Home Blog Page 4503

લોન કૌભાંડઃ ચંદા કોચરની સંપત્તિને ED એજન્સીએ ટાંચ મારી

મુંબઈ – કરોડો રૂપિયાની રકમને સંડોવતા લોન કૌભાંડના કેસની તપાસના સંબંધમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આજે અહીં ICICI બેન્કનાં ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચરની રેસિડેન્શિયલ પ્રોપર્ટી અને શેરને કામચલાઉ રીતે ટાંચ મારી છે.

પૈસાના બદલામાં લોનના કૌભાંડમાં હાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને ઈડી એજન્સીઓ તપાસ કરી રહી છે.

ચંદા કોચરની આશરે રૂ. 78 કરોડની કિંમતની સંપત્તિને ટાંચ મારવામાં આવી છે.

એએનઆઈના અહેવાલ મુજબ, ચંદા કોચર તથા એમનાં પરિવારની અનેક પ્રોપર્ટીને ટાંચ મારવામાં આવી છે. આમાં એમના મુંબઈના એક ફ્લેટ તથા એમનાં પતિ દીપક કોચરની કંપનીની પ્રોપર્ટીઓનો સમાવેશ થાય છે.

ઈડી એજન્સી ભૂતકાળમાં અનેક વાર કોચર દંપતીની પૂછપરછ કરી ચૂકી છે.

આ કેસ ICICI બેન્ક દ્વારા 2009-2011ના વર્ષો વચ્ચે વિડિયોકોન ગ્રુપને રૂ. 1,875 કરોડની લોનને મંજૂર કરવામાં કથિતપણે કરવામાં આચરવામાં આવેલી ગેરરીતિ અને ભ્રષ્ટ પદ્ધતિઓને લગતો છે.

ઈડીનો આરોપ છે કે ICICI બેન્કનું નેતૃત્ત્વ કરતી વખતે ચંદા કોચરે એમનાં પતિ દ્વારા સંચાલિત કંપની ન્યૂપાવર રીન્યૂએબલ્સ લિમિટેડને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપ્યા હતા.

બીજેપી MLAનો બફાટ: કહ્યું-પાકિસ્તાને ભારતના નાખુશ મુસ્લિમોને બોલાવી લેવા જોઈએ

લખનૌ: ઉત્તર પ્રદેશની ખતૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સેનીએ નાગરિકતા કાયદાનું સમર્થન કરતા ઢંગધડા વગરનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને પણ આ પ્રકારનો કાયદો બનાવીને ભારતમાંથી પ્રતાડિત મુસલમાનોને તેમના દેશમાં બોલાવી લેવા જોઈએ. પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, પાકિસ્તાને પણ સીએએ જેવા કાયદો બનાવવો જોઈએ, જે મુસ્લિમો અહીં (ભારતમાં) પીડિત છે તેમને પાકિસ્તાનની નાગરિકતા આપવી જોઈએ. પ્રતાડિત નાગરિકોની અદલાબદલી કરી લો. જે ત્યાં પીડિત છે તે હિન્દુસ્તાનમાં આવી જાય અને અહીંના પીડિતો પાકિસ્તાન જતા રહે.

વિક્રમ સેનાના આ વિવાદિત નિવેદનનો વિડિયો પણ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એનએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલો આ વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકોની જોરદાર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યૂઝરે તેમના નિવેદન અંગે લખ્યું કે, જે માનસિક પીડિત છે તે કયા જાય?

અગાઉ પર વિક્રમ સેની આ પ્રકારના વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. આ પહેલા જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કરવા મામલે તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી પાર્ટી કાર્યકર્તા એકદમ ઉત્સાહિત છે કારણ કે, હવે કાર્યકર્તાઓ ત્યાંની સુંદર-સુંદર છોકરીઓ સાથે લગ્ન કરી શકશે. આ ઉપરાંત સેની જવાહરલાલ નેહરુ અને ગાંધી પરિવાર ઉપર પણ અશોભનીય ટિપ્પણી કરી ચૂક્યા છે. ગયા વર્ષે નસરુદ્દીન શાહના અસુરક્ષાના નિવેદન પર સેનીએ કહ્યું હતું કે, જેને લોકો ભારતમાં અસુરક્ષા અનુભવી રહ્યા હોય તેમને બોમ્બથી ઉડાવી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં મોટાપાયે હિંસા થઈ ચૂકી છે અને વિરોધનો વંટોળ હજુ પણ શાંત પડયો નથી. શુક્રવારે સીએએ અને એનઆરસીના વિરોધમાં હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવેસીએ તિરંગા યાત્રા કાઢી હતી. રેલી ઈદગાહ મીર આલમથી શાસ્ત્રીપુરમ ગ્રાઉન્ડ સુધી કાઢવામાં આવી. ઓવેસીને વેપારીઓનું પણ સમર્થન મળ્યું અને વેપારીઓએ પોતાની દુકાનો સ્વ્યંભૂ બંધ રાખવાની જાહેરાત કરી હતી.

