Home Blog Page 42

૨3 મે ૨૦૨૬

પંચાંગ 23/05/2026

સ્ટ્રીટ લાઈટના અજવાળે ભણીને અમેરિકામાં ડૉક્ટર બન્યા ડૉ. રિન્કી તન્ના

મુંબઈના સામાન્ય રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ નીચે અભ્યાસ કરવાથી લઈને અમેરિકામાં ડૉક્ટર ઓફ ડેન્ટલ મેડિસિન (DMD)ની પ્રતિષ્ઠિત પદવી મેળવવા સુધીની ડૉ. રિન્કી તન્નાની સફર સંઘર્ષ, અડગ વિશ્વાસ અને સફળતાની એક અદ્ભુત મિસાલ છે. આસપાસના વાતાવરણમાં ઉચ્ચ શિક્ષણનો ખાસ પ્રભાવ ન હોવા છતાં, પોતાના પરિવારમાંથી પ્રથમ ડૉક્ટર બનવાનું સપનું જોનાર રિન્કીબેને સામાજિક, ભાવનાત્મક અને આર્થિક પડકારો સામે સતત લડત આપીને આ સિદ્ધિ હાસિલ કરી છે.

સ્ટ્રીટ લાઈટથી શરુ થયેલો સંઘર્ષ

ડૉ. રિન્કીની કારકિર્દીનો પ્રારંભ ભારે મુશ્કેલીઓ વચ્ચે થયો હતો. યોગ્ય માર્ગદર્શનના અભાવ અને મર્યાદિત સંસાધનો છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહીં. કપરા સમયમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અભ્યાસ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી. જોકે આ લાંબી શૈક્ષણિક સફર માટે પરિવારને મનાવવો એક મોટો પડકાર હતો. છતાં તેમના માતા-પિત દીકરીની સંઘર્ષમાં lsvs પડખે ઊભા રહ્યા.

ભારતથી અમેરિકા સુધીની શૈક્ષણિક સફર

તેમણે ભારતમાં બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) પૂર્ણ કર્યું અને ત્યારબાદ પિડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રીમાં માસ્ટર્સ (MDS)ની પદવી મેળવી. પરંતુ, તેમનું લક્ષ્ય વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા મેળવવાનું હતું. આથી, તેઓ ડેન્ટિસ્ટ્રી ક્ષેત્રે એડવાન્સ તકો ઝડપવા અમેરિકા ગયા.

એક અજાણ્યા દેશમાં બધું નવેસરથી શરૂ કરવું બિલકુલ સરળ નહોતું. નવી સિસ્ટમમાં ગોઠવાવું, ઇમિગ્રેશન અને લાયસન્સ પ્રક્રિયાના કાયદાકીય અવરોધો પાર કરવા અને તેવામાં કોવિડ-૧૯ મહામારીની અનિશ્ચિતતા વચ્ચે ટકી રહેવું એ ખૂબ મોટો પડકાર હતો.  પરિવારથી દૂર રહીને આશરે ૮ વર્ષના લાંબા સંઘર્ષ અને અત્યંત કઠિન એકેડેમિક ટ્રેનિંગ બાદ, તેમણે ‘UTHealth સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી’માંથી પ્રિસેપ્ટરશિપ પૂર્ણ કરી અને આખરે ‘નોવા સાઉથઈસ્ટર્ન યુનિવર્સિટી’માંથી ડૉક્ટર ઓફ ડેન્ટલ મેડિસિન (DMD)ની ડિગ્રી મેળવી સર્જન ડૉક્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

માનવસેવા અને હેલ્થકેરનું નવું વિઝન

ડૉ. રિન્કી માત્ર એક સફળ ડેન્ટલ કરિયર બનાવવા નથી માંગતા, પરંતુ તેમનું સપનું એજ્યુકેશન, ઇનોવેશન અને કરુણા સભર સારવાર દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. તેઓ બાળકો, વયસ્કો અને ખાસ કરીને વંચિત સમુદાયોની સેવા કરવા કટિબદ્ધ છે.

તેઓ એક Airway-focused dentist તરીકે આગળ વધવા માંગે છે. જેથી તેઓ દર્દીઓના માત્ર દાંતની જ સારવાર ન કરે, પરંતુ તેમના શ્વાસ લેવાની ક્ષમતા, ઊંઘ, આત્મવિશ્વાસ અને એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરીને તેમના જીવનની ગુણવત્તા (Quality of Life) ઉત્કૃષ્ટ બનાવી શકે.

