Home Blog Page 48

ગિરના ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ

ગિર સોમનાથ(Gir Somnath): ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમ (Mediclaim) ની સમજણ આપવા માટે બે-દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યસભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા જાણીતા વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણી (Parimal Nathwani) ના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું. ગિર અને બૃહદ્ ગિરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સ (Forest Trackers) ને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગિરના વન વિભાગના અધિકારીઓના સહયોગથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ દ્વારા ટ્રેકર્સને રૂ. 3 લાખથી રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ પુરું પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે ટ્રેકર્સની કામગીરી ખૂબ જ જોખમી ગણવામાં આવતી હોવાથી વીમા કંપનીઓ તેમને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પુરું પાડવામાં આનાકાની કરતી હોય છે. પરિમલ નથવાણીના વિશેષ પ્રયત્નોથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપનીએ વીમા કવચ પૂરું પાડ્યું છે.

અકસ્માત વીમા (Accidental Life Insurance) હેઠળ, ટ્રેકર્સના અકસ્માતને કારણે થયેલા મૃત્યુના કિસ્સામાં પરિવારને રૂ. 10 લાખ સુધીના વળતરની ચૂકવણી કરવામાં આવશે. આ ઉપરાંત, એક બાળકના ભણતર માટે રૂ. 25,000 સુધીની સહાય તથા બે બાળકો હોય તો મહત્તમ રૂ. 50,000 સુધીની સહાય કરવામાં આવશે. જો અકસ્માતમાં કાયમી અપંગતા આવે તો તે માટે વળતર વીમા કંપનીના નિયમો અનુસાર ચૂકવવામાં આવશે, તેમજ અંગ ગુમાવવા, દૃષ્ટિ ગુમાવવાના કિસ્સામાં નક્કી કર્યા મુજબ વીમા કવચના અમુક ટકા રકમ ચૂકવવામાં આવશે. તદ્ઉપરાંત રજાનું વળતર, મેડિકલ ખર્ચ, મૃતકના પાર્થિવ દેહનો વાહન ખર્ચ, વિગેરે પણ અકસ્માત વીમા કવચના નિયમો પ્રમાણે આવરી લેવામાં આવ્યા છે.ફોરેસ્ટ ટ્રેકર્સ માટેના મેડિક્લેઇમમાં રૂ. 3,00,000 (રૂ. 3 લાખ) સુધીની રકમ ચૂકવવામાં આવશે. જેમાં સર્જરી, રૂમ ચાર્જ, ડોક્ટરની ફી, ટેસ્ટ અને દવાઓના ખર્ચ વિગેરેને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 30 દિવસના પ્રિ-હોસ્પેટલાઇઝેશન અને 60 દિવસના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન સમયગાળાને પણ આવરી લેવામાં આવ્યો છે. વીમા કંપનીની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર આપવામાં આવશે.

પરિમલ નથવાણીએ જણાવ્યું કે, “વીમા કવચ મળતાં અકસ્માતના કિસ્સામાં ટ્રેકર્સ અને તેમના પરિવારને નાણાકીય મદદ મળતાં તેઓ ખૂબ જ માનસિક રાહત અનુભવશે તેવી આશા છે. પ્રિમિયમની રકમની ચૂકવણી હું મારા વ્યક્તિગત ફંડમાંથી અર્પણ કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનમાં ટ્રેકર્સની આગવી ભૂમિકા રહેલી છે અને ખાસ કરીને ઘાયલ થયેલા અથવા તો હ્યુમન-એનિમલ કોન્ફ્લિક્ટનો ભોગ બનેલા વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવાની જોખમી કામગીરીમાં તેમને ઇજાનો ભય રહેલો હોય છે.”

વધુમાં જાણવ્યું કે આગામી 10 વર્ષના સમયગાળા સુધી આ અકસ્માત વીમાના પ્રિમિયમની રકમનું યોગદાન તેઓ વ્યક્તિગત રીતે અથવા તેમના ટ્રસ્ટના માધ્યમથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીને આપીને તેમનો સહયોગ ચાલુ રાખશે અને પછી સમય અને સંજોગો પ્રમાણે ફેર વિચારણા કરવામાં આવશે.

