Home Blog Page 4768

આફતને અવસરમાં પલટતા યુવા અમદાવાદીઓ…

અમદાવાદ: કોરોના વાઈરસ અને લોકડાઉને દુનિયાભરના લોકોના જીવન પર ઉંડી અસર જન્માવી છે. માનવીએ કોરોના સામેની લડત શારિરીક, આર્થિક, માનસિક, સામાજિક અને વ્યવસાયિક એમ તમામ સ્તરે લડવી પડી રહી છે. ઘણા લોકો એવા પણ છે જેમણે આ લડતમાં નવી ઉર્જા- નવા વિચારો સાથે ઝંપલાવ્યું અને સફળ રહ્યા.
આજે વાત એવા લોકોની કરવી છે, જેમણે લોકડાઉનમાં પુસ્તકો અનલોક કર્યા, દુર્વિચારો બ્લોક કર્યા, કામ રાઉન્ડ-ધી-ક્લોક કર્યા તો ખુશીઓએ તેમના દરવાજા નોક કર્યા.

મિતેષભાઈ સોલંકી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસમાં અધ્યાપક છે. લોકડાઉન જાહેર થતા તેમને ઘરમાં નવરા બેસી રહેવું રાસ ન આવ્યું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક-એક દિવસ અને કલાક અગત્યનો હોય છે. આ માટે તેઓએ બંધારણના જટિલ વિષયો પર વિડિયો લેક્ચર બનાવી યુટ્યુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું. મિતેષભાઇને વિચાર આવ્યો કે, નવરાશની પળોમાં હજુ વધારે ઉપયોગી કાર્યો કરી શકાય તેમ છે. આ વિચારને મૂર્તિમંત કરતા તેઓએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બંધારણ વિષય પર એક સરળ પુસ્તક લખવાનો નિર્ધાર કર્યો. ઘરના પુસ્તકાલયમાં વસાવેલા સંદર્ભગ્રંથો વાંચવાનું શરૂ કર્યું. તેમણે ૧૦થી વધુ દળદાર પુસ્તકોનું વાંચન કરી નાખ્યું.

મિતેષભાઇ કહે છે કે, હું રોજના સરેરાશ ૧૦ થી ૧૨ કલાક વાંચન કરતો. સંશોધન કાર્ય પૂરું થતાં લખવાનું શરૂ કર્યું. માત્ર ૧૭ દિવસમાં મારા પુસ્તકનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો. આ પુસ્તકમાં બંધારણની તમામ ૩૯૫ કલમ વિસ્તારપૂર્વક અને ઐતિહાસિક તથ્યો સાથે સમજાવવામાં આવી છે.

યુવા ઇજનેર ધરવની કહાની પણ આવી જ છે. ધરવ વટવાની ફેક્ટરીમાં કેમિકલ એન્જિનીયર છે. લોકડાઉન અને શ્રમિકોના વતન પ્રયાણને કારણે ફેક્ટરી બંધ પડી. ધરવે નિરાશ બેસી રહેવાને બદલે કંઇક નવુ કરવા વિચાર્યું. રોજબરોજ સેનીટાઇઝરની વધતી માંગ જોતા તેણે સેનીટાઇઝર બનાવવાનું નક્કી કર્યું. ઓર્ગેનીક કેમેસ્ટ્રીના પુસ્તકો વાંચ્યા અને પ્રયોગો શરુ કર્યા. ધરવે બનાવેલું સેનીટાઈઝર ગેસ ક્રોમેટોગ્રાફી ટેસ્ટ અને માઇક્રોસ્કોપિક ટેસ્ટ એમ બંનેમાં ખરુ ઉતર્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા પ્રમાણે વિસ્કોસિટિ(તરલતા), પી.એચ.વેલ્યુ અને ઘનતા જેવા માપદંડો પણ ધ્યાને લેવામાં આવ્યા છે. સેનીટાઈઝરનું ઉત્પાદન કર્યા બાદ તેના ટેસ્ટ રિપોર્ટ સારા આવતા હવે તેને વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન કરવા ‘સ્ટાર્ટ-અપ’ શરુ કરવા ધરવનો વિચાર છે અને આ માટે લાયસન્સની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

ધરવ કહે છે કે, આજકાલ ક્યાંક બજારમાં જેલી બેઇઝ સેનીટાઇઝર મળી રહ્યા છે જે એક્રેલિક એસિડના માઇક્રોમર ધરાવે છે અને ત્વચાને નુકશાનકારક છે. આથી જેલી બેઇઝ સેનીટાઇઝરથી બચવું જોઈએ અને લિક્વિડ સેનીટાઇઝરનો જ ઉપયોગ કરવો જોઈએ.

