Home Blog Page 432

SIR મુદ્દે CM મમતા બેનર્જીએ ભાજપને આપી આકરી ચેતવણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ ચૂંટણી પંચ અને SIR પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે SIR પછી જ્યારે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થશે, ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા ઊભી કરાયેલી આપત્તિનો અનુભવ થશે. તેમણે તાજેતરમાં થયેલા બિહાર ચૂંટણીનાં પરિણામોને લઈને પણ અનેક આક્ષેપ કર્યા હતા.

ભારતમાં ભાજપનો પાયો હલાવી દઈશ: CM મમતા

CM મમતા બેનર્જીએ પડકાર આપતાં કહ્યું હતું કે જો ભાજપ બંગાળમાં મને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો હું આખા ભારતમાં તેનો પાયો હલાવી નાખીશ. તેમણે કહ્યું હતું કે બિહાર ચૂંટણીનું પરિણામ SIRનું પરિણામ છે, વિરોધ પક્ષ ત્યાં ભાજપની ચાલ સમજી ન શક્યો. જો SIR બે-ત્રણ વર્ષોમાં કરવામાં આવે તો અમે આ પ્રક્રિયાને સંપૂર્ણ સંસાધનો સાથે સમર્થન આપીશું.

ચૂંટણી પંચ નિષ્પક્ષ સંસ્થા નથી: મમતા

મમતાએ સવાલ કર્યો હતો કે શું ભાજપ શાસિત રાજ્યોમાં SIRનું આયોજન કરવું એ બતાવે છે કે કેન્દ્ર માને છે કે ત્યાં ઘૂસણખોરો છે? SIR વિરોધ રેલીમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ સંસ્થા રહી નથી, એ ભાજપ કમિશન બની ગયું છે. ભાજપ રાજકીય રીતે મારો સામનો કરી શકતી નથી અને ન તો મને હરાવી શકે છે.

UP–MPમાં SIR શા માટે નથી: CM

તેમણે સવાલ કર્યો હતો કે જો SIRનો હેતુ બાંગ્લાદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવો છે તો ચૂંટણી પંચ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આ પ્રક્રિયા શા માટે નથી કરતો?

હું બાંગ્લાદેશને એક દેશ તરીકે પ્રેમ કરું છું કેમ કે અમારી ભાષા એક જ છે. હું બીરભૂમમાં જન્મી, નહીતર મને પણ બાંગ્લાદેશી કહેવામાં આવી હોત, એમ તેમણે કહ્યું હતું.

ઘૂસણખોરીને લઈને મમતાનો કેન્દ્રને સવાલ

‘જો રોહિંગ્યા ઘૂસે છે તો તેઓ ક્યાંથી ઘૂસે છે? બોર્ડરનું સંચાલન કોણ કરે છે? બોર્ડરનું સંચાલન કેન્દ્ર કરે છે. CISF એરપોર્ટની દેખભાળ કરે છે. કસ્ટમ વિભાગ પણ કેન્દ્ર ચલાવે છે. નેપાલ બોર્ડર કોણ સંભાળે છે? અમે આ (ઘૂસણખોરી) કેવી રીતે કરાવી દીધી? બંગાળ કબજે કરવાની કોશિશમાં ભાજપ આગામી ચૂંટણીમાં ગુજરાતમાં હારી જશે, એમ તેમણે કહ્યું હતું.

અભિનેત્રી સેલિના પહોંચી મુંબઈ કોર્ટ, પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણીએ પોતાના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટમાં તેના પતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે. તેણીએ આરોપ લગાવ્યો છે કે તે તેના પતિ દ્વારા ભાવનાત્મક, શારીરિક, જાતીય અને મૌખિક દુર્વ્યવહારનો ભોગ બની છે.

સેલિના જેટલીએ તેના પતિ પર આરોપ લગાવ્યો

સેલિના જેટલીની અરજી મંગળવારે કોર્ટમાં સુનાવણી માટે આવી હતી. કોર્ટે પીટર હાગને નોટિસ જારી કરીને 12 ડિસેમ્બરની સુનાવણી નક્કી કરી હતી. જેટલીએ એક કાયદાકીય પેઢી દ્વારા અરજી દાખલ કરી હતી. તેણીની અરજીમાં, તેણીએ પીટર હાગ પર ઘરેલુ હિંસા અને ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો.