ડૉ.  રિન્કીના જીવનની આ સફળ સફર, તેમના પતિ સાગર તન્ના, માતા-પિતા, સાસુ-સસરા, અંકલ રમણિકભાઈ નથવાણી અને પરિવારના અઢળક સાથ-સહકાર, પ્રોત્સાહન અને અતૂટ વિશ્વાસ વિના ક્યારેય શક્ય ન બની શકત. પોતાની મહેનત અને સમર્પણથી ડૉ. રિન્કી તન્નાએ માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સમાજ અને ભારત દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

ચાંદ મેરા દિલને લાગ્યું અધકચરી કથા-પટકથાનું ગ્રહણ

આજે (22 મેએ) થિયેટરમાં રિલીઝ થયેલી ‘ચાંદ મેરા દિલ’નાં મુખ્ય પાત્રો આરવ અને ચાંદની છે. ફિલ્મમાં એક ઠેકાણે આરવ ગંભીર થઈને ચાંદનીને પૂછે છે: “ક્યાંક આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યાંને?” ત્યારે ચાંદની મહાન ફિલૉસૉફરની અદાથી જવાબ આપે છે: “જો આ ભૂલ છે, તો ભૂલ સાચી જ છે!” બરાબર આ જ સમયે થિયેટરમાં માથું પકડીને બેઠેલા તમે મનોમન બોલી ઊઠો છો: “ભૂલ તો ડિરેક્ટરે અને પ્રોડ્યુસરે કરી… આ ફિલ્મ બનાવીને.”

ઓલમોસ્ટ અઢી કલાકની આ ફિલ્મમાં રોમાન્સ છે, બ્રેકઅપ છે, હર્ટ છે, હૅટ છે, લાઈફ પ્રેમી યુગલની કસોટી કરે છે અને, ફિલ્મ આપણી ધીરજની.

વાર્તા છે આરવ રાવત (લક્ષ્ય) અને ચાંદની પ્રસાદ (અનન્યા પાંડે)ની. 19-20 વર્ષની ઉંમરે હૈદરાબાદની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કૉલેજ-હૉસ્ટેલમાં ભટકાયેલાં આ બંને મહાનુભાવોને ‘સચ્ચા પ્યાર’ થઈ જાય છે. બન્ને ચોવીસ કલાક એકબીજામાં ખોવાયેલાં રહે છે, ચાલુ ક્લાસમાં ડાયાબિટીસ થઈ જાય એવા વૉટ્સૅપ મેસેજ કરે છે. બંને સાવ અલગ, અતરંગી પરિવારમાંથી આવે છે. ચાંદનીને ડિવોર્સી સિંગલ મધરે ઊછરી છે, આરવનાં ધનાઢ્ય મા-બાપને સંતાન કરતાં સમાજમાં પોતાની ઈમેજની ચિંતા વધારે છે. ઘરમાં પ્રેમની અછત સાથે ઊછરેલા બંને એક ખૂબસૂરત દુનિયા બનાવવાના અથાક પ્રયત્ન કરી રહ્યાં છે.

પછી લાઈફમાં એક મોટી ક્રાઈસીસ આવે છે, ઘરવાળાં મોઢાં ફેરવી લે છે. હવે આખી દુનિયામાં આરવ અને ચાંદનીને એકબીજાનો જ સહારો છે. માથે જવાબદારીઓનો એવો મોટો પહાડ તૂટી પડે છે કે બંને એના બોજ નીચે દબાવા લાગે છે. પછી એક દિવસ એવું કંઈ બને છે, જેની કોઈએ કલ્પના નહોતી કરી. આ સાથે એમની જિંદગી યુ-ટર્ન લઈ લે છે.

સાંભળવામાં અને કલ્પના કરવામાં વાર્તા બહુ એક્સાઈટિંગ લાગે, પણ ઓ હેલ્લો, જોવામાં એટલી જ કંટાળાજનક છે. એમાંય ઈન્ટરવલ પછી તો ફિલ્મ પાટા પરથી ઊતરી પડે છે.

બાકી, છોકરાં-છોકરી પોતાને દોઢડાહ્યાં સમજીને જીવનમાં મોટા નિર્ણય લઈ લે અને પછી ખબર પડે કે આ તો બરાબરનાં સલવાણાં આપણે… આવી વાર્તાઓ આપણે હિંદી સિનેમામાં એટલી વાર જોઈ ચૂક્યાં છીએ કે એ ફિલ્મોના ડાયલોગ મોઢે થઈ ગયા છે. એક એક્ઝામ્પલઃ ‘સાથિયા’ (વિવેક ઓબેરોય-રાની મુખર્જી). જો શૉર્ટ ફિલ્મ હોત તો વાંધો નહોતો, પણ આ તો અઢી કલાકની ફિલ્મ બનાવી કાઢી.