મુંબઈઃ અવિસ્મરણીય બની રહ્યો બોરીવલીની ‘GH હાઈસ્કૂલ’નો વિદ્યાર્થી મેળાવડો

મુંબઈ – બોરીવલી (પૂર્વ)ની ખૂબ જાણીતી એવી શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ (GH હાઈસ્કૂલ) દ્વારા તેના ભૂતપૂર્વ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ માટે હાલમાં જ એક વિશાળ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું – ‘મેળાવડો મોજ મસ્તીનો.’

આ ‘ગ્રાન્ડ GH ગ્લોબલ રીયુનિયન’ કાર્યક્રમમાં શાળાનાં દેશ-વિદેશમાંથી 7000 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી તેથી કાર્યક્રમ અભૂતપૂર્વ બની રહ્યો હતો.

વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે પ્રતિસાદ આપ્યો હતો એનાથી શાળાનાં સંચાલકો આનંદિત અને આશ્ચર્યચકિત થયા છે.

કોઈ મોટા ધાર્મિક ઉત્સવ વખતે જેવું વાતાવરણ હોય છે એવાં દ્રશ્યો પાંચમી જાન્યુઆરીએ બોરીવલી પૂર્વમાં જોવા મળ્યા હતા. શાળાના પ્રાંગણથી એક કિલોમીટર દૂરથી જ વિદ્યાર્થીઓ ઢોલ વગાડતાં અને નાચતાં-કૂદતાં શાળાએ પહોંચતાં જોવા મળ્યા હતા.

શેઠ ગોપાલજી હેમરાજ શાળા 80 વર્ષ જૂની છે, જેની સ્થાપના ભારતની આઝાદી પૂર્વે, 1934માં કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જૂનાં વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણા ભૂતપૂર્વ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જૂનાં મિત્રો એકબીજાંને મળ્યા તેથી એમની જૂની યાદ તાજી થઈ, ઘણાંની આંખો ભીની પણ થઈ. કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો વિદેશથી આવ્યા હતા. વિદ્યાર્થીવયે પોતાને શિસ્ત શિખવવાની સાથે જ્ઞાન પૂરું પાડનાર શિક્ષકોને મળીને વિદ્યાર્થીઓ ગર્વની લાગણી મહેસૂસ કરતા હતા અને પોતાના શેષ જીવનમાં પણ એમના આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંના આજે કોઈક ડોક્ટર છે તો કોઈક એન્જિનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષક, બિઝનેસમેન જેવા જુદા જુદા વ્યવસાયમાં સ્થાયી થયેલા છે. આ સૌ એક મંચ પર ભેગા થયા હતા.

કાર્યક્રમમાં શાળાનાં વર્તમાન ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉંમરલાયક શિક્ષકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ માટે વ્હીલચેર, વોકર, ઓક્સિજનનાં બાટલા અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વસ્તીગણતરી દરમ્યાન તમને પૂછવામાં આવશે આ અંગત સવાલો

નવી દિલ્હી: મોદી સરકારે વસ્તી ગણતરી 2021ની તૈયારી શરૂ કરી દીધી છે. તેને લઈને બેઠકો ચાલી રહી છે. સરકારે વસ્તીગણતરી દરમ્યાન પૂછવામાં આવનારા સવાલોનું એક નોટિફિકેશન જાહેર કર્યું છે. સેંસસ એક્ટની કલમ 8ની પેટાકલમ 1 મુજબ થવા જઈ રહેલી વસ્તી ગણતરી માટે સરકારે તમામ વસ્તીગણતરી ઓફિસોને સવાલોનું લિસ્ટ મોકલી દીધું છે. આ લિસ્ટમાં કુલ 31 સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઘરના માલિકનું નામથી લઈને તમે કયા અનાજનો વપરાશ કરો છે એ તમામ ખાનગી માહિતી પૂછવામાં આવશે.

