Home Blog Page 4810

12 મેથી 15 પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરાશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ આજે જાહેરાત કરી છે કે તે 12મી મેથી 15 ટ્રેનો સાથે પેસેન્જર ટ્રેન સેવા ધીમે ધીમે ફરી શરૂ કરવાની છે. આ સેવામાં રીટર્ન સફરનો પણ સમાવેશ થાય છે.

શરૂઆતના તબક્કામાં, નવી દિલ્હી સ્ટેશનેથી વિશેષ ટ્રેનો તરીકે 15 ટ્રેનોની જોડીને દોડાવવામાં આવશે. આ ટ્રેનો નવી દિલ્હી અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ, દિબ્રુગઢ, અગરતાલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકન્દ્રાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ અને જમ્મુ તવી વચ્ચે દોડાવાશે.

રેલવે 12 મેથી તેની પસંદગીની પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરશે. તમામ પેસેન્જર ટ્રેનો એસી કોચમાં દોડાવાશે. આ ટ્રેનો મર્યાદિત સ્ટેશનો પર ઊભી રાખવામાં આવશે. આ ટ્રેનોમાં પ્રવાસ માટે રાજધાની ટ્રેન જેટલું જ ભાડું લેવામાં આવશે.

રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ટ્રેનો માટેનું રીઝર્વેશન 11 મેએ સાંજે ચાર વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને તે માત્ર IRCTC વેબસાઈટ પર જ ઉપલબ્ધ હશે.

કોરોનાઃ મામુલી લક્ષણવાળા દર્દીઓને 10 દિવસમાં ડિસ્ચાર્જ મળશે

મુંબઈઃ કોરોના વાઈરસ (કોવિડ-19) દર્દીઓને કોવિડ-કેર સેન્ટરોમાંથી રજા આપવાના મુદ્દે કેન્દ્ર સરકારે નવી નિયમાવલી જાહેર કરી છે. તે અનુસાર, અતિમામુલી લક્ષણ પણ ન હોય એવા કોરોના દર્દીઓને સાતમા, આઠમા અને નવમા દિવસે પણ જો તાવ ન હોય તો દસમા દિવસે એમને ડિસ્ચાર્જ કરી દેવાના રહેશે.

કેન્દ્ર સરકારના નવા નિયમો અનુસાર હવે રાજ્યોમાં પણ કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવા મામલે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

મામુલી અથવા કોરોનાના લક્ષણ ન હોય એવા દર્દીઓ માટે

સાતમા, આઠમા અને નવમા દિવસે પણ તાવ ન હોય તો એમને દસમા દિવસે ડિસ્ચાર્જ આપી દેવું. એ માટે કોવિડ તપાસની જરૂર નથી. ડિસ્ચાર્જ મેળવ્યા પછી સંબંધિત દર્દીએ 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું ફરજિયાત. ડિસ્ચાર્જ આપ્યા પૂર્વે દર્દીમાં ઓક્સીજનનું પ્રમાણ 95 ટકાથી ઓછું હોય તો એને ડેડિકેટેડ કોવિડ સેન્ટરમાં દાખલ કરવા. ડિસ્ચાર્જ કરાયા બાદ જો આવા દર્દીઓને ફરીથી તાવ ચડવાનું અને ઉધરસ શરૂ થાય કે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય તો એણે ફોન નંબર 1075 પર કોવિડ કેર સેન્ટરનો સંપર્ક સાધવાનો રહેશે.

સરેરાશ લક્ષણ ધરાવતા દર્દીઓ માટે

ત્રણ દિવસમાં જો દર્દીનો તાવ ઓછો ન થાય અને ઓક્સીજન આપવાની જરૂર પડે તો આવા લક્ષણ ખતમ થાય તેમજ 3 દિવસ ઓક્સીજન સેચ્યૂરેશન મેન્ટેન અવસ્થામાં હોય તો જ હોસ્પિટલમાંથી રજા આપવી. 10 દિવસ પછી આવા દર્દીઓને ડિસ્ચાર્જ કરતી વખતે ફરીથી કોવિડની તપાસ કરવી જરૂરી નથી. તેમજ ડિસ્ચાર્જ બાદ એમણે સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત.