વિવેક સોની-તુષાર પરાંજપે-અક્ષત ઘિલડિયાલનો સ્ક્રીનપ્લે સુસ્ત અને કંટાળાજનક છે. બાકી હતું તે ફિલ્મના ડાયલોગ્સે પૂરી કર્યું. ‘ચાંદ મેરા દિલ’  શરૂઆતથી જ પ્રેક્ષકનું ધ્યાન ખેંચવામાં પૂરેપૂરી નિષ્ફળ જાય છે. આરવ-ચાંદની શરૂઆતથી જ પ્રેક્ષક સાથે કનેક્ટ થતાં નથી. બંને એટલી ચીઝી અને બાલિશ હરકતો કરે છે, તમને થાય કે વાંધો નહીં, ટાબરિયાં છે, સુધરી જશે. પણ ના. બચપનાનો અંત જ નથી આવતો. જો કે રોમાન્સમાં ટ્વિનિંગવાળી વાત મને ક્યૂટ લાગીઃ સવારના પહોરમાં ચાંદનીને ગર્લ્સ હૉસ્ટેલમાંથી નીકળતી જોઈ આરવ મિત્રો સાથે મૉલમાં જઈને એણે જે કલરના વાઘા પહેર્યા હોય એ જ કલરનાં શર્ટ ફટાફટ ખરીદી, પહેરીને ક્લાસમાં આવે.

સ્ક્રીનપ્લેમાં લોજિકના એટલા લોચા છે કે આપણને નવાઈ લાગે. જેમ કે હૈદરાબાદના બિઝી રોડ પર બાઈક પર બેસીને અગડંબગડં કરવા બદલ આરવ-ચાંદનીની અરેસ્ટ થાય છે. બન્નેના મિત્રો પુલીસસ્ટેશનમાંથી કેવી રીતે છૂટવું એ માટે લમણાંઝીક કરી રહ્યા છે ત્યારે પેલાં બન્ને કંઈ અલગ દુનિયામાં છે. આરવ કહે છે કે મેં (તારા માટે) સિગારેટ છોડી દીધી છે. ચાંદની ભાવુક થતાં કહે છેઃ “મને ક્યારેય કોઈએ આટલું મહત્વ આપ્યું નથી, કારણ કે મારો બાપ મારી માને મારતો હતો.” પછી આરવ પણ ઉદાસીની વાતોમાં પોતાનો થોડોઘણો ફાળો આપે છે, સીન કટ્ થાય છે. શું મતલબ હતો આ સીનનો? આવા તો ગણ્યાગણાય નહીં એવા ને એટલા સીન છે…

પરફોરમન્સની વાત કરીએ તો, કહેવું જોઈએ કે લક્ષ્ય (‘બૅડ ઑફ બડાસ’ ફેમ) અને અનન્યાએ સારું કામ કર્યું છે, અમુક ચાવી રૂપ સીન્સમાં એમનો અભિનય સારો છે, પણ એમને સારાં કથા-પટકથા-સંવાદ મળવા જોઈતાં હતાં.

વિવેક સોનીની આ પહેલાંની ફિલ્મો ‘મીનાક્ષી સુંદરેશ્વર’ (સાન્યા મલ્હોત્રા-અભિમન્યુ દાસાની) અને ‘આપ જૈસા કોઈ’ (આ. માધવન્-ફાતિમા સના શેખ) ગમેલી, પણ ‘ચાંદ મેરા દિલ’માં વિવેક કુમાર ટોટલ ગોથું ખાઈ ગયા.

એમએસ ધોની મુદ્દે CSK પર ફેન્સને ગુમરાહ કરવાનો શ્રીકાંતનો આરોપ

ચેન્નઈઃ દેશના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિષ્નામાચારી શ્રીકાંતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) મેનેજમેન્ટ પર તીખો હુમલો કર્યો છે. તેમણે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, કોચ સ્ટીફન ફ્લેમિંગ અને ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ પર આરોપ લગાવ્યો હતો કે આખી સીઝન દરમિયાન એમ. એસ. ધોની (MS Dhoni)ની વાપસી અંગે ચાહકોને ભ્રમમાં રાખવામાં આવ્યા. હકીકતમાં સોશિયલ મિડિયા પર ‘MS Dhoni Scam’ ટોપિક ખૂબ ચર્ચામાં છે. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વારંવાર ધોનીની વાપસીના સંકેતો આપી ચાહકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર કેએસ શ્રીકાંતે પણ એ જ વાત દોહરાવી કે મેનેજમેન્ટ સતત ધોનીના ટ્રેનિંગના વિડિયો અને તસવીરો શેર કરતું રહ્યું, જેથી લોકોમાં તેમની વાપસીની આશા જીવંત રહે.

