મુંબઈ: સોમવારે બોલિવુડના સુપરસ્ટારમાં જેમની ગણતરી થાય છે તેવાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું. બપોરે 89 વર્ષીય ધર્મેન્દ્રના ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી હતી. આ દરમિયાન ઘર તથા પવન હંસ સ્મશાન ઘાટની સુરક્ષા સઘન કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની સાથે આખો દેઓલ પરિવાર જોવા મળ્યો હતો. ઉપરાંત સલમાન ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને આમિર ખાન સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ એક્ટર ધર્મેન્દ્રના મૃત્યુને એક યુગના અંતની નિશાની ગણાવી હતી.અંતિમ સંસ્કાર પછી હેમા માલિની-ઈશા દેઓલે દુઃખી ચહેરે ચાહકો સમક્ષ હાથ જોડયા હતા.
બપોરે 1 વાગ્યાની આસપાસ ધર્મેન્દ્રના ઘરની બહાર એક એમ્બ્યુલન્સ આવી
વિલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં સુરક્ષા વધારી દેવામાં આવી
અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત ઘણી હસ્તીઓ સ્મશાનગૃહમાં પહોંચી
ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. 10 નવેમ્બરના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
12 નવેમ્બરના રોજ, ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, અને ડોક્ટરોએ તેમને ઘરે જ સારવાર ચાલુ રાખવાની સલાહ આપી હતી.
બોલિવૂડમાં વીરુ, હીમેન, ધરમ પાજી તરીકે જાણીતા ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થયા. સલમાન, શાહરુખ, અમિતાભ સહિતની અનેક બોલિવૂડ હસ્તીઓની હાજરીમાં તેમને મુખાગ્નિ અપાયા હતા.
ગાંધીનગર: શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’……‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ’….આ ધ્યેય મંત્રને આ ગામની પ્રાથમિક શાળાએ આચાર્ય હિતેશ પટેલ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને ગામજનોના સહયોગથી સાર્થક કરીને રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રેકોર્ડ-સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.પાલજ ગામની આ ‘સરકારી પ્રાથમિક શાળા’એ વૈશ્વિક કક્ષાએ ૯૦૦થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલ ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, ગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫’માં પ્રથમ ક્રમ તેમજ ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫’ પ્રાપ્ત કરીને રાજ્યની અનોખી અને પ્રેરણાદાયક સરકારી પ્રાથમિક શાળામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
શાળાની સિદ્ધિઓ
કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020′ નિપુણ ભારત’ અંતર્ગત આયોજિત IIT ગાંધીનગર ‘ક્યુરિયોસીટી કાર્નિવલ -૨૦૨૫’માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સ્પર્ધામાં પાલજ પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
ગાંધીનગર સ્થિત આઈ.આઈ.ટી. ખાતે ગત જાન્યુઆરી માસમાં ‘ક્યુરિયોસિટી કાર્નિવલ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન સિક્કા કલેકશન, સાયન્સ એક્ટિવિટી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મોડેલ પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક પ્રયોગો જેવી વિવિધ સ્પર્ધાઓના નિદર્શનમાં અલગ-અલગ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પાલજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિક્કા અને ઐતિહાસિક નોટ-ચલણના કલેકશનમાં વિદેશી તેમજ ભારતીય ચલણના ૯૦૦ જેટલા સિક્કા અને નોટો પ્રદર્શિત કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય,પીએમ વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને આઇ.આઇ.ટી.ના વિદ્યાર્થી સહભાગી થયા હતા. જેમાં પાલજની સરકારી પ્રાથમિક શાળાએ ‘કલેક્શન કેટેગરી’માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેની વૈશ્વિક કક્ષાએ ‘વર્લ્ડવાઈડ બુક ઓફ રેકર્ડ’માં નોંધણી કરવામાં આવતા આ શાળાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
‘પ્લાસ્ટિક મુક્ત ગામ’થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર સરકારી પ્રાથમિક શાળા- પાલજ
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર-કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથે-સાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની પાલજ સરકારી પ્રાથમિક શાળાને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી.
પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે પર્યાવરણની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મંગાવવામાં આવતો હતો, જે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા જેના બદલામાં, વિદ્યાર્થીઓને લેખન પેડ, કચરા પેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૨૪૫ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે રેલી, ચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ ૨૦૨૩–૨૪” પણ પ્રાપ્ત થયો છે.
આ કલાઈમેટ ચેન્જ એવોર્ડ બદલ પાલજ પ્રાથમિક શાળાને રૂ. ૧ લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ ઈનામી રકમમાંથી શાળાના તમામ ૩૭૦ વિદ્યાર્થીઓને સ્ટીલના નાસ્તાના ડબ્બાનું વિતરણ કરીને ‘તેરા તુજકો અર્પણ’ની પંક્તિને સાચા અર્થમાં આ શાળાએ સાર્થક કરી છે.આ ઉપરાંત શાળા દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ગણિત ઓલમ્પિયાડ પરીક્ષા’ અને શાળામાં પડતી સમસ્યાને આધારે તેના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ગાંધીનગરમાં એક્શન રિસર્ચ અને સંશોધન પેપર પણ રજૂ કરવામાં આવે છે.
વિખ્યાત બાયોટેકનોલોજીસ્ટ, સાયન્ટીફીક એડવાઈઝર અને, ચારુસેટ યુનિવર્સિટી રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડો. દત્તા મદમવારને વર્ષ 2025 માટે ફાઉન્ડર્સ રિસર્ચ એક્સેલન્સ એવોર્ડ (અંડર સિનિયર રિસર્ચર્સ/મેન્ટર્સ) માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ડો. દત્તા મદમવારને “સિન્થેટિક બાયોલોજી એન્ડ ફ્યુચર ફૂડ નેટવર્કિંગ ફોરમ એન્ડ સબ્જેક્ટ કોન્ફરન્સ 2025” દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો, જે થાઇલેન્ડના બેંગકોકમાં વિન્ડહામ મેનમ રિવરસાઇડ દ્વારા યોજાયો હતો.
