WhatsApp, Telegram અથવા Snapchat જેવી એપ્સના વપરાશકર્તાઓ માટે સરકાર દ્વારા એક મોટો અપડેટ જારી કરવામાં આવ્યો છે. સરકારે નવી આવશ્યકતાઓ લાગુ કરી છે અને દેશમાં ઘણી લોકપ્રિય મેસેજિંગ એપ્સના ઉપયોગ માટે જરૂરી ફેરફારો કર્યા છે. અગાઉ, WhatsApp અને અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કોઈપણ સ્માર્ટફોન પર સિમ કાર્ડ વગર થઈ શકતો હતો, પરંતુ હવે આ શક્ય બનશે નહીં. કોઈપણ એપ સિમ કાર્ડ વગર ઇન્સ્ટોલ કરી શકાય છે, પરંતુ લોગિન કરવા અને તેનો ઉપયોગ કરવા માટે ડિવાઇસમાં નોંધાયેલ મોબાઇલ નંબર સાથેનું સિમ કાર્ડ દાખલ કરવું આવશ્યક છે.
આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ના નવા નિયમો હેઠળ, WhatsApp વેબ અને તેના જેવા વેબ વર્ઝન દર છ કલાકે આપમેળે લોગ આઉટ થશે, જેના માટે ફરીથી લોગિન કરવા માટે QR કોડની જરૂર પડશે. આ ફેરફારનો હેતુ સાયબર ગુનેગારો દ્વારા આ એપ્સના દુરુપયોગને રોકવાનો છે. પહેલાં, સાયબર ગુનેગારો સિમ નિષ્ક્રિય કર્યા પછી પણ એપ્સ દ્વારા છેતરપિંડી કરી શકતા હતા કારણ કે એપ લોગ ઇન થયા પછી સિમથી સ્વતંત્ર રીતે કાર્ય કરતી હતી. હવે, સિમ બાઈન્ડિંગ યુઝરના નંબર, ફોન અને એપ વચ્ચે મજબૂત કડી બનાવશે, સ્પામ, કપટપૂર્ણ કોલ્સ અને નાણાકીય છેતરપિંડી પર કાબુ મેળવશે.
વપરાશકર્તાઓ માટે તે કેવી રીતે ફાયદાકારક રહેશે?
આ ઉપરાંત, ટેલિકોમ સુરક્ષા માળખાને મજબૂત બનાવવું એ સરકારની પ્રાથમિકતા છે, તેથી કંપનીઓએ 90 દિવસની અંદર આ નિયમ લાગુ કરવો પડશે અને 120 દિવસની અંદર પાલન અહેવાલ સબમિટ કરવો પડશે. ટેલિકોમ્યુનિકેશન સાયબર સુરક્ષા (સુધારા) નિયમો, 2025 હેઠળ લાગુ કરાયેલ આ નવો નિયમ, એપ-આધારિત ટેલિકોમ સેવાઓને પહેલીવાર કડક ટેલિકોમ્યુનિકેશન નિયમો હેઠળ લાવે છે. નિષ્ણાતો એમ પણ માને છે કે આ નિયમ મોબાઇલ નંબર-આધારિત ડિજિટલ ઓળખને વધુ વિશ્વસનીય બનાવશે. આ નવો નિયમ ભારતમાં એપ-આધારિત સંદેશાવ્યવહારને વધુ સુરક્ષિત અને જવાબદાર બનાવશે, જે બધા વપરાશકર્તાઓ માટે ફાયદાકારક રહેશે.
થોડા દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસમાં ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જે અંગે હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ,પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી ઓજસ પોર્ટલ પર શરૂ થશે.
PSIની 858 જગ્યા પર ભરતી થશે અને LRDની 12,733 જગ્યા પર ભરતી થશે. બિન હથિયારી PSIની 659, હથિયારી PSIની 129, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6942, હથિયારી પોલીસ કોનસ્ટેબલ 2458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF3002, જેલ સિપાઈ ( પુરુષ ) 300, જેલ સિપાઈ ( મહિલા ) 31 એમ કુલ મળીને 12,733 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પોલીસ ભરતીની તમામ સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર તા.03-12-2025નારોજ અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છીત ધરાવતા ઉમેદવારોએ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારાઓ માટે એક સારા સમાચાર છે. આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં જોરદાર હલચલ જોવા મળશે, કારણ કે ત્રણ મેનબોર્ડ અને અગિયાર SME સહિત કુલ 14 IPO ખુલવા જઈ રહ્યા છે. મુખ્ય આકર્ષણ Meesho, Aequs અને Vidya Wiresના ઇશ્યૂ હશે. મજબૂત રિટેલ ભાગીદારી અને બજારભાવને કારણે કંપનીઓ ઝડપથી ભંડોળ એકત્ર કરવાની તૈયારીમાં છે. પ્રાઇમરી માર્કેટમાં આગામી કારોબારી સપ્તાહ (1-5 ડિસેમ્બર) ખૂબ જ સક્રિય રહેવાનો છે, કારણ કે કુલ 14 નવા IPO રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યા છે. આમાં 3 મેનબોર્ડ અને 11 SME સેગમેન્ટના IPO શામેલ છે.