હવે વાત ઊર્મિ પંડ્યાની જેણે લોકડાઉનમાં શાળાના બાળકોને ટેનિસ રમતા શીખવાડ્યું. ૨૦ વર્ષિય ઉર્મિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેનીસ રમી ચુક્યા છે. તેઓ પ્રોફેશનલ ટેનિસ રમવાની સાથે સાથે શાળાના બાળકોને ઓનલાઈન કોચિંગ પણ આપે છે. ઉર્મિએ લોકડાઉન દરમિયાન સ્પોર્ટસ સાઇકોલોજી, ટેનીસ સાયકોલોજીના પુસ્તક ઉપરાંત જાણીતા ટેનીસ પ્લેયર રફાલ નાડાલની બાયોગ્રાફી પણ વાંચી છે. શાળાના વિદ્યાર્થીઓને ટેનિસનું કોચિંગ આપવા વિડિયો બનાવવા માટે ઉર્મિ વિડિયો એડીટીંગ અને બ્રોશર્સ મેકિંગ પણ શીખી લીધું. પેન્ડેમિકની સ્થિતિને કારણે ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનના ૪૫ શોર્ટ ડ્યુરેશન કોર્સ એટેન્ડ કર્યા. એથલિટ-૩૬૫ વેબસાઈટ પરથી 8 કોર્ષ કર્યા. આમ ઉર્મિ માટે શીખવા અને શીખવવાની પ્રક્રિયા સતત ચાલતી રહી.

ટેનિસ એકેડમી સાથે જોડાયેલી ઉર્મિ કહે છે કે, તેણીએ અન્ય કોચ સાથે મળીને ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન કર્યા જેમાં રાજ્યના ઉભરતા ટેનિસ પ્લેયરનું માર્ગદર્શન અને ફિઝિયોથેરાપી સેશન દ્વારા ખેલાડિઓનો ઉત્સાહ વધાર્યો.
આ તો ફક્ત ત્રણ યુવાઓની વાત છે. પરંતુ સમાજમાં ઘણાબધા એવા વ્યક્તિઓ હશે જેમણે લોકડાઉનનો સદઉપયોગ કરીને સ્વઉન્નતિના કાર્યો કર્યા હશે. સમય બધાને સરખો મળે છે પણ સમયપાલન બધાને સરખુ નથી આવડતું.

બિહારઃ જેડીયુએ પ્રચાર માટે અપનાવ્યો આ રસ્તો

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આ વખતે ડિજિટલ મીડિયાની ભૂમિકા મહત્વની રહેશે. એક તરફ ભાજપની વર્ચુઅલ રેલી તો બીજી તરફ તેમની સહયોગી પાર્ટી જેડીયુએ તેમના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો મૂળમંત્ર આપ્યો છે. બીજેપીનો ડિજિટલ પ્રચાર હજુ સુધી વર્ચુઅલ રેલીઓ સુધી જ સીમિત છે તો જેડીયુએ નક્કી કરી લીધું છે કે, સોશિયલ મીડિયા મારફતે આ રેલીઓને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી.

શુક્રવારે પૂર્ણ થયેલા 8 દિવસીય કાર્યકર્તા વર્ચુઅલ સમ્મેલનમાં પાર્ટીના મુખ્ય નેતાઓ તરફથી કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપગ્રુપ અને ફેસબુક પેજ બનાવવામાં આવે જે લોકો અને પાર્ટી વચ્ચે લિન્ક બનાવવાનું કામ કરશે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહાર સરકારમાં મંત્રી સંજય કુમાર ઝાએ કહ્યું કે, 18થી 24 વર્ષની ઉંમરના 70 ટકા પુરુષ અને મહિલા વોટ્સએપ અને ફેસબુકનો ઉપયોગ કરે છે. આ લોકોની ઓનલાઈ હાજરીને ધ્યાનમાં રાખવી જોઈએ.

જેડીયુના ચૂંટણી પ્રચારમાં આરજેડીના શાસન કાળમાં થયેલ ઘટનાઓ અને વર્તમાનમાં નીતિશ કુમારની ઉપલબ્ધિઓને જ મુખ્ય એજન્ડા બનાવવામાં આવશે. આ એજન્ડાને ગૃહમંત્રી અમિત શાહે પણ ગયા રવિવારે કરેલી વર્ચુઅલ રેલીમાં નક્કી કરી દીધો હતો.