હિંસાને કારણે ઘર છોડવાની ફરજ પડી

47 વર્ષીય અભિનેત્રીનો દાવો છે કે તેના પતિએ તેનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું, જેના કારણે તેને ઑસ્ટ્રિયામાં રહેલું પોતાનું ઘર છોડીને ભારત પરત ફરવાની ફરજ પડી હતી. પોતાની અરજીમાં, ભૂતપૂર્વ મિસ ઇન્ડિયાએ આરોપ લગાવ્યો છે કે લગ્ન પછી, તેના પતિએ તેને કામ કરતા અટકાવી હતી. આ દંપતીએ સપ્ટેમ્બર 2010 માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે.

પતિએ છૂટાછેડા માટે અરજી કરી છે

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “પીટર હાગ એક સંયમિત વ્યક્તિ છે. તેને ગુસ્સો આવે છે અને દારૂ પીવાની આદત છે. આના કારણે સેલિના જેટલી તણાવમાં છે.” અરજીમાં વધુમાં જણાવાયું છે કે હાગે આ વર્ષે ઓગસ્ટમાં ઑસ્ટ્રિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

સેલિના જેટલી આ માંગણીઓ કરે છે

સેલિના જેટલીએ માંગ કરી છે કે તેના પતિ તેને ₹50 કરોડ વળતર અને ₹10 લાખ માસિક ભરણપોષણ આપે. તેણીએ તેના ત્રણ બાળકોને મળવાની પરવાનગી પણ માંગી છે, જે હાલમાં ઑસ્ટ્રિયામાં તેમના પિતા સાથે રહે છે.

સેલિના જેટલીની પોસ્ટ

આ દરમિયાન, સેલિના જેટલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે તેના પરિવાર અને પતિ વિશે ઘણી બધી વાતો લખી છે. તેણે લખ્યું છે કે તેના કોઈ માતા-પિતા નથી અને તે સંપૂર્ણપણે એકલી છે. અને જે વ્યક્તિ તેને સૌથી વધુ પ્રેમ કરતી હતી તે પણ તેની સાથે નથી.

એક કરોડ યુવાઓને નોકરી આપવાનો નીતીશ કેબિનેટની બેઠકમાં નિર્ણય

પટનાઃ બિહારમાં નવી સરકારની રચના પછી મંગળવારે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં આવતાં પાંચ વર્ષમાં યુવાઓને એક કરોડ નોકરીઓ આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં CM નીતીશકુમારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે જણાવ્યું હતું કે રોજગારી સર્જન અને ઔદ્યોગિક વિકાસ સરકારની પ્રાથમિકતા છે.

તેમણે કહ્યું હતું કે બિહારને પૂર્વ ભારતનું ‘ટેક હબ’ બનાવવા માટે ડિફેન્સ કોરિડોર, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પાર્ક, ગ્લોબલ કેપેસિટી સેન્ટર, મેગા ટેક સિટી અને ફિટનેસ સિટી સ્થાપવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે આ પ્રકલ્પો દ્વારા માત્ર મોટા પાયે રોજગાર જ નહીં, પણ રાજ્યમાં મૂડીરોકાણ અને ઔદ્યોગિક વાતાવરણ પણ મજબૂત બનશે.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં રોજગારની તકો વધારવા અને ઉદ્યોગોના વિસ્તરણને નવી દિશા આપવા માટે ઝડપથી પહેલ થઈ રહી છે. સરકારનો દાવો છે કે વર્ષ 2020થી 2025 વચ્ચે 50 લાખ યુવાઓને સરકારી નોકરી અને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જ્યારે આગામી પાંચ વર્ષ (2025–30) દરમિયાન એક કરોડ યુવાઓને નોકરી અને રોજગાર આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે નવી સરકારના ગઠન બાદ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને વધુ રોજગારની તક ઊભી કરવા માટેનાં કાર્યોને ગતિ આપવામાં આવી છે. બદલાતા બિહારના વિકાસને મજબૂતી આપવા રાજ્યમાં ટેક્નોલોજી અને સેવા આધારિત નવીનતાને કેન્દ્રમાં રાખીને ‘ન્યુ એજ ઇકોનોમી’ ની રચનાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

સાકર મિલોની સ્થાપન પર પણ ફોકસ

મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્યમાં નવી સાકર મિલોની સ્થાપના અને બંધ પડેલી જૂની ખાંડ મિલોને ફરી શરૂ કરવા નીતિ અને કાર્યયોજનાઓ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં શહેરીકરણને પ્રોત્સાહન આપવા માટે નવ પ્રમંડલીય શહેરો ઉપરાંત સોનપુર અને સીતામઢીમાં ‘ગ્રીન ટાઉનશિપ’ બનાવવામાં આવશે.

