Home Blog Page 422

U-ટર્નઃ વક્ફ કાયદો લાગુ કરવા મમતા સરકાર રાજી

કોલકાતાઃ કેન્દ્રના નવા વક્ફ એક્ટ 2025ને મહિનાઓ સુધી અમલમાં મૂકવા ઇનકાર કર્યા પછી પશ્ચિમ બંગાળ સરકારે અંતે કાયદો સ્વીકારી લીધો છે અને પાંચ ડિસેમ્બર સુધી રાજ્યની 82,000 વક્ફ સંપત્તિઓની વિગતો સેન્ટ્રલ પોર્ટલ પર અપલોડ કરવાની સૂચનાઓ આપી છે.

વક્ફ સુધારા અધિનિયમ 2025 આ વર્ષના એપ્રિલમાં સંસદનાં બંને ગૃહોમાં પસાર થયો હતો. ગુરુવારે સાંજે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોને લખેલા પત્રમાં પશ્ચિમ બંગાળના અલ્પસંખ્યક વિકાસ વિભાગના સચિવ પી.બી. સલીમે નક્કી કરેલી સમયમર્યાદામાં રાજ્યની વક્ફ સંપત્તિઓની જિલ્લાવાર માહિતી સેન્ટ્રલ પોર્ટલ umeedminority.gov.in પર અપલોડ કરવાની સૂચના આપી છે.

આ નિર્ણયને રાજકીય રીતે ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે CM મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ આ નવા કાયદાને રાજ્યમાં અમલમાં મૂકવા નહીં દે. આ ઉપરાંત કેન્દ્રની મોદી સરકાર દ્વારા બિલ રજૂ થયા બાદ રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયાં હતાં. આ કાયદો પસાર થયા પછી થોડા દિવસોમાં નવ એપ્રિલે જૈન સમુદાયના એક કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે કહ્યું હતું કે હું બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમને લાગુ નહીં થવા દે. હું તેમને ફૂટ પાડીને રાજ કરવાની મંજૂરી નહીં આપું. અહીં 33 ટકા મુસ્લિમ છે. તેઓ સદીઓથી અહીં રહે છે. તેમની રક્ષા કરવી મારું કર્તવ્ય છે.

મમતા સરકારે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં

સુધારેલા કાયદા મુજબ વક્ફ બોર્ડ અને ટ્રિબ્યુનલમાં હવે બિન મુસ્લિમ સભ્યોનો સમાવેશ થશે અને જો કોઈ સંપત્તિ વક્ફ હોવાનો દાવો થાય તો તે અંગેનો અંતિમ નિર્ણય સરકાર કરશે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMC સરકારે આ કાયદાના વિરોધમાં કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, પરંતુ ત્યાંથી તેમને સંતોષકારક ચુકાદો મળ્યો નહોતો.

સુધારેલા અધિનિયમની કલમ 3B મુજબ દેશની તમામ રજિસ્ટર્ડ વક્ફ સંપત્તિઓની વિગતો છ મહિનામાં (5 ડિસેમ્બર, 2025 સુધી) સેન્ટ્રલ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. રાજ્ય અલ્પસંખ્યક વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરોને મોકલાયેલા પત્ર મુજબ રાજ્યમાં 82,000થી વધુ વક્ફ સંપત્તિઓ છે અને તમામ માહિતી સંબંધિત મુતવલ્લીઓ દ્વારા અપલોડ કરવી પડશે.

‘ત્રિદેવ’ માં ત્રીજી જોડી સૌથી અલગ હતી!

રાજીવ રાયની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘યુદ્ધ’ (1985) ખાસ ચાલી ન હતી. એ પછી ‘ત્રિદેવ’ (1989) થી એમનું નામ થઈ ગયું હતું. એમાં કલાકારોની પસંદગી કેવી રીતે થઈ હતી એની રસપ્રદ વાતો જાણવા જેવી છે. ‘ત્રિદેવ’ માં ત્રણ હીરો અને ત્રણ હીરોઈન લેવાના હતા. હીરોમાં ‘ઈન્સ્પેકટર કરણ સક્સેના’ ની ભૂમિકામાં સની દેઓલ અને ‘રવિ માથુર’ તરીકે જેકી શ્રોફ પસંદ થઈ ગયા.