ડો. દત્તા મદમવારને “સ્ટ્રક્ચરલ કેરેક્ટરાઇઝેશન એન્ડ થેરાપ્યુટિક એપ્લીકેશન્સ ઓફ ફાયકોબિલિપ્રોટીન ફ્રોમ સાયનોબેક્ટેરિયા” વિશે કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ભાષણ આપવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સિન્થેટિક બાયોલોજી, ફ્યુચર ફૂડ, કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન (CCU), નેક્સ્ટ એનર્જી અને ક્લાઇમેટ ટેકનોલોજી સહિતના નવતર વિષયો વિશેની શોધ અને પ્રગતિ કોન્ફરન્સનું કેન્દ્રબિંદુ હતું.
આ ફોરમનો હેતુ ઉજ્જવળ ભવિષ્ય માટે સહયોગને પ્રોત્સાહન આપવા અને અસરકારક ઉકેલો સહ-નિર્માણ કરવા માટે વિશ્વભરના અગ્રણી વિજ્ઞાનીઓ, ઇનોવેટર્સ અને સ્ટેકહોલ્ડર્સને બોલાવવાનો હતો. ઇન્ટરનેશનલ બાયોપ્રોસેસિંગ એસોસિએશન અને ઇન્ટરનેશનલ ફોરમ ઓન ઇન્ડસ્ટ્રિયલ બાયોપ્રોસેસીસ (IBA-IFIBiop) સંયુક્તપણે દર બે વર્ષે વિવિધ પુરસ્કારો માટે નોમીનેશન આમંત્રિત કરે છે.
ઉલ્લેખનીય છે કે પ્રોફેસર દત્તા મદમવાર વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સિસમાં યુજીસી બીએસઆર ફેકલ્ટી ફેલો હતા, તેમણે બિટ્સ, પિલાનીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. તેઓ બાયોસાયન્સિસ વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર અને વડા અને સાયન્સ ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન છે. તેઓ TIFR, મુંબઈ અને ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીમાં પોસ્ટડોક્ટરલ ફેલો તરીકે બહોળો સંશોધન અનુભવ ધરાવે છે.
તેમનું મુખ્ય રિસર્ચ ફોકસ માઇક્રોબાયલ બાયોરેમીડિયેશન, એન્વાયર્નમેન્ટલ બાયોટેકનોલોજી, નોન-એકવીઅસ એન્ઝાઇમોલોજી અને સાયનોબેક્ટેરિયલ બાયોટેકનોલોજી છે. તેમનું મુખ્ય કાર્ય જોખમી ઔદ્યોગિક વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ માટે ઇકો-સસ્ટેઈનેબલ બાયોટેકનોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવાનું છે.
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે યોજાયેલા શાનદાર વોટર ફેસ્ટિવલે પ્રેક્ષકો વચ્ચે જબરજસ્ત આકર્ષણ જમાવ્યું હતું. અહીં રમણીય સાંજે યોજાયેલા આ મનોરંજક કાર્યક્રમે, સમગ્ર ઐતિહાસિક પરિસરને સંગીત અને સંસ્કૃતિના ભવ્ય મંચમાં પરિવર્તિત કરી દીધું હતું. આ શાનદાર ઇવેન્ટમાં સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમણે પ્રસિદ્ધ કલાકારોની સુંદર પ્રસ્તુતિ તેમજ સ્થાપત્ય વૈભવ, ઇતિહાસ અને સંગીતનો ભરપૂર આનંદ માણ્યો હતો.
અહીં 15મી સદીની વાવના અદભુત બેકગ્રાઉન્ડમાં યોજાયેલા વોટર ફેસ્ટિવલમાં ભારતના કેટલાક શ્રેષ્ઠ કલાકારોની શાનદાર રચનાઓ રજૂ કરવામાં આવી હતી. ઉસ્તાદ ફઝલ કુરેશીના તબલા, અંબી સુબ્રમણ્યમના વાયોલિન અને સ્ટીફન દેવાસીના કીબોર્ડ પર્ફોર્મન્સે લોકોનું મન મોહી લીધું હતું. મીર મુખ્તિયાર અલીના કબીર વાણીના મધુર ગીત અને ભાવનાત્મક પ્રદર્શને સમગ્ર વાતાવરણને જીવંત બનાવ્યું હતું. આની સાથે જ, ઘટમ પર ગિરધર ઉડુપા, ડ્રમ્સ પર અરુણ કુમાર, ઢોલક પર નવીન શર્મા, બાસ પર પૃથ્વી સેમ્યુઅલ અને સારંગી પર ઇલ્યાસ ખાને પણ પોતાની પ્રસ્તુતી સાથે 3000 થી વધારે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કેરળની કથકલી સ્કૂલ દ્વારા પ્રસ્તુત એક ખાસ પ્રદર્શનમાં, શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓની સાથે-સાથે સ્ટોરીટેલીંગ(વાર્તા કથન) ને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ મનોરંજક સાંજનું સંચાલન જાણીતી અભિનેત્રી સુચિત્રા પિલ્લઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
હંમેશાની જેમ જ, ફેસ્ટીવલની આકર્ષક લાઇટિંગ ડિઝાઇને અડાલજ ની વાવને શાનદાર જીવંત બનાવી હતી. સુંદર રોશનીએ સ્થાપત્યની તેજસ્વીતાને ઉજાગર કરી હતી, જેનાથી પ્રેક્ષકોને વાવને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં જોવાનો અવસર મળ્યો હતો.