વર્ચુઅલ રેલીમાં કાર્યકર્તાઓને મૂળમંત્ર આપતા નીતિશ કુમારે 90:10નો પણ ફોર્મૂલા આપ્યો હતો. નીતિશે નાલંદા, પટનાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા 90:10ના સિદ્ધાંત અંગે જણાવ્યું હતું. નીતિશ કુમારે કાર્યકર્તાઓને કહ્યું કે, 90 ટકા સમયનો ઉપયોગ તે લોકોને સરકારની ઉપલબ્ધિઓ ગણાવવામાં કરે. અને 10 ટકા સમયનો ઉપયોગ સરકાર વિરોધી વિપક્ષી દળોની ટીકા કરવામાં કરે. નીતિશ કુમારે કહ્યું કે, ચૂંટણીના સમયમાં સકારાત્મક કામો પ્રત્યે લોકોનો ઝુકાવ વધુ રહે છે. અમારે કોઈની સાથે વિવાદ નથી, કામ પ્રત્યે અમારી આસ્થા છે.

 

કોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,458 નવા કેસ સામે આવ્યા છે અને 386 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,08,993 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે આ ખતરનાક બીમારીને 1,54,330 લોકો માત આપવામાં આવ્યા છે. આ વાઇરસે અત્યાર સુધી 8884 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ 49.94 ટકાએ પહોંચ્યો છે. કોરોના સંક્રમણ સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત વિશ્વમાં ચોથા નંબરે છે.  આ વાઇરસ માટે હજી સુધી કોઈ રસી વિકસિત નથી કરી શકાઈ.

 વડા પ્રધાન આગામી સપ્તાહે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે બધા રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોની સાથે કોરોના વાઇરસના સંકટ પર વિચારવિમર્શ કરશે. સૂત્રો અનુસાર 16 અને 17 જૂને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક યોજશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

ટ્રેન ટિકિટ બુક કરાવ્યા છતાં MP યાત્રા નહીં કરે તો ભાડૂં વસૂલાશેઃ રાજ્યસભા  

નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં અર્થતંત્રમાં જ્યારે અનેક ત્રિમાસિક ગાળાથી મંદીનો માહોલ છે ત્યારે રાજ્યસભાના સચિવાલયે ભારતીય રેલવેને રાજ્યસભાના સભ્યો દ્વારા ફ્રી ટ્રાવેલ માટે રૂ. આઠ કરોડની ચુકવણી કરી છે. 2019નું સભ્યો માટેનું બિલ સામાન્ય કરતાં ઘણું વધુ છે. રેલવેએ આ માટે સંસદસભ્યો દ્વારા ટિકિટોના બુકિંગ કરી કેન્સલ નહીં કરાવવાનો ગંભીર ગેરરીતિનો આરોપ મૂક્યો છે, પણ હવે રાજ્યસભાનો કોઈ સભ્ય હવે જો ટ્રેનની ટિકિટ બુક કરાવ્યા પછી યાત્રા નથી કરતો તો તેણે (સંસદસભ્યએ) જ એ ટિકિટના ભાડાની ચુકવણી કરવી પડશે.

રાજ્યસભાના સભ્યો દ્વારા વિશેષાધિકારોનો દુરુપયોગ

રાજ્યસભાના સંસદસભ્યો તેમનાં ભથ્થાં અને વિશેષાધિકારોનો દુરુપરયોગ કરતા હોવાનું માલૂમ પડ્યું છે. દેશમાં કોરોના વાઇરસની કટોકટી હોવા છતાં તેમના દ્વારા આ બાબતને સતત અવગણવામાં આવી રહી છે, જેથી જાહેર નાણાંનો વ્યય થઈ રહ્યો છે. જેથી રાજ્યસભાના મુખ્ય સચિવ દ્વારા સભ્યોને માટે જારી થયેલા કડક નિર્દેશમાં આ માહિતી આપવામાં આવી છે. આમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ટિકિટ બુક કરાવ્યા પછી જેતે સંસદસભ્ય યાત્રા નહીં કરે તો તેની આગળની યાત્રાના હિસાબમાં સમાવેશ નહીં કરવામાં આવે.

