Home Blog Page 44

મોતનું તાંડવ, ઇઝરાયેલે કરેલા હુમલામાં 274 લોકોના મોત

લેબનોન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. સોમવારે ઇઝરાયેલે લેબનોન પર ફરી એક મોટો હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 274 લોકોએ જીવ ગુમાવ્યા અને 800 થી વધુ ઘાયલ થયા. અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે તેણે હિઝબુલ્લાહના 300 થી વધુ સ્થાનો પર હુમલો કર્યો. સ્કાય ન્યૂઝ અનુસાર, લેબનોનના સિડોનની બહારના વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે હુમલા પહેલા ઈઝરાયેલે નજીકમાં રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા ચેતવણી આપી હતી. ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ દ્વારા નિશાન બનાવવામાં આવેલા ઠેકાણાઓમાં હિઝબુલ્લાહના શસ્ત્રો અને રોકેટ છુપાયેલા છે.


ઇઝરાયેલ સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરે એક ટેલિવિઝન દૈનિકને જણાવ્યું કે ઇઝરાયેલની ધીરજ અતૂટ નથી. હિઝબુલ્લા સાથે ચાલી રહેલી અથડામણ વચ્ચે તેણે કહ્યું, ‘હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર 9,000 થી વધુ રોકેટ છોડ્યા હતા. 325 ઇઝરાયેલ ઘાયલ થયા, બાળકો સહિત 48 લોકોએ જીવ ગુમાવ્યા. તે IDF હતું જેણે લેબનોનના રહેવાસીઓને હવાઈ હુમલા પહેલા સ્થળાંતર કરવાની અપીલ કરી હતી.

લેબનોનના વડા પ્રધાને શું કહ્યું?

ઇઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી લેબેનોન પર હુમલો કરી રહ્યું છે. લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઇઝરાયેલ હુમલો ઓક્ટોબરથી કરવામાં આવેલા હુમલાઓમાં સૌથી ઘાતક હતો. ઈઝરાયેલના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીએ આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે. બેરૂતમાં કેબિનેટની બેઠકમાં પીએમ નજીબ મિકાતીએ કહ્યું, ‘ઈઝરાયેલના હુમલાનો ઉદ્દેશ્ય લેબનીઝ નગરો અને ગામડાઓને નષ્ટ કરવાનો છે. ઇઝરાયેલ કહી રહ્યું છે કે તે હિઝબુલ્લાહના હથિયારો ધરાવતી ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે. તેનો ધ્યેય તે શસ્ત્રોનો નાશ કરવાનો છે તે પહેલાં તે પોતે હુમલો કરે છે.

શું છે ઈઝરાયેલની યોજના?

ઈઝરાયલની યોજનાનું વર્ણન કરતા વડાપ્રધાન નજીબ મિકાતીએ કહ્યું કે, ‘ઈઝરાયેલ માત્ર લેબનીઝ ગામડાઓ અને નગરોને નષ્ટ કરવા પર જ વળેલું છે.’ વડા પ્રધાન નજીબ મિકાતીએ સંયુક્ત રાષ્ટ્રને આગળ આવવા અને ઇઝરાયલની આક્રમકતાને રોકવા માટે વિનંતી કરી. મિકાતીએ આરોપ લગાવ્યો કે ઈઝરાયેલ નિર્દોષોને નિશાન બનાવી રહ્યું છે, જે ગુનો છે.

ભારતમાં મંકીપોક્સનો વધુ એક કેસ મળી આવતા ખળભળાટ

ભારતમાં મંકી પોક્સના ત્રીજા દર્દીનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે દર્દી કેરળનો રહેવાસી છે જે તાજેતરમાં દુબઈથી ભારત આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તે મંકીપોક્સના ક્લેડ 1બી વાયરસથી સંક્રમિત છે. કેરળના મલપ્પુરમમાં મંકીપોક્સનો બીજો દર્દી મળી આવ્યો હતો. આ વ્યક્તિ UAEથી ભારત પરત ફર્યો હતો. પ્રારંભિક લક્ષણો દેખાયા બાદ દર્દીની તપાસ કરવામાં આવી ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેને મંકીપોક્સનો ચેપ લાગ્યો હતો. ત્યારે કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે જે લોકો વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે જો તેઓને આ વાયરસના લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ.

