Home Blog Page 442

યાદગીરીઓનો બોર્ડિંગ પાસ

તમારામાંથી અનેકોએ વિમાન પ્રવાસ કર્યો હશે. એરપોર્ટ એટલે ફક્ત ફ્લાઈટ પકડવની જગ્યા છે એવું આપણને લાગે છે. જો કે વાસ્તવમાં આ જગ્યા એટલે એક અલગ દુનિયા હોય છે. ક્યાંક ગિરદી હોય છે, ક્યાંક શાંતિ, ક્યાંક વાતાવરણમાં તણાવ જણાય છે તો ક્યાંક મનની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચેલી હોય છે. વિમાનથી પ્રથમ જ પ્રવાસ કરવાના હોય તો તે ઉત્સાહ અલગ જ હોય છે. આવું આ એરપોર્ટ એટલે દરેક ચહેરા પર લખેલી એક વાત હોય છે. આવો જ એક વિમાનપ્રવાસ હતો. તે દિવસે સવારે નવ વાગ્યાની ફ્લાઈટ હતી અમારી. અમે પાલન કરીએ તે એક અલિખિત નિયમ એટલે ડોમેસ્ટિક ફ્લાઈટ હોય તો ઘરેથી બે કલાક અગાઉ નીકળવાનું અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ત્રણ કલાક અગાઉ. એરપોર્ટ શહેરમાં હોવાનો ફાયદો. અર્થાત અમારા બધા પર્યટકોને અમે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે સાડાત્રણથી ચાર કલાક અગાઉ બોલાવીએ છીએ. ટ્રાફિક જામ ક્યાં થશે તે કહી શકાય નહીં અને એરપોર્ટનું ચેક-ઈન, સિક્યુરિટી ચેક અને ઈમિગ્રેશનની લાઈન કેટલી લાંબી હશે તેનો પણ ભરોસો નથી હોતો. પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર. આથી ડોમેસ્ટિક ફ્લાઈટ માટે પણ બે કલાક પૂર્વે એરપોર્ટ પર હાજર હોવું જોઈએ એવી આદત જ પડી ગઈ છે. અમુક આદતો એટલી ઘટ્ટ હોય છે કે ક્યારેક-ક્યારેક કોન્ટેક્સ્ટ બદલાઈ ગયો છે તે આપણને ધ્યાનમાં પણ આવતું નથી અને આપણે કાયમની આદત પ્રમાણે તે બાબત કરતાં હોઈએ છીએ. સો નવ વાગ્યાની ફ્લાઈટ હોવાથી અમે સાત વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યાં. અમારી કાર અમને છોડીને નીકળી ગઈ. એરપોર્ટ સામેના આખા રસ્તા પર અમે બે જ હતાં. એરપોર્ટ બંધ. મેં અને સુધીરે એકબીજાની સામે જોયું. આ દુનિયાનું પ્રથમ એરપોર્ટ હતું જે અમારા સ્વાગત માટે બિલકુલ તૈયાર નહોતું. તે ચૂપચાપ પોતાને બંધ કરીને બેઠેલું હતું. અમે બેગ ખેંચીને એરપોર્ટના દ્વાર પાસે આવ્યાં. હવા વરસાદી હતી, જેથી વરસાદ આવે તો ભીંજાવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. ઠંડી કહે મારું કામ. એટલું સારું થયું કે અમે પોતાને ખાસ્સાં લેયર્ડ વૂલન ક્લોધિંગથી ઢાંકી દીધાં હતાં.

એરપોર્ટના તે ગેટ નજીક ઊભાં રહીને અમે વાટ જોતાં રહ્યાં કોઈક આવશે અને ગેટ ખોલશે. ગેટ કાચનો હતો અને અંદર એક કાઉન્ટર હતું, એક કોફી મશીન, બે સોફા સેટ, એક સોફ્ટ ડ્રિંક ડિસ્પેન્સર મશીન એમ નાનો સંસાર પાથરેલો હતો. અમે ક્યારેક આ પગ પર તો ક્યારેક પેલા પગ પર શરીરનું વજન આપીને ઊભાં હતાં. ખાસ્સો સમય ઊભાં રહ્યાં પછી હું ભૂલમાં ગેટની સાઈડ તરફ ગઈ એટલે રીતસર ગેટ ખૂલી ગયો. ઓહ, એટલે કે, એરપોર્ટને તાળું લગાવેલું નહોતું. ગેટ ખુલ્લો જ છે એ જોતાં અમે અંદર ગયાં અને સોફા પર બેસી ગયાં. હવે માથા પર છત મળી હતી. આથી અમે `અબ આંધી આયે યા તૂફાન’ આપણે ફિકર કરવાની જરૂર નથી એવું મહેસૂસ કરીને રિલેક્સ થયાં. કોઈક આવશે જ ટૂંક સમયમાં એવો વિચાર કરીને કોફી મશીનમાંથી કોફી લીધી. તે ડિસ્પેન્સરમાંથી વેફર્સ લીધા અને `એન્જોય ધ મોમેંટ’ એવું ધારીને તે શહેરમાં રહેલો થોડો સમય મસ્ત રીતે વિતાવ્યો. જો કે વિમાન પ્રસ્થાનને ફક્ત અડધો કલાક બાકી હતો છતાં કોઈનો પત્તો નહોતો. આથી અમે થોડા ચિંતામાં મૂકાયાં. આપણે ચોક્કસ તે જ એરપોર્ટ પર આવ્યાં છીએ ને કે બીજું એરપોર્ટ છે આ શહેરમાં? એવો મનમાં વિચાર આવ્યો. કોફીની રંગત ઊડી ગઈ અને અમે ચિંતામાં મુકાઈ ગયાં. ચામાચીડિયું પણ નહોતું એવા તે રસ્તા પાસે વિસ્મયથી જોતા રહ્યાં અને થોડીવાર પછી એક કાર દૂરથી આવતી દેખાઈ. ખ્રિસ્તોફર કોલંબસને દુનિયાની શોધ ઝુંબેશ કરતી વખતે ઓગણત્રીસ દિવસના સમુદ્રના તે એક્સપીડિશનમાં પક્ષીઓનું ઝુંડ જોયા પછી લગભગ ક્યાંક જમીન હશે એવી આશામાં-વિચારથી જે ખુશી થઈ હશે તેવી જ ખુશી અમને થઈ.