ચાહકોને ગેરમાર્ગે દોરાયા

તેમની યુટ્યુબ ચેનલ પર કેએસ શ્રીકાંતે કહ્યું હતું કે સીઝન શરૂ થવા પહેલાં જણાવાયું હતું કે ધોનીને પગમાં ઇજા છે અને તે ટૂંક સમયમાં વાપસી કરશે. ગાયકવાડ અને કોચ પણ સતત એક જ વાત કરતા રહ્યા કે ધોની આગામી મેચમાં ઉપલબ્ધ થઈ શકે છે. દરેક મેચ પહેલાં ટ્રેનિંગનો વિડિયો જાહેર કરવામાં આવતો, જેથી ચાહકોને લાગે કે ધોની સંપૂર્ણ ફિટ છે અને રમવા માટે તૈયાર છે.

ગઈ કાલે  ગુરુવારે GTએ CSKને હરાવ્યું હતું. તે મેચ બાદ ગાયકવાડને એમએસ ધોની  વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ગાયકવાડે કહ્યું હતું કે ધોની આગામી સીઝનમાં રમશે કે નહીં તે આવતા વર્ષે જ ખબર પડશે. ગાયકવાડના આ નિવેદન પર પણ શ્રીકાંત ભારે નારાજ થયા હતા.

 જ્યારે રમવાનું જ નહોતું તો…

શ્રીકાંતે કડક શબ્દોમાં CSK મેનેજમેન્ટ પર આરોપ લગાવતા કહ્યું કે ચાહકોને ભ્રમિત કરવાનું હવે બંધ કરવું જોઈએ. દિગ્ગજ ક્રિકેટરે આગળ કહ્યું કે જો ધોની આખી સીઝન રમવાનો જ નહોતો તો તેની માહિતી પહેલેથી જ આપી દેવી જોઈએ હતી, જેથી ચાહકો માનસિક રીતે તેના માટે તૈયાર રહી શકે.

Nutshell in 99

એરપોર્ટ પરથી અઢી કરોડનું સોનું ચોરાયું: આઠ આરોપીની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી એર કાર્ગો મારફતે લગભગ 2.1 કિલો વજનના સોનાના દાગીના, જેની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હતી, બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ જ્વેલરી ક્યારેય પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જ નહીં. ત્યાર બાદ થયેલી તપાસમાં એક ખૂબ જ સુનિયોજિત લૂંટનો પર્દાફાશ થયો, જે કોઈ બોલિવૂડ ક્રાઇમ થ્રિલર જેવી લાગી રહી છે. હકીકતમાં, આશરે 2.58 કરોડ રૂપિયાની કીમતી સોનાની જ્વેલરીની એક ખેપ અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં મોકલવાની હતી, પરંતુ તે પહેલાં જ એક સુનિયોજિત ગરબડ સામે આવી, જેમાં એરલાઇન અને એરપોર્ટ સ્ટાફની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 1.72 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને કીમતી સામાન જપ્ત કર્યો છે.

ચોરીની આ ઘટના 18 એપ્રિલે બની હતી, જ્યારે અમદાવાદથી બેંગલુરુ મોકલવા માટે સોનાના દાગીનાનાં સાત પાર્સલ એર કાર્ગોમાં સોંપવામાં આવ્યાં હતાં. આ દાગીના એક જ્વેલરે ટાઇટન કંપની માટે બનાવ્યા હતા અને તેમને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અકાસા એર કાર્ગો સેવા મારફતે મોકલવામાં આવી રહ્યા હતા.

