આ કંપનીએ વસ્તુની સપાટીને જંતુમુક્ત કરતું ઉપકરણ વિકસાવ્યું

અમદાવાદઃ માન્યામાં ન આવે એવી વાત છે પણ એ સત્ય છે કે માત્ર 10 મિનિટમાં પ્રવાહી સિવાયની કોઈપણ વસ્તુ જંતુ મુક્ત થઈ શકે છે અને તેને ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે. કોરોના વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે ત્યારે સ્પર્શથી ફેલાતા આ રોગથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાય તો કરાયા છે પરંતુ જો તમારી ચીજ વસ્તુ જ જંતુ રહિત થઈ જતી હોય તો એનાથી રૂડું શું !!

આના ઉપાયે i create સંસ્થાના યુવા વૈજ્ઞાનિક પ્રસેને પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. રેડ કાર્બન ટેકનો હબના પ્રસેન વિંચુરકરને વસ્તુઓને જંતુમુક્ત રાખવા એક નવતર ઉપાય સૂઝ્યો. એક વૈજ્ઞાનિક અને સંશોધક હોવાને નાતે તેઓએ i create ખાતેના વિવિધ સંસાધનોનો ઉપયોગ કરીને વિકિરણ આધારિત ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ પારજાંબલી કિરણો દ્વારા વસ્તુને જંતુમુક્ત કરે છે.

૨૬૦ નેનો મીટરની તરંગ લંબાઈ કોઈપણ બેક્ટેરીયા કે વાયરસ જેવા અતિસુક્ષ્મ જીવોના આર.એન.એ (રિબોન્યુક્લિક એસિડ) અને ડી.એન.એ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને ખંડિત કરવા માટે સક્ષમ છે. ગુજરાત સરકારના સહકાર અને લોકડાઉન વચ્ચે અવર-જવરની પરવાનગી મળતા પ્રસેન આ ઉપકરણ બનાવવામાં સફળ નીવડ્યા.

ઘરમાં, સરકારી કચેરીઓમાં કે અન્ય કોઇપણ સ્થળે સામાન્ય વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે માસ્ક, મોબાઈલ ફોન, ચલણી નાણુ, ચાવી, કરીયાણાની વસ્તુઓ અને શાકભાજીને આ ઉપકરણ વડે જંતુમુક્ત કરી શકાય છે. માત્ર ૧૦ મિનિટના સમયમાં આ ઉપકરણ કોઇપણ પદાર્થની સપાટીને 100% જંતુમુક્ત બનાવે છે.

આમ આ ઉપકરણ કોરોના વાયરસની મહામારી વચ્ચે સર્વાધિક ઉપયોગી નીવડી શકે એમ છે. ઉપરાંત લોકડાઉન બાદ પણ આ ઉપકરણ રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. માનવત્વચા અને આંખ માટે પારજાંબલી કિરણો નુકસાનકારક છે માટે ઉક્ત ઉપકરણનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો હિતાવહ છે.

i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માંગને પારખીને i createની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અપેક્ષાઓને i createના સ્ટાર્ટ-અપે પૂર્ણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અમને આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.