ટ્રેકર્સ માટેની કાર્યશિબિરમાં મુખ્ય વનસંરક્ષક રામ રતન નાલા, ગિરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, ગિર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

સાબુ, બ્રેડ અને દૂધથી માંડીને આ ચીજવસ્તુઓ થઈ બજેટ બહાર

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી સામાન્ય ભારતીયોના ઘરના બજેટ સુધી પહોંચી ગઈ છે. લોકોને ખબર પણ ન પડી અને રોજિંદા વપરાશની અનેક જરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ. સાબુ, ડિટર્જન્ટ, દૂધ, પેટ્રોલ-ડીઝલથી લઈને સોનું-ચાંદી સુધીની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે, જેને કારણે મધ્યમ વર્ગ પર મોટો આર્થિક બોજો પડ્યો છે. LPGના વધેલા ભાવોને કારણે હોટેલ-રેસ્ટોરાં અને ખાદ્ય પદાર્થોના ખર્ચમાં વધારો થયો છે. બીજી તરફ, વિદેશી ચલણના બહાર જતા પ્રવાહને રોકવા માટે સોનાની આયાત શૂલ્કમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરિણામે લગભગ દરેક ક્ષેત્ર પર આ યુદ્ધની નકારાત્મક અસર જોવા મળી રહી છે.

ફ્યુઅલના ભાવમાં વધારો

તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાથી ઘરખર્ચ વધુ વધી શકે છે. ટાટા ગ્રુપની વોલ્ટાસે પોતાની તાજેતરની અર્નિંગ્સ કોલ દરમિયાન જણાવ્યું હતું કે કંપનીએ કેટલાક ઉત્પાદનોના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે.

ACના ભાવમાં વધારો

બ્લૂ સ્ટારે એનર્જી-ચેન્જ નોર્મ્સને કારણે એર કન્ડિશનરના ભાવમાં સરેરાશ  પાંચ ટકાનો વધારો કર્યો છે. સાથે જ કાચા માલના વધેલા ભાવ અને વિનિમય દરના ઉતાર-ચઢાવને કારણે વધુ આઠ ટકાનો વધારો પણ કર્યો છે.

હવે બ્રેડ પણ મોંઘી

દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે સામાન્ય લોકોના નાસ્તાનો મહત્વનો ભાગ ગણાતી બ્રેડ પણ મોંઘી થઈ ગઈ છે. જેને કારણે રસોડાના બજેટ પર વધુ અસર પડી રહી છે.

સાબુ અને ડિટર્જન્ટના ભાવ વધ્યા

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સાબુ, ડિટર્જન્ટ અને ઘરેલુ જંતુનાશક પ્રોડક્ટ્સમાં ચારથી સાત ટકા સુધી ભાવવધારો કર્યો છે. મેરિકોએ લગભગ છથી સાત ટકા ભાવ વધાર્યા છે, જ્યારે હિંદુસ્તાન યુનિલિવરે બેથી પાંટ ટકા સુધી ભાવ વધાર્યા છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે આગળ પણ ભાવ વધવાની શક્યતા છે.

પેઇન્ટ ઉદ્યોગમાં એશિયન પેઇન્ટ્સે કુલ મળીને 9થી 14 ટકા સુધી બે વખત ભાવવધારો કર્યો છે. સાબુ, પેઇન્ટ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતાં ઘણાં રસાયણો સીધા તેલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સમાંથી આવે છે. કાચા માલ, પેકેજિંગ ખર્ચ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ખલેલને કારણે ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે.

કેજરીવાલ, સિસોદિયા સહિત આપ નેતાઓને હાઇકોર્ટની નોટિસ

નવી દિલ્હીઃ હાઇકોર્ટે ન્યાયાધીશ સ્વર્ણ કાંત શર્મા વિરુદ્ધ સોશિયલ મિડિયા પર કરાયેલી કથિત અપમાનજનક પોસ્ટ મામલે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓને અવમાનનાની નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને AAPના અન્ય નેતાઓને પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી ચોથી ઓગસ્ટે થશે.