કાર એરપોર્ટ સામે ઊભી રહી. એક ગોરો યુવાન નીચે ઊતર્યો. અમે ગૂડ મોર્નિંગ કરીને તેના કાઉન્ટર પર સ્થિર થયાં. હવે વિમાનને દસ મિનિટ બાકી હતી. તેણે અમારી ટિકિટ જોઈ અને બોર્ડિંગ પાસ આપ્યો. તે સમયે વિમાનના દસ મિનિટ પહેલાં ત્રણ જણની વધુ એક ફેમિલી આવી. પ્રાઈવેટ જેટ હોય તો પણ કમ સે કમ અડધો કલાક અગાઉથી બોલાવાય છે. એર સ્ટ્રિપ પર વિમાન દેખાતું નહીં હોય તો પણ બોર્ડ પર અમારું વિમાન સમયસર દેખાતું હતું અને પાંચ મિનિટ પૂર્વે આકાશમાં તે વિમાન દેખાયું. નાનું અઢાર સીટર વિમાન. ચાર જણ નીચે ઊતર્યા અને અમે પાંચ જણ વિમાનમાં ચઢ્યાં. મને તે એરપોર્ટ એકાદ બસ સ્ટોપ જેવું લાગ્યું. અમે બાય બાય કર્યું હોન્નિંગ્સવાગને અને નીકળ્યાં ટ્રોમ્સો તરફ.

આ વાત પચ્ચીસેક વર્ષ પૂર્વેની હશે. ઉબર અને મોબાઈલનું વ્યસન તે જમાનામાં લાગેલું નહોતું. ડિસેમ્બર મહિનામાં લંડનમાં હતાં અને ત્યાંથી અચાનક નક્કી કરીને નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે અમે ગયાં હતાં. નોર્વે દેશના ઉત્તર છેડા પર, એટલે કે, દુનિયાના ઉત્તર ખૂણા પર હોન્નિંગ્સવાગમાં. નોર્થ પોલથી બે હજાર કિલોમીટર્સ અંતરે, માંડ અઢી હજારની લોકવસતિ ધરાવતું, દુનિયાના મેઈનલેન્ડ પરનું આર્કટિક સર્કલમાંનું તે છેલ્લું ગામ હતું. અહીં જ આપણને નોર્થ કેપની તે ફેમસ ગ્લોબ મોન્યુમેન્ટવાળી નોર્ધર્નમોસ્ટ જગ્યા જોવા મળે છે. આ મેઈનલેન્ડ પરનું છેલ્લું ગામડું હોવા છતાં તેનાથી નોર્થ પોલ સુધી હજુ એક જગ્યા છે આઠસો કિલોમીટર્સ પર જ્યાંથી આપણે જઈ શકીએ. તે છે સ્વાલબાર્ડ આઈલેન્ડ્સ, ત્યાંનું લોંગરબાયન એક હજાર લોકવસતિનું શહેર છે. ગયા વર્ષે જ અમારાં ડાયરેક્ટર સુનિલા પાટીલ સ્વાલબાર્ડ જઈને આવ્યાં. હવે અમે પણ વાટ જોઈ રહ્યાં છીએ ક્યારે એકવાર સ્વાલબાર્ડમાં જઈએ, કારણ કે નોર્થ પોલની પેલી બાજુ બે હજાર કિલોમીટર્સ સુધી જઈ આવ્યાં છીએ. જો કે સુનિલા તે પાર બારસો કિલોમીટર્સ સુધી ગયાં છે તો પછી `સબસે આગે’ કહેતું મારું મન સુનિલાના એક્સપીડિશનમાં પાછળ મૂકવાનો પ્રયાસ નહીં કરે તો જ નવાઈ. ઉત્તર ધ્રુવ નજીકનું લોંગરબાયનનું આ છેલ્લું એરપોર્ટ મને જોવું જ છે.

