવવામાં આવે છે. આ સાથે પર્સ, પટ્ટા, ઘડિયાળ જવી અનેક ચીજવસ્તુઓ વેચી પેટિયું રળે છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી આ ગીચ ઝુંપડપટ્ટીના લોકો લોકડાઉન અને કોરોન્ટાઇનની હાલની પરિસ્થિતિથી કંટાળી ઘરની બહાર આવી ગયા હતા. ગીચ વસતિવાળા આ ગુલબાઇ ટેકરાના લોકોએ વહેલી સવારથી જ ટોળે વળી પતરાંના બેરિકેડ તોડી નાખ્યા હતા. વિસ્તારોમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે ગરીબ શ્રમજીવી હોવાના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મેળવી શકતા નથી. કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલો કરવા તૈયાર થઈ ગયેલા આ વિસ્તારના લોકોને પોલીસ ફોર્સે આવી નિયંત્રણમાં લીધા હતા. બીજી તરફ કોરોના વાયરસ, મહામારી વિષયથી અજાણ આ પ્રજા કહે છે અમે કંઈ થોડા અમેરિકાથી આયા છીએ તો અમને કોરોના થાય!

(પ્રજ્ઞેશ વ્યાસ)

An interesting chat with well known psychologist Dr. Prashant Bhimani

Exclusive chat with well known economist and former Gujarat Minister Jai Narayan Vyas…

માસ્કની માંગને પહોંચી વળવાનો પડકાર ઉઠાવતા સખી મંડળો

રાજકોટ: કોરાના મહામારીને કારણે આજે માસ્કનું મહત્વ વધતા તેના ઉપયોગમાં ઘણો મોટો વધારો થયો છે. જેને કારણે માસ્કની અછત વર્તાઇ રહી છે. તેવા સંજોગોમાં રાજકોટ જિલ્લાના જુદા જુદા સખી મંડળોએ માસ્કની માંગને પૂરી કરવા હામ ભીડી છે અને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યુ છે. ત્યારે સરકારે માસ્કને ફરજિયાત બનાવી દેવાતા તેની માંગમાં ઘણો વધારો થયેલો જોવા મળે છે. એવા સંજોગોમાં માસ્કની જરૂરિયાતને પહોચી વળવાનું બીડુ રાજકોટ જિલ્લા લાઇવલીહુડના માર્ગદર્શન તળે સખી મંડળની બહેનો દ્વારા ઉપાડી લેવામાં આવ્યુ છે અને મોટા પ્રમાણમાં બહેનો ઘરે બેસીને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે. આમ, સખી મંડળની બહેનો દ્વારા લોકડાઉનમા લોકોને કોરોના સામે રક્ષણ આપતા માસ્ક બનાવી રોજગારી સાથે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લાની સખી મંડળો ૩૫ હજાર માસ્ક બનાવી ચૂકયા છે અને હજુ ૧૫ હજાર માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા લાઇવલી હુડના આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર સરોજબેન મારડિયા કહે છે કે, રાજકોટ જિલ્લામાં અમને કુલ ૫૦ હજાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જે પૈકી આરોગ્ય વિભાગે ૧૦ હજાર, પોલીસ કમિશનરની કચેરીએ ૭ હજાર, રાજકોટ મહાનગરપાલિકાએ ૧૬ હજાર, ખાનગી હોસ્પિટલોએ એક હજાર માસ્ક બનાવાનો ઓર્ડર આપ્યો હતો. તેઓને અમે માસ્ક બનાવીને આપી દીધા છે. જયારે ગ્રામ પંચાયત દ્વારા ૧૫ હજાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરના માસ્ક બની રહ્યા છે. વ્યકિતગત રીતે મળેલ ઓર્ડર મુજબ પણ અમારી બહેનો માસ્ક બનાવી આપે છે. આમ સખી મંડળની બહેનોના કારણે માસ્કની જરૂરિયાતને પહોચી વળાય છે.
સરોજબેને વધુમાં જણાવ્યુ હતું કે આ માસ્ક રૂ. ૧૨ થી ૧૭ ના ભાવે વેચાણ થાય છે. જેમાં રૂ. ૪ જેટલો નફો પ્રાપ્ત થાય છે અને માસ્ક બનાવવાની રૂ.૪ ની મજૂરી પણ આ સખી મંડળની બહેનોને તેમની કામગીરી સામે ચૂકવવામાં આવે છે. બાકીના પૈસા કાપડ અને રબર ખરીદીમાં જાય છે.