વસ્તીગણતરી દરમ્યાન તમને આ સવાલો પૂછવામાં આવશે

બિલ્ડિંગ નંબર (મ્યુનિસિપલ અથવા સ્થાનિક ઓથોરિટી નંબર: કયા પ્રકારનાં શૌચાલયો છે
સેન્સસ હાઉસ નંબર ડ્રેનેજ સિસ્ટમ
છત, દિવાલ અને છત માટે વપરાયેલી મુખ્યત્વે સામગ્રી વોશરૂમ છે કે નહીં
મકાન કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ઘર રસોડું છે કે નહીં, તેમાં એલપીજી / પીએનજી કનેક્શન છે કે કેમ
ઘરની સ્થિતિ રસોડામાં ઉપયોગ થતું બળતણ
મકાન નંબર રેડિયો / ટ્રાંઝિસ્ટર
ઘરમાં રહેતા લોકોની સંખ્યા ટેલિવિઝન
ઘરના વડાનું નામ  ઇન્ટરનેટ સુવિધા છે કે નહીં
શું ઘરના વડા એસસી / એસટી અથવા અન્ય સમુદાયના છે લેપટોપ / કમ્પ્યુટર છે કે નહીં
ઘરની માલિકીની સ્થિતિ ટેલિફોન / મોબાઇલ ફોન / સ્માર્ટફોન
ઘરમાં ઓરડાઓની સંખ્યા સાયકલ / સ્કૂટર / મોટરસાયકલ / મોપેડ
ઘરમાં કેટલા વિવાહિત યુગલો રહે છે કાર / જીપ / વેન
પાણીનો મુખ્ય સ્રોત ઘરમાં કયા અનાજનું સેવન મુખ્યત્વે કરવામાં આવે છે
ઘરમાં પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા મોબાઈલ નંબર (વસ્તી ગણતરી માટે સંપર્ક કરવા)
વીજળીનો મુખ્ય સ્રોત ઘરના વડાની જાતી (પુરુષ-સ્ત્રી-અન્ય)
ટોઇલેટ છે કે નહીં

 

મહત્વનું છે કે, દર દસ વર્ષે વસ્તીગણતરી હાથ ધરવામાં આવે છે, આ પહેલા 2011માં વસ્તીગણતરી થઈ હતી. આ વસ્તીગણતરી માટે મોદી સરકાર તરફથી બજેટ પણ પારિત કરવામાં આવી ચૂક્યું છે. મોદી કેબિનેટે વસ્તીગણતરી-2021 માટે 8000 કરોડથી વધુનું બજેટ પાસ કર્યું હતું.

 