મંકીપોક્સનો પહેલો દર્દી દિલ્હીમાં જોવા મળ્યો હતો

અગાઉ, દિલ્હીમાં મંકીપોક્સનો પ્રથમ દર્દી નોંધાયો હતો, જે વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યો હતો. પ્રારંભિક લક્ષણો દેખાયા પછી, દર્દીને દિલ્હીની એક હોસ્પિટલમાં અલગ કરવામાં આવ્યો હતો. આઈસોલેશન સમયે દર્દીની સ્થિતિ સ્થિર હતી. ડોકટરો દર્દીને અલગ કરી રહ્યા હતા અને તેની નજીકથી દેખરેખ રાખતા હતા.

Monkeypox.(photo:Twitter)

WHOએ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે

આફ્રિકામાં મંકીપોક્સના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ થોડા અઠવાડિયા પહેલા આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. WHOએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા પણ મંકીપોક્સ વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો હતો. તે સમયે વિશ્વભરમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા.

મંકીપોક્સ અંગે સરકાર પણ એલર્ટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મંકીપોક્સના મુદ્દાને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકારે પહેલેથી જ કહ્યું છે અને સલાહ આપી છે કે મંકીપોક્સને લઈને વધુ ગભરાશો નહીં. સરકારે મંકીપોક્સના દર્દીઓને ઓળખવા માટે એરપોર્ટ પર પરીક્ષણ પણ વધાર્યું છે. આ સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો તેમને કોઈ લક્ષણો દેખાય તો તેઓ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરે.

પ્રથમ દર્દી વિશે આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારતમાં જોવા મળેલો પહેલો દર્દી WHO દ્વારા નોંધાયેલા વાયરસથી સંબંધિત નથી કારણ કે આ દર્દીમાં પશ્ચિમ આફ્રિકન ક્લેડ 2ના એમપોક્સ વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. હવે ત્રીજો દર્દી જે આગળ આવ્યો છે તે ગ્રેડ વન બી વાયરસથી સંક્રમિત છે.

બદલાપુરના આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં મોત

મહારાષ્ટ્રના બદલાપુર યૌન શોષણ કેસના મુખ્ય આરોપી અક્ષય શિંદેનું સોમવારે એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે. SIT ટીમના બે પોલીસકર્મી PSI નિલેશ મોરે અને સંજય શિંદે પણ ઘાયલ થયા છે. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી શિંદેએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. શિંદેને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યો હતો જ્યારે તેણે ગોળીબાર કર્યો અને જવાબી પોલીસ ગોળીબારમાં તે ઘાયલ થયો અને બાદમાં તેનું મૃત્યુ થયું.

પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો

અક્ષય શિંદેને અન્ય એક કેસમાં ધરપકડ કર્યા બાદ તલોજા જેલમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે કારમાં બેઠેલા પોલીસકર્મીની બંદૂક છીનવી લીધી હતી અને પોલીસકર્મી પર ગોળીબાર કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે પોતાની બંદૂક કાઢી અને અક્ષય શિંદે પર ગોળીબાર કર્યો.

બે સગીર યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું

12 અને 13 ઓગસ્ટે મુંબઈના બદલાપુરમાં એક સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા અક્ષય શિંદે પર બે સગીર છોકરીઓની યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો. પીડિતાએ આ અંગે તેના માતા-પિતાને જણાવ્યું. ત્યારે જ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતે ભારે હોબાળો થયો હતો. પ્રદર્શનકારીઓએ લગભગ 10 કલાક સુધી રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો.