રાજકોટ જિલ્લા લાઇવલી હુડ મેનેજર વિરેન્દ્ર બસિયા જણાવે છે કે, રાજકોટ જિલ્લાના ૧૭ સખી મંડળો દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ધોરાજી વડગામડાના સખી મંડળ, જામકંડોરણાના એકતા મહિલા મંડળ, ઢોલરાના હરિ મિશન મંગલમ, લોધિકાના અનોખુ મિશન મંગલમ, કાંગસિયાળીનું ગાયત્રી સખી મંડળ, પાનેલીના નારી સખી મંડળ વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લાના લોધિકામાં ચાલતા અનોખા સખી મંડળના સભ્ય મુકતાબેન રૈયાણી કહે છે કે, હુ અને મારી સાથેના ભાવનાબેન ડાંગ અમે બંનેએ મળીને ૫૦૦૦ માસ્ક બનાવવાનું કામ કામ કર્યુ છે. જે પૈકી અમે સખી મંડળના ૧૮૦૦, તાલુકા પંચાયતના ૧૫૦૦, રાશન કાર્ડની દુકાનના ૧૦૦, ગ્રામ પંચાયતના ૧૮૦૦ માસ્ક બનાવ્યા છે. અમને શરૂઆતમાં માસ્કનું કામ અપાયુ ત્યારે માસ્ક બનાવવા ફાવતા ન હતા, મુશ્કેલ લાગતું હતું. પરંતુ હવે હાથ બેસી ગયો છે. ઘરે જ કોટનના માસ્ક બનાવીએ છીએ. હજુ પણ અમારા દ્વારા માસ્ક બનાવવામાં આવી રહયા છે. આમ અમને ઘરે બેઠા રોજી રોટી મળી રહી છે અને કોરોના મહામારીમાં લડવા ઉપયોગી સાધન બનાવી રહયાનો અમને સંતોષ છે.

દેશ માટે આ દીકરીઓનો સંકલ્પ ખરેખર પ્રેરણાદાયી

વડોદરા: કોરોના સંકટના આ કપરા કાળમાં માનવીય સંવેદના અને સેવા સંકલ્પોની અનેરી ગાથાઓ પ્રકાશમાં આવી રહી છે. વડોદરાના ભટ્ટ પરિવારની બે નાનકડી અને લાડકી દીકરીઓની પણ કથા કાંઇક આવી જ છે, લાગણીશીલતાના સ્પર્શથી ભરેલી એક સંવેદના કથા. નાની ઉંમરે પણ સમજદારીની દર્શન કરાવતી આ કથા સૌને પ્રેરણા આપે એવી છે.

વાત એમ છે કે, કોરોના સંકટને અનુલક્ષીને હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર દેશને સંબોધન કરે છે.

આ ભટ્ટ પરિવારની દીકરીઓ 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વા એ પણ મોદીદાદાને સાંભળ્યા અને એમના મનમાં પોતે દેશને કેવી સહાયક બની શકે એનો વિચાર જાગ્યો. એમણે પોતાના માતા-પિતા સ્મિતાબહેન અને યશ ભટ્ટ સમક્ષ એક સંકલ્પ વ્યક્ત કર્યો કે એ એક વર્ષ સુધી શોપિંગ નહિ કરે, એના પૈસા પણ નહીં માગે. એટલું જ નહિ જૂલાઈમાં આવતો એમને જન્મ દિવસ પણ નહીં ઉજવે. આ સંકલ્પ થી જે બચત થાય એ અને માતા-પિતાને યોગ્ય લાગે એટલી રકમ ઉમેરીને એ રકમ એમણે નરેન્દ્રદાદાના કોરોના રાહત ફંડમાં આપવી હતી.

નાનકડી દીકરીઓની આટલી ઊંચી સમજ, પોતાના હક્કનું જતું કરીને મુશ્કેલીમાં હોય એમને મદદરૂપ થવાની ભાવના અને માનવીયતા જોઈને માતા-પિતા પણ લાગણીથી અભિભૂત થઈ ગયા.


એમણે તુરત જ રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં યોગદાન રૂપે જમા કરાવવાનો નિર્ણય કર્યો. સ્મિતાબેન કલેકટર કચેરી પહોંચી ગયા અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને મળીને આ રકમ જમા ય કરાવી દીધી.

સ્મિતાબહેન કહે છેઃ સંકટની ઘડીએ રાષ્ટ્રને મદદરૂપ થવાની સહુની ફરજ છે.પરંતુ અમારી નાનકડી દીકરીઓ આટલી ઊંચી સમજદારી બતાવશે અને અમને પોતાને સેવાની નવી દિશા દર્શાવશે એની કલ્પના ન હતી.