ગંભીર દર્દીઓ માટે

સંપૂર્ણપણે સાજા થઈ ગયા બાદ અને કોરોના ટેસ્ટ પાસ કર્યા બાદ પણ દર્દીને ડિસ્ચાર્જ કરી શકાશે.

મધર્સ ડે: 14 માસની દીકરીથી દૂર રહી ફરજ બજાવી રહ્યાં છે નર્સ નયનાબહેન

વડોદરા: નયનાબહેન એ દિવસને યાદ કરતા કહે છે કે, ‘મેં છેલ્લે 29મી એપ્રિલના રોજ સવારે મારી દીકરી ગાર્ગીને તેડીને વ્હાલ કર્યું હતું.’ નયનાબહેન જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ, ગોત્રીમાં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમની 14 માસની દીકરી સહુને વ્હાલી લાગે એવી છે. આજે ‘મધર્સ ડે’ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગાર્ગી એની માતાથી લગભગ 90 કિમી દૂર છે. નયનાબહેન ઈચ્છે તો પણ આ માતૃ વંદના દિવસે દીકરી ગાર્ગીને ખોળામાં લઈને વ્હાલનો વરસાદ કરી શકે તેમ નથી.

નયનાબહેન ગોત્રી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહે છે જ્યાં એમનાં માતા ગાર્ગીની દેખરેખ રાખતા હતા. તેમના વગર ગાર્ગી ખૂબ જ મુંઝાતી હતી એટલે નાછૂટકે એને પુનિયાવાંટ દાદાનાં ઘેર મોકલી આપી છે. આમ, તેમણે માતાની મમતા અને ફરજના સાદ વચ્ચે અઘરી કહી શકાય તેવી સમતુલા જાળવી છે.

નયનાબહેન કહે છે કે સરકારી નોકરી છે એટલે જે કામગીરી સોંપાઈ એ ફરજ બજાવવી જ પડે. 14 મહિનામાં પ્રથમવાર ગાર્ગીને નજરથી દૂર રાખીને નોકરી કરવાનો પ્રસંગ આવ્યો છે પણ મને એની કોઈ ફરિયાદ નથી.

કૉવિડ હોસ્પિટલના એન.આઇ.સી.યુ.માં તેમને ફરજ સોંપવામાં આવી છે. કદાચ નર્સ બહેનોના જીવનનો પ્રત્યેક દિવસ ‘મધર્સ ડે’ હોય છે.

મોદી સાથે સોમવારે વિડિયો કોન્ફરન્સઃ CMsને બોલવાનો મોકો અપાશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ કરવાના છે. આ બેઠક આવતીકાલે સોમવારે યોજાશે. લોકડાઉન લાગુ કરાયું ત્યારથી મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાન મોદીની આ પાંચમી બેઠક હશે. આ બેઠક ગત ચારેય બેઠક કરતાં લાંબી રહેવાની ધારણા છે. આ બેઠકમાં બધા મુખ્ય પ્રધાનોને વાત કરવાની એટલે કે બોલવાની તક મળશે એવું મનાય છે. આ બેઠક અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક હશે, કારણ કે એમાં વડા પ્રધાન બધા મુખ્ય પ્રધાનોની વાત પણ સાંભળશે. દેશમાં આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે શરૂ કરવી જોઈએ અને કઈ રાહતો આપવી જોઈએ તે વિશે ચર્ચા કરવામાં આવે એવી ધારણા છે.

 સોથી વધુ દર્દીવાળાં રાજ્યો પર ફોકસ રહેશે

સૌથી વધુ કોરોના દર્દીઓની સંખ્યાવાળાં રાજ્યો પર આ બેઠકમાં ધ્યાન કેન્દ્રિત રહેશે. હાલના સમયે દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 20,228 કેસ છે. જ્યારે રાજ્યમાં 3800 કોરોના સંક્રમિત દર્દીઓ આ બીમારીમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ વાઇરસને કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 779 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

PM-CM બેઠક

આ પહેલાં વડા પ્રધાન મોદીની રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે 20 માર્ચ, બીજી એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલે બેઠક થઈ ચૂકી છે.