‘બધા મને છોડીને જતા રહ્યા’, ધર્મેન્દ્રના નિધનથી દુ:ખી આશા પારેખ

આશા પારેખને 60ના દાયકાની સૌથી લકી હિરોઈન માનવામાં આવતી હતી. તેણી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ હતા અને તેણીના સમયના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. હી-મેન ધર્મેન્દ્ર સાથેની તેમની જોડી પણ સુપરહિટ રહી હતી. આ દિગ્ગજ અભિનેતાના અવસાન પછી આશા પારેખે તેમની સાથેની મીઠી યાદો શેર કરી છે.

ધર્મેન્દ્ર ફક્ત એક એક્શન હીરો નહોતા. તેમની ફિલ્મોમાં એક્શન, ડ્રામા અને રોમાન્સનો સમાવેશ થતો હતો. ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, સોમવારના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. તેમના નિધનથી તેમનો પરિવાર, સમગ્ર ઉદ્યોગ અને ચાહકો શોકમાં ડૂબી ગયા. દિવંગત અભિનેતા સાથે કામ કરનારા ઘણા કલાકારોએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. એક સમય હતો જ્યારે ધર્મેન્દ્રની આશા પારેખ સાથેની જોડી હિટ હતી. આશા પારેખને 60ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી, જેઓ તેમના આકર્ષણ અને સ્મિતથી દર્શકોને મોહિત કરતા હતા. ધર્મેન્દ્ર સાથે આશા પારેખની જોડી મોટા પડદા પર હિટ રહી. બંનેએ “આયે દિન બહાર કે” અને “મેરા ગાંવ મેરા દેશ” સહિત લગભગ અડધો ડઝન ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હવે, આશા પારેખ ધર્મેન્દ્રના નિધનથી ખૂબ જ દુઃખી છે. પીઢ અભિનેત્રીએ હી-મેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આશા પારેખે ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો
આશા પારેખ અને ધર્મેન્દ્રની જોડી મોટા પડદા પર હિટ રહી હતી. તેઓએ દર્શકોના દિલ પર રાજ કર્યું. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં આશા પારેખે ધર્મેન્દ્રના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું. ધર્મેન્દ્રના નિધન પછી તેણીએ ભાવનાત્મક રીતે કહ્યું, “બધા મને એક પછી એક છોડી ગયા… હવે, ધરમજી નથી. મારું હૃદય સની, બોબી, એશા અને આહના માટે દુ:ખી છે. તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હશે.”

આશા પારેખે ધર્મેન્દ્રની યાદો શેર કરી

આશા પારેખે આગળ જણાવ્યું કે કેવી તેણીએ જે કલાકારો સાથે મજા કરી હતી અને ફિલ્મોમાં કામ કર્યુ હતું હવે તે તમામ મોટાભાગે જતા રહ્યા અને તેમના માટે યાદો બની ગયા છે. તેણી કહે છે કે તે એક આખા યુગના અંત જેવું છે. તેણી તેના સહ-કલાકારોના નિધનથી ખાલીપણું અનુભવે છે. તેણીએ કહ્યું, “હું એક મજાક-પ્રેમી વ્યક્તિ હતી, અને તે પણ હતો. પરંતુ કેમેરા ફરતા જ અમે ગંભીર થઈ જતા.” તે કેમેરા સામે સ્વાભાવિક હતો. મને હૃષિકેશ મુખર્જીની સત્યકામમાં તેનો અભિનય ખૂબ ગમ્યો. મારે તેની સાથે હૃષિદાનું “ચુપકે ચુપકે” પણ કરવાનું હતું, પણ પછી શું થયું તે ખબર નથી. પણ મેં તેની સાથે જે કામ કર્યું તે ખૂબ જ મજેદાર હતું.