ચોરી કેવી રીતે અંજામ અપાઈ

આ ચોરીનો માસ્ટરમાઇન્ડ અકાસા એરનો સફાઈ સુપરવાઇઝર રોશન પટેલ હતો. તેને એરલાઇનના સુરક્ષા પ્રભારી જૈદ હસન અન્સારીનો સહકાર મળ્યો હતો, જેણે CCTV કેમેરા અને બોડી-વોર્ન કેમેરાથી બચીને એરપોર્ટના હાઈ-સિક્યોરિટી ઝોનમાંથી સોનું બહાર કાઢવામાં મદદ કરી હતી. પોલીસ ઉપાયુક્ત અતુલ બંસલના જણાવ્યા અનુસાર જૈદ અંસારી, રોશન પટેલ અને જૂનાગઢના રહેવાસી સુલતાન સમા આ ચોરીના મુખ્ય સૂત્રધાર હતા. આ આખી લૂંટમાં એરપોર્ટ સ્ટાફ પણ સામેલ હતો, તેથી આ ગેંગ સહેલાઈથી સુરક્ષા તપાસથી બચી ગઈ અને એરપોર્ટની અંદર જ સામાનને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડતી રહી. અંતે આ સામાન એક નકલી મુસાફરને સોંપવામાં આવ્યો, જેણે તેને એરપોર્ટમાંથી બહાર તસ્કરી કરીને લઈ ગયો હતો.

પોલીસ અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જ્યારે 4 અન્ય હજુ ફરાર છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 69.24 લાખ રૂપિયા રોકડા અને 1.02 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 1.72 કરોડ રૂપિયાથી વધુની કીમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

રશિયામાં યોજનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને નિમંત્રણ

ગાંધીનગર: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યુત ઈવાન ફેતિસોવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં રશિયન કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને મેરિ ટાઈમ, શિપ બિલ્ડીંગ અને એજ્યુકેશન સેક્ટર્સમાં સાથે મળીને કામ કરવાની ઈચ્છા દર્શાવી.ગુજરાતે પોર્ટ લેડ ડેવલોપમેન્ટની નવી પરંપરા વિકસાવી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ચર્ચા-પરામર્શ દરમિયાન એમ પણ કહ્યું કે, દેશના 40 ટકા કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ્સ પરથી થાય છે. એટલું જ નહીં, શિપ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તથા ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી સહિત વિવિધ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝથી ગુજરાત મોર્ડન એજ્યુકેશન હબ બનવા સજ્જ છે તેની પણ વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રશિયા પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું તેનો અને તાજેતરની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાયું હતું તેનો આ બેઠક દરમિયાન ઉલ્લેખ થયો હતો. કોન્સ્યુલ જનરલે મુખ્યમંત્રીને રશિયાના સેન્ટ પીટર્સબગમાં આગામી સમયમાં યોજાનારી બિઝનેસ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ પણ પાઠવ્યું. મુખ્યમંત્રીએ પણ વાઇબ્રન્ટ સમિટની આગામી કડીમાં રશિયાનું ડેલિગેશન સહભાગી થાય તેવું નિમંત્રણ આપ્યું હતું.આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. પ્રવીણા ડી.કે, તથા ઇન્ડેક્ષ-બીના જોઈન્ટ એમ.ડી. અમિત પ્રકાશ યાદવ પણ જોડાયા હતા.

PMને ઝાલમૂડી ખવડાવનાર દુકાનદારને જાનથી મારવાની ધમકી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે દુકાનમાંથી ઝાલમૂડી ખરીદી હતી, તે દુકાનના માલિકને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઝારગ્રામમાં ઝાલમૂડી વેચતા વિક્રમ સાઓએ જણાવ્યું હતું કે તેને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધમકીભરા ફોન આવી રહ્યા છે. તેણે જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસનને માહિતી આપ્યા બાદ તેની દુકાન પર બે સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. તેણે કહ્યું હતું કે પાકિસ્તાનમાંથી એક વિડિયો કોલ આવ્યો હતો, જેમાં એક જૂથે તેને અનેક પ્રકારનાં હથિયારો બતાવીને કહ્યું હતું કે તેને બોમ્બથી ઉડાવી દેશે. તેણે જણાવ્યું હતું કે ત્યાર બાદ તે ડરી ગયો અને ફોન કાપી દીધો હતો.

ઝાલમૂડી વેચનાર વિક્રમ સાઓએ વધુમાં જણાવ્યું હતું કે તેને બાંગ્લાદેશમાંથી પણ એક કોલ આવ્યો હતો. આ કોલમાં પહેલા તેને સલામ વાલેકુમ કહેવામાં આવ્યું અને પછી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે એક વોટ્સએપ મેસેજમાં લખવામાં આવ્યું હતું, તારી દુકાન અમારા નિશાને છે, બોમ્બથી ઉડાવી દઈશું.