છપાકઃ લાગણીનીતરતાં છાંટણાં…

ફિલ્મઃ છપાક

કલાકારોઃ દીપિકા પદુકોણ, વિક્રાંત મેસ્સી

ડાયરેક્ટરઃ મેઘના ગુલઝાર

અવધિઃ 124 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

મેઘના ગુલઝારે ઍસિડ અટેકમાંથી ઊગરી ગયેલી માલતી (દીપિકા પદુકોણ)ની કથાનો ઉઘાડ કર્યો છે 2012થી. તેજાબી હુમલાના સાત વર્ષ બાદ. દ્રશ્ય એકદમ જાણીતું છેઃ દિલ્હીમાં સામાન્ય માનવીના પોલીસ સાથેના સંઘર્ષનું. નિર્ભયા રેપ-હત્યાકાંડથી હચમચી ગયેલી પ્રજાના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ, વગેરે. આ સંઘર્ષનો અહેવાલ લેવા ગયેલી એક ટીવીપત્રકારને એ વખતે માલતીના કેસ વિશે ખબર પડે છે. એ માલતીનો ઈન્ટરવ્યૂ લે છે. ઈન્ટરવ્યૂ બાદ માલતી એ પત્રકારને કહે છેઃ (ઈન્ટરવ્યૂ ને એ બધું ઠીક) “મને તમારી ચેનલમાં નોકરી મળી શકે?” પત્રકાર એનો સંપર્ક અમોલ (વિક્રાંત મેસ્સી) સાથે કરાવે છે, જે ઍસિડ અટેકનો ભોગ બનેલી મહિલાઓ માટે એનજીઓ ચલાવે છે. માલતી એનજીઓમાં જોડાઈ જાય છે… નીચલા મધ્યમ વર્ગમાંથી આવતી માલતીને એનજીઓ માટે કામ કરવા ઉપરાંત સતત કોર્ટના આંટાફેરા પણ કરવાના રહે છે. એક તો એની પર ઍસિડ ફેંકનારા નરાધમ બશીર ખાન ઉર્ફે બબ્બુ અને એની બહેન પરવીનને સજા અપાવવાનો કેસ ચાલે છે. આ સિવાય એણે ઍસિડના વેચાણ પર રોક લગાવવા એક જાહેર હિતની અરજી કરી છે એની પણ સુનાવણી થતી રહે છે…

મેઘનાબહેનની આગલી બે ફિલ્મ – ‘તલવાર’ અને ‘રાઝી’ સત્યઘટના પર આધારિત હતી. બન્ને ઘટનાની આસપાસ (સાચા-કાલ્પનિક) પ્રસંગનાં ઉમેરણ થતાં એ ચુસ્ત પટકથાવાળી એન્ટરટેનિંગ ફિલ્મો બની હતી. ‘છપાક’માં લેખિકા અતિકા ચૌહાણ અને મેઘનાબહેન પાસે ખાસ મટીરિયલ હતું નહીં. પરિણામે દિલ્હીમાં બનેલી સત્યઘટના પરથી આલેખવામાં આવેલી પટકથા ચુસ્ત બની શકી નથી. એમાંય ઈન્ટરવલ પહેલાં તો ખાસ કંઈ બનતું જ નથી. લેખિકાએ ઘટનાની તારીખ અને તવારીખથી તાણાવાણા ગૂંથવાના પ્રયાસ કર્યા છેઃ ઍસિડ અટેકનાં સાતેક વર્ષ બાદ માલતીનું જાહેરમાં આવવું, એપ્રિલ 2005માં શું બનેલું એ હીચકારું દ્રશ્ય, એ પછી હૉસ્પિટલ, પોલીસ ઈન્વેસ્ટિગેશન, ન્યાય મેળવવાનો સંઘર્ષ… અને ઍસિડ અટેક બાદ પચીસેક મિનિટમાં બબ્બુની અરેસ્ટ થઈ જાય છે. એ પછી કોર્ટકચેરીની અંદરબહાર, માલતીની લૉયર (મધુરજીત સર્ઘી) અને બચાવપક્ષના (બબ્બુના) વકીલ વચ્ચે સુસ્ત દલીલ, સિવાય કંઈ જ નહી.

ફિલ્મની સૌથી ગમી ગયેલી વાતો- એક, સતત તાણમાં રહેતા અમોલનું કેરેક્ટર. વિક્રાંત મેસ્સીએ આ પાત્ર બખૂબી ભજવ્યું છે. બે, માલતીનો સતત પોઝિટિવિટી સાથે સાથે જીવન જીવવાનો અભિગમ. આ દ્રશ્ય જુઓઃ ન્યાયિક લડતમાં વિજય મળતાં એનજીઓની ઓફિસમાં નાનકડી પાર્ટી ચાલી રહી છે, જે અમોલને બિલકુલ પસંદ નથી. બલકે એ ગુસ્સામાં છે. એને લાગે છે કે આવડીઅમથી જીતનું શું સેલિબ્રેશન કરવાનું? ત્યારે માલતી એને કહે છેઃ “તમારું વર્તન એવું છે, જાણે ઍસિડ તમારી પર ફેંકાયો હોય… ઍસિડ તો મારી પર ફેંકાયો છે ને મારે પાર્ટી કરવી છે.” ત્રીજી વાત- અટેક પહેલાંની માલતી આપણને ઓલમોસ્ટ ક્લાઈમેક્સ વખતે જ જોવા મળે છે. જો શરૂઆતમાં ખૂબસૂરત માલતી અને એની પર થયેલા ઍસિડ અટેકને બતાવવામાં આવ્યા હોત તો સતત એવી ફીલિંગ થયા કરે કે ઓહ, ઓક્કે, આ તો દીપિકા પદુકોણ માલતીનું પાત્ર ભજવી રહી છે. ચોથી વાત- કેટલાક સ્માર્ટ આઈડિયાઝ. જેમ કે માલતીની લૉયર એને ચેતવે છે કે “લાંબી કાનૂની લડાઈ માટે તૈયાર રહેજે” એવું કહે છે ત્યારે એ (લૉયર) એની છ-સાત વર્ષની દીકરીના વાળ ઓળી રહી છે અને ક્લાઈમેક્સ પહેલાં એને કિશોરાવસ્થામાં બતાવવામાં આવી છે. દીપિકા-વિક્રાંત ઉપરાંત માલતીનાં માતા-પિતા, નાનો ભાઈ, અટેકર બબ્બુ-પરવીન, માલતીનો સ્કૂલ બૉયફ્રેન્ડ, એની લૉયર, વગેરે કિરદાર ભજવતાં ઍક્ટર્સ પણ સરસ.