ધારા પટેલે રશિયામાં આર્ટ ઈન્સ્ટોલેશન દ્વારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ખુબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ હોય અને કોઈપણ સામાન્ય વ્યક્તિને ત્યારે રશિયા જવાનું થાયતો મનમાં સૌપ્રથમ વિચાર એ જ આવે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ત્યાં જવું કેટલું સુરક્ષિત છે? પરંતુ ધારા પટેલ માટે આ પ્રશ્ન અને પરિવારની ચિંતા કરતા પણ વધુ મહત્વની વાત એ હતી કે Once in a lifetime opportunity તેમની સામે આવી હતી. અમદાવાદના ધારા પટેલની રશિયાના ઉલ્યાનોસ્ક ખાતે યોજાયેલ ચોથા બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ હતી. આથી કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તેઓ પહોંચી ગયા હતા રશિયા.

રશિયામાં ધારાના અનુભવની અને તેમણે કેમ્પમાં કરેલાં કામ વિશેની વાત કરીએ તે પહેલાં થોડોક અંગત પરિચય મેળવી લઈએ. ધારા અમદાવાદના મણિનગર વિસ્તારના રહેવાસી છે. તેમણે અમદાવાદમાંથી જ શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. પિતા વ્યાવસાયે યોગ ટ્રેનર છે, જ્યારે માતા ગૃહિણી. ચિત્રલેખા.કોમએ ધારાને પૂછ્યું કે, તો પછી કલા અને આર્ટનો વારસો તેમનામાં કેવી રીતે ઉતર્યો? ધારાનું કહેવું છે,  “માતા ગૃહિણી ખરા, પરંતુ તેમનામાં આર્ટની ખુબ જ સારી સમજ છે. બત્રીસ ટાંકા અને એમ્બ્રોડરી જેવાં આર્ટ વર્ક તેઓ ખુબ જ સરસ રીતે કરે. નાનપણથી તેમને વિવિધ જાતના ભરત-ગૂંથણ કરતા જોયા છે. શાળામાં હતી ત્યારથી જ ડ્રોઈંગનો ખુબ જ શોખ. કોઈપણ પ્રકારની તાલીમ લીધા વગર કે ક્લાસિસ કર્યા વગર બધાં પ્રકારના ચિત્રો જાતે જ શીખીને તૈયાર કર્યા. માતા-પિતાએ મારા ટેલેન્ટને પારખીને આર્ટની દિશામાં જ આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું.”

ધારાએ અમદાવાદની સી.એન.ફાઈન આર્ટ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો અને વર્ષ 2019માં ફાઈનલમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યા હતા. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ધારાએ ફેકલ્ટી તરીકે નોકરી પણ કરી. 2021માં તેમણે પોતાનું આર્ટ હાઉસ ઓપન કર્યું છે. જ્યાં તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ માટે ગ્રાફિક્સ બનાવવાનું અને સાથે જ ઇન્ટિરિયર ડેકોરેશન માટે પેઈન્ટિંગસ તેમજ આર્ટ પીસ તૈયાર કરે છે. ધારાના અનુભવ તેમજ કામને જોઈને તેમની પસંદગી બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પ માટે થઈ હતી. આ કેમ્પમાં ધારાએ બીજા દેશના આર્ટિસ્ટ સાથે મળીને ઉલ્યાનોસ્કના પથ્થરો, નદી તથા લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ પરથી પ્રેરણા લઈને ખાસ આર્ટ ઈન્સ્ટોલેશન તૈયાર કર્યું હતું. આ યુથ કેમ્પમાં 10 દેશના 25 યુવાનોએ ભાગ લીધો હતો અને પોતાની કલાને પ્રદર્શિત કરી હતી.

કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા ધારા પટેલ અને ભોપાલની અન્ય એક યુવતીનું સમગ્ર દેશમાંથી રશિયાના બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પ માટે પસંદગી થઈ હતી. જેને એક ગૌરવની ક્ષણ ગણાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારા રશિયા જાય તે પહેલાં તેમને એક અભિનંદન પત્ર પણ મોકલાવ્યો હતો. ભારત ઉપરાંત બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઈજિપ્ત, યુ.એ.ઈ., ઈથોપિયામાંથી પણ યુવાનોની પસંદગી કરવામાં આવી હતી. રશિયામાં કાર્યક્રમની થીમ અનુસાર યુવાનોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. ઉલ્યાનોસ્ક પ્રદેશને સમજીને તેને રજૂ કરતું આર્ટ ઈન્સ્ટોલેશન બનાવવાનું ટાસ્ક આ અલગ-અલગ જૂથોને આપવામાં આવ્યું હતું.

ધારા અને તેમની ટીમે ત્રણ દિવસ દરમિયાન વિવિધ વર્કશોપ, સેમિનારમાં ભાગ લઈ તેમજ ઉલ્યાનોસ્કના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ પોતાના આર્ટ માટે પ્રેરણા લીધી હતી. એમોનિટ નામના લુપ્ત થઈ ગયેલા પ્રાણી, ત્યાંની નદી, પથ્થરોના રંગો વગેરે પ્રાકૃતિક વસ્તુઓ પરથી પ્રેરણા લઈને લાકડાં, મિરર શીટ્સ, રંગો અને દોરી જેવા મટિરિયલ્સમાંથી ‘રિવાઈવિંગ ધ પાસ્ટ’ નામનું ઈન્સ્ટોલેશન ધારા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

ધારાના કામને જોઈને તેમને મળેલી તકના કારણે હાલ તો ચોતરફથી તેમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. આ સફળતાને તેઓ પરિવાર સાથે મળીને સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યારબાદ નજીકના ભવિષ્યમાં તેમની પાસે સારા પ્રોજેક્ટ્સ પણ છે તેના પર કામ કરવા માટે પણ ધારા એટલાં જ ઉત્સાહિત છે.

 

(રાધિકા રાઓલ – અમદાવાદ)

રાજ્યમાં ફરી જામશે ચોમાસું? જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં લગભગ ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. પાછલા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની ઓછી હાજરી પુરાય રહી છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 28 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ સહિત અમદવાદા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 28 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઇઝરાયેલનો હિજબુલ્લા પર પલટવારઃ લેબેનોનમાં 100નાં મોત

યેરુસલેમઃ ઈઝરાયેલ અને હિજબુલ્લા વચ્ચેના ” પ્રલયકારી યુદ્ધ”થી મધ્ય-પૂર્વમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. ઈઝરાયેલી સેનાએ હિજબુલ્લા પર ભીષણ હુમલો કર્યો છે. એમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયાં છે. જ્યારે 400 થી વધુ ઘાયલ થયા છે. આ હુમલામાં હિજબુલ્લાના 300થી વધુ સ્થાનો નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.

લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટના બીજા જ દિવસે ઈઝરાયેલની સ્ટ્રાઈકથી ઉત્સાહિત હિજબુલ્લાએ રવિવાર અને સોમવારે યેરુસલેમ પર એવો જીવલેણ હુમલો કર્યો હતો.. ઉત્તરી અને દક્ષિણ ઇઝરાયેલ હિજબુલ્લાના ઉગ્ર વળતા હુમલાથી હચમચી ઊઠ્યું હતું. આ વિસ્ફોટો પછી લાગેલી આગમાં પત્તાંના મહેલની જેવી વિશાળ ઇમારતો બળી ગઈ હતી. તેનાથી નિરાશ થઈને ઈઝરાયેલની સેનાએ હવે હિજબુલ્લા પર સૌથી મોટો હુમલો કર્યો છે. આનાથી મધ્ય-પૂર્વના દેશોમાં હલચલ મચી ગઈ છે.