‘જય સિંઘ’ ની ભૂમિકા માટે મિથુન ચક્રવર્તી પહેલી પસંદ હતો. પરંતુ મિથુને વ્યસ્તતાને કારણે ના પાડી દીધી. એ પછી ચંકી પાંડે સાથે વાત થઈ હતી. એનો ભાવ થોડો વધારે લાગ્યો હોવાથી રાજીવે ના પાડી દીધી. છેલ્લે નસીરુદ્દીન શાહને લેવામાં આવ્યા હતા. જ્યારે નસીરુદ્દીનને સાઇન કરવામાં આવ્યા ત્યારે એ માનતા હતા કે કોઈ ચરિત્ર ભૂમિકા કરવાની હશે. હીરોની ભૂમિકાને અંદાજ ન હતો. અસલમાં નસીરને એ સમય પર પૈસાની જરૂર હતી એટલે ફિલ્મ સાઇન કરી લીધી હતી.

હીરોઈનોમાં સૌપ્રથમ માધુરી દીક્ષિતને સનીની હીરોઈન તરીકે સાઇન કરવામાં આવી હતી. જેકી સામે નીલમને લેવાના હતા. પણ બીજી ફિલ્મો સાથે નીલમની તારીખો બંધબેસતી ન હોવાથી સંગીતા બીજલાનીને લેવામાં આવી હતી. એની પાછળ 1986 ના વર્ષની એક નાંનકડી વાત છે. રાજીવ રાયે સંગીતાને એક ફેશન શૉમાં જોઈ હતી. ત્યારે ફેશન શૉમાં છોકરીઓ હિટ ગીતો પર ડાન્સ કરતી હતી. સંગીતાએ પણ એક ગીત પર ડાન્સ કર્યો હતો. એ જોઈ રાજીવ સંગીતાને મળ્યા હતા અને એક લવ સ્ટોરી ફિલ્મ કરવા કહ્યું હતું. પરંતુ એ ફિલ્મ આગળ વધી શકી નહીં.

એ પછી રાજીવે ‘ત્રિદેવ’ નું આયોજન કર્યું ત્યારે જેકી સામે સંગીતાને સાઇન કરી હતી. અને એને અભિનયની તાલીમ માટે રોશન તનેજાને ત્યાં મોકલી હતી. ‘ત્રિદેવ’ પછી સંગીતાને ‘હથિયાર’ અને ‘કાતિલ’ મળી હતી. એ બંને ફિલ્મો પહેલાં રજૂ થઈ ગઈ હતી. નસીરુદ્દીનની હીરોઈન તરીકે સોનમ આવશે એની કોઈને કલ્પના ન હતી. એ આવી એ પહેલાં યશ ચોપડાની ‘વિજય’ મેળવી ચૂકી હતી.

નસીરુદ્દીનને જાણ થઈ ત્યારે એમણે રાજીવને કહ્યું પણ હતું કે સોનમની ઉંમર મારી દીકરી જેટલી છે. એ કેટલી યોગ્ય લાગશે? રાજીવે જવાબ આપ્યો હતો કે કોઈ વાંધો આવશે નહીં. વ્યાવસાયિક ફિલ્મોમાં બધું જ ચાલે છે. તેમ છતાં રાજીવે સોનમને પૂછ્યું હતું કે તને કોઈ વાંધો નથી ને? ત્યારે સોનમે સંમતિ આપી હતી અને ‘ત્રિદેવ’ થી જ એને સફળતા મળી હતી. ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘તીરછી ટોપીવાલે’ એમના પર જ ફિલ્માવવામાં આવ્યું હતું. નસીરુદ્દીન- સોનમની જોડી જ સૌથી અલગ હતી અને એમણે જ દર્શકોનું ધ્યાન વધારે ખેંચ્યું હતું.