સંસદસભ્યના પગારમાંથી ભાડું વસૂલાશે

આ ઉપરાંત જો આ બાબતનું ઉલ્લંઘન થશે તો તેમના પગારમાંથી ટિકિટના પૈસા કાપવામાં આવશે. રાજયસભાના ભવનના મુખ્ય સચિવે દીપક વર્માએ સંસદસભ્યોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે તેઓ યાત્રા ના કરે, ટ્રેનનું બુકિંગ કેન્સલ કરાવે અને જો આવું નહીં કરે તો ટ્રેનનું ભાડું તેમની પાસેથી વસૂલવામાં આવશે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રેલવે મંત્રાલયે ચુકવણીના દાવાની વિગતો આપી હતી, જે મુજબ કેટલાક સભ્યોએ એક જ દિવસમાં અથવા બીજાં સ્ટેશનોથી ઊપડતી કેટલીક ટ્રેનોમાં ટિકિટ બુક કરાવી હતી. રાજ્યસભા સચિવાલયે એ ટિકિટની ચુકવણી પણ કરવી પડે છે, જેનો સભ્યોએ ઉપયોગ નથી કર્યો. નિયમો મુજબ સંસદસભ્યો ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં યાત્રા કરી શકે છે. અને એનાથી નીચેની શ્રેણીવાળા ડબ્બામાં પોતાની સાથે કોઈને પણ યાત્રા કરાવી શકે છે.

 

 

 

વાહ ભાઈ વાહ! ૧૩ જૂન, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૩ જૂન, ૨૦૨૦

પંચાંગ 13/06/2020

રાશિ ભવિષ્ય 13/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

છાશમાં માખણ જાય ને બાઇ કૂવડ કે’વાય

 

 

છાશમાં માખણ જાય ને બાઇ કૂવડ કે’વાય

 

 

દહીંનું વલોણું થાય ત્યારે એક તબક્કો એવો આવે કે છાશ અને માખણ છૂટા પડે. એને થોડી વાર ઠંડુ પાણી નાખીને ઠરવા દેવું પડે એટલે માખણનો પડો ઉપર આવી જાય. આ માખણ પછી સિફતાઈપૂર્વક ઉતારી લેવાય. જો એમાં કચાશ રહે તો માખણનાં ફોદાં છાશમાં જ રહી જાય.

પહેલાના જમાનામાં લોકો છાશ વેચતા નહોતા, વહેંચતા હતાં. જેના ઘરે વલોણું થાય તે માખણ ઉતારી લે અને ત્યારબાદ છાશ જેને જોઈતી હોય તેને મફતમાં આપી દેવાતી.

હવે જો માખણ કાળજીથી ના ઉતાર્યું હોય તો તેના ફોદાં છાશમાં જાય. ઘરમાં એટલું નુકસાન આવે અને સામેવાળો કદર કરી જાય કે બાઇ કૂવડ છે. કૂવડ એટલે આળસુ.

આમ, બેકાળજી અને આળસને લીધે ઘરનું માખણ છાશ ભેગું જાય અને ઉપરથી આળસુનો ઇલકાબ મળે. કોઇપણ કામમાં આળસ રાખવાથી નુકસાન થાય છે અને સાથે અપયશ પણ મળે છે એવો મતલબ આ કહેવતનો થાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.) 

વેપારીઓને GST કાઉન્સિલ તરફથી રાહતઃ લેટ ફી, વ્યાજમાંથી મુક્તિ

નવી દિલ્હીઃ GST કાઉન્સિલની 40મી બેઠક પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મિડિયાને સંબોધિત કરતાં બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે જણાવ્યું હતું. GSTની 40મી બેઠકમાં અમુક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આમાં ઓગસ્ટ, 2017થી જાન્યુઆરી, 2020 સુધી GST રિટર્ન નહીં કરવા પર લાગતી લેટ ફીને માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પણ એ રાહત એવા વેપારીઓને જ મળશે, જેમની કોઈ ટેક્સ જવાબદારી નથી.

ટેક્સ જવાબદારીઓ હતી, તેમની લેટ ફી ઓછી કરી દેવામાં આવી

નાણાં પ્રધાને કહ્યું હતું કે જુલાઈ, 2017થી જાન્યુઆરી, 2020 સુધી કોરોના વાઇરસ સંક્રમણ શરૂ થયા પહેલાં જે વેપારીઓ પર ટેક્સ જવાબદારીઓ હતી, તેમની લેટ ફી ઓછી કરી દેવામાં આવી છે.  નાણાપ્રધાને જણાવ્યું હતું કે જુલાઈ, 2017થી જાન્યુઆરી 2020 સુધી ટેક્સ લાયાબિલિટી હોવા છતાં જ ટ્રેડર્સ GST-3B ફાઇલ નથી કર્યાં તેમના પર હવે મહત્તમ લેટ ફી રૂ. 500 લાગશે. જોકે એનો લાભ પહેલી જુલાઈ, 2020થી માંડીને 30 સપ્ટેમ્બર, 2020 સુધી રિટર્ન ફાઇલ કરવાવાળાઓને પણ મળશે.