ધર્મેન્દ્રનું અવસાન

24 નવેમ્બર, 2025 ના રોજ 89 વર્ષની વયે પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું, જેના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો. ચાહકો અને ઉદ્યોગના સાથીઓએ “શોલે” સ્ટારના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું. અમિતાભ બચ્ચન, આમિર ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત અનેક સ્ટાર્સે પણ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ? હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં ઠંડી કહેર મચાવી શકે છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ઠંડી વધી શકે છે. જો કે વાવાઝોડાની અસરના કારણે ઠંડીમાં રાહત મળવાની શકયતાઓ છે.

ગુજરાતમાં હાલ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આવી જ ઠંડી આગામી કેટલાક દિવસો યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીથી હાલ કોઇ રાહત મળવાની નથી. જો કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી કહેર મચાવી શકે છે.

બંગાળની ખાડી હાલ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. એક મજબૂત સિસ્ટમ પણ બની ગઇ છે અને હવે આ સિસ્ટમ થોડા જ સમયમાં વાવાઝોડું બની જશે અને પછી વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં મચાવી શકે છે ભીષણ કહેર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે. 26 તારીખે આ વાવાઝોડું તામિલાનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકી શકે છે.

શું પલાશ મુચ્છલે વાગ્દત્તા સ્મૃતિ મંધાનાને દીધો છેહ?

નવી દિલ્હીઃ ફિલ્મમેકર અને સિંગર પલાશ મુચ્છલ સોશિયલ મિડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમની કોઈ અન્ય મહિલાની સાથે થયેલી કહેવાતી પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ લીક થયા હતા. આ વિવાદ એવા સમયે શરૂ થયો જયારે થોડા જ દિવસ પહેલાં ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાની સાથે તેમનાં થનારાં લગ્ન સ્થગિત કરવામાં આવ્યાં છે.

Reddit અને Instagram પર ચાલી રહેલા અહેવાલ અનુસાર એક અજાણી મહિલાએ દાવો કર્યો કે તે પલાશ સાથે વાતચીત કરી રહી હતી. આ મહિલાએ ખુલ્લેઆમ એવા સ્ક્રીનશોટ્સ પણ વાયરલ કર્યા, જેમાં કહેવાતી રીતે પલાશ અને તેની વચ્ચેની ફ્લર્ટિંગ ચેટ છે, જેને કારણે આ સોશિયલ મિડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ સ્ક્રીનશોટ્સ એવા સમયે સામે આવ્યા, જયારે પલાશની બહેન અને સિંગર પલક મુચ્છલે કન્ફર્મ કર્યું હતું કે 23 નવેમ્બરે થનારી પલાશ અને સ્મૃતિનાં લગ્ન હવે નિયત સમયે નહીં થાય.

મહિલા દ્વારા શેર કરાયેલા કહેવાતી સ્ક્રીનશોટ્સમાં જોવા મળે છે કે પલાશે તેની ગુણોની પ્રશંસા કરી હતી અને ક્રિકેટર સાથેના પોતાના ‘લોન્ગ ડિસ્ટન્સ’ રિલેશનશિપ વિશે વાત કરી હતી. કેટલીક પોસ્ટ્સમાં આ મહિલાનું નામ મેરી ડિકોક્સ્ટા તરીકે જણાવાયું છે. આ ચેટ્સમાં આઉટિંગ વિશેની ચર્ચાઓ પણ છે,જેમ કે સ્પા માટે જવું, સ્વિમિંગ કરવું અને સવારે વર્સોવા બીચ પર અચાનક મળવાનું પ્લાનિંગ. જો આ ચેટ્સ અસલી છે, તો ઘણા ઓનલાઇન યુઝર્સ તેને ફ્લર્ટિંગ ગણાવી રહ્યા છે.

જોકે આ સ્ક્રીનશોટ્સની સચાઈની  હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, તેમ છતાં આ મામલો સોશિયલ મિડિયા પર ચર્ચા, ટીકા અને અનેક પ્રકારની અટકળોને વધારી રહ્યો છે. સોશિયલ મિડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ઘણા લોકો પલાશની આલોચના કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સંયમ રાખવાની વિનંતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પરિવાર પહેલેથી જ સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી આરોપોને વધારી ચઢાવી રજૂ ન કરવા જોઈએ.

