ગુજરાતના વિજ્ઞાનીઓએ શોધ્યું કોરોનાનું જીનોમ

અમદાવાદ: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડવા માટે નવી નવી રીતો શોધી રહ્યું છે, આ બધા વચ્ચે ગુજરાતના વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસ સામેની જંગમાં એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત સરકારના ગુજરાત બોયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)એ કોરોનાના વંશસૂત્ર એટલે કે તેના સૂક્ષ્મ જીનોમ સિક્વન્સ શોધી લીધા છે. CMOના ટ્વિટર પેજ પર આ અંગે માહિતી આપવામાં આવી છે. આ શોધથી કોરોના વાઈરસની ઉત્પત્તિ, તેની દવા અને તેના પરિક્ષણમાં ઝડપ આવશે, સાથે જ તેની સાઇડ ઇફેક્ટની માહિતી મળશે.

ચીનથી લઇને અમરેકા સુધી દુનિયાભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોનાવાઈરસ વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી હાંસલ કરી શક્યા નથી. એવામાં ગુજરાતની લેબથી મળેલી મદદ સમગ્ર વૈજ્ઞાનિક જગત માટે કામ આવશે. આ વાઈરસની ન્યૂક્લિયર સિક્વન્સિંગ દુનિયાભરમાં થઇ, પરંતુ આ રૂપ બદલનારા વાયરસમાં 3 પરિવર્તન (મ્યૂટેશન્સ) એવા છે જેના વિશે જાણકારી મેળવી શકાઇ નથી કારણ કે આ બિલકુલ નવા છે. ગુજરાતની લેબમાં જીનોમ સિક્વન્સને પૂર્ણ કરીને વાયરસની સમગ્ર કુંડળી બનાવવાનું કામ શરુ થયુ છે.

GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ન્યુકલિક એસિડ ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે છે. માણસમાં ન્યુક્લિક એસિડ હોય છે એ ડીએનએ હોય છે. જ્યારે ઘણા વાઈરસમાં ડીએનએ અને ઘણા વાઈરસમાં આરએનએ સંરચના હોય છે. કોરોના વાઈરસની સંરચના આરએનએની  (રાઈબોન્યુકિલિક એસિડ) છે. માણસ, પશુ કે વનસ્પતિ દરેકની સંરચના સંપૂર્ણપણે ન્યુક્લિક એસિડ હોય ડીએનએના આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે વાઈરસની સંરચના તેમજ તેની પ્રકૃતિ ન્યુક્લિક એસિડના આધારે નક્કી થતી હોય છે.

મહત્વનું છે કે, ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.