Home Blog Page 45

ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણ કરાવતા ત્રણ લોકો ઝડપાયા

અમદાવાદ: શહેરમાં ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમર્શીયલ બિલ્ડીંગમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૂળ હિન્દુ ધર્મના લોકોનું ગેરકાયદે ધર્માંતરણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ મામલે અમદાવાદ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં ધર્માંતરણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. ધર્માંતરણ થતા હોવાની આશંકાએ પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી. આ મામલે 26 લોકો ધર્માંતરણ માટે ભેગા થયાની માહિતી મળી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દર રવિવારે 26 લોકો પ્રાર્થના સભામાં આવતા હતા. જોકે, પોલીસે ગેરકાયદે ધર્માંતરણની શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે ખતરી પણ આપી છે કે આ ઘટના અંગે પુરતી તપાસ કરી ધર્માંતરણ કરેલા લોકોના ડોક્યુમેન્ટી પણ તપાસ કરવામાં આવશે.

સેન્સેક્સ, નિફ્ટી નવી ઊંચી ઓલટાઇમ ઊંચી સપાટીએ

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ હવે 85,000ની  અને નિફ્ટી 26,000ની સપાટી કુદાવવાની નજીક છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયો હતો. એ ઇન્ડેક્સ 60,700ના રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.29 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકી વ્યાજદરમાં કાપ, એશિયન બજારોમાં તેજી અને વિદેશ ફંડોની લેવાલીએ શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. સેક્ટોરિયલ આધારે જોઈએ તો ઓટો, રિયલ્ટી અને PSU સેક્ટરોમાં તેજી થઈ હતી. PSU બેન્કોમાં ચાર ટકાની તેજી થઈ હતી.

BSE સેન્સેક્સ 384 પોઇન્ટ ઊછળી 84,928.6ની સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 148.10 પોઇન્ટ ઊછળી 25,939.05ની રેકોર્ડ ઊંચાઈ બંધ આવ્યો હતો. નિફ્ટી બેન્ક 54,106ના સ્તરે પહોંચ્યો હતો. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર FIIએ શુક્રવારે ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 14,065.05 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે DIIએ ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 4427.08 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. BSE એક્સચેન્જ પર કુલ 4233 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2387 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1725 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 121 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 345 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 275 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

KBCમાં બિગીએ જૂના દિવસો યાદ કર્યા,કહ્યું- “કભી કભી જોશ મેં હમ…”

મુંબઈ: સોની ટીવીનો આઇકોનિક ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 16મી સિઝન ધૂમ મચાવી રહી છે. બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં સંગીતના મહારથીઓ શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમ એક ખાસ એપિસોડમાં મહેમાન બન્યાં. ભારતીય સંગીતમાં જેમનું અસાધારણ યોગદાન છે એવી સંગીતની આ જોડીએ અમિતાભ બચ્ચન સાથે ભાવનાત્મક વાર્તાલાપમાં કર્યો. આ સાથે જ બિગ બીએ પણ તેમના શૂટિંગના જૂના દિવસોની યાદ તાજી કરી.

અમિતાભ બચ્ચને ફિલ્મ કભી કભી (1976) ના ગીત “પલ દો પલ કા શાયર હૂં” વિશે વાત કરી અને કહ્યું,”ફિલ્મમાં તમે ગીતમાં જે અવાજ સાંભળ્યો છે, તે મારો અવાજ છે. તેમણે એ પણ કહ્યું કે પહેલા દિવસનું શૂટિંગ કાશ્મીરની એક હોટલના હોલમાં થયું હતું. આ દરમિયાન સોનુ નિગમે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે દીવારના ચોક્કસ દ્રશ્યો ક્યાં ફિલ્માવવામાં આવ્યા હતા? જેના જવાબમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે મોટાભાગની ફિલ્મ મુંબઈમાં શૂટ કરવામાં આવી હતી. તેમજ તેમણે દીવારના એક્શન-પેક્ડ સિક્વન્સ અને કભી કભીના રોમેન્ટિક સીનના શિડ્યુલને સ્વિચ કરવાના પડકાર વિશે વાત કરી. બિગ બિ એ દરમિયાન એકસાથે એક કરતાં વધુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. સ્વર્ગસ્થ યશ ચોપરાએ તેમના વ્યસ્ત શેડ્યૂલ અને એક સેટથી બીજા સેટ પર પહોંચી જે-તે પાત્રને તરત અપનાવી લેવાને પ્રોત્સાહિત કર્યા હતાં. જ્યારે સોનુએ તેની મલ્ટીટાસ્કીંગ કુશળતા પર હોસ્ટની પ્રશંસા કરી ત્યારે બિગ બીએ સ્મિત કર્યું અને કહ્યું, “કભી કભી જોશ મેં હમ લોગ બહોત કુછ કર દેતે હૈં.”