રોકાણકારોની નજર ખાસ કરીને Meesho IPO, Aequs IPO અને Vidya Wires IPO પર રહેશે, જે 3 ડિસેમ્બરથી ખુલી રહ્યા છે. આ ઉપરાંત, આગામી સપ્તાહે ત્રણ નવી કંપનીઓ પણ સ્ટોક માર્કેટમાં પોતાની લિસ્ટિંગ (Listing) કરવા જઈ રહી છે.
શ્રેણી
IPOનું નામ
ઓપનિંગ તારીખ
Mainboard
Meesho IPO
3 ડિસેમ્બર
Mainboard
Aequs IPO
3 ડિસેમ્બર
Mainboard
Vidya Wires IPO
3 ડિસેમ્બર
SME
Astron Multigrain IPO
1 ડિસેમ્બર
SME
Invicta Diagnostic IPO
1 ડિસેમ્બર
SME
Speb Adhesives IPO
1 ડિસેમ્બર
SME
Clear Secured Services IPO
1 ડિસેમ્બર
SME
Ravelcare IPO
1 ડિસેમ્બર
SME
Helloji Holidays IPO
2 ડિસેમ્બર
SME
Neochem Bio Solutions IPO
2 ડિસેમ્બર
SME
Shri Kanha Stainless IPO
3 ડિસેમ્બર
SME
Luxury Time IPO
4 ડિસેમ્બર
SME
Western Overseas Study Abroad IPO
4 ડિસેમ્બર
SME
Methodhub Software IPO
5 ડિસેમ્બર
કંપની
પ્રાઇસ બેન્ડ (₹/શેર)
ઇશ્યૂ સાઇઝ (₹ કરોડ)
Meesho
₹105 – ₹111
₹5,421.20 કરોડ
Aequs
₹118 – ₹124
₹921.81 કરોડ
Vidya Wires
₹48 – ₹52
₹300.01 કરોડ
બ્રોકરેજ અને માર્કેટ નિષ્ણાતો અનુસાર, વર્ષ 2025માં અત્યાર સુધીમાં આશરે ₹85,000 કરોડ IPO દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે, જેના કારણે ભારત આ વર્ષે વિશ્વના ટોચના IPO બજારોમાં શામેલ થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે **2025ના પ્રથમ છ માસિક (પહેલા હાફ)**માં જ 118 કંપનીઓએ DRHP (Draft Red Herring Prospectus) ફાઇલ કર્યા, જે ગયા વર્ષની સરખામણીમાં બમણાથી પણ વધુ છે.
નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓ IPO દ્વારા એકત્ર કરાયેલી મૂડીનો ઉપયોગ તેમના વિસ્તરણ, કેપેક્સ (મૂડી ખર્ચ), દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા માટે કરી રહી છે. આ સાથે રિટેલ રોકાણકારોની શાનદાર ભાગીદારી પણ આ તેજીને ટેકો આપી રહી છે.
(ડિસ્ક્લેમર: અહીં ફક્ત સ્ટોકની માહિતી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો.)
પૃથ્વી શાંત અને સ્થિર દેખાય છે, પરંતુ એની અંદર હંમેશા જ્વલંત ઊર્જાનું તોફાન છુપાયેલું રહે છે. તાજેતરમાં ઇથોપિયામાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ દર્શાવે છે કે પૃથ્વીની સપાટી નીચે રહેલી આગ, વાયુઉદ્ગમ અને લાવાનો પ્રવાહ ક્યારેક અણધાર્યો બની શકે છે અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. આવા કુદરતી તોફાનો માનવી માટે ચેતવણીરૂપ છે જે બતાવે છે કે પૃથ્વીનું આંતરિક તંત્ર કેટલું જટિલ અને સક્રિય છે.