સોમવારે દેશવ્યાપી લોકડાઉનનો કુલ 48મો દિવસ હશે. લોકડાઉન ગઈ 25 માર્ચથી લાગુ કરવામાં આવ્યું છે. 21-દિવસના લોકડાઉનની પહેલી મુદત 14 એપ્રિલે પૂરી થયા બાદ એને 3 મે સુધી લંબાવવામાં આવી હતી. ત્યારબાદ એને ફરીથી લંબાવીને 17 મે સુધીની કરી દેવામાં આવી હતી.

ઘરની માતાથી શહેરની પાલક માતા સુધી… સરોજ કુમારીની સફળ ગાથા

વડોદરા: વડોદરા શહેરના વહીવટ અને મુખ્ય મથકના ડીસીપી આઈપીએસ અધિકારી સરોજ કુમારી કોરોના સંકટ કાળમાં ઘરની સાથે સાથે શહેરના માતા તરીકેની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે. સરોજ કુમારી તેમના માતા પિતા અને ભત્રીજા, ભત્રીજી સાથે રહે છે. સરોજ કુમારી કહે છે કે, ‘વરિષ્ઠ નિર્ભયમ (સિનિયર સિટીઝન સેલ), પોલીસ રસોડું, સમજ સ્પર્શની (જાતીય ગુનાઓથી બાળકોની સુરક્ષા માટેનું અભિયાન) માટે પોલીસ ફરજ નિભાવું છું. જે પોલીસ ઓન-ફિલ્ડ હોય તેમના માટે તમામ સહાયક વસ્તુઓ પ્રદાન કરવાની સાથે મારા પરિવારના દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ માતા-પિતાની પુત્રી તરીકેની જવાબદારી પણ નિભાવું છું.’ તેઓ કહે છે કે તેમના પરિવાર માટેની તેમની ચિંતા ગૌણ છે અને તેમની દેશ સેવા જ તેમના માટે પહેલી પ્રાથમિકતા.

તેઓ ઘરમાં બાળકોને સમય આપવા વિશે કહે છે કે,  અત્યારે બાળકોની સ્કૂલ બંધ છે તેથી તેઓ સંપૂર્ણ ફ્રી છે. બાળકો ઘરે જ સમય વિતાવે છે અને મારા કામને સમજે છે જેથી મને ટેકો રહે છે. દરરોજ રાત્રે 10 વાગ્યા પહેલા ઘરે પહોંચી શકાતું નથી.

સરોજ કુમારી આગળ કહે છે કે તેઓ ઘરમાં મહિલા તરીકેની ભૂમિકા નિભાવે છે અને સાથે સાથે જ પોલીસ વહીવટીતંત્ર અને મુખ્ય મથકે નાયબ કમિશનર તરીકેની ભૂમિકા પણ નિભાવે છે. તેઓ તેમના સ્ટાફની વ્યક્તિગત કાળજી પણ લે છે. સરોજ કુમારી કહે છે કે તેઓ આજકલ તેમના સ્વાસ્થ્યને સારું રાખવા માટે સતત સંશોધન કરે છે. તે દરેક સ્ટાફ મેમ્બરને સરગવાની શીંગના પાવડરનું પણ વિતરણ કરે છે જે સ્વાસ્થ્ય સારું રાખવા માટે મદદરૂપ થાય છે.

આ લોકડાઉન દરમિયાન વડોદરા શહેરમાં રહેતા ઘરવિહોણા બાળકોની પણ સંભાળ લે છે અને તેમને ખાદ્ય સામગ્રી પણ પૂરી પાડે છે. આ ઉપરાંત લોકડાઉન શરું થયું તે દિવસથી તેમણે પોલીસ કિચન પણ શરૂ કર્યું છે જેમાં તેઓ દરરોજ ૫૦૦ થી વધુ લોકો માટે ભોજન બનાવે છે. અંતે સરોજ કુમારી કહે છે કે, પરિવાર અને સમાજ સેવા બંને વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ છે પણ અશક્ય નથી.