સિંગર ઝુબિન ગર્ગની હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ

આસામ: જાણીતા સિંગર ઝુબિન ગર્ગના નિધન મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે ઝુબિન ગર્ગનું મોત કોઈ અકસ્માતમાં નહોતું થયું. તેમની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં.આસામ વિધાનસભામાં બોલતા, બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, શરૂઆતની તપાસ બાદ આસામ પોલીસને વિશ્વાસ હતો કે આ કોઈ ગુનાહિત હત્યાનો કેસ નથી, પરંતુ એક સામાન્ય હત્યા છે. સીએમ સરમાએ દાવો કર્યો હતો કે, “એક આરોપીએ ગર્ગની હત્યા કરી હતી અને અન્ય લોકોએ તેને મદદ કરી હતી. હત્યા કેસમાં ચારથી પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.”સીએમ સરમાએ વધુમાં કહ્યું, “આસામમાં વિપક્ષના વાહિયાત નિવેદનો સાંભળીને એવું લાગે છે કે તેઓ પોતાના રાજકીય હિતોને આગળ વધારવા માટે ઝુબિન ગર્ગના હત્યારાઓની હિમાયત કરી રહ્યા છે. તેમની નજર બીજી જગ્યાએ છે અને તેમના નિશાન બીજે ક્યાંક છે.”

સિંગાપોરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી મોતનું કારણ

શરૂઆતમાં સિંગાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગર્ગનું મોટું એક અકસ્માતમાં થયું છે અને સિંગાપોર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ડૂબવાના કારણે મોતનું કારણ આપવામાં આવ્યું હતું. જો કે બાદમાં આસામ સરકારે પોતાની રીતે અલગથી તપાસ શરૂ કરી હતી.

SIT અને ન્યાયિક આયોગની રચના 

ઝુબિનનું મોત 19 સપ્ટેમ્બર સિંગાપોરમાં થયું હતું. તેઓ તરવા માટે પાણીમાં ઉતર્યા અને અચાનક ડૂબી ગયા. ત્યારે એવો દાવો કરાયો હતો કે તેમણે લાઈફ જેકેટ નહોતું પહેર્યું. જો કે પરિવાર અને ચાહકોએ આ મોત મામલે સવાલ ઉઠાવ્યા હતા. દબાણ બાદ આસામ સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) અને એક સદસ્યીય ન્યાયિક આયોગની રચના કરી. ભારત સરકારે પણ સિંગાપોર પાસેથી તપાસમાં મદદ મેળવવા માટે MLAT(મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી) પ્રક્રિયા શરૂ કરી છે.

તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અનેક મહત્ત્વના ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, મેનેજર સિદ્ધાર્થ શર્મા, કેટલાક બેન્ડ સભ્યો, ઝુબિનના કઝિન ભાઈ અને તેમના સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. વધુમાં, સુરક્ષાકર્મીઓના બેન્ક ખાતાઓમાં ₹1.1 કરોડથી વધુની શંકાસ્પદ રકમ મળી આવ્યા બાદ હવે નાણાકીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.

બીજી ઑટોપ્સી રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ઝુબિનનું મૃત્યુ ઝેરથી નથી થયું, તેમ છતાં મોડેથી મળેલી સારવાર, સંભવિત ષડયંત્ર, વિરોધાભાસી નિવેદનો અને નાણાકીય વ્યવહારોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે. જો કે સિંગાપોર પોલીસ હજી પણ આ ઘટનાને અકસ્માત માની રહી છે. પણ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટપણે તેને હત્યા ગણાવીને જલદી ચાર્જશીટ દાખલ કરવાની વાત કહી છે.

સંસદના શિયાળુ સત્રમાં UGCને ખતમ કરવા બિલ લવાવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની રચના માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવાની છે. તેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), અખિલ ભારતીય ટેક્નિકલ એજ્યુકેશન કાઉન્સિલ (AICTE) અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)ને સમાપ્ત કરવાની યોજનાની પણ શક્યતા છે. સંસદના શિયાળુ સત્રમાં આયોગ બિલ, 2025ને સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.