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા સમગ્ર ભારતમાં લોકો અને સાંસ્કૃતિક વારસા વચ્ચે વધુ જોડાણને સરળ બનાવવાનું પોતાનું મિશન સતત જારી રાખવામાં આવ્યું છે. હવે આ યાત્રા, 12મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ગોલકોંડા ફોર્ટ ફેસ્ટિવલની સાથે ગુજરાતની બહાર આગળ વધશે.
ભરતનાટ્યમ અને લોકનૃત્યકાર બિરવા કુરેશી દ્વારા સ્થાપિત, ક્રાફ્ટ ઓફ આર્ટ પહલ હેઠળ, વિતેલા દોઢ દશક દરમિયાન ખાસ કરીને યુવા પેઢીઓને, ભારતના ઐતિહાસિક સ્મારકો સાથે જોડવામાં આવ્યા છે. આ પહેલ અંતર્ગત, વિવિધ મનોરંજક ઈવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જે ભારતના ઐતિહાસિક સ્મારકો અને સ્થાપત્યોની સુંદરતાને ઉજાગર કરે છે.
ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની સાતમી આવૃત્તિમાં રવિવારે 40,000થી વધુ કલા પ્રેમીઓએ ત્રણ સ્થળો – ગુજરાત યુનિવર્સિટી, અટીરા અને શ્રેયસની મુલાકાત લીધી.
સાતમી આવૃત્તિના પ્રથમ 10 દિવસમાં જ કુલ મુલાકાતીઓની સંખ્યા 2 લાખના આંકડાને વટાવી ગઈ છે, જે અભિવ્યતિના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. સ્ટેજથી લઈને કવિતા મંડળીયો સુધીની આ પ્રસ્તુતિઓએ અભિવ્યક્તિના સ્થળને અલગ અલગ સંસ્કૃતિઓ અને લોકજીવનની ઉર્જાથી સભર બનાવ્યુ છે. આ તમામે મળીને આપણને યાદ અપાવ્યું છે કે, કલા એ માત્ર સમાજનો અરીસો જ નહીં, પોતાની અંતર આત્માને શોધવાનો માર્ગ પણ બની શકે છે.
રવિવારે કલા રસિકો માટે હૃદયને સ્પર્શી જતી સાહિત્યિક કૃતિઓ, ભાવનાત્મક સંગીતમય પ્રસ્તુતિ, નૃત્યના સ્ટેપનું અદ્ભુત પ્રદર્શન અને આત્મીય નાટ્ય પ્રસ્તુતિઓનો સમૂહ રજૂ કરવામાં આવ્યો હતો. વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન સાથે ક્યુરેટોરિયલ વોક મુલાકાતીઓ માટે, કલાકારોની અલગ, સર્જનાત્મક અને કલ્પનાશીલ દુનિયા સાથે વ્યક્તિગત અનુભવ બની રહ્યો હતો. એક અનોખા સ્થળ એવા શ્રેયસના વડલાની નીચે બાળ નાટ્ય પ્રસ્તુતિએ દર્શકોના મન મોહી લીધા અને તેમની કલ્પના શક્તિને નવી પાંખો આપી હતી.
પ્રખ્યાત વાર્તાકારો દ્રારા રસપાન
મયંક ઓઝાની પ્રસ્તુતી “બાલો ગીતો અને કથાઓ”: પ્રસ્તુતિ ગુજરાતી બાળગીતોનું એક શાનદાર પુનઃનિર્માણ હતી, જેમાં જાણીતા કલાકારો અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી સાથે એક મંચ ઉપર આવે છે અને કથામાં નાટ્ય રસ ઉમેરીને દર્શકોને પોતાની સાથે ગાવા, હસવા અને ઉખાણા (સંગીતમય કોયડાઓ)ના આનંદને ફરીથી શોધવા માટે આમંત્રિત કરે છે.
વૃંદા રાઠીની પ્રસ્તુતિ ” જોય અનલિમિટેડ”: “જોય અનબાઉન્ડ” અને “ટેલ ઓફ ટુ રામાયણ”ની ઉદાસ કોયલથી લઈને તરંગી “શિક શિક શિક શિક” સુધી, વૃંદા રાઠીની વાર્તાઓની ત્રિપુટીએ વિનમ્રતા, મજબુતી અને આશ્ચર્યની થીમના મણકા એક માળામાં પરોવી રજુ કર્યા.
રોશની વિજયની પ્રસ્તુતિ “વાર્તાઓનો કેલિડોસ્કોપ” : રોશની વિજયની પોતાની વાર્તા કહેનાર કેલિડોસ્કોપમાં વાતો કરતા ફળો, ચોકલેટી શહેરો અને સમજદાર પક્ષીઓને એકસાથે જોડે છે. ગિજુભાઈ બધેકાની ક્લાસિક અને મોર્ડન વાર્તાઓમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલ આ પ્રસ્તુતિ રંગ, હિંમત અને હાસ્યનો એક જોરદાર સંગમ હતી, જેણે બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના લોકોને આનંદિત કરી દીધા.