અમિતાભ બચ્ચને દીવારના તેમના એક મનપસંદ દ્રશ્યો પણ શેર કર્યા, તે ભાવનાત્મક ક્ષણ જ્યાં આઇકોનિક સંવાદ “આજ ખુશ તો બહોત હોગે તુમ” બોલવામાં આવ્યો હતો અને સ્વીકાર્યું કે તેને પરફેક્ટ બનાવવા માટે આખો દિવસ લાગ્યો હતો. આ જ ફિલ્મ વિશે તેમણે ફિલ્મમાં મૃત્યુના દ્રશ્ય સાથે સંબંધિત એક વિચિત્ર સ્મૃતિને યાદ કરી હતી, જ્યાં શૂટિંગ દરમિયાન તેમના પાત્ર વિજય વર્માના જીવનનો અંત આવ્યો ત્યારે સેટ પરની ઘડિયાળમાં રહસ્યમય રીતે બેલ વાગી, જોકે આવું થવું એ સીનનો ભાગ નહોતું.

કીમ-કોસંબા રેલવે ટ્રેક ઉથલાવવા મામલે થયો મોટો ઘટસ્ફોટ

સુરત: થોડા સમય પહેલા કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈ સુરત પોલીસ દોડતી થઈ હતી. પોલીસ તપાસમાં આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરત કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરમાં રેલવે કર્મચારી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રેલકર્મીએ જ પેડલોક ઉંચકાવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વરોલી વાંકથી કીમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મુકવામાં આવી હતી. સાથે જ બોલ્ટ પણ મુકવામાં આવ્યા હતા. જો કે, રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ ઘટનાની તપાસમાં પોલીસની સાથે NIA પણ જોડાઈ હતી.

તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 5 વાગ્યે આસપાસ સુરતના કીમ કોસંબા રેલવેના પાટા પર જોગલ ફિશ પ્લેટ અને એસારસી પેડ લોક ખાલી અપલાઈન પર મૂકી દેવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અનુસંધાને કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ સુરત ગ્રામ્ય SOGને સોંપાઈ હતી. LCB, SOG, પેરોલ તથા લોકલ પોલીસ સ્ટેશન અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનની અલગ અલગ મુખ્ય 5 ટીમો અને બીજી 16 ટીમ કામે લાગી હતી. જેમાં ગુનાવાળી જગ્યાની આસપાસ ગ્રીડ સર્ચ કરાવતા કોઈ ગુનાને લગત ચીજવસ્તુ મળી ન હતી. કંઈ શંકાસ્પદ ન મળતા ટીમને રેલવે ટ્રેકમેન પર શંકા ગઈ હતી. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને જયસ્વાલની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનો પોપટની જેમ કબૂલ્યો હતો. જેમાં સુભાષે બંને સાથીદારોને નાઈટ રાઉન્ડ લંબાઈ જાય અને એવોર્ડ મળે એવી વાત કરીને જાતે જ જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડ લોક ખોલી અપ ટ્રેક પર મૂકી દીધા હતા. સુભાષે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું હતું.