અમારી એક કેમ્પેઈન વચ્ચે-વચ્ચે ચાલુ હોય છે તે એટલે `તમે કેટલા દેશ જોયા?’ જો કે હવે આ લેખ લખતાં લખતાં મને સૂઝ્યું કે આપણે એક એવી પણ કેમ્પેઈન કરવી જોઈએ, તે એટલે, `આજ સુધી તમે કેટલાં એરપોર્ટસ જોયાં?’ હા, એટલે કે, એરપોર્ટ એ મારા મતે જોવાની જગ્યા છે અને મારા જિપ્સી મનને દુનિયાનાં આવાં અનેક યુનિક એરપોર્ટસ જોવાં છે. એકાદ એરપોર્ટ બહુ મોટું હોય છે, જેમ કે, સાઉદી અરેબિયાનું દમામ એરપોર્ટ, જે તેના પાડોશી બાહરીન દેશ કરતાં પણ મોટું છે. એકાદ એરપોર્ટ અત્યંત સુંદર હોય છે, જેમ કે, કતારમાંનું હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા સિંગાપોરનું ચાંગી એરપોર્ટ. એકાદ એરપોર્ટ ઊંચાઈ પર હોય છે, જેમ કે, બોલિવિયાનું અથવા પેરૂમાં અથવા આપણા લેહનું. અર્થાત દુનિયામાં સૌથી ઊંચાઈ પર વધુમાં વધુ એરપોર્ટ ચીનમાં છે. એકાદ એરપોર્ટ સમુદ્ર પર પણ હોય છે, જેમ કે, સ્કોટલેન્ડનું `બારા આઈલેન્ડ’માં સમુદ્રકિનારાનું એરપોર્ટ ભરતી અને ઓટને આધારે ચાલુ રહે છે. નોર્થ પોલથી નજીક બધા દેશોમાં પ્રત્યેકીએક એરપોર્ટની મારે મુલાકાત લેવી છે. આપણે જો ગ્લોબ પર નોર્થ પોલનો ટોપ વ્યુ જોઈએ તો આપણને એરપોર્ટસ દેખાશે. કેનેડામાંનું નુનાવુટ, એલર્ટ, યુરેકા, ગ્રીસ ફિયોર્ડ, રશિયાનું ડિક્સન મૂરમાંસ, યુકેનું બેરો, ગ્રીનલેન્ડમાંનું થૂલ,સિયોરાપાલૂક કાનાક. હવે નોર્થ પોલ નજીકનાં એરપોર્ટસ જોયા પછી સાઉથ પોલે શું ખરાબ કર્યું છે? તેની નજીકનાં એરપોર્ટસ પણ જોવા જોઈએ ને. સાઉથ પોલ નજીકની ક્નટ્રીઝ એટલે કે, સાઉથ અમેરિકાનું ચિલી અને આર્જેન્ટિના. ત્રીજો નંબર ન્યૂ ઝીલેન્ડનો, ચોથો ઓસ્ટ્રેલિયાનો અને તે પછી સાઉથ આફ્રિકા. દુનિયાના દક્ષિણ ખૂણા પરના ચિલી દેશનું છેલ્લું ગામ એટલે પાતાગોનિયા રિજનમાંનું પુંતા આરેનાસ. તે ગામ અત્યંત સુંદર છે. અ મસ્ટ વિઝિટ ઈન અવર ટ્રાવેલ મિશન. સમય છે, તબિયત સારી છે અને ખિસ્સા ભરેલા હોય તો દુનિયાના છેડા પરનું આ પર્યટન જરૂર કરવું જોઈએ. બીજું એરપોર્ટ ઉશુઆયા, જે આર્જેન્ટિનામાં છે. એન્ટાર્કટિકામાં જતી વખતે ત્યાં જઈ આવી, જેથી તે ઓલરેડી ટિક માર્કડ છે. બાકી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકાનાં સધર્નમોસ્ટ એરપોર્ટસની ઓલરેડી મુલાકાત લીધી છે, સો સાઉથ પોલ નજીકનાં એરપોર્ટસ મોટે ભાગે જોઈ લીધાં છે. ઉપરાંત ગયા વર્ષે ગ્રીનલેન્ડમાં જઈ આવી, જેને લીધે ત્યાંનું નોર્ધર્નમોસ્ટ નહીં પણ એક એરપોર્ટ જોઈ લીધું છે.

આપણને વિમાનમાં વિંડો સીટ મળી હોય તો ફ્લાઈટ ઊતરતી વખતે તે ઠેકાણાનું એરપોર્ટ દેખાવા લાગે છે અને આપણને તે દેશની અથવા શહેરની જાણે ઓળખ થયા જેવું લાગે છે. મારા પ્રવાસમાં અનેકવાર એવું બન્યું છે કે તે શહેરની મારા મન પરની પહેલી છાપ એરપોર્ટ પર ઊમટી છે. વૈશ્વિક સ્તરે એરપોર્ટસ એટલે ફક્ત ટ્રાફિકનાં કેન્દ્ર નથી, પરંતુ તે એ દેશની સંસ્કૃતિ, શિસ્ત અને માનસિકતા દર્શાવે છે. અહીં કોઈ પ્રિય વ્યક્તિને અલવિદા કરતી વખતે રડતું હોય છે તો કોઈ વર્ષો પછી મળેલા સંબંધીઓ સાથે ભેટી પડતા હોય છે. કતારનું હમાદ એરપોર્ટ જોતી વખતે જણાય છે કે અહીં શ્રીમંતી અને આધુનિકતા એકત્ર આવ્યાં છે, જ્યારે જાપાનના એરપોર્ટ પર જોવા મળતી શિસ્ત અને સમયનું ભાન એ જાપાન દેશનો જ સ્વભાવ છે. હું પહેલીવાર ઈજિપ્ત ગઈ ત્યારે એરપોર્ટની બહાર આવ્યા પછી ત્યાં બહારથી આવતી વ્યક્તિઓને લેવા આવેલા તેમના કુટુંબીઓની પ્રચંડ ગિરદી અને તેમના ચહેરા પરની ખુશી જોઈને તે દેશ કુટુંબવત્સલ હોવાનું મહેસૂસ થયું. એટલે કે, ફક્ત એરપોર્ટ જ નહીં, પરંતુ એરપોર્ટની બહારની ગિરદી પણ આપણને તે દેશની માનસિકતા બતાવે છે. આ ઠેકાણે આપણને અનેક બાબતો ઓબ્ઝર્વ કરવા મળે છે અને તેથી જ અલગ-અલગ કારણોસર મને વિમાનપ્રવાસ કરવાનું ગમે છે. મારા માટે એરપોર્ટ જોવું એટલે દુનિયા તરફ અલગ નજરથી જોવું. દરેક એરપોર્ટ એટલે તે દેશનો નાનો દૂતાવાસ હોય છે. જ્યાં ભાષા, સંસ્કૃતિ, લોકોની આદતો, સુરક્ષા વ્યવસ્થા અને ખાદ્યપદાર્થ પણ તે દેશની ઓળખ કરી આપે છે. આપણે દુનિયા ફરતી વખતે શહેરો-ગામડાં જોઈએ છીએ, પરંતુ એરપોર્ટસનું પણ તેટલું જ મહત્ત્વ છે. કારણ કે પ્રવાસ ફક્ત નિર્ધારિત સ્થાન સુધી પહોંચવાનો નથી હોતો. તે પ્રવાસના દરેક તબક્કામાંથી જીવવાનું શીખવાનો હોય છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

Miss Universe 2025: કોણ છે મેક્સિકોની ફાતિમા બૉશ? જેના માથે સજ્યો તાજ

મિસ યુનિવર્સ 2025 ના વિજેતાની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે મેક્સિકોની ફાતિમા બૉશના માથે આ તાજ સજ્યો છે.