માધુરી કામતની પ્રસ્તુતિ “ફ્લાઈંગ વિથ ગ્રાન્ડપા”: માધુરી કામત એ “ફ્લાઈંગ વિથ ગ્રાન્ડપા” અને તેની સિક્વલ “બ્રિંગિંગ બેક ગ્રાન્ડપા”ને પ્રસ્તુતિ કરીને દર્શકોને નિલિંગોનો પરિચય કરાવ્યો, નિલિંગોએ પ્રેમ અને બળવાની તૈયાર કરવામાં આવેલ એક રસપ્રદ ભાષા છે. ઝેર્ક્સિસ અને તેના દાદા વચ્ચેના સબંધ અને શાળાના સમયની ગુંડાગીરીના પડકારોના માધ્યમથી આ પ્રસ્તુતિને શાંતિ અને જોશ બન્નેથી ભરી દીધી. જે પરિવારોને પોતાની જાતના આનંદથી ભરેલ સબંધોને શોધવા પ્રેરીત કરે છે.
રવિવારને સાર્થક બનાવવા અને લાઇવ શિક્ષણ તેમજ મનોરંજન સુનિશ્ચિત કરવા માટે બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસ્તુતિઓના પ્રીમિયર યોજાયા
એક બોલ્ડ અને ગાઢ પર્સનલ ડેબ્યુમાં, દિલ્લીના આગાઝ થિયેટર કોમ્યુનિટીના સભ્યો નગીના, નગ્મા અને જાસ્મીને મળીને પોતાની પ્રસ્તુતિ “ગૂંજ કા ઘર” સાથે ડાયરેક્ટર તરીકે પોતાની સફરનો પ્રારંભ કર્યો. આ પ્રસ્તુતિ દર્શકોમાં બેચેની પ્રગટાવે છે, જેથી કરીને સહાનુભૂતિ જાગૃત કરી શકે અને આપણી પોતાની નિર્દયતા અને વિકાસ પર વિચારવા મજબુર કરી શકે.
સંગીતકારો શૌનોક બેનર્જી, પ્રાંશુ ચતુરલાલ, રોહન પ્રસન્ના, ઝાકી અહમદ અને સૌમ્યા કન્નન એ પોતાની પ્રસ્તુતિ “બ્રહ્માંડ – અ જર્ની ઓફ સાઉન્ડ એન્ડ સ્પેસ” રજૂ કરી, – આ પ્રસ્તુતિ વિવિધ શાસ્ત્રીય સ્વરૂપો અને વાદ્યોને સંપૂર્ણ તાલમેલ સાથે એક મંચ ઉપર લાવે છે. રચનાને ઇમ્પ્રુવાઇઝેશન સાથે ભેળવીને એક વિશાળ, વિકસિત સંગીત વાર્તાલાપ બનાવે છે. આ પ્રસ્તુતિ સંગીતમાં સમાનતાની ઉજવણી કરે છે, દરેક વાદ્ય, ખાસ કરીને ઘાટમને તેનું યોગ્ય સ્થાન આપે છે.
બાડમેરના ફિરોઝ ખાને પોતાની પ્રસ્તુતિ “ધ કરતાલ પ્રોજેક્ટ” થકી મંચ ઉપર યુવાનો જેવી ઉર્જાનો સંચય કર્યો. આ પ્રસ્તુતિ રાજસ્થાનની જીવંત લોક પરંપરાઓ અને એક પ્રતિષ્ટિત વાદ્યની લયબદ્ધ ઉજવણી હતી. પોતાના પ્રથમ ઓરિજનલ કંપોઝિશનમાં ફિરોઝે ચાર ડ્રમર્સની એનર્જી, જટિલ જુગલબંધી, 12, 14 અને 16 બીટ સાયકલમાં સેટ લોકગીતોના સંયોજનનુ પ્રસ્તુત કર્યું.
શરણ્ય ડેયની “માય ઇમેજિનરી હોમલેન્ડ” પ્રસ્તુતિ એ વિસ્થાપન અને “ઘર”ના માયાવી વિચાર પર એક દિલને સ્પર્શી જાય તેવા મિડિટેશનને રજુ કર્યું. વિભાજનમાં શરણાર્થી બનેલ પોતાના વંશથી પ્રેરિત અને સરહદો પાર વિસ્થાપિત લોકો સાથેના અનુભવોથી આકાર પામેલા આ પ્રસ્તુતિમાં શરણ્ય ડેય સમય અને જમીની સરહદોથી પર ત્રણ શરણાર્થીઓની યાત્રાને દર્શાવે છે.
વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન
અટીરા ખાતે ધ્રુવિલ બાવડિયાનું ઇન્સ્ટોલેશન “હાર્મોનિયસ કોન્ફ્લિક્ટ”: અમદાવાદના ધ્રુવિલ બાવડિયા સિરામિક પર અંડરગ્લેઝ પેઇન્ટિંગથી તૈયાર કરેલ ઇન્સ્ટોલેશન “હાર્મોનિયસ કોન્ફ્લિક્ટ” પ્રસ્તુત કર્યુ છે. આ ઇન્સ્ટોલેશન મારફરે ધ્રુવિલ પ્રકાશ અને અંધકાર, શાંત અને અરાજકતા, શહેરી અને ગ્રામીણ જીવન જેવા પરસ્પર વિરોધી બાબતોના સહઅસ્તિત્વને પ્રતિબિંબિત કરે છે. ઇન્સ્ટોલેશન આ વિરોધાભાસોને વિઝ્યુઅલ હાર્મોનિયસમાં પરિવર્તિત કરે છે, જ્યાં સ્થિરતા અને તણાવ સંતુલીર રીતે એકસાથે અસ્તિત્વ ધરાવે છે.