સલમાનના ફાર્મહાઉસમાં બકરીના બચ્ચાને રમાડતી જેક્લીન…

બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અન્ય ફિલ્મી કલાકારોની જેમ હાલ કોરોના વાઈરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે ઘરમાં કેદ છે. એ કેદ થઈ છે સાથી કલાકાર સલમાન ખાન સાથે સલમાનના મુંબઈ નજીકના પનવેલસ્થિત ફાર્મહાઉસમાં. ત્યાં જેક્લીનને મિત્ર તરીકે એક બકરીનું બચ્ચું મળી ગયું છે, જેનું નામ એણે જેની રાખ્યું છે. જેક્લીને બકરીનાં બચ્ચા સાથે રમતી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

જેક્લીન તાજેતરમાં જ ‘મિસીસ સિરિયલ કિલર’ નામની ફિલ્મમાં જોવા મળી હતી જે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. શિરીષ કુંદર દ્વારા દિગ્દર્શિત અને ફરાહ ખાન દ્વારા નિર્મિત આ થ્રિલરમાં તે એવી પત્નીનો રોલ કરી રહી છે જેના પતિ પર સિરિયલ હત્યાઓનો આરોપ મૂકીને જેલમાં પૂરી દેવામાં આવ્યો હોય છે. પતિને નિર્દોષ સાબિત કરાવવા પત્ની ત્યારબાદ સિરિયલ કિલરની જેમ હત્યાનો કારસો ઘડે છે. ફિલ્મમાં એની સાથે મનોજ બાજપાઈ અને મોહિત રૈના પણ છે.

જેક્લીન આ પહેલાં ‘હાઉસફૂલ 2’, ‘મર્ડર 2’, ‘કિક’, ‘બ્રધર્સ’, ‘ઢીશૂમ’, ‘જુડવા 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

કોરોનાપીડિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો; બંનેની તબિયત સારી

વડોદરા: મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે એટલે કે વિશ્વ માતૃ વંદના દિવસ ઉજવવામાં આવે છે. હાલનું વાતાવરણ કોરોનાના ઓથાર વચ્ચે ડહોળાયેલું છે ત્યારે એક સુખદ ઘટના ગોત્રી ખાતેની વિશેષ કોવિડ હોસ્પિટલમાં જોવા મળી. મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ એક કોરોના પીડિત માતાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે.

35 વર્ષના માતા અનીશાબેગ શેખ કોરોના પોઝિટિવ તરીકે 7 દિવસથી સારવાર હેઠળ છે. તેમણે 2.7 કિલોગ્રામ વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર બંનેની તબિયત સારી છે અને તેમની યોગ્ય તબીબી સંભાળ લેવામાં આવી રહી છે.

હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સગર્ભા કોરોના પીડિત હોય તો મોટેભાગે એની શસ્ત્રક્રિયા આધારિત સીઝેરિયન પ્રસૂતિ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. જો કે ગોત્રી હોસ્પિટલ ગાયનેક વિભાગના ડો.આશિષના માર્ગદર્શન હેઠળ ડો.અંજલિ અને ડો.અનેરી દ્વારા ધીરજ અને તબીબી કુશળતા, જ્ઞાન અને અનુભવના આધારે કુદરતી પ્રસૂતિ કરાવવામાં સફળતા મેળવી છે. હવે પછી આ બાળકની યોગ્ય સમયે કોરોના વિષયક ચકાસણી પણ કરવામાં આવશે તેમ હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે.

દિલ્હીમાં 3.5ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી; એક મહિનામાં ત્રીજો આંચકો

નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે બપોરે 1.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. દિલ્હીમાં એક મહિનાની અંદર આ ત્રીજી વાર આ પ્રકારનો ભૂકંપ અનુભવાયો હતો. આ પહેલાં ગઈ 12-13 એપ્રિલે ભૂકંપના આંચકા આવ્યા હતા. મોસમ વિભાગ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ નવી દિલ્હીથી દૂર દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ નજીક હતું.

 આ પહેલાં ભૂકંપ 12-13 એપ્રિલે

12 એપ્રિલે સાંજે 5.45 કલાકે દિલ્હીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે આંચકો એટલો તીવ્ર હતો કે લોકોએ એમના ઘરોમાં એનો અનુભવ કર્યો હતો. કેટલાંય ઘરોમાં પંખાઓ હાલકડોલક થવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.5 માપી ગઈ હતી. નોએડા, દિલ્હી, ગાઝિયાબાદ સહિત આસપાસના વિસ્તારમાં  ભૂકંપના આંચકા અનુવાયા હતા. ગુરુગ્રામ અને ફરિદાબાદમાં પણ એને અનુભવાયા હતા. એના 24 કલાક પછી બીજી વાર દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 2.7 મપાઈ હતી.