મેક્સીકન સુંદરી ફાતિમા બૉશને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. થાઇલેન્ડમાં આયોજિત મિસ યુનિવર્સની સ્પર્ધામાં તેણીએ વિશ્વભરની સુંદરીઓને હરાવી તાજ પોતાને નામે કર્યો. ભારતની વાત કરીએ તો એ ટોપ 12 માંથી જ બહાર થઈ ગયું હતું. બીજા અને ત્રીજા રનર્સઅપ કોણ છે તેના વિશે પણ જાણીએ.

ફાતિમા તાજ પહેરતી વખતે ભાવુક થઈ ગઈ

જ્યારે ફાતિમાનું નામ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું અને તાજ તેના માથા પર સજાવવામાં આવ્યો મેક્સીકન સુંદરી રડી પડી હતી. આ આંસુ વર્ષોની મહેનત, મહિનાઓની ધીરજ અને અપાર આનંદનું પ્રતિબિંબ હતા. તે ભાવુક અને અતિ આનંદિત બંને હતી. તે તેના લાલ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

આ સુંદરીઓએ ટોપ 5 માં સ્થાન મેળવ્યું

મિસ યુનિવર્સ 2025 સ્પર્ધામાં પ્રથમ રનર-અપ થાઇલેન્ડની મોડેલ પ્રવીણ સિંહ હતી, જે આ કાર્યક્રમનું આયોજન કરનાર દેશ હતો. વેનેઝુએલાની મોડેલ સ્ટેફની અબાસાલી બીજા રનર-અપ રહી. ત્રીજું સ્થાન ફિલિપાઇન્સની મોડેલ આતિશા મનાલોને મળ્યું. ચોથું સ્થાન આઇવરી કોસ્ટની મોડેલને મળ્યું.

મણિકાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું

આ વખતે રાજસ્થાન સ્થિત મોડેલ મણિકા વિશ્વકર્માએ સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જોકે, તે ટાઇટલ મેળવવામાં નિષ્ફળ રહી. મણિકા ટોચના 30 માટે સફળતાપૂર્વક ક્વોલિફાય થઈ, પરંતુ ટોચના 12 સ્પર્ધકોમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી.

નોંધનીય છે કે ફાતિમા બૉશ ફાઇનલ પહેલા વિવાદોમાં ફસાયેલી હતી. વિવાદ છતાં તેણીએ મિસ યુનિવર્સનો તાજ જીતીને પોતાના દેશને ગૌરવ અપાવ્યું. ફાતિમાને લઈને 4 નવેમ્બરના રોજ સ્પર્ધા દરમિયાન વિવાદ શરૂ થયો હતો. તેણીને મિસ થાઇલેન્ડના ડિરેક્ટર નાવત ઇત્સાગ્રીસિલના કઠોર શબ્દોનો સામનો કરવો પડ્યો હતો. ડિરેક્ટરે થાઇલેન્ડ સંબંધિત પ્રમોશનલ સામગ્રી શેર ન કરવા બદલ જાહેરમાં ફાતિમાને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ઠપકો આપ્યો હોવાના અહેવાલ છે.

આ ઘટનાથી સ્પર્ધામાં તણાવ ફેલાયો હતો. ફાતિમાએ વિરોધમાં બહાર નીકળવાનો નિર્ણય લીધો. અન્ય ઘણા સ્પર્ધકો તેના સમર્થનમાં આવ્યા. થોડા સમય પછી, ફાતિમા સ્ટેજ પર પાછી ફરી અને દિગ્દર્શકના વર્તનને અપમાનજનક ગણાવ્યું. ફાતિમા બૉશ ફર્નાન્ડીઝનો જન્મ 19 મે, 2000 ના રોજ મેક્સિકોના ટેપામાં થયો હતો. તે 25 વર્ષની છે. આ સ્પર્ધામાં ચિલી, કોલંબિયા, ક્યુબા, ગ્વાડેલુપ, મેક્સિકો, પ્યુઅર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ સહિત અનેક દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. ભારતની બેડમિન્ટન દિગ્ગજ, સાઇના નેહવાલ, આ વર્ષે સ્પર્ધાના નિર્ણાયકોની પેનલમાં હતી.