આ સંજોગમાં, વૈજ્ઞાનિકો અને ભૂગર્ભશાસ્ત્રી વિશ્વના સૌથી જોખમી જ્વાળામુખીઓ પર સતત નજર રાખે છે, જેથી શક્ય નુકસાન અને વિસ્ફોટની આગાહી કરી શકાય. પૃથ્વી પર આવા સક્રિય જ્વાળામુખીઓ માત્ર વિસ્ફોટ માટે જ જોખમરૂપ નથી, પરંતુ એ આસપાસની વસ્તી, પર્યાવરણ અને આર્થિક કાર્યો માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. ત્યારે વિશ્વના પાંચ સૌથી ખતરનાક અને સક્રિય જ્વાળામુખીઓ વિશે વિગતવાર જાણીએ.
માઉન્ટ વેસુવિયસ, ઇટાલી
ઇટાલીના નેપલ્સ શહેરની નજીક આવેલો માઉન્ટ વેસુવિયસને વિશ્વના સૌથી ખતરનાક જ્વાળામુખીઓમાંનો એક ગણવામાં આવે છે. આ સક્રિય જ્વાળામુખી છે, જે નેપલ્સની નજીક છે. એ 79 એડીમાં થયેલા એના વિનાશક વિસ્ફોટ માટે સૌથી વધુ જાણીતું છે, જેમાં પોમ્પેઈ અને હર્ક્યુલેનિયમ જેવા રોમન શહેરો નાશ પામ્યા હતા. જો કે 1944 પછી આ જ્વાળામુખી નિષ્ક્રિય રહ્યો છે. છતાં ભૂગર્ભ પ્રવૃત્તિઓને કારણે એ હજી પણ સક્રિય તરીકે વર્ગીકૃત થાય છે. આજુબાજુ આશરે ત્રીસ લાખથી વધુ લોકો વસતા હોવાથી આ જ્વાલામુખી ફરી સક્રિય થાય તો વિનાશનું પ્રમાણ અનેક ગણું વધી શકે છે. એની અંદર સતત ઉકળતા મેગ્મા અને દબાણનું પરિવર્તન એને વિશ્વના સૌથી વધુ મોનિટર કરવામાં આવતા અને સૌથી જોખમરૂપ જ્વાલામુખીઓમાં શામેલ કરે છે. આ જ્વાળામુખી સોમ્મા-વેસુવિયસ તરીકે ઓળખાય છે, કારણ કે એ જૂના માઉન્ટ સોમ્મા નાશ પામ્યા પછી બનેલા કેલ્ડેરામાં સ્થિત છે.
માઉન્ટ સેન્ટ હેલેન્સ, અમેરિકા
માઉન્ટ સેન્ટ હેલેન્સ અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલો એક સક્રિય જ્વાલામુખી છે, જે 18 મે 1980ના વિનાશકારી વિસ્ફોટ માટે જાણીતો છે. અમેરિકન ઇતિહાસમાં સૌથી ઘાતક અને આર્થિક રીતે સૌથી મોટુ નુકસાન સર્જનાર આ વિસ્ફોટમાં 57 લોકોના મૃત્યુ થયા હતા અને આશરે 250 ઘર, 47 પુલ તેમજ 185 માઈલથી વધુ રસ્તાઓ નાશ પામ્યા હતા. આ વિસ્ફોટથી પર્વતની ઊંચાઈમાં મોટો ઘટાડો થયો. ઉત્તર ભાગમાં આ જ્વાલામુખીના કારણે વિશાળ ઘોડાની નાળ જેવો ખાડો સર્જાયો. માઉન્ટ સેન્ટ હેલેન્સ કાસ્કેડ જ્વાલામુખી પ્રાંતનો મહત્વપૂર્ણ ભાગ છે, જે પેસિફિક રિંગ ઓફ ફાયર ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. 1982માં આ વિસ્તારને સંરક્ષણ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે “માઉન્ટ સેન્ટ હેલેન્સ નેશનલ વોલ્કેનિક મોન્યુમેન્ટ” તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2004થી 2008 દરમિયાન અહીં નાના વિસ્ફોટો થયા હતા, પરંતુ આજે આ વિસ્તાર કુદરતી રીતે પુનઃપ્રસ્થાપિત થઈ રહ્યો છે, જ્યાં જંગલી જીવન ફરીથી વિકસિત થયું છે. આ વિસ્તાર વૈજ્ઞાનિકો માટે ભૂસ્તરશાસ્ત્રીય પરિવર્તનોનું જીવંત અભ્યાસક્ષેત્ર બન્યો છે.