શ્રેયસ ખાતે નોનસેન્સ સ્ટુડિયોઝ કલેક્ટિવનું ઇન્સ્ટોલેશન “સાયલન્ટ થ્રેશોલ્ડ્સ: હિડન ઇકોસિસ્ટમ”: નોનસેન્સ સ્ટુડિયોઝ કલેક્ટિવ એ હિમાંશુ, યશ્વી, ઉદ્ધવ અને મનદીપ વચ્ચેનું એવુ મલ્ટીડિસિપ્લિનરી કોલેબોરેશન છે, જેમાં પ્રત્યેક કલાકાર આ પ્રોજેક્ટમાં એક અલગ સર્જનાત્મક શક્તિનું યોગદાન આપે છે. “સાયલન્ટ થ્રેશોલ્ડ્સ: હિડન ઇકોસિસ્ટમ” એ ઇમર્સિવ ઇન્સ્ટોલેશન છે, જે પ્રોજેક્શન મેપિંગ, મોશન સેન્સર્સ, AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ અને મિક્સ-મીડિયા સ્કલ્પચરનું સંયોજન કરવામાં આવ્યુ છે. આ ઇન્સ્ટોલેશન ગુજરાતી શહેરી જીવનના ત્રણ પરંપરાગત અંગો ચબુતરા, ઓટલા અને હિંચકાની ડિસ્કનેક્શનના પ્રતીકાત્મક સ્મારકો તરીકે ફરીથી કલ્પના કરે છે.
ગૌહાટીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજા ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસનો ખેલ પૂરો થતાં દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગ્સમાં કોઈ વિકેટ ન ગુમાવી 26 રન બનાવી લીધા હતા. ક્રીઝ પર રિયાન રિકલ્ટન (13) અને એડન માર્કરમ (12) દાવમાં છે.
આ પહેલાં ભારતે પોતાની પહેલી ઈનિંગ્સમાં 201 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા કરતાં 288 રનથી પાછળ છે. ભારત ફોલોઓન બચાવી શક્યું નહીં. ફોલોઓનથી બચવા માટે ભારતને 290 રન બનાવવાની જરૂર હતી. મેચની વર્તમાન સ્થિતિને જોતાં ભારતની જીતની શક્યતાઓ અત્યંત ઓછી લાગી રહી છે. ભારત પહેલી ટેસ્ટ હારી ચૂક્યું છે અને જો બીજી ટેસ્ટ પણ હારે તો ટીમને 0–2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડશે.ગૌહાટી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પર હારનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ આફ્રિકાના 489 રનના જવાબમાં ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગ્સમાં માત્ર 201 રન જ બનાવી શકી. જોકે દક્ષિણ આફ્રિકાએ ભારતને ફોલોઓન આપ્યું નથી. મહેમાન ટીમને પહેલી ઈનિંગ્સમાં 288 રનની વિશાળ લીડ મળી છે.
ભારત માટે યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 48 રનનું યોગદાન આપ્યું. બાકી તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે ઝડપી બોલર માર્કો જેન્સને સૌથી વધુ છ વિકેટ લીધી. સ્પિનર સાયમન હાર્મરને 3 અને કેશવ મહારાજને 1 વિકેટ મળી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર સુધી યોજાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025એ આ વખતે લોકપ્રિયતાનો નવો ઇતિહાસ રચ્યો છે. ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાન સાથે જોડાયેલ આ 11-દિવસીય મહોત્સવમાં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ હાજરી આપી, જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું 13 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વંદે માતરમના સમૂહગાન અને સ્વદેશી પ્રચાર પ્રતિજ્ઞાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત અનેક પુસ્તકોનું લોન્ચિંગ પણ થયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલ આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. શહેરના દરેક વય જૂથ માટે ત્રણ વિશિષ્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળ સાહિત્ય, સર્જનાત્મક સત્રો, કાવ્ય-વાચન, લેખકો સાથેની ચર્ચાઓ, વર્કશોપ્સ અને ફિલ્મ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રેક્ષકોને આકર્ષિત કરતી રહી હતી.
આ બુક ફેસ્ટિવલમાં બાળકોના વર્કશોપ્સ, વાર્તાવાચન કાર્યક્રમો, કલા-હસ્તકલા, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલે વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
યુવાનો માટેના ‘જ્ઞાન ગંગા’ વર્કશોપ્સે પણ મહોત્સવની ધમાકેદાર સફળતામાં મોટો ફાળો આપ્યો હતો. કાવ્ય લેખન, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટિંગ અને બુક ડિઝાઇન સહિતના સર્જનાત્મક વર્કશોપ્સ અને વિવિધ બુક લોન્ચ સત્રોએ વિદ્યાર્થીઓ, લેખકો અને સર્જકોને એકસાથે લાવ્યા હતા.
આ ઉપરાંત વિદેશી વક્તાઓની હાજરીએ મહોત્સવને વૈશ્વિક સ્પર્શ આપ્યો હતો. ચિલે, સ્પેન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા વિચારકોએ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર વિશેષ સત્રો લીધા હતા. એટલું જ નહીં મેઇન સ્ટેજ પર દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યો હતો.
આ મહોત્સવનું આયોજન સુવ્યવસ્થિતતા અને સુવિધાઓને કારણે પણ ખૂબ વખાણાયુ હતું. સ્વચ્છ કેમ્પસ, વિશાળ ફૂડ કોર્ટ, સ્ટાર્ટઅપ ઝોન, વીઆર ગેમિંગનું અનોખું સ્ટેમ્પ પ્રદર્શન અને વાંચન માટે અનુકૂળ વાતાવરણના કારણે અનેક પરિવારોને અહીં લાંબા સમય સુધી સમય વિતાવવાનો આનંદ મળ્યો હતો. આમ, આયોજકોએ કરેલી મહેનતને સ્મરણિય સફળતા મળતાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ને ‘જ્ઞાનનો મહાકુંભ’ તરીકે ઓળખ મળી છે.