કોર્ટે નોટિસ જારી કરી ચાર સપ્તાહનો સમય આપ્યો

મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણ કાંત શર્મા અંગે કરવામાં આવેલી સોશિયલ મિડિયા પોસ્ટ્સ મામલે સુનાવણી થઈ હતી. એ દરમિયાન કોર્ટે AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, દુર્ગેશ પાઠક, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને અન્ય પાસેથી જસ્ટિસ સ્વર્ણ કાંત શર્મા વિરુદ્ધ તેમના “અપમાનજનક” સોશિયલ મિડિયા પોસ્ટ્સ અંગે શરૂ કરાયેલા ફોજદારી અવમાનના કેસમાં તેમનો પક્ષ પૂછ્યો હતો. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિંદર ડુડેજાની બેન્ચે આ નેતાઓને જસ્ટિસ શર્મા દ્વારા તેમના વિરુદ્ધ શરૂ કરાયેલા સ્વપ્રેરિત અવમાનના કેસમાં નોટિસ જારી કરી હતી.

AAP નેતાઓ પર અવમાનનાના આરોપ

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માએ 14 મેએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને AAPના અન્ય નેતાઓ વિરુદ્ધ આબકારી નીતિ કેસ સંબંધિત તેમના “અપમાનજનક” સોશિયલ મિડિયા પોસ્ટ્સ અંગે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માએ જણાવ્યું હતું કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ કાનૂની માર્ગ અપનાવવાને બદલે તેમના વિરુદ્ધ સોશિયલ મિડિયા પર બદનામીનું “સુવ્યવસ્થિત અભિયાન” ચલાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય વિરુદ્ધ CBI દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે બીજી બેન્ચ સુનાવણી કરશે.

જસ્ટિસ શર્માએ અવમાનનાના આરોપ લાગેલા લોકોની અનેક સોશિયલ મિડિયા પોસ્ટ્સ પર વાંધો ઉઠાવ્યો હતો. આ પોસ્ટ્સમાં તેમના પર “રાજકીય નિષ્ઠા” અને “સંબંધ” હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત વારાણસીની એક શૈક્ષણિક સંસ્થામાં આપેલા તેમના ભાષણનો કથિત રીતે ભ્રામક અને “એડિટ કરાયેલો” વિડિયો પોસ્ટ કરીને તેમને નિશાન બનાવવામાં આવ્યાં હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.

રખડતા કૂતરાઓને દૂર કરવાનો ‘સુપ્રીમ’ આદેશ યથાવત્

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને લગતો વર્ષ 2025નો પોતાનો જૂનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવાના આદેશમાં ફેરફાર કરવાની માગ કરતી ડોગ લવર્સની તમામ અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે 7 નવેમ્બર 2025એ પુનર્વસન અને નસબંધી અંગે આપેલા પોતાના આદેશને યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સાથે-સાથે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા રખડતાં પ્રાણીઓ અંગે જાહેર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની માન્યતાને પડકારતી તમામ અરજીઓ પણ ફગાવી દીધી છે.

રખડતા કૂતરાઓની વધતી વસ્તી અંગે SC ચિંતિત

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે એનિમલ વેલફેર બોર્ડના નિર્ણયમાં હાલ હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે તે આ હકીકતને અવગણી શકતી નથી કે એનિમલ બર્થ કંટ્રોલ (ABC) નિયમો વર્ષ 2001માં અમલમાં મૂકવામાં આવ્યા હતા. છતાં પણ રખડતા કૂતરાઓની વધતી વસ્તીને અનુરૂપ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો નથી.

કોર્ટે જણાવ્યું હતું કે આ દિશામાં કરવામાં આવેલા પ્રયાસો માત્ર છૂટાછવાયા રહ્યા અને તેમાં સંસ્થાગત સ્તરે ગંભીરતા તથા મજબૂત આયોજનનો અભાવ જોવા મળ્યો છે. નસબંધી અને રસીકરણ અભિયાન પણ કોઈ વ્યાપક વ્યૂહરચના વિના ચલાવવામાં આવતા રહ્યા, જેને કારણે આ વ્યવસ્થાના મૂળ હેતુઓ જ પ્રભાવિત થયા છે. કોર્ટે આગળ જણાવ્યું કે જો રાજ્યો સમયસર દૂરંદેશી દાખવી અસરકારક પગલાં લીધાં હોત તો આજે પરિસ્થિતિ એટલી ગંભીર અને ચિંતાજનક બની ન હોત.