ફાતિમાને મહિલાઓ અંગે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સ્પર્ધા દરમિયાન ફાતિમાને પૂછવામાં આવ્યું હતું કે, “તમને શું લાગે છે કે 2025 માં મહિલા હોવાના પડકારો શું છે?” અને તમે મિસ યુનિવર્સનો ખિતાબ મેળવીને વિશ્વભરની મહિલાઓ માટે સલામત જગ્યા કેવી રીતે બનાવશો? ફાતિમા બોશે જવાબ આપ્યો, “એક મહિલા અને મિસ યુનિવર્સ તરીકે, હું મારા અવાજ અને શક્તિનો ઉપયોગ અન્ય લોકોની સેવા કરવા માટે કરીશ. આજે, આપણે અહીં બોલવા, પરિવર્તન લાવવા અને દેખાવા માટે છીએ, કારણ કે આપણે મહિલાઓ છીએ. જે બહાદુર ઉભા રહે છે તે ઇતિહાસ રચશે. મહિલાઓ હજુ પણ સલામતીથી લઈને સમાન તકો સુધીના પડકારોનો સામનો કરે છે, પરંતુ આ પેઢી હવે બોલવામાં ડરતી નથી. મહિલાઓ પાસે હવે પરિવર્તનની માંગ કરવાની, નેતૃત્વમાં તેમનું સ્થાન લેવાની અને વાતચીતોને ફરીથી આકાર આપવાની હિંમત છે જે એક સમયે તેમને બાકાત રાખતી હતી.”

વાસ્તુ: ઘરમાં આ દિશામાં લગાવો ગલગોટાનો છોડ

જે દેશમાં વસ્તી સહુથી વધારે હોય એણે ગર્વ લેવો જોઈએ કે, બળાપો કાઢવો જોઈએ એ નિર્ણય જે તે દેશની વ્યવસ્થાના આધારે લઇ શકાય. જ્યાં સરકારના ખર્ચે મફત ખાવાની આદત પડી ગઈ હોય ત્યાં તકલીફો દેખાય, અને જ્યાં સતત મહેનત કરીને આગળ આવવાની ધગસ હોય ત્યાં વિકાસ થાય. જે તે સમયની માનસિકતા જોવાથી નિર્ણય લઇ શકાય.

એજ રીતે જ્યાં અભ્યાસ કાર્ય વિના માત્ર દેખાડાની ડીગ્રીઓ હોય ત્યાં બેરોજગારીના ગાણા સંભળાય અને જ્યાં આવડતના આધારે કામ શોધવાની દાનત હોય ત્યાં વિકાસ દેખાય. ભારત દેશનો ઈતિહાસ સમજાવે છે કે અહી લોકો સ્વને દેશના હિતથી અલગ સમજવા લાગ્યા છે ત્યારે ત્યારે અન્ય કોઈ સત્તા ફાવી છે. દેશના હિતમાં નિર્ણય લેવાય ત્યારે વિકાસ દેખાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીમાં લીફ્ટમાં કેમેરા છે. અમારી કમિટીના લોકો અઢાર કલાક ઓફિસમાં જ બેસી રહે છે. એક વાર અચાનક ઓફિસમાં જતા દેખાયું કે એ લોકો એમના મિત્રો સાથે સવારે સાત વાગે અમારી છાતી અને અન્ય અંગો તાકતા હતા. વિરોધ કરતા એમણે ખરાબ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો. અને પછી સમજાયું કે એ લોકો ઓફિસમાં દારૂ પણ પિતા હતા. અમારી સોસાયટીના અન્ય લોકોને વાત કરી તો એમણે મને સમજાવ્યું કે મર્દ આવા જ હોય. એ તો છેડતી કરે જ. શું આમાં વાસ્તુનું કોઈ કારણ હશે?

જવાબ: મર્દ હોવું એટલે લંપટ અને લોલુપ હોવું એવું ન જ હોય. પુરુષ હોવું એટલે મર્દ હોવું. પુરુષનું કામ માત્ર શારીરિક સંબંધો બાંધવાનું નથી. સ્ત્રીને સુરક્ષા, સન્માન અને સમજણ સાથે સુખ આપે એ પુરુષ ગણાય. વળી જે નવરા હોય એ ઓફિસમાં પડ્યા રહે. આવા લોકોની જમાત નકારાત્મક જ હોય. એકલા ન જવાની સલાહ છે. લીફ્ટમાં કેમેરા લગાવીને એ લોકો જે કરી રહ્યા છે એ અસામાજિક છે. તમે જે સોસાયટીમાં રહો છો એમાં બધા નમાલા છે. તમે વ્યવસ્થિત રીતે લીફ્ટમાં જાવ. કેમેરાની નીચે ઉભા રહો જેથી તમે દેખાવ નહિ.

આવી કમિટીને મત આપીને તમારી સોસાયટી ભૂલ કરી રહી છે. કદાચ આ લોકો સિવાયના લોકો હજુ પણ વધારે ખરાબ છે એવો શક લોકોને હોય. તમે મતદાન થકી જ એમને બદલી શકશો. જાગો અને આસપાસ વાળા લોકોને પણ સમજાવો. બાકી ફરીથી એ લોકો તમારા માથે બેસશે.

તમારી સોસાયટીનો ઝાંપો ત્રાંસો છે. કોઈ લેભાગુ મને આવું સુચન આપ્યું હોય એવું બની શકે. બાકી ત્રાંસા દરવાજા લગાડવાની કોઈ વાત વાસ્તુમાં નથી. કમિટી મેમ્બર્સ સોફામાં પડ્યા રહે છે. વધારે સમય સોફામાં બેસી રહેવાથી નકારાત્મક વિચારો આવી શકે. પોચા સોફા એ વાયુનું પ્રતિક છે. તેથી એ વધારે વિચારો કરાવે છે.

સવાલ: અમે એક પ્રોપર્ટી જોઈ છે. એને વાસ્તુ કમ્પ્લાયંસ કહે છે. મને થોડું ઘણું ખબર પડે છે. મારી દ્રષ્ટીએ એ વાસ્તુથી એકદમ વિપરીત છે. કોઈ બિલ્ડર આવું કરી શકે ખરા?