દિલ્હીમાં પ્રદૂષણની સાથે પાણી પણ પ્રદૂષિત

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂગર્ભ જળમાં ભારે પ્રમાણમાં મેટલનું પ્રદૂષણ જોવા મળ્યું છે. દિલ્હીના પાણીમાં મોટા સ્તરે યુરેનિયમ, સીસું (લેડ), નાઇટ્રેટ, ક્લોરાઈડ અને ક્ષારિયતા (સેલિનિટી) હોવાના સંકેતો મળ્યા છે, એમ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)નો વાર્ષિક રિપોર્ટ કહે છે. આ પાણીની સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર પડે છે, ખાસ કરીને તેઓ પર જે બોરવેલ અને હેન્ડપંપના પાણી પર અવલંબિત છે.

આ મહિને જારી થયેલા રિપોર્ટ મુજબ દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી લીધેલા પાણીના નમૂનાઓમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ મળ્યું છે. દિલ્હીના પાણીમાં સીસું ખૂબ જ વધુ પ્રમાણમાં મળ્યું છે, જે બાળકોના સેન્સરી અને માનસિક વિકાસને અસર કરે છે, બ્લડ પ્રેશર વધારી શકે છે અને કિડનીની કાર્યક્ષમતા ઘટાડે છે.

પ્રી-મોન્સૂન સીઝનમાં આખા દેશમાં સૌથી વધુ પ્રદૂષિત ભૂગર્ભજળ ધરાવતાં રાજ્યોમાં દિલ્હી ત્રીજા ક્રમે રહ્યું. યુરેનિયમની બાબતમાં પણ દિલ્હીના પાણીની સ્થિતિ ચિંતાજનક છે. યુરેનિયમનું જોડાણ કિડનીને નુકસાન અને કેન્સરના જોખમ સાથે કરવામાં આવે છે.એ ઉપરાંત દિલ્હીના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું સ્તર પણ ખતરનાક પ્રમાણમાં મળ્યું છે. માનવામાં આવે છે કે નાઇટ્રેટનું વધેલું સ્તર ખેતી, ખાતરો અને અયોગ્ય કચરા નિકાલને કારણે વધ્યું છે.

રાજધાની માટે બીજી એક ચિંતા એ છે કે અહીં સોડિયમ એડસોર્પ્શન રેશિયો (SAR) પણ ઊંચું મળ્યું છે. જ્યાં દેશનું સરેરાશ SAR 26 આસપાસ રહે છે, ત્યાં દિલ્હીના કેટલીક જગ્યાઓમાં આ આંકડો 179.8 સુધી પહોંચી ગયો છે. અહીં 34.8 ટકા નમૂનાઓ અંદાજિત મર્યાદાથી વધુ હતા. દિલ્હીમાં RSC (Residual Sodium Carbonate)ના મામલામાં પણ દેશભરમાં સૌથી ઉપર હતું—અહીં 51.1 ટકા નમૂનાઓમાં RSCનું સ્તર 2.5ની મર્યાદાથી વધુ મળ્યું.સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની 2024ની રિપોર્ટ મુજબ દિલ્હીના નમૂનાઓમાં ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી (EC) પણ વધારે પ્રમાણમાં હતી,—આંકડો 23.3 ટકા સુધી ગયો. આ ઉપરાંત 16.5 ટકા નમૂનાઓમાં ફ્લોરાઈડ, 20.4 ટકામાં નાઇટ્રેટ અને 10.7 ટકા નમૂનાઓમાં યુરેનિયમ મર્યાદાથી વધુ મળ્યું છે. વર્ષ 2025માં આ પ્રદૂષણ વધુ વધી ગયું છે.

પંચાંગ 29/11/2025

ટોસ્ટ હાંડવો

ટોસ્ટરમાં બનાવેલો હાંડવો કંઈક અલગ સ્વાદવાળો યમ્મી લાગે છે!