ઈન શૉર્ટ, દેશમાં સ્ત્રીસુરક્ષા અને એ માટે કાનૂનની, સરકારની ઉદાસનીતા (ફિલ્મમાં એક સંવાદ છેઃ (“ઈંડાં પર બૅન લાવી શકાય તો ઍસિડ પર કેમ નહીં”? પર કૅમેરા માંડવા બદલ મેઘના ગુલઝારને અને આવા વિષય પર ફિલ્મ બનાવવા ફદિયાં રોકવા માટે તથા એમાં કામ કરવા માટે દીપિકા પદુકોણને બિરદાવવી જ જોઈએ. બાકી જો તમારો મૂડ એક ગંભીર વિષય પર એટલી જ ગંભીરતાથી, દિલથી બનેલી ફિલ્મ જોવાનો હોય તો ‘છપાક’ની ટિકિટ બૂક કરાવો..

(જુઓ ‘છપાક’નું  ટ્રેલર)

‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’: ગુમનામ મરાઠા યોદ્ધાની શૌર્યગાથા

ફિલ્મઃ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર

કલાકારોઃ અજય દેવગન, સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેળકર

ડાયરેક્ટરઃ ઓમ રાઉત

અવધિઃ 134 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★★

ઐતિહાસિક કે અમુક ચોક્કસ સમયકાળ પર કે મહાયુદ્ધ (પિરિયડ ડ્રામા) પર ફિલ્મ બનાવવી એ જોખમી કામ છે. એક તો એ ઊંડું સંશોધન માગી લે છે. બીજી બાજુ, ઈતિહાસ-સચ્ચાઈને વળગી રહીને ફિલ્મ બનાવવામાં એ ડૉક્યૂમેન્ટરી બની જવાનો ભય રહે. બીજું, એની માવજતમાં ચીવટાઈ રાખવી પડે. ત્રીજું, યુદ્ધકથાને અનુરૂપ પાત્રો-અભિનય સશક્ત હોવાં જોઈએ. લોકમાન્ય ટિળકના જીવનકાર્ય પર મરાઠી ફિલ્મ બનાવનાર ઓમ રાઉત આમાંની મોટા ભાગની લડાઈ જીતી શક્યા છે ને એમાં એમને સાથ મળ્યો છે પટકથાકાર-સંવાદલેખક પ્રકાશ કાપડિયાનો. જો કે પ્રેક્ષકોનો રસ જાળવી રાખવા લેખક-દિગ્દર્શકે ઈતિહાસમાં છૂટછાટ લીધી છે, કેટલાક કાલ્પનિક પ્રસંગ ઉમેર્યા છે.

તાન્હાજીની કથા છે 17મી સદીમાં લડવામાં આવેલી એક જીવસટોસટની લડાઈની, લડાઈ માટે ઘડવામાં આવેલી વ્યૂહનીતિની. 4 ફેબ્રુઆરી, 1670ના રોજ શિવાજી મહારાજના જમણા હાથ સમા તાન્હાજી માલુસરે અને ઔરંગઝેબના વિશ્વાસુ સરદાર ઉદયભાણ રાઠોડ (સૈફ અલી ખાન) વચ્ચે લડાયેલી આ લડાઈ ઔરંગઝેબના કબ્જામાં એવો કોંઢાણાગડ પાછો મેળવવા, એની પર ભગવો લહેરાવવા, સ્વરાજ પરત મેળવવા તથા પશ્ચિમ ભારત પર મુઘલ સામ્રાજ્ય સ્થાપવાના મનસૂબો નેસ્તનાબૂદ કરવા લડવામાં આવેલી.