 પીએમના દુકાને આવવાનું કારણ ગણાવ્યું

તેણે દાવો કર્યો હતો કે ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેની દુકાને ઝાલમૂડી ખરીદવા આવ્યા હતા, તેથી જ તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે ડરને કારણે હવે તે અજાણ્યા મોબાઇલ નંબરો પરથી આવતા કોલ રિસીવ કરતો નથી. તેણે કહ્યું હતું કે ધમકીભર્યા કોલ આવ્યા બાદથી તે ખૂબ ડરી ગયો છે. તેણે કહ્યું હતું કે ખૂબ ટેન્શન છે, રાત્રે સાઇકલથી ઘરે જતાં ડર લાગે છે કે કોઈ કંઈ કરી ન દે. હું એકલો છું અને પરિવાર ચલાવું છું.

વડા પ્રધાને ઝાલમૂડી ખાધી

19 એપ્રિલે પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણીપ્રચાર દરમિયાન અચાનક એક સામાન્ય ઝાલમૂડીની દુકાન પર રોકાયા હતા. દુકાને પહોંચ્યા બાદ પીએમ મોદીએ દુકાનદારને પૂછ્યું, ભાઈ, ઝાલમૂડી ખવડાવો, કેટલાની છે? સારી રીતે બનાવી આપો ઝાલમૂડી.

પશ્ચિમ બંગાળમાં પહેલી જૂનથી મહિલાઓને સરકારી બસોમાં મફત યાત્રા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પહેલી જૂન, 2026થી રાજ્ય સંચાલિત તમામ બસોમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. આ યોજના ટૂંકા અંતરથી લઈને લાંબા અંતરના તમામ રૂટ પર લાગુ પડશે. સરકારના જણાવ્યાનુસાર  જાહેર પરિવહન સેવા હેઠળ ચાલતી રાજ્ય સંચાલિત બસોની તમામ શ્રેણીમાં મહિલાઓ ભાડું ચૂકવ્યા વગર મુસાફરી કરી શકશે. આ પહેલનો હેતુ મહિલાઓને રાહત આપવાનો અને જાહેર પરિવહન સુધી તેમની પહોંચ વધુ સરળ બનાવવાનો છે.

 મહિલાઓને મળશે QR-કોડ સ્માર્ટ કાર્ડ

આ યોજના હેઠળ દરેક મહિલા લાભાર્થીને એક વિશેષ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે, જેમાં તેમનું નામ અને ફોટો હશે. આ કાર્ડ પર QR કોડ પણ હશે, જેના દ્વારા મુસાફરી દરમિયાન ઓળખની ચકાસણી કરી શકાશે. સ્માર્ટ કાર્ડ મેળવવા માટે મહિલાઓએ પોતાના વિસ્તારના BDO અથવા SDO કચેરીમાં અરજી કરવી પડશે. અરજી સાથે તાજો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માન્ય ઓળખ દસ્તાવેજો જમા કરાવવા પડશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સ્કૂલ અથવા કોલેજ ID સહિત અન્ય માન્ય ફોટો ઓળખપત્રોનો સમાવેશ થાય છે.

 સ્માર્ટ કાર્ડ બન્યા સુધી આ રીતે મળશે સુવિધા

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સ્માર્ટ કાર્ડ જારી નહીં થાય ત્યાં સુધી મહિલાઓ કોઈ પણ માન્ય ફોટો ID બતાવીને મફત મુસાફરી કરી શકશે. આ માટે બસ કંડક્ટર મહિલાઓને ‘ઝીરો વેલ્યુ ટિકિટ’ આપશે, જેના દ્વારા મુસાફરીનો રેકોર્ડ રાખવામાં આવશે.

‘અન્નપૂર્ણા યોજના’ હેઠળ દર મહિને 3000 રૂપિયા

પશ્ચિમ બંગાળ સરકારે મહિલાઓને આર્થિક સહાય આપવા માટે ‘લક્ષ્મી ભંડાર’ યોજનાને સ્થાને નવી ‘અન્નપૂર્ણા યોજના’ અમલમાં મૂકવાની સૂચના જાહેર કરી છે. આ યોજના હેઠળ બંગાળની મહિલાઓને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ યોજના પહેલી જૂનથી અમલમાં આવશે. સરકારે વધુમાં જાહેરાત કરી છે કે યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક નવા અરજદારો માટે પહેલી જૂનથી ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. સૂચનામાં જણાવાયું છે કે નવા અરજદારોની ચકાસણી તેમના નિવાસને આધારે સરકાર અથવા કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકૃત અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.