જોકે યુનિવર્સિટીઓના શિક્ષકોએ તેનો વિરોધ શરૂ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે સરકાર આ પંચ દ્વારા ઉચ્ચ શિક્ષણ અને જાહેર યુનિવર્સિટીઓનું ખાનગીકરણ કરવા માગે છે. સરકારનું કહેવું છે કે ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વૈજ્ઞાનિક અને ટેક્નિકલ સંસ્થાઓમાં સમન્વય સ્થાપવા અને ધોરણો નક્કી કરવા આ પંચની રચના જરૂરી છે.સંસદીય સમિતિએ વ્યક્ત કર્યો હતો વિરોધ

એક જ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી નિર્ણય પ્રક્રિયા ઝડપી થશે અને સંસ્થાકીય માળખું વધુ પારદર્શક અને અસરકારક બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ પંચનો ઉલ્લેખ થયો છે. તેને આધારે UGC, AICTE અને NCTEની જગ્યાએ એક જ પંચ કાર્ય કરશે. જ્યારે કાયદો અને ચિકિત્સા શિક્ષણને તેના વિસ્તારથી બહાર રાખવામાં આવે એવી શક્યતા છે.

પરંતુ રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહની અધ્યક્ષતા હેઠળની સંસદીય સમિતિએ આવા પંચના નિર્માણ પર આક્ષેપ કર્યો હતો. સમિતિનું કહેવું છે કે UGC જેવી સંસ્થાઓને સમાપ્ત કરી દેવાથી શિક્ષણ વ્યવસ્થામાં અસંતુલન સર્જાશે અને ખાનગીકરણને પ્રોત્સાહન મળશે. JNUના પ્રોફેસર સુરજિત મજુમદારએ જણાવ્યું હતું કે ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ દ્વારા કેન્દ્રીય સરકાર ઉચ્ચ શિક્ષણ સાથે સરકારી યુનિવર્સિટીઓનું ખાનગીકરણ કરવા ઈચ્છે છે. આ પંચ મારફતે નિયમન અને નાણાકીય વ્યવસ્થાપનના કાર્યને અલગ કરવાનો વિચાર છે. સરકાર એવું માળખું ઊભું કરવા માગે છે કે જેમાં ઉચ્ચ શિક્ષણ પર નિયંત્રણ તો રહે, પરંતુ આર્થિક જવાબદારી ન રહે.

દિલ્હી યુનિવર્સિટી (DU)ની કાર્યકારી પરિષદના પૂર્વ સભ્ય રાજેશ ઝાએ જણાવ્યું હતું કે અમે ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચનો જોરદાર વિરોધ કરીએ છીએ, કારણ કે આ સરકાર દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓના ખાનગીકરણ તરફનું પગલું છે. કોઈ પણ ક્ષેત્રમાં નિયમનકારી સંસ્થા લાવવાનો અર્થ જ ખાનગીકરણ તરફ લઈ જવાનો હોય છે. એ સાથે જ આ પંચ યુનિવર્સિટીઓને અનુદાન નહીં આપે.યુનિવર્સિટીઓને લોન અને વિદ્યાર્થીઓની ફી ઉપર નિર્ભર બનાવવામાં આવશે. આથી ગરીબ અને પછાત વર્ગ માટે ઉચ્ચ શિક્ષણ વધુ મોંઘું બનશે, જે સામાજિક ન્યાય અને સમાનતા પર ગંભીર ઘા છે.

રામ મંદિર પર ધ્વજારોહણ કરતાં PM મોદીએ કહ્યું, સદીઓની વેદના થઈ શાંત

અયોધ્યાઃ અયોધ્યાને દુલ્હનની જેવી સજાવવામાં આવી છે. અયોધ્યાસ્થિત રામ મંદિરના શિખર પર PM મોદી અને RSSપ્રમુખ મોહન ભાગવતે ધ્વજ ફરકાવ્યો હતો. એ પહેલાં બંનેએ રામ મંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. આ વિશેષ ધ્વજને અમદાવાદના શિલ્પકાર ભરત મેવાડે અનેક મહિનાઓની મહેનત અને બારીકીથી તૈયાર કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યાએ એક વધુ અધ્યાયને સ્વર્ણિમ અક્ષરોથી લખી દીધો છે. અનેક મહિનાઓની તૈયારી બાદ આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે.