જવાબ: આજના જમાનાનો માણસ પૈસા માટે જે કરે છે એ જોતા એ આવું કરી શકે. માત્ર વાસ્તુ કમ્લાયંસ લખી દેવાથી જો એમને પ્રોપર્ટી વાસ્તુ આધારિત લાગતી હોય તો તમે પણ કાગળ ઉપર રૂપિયા લખીને એમને પેમેન્ટ આપી શકો. પણ એવું ન કરાય. બે ખોટાથી એક સાચું નથી થતું. પ્રોપર્ટીના ભાવ જે રીતે વધ્યા છે એ જોતા જોયા વિચાર્યા વિના પ્રોપર્ટી ન જ લેવાય. માણસ સુખી થવા માટે ઘર ખરીદે છે. અને જો એ જ ઘર દુઃખનું કારણ બની જાય તો શું થાય? કોઈ સાચા નિષ્ણાતની સલાહ લઈને ઘર ખરીદવું જોઈએ.

સુચન: ઈશાનમાં ગલગોટા વાવવાથી સાચી સમજણ આવે છે.

( આપના સવાલો મોકલી આપો Email: vaastunirmaan@gmail.com )

પશ્વિમ બંગાળ અને બાંગ્લાદેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા

આજે વહેલી સવારે કોલકાતામાં ભૂકંપનો આંચકો આવ્યો. ભૂકંપની તીવ્રતા 5.2 હતી. કોલકાતા ઉપરાંત, પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

શુક્રવારે એટલે કે સવારે કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે આશરે દસ વાગ્યાની વચ્ચે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાડોશી દેશ બાંગ્લાદેશના ઘોરાશાલથી 7 કિલોમીટર દૂર હતું. કોલકાતા ઉપરાંત, માલદા, નાદિયા, કૂચ બિહાર અને અન્ય ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

બાંગ્લાદેશમાં 5.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. USGS એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશના નરસિંગડી નજીક હતું. હાલમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. માહિતી સતત અપડેટ કરવામાં આવી રહી છે.

ભૂકંપ શા માટે આવે છે?

તાજેતરમાં, દેશ અને વિશ્વના ઘણા વિસ્તારોમાં ભૂકંપમાં વધારો થયો છે. આપણી પૃથ્વી પર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત તેમની સ્થિતિમાં ફરે છે. જોકે, ક્યારેક તેઓ અથડાય છે અથવા ઘર્ષણનો અનુભવ કરે છે. આ જ કારણ છે કે પૃથ્વી પર ભૂકંપ આવે છે. સામાન્ય લોકોને સૌથી વધુ નુકસાન થાય છે. ભૂકંપને કારણે ઘરો તૂટી પડે છે, જેના કારણે હજારો લોકો મૃત્યુ પામે છે.

ભારતમાં ભૂકંપ ઝોન કયા છે?

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભારતના કુલ ભૂમિ વિસ્તારનો આશરે 59 ટકા ભૂકંપ-સંભવિત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતના ભૂકંપ ઝોનને ચાર વિસ્તારોમાં વિભાજિત કર્યા છે: ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5. ઝોન 5 માં આવેલા વિસ્તારોને સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યારે ઝોન 2 ને ઓછો સંવેદનશીલ માનવામાં આવે છે. આપણા દેશની રાજધાની, દિલ્હી, ઝોન 4 માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ આવી શકે છે, જેના કારણે નોંધપાત્ર વિનાશ થઈ શકે છે. હિમાલય પ્રદેશ અને કેટલીક અન્ય ફોલ્ટ લાઇનો (દા.ત. કચ્છ, ઉત્તરપૂર્વ ભારત) ને કારણે ભારતમાં ભૂકંપનું જોખમ વધારે છે, કારણ કે ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા

રિક્ટર સ્કેલનો ઉપયોગ કરીને ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર 4 થી 4.9 ની તીવ્રતાવાળા ભૂકંપથી ઘરની વસ્તુઓ તેમના સ્થાન પરથી પડી શકે છે. 5 થી 5.9 ની તીવ્રતાવાળા ભૂકંપથી ભારે વસ્તુઓ અને ફર્નિચરને અસર થાય છે. 6 થી 6.9 ની તીવ્રતાવાળા ભૂકંપથી ઇમારતના પાયામાં તિરાડો પડી શકે છે. 7 થી 7.9 ની તીવ્રતાવાળા ભૂકંપથી ઇમારતો ધરાશાયી થઈ શકે છે. 8 થી 8.9 ની તીવ્રતાવાળા ભૂકંપથી સુનામી આવી શકે છે અને નોંધપાત્ર વિનાશ થઈ શકે છે. 9 કે તેથી વધુની તીવ્રતાવાળા ભૂકંપ સૌથી ગંભીર વિનાશનું કારણ બને છે.

૨૧ નવેમ્બર ૨૦૨૫

એક ગીત, અનેક સ્વરૂપ, શાશ્વત સંદેશ!

જનગણમન પછી બાળપણ સાથે વણાયેલું એક ગીત શાળામાં, સ્વાતંત્ર્ય દિવસે, ગણતંત્ર દિવસની પરેડમાં, રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં સાંભળ્યું, લલકાર્યું છે. ‘વંદે માતરમ’ ગીતના શબ્દોની ગહનતા શૈશવકાળમાં ગહનતા સમજાતી નહોતી, પરંતુ એ સાંભળતી-ગાતી વખતે ભારતીય હોવાનો ગૌરવભાવ જરૂર જાગી જતો. 7 નવેમ્બર, 2025ના રોજ ગૌરવગાન ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠનો જશન દેશભરમાં મનાવવામાં આવ્યો.

