ઓરિસ્સાના પ્રવાસીઓ માણે છે ગુજરાતની મહેમાનગતિ

ગાંધીનગરઃ અમને ઘર ચોક્કસ યાદ આવે છે પણ સુવિધાની અહીં કોઈ જ કમી નથી… આ શબ્દો છે ઓરિસ્સાથી ગુજરાતના પ્રવાસે આવેલા અને લોકડાઉનના સંજોગોમાં અહીં આશ્રય લઈ રહેલા પ્રવાસીઓના.

દેશમાં અચાનક કરવામાં આવેલા લોકડાઉનથી અનેક લોકો અટવાઈ ગયા છે. ઘરે જવાના તમામ વાહનવ્યવહાર બંધ હોવાથી પ્રવાસીઓ રઝળી પડ્યા છે. આવું જ કંઈક ઓરિસ્સાના 63 પ્રવાસીઓ સાથે પણ થયું છે. આ પ્રવાસીઓ દ્વારકાનાં દર્શન કરી પરત અમદાવાદ આવ્યા અને એ જ દિવસે દેશભરમાં લોકડાઉનનો આદેશ થયો.

જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલા આવ્યા મદદે

આ પ્રવાસીઓ પૈકીની એક વ્યક્તિએ અમદાવાદ જિલ્લા કલેકટર કે. કે. નિરાલાને એક પત્ર લખ્યો અને તેમની આપવીતી જણાવી. આ પત્ર મળતાં જ જિલ્લા કલેકટરના આદેશને પગલે તંત્ર હરકતમાં આવ્યું અને તેમની દેખભાળ રાખવાની કામગીરી શરૂ થઈ.

આ પ્રવાસીઓની સ્વજનની જેમ સંભાળ

જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલા  કહે છે કે, અમે તેમની એક સ્વજન તરીકે દેખભાળ કરી હતી. આમ પણ ગુજરાત તેના આ આતિથ્ય સંસ્કાર માટે જાણીતું છે. તેમના માટે રહેઠાણ, ભોજન અને  મેડિકલ સુવિધા અથવા તો તેમને જે કંઈ જરૂરિયાત હોય એ તંત્ર તમામ જરૂરિયાત પૂરી પાડે છે.

પ્રવાસીઓની તમામ સુવિધાઓનું ધ્યાન રખાય છે

પૂર્વ વિસ્તારનાં સિટી ડેપ્યુટી કલેક્ટર અનસૂયા જહાં કહે છે કે અમારી ટીમ તેમની રોજબરોજની સુવિધાઓનો ખ્યાલ રાખે છે.. અમે મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને તેમના મેડિકલ ચેકઅપની સુવિધા પણ કરી છે. એટલું જ નહીં, તેમના રહેવાની વ્યવસ્થા સેનિટાઇઝ પણ કરવામાં આવી છે.

વિશ્રામ ગૃહમાં શિફ્ટ કરાયા

શરૂઆતમાં આ લોકો અમદાવાદની એક હોટલમાં રોકાયા હતા પરંતુ લોકડાઉન લાંબું ચાલે તેવી શક્યતાને પગલે તેમને વિશ્રામ ગૃહમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રવાસીઓ પૈકી ૪૮ પ્રવાસીઓ તો  સિનિયર સિટીઝન એટલે કે ૬૦ વર્ષની ઉંમરના છે. તેમની રહેણીકરણી અલગ પ્રકારની હોવા છતાં તેમને જે કંઈ જોઈએ એ બધું જ પૂરૂં પાડવામાં આવે છે.

સરકારી તંત્ર ધારે તો કેવું કામ કરી શકે એનું આ ઉદાહરણ છે.