કૂતરાઓના કરડવાના કેસ સતત વધી રહ્યા છે

અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોર્ટ એ ટિપ્પણી કરવા મજબૂર છે કે એનિમલ બર્થ કંટ્રોલ (ABC) માળખાને અસરકારક રીતે અમલમાં મૂકવામાં થયેલી ગંભીર બેદરકારીને કારણે રઝળતા કૂતરાઓની સમસ્યા વધુ વિકરાળ બની ગઈ છે. કોર્ટે કહ્યું હતું કે દેશભરમાં ડોગ બાઇટના કેસ સતત વધી રહ્યા છે અને સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.

આમિર ખાને ટોપી ફેરવી એમાં લોકપ્રિયતા મળી ગઈ!

બોલિવૂડમાં કોઈ એક નાનકડી વસ્તુ આખી ફિલ્મની ઓળખ બની ગઈ હોય તેવા કિસ્સા બહુ ઓછા છે. ફિલ્મ ‘દિલ હૈ કે માનતા નહીં’ (1991) ની આમિર ખાનની ‘કેપ્ટન કેપ’ એવો જ એક કિસ્સો છે. આ ટોપી વિશે કેટલીક ખૂબ જ રસપ્રદ અને મજેદાર વાતો જાણવા જેવી છે.

આમિર ખાને જણાવ્યું હતું કે ફિલ્મ માટે તેમને યોગ્ય ટોપી મળી રહી ન હતી. એક દિવસ તેઓ નાસિર હુસૈનના ઘરે ગયા ત્યારે ત્યાં 4-5 વર્ષના ભાણિયા ઇમરાન ખાનને એક કેપ પહેરેલો જોયો. આમિરે ઇમરાન પાસેથી એ ટોપી માંગી લીધી, જે પાછળથી ફિલ્મમાં ખૂબ લોકપ્રિય બની ગઈ.

આમિરને જ્યારે ઇમરાન પાસેથી આ ટોપી મળી ત્યારે તે થોડી જૂની અને વપરાયેલી હતી. નિર્દેશક મહેશ ભટ્ટને તેનો એ ‘રફ એન્ડ ટફ’ લુક એટલો ગમી ગયો કે તેમણે આમિરને નવી ટોપી ખરીદવાની ચોખ્ખી ના પાડી દીધી અને એ જ જૂની ટોપી સાથે આખું શૂટિંગ પૂર્ણ કર્યું.

મહેશ ભટ્ટના મતે આ ટોપી માત્ર એક એક્સેસરી નહોતી, પરંતુ આમિર ખાનના પાત્ર ‘રઘુ જેટલી’ના અલ્લડ, બિન્દાસ્ત અને ગરીબ પત્રકારના વ્યક્તિત્વને મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ વસ્તુ હતી. તે એક એવો હીરો હતો જે મધ્યમવર્ગીય હતો અને પોતાની જ ધૂનમાં જીવતો હતો.

તે જમાનામાં મહેશ ભટ્ટે જ આમિરને સૂચન કર્યું હતું કે આ કેપ તેમના લુકને એક અલગ જ ચાર્મ આપશે. શૂટિંગ દરમિયાન આમિરને સતત એવો ડર રહેતો હતો કે જો આ ટોપી ખોવાઈ જશે તો આખી ફિલ્મના દ્રશ્યોની એકરૂપતા બગડી જશે, કારણ કે આવી બીજી અસલ ટોપી માર્કેટમાં મળતી નહોતી.

શૂટિંગ પૂરું થાય એટલે આમિર એ ટોપી કોઈને આપવાને બદલે પોતે જ સાચવીને પોતાની બેગમાં લોક કરીને રાખતા હતા. પૂજા ભટ્ટે પણ એકવાર મજાકમાં કહ્યું હતું કે આમિર સેટ પર બીજી બધી વસ્તુઓ ભૂલી શકતા હતા, પરંતુ એ ટોપી ક્યારેય નહીં!

પૂજાએ જણાવ્યું હતું કે આખી ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર આ ટોપી માટે અત્યંત ચિંતિત રહેતા હતા. શૂટિંગના બ્રેક દરમિયાન પણ આમિર ક્યારેક ટોપી પોતાના ખિસ્સામાં રાખતા અથવા પોતાના પર્સનલ આસિસ્ટન્ટને સોંપી દેતા, જેથી તે ક્યાંય ખોવાઈ ન જાય.