થ્રી-ડી ફૉરમેટમાં ચિત્રિત થયેલી આ ફિલ્મની ખાસિયત છે સ્પેશિયલ ઈફેક્ટ્સ, વીએફએક્સ… ફિલ્મનાં દિલધડક દ્રશ્ય, પહાડ પર આવેલા ગઢ, એની રાંગ, પર્વતારોહણ, પરદા પરથી તમારી દિશામાં આવતાં અણિયાળાં બાણ, ભાલા, વગેરેની થ્રિલ આંખો પર કાળાં થ્રી-ડી ગોગલ્સ લગાવીને જ જોવા-માણવાની મજા છે.

ફિલ્મમાં ઉદયભાણ શા માટે અથવા કેવી રીતે ઔરંગઝેબ સાથે ભળ્યો એની એક કથા છે. કોઈ એક સમયે ઉદયભાણને કમલ (નેહા શર્મા) નામની કન્યા સાથે પ્રેમ હોય છે, પણ વર્ગભેદને કારણે એનાં લગ્ન કમલ સાથે થતાં નથી. ગુસ્સે ભરાયેલો ઉદયભાણ મુઘલ સાથે (ઔરંગઝેબ)નો બૉડીગાર્ડ અને પછી સરદાર બની જાય છે. શરદ કેળકર બન્યો છે પ્રભાવી શિવાજી રાજે. અજય-સૈફ ઉપરાંત ફિલ્મમાં શિવાજીની માતા રાજમાતા જિજાબાઈ (પદ્માવતી રાવ) અને તાન્હાજીની પત્ની સાવિત્રી (કાજોલ)ના ભાગે લગભગ કંઈ જ કરવાનું આવ્યું નથી. ડિટ્ટો કમલ (નેહા શર્મા). આમ છતાં આ ફિલ્મ ઈતિહાસની ગર્તામાં ખોવાઈ ગયેલા એક મહાયોદ્ધાની શૌર્યકથા માટે તથા બહેતરીન વિઝ્યુઅલ્સ માટે જોઈ શકાય.

(જુઓ ‘તાન્હાજી’નું  ટ્રેલર)

સ્પિનના જાદુગર વોર્નની ટોપીએ પણ તોડ્યો રેકોર્ડ

સિડની: વિશ્વના મહાન લેગ સ્પિનર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન શેન વોર્ને તેના ટેસ્ટ કરિયર દરમ્યાન પહેરેલી કેપ ‘બેગી ગ્રીન’ ની હરાજી 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 4.92 કરોડ રૂપિયામાં થઈ છે. આ સાથે જ ‘બેગી ગ્રીન કેપ’એ એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે, હવે તે ક્રિકેટ ઇતિહાસમાં વેચાયેલી સૌથી મોંઘી અને યાદગાર વસ્તુ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી અસરગ્રસ્તોને મદદ કરવા વોર્નને તેની ટેસ્ટ ડેબ્યૂ મેચ ગ્રીન કેપની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.

50 વર્ષીય શેન વોર્ને ટ્વીટ કરીને જે લોકોએ હરાજીમાં બોલી લગાવી હતી તેમનો આભાર માન્યો છે. શેનની આ કેપ માટેની હરાજીની પ્રક્રિયા 6 જાન્યુઆરીથી શરુ થઇ હતી જે 10 જાન્યુઆરીએ સવાર સુધી ચાલી. ગણતરીના કલાકોમાં જ કેપની કિંમત 1.5 કરોડને પાર પહોંચી ગઈ હતી. આ કેપની રકમ સીધી રેડ ક્રોસ બુશફાયર અપીલને જતી રહેશે.

હરાજીની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ શેન વોર્ને ટેસ્ટ કારકિર્દીમાં રમનારી તમામ 145 મેચ દરમ્યાન આ કેપ પહેરી હતી. જેમાં તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 708 વિકેટ ઝડપી હતી. આ કેપ વોર્ન દ્વારા ઓટોગ્રાફ કરેલા પ્રમાણપત્ર સાથે આવશે.