ગુરુગ્રામ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે હરિયાણાના કુરુક્ષેત્ર પ્રવાસે જવાના છે. એ પહેલાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના સુરક્ષાપ્રમુખે તમામ વિભાગધ્યક્ષોને મુસ્લિમ વિદ્યાર્થીઓની માહિતી મોકલવાનો નિર્દેશ આપ્યો છે. એ પછી વિવાદ વધ્યો છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પગલાંને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે આ બંધારણીય સુરક્ષાના ભંગ સમાન છે. આ પગલું એ સમયે લેવામાં આવ્યું છે જ્યારે થોડા અઠવાડિયા પહેલાં તપાસકર્તાઓએ કહ્યું હતું કે ડોક્ટરોનું એક જૂથ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલનો ભાગ હતો, જે 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પાછળ હતું. ચીફ સિક્યુરિટી ઓફિસર ડો. આનંદ કુમારે 21 નવેમ્બરે બહાર પાડેલા આ નિર્દેશમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના નામ, રોલ નંબર, વર્ગની વિગતો, હોસ્ટેલ અને રૂમ નંબર, સંપર્ક વિગતો અને કાયમી સરનામું માગવામાં આવ્યું છે.
કુમાર દ્વારા વિભાગ અધ્યક્ષોને મોકલવામાં આવેલી ઈમેઈલમાં લખવામાં આવ્યું છે કે એ જાણ કરવામાં આવે છે કે વડા પ્રધાન 25 નવેમ્બર, 2025એ કુરુક્ષેત્ર આવવાના છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે મુસ્લિમ વિદ્યાર્થીઓની સંબંધિત જરૂરી માહિતી માગવામાં આવી છે.
આ ઈમેઈલમાં “સિક્યોરિટી જાળવવા” અને “સુરક્ષા તથા સંકલનના ઈંતજામો સુચારુ રહે” એ માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. ઈમેઈલ મુજબ આ માહિતી માત્ર એક્સેલ ફોર્મેટમાં જ મોકલવાની છે.તેમણે કહ્યું હતું વડા પ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને પોલીસે મારી પાસેથી તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓનો ડેટા માગ્યો છે. હું માહિતી એકત્ર કરી રહ્યો છું જેથી પોલીસને આપી શકું. સબ-ઇન્સ્પેક્ટર વિનોદ કુમારે આ માંગનું સમર્થન કર્યું. તેમણે કહ્યું હતું કે PMના પ્રવાસને ધ્યાનમાં રાખીને અમે કોઈ જોખમ લઈ રહ્યા નથી. અમે બધા મુસ્લિમ વિદ્યાર્થીઓના બેકગ્રાઉન્ડની ચકાસણી કરાવીશું.
કુરુક્ષેત્ર યુનિવર્સિટીના એક શિક્ષકે નામ ન જાહેર કરવાની શરત પર પુષ્ટિ કરી હતી કે પહેલી વાર એવું ખુલ્લો ઈમેઈલ” આવ્યો છે, જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની માહિતી માગવામાં આવી છે. HFUCTO (હરિયાણા ફેડરેશન ઓફ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન)ના અધ્યક્ષ વિકાસ સિવાચે પણ તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે જો કોઈ પર શંકા છે તો તેની તપાસ કરો, પરંતુ માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓને નિશાન બનાવવું અત્યંત ભેદભાવપૂર્ણ છે અને તેને તરત જ અટકાવવો જોઈએ.
મુંબઈઃ ધર્મેન્દ્ર માત્ર સફળ અભિનેતા જ નહોતાં, પરંતુ એક ખૂબ જ સફળ બિઝનેસમેન પણ હતા. તેમણે રેસ્ટોરાંથી લઈને હોસ્પિટલ ક્ષેત્ર સુધીના વિવિધ બિઝનેસમાં રોકાણ કર્યું હતું. તેમણે ‘ગરમ ધરમ ઢાબા’ નામથી એક સફળ રેસ્ટોરાં ચેનની શરૂઆત કરી, જે આજે એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. તેમણે સાબિત કર્યું કે જેમ તેઓ પડદા પર હી-મેન હતા, તેમ જ બિઝનેસ જગતમાં પણ તેઓ મોટા ખેલાડી હતા.
આજે 89 વર્ષની વયે ધર્મેન્દ્ર આ દુનિયાને અલવિદા કહી ગયા છે. તેમણે પોતાની પાછળ અનેક કરોડોની મિલકત છોડીને ગયા છે. ચાલો જાણીએ, કે તેમની કુલ સંપત્તિ કેટલી હતી.
ધર્મેન્દ્રની કુલ સંપત્તિ
ધર્મેન્દ્રની કુલ સંપત્તિ રૂ. 450 કરોડ રૂપિયાની આસપાસ છે. 1960, 70 અને 80ના દાયકામાં લીડ એક્ટર તરીકે ફિલ્મો કરતા હતા. તેમની પહેલી ફિલ્મ ‘દિલ પણ તેરા, હમ પણ તેરે’ માટે તેમને માત્ર 51 રૂપિયા મળ્યા હતા. તેમની સંપત્તિનો મોટો ભાગ રિયલ એસ્ટેટમાં છે. મહારાષ્ટ્રના લોનાવાલામાં તેમનું 100 એકરનું ફાર્મહાઉસ છે, જે કરોડો રૂપિયાનું છે અને તેમની નેટવર્થનો મહત્વનો હિસ્સો છે.
તેમની સંપત્તિ અંદાજ મુજબ
ધર્મેન્દ્રની કુલ સંપત્તિ 335થી 450 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવે છે.
તેમની સૌથી મૂલ્યવાન એસેટ છે. 100 એકરનું લોનાવાલાનું ફાર્મહાઉસ.
તેમની પાસે 17 કરોડ રૂપિયાની મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી પણ છે.
તેમણે 88 લાખ રૂપિયા અને 52 લાખ રૂપિયાથી વધુ કૃષિ અને બિનકૃષિ જમીનમાં પણ રોકાણ કર્યું હતું.