ફિલ્મમાં જોયું હશે કે ઘણા દ્રશ્યોમાં, ખાસ કરીને ગીતોમાં, આમિર ખાન ટોપી પાછળ ફેરવીને (ઉંધી) પણ પહેરે છે. ગીતોના રોમેન્ટિક દ્રશ્યો વખતે આ કોઈ ફેશન સ્ટાઇલ તરીકે ગોઠવવામાં આવ્યું નહોતું. ખરેખર તો રોમેન્ટિક દ્રશ્યો કે ગીતોના શૂટિંગ દરમિયાન જ્યારે આમિર અને પૂજા ભટ્ટ નજીક આવતા ત્યારે ટોપીની આગળની અણી પૂજા ભટ્ટના ચહેરા કે કપાળ સાથે અથડાતી હતી અને શૉટ બગડી જતો હતો.

આ સમસ્યાના ઉકેલ તરીકે આમિરે શૂટિંગ દરમિયાન જ કેપ પાછળ ફેરવી હતી. આ આકસ્મિક જુગાડ એટલો મસ્ત લાગ્યો કે 90ના દાયકાના યુવાનોમાં ‘ઉંધી ટોપી’ પહેરવાનો જોરદાર ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો.

અમેરિકામાં અદાણી ગ્રુપને ક્લીન ચિટ, મૂડીરોકાણ કરવાની કરી ઓફર

નવી દિલ્હીઃ અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલા આપરાધિક કેસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી તેમ જ તેમના ભત્રીજા સાગર અદાણી પર લાગેલા આપરાધિક આરોપો હટાવી દીધા છે. લાંબા સમયથી આ મામલો ન્યુ યોર્કમાં ચાલી રહ્યો હતો. તેમાં સિક્યોરિટીઝ ફ્રોડ અને વાયર ફ્રોડ જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપોને સાબિત કરી શકાયા નથી. તેથી કેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અદાણીની અમેરિકા સાથે કોઈ ડીલ?

છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપને અમેરિકામાં અનેક મામલાઓમાં રાહત મળી છે. ગૌતમ અદાણીના વકીલ રોબર્ટ જીઉફ્રા જુનિયરે તો અહીં સુધી કહ્યું હતું કે ઉદ્યોગપતિ અમેરિકામાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગે છે, પરંતુ લંબિત કેસોને કારણે એવું શક્ય બની રહ્યું નહોતું. રોબર્ટ જીઉફ્રા હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાનગી વકીલ તરીકે પણ કામ કરે છે.ગૌતમ અદાણી પર લાગેલા આરોપોની વાત કરીએ તો એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં સોલર પાવર પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે અંદાજે 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અદાણીની કંપની પર શું આરોપ?

આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝિસ પર ઈરાન પર લાગેલા અમેરિકન પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપો પણ લાગ્યા હતા. જોકે હવે તે મામલાનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. કંપની અને અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.અમેરિકન સંસ્થા SEC (Securities and Exchange Commission)એ અગાઉ ગૌતમ અદાણીની કંપની પર આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી અંગે ભ્રામક માહિતી શેર કરવામાં આવી હતી. જો કોર્ટમાં આ આરોપો સાબિત થઈ ગયા હોત તો ગૌતમ અદાણીને છ મિલિયન ડોલર અને સાગર અદાણીને 12 મિલિયન ડોલર સુધીનો દંડ ભરવો પડી શક્યો હોત.

કેસ કેમ બંધ થયો?

તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝિસે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. કંપનીએ આંતરિક તપાસ કરાવી, તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવી અને સુધારાત્મક પગલાં પણ લીધાં હતાં.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૯ મે ૨૦૨૬

IPL 2026: ચેન્નઈને હરાવી હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચ્યું

IPL 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. સોમવારે ચેન્નઈના ઐતિહાસિક એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્લેઓફની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મુકાબલો રમાયો હતો. આ હાઈ-વોલ્ટેજ મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 5 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. હૈદરાબાદની આ જીતનો સીધો ફાયદો ગુજરાત ટાઇટન્સને થયો છે અને તેનું પણ પ્લેઓફનું સ્થાન પાકું થઈ ગયું છે. આ વર્તમાન સીઝનમાં બંને ટીમોનું પ્રદર્શન ઘણું ઉતાર-ચઢાવવાળું રહ્યું છે. જોકે, આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી રમેલી 13 મેચોમાંથી 8 મેચ જીતી લીધી છે અને 16 પોઈન્ટ્સ સાથે પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ હાર મોટો ફટકો છે. ચેન્નઈએ 13 મેચોમાંથી માત્ર 6 માં જીત મેળવી છે અને તે 12 પોઈન્ટ્સ સાથે મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયું છે.

 

હૈદરાબાદની ઇનિંગ્સ: ઇશાન અને ક્લાસેનનો દબદબો

181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ઇનિંગ્સની બીજી જ ઓવરમાં સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ માત્ર 6 રન બનાવીને મુકેશ ચૌધરીની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. બીજા ઓપનર અભિષેક શર્માએ 26 રન બનાવીને લય પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અકીલ હુસૈનની સ્પિન જાળમાં તે ફસાઈ ગયો. 2 વિકેટ ઝડપથી પડી ગયા બાદ ઇશાન કિશન અને હેનરિક ક્લાસેને મોરચો સંભાળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 75 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી ટીમને જીતના માર્ગે લાવી દીધી હતી. હેનરિક ક્લાસેને માત્ર 26 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની આક્રમક ઇનિંગ રમી હતી, તેને નૂર અહેમદે આઉટ કર્યો હતો. ક્લાસેનના આઉટ થયા બાદ ઇશાન કિશને જવાબદારીપૂર્વક બેટિંગ કરી અને 47 બોલમાં 7 ચોગ્ગા તેમજ 3 છગ્ગા ફટકારીને શાનદાર 70 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી ખાસ કશું ન કરી શક્યા અને 11 રને આઉટ થયા હતા. અંતમાં સલિલ અરોરાએ 10* રન અને સ્મરણ રવિચંદ્રને 5* રન બનાવીને અણનમ રહીને 19th ઓવરમાં ટીમને વિજય અપાવ્યો હતો.

ચેન્નઈની ઇનિંગ્સ: પેટ કમિન્સની ઘાતક બોલિંગ

આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 overs માં 7 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. સીએસકેની શરૂઆત નબળી રહી હતી કારણ કે હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને 27 રનના સ્કોર પર આઉટ કરીને મોટો ફટકો આપ્યો હતો. ઉર્વિલ પટેલ પણ સસ્તો આઉટ થયો હતો, જેની વિકેટ સાકિબ હુસૈને લીધી હતી. કાર્તિક શર્મા સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે 19 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 32 રન ફટકાર્યા હતા, પરંતુ કમિન્સે તેને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. કાર્તિક આઉટ થયો ત્યારે સીએસકેનો સ્કોર 90/3 હતો.

કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને તેણે 21 બોલમાં માત્ર 15 રન કર્યા હતા, ગાયકવાડ પણ કમિન્સનો શિકાર બન્યો હતો. આ પછી શિવમ દુબે અને ડેવાલ્ડ બ્રેવિસે પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરીને સ્કોર સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. બ્રેવિસે 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 27 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે શિવમ દુબેએ 23 બોલમાં 26 રન બનાવ્યા હતા. પ્રશાંત વીર ઇનિંગ્સના છેલ્લા બોલે આઉટ થયો હતો. હૈદરાબાદ માટે કેપ્ટન પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે સાકિબ હુસૈનને 2 સફળતા મળી હતી.

હેડ-ટુ-હેડ રેકોર્ડ

આઈપીએલના ઇતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 24 મેચો રમાઈ છે. જેમાંથી ચેન્નઈ સુપર કિંગ્સે 15 મેચોમાં જીત મેળવી છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 9 મેચો જીતી છે. ચાલુ સીઝનની વાત કરીએ તો બંને ટીમો બીજી વાર આમને-સામને આવી હતી. આ પહેલા 18 April 2026 ના રોજ રમાયેલી પ્રથમ મેચમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 10 રનથી પરાજય આપ્યો હતો.

પંચાંગ 19/05/2026