સામગ્રીઃ

  • ચોખા 1 કપ
  • ચણાની દાળ ½ કપ
  • તુવેરદાળ ¼ કપ
  • અળદની દાળ ¼ કપ
  • મેથીદાણા 1 ટી.સ્પૂન
  • વટાણા 2 ટે.સ્પૂન
  • ગાજર ખમણેલું 1 ટે.સ્પૂન
  • સિમલા મરચું ઝીણું સમારેલું 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • ખમણેલી દૂધી ½ કપ
  • દહીં ½ કપ
  • ઘઉંનો લોટ 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન,
  • બેકીંગ સોડા 1 ટી.સ્પૂન

રીતઃ ત્રણેય દાળ અને ચોખાને એક વાસણમાં લઈ 2-3 પાણીએથી ધોઈ લીધા બાદ ચોખ્ખા પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી કાઢી લઈ મિક્સીમાં નાખો. તથા તેમાં જ દહીં નાખીને કરકરું ઘટ્ટ ખીરું પીસી લો. આ ખીરું ઢાંકીને 4-5 કલાક માટે રાખી મૂકો. ત્યારબાદ તેમાં બધા સુધારેલીં વિજીટેબલ્સ મેળવી દો. હવે તેમાં 2 ટે.સ્પૂન ઘઉંનો લોટ મેળવી દો. ઉપરથી બેકીંગ સોડા નાખી તેની ઉપર લીંબુનો રસ નિચોવી એકાદ મિનિટ ચમચા વડે એકસરખું હલાવીને ખીરું સરખું મિક્સ કરી લો.

એક ગેસ ટોસ્ટર લઈ તેને તેલ વડે ગ્રીસ કરીને થોડા તલ ભભરાવી લો. આ ટોસ્ટરમાં ચમચા વડે હાંડવાનું ખીરું રેડી ફેલાવની રેડી દો. ઉપરથી એક ચમચી જેટલું તેલ રેડી, તલ ભભરાવીને ટોસ્ટર બંધ કરીને ગેસની મધ્યમ આંચે હાંડવો ટોસ્ટ થવા દો. 4-5 મિનિટ બાદ ટોસ્ટર ફેરવીને બીજી બાજુથી હાંડવો ફરીથી 4-5 મિનિટ થવા દો.

ત્યારબાદ હાંડવો એક પ્લેટમાં કાઢી લઈ ઉપરની પ્રોસેસ ફરીથી કરીને બીજીવારનો હાંડવો ટોસ્ટ કરી લો.

હાંડવો તૈયાર થાય એટલે કોથમીરની તીખી ચટણી સાથે પીરસો.

૨૯ નવેમ્બર ૨૦૨૫

જોઈ લો, સંજય મિશ્રા સાથે મહિમા ચૌધરીનો ગ્લેમરસ અંદાજ

સંજય મિશ્રા અને મહિમા ચૌધરી સ્ટારર એક નવી બૉલિવૂડ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ છે “દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી”. જેનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

સંજય મિશ્રા અને મહિમા ચૌધરીની આગામી ફિલ્મ “દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી” નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સંજય મિશ્રાના બીજા લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ ફિલ્મ પહેલાથી જ ખૂબ ચર્ચામાં હતી. ટીઝરમાં સંજય મિશ્રા હળવાશભર્યા કોમેડી કરતા જોવા મળે છે, જ્યારે મહિમા ચૌધરી ગ્લેમરસ લુકમાં જોવા મળે છે.

ટીઝરમાં શું છે?
ટીઝરની શરૂઆતમાં સંજય મિશ્રા દેખાય છે. તે ભગવાન હનુમાનને પ્રાર્થના કરે છે કે જો તેની કુંડળીમાં બીજા લગ્ન લખાયેલા છે, તો તેના એક સુંદર, સંસ્કારી અને સુશીલ સ્ત્રી સાથે લગ્ન થાય. તે હનુમાન ભગવાનને કહે છે, “પ્રભુ કૃપા કરીને ધ્યાન રાખજો, નહીં તો આ લોકો મને ગમે ત્યાં ફસાવી દેશે.” એવામાં તે મહિમા ચૌધરી સાથે ટકરાય છે. આગળના દ્રશ્યમાં સંજય મિશ્રાનો પુત્ર તેની પાસે આવે છે અને કહે છે,”મને મારી માતા મળી ગઈ છે.” સંજય મિશ્રાન આના પર ગર્ અનુભવતા જોવા મળે છે.

રિલીઝ તારીખ જાહેર
નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કરીને રિલીઝ તારીખ જાહેર કરી. આ ફિલ્મ 19 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે.