આમ, 48 કલાકની અંદર સતત ફિલ્ડ અને ટેક્નિકલ આધારે ગુનો ડિટેક્ટ કરાયો હતો. ત્રણેય આરોપી રેલવે કર્મચારીઓ છે. અટકાયત 3 પૈકી એક કોન્ટ્રાક્ટ કર્મચારી છે. સુભાષ પોદ્દાર પોતે જ ઘટનાનો ફરિયાદી હતો. આરોપી સુભાષને પ્રમોશન જોઈતું હતું તેવો ખુલાસો સુભાષના સહકર્મચારીઓ દ્વારા કરાયો. રેલવેમાંથી ઈનામ મેળવવા, પ્રમોશન મેળવવા અને રજા માટે, સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુઅંસ માટે ષડ્યંત્ર રચ્યું હતું. રેલવેમાં આવા ગુનાઓમાં ફાંસીની સજાની જોગવાઈ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે તો યુઝર્સનો થશે મોહભંગ

નવી દિલ્હીઃ દેશમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નું ચલણ ઝડપથી વધ્યું છે. નાના-નાના પેમેન્ટ કરવા માટે લોકો UPI એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત મોટા ટ્રાન્ઝેક્શન હોય કે મની ટ્રાન્સફર કરવા માટે જનતાની પહેલી પસંદ UPI છે દેશમાં UPI ટ્રાન્ઝેક્શન મૂલ્ય છેલ્લા પાંચ મહિનામાં FY24-25માં 1669 લાખ કરોડે પહોંચ્યું છે.   એને કારણે પેમેન્ટ એના દ્વારા પેમેન્ટ કરવાનો કોઈ ચાર્જ નથી લેવામાં આવતો, પણ હવે UPI દ્વારા પેમેન્ટ કરવા પર ચાર્જ લાગે એવી શક્યતા છે, એમ સૂત્રો કહે છે.

હાલના સમયમાં ચાની ટપરીથી માંડીને શાકભાજીની દુકાન સુધી દરેક જગ્યાએ UPI સ્કેનર લાગેલું હોય છે. જો UPI દ્વારા પેમેન્ટ પર ચાર્જ લગાવવામાં આવશે તો 75 ટકા યુઝર્સ UPIનો ઉપયોગ બંધ કરી દેશે, એમ લોકલસર્કલ્સનો એક સર્વે કહે છે. 38 ટકા યુઝર્સ 50 ટકા પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે કોઈ અન્ય ડિજિટલ માધ્યમને બદલે UPI દ્વારા કરે છે. માત્ર 22 ટકા UPI યુઝર્સ ચુકવણી પર ચાર્જ ચૂકવવા તૈયાર છે, જ્યારે 75 ટકા લોકોએ કહ્યું હતું કે જો લેવડદેવડ ચાર્જ લગાવવામાં આવશે તો તેઓ UPIનો ઉપયોગ બંધ કરી દેશે. આ સર્વેમાં 325 જિલ્લાથી 44,000થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વે જુલાઈથી સપ્ટેમ્બર, 2024ના મધ્ય સુધી કરવામાં આવ્યો હતો, જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.

આ સર્વેમાં સામે આવ્યું હતું કે UPIનો 10માંથી આઠ જણ ઉપયોગ કરે છે. હવે જો કોઈ પણ રીતે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવામાં આવશે તો એનો ઉગ્ર વિરોધ થશે.

 

PM મોદીમાં હવે પહેલા જેવી વાત નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પુંછમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે વિપક્ષ જે કરવા માંગે છે તે થાય છે. મોદી સરકાર કાયદો લાવે છે, અમે તેમની સામે ઊભા છીએ, પછી તેઓ યુ-ટર્ન લે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીનો આત્મવિશ્વાસ ખતમ થઈ ગયો છે. અમે તેમનું મનોવિજ્ઞાન તોડી નાખ્યું છે. પીએમ મોદી હવે પહેલા જેવા નથી રહ્યા. અમે પીએમ મોદીને માનસિક રીતે તોડી નાખ્યા છે.

ભાજપ-આરએસએસના લોકો દેશમાં હિંસા ફેલાવે છે

કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ-આરએસએસના લોકો દેશભરમાં નફરત અને હિંસા ફેલાવે છે. તેઓ દેશભરમાં ભાઈને ભાઈ સાથે લડાવે છે. તેમની રાજનીતિ પણ નફરતની છે. આપણે બધા જાણીએ છીએ કે નફરતથી નફરતને નાબૂદ કરી શકાતી નથી. પ્રેમથી જ નફરતનો અંત આવી શકે છે.