માઉન્ટ મેરાપી, ઇન્ડોનેશિયા
માઉન્ટ મેરાપી ઇન્ડોનેશિયાના જાવા ટાપુના મધ્ય ભાગમાં આવેલો એક અત્યંત સક્રિય જ્વાળામુખી પર્વત છે, જે યોગ્યાકાર્તા શહેરથી લગભગ 20 માઇલ ઉત્તર તરફ અને સેમરંગ શહેરથી દક્ષિણ તરફ સ્થિત છે. મેરાપીનો અર્થ અગ્નિનો પર્વત થાય છે, એની ઊંચાઈ લગભગ 9,551 ફૂટ એટલે કે 2,911 મીટર છે. એની નીચેનો ઢોળાવો ઘન વનસ્પતિથી ઢંકાયેલા છે, પરંતુ જ્વાળામુખીના સતત ધુમાડા અને રાખને કારણે પર્વતનો શિખર ભાગ નિર્વન રહે છે. ઇન્ડોનેશિયામાં આવેલા 130 સક્રિય જ્વાળામુખીઓમાં મેરાપી સૌથી વધુ સક્રિય ગણાય છે. એનો સૌથી મોટો વિસ્ફોટ ઇસવીસન 1006માં થયો હતો, જેમાં રહેણાંક વિસ્તારો સહિત સમગ્ર મધ્ય જાવા વિસ્તારમાં રાખના પડ જોવા મળ્યા હતા. ત્યારબાદ 1786, 1822, 1872, 1930 અને 1976માં પણ મહત્વપૂર્ણ વિસ્ફોટો નોંધાયા હતા. મેરાપીના લગભગ અડધા વિસ્ફોટો પાયરોક્લાસ્ટિક ફ્લો સાથે જોડાયેલા હતા, જે અત્યંત ગરમ વાયુઓ અને જ્વલિત કણોના ઝડપી વાદળો હોય છે, જે ભારે વિનાશ સર્જે છે. 22 નવેમ્બર 1994ના વિસ્ફોટ દરમિયાન આવેલા પાયરોક્લાસ્ટિક ફ્લોએ 64 લોકોના પ્રાણ લીધા હતા. વર્ષ 2010ના અંતમાં થયેલા તીવ્ર વિસ્ફોટોની શ્રેણીમાં પણ અનેક લોકોના મૃત્યુ થયા, ઘણા ઘાયલ થયા અને હજારો લોકોને વિસ્તાર ખાલી કરાવવો પડ્યો. 2013થી 2023 વચ્ચે મેરાપી અનેક વખત ફાટી નીકળ્યો છે, જે દર્શાવે છે કે આ જ્વાળામુખી આજે પણ અત્યંત સક્રિય અને જોખમકારક સ્થિતિમાં છે.
સાકુરાજીમા જ્વાળામુખી,જાપાન
સાકુરાજીમા જાપાનના કાગોશિમા પ્રીફેક્ચરમાં આવેલો એક સક્રિય જ્વાળામુખી છે. જે જાપાનના સૌથી વધુ સક્રિય જ્વાળામુખીઓમાંનો એક ગણાય છે. એની ઊંચાઈ 1,117 મીટર છે. ભૂતકાળમાં આ ટાપુ અલગતાથી સ્થિત હતું, પરંતુ 1914ના વિનાશકારી વિસ્ફોટ દરમિયાન લાવાના પ્રવાહથી એ મુખ્ય ભૂમિ સાથે જોડાઈ ગયું. આજે, સાકુરાજીમા કાગોશિમા શહેરની નજીક આવેલો એક દ્વીપકલ્પ બની ચૂક્યો છે જે પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. આ જ્વાળામુખી ક્યુશુ ટાપુના કાગોશિમા ખાડીમાં સ્થિત છે, અને સતત સક્રિય રહે છે. એની રાખ અને લાવા ઊભરતા રહે છે. 2016માં નિષ્ણાતો એ ભવિષ્યવાણી કરી હતી હતી કે આ જ્વાલામુખી આગામી 30 વર્ષમાં મોટો વિસ્ફોટ સર્જી શકે છે. સાકુરાજીમા પાસે ત્રણ મુખ્ય શિખરો છે. કિટા-ડેક (ઉત્તરી), નાકા-ડેક (મધ્ય) અને મિનામી-ડેક (દક્ષિણી). ભૂતકાળમાં અહીં હજારોની વસ્તી રહેતી હતી, જે હવે કાગોશિમા શહેરનો એક ભાગ બની ગઈ છે. આ ક્ષેત્ર પ્રવાસીઓ માટે ઓનસેન એટલે કે ગરમ પાણીના ઝરણા, જ્વાળામુખીની રાખમાંથી બનેલા માટીકામ અને સ્થાનિક ઉત્પાદનો જેવી કે સાકુરાજીમા ડાઈકોન મૂળા અને સાકુરાજીમા કોમિકન નારંગી માટે પણ પ્રખ્યાત છે.