જિલ્લા કલેકટરે પણ આ બંને નાનકડી દીકરીઓની ભાવનાને બિરદાવી અને ટ્વિટ કરીને લોકોને તેમના આ પ્રેરક કાર્યની જાણ કરી.

 

લોકડાઉન માટે આ રીતે મેળવી શકાય E-પાસ

મુંબઈઃ સમગ્ર દેશમાં 3 મે સુધી સંપૂર્ણ કોરોના લોકડાઉન લાગુ છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાય નહીં એટલા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનને લંબાવ્યું છે. આ સમયગાળા દરમિયાન સરકારે લોકોની બિનજરૂરી હરફર ઉપર કડક નિયંત્રણો લાદ્યા છે. માત્ર એવા લોકોને જ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેઓ આવશ્યક સેવાઓમાં કામ કરતા હોય.

તે છતાં આવશ્યક સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગો અને તાકીદની જરૂર માટે ઘરની બહાર નીકળતા સામાન્ય લોકોને કોઈ તકલીફ ભોગવવી ન પડે એટલા માટે અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો E-પાસ અથવા ‘મૂવમેન્ટ પાસ’ આપી રહ્યા છે જે ઓનલાઈન મેળવી શકાય છે.

 

ઈ-પાસ વિશેની જાણકારી મેળવી લો અને ઓનલાઈન એને માટે તમે કેવી રીતે અરજી કરી શકો એ જાણોઃ

મહારાષ્ટ્રમાં ઈ-પાસ માટે અરજી કરવા માટે આ લિન્ક પર ક્લિક કરોઃ https://covid19.mhpolice.in

  • ‘Apply here for E-pass’ બટન પર ક્લિક કરો
  • સૂચના મુજબની વિગતો ભરી દો
  • પૂછવામાં આવે તે આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો
  • મહારાષ્ટ્ર ઈ-પાસ વેબસાઈટ અરજી સાથે ફોટો આઈડી પ્રૂફ, કાયદેસર સંસ્થાકીય દસ્તાવેજો, મેડિકલ રિપોર્ટ અને કંપની આઈડી જોડવાના હોય છે.
  • તમે અરજીને સબમીટ કરો એ પછી સ્થાનિક પોલીસ એનો અભ્યાસ કરશે અને ત્યારબાદ તમને ઈ-પાસ ઈસ્યૂ કરવામાં આવશે.
  • ધારો કે તમારી અરજી અટકી જાય તો તમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને સંપર્ક કરી શકો છો અને બાબતનો ઉકેલ લાવી શકો છો.

તમે તમને પૂરા પાડવામાં આવેલા યુનિક આઈડીનો ઉપયોગ કરીને વેબસાઈટ પર લોગઈન કરીને તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. ઈ-પાસને તમે વપરાશ માટે પ્રિન્ટ કરાવી શકો છો અને તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે તમારી પાસે ઈ-પાસ હોવો જરૂરી છે.

આ વ્યક્તિઓને ઈ-પાસ મળી શકે છેઃ

  • પોલીસ અધિકારીઓ
  • ઈમરજન્સી સેવાઓ માટેના વાહનો
  • અગ્નિ શામક દળના કર્મચારીઓ
  • વીજળી વિભાગના કર્મચારીઓ
  • પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ
  • રેશનિંગ અધિકારીઓ
  • કરિયાણા અને જનરલ સ્ટોર્સવાળા
  • મેડિકલ સ્ટોર્સવાળા
  • હોસ્પિટલોના કર્મચારીઓ
  • બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓ
  • મિડિયા ક્ષેત્રના કર્મચારીઓ
  • આરોગ્ય સેવાના અધિકારીઓ

આ કંપનીએ વસ્તુની સપાટીને જંતુમુક્ત કરતું ઉપકરણ વિકસાવ્યું

અમદાવાદઃ માન્યામાં ન આવે એવી વાત છે પણ એ સત્ય છે કે માત્ર 10 મિનિટમાં પ્રવાહી સિવાયની કોઈપણ વસ્તુ જંતુ મુક્ત થઈ શકે છે અને તેને ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે. કોરોના વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે ત્યારે સ્પર્શથી ફેલાતા આ રોગથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાય તો કરાયા છે પરંતુ જો તમારી ચીજ વસ્તુ જ જંતુ રહિત થઈ જતી હોય તો એનાથી રૂડું શું !!

આના ઉપાયે i create સંસ્થાના યુવા વૈજ્ઞાનિક પ્રસેને પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. રેડ કાર્બન ટેકનો હબના પ્રસેન વિંચુરકરને વસ્તુઓને જંતુમુક્ત રાખવા એક નવતર ઉપાય સૂઝ્યો. એક વૈજ્ઞાનિક અને સંશોધક હોવાને નાતે તેઓએ i create ખાતેના વિવિધ સંસાધનોનો ઉપયોગ કરીને વિકિરણ આધારિત ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ પારજાંબલી કિરણો દ્વારા વસ્તુને જંતુમુક્ત કરે છે.