 મોદીએ કર્યો ‘રામ રાજ્ય’નો ઉલ્લેખ

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આનો ભગવા રંગ અને તેમાં રચિત સૂર્યવંશની ખ્યાતિ અને અંકિત કોવિદાર વૃક્ષ રામ રાજ્યની કૃતિનું પ્રતિબિંબ કરે છે. આ ધ્વજ સંકલ્પ, સફળતા અને સદીઓથી સપનાના સાકાર સ્વરૂપનું પ્રતીક છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સદીઓના ઘા હવે ભરી રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળ્યો છે. સદીઓનો સંકલ્પ આજે સિદ્ધિ સુધી પહોંચ્યો છે. આજે એ યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેના અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી, જે યજ્ઞ એક પળ માટે પણ આસ્થાથી ડગ્યો નહીં, એક પળ માટે પણ વિશ્વાસમાંથી તૂટ્યો નહીં.

તેમણે કહ્યું હતું કે આજે અયોધ્યા નગરી ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્તમ ક્ષણની સાક્ષી બની રહી છે. આજે ભારત, સમગ્ર વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ, અપરંપાર કૃતજ્ઞતા અને અલૌકિક આનંદ છલકાય છે.

કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી – મોહન ભાગવત

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આજે કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી છે. મંદિર નિર્માણ પૂર્ણ થયું છે.

નવા યુગની શરૂઆત – યોગી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યા ધામમાં ભગવાન રામના ભવ્ય મંદિર પર ધ્વજારોહણ કોઈ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગની શરૂઆત છે. આ પ્રસંગે રામભક્તોની તરફથી હું PM મોદીને આભાર માનું છું.

તેમણે કહ્યું હતું કે આ નવા યુગની શરૂઆત છે. PM નરેન્દ્ર મોદીનું ઉત્તરની પ્રજાની તરફથી સ્વાગત અને અભિનંદન કરું છું.આ ધ્વજની લંબાઈ 22 ફૂટ, પહોળાઈ 11 ફૂટ અને દંડ 42 ફૂટનો છે. તેને 161 ફૂટ ઊંચા શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. ધ્વજ પર ત્રણ વિશેષ ચિહ્નો અંકિત છે — સૂર્ય, ‘ૐ’ અને કોવિદાર. આ ધ્વજને સૂર્ય ભગવાનનું પ્રતીક પણ માનવામાં આવે છે.

અયોધ્યા બહુ સુંદર લાગી રહી છે – મહિલા શ્રદ્ધાળુ

રામ મંદિર દર્શન માટે અયોધ્યા પહોચેલી એક વૃદ્ધ ભક્તાએ કહ્યું હતું કે હું દર્શન કરવા જઈ રહી છું. આ બંને મને પકડીને ઊભી છે, એ મારી દીકરીઓ છે… અયોધ્યા આજે બહુ સુંદર લાગી રહી છે. હું ભગવાનનાં દર્શન કરવા જઈ રહી છું.

બ્રહ્માકુમારી મહાદેવ નગર સેવાકેન્દ્ર દ્વારા શાંતિ યાત્રાનો આયોજન

અમદાવાદ: બ્રહ્માકુમારી મહાદેવ નગર દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલિયન મિનિટ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે 23 નવેમ્બરને રવિવારના રોજ સવારે 07:00 વાગ્યાથી શરૂ થઈ હતી. આ યાત્રામાં સેકડો બ્રહ્માકુમાર–બ્રહ્માકુમારી ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.વિશ્વમાં શાંતિમય અને સુખમય સંસારની રચના થાય તે મહાન હેતુસર સમગ્ર ગુજરાતમાં 5,000થી પણ વધારે શાંતિ યાત્રાઓનું આયોજન બ્રહ્માકુમારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રાનો શુભારંભ બ્રહ્માકુમારી મહાદેવ નગરના ડાયરેક્ટર ચંદ્રિકા દીદી, રેડ ક્રોસના ચેરમેન અમિત દોષી, તેમજ બંકાઈ ગ્રુપના ડાયરેક્ટર અવની બ્રહ્મભટ્ટ દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો.આ શાંતિ યાત્રામાં જોડાયેલા તમામ સાધકોએ શક્તિશાળી શાંતિના પ્રકંપનો ફેલાવતા જીવનમાં આંતરિક શાંતિ, સકારાત્મકતા અને સમરસતા સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો હતો. પૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રાનું સમાપન થયું હતું.