માઉન્ટ એટના, ઇટાલી
માઉન્ટ એટના સિસલી દ્વીપના પૂર્વી તટ પર આવેલો યુરોપનો સૌથી મોટો અને સતત સક્રિય જ્વાળામુખી છે. એનો સૌથી ઊંચો હિસ્સો 19,237 હેક્ટરમાં ફેલાયેલું પ્રાકૃતિક સ્થળ ધરાવે છે. જે યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે. ભૂમધ્યસાગર ટાપુ પરનો આ પર્વત સૌથી ઊંચો છે અને વિશ્વનો સૌથી સક્રિય સ્ટ્રેટોવોલ્કેનો ગણાય છે. માઉન્ટ એટનાનો વિસ્ફોટક ઈતિહાસ આશરે પાંચ લાખ વર્ષ જૂનો છે, જ્યારે સક્રિય વિસ્ફોટક પ્રવૃત્તિનો દસ્તાવેજીકૃત ઈતિહાસ ઓછામાં ઓછો 2,700 વર્ષ જૂનો છે. દર વર્ષે આ જ્વાળામુખીમાં અનેક વખત લાવા અને રાખના વિસ્ફોટો જોવા મળે છે, ક્યારેક લાવા નદીની જેમ નીચેના ગામડાઓ સુધી વહી જઈને જોખમ ઊભું કરે છે. એની રાખના વાદળો હવાઇ મુસાફરીમાં અવરોધ ઊભો કરે છે અને આસપાસના શહેરો પર રાખનું આવરણ પાથરી દે છે. પર્વતની પેટાળ નીચેનું સતત દબાણ અને સક્રિયતા એ માઉન્ટ એટનાને યુરોપ માટે સતત જોખમરૂપ બનાવે છે.
સંસ્થાની સફળતા માટે દ્રષ્ટિ અને દિશા વચ્ચેનો ભેદ સમજવો એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. દ્રષ્ટિ એ સ્વપ્ન છે જે ભવિષ્યનાં માર્ગ દર્શાવે છે, જ્યારે દિશા એ તે સ્વપ્નને વાસ્તવિક બનાવવાનો માર્ગ બતાવે છે. ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયના ત્રીસમાં શ્લોકમાં-
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥
અર્થાત્ બધાં જ શરીરોમાં આ શરીરવાળો છે એટલે કે તેને આત્મા કહે છે. એ ક્યારેય મરતો નથી. તેથી કોઈ જીવધારી પર તમારે શોક ન કરવો જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે શરીર નાશવાન છે પણ આત્મા અમર છે; આ વિચાર સંચાલન માટે પણ ઉંડો સંદેશ આપે છે – વિચાર કે દ્રષ્ટિ અમર છે, દિશા એ તેના જીવનનું સાધન છે. ઘણા સંગઠનો દિશા વિના દ્રષ્ટિ ધરાવે છે, એટલે કે માત્ર સપના દેખે છે, પરંતુ માર્ગ નક્કી નથી; અને ઘણા સંગઠનો દ્રષ્ટિ વિના દિશામાં દોડે છે, એટલે કે રોજિંદા કાર્યોમાં વ્યસ્ત છે, પરંતુ લાંબા ગાળે કઈ દિશામાં જઈ રહ્યા છે તેનો ખ્યાલ નથી. દ્રષ્ટિ એ એવુ સ્વપ્ન છે જે હજી વાસ્તવિક બન્યું નથી, અને દિશા એ તેની બનાવટમાં લાગેલી બુદ્ધિ પ્રેરિત ક્રિયા છે.