ધર્મેન્દ્રએ તેમના લોનાવાલા ફાર્મહાઉસ નજીક 12 એકર જમીન પર 30 કોટેજવાળો રિસોર્ટ બનાવવા માટે રેસ્ટોરાં કંપની સાથે ભાગીદારી કરી હતી.
તેમણે ગરમ ધરમ ઢાબા અને પછી કર્નાલ હાઈવે પર “He-Man” રેસ્ટોરાં શરૂ કરી હતી, જેથી તેમની આવકમાં ભારે વધારો થયો હતો.
ધર્મેન્દ્રનું લક્ઝરી કાર કલેક્શન
ફાર્મહાઉસ સિવાય ધર્મેન્દ્ર શાનદાર કાર કલેક્શન માટે પણ ખૂબ જાણીતા હતા. તેમની લક્ઝરી કારોમાં સામેલ છે—
ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે અવસાન થયું. ચાલો જાણે એમની કારકિર્દી, સ્ટારડમના ઉદય, અંગત જીવન અને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
ધર્મેન્દ્રએ 60ના દાયકામાં પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ બોલીવુડના સૌથી સફળ અભિનેતાઓમાંના એક છે. પંજાબના એક ગામડામાંથી સપનાના શહેરમાં આવ્યા અને પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. છ દાયકા સુધી ફિલ્મોમાં અભિનય કરનારા ધર્મેન્દ્રએ પોતાની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સમય દરમિયાન, એમણે મોટા પડદા પર તમામ પ્રકારના પાત્રો ભજવ્યા હતા. ધર્મેન્દ્રનું ફિલ્મી અને અંગત બંને જીવનની હંમેશા ચર્ચા થતી રહી છે. તેમની ભાવિ પેઢીઓએ તેમના અભિનય વારસાને સાચવી રાખ્યો છે અને આગળ ધપાવી રહ્યા છે.
પ્રારંભિક જીવન
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના નસરાલી ગામ ખાતે થયો હતો. એમનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ હતું. પિતાનું નામ કેવલ કૃષ્ણ અને માતાનું નામ સતવંત કૌર હતું. ધર્મેન્દ્રએ પોતાનું શરૂઆતનું જીવન સાનેહવાલ ગામમાં સરકારી શાળામાં વિતાવ્યું. તેમના પિતા આ શાળાના મુખ્ય શિક્ષક હતા. પંજાબ યુનિવર્સિટીમાંથી એમણે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું. ફિલ્મફેર મેગેઝિને એક નવી પ્રતિભા સ્પર્ધાનું આયોજન કર્યું, અને ધર્મેન્દ્ર વિજેતા બન્યા. આ પછી, તેઓ અભિનય કરવાની ઇચ્છા સાથે મુંબઈ ગયા.
એમની સુંદરતા અને અભિનયએ દર્શકો પર છોડી છાપ
ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ ‘દિલ ભી મેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. ત્યારબાદ તેઓ ‘શોલા ઔર શબનમ’ માં દેખાયા, જેણે નોંધપાત્ર સફળતા મેળવી. ધર્મેન્દ્રએ પાછળથી ‘અનપધ,’ ‘બંદિની,’ આઇ મિલન કી બેલા,’ ‘હકીકત,’ ‘”ફૂલ ઔર પથ્થર,’ ‘મમતા,’ ‘અનુપમા,’ ‘ઇઝ્ઝત,’ ‘આંખે,’ ‘શિખર,’ ‘મંઝલી દીદી,’ ‘ચંદન કા પાલના’ ‘ મેરે હમદમ મેરે દોસ્ત’ ‘દો રાસ્તે,’ ‘સત્યકામ,’ અને ‘આદમી ઔર ઇન્સાન.’ જેવી હિટ અને ક્લાસિક્સલ ફિલ્મો આપી.
70ના દાયકામાં સ્ટારડમ, હેમા માલિની સાથે હિટ જોડી
ધર્મેન્દ્રએ પોતાની કારકિર્દીના પ્રથમ દસ વર્ષમાં બોલિવૂડમાં ટોચના અભિનેતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. 70ના દાયકામાં તેમણે સ્ટારડમ હાંસલ કર્યું. આ દાયકા દરમિયાન, એ હેમા માલિની સાથે મોટાભાગની ફિલ્મોમાં જોવા મળ્યા. તેમની જોડીને મોટા પડદા પર દર્શકોએ ખૂબ પસંદ કરી. તેઓએ આ દાયકા દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે સીતા ઔર ગીતા, તુમ હસીન મેં જવાન, શરાફત, નયા જમાના, રાજા જાની, જુગનુ, દોસ્ત, પત્થર કે ફૂલ, શોલે, ચરસ, મા, ચાચા ભતીજા, જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ દાયકા દરમિયાન, એમણે મેરા નામ જોકર અને મેરા ગાંવ મેરા દેશ જેવી ફિલ્મોમાં પણ સશક્ત ભૂમિકાઓ ભજવી હતી.