હરાજીમાં વેચાયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ક્રિકેટ એસેસરીઝ:

  • ડોન બ્રેડમેને પોતાની અંતિમ ટેસ્ટમાં પહેરેલી કેપ 2003માં 1,70,000 પાઉન્ડમાં વેચાઈ હતી.
  • એમએસ ધોનીએ 2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં વાપરેલું બેટ 2011માં 1,00,000 પાઉન્ડમાં વેચાયું હતું.
  • જોન વિઝ્ડન ક્રિકેટર્સ અલમાનકનું આખું સેટ 2008માં 84,00 પાઉન્ડમાં વેચાયું હતું.
  • ગેરી સોબર્સે જે બેટથી 6 બોલમાં 6 સિક્સ મારી હતી તે 2000માં 54,257 પાઉન્ડમાં વેચાયું હતું.
  • સોબર્સે જે બેટથી પાકિસ્તાન સામે 365* રન કર્યા હતા તે 2000માં 47,475 પાઉન્ડમાં વેચાયું હતું.

 

ઉલ્લેખનીય છે કે, એક અનુમાન મુજબ 50 કરોડથી વધુ વન્ય જીવ જંતુઓ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આ ઉપરાંત આગમાં કેટલાક લોકોના પણ મોત થવાની સાથે અનેક ઘરો પણ સળગીને રાખ થઈ ગયા છે.

46 વર્ષનો થયો હ્રતિક રોશન, જાણો તેના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

નવી દિલ્હીઃ બોલીવુડનો મોસ્ટ હેન્ડસમ હ્રતિક રોશન આજે 46 વર્ષનો થયો છે. હ્રતિક રોશને 6 વર્ષની ઉંમરથી જ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. તેણે શ્રીદેવી અને સુપરસ્ટાર રજનીકાંતના દિકરાનું પાત્ર ભજવ્યું હતું. આજે હ્રતિક રોશને પોતાની એક્ટિંગ-ડાંસિગના દમ પર બોલીવુડમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે.

હ્રતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1774ના રોજ થયો હતો અને ખૂબ ઓછા લોકો જાણે છે કે હ્રતિક રોશનનું સાચું નામ હ્રતિક રાકેશ નાગરથ છે. રાકેશ તેના પપ્પા અને નાગરથ તેના દાદાનું નામ છે. હ્રતિક રોશનનો સંબંધ સંગીત પરિવાર સાથે છે અને તેને સંગીતનું જ્ઞાન જન્મથી જ છે. એટલા માટે ‘જિંદગી ના મિલેગી દુબારા’ અને ‘ગુજારિશ’ જેવી ફિલ્મોમાં તેણે ગીત ગાયું હતું.

હ્રતિક રોશને પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બાદ પોતાના ફર્સ્ટ લવ સુજેન સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા, પરંતુ કેટલાક મતભેદો બાદ બંન્નેનું 14 વર્ષનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું અને વર્ષ 2014 માં બંન્નેના છુટ્ટાછેડા થઈ ગયા. આ બંન્નેના બે દિકરા છે. મોટા દિકરાનું નામ રેહાન છે, જેની ઉંમર 13 વર્ષ અને નાના દિકરાનું નામ રિદાન છે, જેની ઉંમર આશરે 11 વર્ષ છે. આ બંન્નેએ ભલે પોતાના સંબંધોને 2014માં પૂરા કરી દીધા હોય. પરંતુ બંન્ને પોતાના બાળકો માટે હંમેશા સમય કાઢે છે અને સાથે સમય વિતાવતા પણ જોવા મળે છે. તાજેતરમાં જ તે પોતાના પરિવાર અને એક્સ વાઈફ સુજૈન સાથે રજાઓ મનાવવા ગયો હતો અને તેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, હ્રતિક રોશને એકવાર જણાવ્યું હતું કે તેની પહેલી ફિલ્મ રિલીઝ થયા બાદ, તેને લગ્ન માટે ઘણાં પ્રપોઝલ આવ્યા હતાં. પરંતુ હ્રતિક રોશને સુજેન સાથે લગ્ન કરી લીધા હતા.