નફરતના બજારમાં પ્રેમની દુકાન

રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. એક તરફ નફરત ફેલાવનારા લોકો છે તો બીજી બાજુ પ્રેમની દુકાનો ખોલનારા લોકો છે. અમે કન્યાકુમારીથી કાશ્મીર અને પછી મણિપુરથી મહારાષ્ટ્ર ચાલ્યા. તેનો સંદેશ એક જ હતો – નફરતથી કોઈને ફાયદો થતો નથી. તેથી જ આપણે નફરતના દરેક બજારમાં પ્રેમની દુકાન ખોલી છે.

હમાસના નવા ચીફ સિનવારનો પણ ખાતમો !

ઇઝરાયેલ હમાસ યુદ્ધ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લેનાર ઇઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝાને ખંઢેરમાં ફેરવી દીધું છે. હમાસના સેંકડો લડવૈયાઓને મારનાર ઈઝરાયેલી સેનાએ ઈરાનમાં તેના ભૂતપૂર્વ ચીફ ઈસ્માઈલ હનીયેહને પણ મારી નાખ્યો છે.

શું હમાસના નવા વડા સિનવરની હત્યા કરવામાં આવી હતી?

હવે ઈઝરાયેલે ગઈ કાલે હમાસની એક સ્કૂલને નિશાન બનાવી હતી, જેમાં 20થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. આ હુમલામાં હમાસનો નવો ચીફ યાહ્યા સિનવાર પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. ઈઝરાયેલના મીડિયા અનુસાર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ પોતે પણ આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી.

ગિનીસ બુકમાં ચિરંજીવીનું નામ સામેલ, 156 ફિલ્મ કરી બનાવ્યો રેકોર્ડ

મુંબઈ: મેગાસ્ટાર ચિરંજીવી હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ધારક બની ગયા છે. 22 સપ્ટેમ્બરના રોજ અભિનેતાને 45 વર્ષમાં તેની 156 ફિલ્મોના 537 ગીતોમાં 24000 ડાન્સ મૂવ્સ કરવા માટે ખાસ રીતે સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ તારીખ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. 22 સપ્ટેમ્બર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ 1978માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લા 45 વર્ષમાં ચિરંજીવીએ 156 ફિલ્મોના 537 ગીતોમાં 24,000 ડાન્સ સ્ટેપ કર્યા છે. ચિરંજીવીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થતાં જ ભારતમાં દરેક વ્યક્તિના ચહેરા પર ગર્વ અને ખુશી છવાઈ છે. અભિનેતાને આ સન્માન બીજા કોઈએ નહીં પણ સુપરસ્ટાર આમિર ખાને આપ્યું હતું.

આજે 22 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં આમિર ખાને ચિરંજીવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આપીને તેમની પ્રશંસા કરી હતી. બોલિવૂડ સુપરસ્ટારે ભારતીય સિનેમાના મેગાસ્ટારને પ્રેમ અને આદરના પ્રતીક માની ગળે લગાવ્યા હતાં. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ઈવેન્ટમાં ચિરંજીવી માટેના તેમના ભાષણમાં આમિરે કહ્યું,’અહીં આવવું મારા માટે આનંદ અને સન્માનની વાત છે. ચિરંજીવી ગારુના ચાહકોને જોઈને હું ખુશ છું અને મને તમારી વચ્ચે સામેલ કરવા બદલ તમારો આભાર માનું છું કારણ કે હું પણ તેમનો મોટો પ્રશંસક છું.’

આમિર ખાને ચિરંજીવીનું સન્માન કર્યું
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને આગળ કહ્યું,’હું તેને મારા મોટા ભાઈની જેમ જોઉં છું. જ્યારે ચિરંજીવી ગારુએ મને ફોન કર્યો અને મને આ ઈવેન્ટમાં આમંત્રિત કરવા માંગતા હતા ત્યારે મને ખબર નહોતી કે તે મને કેમ બોલાવી રહ્યાં છે પરંતુ મેં તેમને પહેલેથી જ કહ્યું હતું કે તમારે માત્ર ઓર્ડર આપવાનો છે, કોઈ માંગ નથી. હું ખૂબ જ ખુશ છું કે ચિરંજીવી ગારુને આ સન્માન આપવામાં આવ્યું છે. હું આ જાણીને ખુબ જ ખુશ છું, અદ્ભુત સાંજ અને ઉજવણીનો ભાગ બનવા માટે ખુશ છું.’