80 અને 90ના દાયકામાં પાત્ર ભૂમિકાઓ
ધર્મેન્દ્રએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો, જેના કારણે તેમને હિન્દી સિનેમાનું ‘હી-મેન’ ઉપનામ મળ્યું. જો કે, જ્યારે કોમેડીની વાત આવી ત્યારે તેમણે દર્શકોને હસાવ્યા. ચુપકે ચુપકે (1975) અને પ્રતિજ્ઞા (1975)થી યમલા પગલા દિવાના(2011) સુધી અસંખ્ય કોમેડી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. 80 અને 90ના દાયકામાં, ધર્મેન્દ્રએ પાત્ર ભૂમિકાઓમાં દેખાવાનું શરૂ કર્યું. આ દાયકા દરમિયાન પણ તેઓ મોટા પડદા પર સક્રિય રહ્યા, એમની ફિલ્મોની લાંબી યાદી હતી. જેમાં પ્યાર કિયા તો ડરના ક્યા, લાઇફ ઇન અ મેટ્રો, જોની ગદ્દાર, અને અપને જેવી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે. 88 વર્ષની ઉંમરે, તેઓ ૨૦૨૩માં ફિલ્મ રોકી રાની કી પ્રેમ કહાનીમાં દેખાયા, શબાના આઝમી સાથેના તેમના ચુંબન દ્રશ્યથી સનસનાટી મચાવી. ત્યારબાદ તેઓ ૨૦૨૪માં શાહિદ કપૂરની ફિલ્મ તેરી બાતેં મેં ઐસા ઉલ્ઝા જિયામાં દેખાયા,89 વર્ષની ઉંમરે. એમની ફિલ્મ ઇક્કીસ 2025માં રિલીઝ થવાની છે, જે સંભવત તેમની છેલ્લી ફિલ્મ હશે.
શોલે માં વીરુનું પ્રતિષ્ઠિત પાત્ર ભજવ્યું
ધર્મેન્દ્રએ તેમના કારકિર્દીમાં લગભગ ૩૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ શોલે તેમની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં વીરુનું તેમનું પાત્ર અમર બની ગયું છે. ધર્મેન્દ્રનું નામ આવતા જ આ પાત્ર સૌથી પહેલા યાદ આવે છે. આ ફિલ્મે તાજેતરમાં જ તેની સુવર્ણ જયંતિ ઉજવી હતી.
અંગત જીવન
ધર્મેન્દ્ર માત્ર તેમની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમના અંગત જીવન માટે પણ સમાચારમાં હતા. ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે નાની ઉંમરે થયા. પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રને બે પુત્રો અને બે પુત્રીઓ છે, સની દેઓલ અને બોબી દેઓલ. બોબી અને સનીએ તેમના પિતાના વારસાને આગળ ધપાવ્યો છે. બંને પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની પુત્રીઓ અજિતા અને વિજિતા છે. 1980માં, ધર્મેન્દ્રએ અભિનેત્રી હેમા માલિની સાથે બીજી વાર લગ્ન કર્યા. હેમા માલિની અને ધર્મેન્દ્રને બે પુત્રીઓ છે, ઇશા અને આહાના. ઇશાએ થોડા સમય માટે ફિલ્મોમાં કામ કર્યું, જ્યારે આહાના ક્યારેય અભિનયની દુનિયામાં પ્રવેશી ન હતી.
ધર્મેન્દ્ર કેટલીક રસપદ વાત..
–અભિનેતા બનતા પહેલા, ધર્મેન્દ્ર 125 રૂપિયા માસિક પગારે રેલ્વેમાં કારકુન તરીકે કામ કરતા હતા.
-ધર્મેન્દ્રની શરૂઆતની અભિનય કારકિર્દી સંઘર્ષથી ભરેલી હતી. તેમણે ઘણી રાતો રેલ્વે સ્ટેશન પર ચણા ખાતા વિતાવી. પૈસા બચાવવા અને ખાવા માટે તેઓ ભૂમિકાઓ મેળવવા માટે નિર્માતાઓની ઓફિસમાં માઇલો ચાલીને જતા.
-એક વાર, શશિ કપૂર ધર્મેન્દ્રને પોતાનાઘરે લઈ ગયા અને તેમને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું. તેમણે ઘણા ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
-ધર્મેન્દ્ર તેમની એક્શન ફિલ્મો માટે દર્શકોમાં પ્રખ્યાત હતા. તેઓ ફિલ્મોમાં પોતાના એક્શન દ્રશ્યો જાતે જ ભજવતા હતા. તેમણે ક્યારેય એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ કર્યો ન હતો. એક ફિલ્મમાં ધર્મેન્દ્ર ચિત્તા સાથે લડ્યા પણ હતા.
-જ્યારે ગોવિંદા ફિલ્મોમાં હિટ થયા, ત્યારે કેટલાક ગુંડાઓએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં ગોવિંદાએ ધર્મેન્દ્ર પાસે મદદ માંગી. ધર્મેન્દ્રએ પછી જાહેરાત કરી કે તેઓ ગોવિંદાને મદદ કરશે. આ પછી, કોઈએ ગોવિંદાને હેરાન નથી કર્યા.
-ધર્મેન્દ્ર અને દિલીપ કુમાર વચ્ચે પણ ખૂબ જ ખાસ સંબંધ હતો. ધર્મેન્દ્ર દિલીપ સાહેબને પોતાના મોટા ભાઈ માનતા હતા. જ્યારે પણ તેઓ દિલીપ કુમારને મળતા ત્યારે તેમના પગ પાસે બેસતા. સમય સમય પર તેઓ દિલીપ કુમારને તેમના ઘરે મળવા જતા.
-ધર્મેન્દ્રનું નામ એક સમયે મીના કુમારી સાથે પણ જોડાયું હતું. મીના કુમારીને કવિતાનો શોખ હતો. એવું કહેવાય છે કે મીના કુમારીની સાથે રહીને ધર્મેન્દ્રને કવિતાનો શોખ પણ થયો હતો.
ધર્મેન્દ્રના પુરસ્કારો અને સિદ્ધિઓ
-2012માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
-1990માં ધર્મેન્દ્રની ફિલ્મ ઘાયલને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના પુત્ર સની દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
-1997માં ધર્મેન્દ્રને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. 1991માં, તેમની ફિલ્મ ઘાયલ ને શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.