ફિલ્મ વિશે
“દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી”માં સંજય મિશ્રા અને મહિમા ચૌધરી, વ્યોમ યાદવ, પલક લાલવાણી, પ્રવીણ સિંહ સિસોદિયા અને શ્રીકાંત વર્મા જેવા કલાકારો છે. સિદ્ધાંત રાજ સિંહ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનું નિર્માણ એકાંશ બચ્ચન અને હર્ષ બચ્ચન દ્વારા કરવામાં આવ્યું છે.

વાસ્તુ: શિક્ષણ અને દિશાભ્રમ

સા વિદ્યા યા વિમુક્તયે. આ વિચારને આજના સમયમાં સમજવો ખુબ જ જરૂરી છે. મુક્ત હોવું અને આઝાદ હોવું એ બંનેમાં ફર્ક છે. આઝાદ થવા માટે પહેલા ગુલામ હોવું જરૂરી છે. આપણે ફરિયાદ કરીએ છીએ કે જેન ઝી ટોળા બનાવીને તોફાન કરે છે. પણ આપણે એમને શું આપ્યું એ વિચાર આવે છે ખરો? જે વ્યક્તિ સતત અન્યને ડરાવે છે એ પોતે જ કદાચ ભયભીત છે. જે વ્યક્તિ અન્યને લડાવવા પ્રયાસ કરે છે એ પોતે જ અંદરથી વિચારોની લડતમાં ગૂંથાયેલ છે. આવા લોકો અન્યને દિશા આપે તો પછી તોફાન જ આવે. સ્વ પ્રત્યેની શ્રદ્ધા જ વ્યક્તિને સફળ માનવ બનાવી શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. માત્ર ડીગ્રી લઈને ફરતા લોકોની સંખ્યા જ્ઞાનપિપાસુ લોકો કરતા વધતી હોય એવું લાગે છે. 2 લાખમાં પી એચ ડી અને 80 હજારમાં માસ્ટર્સ, જેવી એડ ફેસબુક પર આવતી હોય ત્યારે નવાઈ લાગે છે કે આનો કોઈ વિરોધ કેમ નથી કરતુ. કોઈ પણ કામ ત્યારે જ સફળ થાય જયારે લોકોને એની જરૂર હોય.

હું એક જગ્યાએ શિક્ષિકા છું. અમારી ચાર પેઢીથી બધા શિક્ષણમાં જ છે. અત્યંત મહેનત કરીને મેં અભ્યાસ પૂર્ણ કર્યો અને એ જગ્યાએ નોકરી મળી. પગાર એટલો કે અમારા ઘરકામ કરવાવાળા લોકો પણ એનાથી વધારે કમાય છે. એ ઉપરાંત સામેથી પૈસા આપવાના. નોકરી આપતી વખતે આવી વાત નહોતી થઇ. મેં ના પાડી. મારા વિષયમાં અન્ય કોઈ મળતું ન હોવાથી એમણે મારી વાત માની. એક કાર્યક્રમમાં એમણે મને કહ્યું કે મારે વિદ્યાર્થીઓને લઈને તૈયાર કરવાના છે. એક વિદ્યાર્થી બહારગામ રહેતો હોવાથી એ આવતો ન હતો. મેં વાત કરી તો મને ભાર પૂર્વક કહેવામાં આવ્યું કે એ મારે જોવાનું. મેં મારા ખર્ચે એની રહેવા ખાવાની વ્યવસ્થા કરી. થોડા દિવસ પછી એ બહાનું કાઢીને જતો રહ્યો. એને તૈયાર કરવામાં આમારી આખી ટીમને સમય લાગ્યો હતો. મેં એને ફોન કર્યો તો એણે કહ્યું કે એ મિત્રો સાથે ફરવા ગયો છે અને ઉદ્ધતાઈથી વાત કરી. મેં ઉપર રજૂઆત કરી તો મને કહેવામાં આવ્યું કે એ મિત્રો સાથે હોય તો થોડોક પીધો પણ હોય. એમાં મનમાં ન લેવાય.

હવે એમના તરફથી હેરાનગતિ થાય છે. એક તરફ સારા વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર આવે છે. અને એક તરફ આ પ્રકારના વાતાવરણની સુગ ચડે છે. શું કરવું જોઈએ?