હ્રતિક રોશનની લીડ એક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર’ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારબાદ તેણે પોતાના એક્ટિંગ કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. ગત વર્ષ હ્રતિક રોશન માટે ખૂબ શાનદાર રહ્યું. તેને એશિયાના ‘મોસ્ટ હેન્ડસમ મેન’નો એવોર્ડ મળ્યો હતો અને તેની બે ફિલ્મો ‘વૉર’ અને ‘સુપર 30’ ખૂબ હિટ રહી.

એક સમયે હ્રતિક રોશન ચેઈન સ્મોકર હતો. પરંતુ તેણે એક પુસ્તક વાંચ્યું જેનું નામ હતું ‘ઈઝી વે ટૂ સ્ટોપ સ્મોકિંગ’. આ પુસ્તકને વાંચ્યા બાદ હ્રતિક રોશને પોતાની સિગરેટની લતને છોડી દીધી હતી.

અમેરિકા-ઈરાન: ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છશે તો પણ ઈરાન પર હુમલો નહીં કરી શકે

વોશિગ્ટન: કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. અમેરિકન કોંગ્રેસ આ યુદ્ધને રોકવા માટે યુએસ સેનેટના નીચલી સદન (હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ)માં આ પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મહત્વનું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકાર સમિતિ કરવા માટે વોર પાવર્સ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. યુએસના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં વોટિંગ દરમ્યાન પ્રસ્તાવના પક્ષમાં 194 મત પડ્યા હવે આ પ્રસ્તાવને સેનેટના ઉપલા સદનમાં રજૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે, જો અમેરિકન કોંગ્રેસના ઉપલા સદનમાં પણ આ પ્રસ્તાવ પાસ થઈ જશે તો આ પ્રસ્તાવને લાગુ કરવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષરની જરૂર નહીં પડે. જોકે, રિપબ્લિકન સાંસદોની બહુમતિ વાળા સેનેટમાં આ પ્રસ્તાવનું પાસ થવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના સ્પીકર અને ડેમોક્રેટ સાંસદ નેન્સી પેલોસીની અધ્યક્ષતામાં અમેરિકન કોંગ્રેસના નિચલા સદનમાં વોર પાવર્સ પ્રસ્તાવ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. આ વોટિંગમાં 224 સાંસદએ ભાગ લીધો હતો.

ઈરાન સાથે શાંતિની અપીલ કરી ચૂક્યા છે ટ્રમ્પ

ઈરાન સાથે તણાવની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમે ઈરાનને હુમલાની બદલે જવાબ આપવાને બદલે કોઈ અન્ય વિકલ્પ અંગે વિચારી રહ્યા છીએ. ઈરાનને આર્થિક પ્રતિબંધ લગાવીને દંડિત કરશું.

ટ્રમ્પના આ નિવેદનથી અટકળો લાગી રહી છે કે, ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ હાલ શાંત પડી ગઈ છે. ટ્રમ્પના આ નિવેદનને પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા માટે ખૂબ જ મહત્નું માનવામાં આવી રહ્યું છે.

મમતા બેનર્જી અને ઓવૈસીનું સીએએના વિરોધમાં પ્રદર્શન

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સીએએના વિરોધમાં ધરણા કરશે, તો હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી તરફથી તિરંગા યાત્રા કાઢવામાં આવશે. આ તમામ વચ્ચે મુસ્લિમ સંગઠનોએ આજે સીએએના વિરોધમાં રોજા રાખવાની જાહેરાત કરી છે. મુસ્લિમ સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમે લોકો સીએએના વિરોધમાં એક દિવસના રોજા રાખીશું. પ્રાપ્ત વિગતો અનુસાર સીએએના વિરોધમાં આજે પણ મુસ્લિમ સંગઠનો જૂની દિલ્હીમાં આવેલી જામા મસ્જિદ વિસ્તારમાં એકવાર ફરીથી પોતાનો અવાજ ઉઠાવશે. સાંજે સંવિધાનની પ્રસ્તાવના વાંચ્યા બાદ જ રોજા તોડવામાં આવશે.

દેશની ઘણી હાઈકોર્ટમાં સીએએ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. આને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે. આવતી સુનાવણી હવે 22 જાન્યુઆરીના રોજ થશે.