હિજબુલ્લા હુમલાના જવાબમાં ઇઝરાયેલી સૈન્યએ લેબનોનમાં લોકોને તાત્કાલિક એવાં ઘરો અને ઇમારતો ખાલી કરવા કહ્યું છે જ્યાં હિજબુલ્લા આતંકવાદી જૂથે શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. ઇઝરાયેલે કહ્યું હતું કે તેણે આતંકવાદી જૂથ સામે “વ્યાપક હુમલાઓ” શરૂ કર્યા છે. સરહદ પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ અને ખાસ કરીને રવિવારે ભારે ગોળીબાર બાદ આ પહેલી ચેતવણી આપવામાં આવી છે. હજી ઇઝરાયેલ હિજબુલ્લા પર ઘણા વધુ મોટા હુમલાઓ કરે એવી શક્યતા છે. હિજબુલ્લાએ તાજેતરના ઈઝરાયેલ હુમલામાં તેના એક ટોચના કમાન્ડર અને ઘણા લડવૈયાઓના મોત બાદ બદલો લેવા માટે ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 100 થી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા.

નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણો કયા નિયમોમા થયા છે ફેરફાર

સુરત: માં અંબાની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિનો પાવન તહેવાર. નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં આયોજકો અને ગરબા રસિકો તૈયારીઓમાં લાગી ગયા છે. આ સાથે પોલીસ તંત્ર પણ રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને લોકોની સુરક્ષાની તૈયારીઓમાં લાગેલુ છે.

સુરત શહેરમાં નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસે જાહેરનામું પાડ્યું છે. જેને લઈને સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જો કે ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ સાથે મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ ખાનગી પહેરવેશમાં અલગ અલગ જગ્યાઓએ તૈનાત રહેશે. વધુમાં તેમણે કહ્યું કે સુરક્ષા માટે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રિના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17 નવરાત્રિ આયોજકો એ મંજૂરી લીધી હતી. આ સાથે આ વર્ષે પણ 13 આયોજકોની આરજી મળ્યાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ ઉપરાંત બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે અને મોટી નવરાત્રિના આયોજનોમાં શી ટીમ ખાસ ફરજ બજાવશે. જો મોડી રાત્રે કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો તે ખાસ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માગી શક્શે અને પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવશે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.  નવરાત્રિના આયોજન માટે એક સ્પેશયલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આયોજકોએ વીમો લેવો ફરજિયાત રહેશે. જ્યારે CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે અને ડોક્ટર, ઈમરજન્સીની સેવાઓની વ્યવસ્થા પણ કરવી પડશે તો ખાનગી જગ્યા, ભાડા કરાર સહિતની વિગતો પણ જરૂરી બનશે. ફૂડ સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પણ ફરજિયાત કરવામાં આવી છે.

નાગા ચૈતન્ય તેના દાદા ANRની 100મી વર્ષગાંઠની અનોખી રીતે કરશે ઉજવણી

મુંબઈ: અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ (ANR) ની 100મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અન્નપૂર્ણા સ્ટુડિયોએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 31 શહેરોમાં દસ પ્રતિષ્ઠિત ફિલ્મો દર્શાવતા એક અવિસ્મરણીય શ્રદ્ધાંજલિ અર્પણ તૈયાર કરી છે. આ સ્ક્રિનિંગ્સમાં, ANRના સૌથી પ્રિય ક્લાસિકમાંથી એક પ્રેમ નગર (1971), 20મી સપ્ટેમ્બરના રોજ શાંતિ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં નાગા ચૈતન્ય વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે.

અક્કીનેની નાગેશ્વર રાવ, જેને પ્રેમપૂર્વક ANR તરીકે યાદ કરવામાં આવે છે, તે તેલુગુ સિનેમાની દુનિયામાં એક ટાઇટન છે, જે ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે પ્રખ્યાત છે. હૈદરાબાદમાં અન્નપૂર્ણા સ્ટુડિયોની સ્થાપનામાં તેમની અગ્રણી ભૂમિકાથી લઈને તેમના કાલાતીત પર્ફોર્મન્સ સુધી,જેણે કાયમી વારસો છોડ્યો છે, ANR એ તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પાયાને આકાર આપ્યો છે. ચેન્નાઈ (તે સમયનું મદ્રાસ) થી હૈદરાબાદમાં તેમનું સ્થળાંતર ટોલીવૂડ માટે એક નવા યુગને ચિહ્નિત કરે છે.