૨૬૦ નેનો મીટરની તરંગ લંબાઈ કોઈપણ બેક્ટેરીયા કે વાયરસ જેવા અતિસુક્ષ્મ જીવોના આર.એન.એ (રિબોન્યુક્લિક એસિડ) અને ડી.એન.એ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને ખંડિત કરવા માટે સક્ષમ છે. ગુજરાત સરકારના સહકાર અને લોકડાઉન વચ્ચે અવર-જવરની પરવાનગી મળતા પ્રસેન આ ઉપકરણ બનાવવામાં સફળ નીવડ્યા.

ઘરમાં, સરકારી કચેરીઓમાં કે અન્ય કોઇપણ સ્થળે સામાન્ય વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે માસ્ક, મોબાઈલ ફોન, ચલણી નાણુ, ચાવી, કરીયાણાની વસ્તુઓ અને શાકભાજીને આ ઉપકરણ વડે જંતુમુક્ત કરી શકાય છે. માત્ર ૧૦ મિનિટના સમયમાં આ ઉપકરણ કોઇપણ પદાર્થની સપાટીને 100% જંતુમુક્ત બનાવે છે.

આમ આ ઉપકરણ કોરોના વાયરસની મહામારી વચ્ચે સર્વાધિક ઉપયોગી નીવડી શકે એમ છે. ઉપરાંત લોકડાઉન બાદ પણ આ ઉપકરણ રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. માનવત્વચા અને આંખ માટે પારજાંબલી કિરણો નુકસાનકારક છે માટે ઉક્ત ઉપકરણનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો હિતાવહ છે.

i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માંગને પારખીને i createની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અપેક્ષાઓને i createના સ્ટાર્ટ-અપે પૂર્ણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અમને આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.

ગુજરાતના વિજ્ઞાનીઓએ શોધ્યું કોરોનાનું જીનોમ

અમદાવાદ: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડવા માટે નવી નવી રીતો શોધી રહ્યું છે, આ બધા વચ્ચે ગુજરાતના વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસ સામેની જંગમાં એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત સરકારના ગુજરાત બોયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)એ કોરોનાના વંશસૂત્ર એટલે કે તેના સૂક્ષ્મ જીનોમ સિક્વન્સ શોધી લીધા છે. CMOના ટ્વિટર પેજ પર આ અંગે માહિતી આપવામાં આવી છે. આ શોધથી કોરોના વાઈરસની ઉત્પત્તિ, તેની દવા અને તેના પરિક્ષણમાં ઝડપ આવશે, સાથે જ તેની સાઇડ ઇફેક્ટની માહિતી મળશે.

ચીનથી લઇને અમરેકા સુધી દુનિયાભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોનાવાઈરસ વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી હાંસલ કરી શક્યા નથી. એવામાં ગુજરાતની લેબથી મળેલી મદદ સમગ્ર વૈજ્ઞાનિક જગત માટે કામ આવશે. આ વાઈરસની ન્યૂક્લિયર સિક્વન્સિંગ દુનિયાભરમાં થઇ, પરંતુ આ રૂપ બદલનારા વાયરસમાં 3 પરિવર્તન (મ્યૂટેશન્સ) એવા છે જેના વિશે જાણકારી મેળવી શકાઇ નથી કારણ કે આ બિલકુલ નવા છે. ગુજરાતની લેબમાં જીનોમ સિક્વન્સને પૂર્ણ કરીને વાયરસની સમગ્ર કુંડળી બનાવવાનું કામ શરુ થયુ છે.

GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ન્યુકલિક એસિડ ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે છે. માણસમાં ન્યુક્લિક એસિડ હોય છે એ ડીએનએ હોય છે. જ્યારે ઘણા વાઈરસમાં ડીએનએ અને ઘણા વાઈરસમાં આરએનએ સંરચના હોય છે. કોરોના વાઈરસની સંરચના આરએનએની  (રાઈબોન્યુકિલિક એસિડ) છે. માણસ, પશુ કે વનસ્પતિ દરેકની સંરચના સંપૂર્ણપણે ન્યુક્લિક એસિડ હોય ડીએનએના આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે વાઈરસની સંરચના તેમજ તેની પ્રકૃતિ ન્યુક્લિક એસિડના આધારે નક્કી થતી હોય છે.

મહત્વનું છે કે, ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.