ઉદાહરણ તરીકે, મહાત્મા ગાંધીની દ્રષ્ટિ સ્વતંત્ર ભારતની હતી, પણ તેમની દિશા અહિંસક સત્યાગ્રહ તરીકે સ્પષ્ટ હતી. વિઝન વગરની દિશા મુસાફરીને ગૂંચવી નાખે છે, જ્યારે દિશા વગરની દ્રષ્ટિ સ્વપ્નને અંધારામાં મૂકે છે. ઉદ્યોગ જગતમાં જુઓ તો સ્ટીવ જોબ્સની દ્રષ્ટિ માત્ર ટેક્નોલોજી બનાવવાની નહોતી, પરંતુ માનવ જીવનને પ્રેરણા આપતી ટેક્નોલોજી રચવાની હતી; તેમની દિશા ઈનોવેશન અને ડિઝાઇન થિંકિંગ રહી જે એપલને વિશિષ્ટ બનાવી. એજ રીતે નારાયણ મૂર્તિએ ઈન્ફોસિસની દ્રષ્ટિ રાખી હતી કે ભારતમાં એક વૈશ્વિક સ્તરની આઈટી કંપની ઉભી થવી જોઈએ, અને દિશા તરીકે તેમણે પારદર્શકતા, ગુણવત્તા અને માનવીય મૂલ્યો ધરાવતા વ્યવસ્થાપનનો માર્ગ અપનાવ્યો.
દ્રષ્ટિ એ નાયકનો નકશો છે અને દિશા એ તેના હાથમાં રહેલ કંપાસ છે. કોઈ પણ સંસ્થા માટે દ્રષ્ટિ જ્યારે એક પ્રેરણાત્મક ધ્યેય તરીકે ઉભી થાય છે અને દિશા તેના નિયમિત અમલમાં સહાયરૂપ બને છે, ત્યારે જ સંગઠન મોટું ધ્યેય હાંસલ કરી શકે છે.
એક સ્કૂલનું ઉદાહરણ લઈએ – જો સ્કૂલની દ્રષ્ટિ “વિદ્યાર્થીઓને વિચારશીલ અને જવાબદાર નાગરિક બનાવવાની” છે, પરંતુ શિક્ષણની દિશા ફક્ત માર્ક્સ મેળવવા સુધી સીમિત છે, તો તે દ્રષ્ટિ અધૂરી રહી જાય છે. પણ જો તે સ્કૂલ શિક્ષણમાં ચર્ચા, સંશોધન અને માનવીય મૂલ્યોનું સંકલન કરે, તો તેની દિશા તેની દ્રષ્ટિ સાથે જોડાઈ જાય છે. દ્રષ્ટિ એ ઊંચાઈ બતાવે છે કે ત્યાં પહોંચવું છે, જ્યારે દિશા એ પગલાં બતાવે છે કે કેવી રીતે પહોંચવું છે.
દ્રષ્ટિ વિના દિશા માત્ર પ્રવૃત્તિ છે અને દિશા વિના દ્રષ્ટિ માત્ર કલ્પના. ધ્યેય સંચાલનનું બુદ્ધિપુર્વક સંતુલન એ છે કે જ્યાં દરેક કર્મચારીને દ્રષ્ટિ સમજાય અને તે અનુસાર દિશામાં કામ કરે. છેવટે, ગીતાનાં ઉપદેશ પ્રમાણે દ્રષ્ટિ એ આત્માનું સ્વરૂપ છે – અમર અને અવિનાશી, જ્યારે દિશા એ તેની શરીરરૂપ ક્રિયા છે – જે બદલાય પણ છે અને ઉજળું પણ કરે છે. જે સંસ્થા આ બંને વચ્ચેનું સંવાદ સમજે છે, તે જ સમયના પરીક્ષામાં ટકી રહે છે અને અન્યો માટે પ્રેરણાસ્થાન બને છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)-બોપલ દ્વારા કલિંગા લિટરરી ફેસ્ટિવલના સહકાર સાથે ‘કેલોરેક્સ લિટરરી ફેસ્ટિવલ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટએ ભાષા અને સાહિત્યિક શ્રેષ્ઠતાને સમર્પિત ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેનું ઉદઘાટન સત્ર અગ્રણી શિક્ષકો, લેખકો, પત્રકારો અને મહાનુભાવો વચ્ચે વિચારોના જીવંત આદાનપ્રદાન તરીકે પ્રગટ થયું હતું.
કલિંગા સાહિત્ય મહોત્સવના સી.ઈ.ઓ. અને પેટ્રન અશોક કુમાર બલે સાર્થક સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજનોની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. કલિંગ લિટરરી ફેસ્ટિવલના સ્થાપક અને પ્રમુખ રશ્મિ રંજન પરિદાએ જણાવ્યું હતું કે, આ મહોત્સવનો ઉદ્દેશ્ય, બધાને સાથે લાવતા સમાવિષ્ટ સાહિત્યિક સ્થાનોનું નિર્માણ કરવાનો છે, જે વિવિધ ભાષાઓ અને વિચારોને એકસાથે લાવે અને જેનાથી સાહિત્યિક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બને.