ચિરંજીવીના ફેમસ ડાન્સ મૂવ્સ વિશે વાત કરતા આમિર ખાને કહ્યું, ‘જો તમે તેના કોઈપણ ગીતો જોશો, તો તમે જોશો કે તેમનું દિલ જાણે ડાન્સમાં ડૂબી જાય છે. તેને ઘણો આનંદ આવે છે. આપણે ક્યારેય તેના પરથી નજર હટાવતા શકતા નથી કારણ કે તે ખૂબ જ સારા અભિનેતા છે. બીજી તરફ ચિરંજીવીએ ઈવેન્ટમાં બધાને સંબોધતા કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક બની જશે. જો કે, તેમણે શ્રોતાઓનો આભાર માન્યો અને લોકોએ તેમના ભાષણને વધાવ્યું હતું.

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે 3 ગોલ્ડ જીત્યા

ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પહેલીવાર ભારતે એવું કંઈક કર્યું છે જે 97 વર્ષમાં પહેલાં ક્યારેય થઈ શક્યું ન હતું. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના બળ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે. બીજી તરફ ગુકેશે પણ વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. આ રીતે ભારતે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો.

ગુકેશે સતત બીજી વખત ચેસ ઓલિમ્પિયાડ જીત્યો

18 વર્ષના ડી ગુકેશે સતત બીજી વખત ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા તેણે 2022 ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીત્યો હતો. ગુકેશ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ પછી સતત બે ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય બન્યો છે. 16મો વર્લ્ડ કપ ચેસ માસ્ટર પણ બન્યો.

ભારતીય પુરુષોને આ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવવા માટે છેલ્લા રાઉન્ડમાં માત્ર ડ્રોની જરૂર હતી. પરંતુ જ્યારે ભારતે બે મેચ જીતી હતી, બીજા સ્થાને રહેલા ચીને અમેરિકા સામે પોઈન્ટ ગુમાવ્યા હતા. ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા વિભાગમાં ભારતે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંટેનો સમાવેશ થાય છે.

આ પહેલા ભારતે બે વખત બ્રોન્ઝ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે બંને વિભાગ (મહિલા-ઓપન)માં ગોલ્ડ જીત્યો હોય. ભારતે આ પહેલા ક્યારેય આવી સફળતા મેળવી ન હતી. ભારતે બે વર્ષ પહેલા ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ 2014માં પણ તેને બ્રોન્ઝ મળ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ સતત 8 મેચ જીત્યા અને પછી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઉઝબેકિસ્તાન સાથે ડ્રો રમ્યા. આ પછી, 21 સપ્ટેમ્બરે, તેણે ટોચની ક્રમાંકિત અમેરિકન ટીમને હરાવીને વર્ચ્યુઅલ રીતે ગોલ્ડ મેળવ્યો.

બિહારના સમસ્તીપુરમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી

બિહાર: રાજ્યમાં ભારે વરસાદના કારણે એક પછી એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. હવે સમસ્તીપુરમાં એક પુલ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. સમસ્તીપુરમાં નિર્માણાધીન બ્રિજનો સ્પાન અચાનક નીચે પડી ગયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યાં હાજર લોકો દોડવા લાગ્યા. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે બની હતી.

સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન પાસે બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યું હતું. રવિવારે મોડી સાંજે બે થાંભલા વચ્ચે સ્પાન નાખવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનક સ્પાન નીચે પડી ગયો હતો. આ અકસ્માત બાદ ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.પુલ ધરાશાયી થયા બાદ ઘટનાસ્થળે જે.સી.બી. બોલાવવામાં આવી હતી. જેનાથી રાતોરાત પુલનો કાટમાળ માટીમાં દાટી દીધો હતો. દેખીતી રીતે જ વહીવટીતંત્ર આ સમાચાર છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સ્થાનિક લોકોના મતે વહીવટીતંત્રની બેદરકારી છુપાવવા માટે આ પગલું ભર્યું હતું. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આ પુલનો પાયો 2011માં નાખવામાં આવ્યો હતો. 1603 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજનું કામ 2016માં જ પૂર્ણ થવાનું હતું. પરંતુ 1000 કરોડથી વધુનો ખર્ચ કરવા છતાં બ્રિજનું માત્ર 60 ટકા જ કામ પૂર્ણ થયું છે.