જવાબ: શિક્ષણનું સ્તર સતત ઉતરી રહ્યું છે એનું મુખ્ય કારણ માત્ર પૈસા કમાવાની દાનત છે. શિક્ષિત હોવું ને સુશિક્ષિત હોવું એમાં ફર્ક છે. તમે આ સિસ્ટમનો વિરોધ કર્યો એ સારી વાત છે. પણ સડો ઊંડાણ સુધી જતો રહ્યો છે. જે દેશમાં વિદેશથી વિદ્યાર્થીઓ આવતા હતા એ જ દેશના વિદ્યાર્થીઓ બહાર ભાગી રહ્યા છે એ જ દર્શાવે છે કે શિક્ષણનું સ્તર ક્યાં છે.

સંસ્કાર ન હોય ત્યાં કામ ન કરાય. અમુક દેશમાં શિક્ષકને શ્રેષ્ઠ પગાર મળે છે કારણકે એ લોકો માને છે કે એક શિક્ષક જ દેશને શ્રેષ્ઠ બનાવવા સમર્થ છે. વિદ્યાર્થી ગમે ત્યાં હોય એ શિક્ષકની સામે દારૂ પીયને વાત ન જ કરી શકે. વળી જ્યાં સામેથી પૈસા આપીને નોકરી લેવી પડતી હોય એ સંસ્થામાં ગુણવત્તા આધારિત શિક્ષણ મળેશે જ એની કોઈ ગેરંટી ન જ હોય. આખી વાત ટ્રસ્ટી સુધી લઇ જવી જોઈએ. જો એ વિદ્યાર્થીને સપોર્ટ કરે તો તુરંત જ આ જવાબદારીમાંથી મુક્ત થઇ જવું જોઈએ. તમે અભ્યાસુ છો તેથી સફળ થશો જ.

સુચન: અગ્નિમાં પૂર્વાભિમુખ બેસવાની વ્યવસ્થા વ્યક્તિને અન્યમાં ભૂલો જોવાનો સ્વભાવ આપે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

ભારતીય અર્થતંત્રના GDPમાં નોંધપાત્ર ઉછાળોઃ : Qમાં 8.2 ટકાએ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટેસ્ટિક્સ ઓફિસે (NSOએ) નાણાકીય વર્ષ 2025-26ની બીજી ત્રિમાસિક (Q2) માટે ભારતમાં GDP વૃદ્ધિ દર જાહેર કર્યો હતો. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) 8.2 ટકાના દરે વધ્યો છે. નોંધનીય વાત એ છે કે એ છેલ્લા છ ત્રિમાસિકમાં એ સૌથી વધુ છે.

આ સાથે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક સમયગાળામાં GDPનો વૃદ્ધિ દર 5.6 ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ–જૂન (Q1) ત્રિમાસિકમાં વૃદ્ધિ 7.8 ટકા રહ્યો હતો. GST દરોમાં ઘટાડા બાદ વપરાશ વધવાની આશામાં કારખાનાંઓએ ઉત્પાદન વધારી દીધું, જેને કારણે વૃદ્ધિદરમાં તેજ ઉછાળો જોવા મળ્યો. સત્તાવાર આંકડા મુજબ બીજા ત્રિમાસિક દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર 9.1 ટકા વધ્યું. ગયા નાણાકીય વર્ષની સમાન સમયગાળામાં આ વૃદ્ધિ માત્ર 2.2 ટકા હતી. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો દેશની GDPમાં લગભગ 14 ટકા હિસ્સો છે.