નાગા ચૈતન્યએ કહ્યુ કે, “હું આ ક્લાસિકને મોટા પડદા પર જોવા માટે ખરેખર ઉત્સાહિત છું. મોટા થયા પછી મને થિયેટરોમાં પ્રેક્ષકો સાથે મારા દાદાની ફિલ્મોનો અનુભવ કરવાનો મોકો ક્યારેય મળ્યો નથી, તેથી આ ખરેખર એક યાદગાર ક્ષણ છે. વાસ્તવમાં, આજની તારીખે પણ ઘણા ફિલ્મ નિર્માતાઓ ચર્ચા કરે છે કે આ ક્લાસિક્સમાં કેવી કથાઓ હતી. મોટા પડદા પર આ ફિલ્મોનો અનુભવ કરવો એ મારા માટે માત્ર મનોરંજન જ નથી, પણ એક પ્રકારનું શીખવાનું પણ છે. મારા દાદાની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આનાથી વધુ સારું શું હોય શકે.”

આ ભાવનાત્મક સફર માત્ર સિનેમેટિક માસ્ટરપીસની પુનઃપ્રાપ્તિ વિશે જ નથી પરંતુ એક એવા વ્યક્તિના વારસાને સન્માનિત કરવા વિશે પણ છે, જેમની દ્રષ્ટિએ ભારતીય સિનેમાના માર્ગને બદલી નાખ્યો. અન્નપૂર્ણા સ્ટુડિયો એ વિઝનના દીવાદાંડી તરીકે ઊભો રહ્યો છે, નવી પ્રતિભાને પોષી રહ્યો છે અને પેઢીઓથી પ્રેક્ષકો સાથે પડઘો પાડતી ફિલ્મો બનાવી રહી છે.

ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણ કરાવતા ત્રણ લોકો ઝડપાયા

અમદાવાદ: શહેરમાં ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમર્શીયલ બિલ્ડીંગમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૂળ હિન્દુ ધર્મના લોકોનું ગેરકાયદે ધર્માંતરણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ મામલે અમદાવાદ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં ધર્માંતરણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. ધર્માંતરણ થતા હોવાની આશંકાએ પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી. આ મામલે 26 લોકો ધર્માંતરણ માટે ભેગા થયાની માહિતી મળી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દર રવિવારે 26 લોકો પ્રાર્થના સભામાં આવતા હતા. જોકે, પોલીસે ગેરકાયદે ધર્માંતરણની શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે ખતરી પણ આપી છે કે આ ઘટના અંગે પુરતી તપાસ કરી ધર્માંતરણ કરેલા લોકોના ડોક્યુમેન્ટી પણ તપાસ કરવામાં આવશે.

સેન્સેક્સ, નિફ્ટી નવી ઊંચી ઓલટાઇમ ઊંચી સપાટીએ

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ હવે 85,000ની  અને નિફ્ટી 26,000ની સપાટી કુદાવવાની નજીક છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયો હતો. એ ઇન્ડેક્સ 60,700ના રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.29 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકી વ્યાજદરમાં કાપ, એશિયન બજારોમાં તેજી અને વિદેશ ફંડોની લેવાલીએ શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. સેક્ટોરિયલ આધારે જોઈએ તો ઓટો, રિયલ્ટી અને PSU સેક્ટરોમાં તેજી થઈ હતી. PSU બેન્કોમાં ચાર ટકાની તેજી થઈ હતી.

BSE સેન્સેક્સ 384 પોઇન્ટ ઊછળી 84,928.6ની સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 148.10 પોઇન્ટ ઊછળી 25,939.05ની રેકોર્ડ ઊંચાઈ બંધ આવ્યો હતો. નિફ્ટી બેન્ક 54,106ના સ્તરે પહોંચ્યો હતો. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર FIIએ શુક્રવારે ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 14,065.05 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે DIIએ ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 4427.08 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. BSE એક્સચેન્જ પર કુલ 4233 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2387 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1725 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 121 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 345 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 275 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.