7 નવેમ્બર, 1875ના રોજ પશ્ચિમ બંગાળમાં ખળખળ વહેતી હુગલીના કાંઠે, ચિન્સુરાહના જોરઘાટના પોતાના ઘરમાં સરકારી અફ્સર અને કવિ-નવલકથાકાર બંકિમચંદ્ર ચેટર્જીએ આ અમર પંક્તિઓ રચી. ગીત પહેલાં એમણે પોતાના સામયિક ‘બંગદર્શન’માં પ્રકાશિત કર્યું. ત્યાર પછી નવલકથા ‘આનંદમઠ’ (1882)માં વણી લીધું. ત્યાર બાદ ‘વંદે માતરમ્’ માત્ર છંદોબદ્ધ કાવ્ય જ નહીં, પણ સ્વાતંત્ર્ય ઝંખતા લાખો દેશવાસીઓના આત્માનો અવાજ બની ગયું. ગીતમાં માતૃભૂમિનો વૈભવ ગૌરવથી નહીં, પરંતુ ભક્તિથી ગાવામાં આવ્યો છે.

કહે છે કે બંકિમચંદ્રના સંગીતગુરુ જદુનાથ ભટ્ટાચાર્યે સૌપ્રથમ ગીતને રાગ મલ્હારમાં સ્વરાંકિત કર્યું. પછી, સુભાષચંદ્ર બોઝના કહેવાથી સંગીતકાર તીમિરબરણ ભટ્ટાચાર્યે એને ‘એક-દો-એક’ જેવી કૂચના તાલમાં બાંધી રાગ દુર્ગામાં સ્વરબદ્ધ કર્યું.

સ્વદેશી આંદોલન દરમિયાન ‘વંદે માતરમ્’ પ્રચંડ લોકપ્રિય થયું. આથી રોષે ભરાયેલા બ્રિટિશરોએ એ જાહેરમાં ગાવા પર પ્રતિબંધ મૂક્યો. ‘બંગભંગ આંદોલન’ વખતે ‘વંદે માતરમ’ અન્યાય સામેના અવાજ, પ્રતિકાર અને એકતાનું પ્રતીક બન્યું, આંદોલનના જયઘોષ તરીકે પ્રચલિત થયું. આવા બીજા ઉદઘોષ એટલે ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’…

સમયે સમયે ‘વંદે માતરમ’ના બદલાતા શબ્દો-ધ્વનિ-તરજનો ઈતિહાસ રસપ્રદ છે.

* 1923માં હિંદુસ્તાની સંગીતના દિગ્ગજ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે કાકીનાડા ખાતે કોંગ્રેસ અધિવેશનમાં રાગ કાફીમાં ‘વંદે માતરમ્’ રજૂ કર્યું ત્યારે અમુક લોકોએ એનો વિરોધ કર્યો, કેમ કે ગીતના આગળના શ્લોકો દેવી દુર્ગાની સ્તુતિરૂપ હતા.

* 15 ઑગસ્ટ, 1947ની વહેલી સવારે પંડિત ઓમકારનાથ ઠાકુરે, સરદાર વલ્લભભાઈ પટેલના આમંત્રણ પર પોતાનું ‘વંદે માતરમ્’ રજૂ કર્યું, જેનું આકાશવાણીએ સીધું પ્રસારણ કર્યું. સ્વતંત્ર દેશના જન્મની આ મ્યુઝિકલ મોમેન્ટ હતી. 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણસભાએ વંદે માતરમના બે ખંડોને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યા.

* 1952માં ફિલ્મ ‘વંદે માતરમ્’ માટે હેમંતકુમારે ગીતને સ્વરબદ્ધ કર્યું, જેને સ્વર દીધો લતા મંગેશકરે. પૃથ્વીરાજ કપૂર-ગીતા બાલી-પ્રદીપકુમારને ચમકાવતી આ ફિલ્મથી ‘વંદે માતરમ’નો નવો પ્રવાસ શરૂ થયો. હેમંતકુમારનું ‘વંદે માતરમ્’ દાયકાઓથી લોકહૃદયમાં સચવાયેલું છે. બાદમાં એનું મોડર્ન વર્ઝન પણ રજૂ થયું.

* 1947માં ‘વંદે માતરમ’ને ‘અમર આશા’ ફિલ્મમાં લેવામાં આવ્યું. જો કે એની ગ્રામોફોન રેકર્ડ બહાર પડી નહોતી અને ફિલ્મના રીલ ઉપલબ્ધ ન હોવાથી બંદિશ, સ્વરકાર, વગેરે કાળની ગર્તામાં ખોવાઈ ગયાં.

* 1951માં પન્નાલાલ ઘોષે ‘આંદોલન’ ફિલ્મ માટે બંગાળી લોકસંગીતની શૈલીમાં ‘વંદે માતરમ’ની ધૂન તૈયાર કરી, જેને મન્ના ડે, પારુલ ઘોષ, સુધા મલ્હોત્રા અને શૈલેશકુમારે કંઠ દીધા.

* 1964માં દિલીપકુમારને ચમકાવતી ‘લીડર’ ફિલ્મની શરૂઆતમાં, ટાઈટલ્સ આવે છે ત્યારે ‘વંદે માતરમ્’ કોરસમાં ગવાય છે. નૌશાદ સાહેબનું સંગીત હતું. અલબત્ત, આની પણ ગ્રામોફોન રેકર્ડ નથી.

* 1997માં ભારતે આઝાદીની સુવર્ણ જયંતી ઊજવી એ અવસરે એ. આર. રહેમાને “મા તુઝે સલામ” આલબમ બહાર પાડી ‘વંદે માતરમ’ના શબ્દોને એક નવો રંગ ચડાવ્યો. ગીતની વિડિયો પણ કમાલની છે, જેમાં તમામ વયજૂથના નાગરિકોને નાના-મોટા ત્રિરંગા સાથે બતાવવામાં આવ્યા છે. એક દશ્યમાં અમુક લોકો ધરતી પરથી વિશાળ રાષ્ટ્રધ્વજને ઊંચકી રહ્યા છે. આ ગીત-વિડિયોનાં પ્રસારણ અત્યંત લોકપ્રિય થયાં. 14 ઑગસ્ટ, 1997ની પૂર્વસંધ્યાએ રેહમાને એમના વાદ્ય- ગાયકવૃંદ સાથે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર “વંદે માતરમ્… મા તુઝે સલામ” લાઈવ રજૂ કર્યું. રાત્રિના અંધકારને ભેદતા સ્વરોમાં દેશના અડધા સદીનાં સપનાં સાકાર થતાં હતાં.