ભારતીય અર્થતંત્રના 28 નવેમ્બરે જાહેર થયેલા ડેટા મુજબ સતત ત્રીજા ત્રિમાસિકમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જુલાઈ–સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો વૃદ્ધિ દર છ ત્રિમાસિકમાં સૌથી વધુ 8.2 ટકા રહ્યો છે. જ્યારે ગયા ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 7.8 ટકા હતો. આ ઉપરાંત આજના આંકડા RBI ના 7 ટકા ના અંદાજ કરતાં પણ સારા રહ્યા છે. વૃદ્ધિમાં સતત જોવા મળતી મુવમેન્ટથી આ શક્યતા મજબૂત થાય છે કે FY26માં ભારતનો GDP વૃદ્ધિ દર લગભગ 7 ટકા રહી શકે, જો અર્થતંત્રની આંતરિક મજબૂતી બીજા અર્ધવાર્ષિકમાં પણ યથાવત્ રહે.એક સર્વેમાં અર્થશાસ્ત્રીઓને આશા છે કે આખા વર્ષની સરેરાશ વૃદ્ધિ 6.9 ટકા રહેશે. જ્યારે RBI એ 6.8 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે. અનેક નિષ્ણાતોનું માનવું છે કે ત્રીજા ત્રિમાસિક પણ વૃદ્ધિના દ્રષ્ટિકોણે સારો રહેશે. ત્રીજા ત્રિમાસિકને 22 સપ્ટેમ્બરથી લાગુ થયેલા GST રેટમાં ઘટાડા બાદ વધેલા કન્ઝમ્પશનથી સહારો મળશે.

IMFએ રિપોર્ટમાં નાણાકીય પરિસ્થિતિને કાબૂમાં રાખીને ઊંચી વૃદ્ધિ જાળવવા સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ઘરેલું માગ ભારતના વિકાસનો મુખ્ય આધાર બની રહી છે.

કર્ણાટકમાં મુખ્ય મંત્રી બનવા DK શિવકુમાર કરશે બળવો?

બેંગલુરુઃ કર્ણાટકમાં ડી.કે. શિવકુમાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે ઘણાં વર્ષોથી રાજકીય તણાવ ચાલે છે. મુખ્ય મંત્રીની ખુરશી અંગે આખા રાજકીય માહોલમાં ગરમાટો આવ્યો છે. એ દરમ્યાન ભાજપે  દાવો કર્યો છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પડી શકે છે. ભાજપના નેતા સુનીલ કુમારે તો અવિશ્વાસ પ્રસ્તાવની વાત પણ કરી છે.

કર્ણાટક વિધાનસભાનું ગણિત

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે, એટલે કોઈ પણ પક્ષને સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર પડે છે. 2023ના ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર પ્રદર્શિત કરી 135 બેઠકો જીતી હતી. ભાજપના તમામ પ્રયાસ છતાં માત્ર 66 બેઠકો મેળવી શકી હતી. જ્યારે JDSના ખાતામાં 19 બેઠકો ગઈ હતી.

હવે જો BJP અને JDS ની બેઠકો જોડીએ તો કુલ 85 બેઠકો થાય છે. એનો અર્થ એ છે કે આ ગઠબંધન બહુમતીથી 28 બેઠકો દૂર છે. જો કોઈ રીતે 28 બેઠકો મળી જાય, તો BJP–JDS ગઠબંધન 113ની બહુમતી સુધી પહોંચી શકે છે.

શું ડી.કે. શિવકુમાર બળવો કરી શકે?

રાજ્યમાં આખું સમીકરણ ત્યારે જ બદલાઈ શકે છે જ્યારે ડી.કે. શિવકુમાર કોંગ્રેસથી નારાજ થઈ બળવો કરે. જો તેઓ આશરે 30 ધારાસભ્યોને પોતાના સાથે કરી લે, તો કર્ણાટકમાં સત્તા પરિવર્તનનો માર્ગ તૈયાર થઈ શકે છે. એવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે કે શિવકુમાર મહારાષ્ટ્રના એકનાથ શિંદેની જેમ, બળવા બાદ મુખ્ય મંત્રીના પદ સુધી પહોંચી શકે છે.

શિવકુમારના સમર્થનમાં કેટલા ધારાસભ્યો?

ડી.કે. શિવકુમાર કેટલા ધારાસભ્યો પર પ્રભાવ ધરાવે છે તે અંગે કોઈ સત્તાવાર અથવા સ્પષ્ટ આંકડા ઉપલબ્ધ નથી. જોકે શિવકુમારે પોતે દાવો કર્યો છે કે તેમના પાસે આશરે 138 ધારાસભ્યોનું સમર્થન છે. આ દાવો કેટલો સાચો છે, તે આવતા દિવસોની રાજકીય પરિસ્થિતિ નક્કી કરશે.