આ પહેલાં ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે સાંજે સાડાચાર કલાકે આ જ વિસ્તારોમાં ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો, એની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. એનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના લાહોરથી 173 કિલોમીટર દૂર હતું અને ભારતમાં એની સૌથી વધુ જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી હતી.

ભારતીય ક્રિકેટરોએ સોશિયલ મિડિયા પર કહ્યું ‘હેપ્પી મધર્સ ડે’

મુંબઈઃ સચીન તેંડુલકર અને વિરાટ કોહલી સહિતના ભારતીય ક્રિકેટરોએ આજે મધર્સ ડે નિમિત્તે સોશિયલ મિડિયા પર શુભેચ્છા વ્યક્ત કરી હતી. કોરોના વાઈરસ રોગચાળાને કારણે હાલ ક્રિકેટની તમામ પ્રવૃત્તિઓ બંધ છે અને તમામ ખેલાડીઓ પોતપોતાના ઘરમાં પૂરાયેલા છે. આવા સમયમાં આ ખેલાડીઓ સોશિયલ મિડિયા દ્વારા એમના પ્રશંસકો સાથે સંપર્કમાં રહે છે.

તેંડુલકર એમના ટ્વિટર હેન્ડલ પર એમના માતા માટે એક સંદેશ લખ્યો છે કે, ‘મારા સર્વસ્વ ઉપરાંત તમે જ મારા AAI રહ્યાં છો – ઓલ્વેઝ અમેઝિંગ એન્ડ ઈરરીપ્લેસેબલ. મારા માટે બધું કરી છૂટવા બદલ આપનો આભાર.’ આ સાથે સચીને પોતાની નાનપણની એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં એમને તેમના માતાએ તેડ્યાં છે.

વિરાટ કોહલીએ પણ પોતાની અને એમની માતાની તસવીરો પોસ્ટ કરી છે અને લખ્યું છે, હેપ્પી મધર્સ ડે.

ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ એના માતા સાથેની પોતાની એક જૂની તસવીરને પોસ્ટ કરી છે. એણે તેની પત્ની અને પુત્રી સાથેની એક તસવીર પણ શેર કરી છે અને લખ્યું છે કે, મારા જીવનમાં આ બે મહિલાનું વિશેષ મહત્ત્વ છે. એમને મધર્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.

સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ એની માતા સાથેની પોતાની તસવીરને સોશિયલ મિડિયા પર શેર કરી છે અને લખ્યું છે કે આ જગતમાં માતાનાં પ્રેમથી ચડિયાતો બીજો કોઈ પ્રેમ નથી.

ટેસ્ટ ટીમના ઓપનર મયંક અગ્રવાલે એના માતાને સંબોધીને પોતાના સંદેશમાં લખ્યું છે કે, જિંદગીમાં સારા સમયમાં અમને હસતા રાખવા બદલ અને કઠિન સમયમાં સંભાળ રાખવા આપનો આભાર. તમારા વગર અમે કરી પણ શું કરવાના હતા? આજે હું જે કંઈ પણ છું અને જે કંઈ બનવાની આશા રાખું છું એનો શ્રેય મારા માતાને જાય છે. હેપ્પી મધર્સ ડે.

બેટ્સમેન કે.એલ. રાહુલે પોતાના સંદેશામાં લખ્યું છે, હેપ્પી મધર્સ ડે મા, લવ યૂ.

ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું છે, મા – આ એવી વ્યક્તિ છે જે સંતાનોને જરાય થાક્યા વગર અને કોઈ શરત રાખ્યા વગર પ્રેમ આપે છે. માતૃત્ત્વ ધારણ કરનાર અને સંતાનોને સંભાળનાર તમામ મહિલાઓને હેપ્પી મધર્સ ડે.

Chitralekha Marathi – May 18, 2020

PDF Version
This post is only available to members.