આ દ્રષ્ટિકોણમાં ઉમેરો કરતાં, કેલોરેક્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ., એજ્યુપ્રેન્યોર અને લેખિકા, ડૉ. મંજુલા પૂજા શ્રોફે ટેકનોલોજીને મુખ્ય સાહિત્યિક મૂલ્યો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ડિજિટલ ઈનોવેશન મારફતે, ભાષા અને સાહિત્યના અભ્યાસને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.
પ્રખ્યાત કવયિત્રી અને અનુવાદક દીપા અગ્રવાલે યુવા મનને આકાર આપવામાં કલ્પનાશક્તિની પરિવર્તનશીલ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જ્યાં વાંચનને સર્જનાત્મકતાના પ્રવેશદ્વાર તરીકે ઉજવવામાં આવે, તેવી સંસ્કૃતિ વિકસિત કરવાની હાંકલ કરી હતી. લેખિકા અને ભૂતપૂર્વ પત્રકાર સેવી કર્નેલે આજની પેઢી સાથે સંકળાયેલી, આજના જમાનાની આધુનિક કથાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાહિત્યિક વિવેચક અને ફેસ્ટીવલ એડવાઈઝર જતીન્દ્ર કુમાર નાયકે સાંસ્કૃતિક ઓળખ પર વાર્તા કહેવાની પરંપરાઓના કાયમી પ્રભાવ અંગે જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં ડૉ. નરોત્તમ સાહૂ (સિનિયર સાઈન્ટીસ્ટ-ગુજરાત સાયન્સ સિટી, સલાહકાર અને સભ્ય સચિવ, GUJCOST), લેખક, દિગ્દર્શક અને રંગમંચ અભિનેતા પ્રશાંત રાવલ; આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રત્નરાજ શેઠ; રાગિની ભારદ્વાજ (લેખક અને લાઈફ કોચ) તેમજ કેલોરેક્સ ગ્રુપના શૈક્ષણિક નિયામક આરતી મિશ્રા સહિત પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીએ આ ઉત્સવને સાહિત્યિક સૂઝ, વ્યાવસાયિક કુશળતા અને પ્રેરણાદાયી દ્રષ્ટિકોણથી વધુ સમૃદ્ધ બનાવ્યો હતો.
અહીં યોજાયેલા ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સે સર્જનાત્મક લેખન, પ્રકાશન અને વાર્તા રચનામાં વ્યવહારુ તાલીમ આપને આ ઉત્સવને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો. ઈનોવેટીવ સત્રોએ સાહિત્યિક સર્જનાત્મકતામાં ભાગીદાર તરીકે AIની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ સત્રોએ દર્શાવ્યું હતું કે, ટેકનોલોજી કેવી રીતે માનવ કલ્પના અને ભાષાકીય અભિવ્યક્તિને બદલવાને બદલે તેમાં વધારો કરી શકે છે!
આ મહોત્સવમાં પ્રાદેશિક ભાષાઓ, બહુભાષીતા અને ભારતના વૈવિધ્યસભર સાહિત્યિક વારસાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભાષાકીય વિવિધતાની ઉજવણી કરતા સત્રોમાં વિવિધ ભાષાઓમાં વાર્તાઓની વહેંચણી દ્વારા સાંસ્કૃતિક ઓળખ અને પરસ્પર આદર વધારવા માટે સાહિત્યની ક્ષમતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં, શાળાના વાઇસ હેડ બોય અને વાઇસ હેડ ગર્લ દ્વારા ઔપચારિક આભારવિધિ અને ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં સાહિત્યિક ઉજવણી અને વિદ્વતાપૂર્ણ આદાન-પ્રદાનની ભાવનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી.
શ્રીલંકા: ભારત ‘ઓપરેશન સાગરબંધુ’ હેઠળ પડોશી દેશ શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું છે. દિતવાહ વાવાઝોડાના પગલે 123 લોકોના મોત બાદ શ્રીલંકામાં ઈમરજન્સી લાગૂ કરવામાં આવી છે. દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે 2 ચેતક હેલિકોપ્ટર મોકલ્યા છે.
વાવાઝોડાને લઈને શ્રીલંકામાં એક અઠવાડિયા સુધી ભારે વરસાદ વરસ્યો, પરિણામે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતમાં 44,000 હજાર લોકોના ઘર બરબાદ થઈ જતાં પ્રભાવિત લોકોને સરકારી શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા હતા.