એ જ સમયે, સંસદના વિશેષ સત્રમાં પંડિત ભીમસેન જોશીએ શાસ્ત્રીય સંગીત શૈલીમાં તબલાં અને હાર્મોનિયમની સંગતે વંદે માતરમ્ રજૂ કર્યું.

* લગભગ આ જ અરસામાં ઉષા ઉથ્થુપે શ્યામ બેનેગલની ‘મેકિંગ ઓફ ધ મહાત્મા’માં ‘વંદે માતરમ’ને કંઠ આપ્યો. વનરાજ ભાટિયા સ્વરાંકિત આ વંદે માતરમ્ પૉપ મ્યુઝિક જેવી શૈલીની ધૂન પર તૈયાર થયું છે.

* 1999માં ‘વંદે માતરમ’–2 બહાર પડ્યું, જેમાં સંગીતકાર રણજિત બારોટે દેશભક્તિના આ ગીતને નવા સૂર અર્પ્યા, ગીતકાર મહબૂબે નવું ગીત લખ્યું. આ આલ્બમમાં શુભા મુદગલે પૉપ ધૂનમાં ‘વંદે માતરમ’ લલકાર્યું.

* ઓડિસી નૃત્યગુરુ કેલુચરણ મહાપાત્રાએ એલિફાન્ટા (કેવ્સ) ફેસ્ટિવલમાં વંદે માતરમનો બેલે રચ્યો, જે માટે ઉસ્તાદ રશીદ ખાને ધૂન રચી કંઠ પણ આપ્યો.

આમ, રાગ-તાલ-કેમેરાની ફ્રેમમાં, અને જુદા જુદા સ્વરોમાં આ ગીત સતત બદલાયું, પણ આત્મા એ જ રહ્યો: માતૃભૂમિને સદાકાળ વંદન.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

Chitralekha Gujarati – 01 December, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 21/11/2025

અહીં અને આ તારીખે ક્રિકેટર સ્મૃતિ મંધાના કરશે લગ્ન

સ્મૃતિ મંધાના જેમની સાથે લગ્ન કરવાની છે એ પલાશ મુછલ સંગીત સાથે પણ સંકળાયેલા છે. તેમણે ઘણી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. જ્યારે પલકે હૃદય રોગથી પીડાતા બાળકો માટે શો કરતી હતી ત્યારે પલાશ પણ તેમને સહકાર આપતો હતો. બાદમાં, તેઓ ફિલ્મ દિગ્દર્શનમાં પણ જોડાયા. પલાશે પોતાનું શાળાકીય શિક્ષણ ઇન્દોરમાં કર્યુ છે.

મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ મહારાષ્ટ્રના સાંગલી ગામમાં લગ્નગ્રંથિથી જોડાશે. આ યુગલ 23 નવેમ્બરે લગ્ન કરશે. આ હાઇ-પ્રોફાઇલ લગ્ન માટેના આમંત્રણ કાર્ડ મુછલ પરિવારના સંબંધીઓ અને ઇન્દોરમાં મહેમાનોને વહેંચવામાં આવ્યા છે. લગ્ન અને ત્યારબાદની પાર્ટી સાંગલીમાં થશે.

મુછલ પરિવારે લગ્ન પછી ઇન્દોરમાં રિસેપ્શનનું આયોજન કરવાની હજુ સુધી કોઈ યોજના બનાવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પલાશ અને સ્મૃતિ મુંબઈમાં લગ્ન પછીની પાર્ટીનું આયોજન કરી શકે છે, જેમાં ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ અને ક્રિકેટરો હાજરી આપી શકે છે. પલાશ પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા પલક મુછલના ભાઈ છે અને તે એક ફિલ્મ દિગ્દર્શક પણ છે.

તાજેતરમાં, જ્યારે સ્મૃતિ મહિલા વર્લ્ડ કપ રમવા માટે ઇન્દોરની મુલાકાતે આવી હતી, ત્યારે પલાશ પણ ત્યાં હતા. ત્યારે તેણે કહ્યું હતું કે ઇન્દોર તેના હૃદયમાં રહે છે અને સ્મૃતિ ટૂંક સમયમાં ઇન્દોરની વહુ બનશે. પલાશ હાલમાં ચંદન રાય અભિનીત ફિલ્મ રાજુ બેન્ડ વાલા બનાવી રહ્યા છે, જે અગાઉ પંચાયતમાં કામ કરી ચૂક્યા છે.

પલાશ સંગીત સાથે પણ સંકળાયેલો છે. તેણે ઘણી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. જ્યારે પલક મુછલે હૃદયરોગથી પીડાતા બાળકો માટે શો કર્યા હતા, ત્યારે પલાશે પણ તેમાં ભાગ લીધો હતો. બાદમાં, તે ફિલ્મ દિગ્દર્શનમાં પણ જોડાયો હતો. પલાશે તેનું સ્કૂલિંગ ઇન્દોરમાંથી કર્યુ છે. સ્મૃતિએ ત્રણ વર્ષ પહેલાં પલકના લગ્નમાં પણ હાજરી આપી હતી. તે પછી જ પલાશ અને સ્મૃતિનો સંબંધ ચર્ચામાં આવ્યો હતો.