કોઈ લેટ ફી અથવા ઇન્ટરેસ્ટ નહીં

નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે જે વેપારીઓનું ટર્નઓવર રૂ. પાંચ કરોડ સુધીનું છે અને જો તેમણે મે, જૂન અને જુલાઈ, 2020 માટે GSTR-3B સપ્ટેમ્બર સુધી ફાઇલ કર્યું છે તો તેમના પર કોઈ લેટ ફી અથવા ઇન્ટરેસ્ટ નહીં લાગે.

બધાં રાજ્યોના નાણાપ્રધાનો સામેલ

નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથેની બેઠકમાં બધા રાજ્યોના નાણાં પ્રધાનો સામેલ થયા હતા. નાણાપ્રધાને વિડિયો કોન્ફરન્સિંગથી યોજેલી મીટિંગમાં રાજ્યોની દરખાસ્તોને બહુ ધ્યાનથી સાંભળી હતી. બધાં રાજ્યોએ તેમની વાત નાણાં પ્રધાન સમક્ષ કરી હતી.

મોટી સંખ્યામાં રિટર્ન ફાઇલિંગ બાકી

નાણાપ્રધાને કહ્યું હતું કે જુલાઈ, 2017થી જાન્યુઆરી, 2020 સુધી એટલે કે કોરોના સંક્રમણ શરૂ થયા પહેલાં મોટી સંખ્યામાં રિટર્ન ભરવાનાં બાકી છે. તેમણે કહ્યું હતું કે GSTની આગામી બેઠક જુલાઈમાં થશે, જેમાં રાજ્યોને વળતર પર ચર્ચા થશે. જોકે આ મીટિંગની તારીખ નક્કી નથી.

GST કાનૂન હેઠળ રાજ્યોને એક જુલાઈ, 2017 સુધી GSTના અમલમાં આવ્યા પછી પહેલા પાંચ વર્ષ સુધી આવકમાં નુકસાનને ભરપાઈની ગેરન્ટી આપવામાં આવી છે.

ભારતીય મૂળના વૈજ્ઞાનિક રતન લાલને મળ્યો ‘વિશ્વ ખાદ્ય પુરસ્કાર’

વોશિગ્ટન: જાણીતા ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક રતન લાલ (સોઈલ સાયન્ટિસ્ટ)ને વિશ્વ ખાદ્ય પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રતન લાલને 2,50,000 અમેરિકન ડોલરનું પુરસ્કાર મળશે. રતન લાલને આ સન્માન ઈનોવેટિવ માટી સંરક્ષણ ટેકનિકો પર છેલ્લા પાંચ દાયકામાં કરેલા પ્રયાસો બદલ આપવામાં આવી રહ્યું છે.

રતન લાલે કહ્યું કે, મને વિશ્વભરમાં ખેડૂતો માટે કામ કરવાનો વિશેષ અવસર મળ્યો છે અને સન્માન મળ્યું છે, તે બદલ હું આભારી છું. 2020નો વિશ્વ ખાદ્ય પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ ખૂબ જ ખુશી અને ઉત્સાહ છે.

મહત્વનું છે કે, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કાર 1987થી આપવામાં આવી રહ્યો છે. પુરસ્કાર આપતી વખતે રતન લાલની પ્રશંસામાં કહેવામાં આવ્યું કે, તેમણે ચાર મહાદ્વીપના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રતનલાલની ટેકનિકને પરિણામે આજે 50 કરોડથી વધુ નાના ખેડૂતો તેમની આજીવિકાને સુધારવામાં સફળ રહ્યા છે. જ્યારે બે અબજથી વધુ લોકોને આહાર અને પોષણની યોગ્ય વ્યવસ્થા કરવાના પ્રયાસોમાં પણ સકારાત્મક બદલાવ આવ્યો છે.

રતન લાલ, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઓછો કરતા ખાદ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે માટી કેન્દ્રિત આઈડિયા તૈયાર કરે છે.