કોલંબો તંત્રના અધિકારી મુજબ, ભારત તરફથી મદદ મળ્યા બાદ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શ્રીલંકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત દિતવાહએ શનિવાર(29 નવેમ્બર) સુધીમાં 125 લોકોના જીવ લીધા છે. હજુ પણ 130 લોકો ગુમ છે. શોધ અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ભારતે INS વિક્રાંત પર તૈનાત બે ચેતક હેલિકોપ્ટર શ્રીલંકા મોકલ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.
ભારતમાં પાંચ રાજ્યોને એલર્ટ
IMD મુજબ, દિતવાહ વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આ બધા વચ્ચે શ્રીલંકાથી ઉભરી આવેલું ચક્રવાત દક્ષિણ ભારતીય દરિયાકાંઠે પ્રવેશ્યું છે. પરિણામે સરકારે તમિલનાડુ સહિત પાંચ ભારતીય રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે.
‘આપરેશન સાગરબંધુ’
વાવાઝોડાના કારણે સર્જાયેલી મુશ્કેલીની ક્ષણમાં ભારત તરફથી રાહત સામગ્રી સહિત અન્ય આવશ્યક વસ્તુ શ્રીલંકા મોકલવામાં આવી છે. જેમાં ‘આપરેશન સાગરબંધુ’ હેઠળ ભારતીય વાયુસેનાએ શનિવારની સવાર સુધી 21 ટન રાહત સામગ્રી મોકલી છે. સરકારે NDRFના 80 જવાનોને શ્રીલંકાની મદદ માટે મોકલ્યા છે.
નવી દિલ્હીઃ જમિયત ઉલમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ કહ્યું હતું કે દુઃખની વાત છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ કરીને બાબરી મસ્જિદ અને ત્રણ તલાક જેવા મામલાઓમાં આવેલા ચુકાદાઓ બાદ એવી માન્યતા બની રહી છે કે કોર્ટો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. વર્તમાન સમયમાં વર્શિપ એક્ટની અવગણના કરતાં જ્ઞાનવાપી અને મથુરાના કેસોની સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ એ સમય સુધી જ સુપ્રીમ કહેવાવાનો હક ધરાવે છે, જયાં સુધી તે બંધારણનું પાલન કરે છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ઇસ્લામ અને મુસલમાનોના દુશ્મનોએ ઇસ્લામની પવિત્ર કલ્પના જેહાદને અવ્યવસ્થા, ગેરવર્તન અને હિંસા જેવા શબ્દોના અર્થ સાથે જોડીને રજૂ કરી છે. લવ જિહાદ, લેન્ડ જિહાદ, તાલીમ જેહાદ અને થૂંક જિહાદ- જેવા શબ્દોના ઉપયોગથી મુસલમાનોને ઊંડી ઠેસ પહોંચે છે અને તેમના ધર્મનું અપમાન થાય છે.
વિશેષ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો છે- મદની
તેમણે કહ્યું હતું કે દેશની વર્તમાન પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક છે. દુઃખ સાથે કહેવું પડે છે કે એક વિશેષ સમાજને જબરદસ્તીની સાથે નિશાન બનાવવામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય સમાજોને કાનૂની રીતે નબળા બનાવવાની, સામાજિક રીતે એકાંતમાં ધકેલવાની અને આર્થિક રીતે અપમાનિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમના ધર્મ, ઓળખ અને અસ્તિત્વને નબળું કરવા માટે મોબ લિંચિંગ, બુલડોઝર કાર્યવાહી, વકફ સંપત્તિઓની જપ્તી, ધર્મિક મદરસાઓ અને સુધારાઓ સામેના નકારાત્મક અભિયાનો સહિત સંગઠિત અને વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે.
Bhopal, Madhya Pradesh: Islamic scholar Maulana Mahmood Madani says, “…The enemies of jihad, Islam, and Muslims have turned Islam’s sacred concepts, such as jihad, into terms associated with abuse, disorder and violence. By using phrases like ‘love jihad,’ ‘land jihad,’… pic.twitter.com/KbKSOhhsaD
ભાજપ સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ મદનીના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે મહમૂદ મદનીનું નિવેદન માત્ર ભડકાઉ જ નથી પરંતુ સ્વરૂપે વિભાજનકારી પણ છે. મારું માનવું છે કે આ શબ્દનો ઉપયોગ ખૂબ ખોટો છે. અમે લોકોને જેહાદને નામે આતંક ફેલાવતા જોયા છે, માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં.