Home Blog Page 406

UNSCનું કાયમી સભ્યપદ મેળવવામાં ભારતને મદદ કરશે રશિયા?

નવી દિલ્હીઃ ભારત લાંબા સમયથી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું કાયમી સભ્યપદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન એના પર અડચણ ઊભું કરતું રહ્યું છે. જ્યારે રશિયા એકમાત્ર એવો દેશ છે, જેણે ભારતના સભ્યપદની અરજીને સૌથી મજબૂત સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દો પણ ચર્ચામાં આવે એવી શક્યતા છે.

UNSC એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને દુનિયાની મુખ્ય શાસન સંસ્થા કહી શકાય. તેમાં વિશ્વના પાંચ તાકાતવર દેશો છે, જેમના નિર્ણયો સામે કદાચ જ કોઈ વાંધો ઉઠાવી ન શકે. આ જ પરિષદનું કાયમી સભ્યપદ મેળવવા ભારત સતત પ્રયત્નશીલ રહ્યું છે. એક તરફ ચીન આમાં રોડાં કરતું રહ્યું છે તો બીજી તરફ રશિયા ભારતની પૂરી રીતે વકીલાત કરતું રહ્યું છે. દિલ્હી જો સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બને તો તેમાં મોસ્કોનો મોટો ભાગ રહેશે.

શા માટે UNSCમાં સામેલ થવું મોટી વાત છે?

આ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી શક્તિશાળી અંગ છે, જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર છે. પરિષદ શાંતિ અને સુરક્ષા સંબંધિત અનેક મોટા નિર્ણયો કરે છે, જે ભૂરાજકારણ સાથે જોડાયેલા હોય છે. તેમાં કોઈ દેશ પર સૈન્ય કાર્યવાહીથી લઈને આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોનો ચૂંટણી સુધી- અહીં સુધી કે આ પરમાણુ સુરક્ષાથી જોડાયેલા નિર્ણયો પણ લઈ શકે છે. આ પરિષદનું કાયમી સભ્યપદ મળવાથી ભારતને વિટો પાવર મળશે, જેથી ખોટા અથવા એકતરફી નિર્ણયો પર તે રોક લગાવી શકશે. આંતરરાષ્ટ્રીય મંચ પર સશક્ત હાજરીને કારણે ભારત સરહદ પર ચાલી રહેલા આતંકવાદના મુદ્દાને પણ વધુ દમદાર રીતે ઉઠાવી શકશે.

પછી વાત ક્યાં અટકી રહી છે?

ભારત વર્ષોથી UNSCનું કાયમી સભ્ય બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને P5માં જગ્યા જોઈએ — એટલે કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, રશિયા અને ચીન જેવું કાયમી સભ્યપદ. આ માગ પાછળ મજબૂત કારણ છે. ભારત વસ્તી, સૈન્ય અને અર્થતંત્ર — ત્રણેય મામલે અત્યંત સશક્ત દેશ છે. તેથી વૈશ્વિક પ્રતિનિધિત્વની વાત કરતાં તેનું સ્થાન હોવું જ જોઈએ, પણ મુદ્દો એટલા માટે અટકી જાય છે કે બધા દેશોની પાકી સહમતી મળતી નથી. કેટલાક દેશોને ભય છે કે નવા કાયમી સભ્યો આવી ગયા તો તેમની અસર અને શક્તિ ઘટી જશે.

છ દરવાજાનો અભેદ્ય કિલ્લો ધરાવતું આ નગર..

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવલું ઐતિહાસિક નગર એટલે વડનગર. અહીં હિંદુ, બૌધ્ધ, જૈન ધર્મના ઐતિહાસક ખોદકામ દરમ્યાન મળી આવ્યા છે.

સંસ્કૃતિ જ્યાં ધરબાયેલી છે એ વડનગરમાં એક સમયે છ દરવાજાની કિલ્લેબંધી હતી, જેમાં ઉત્તર દિશામાં અર્જુનબારી અને નદીઓળ દરવાજા, પશ્ચિમ દિશામાં અમતોળ દરવાજા, દક્ષિણમાં ઘાસકોળ અને પિઠોરી દરવાજો, જ્યારે પૂર્વ દિશામાં અમરથોળ દરવાજાનો સમાવેશ થાય છે. વડનગરના અર્જુનબારી દરવાજામાં જોવા મળતા લેખ મુજબ નગરની ફરતે ઇ.સ 12મી સદી દરમિયાન સોલંકી રાજાનો સમય હતો એ સમયે કુમારપાળે છ દરવાજા સાથે વડનગરની ચારે બાજુ કિલ્લો બાંધીને નગરને અભેદ્ય સુરક્ષા પુરી પાડી હતી. અર્જુનબારી દરવાજા પાસે શિલાલેખ જોવા મળે છે, જેમાં એક ચાલુક્ય વંશનાં રાજા કુમારપાળનો 1152ની સાલનો છે એમાં કિલ્લેબંધી દીવાલ બનાવ્યાનો ઉલ્લેખ છે. બીજો શિલાલેખ ઇ.સ1633નો છે, જેમાં કિલ્લાની દીવાલનો સમારકામનો ઉલ્લેખ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વિદેશી મહેમાન સાથે મળવા નથી દેતી સરકારઃ રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજથી ભારત પ્રવાસે આવી રહ્યા છે. પુતિનની મુલાકાત પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ મુલાકાત થાય. આ લોકતંત્રની પ્રક્રિયા માટે ચિંતાજનક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 સામાન્ય રીતે પરંપરા એવી છે કે બહારથી જે પણ આવે છે, તેમની LOP સાથે મુલાકાત થાય છે. મનમોહન સિંહ અને વાજપેયીના સમયમાં આ થતું હતું, પરંતુ આજકાલ શું થાય છે કે જ્યારે વિદેશી ગણમાન્ય લોકો આવે છે અથવા હું જ્યારે બહાર જાઉં છું, ત્યારે સરકાર તેમને સલાહ આપે છે કે LOP સાથે મળવું નહીં. આ સરકારની નીતિ છે અને તેઓ દર વખતે આવું જ કરે છે.

સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી નેતાઓને મળે – રાહુલ ગાંધી

તેમણે જણાવ્યું હતું કે અમને સંદેશ આવે છે કે તમે મળશો નહીં. ભારતના સંબંધો તો બધા સાથે છે. વિપક્ષના નેતાઓ પણ એક જુદો નજરિયો રજૂ કરે છે, અમે ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી મહેમાનોને મળે. વડા પ્રધાન મોદી અને વિદેશ મંત્રાલય હવે અસુરક્ષાને કારણે આવું કરે છે.

કોણ નક્કી કરે છે મુલાકાત?

જોકે આ પરંપરા સંપૂર્ણ રીતે બંધ થઈ નથી, તેમ છતાં રાહુલ ગાંધીના આરોપોની વચ્ચે સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે મુલાકાત મહેમાન જ નક્કી કરે છે. રશિયાના મામલામાં પણ પુતિન કોને મળવા માગે છે અને કોને નહીં – તે રશિયાની સરકાર નક્કી કરશે.

ઇન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, અનેક શહેરોમાં મુસાફરો હેરાન-પરેશાન

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતથી ઝઝૂમી રહી છે. તેની અસર દેશભરમાં એરલાઇનના ઓપરેશન પર ગંભીર રીતે જોવા મળી રહી છે. ગુરુવારે દિલ્હીમાં અત્યાર સુધી ઇન્ડિગોની 30થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. મુંબઈમાં 85 અને હૈદરાબાદમાં 33 ફ્લાઇટ્સ રદ થઈ છે. ત્રણ દિવસમાં 600થી વધુ ફ્લાઇટ્સ પર અસર પહોંચી છે.

ત્રણ દિવસમાં 600થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ

પાઇલટ અને કેબિન ક્રૂની અછત સહિત ઓપરેશનલ મુશ્કેલીઓને કારણે બુધવારે પણ દેશભરમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ હતી, જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવાં મોટાં એરપોર્ટ્સ પર મુસાફરોની ભીડ અને ભાગદોડ જોવા મળી હતી. વિમાન ક્ષેત્રનાં સૂત્રો મુજબ છેલ્લા ત્રણ દિવસમાં રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 600ને પાર કરી ચૂકી છે.

ઇન્ડિગો એરલાઇન્સના ડ્યૂટી રોસ્ટરમાં ગરબડ

એરલાઇનના કાઉન્ટર પર સ્ટાફની અછતને કારણે મુસાફરોને રિ-બુકિંગ અને રિફંડ માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરો નિરાશ થઈ પોતાની મુસાફરી રદ કરીને પાછા ફરી ગયા હતા. આ મોટા સંકટનું મુખ્ય કારણ પાઇલટ્સનું અચાનક મોટા પ્રમાણમાં બીમાર પડવું અને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોને કારણે ડ્યૂટી રોસ્ટરમાં પડેલી ગરબડ છે. મુસાફરોના મોસમી અવરજવરનો ચરમ સમય હોવા છતાં કંપની પાસે તૈયાર પાઇલટ્સની પૂરતી સંખ્યા ઉપલબ્ધ નથી.

DGCA દ્વારા નોટિસ આપી જવાબ મગાયો

આ ઓપરેશનલ નિષ્ફળતા પર નાગરિક ઉડ્ડયન નિયામક સત્તા DGCAએ કડક વલણ અપનાવી ઇન્ડિગોને નોટિસ પાઠવી છે. તેમાં ત્રણ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવાના કારણોનું વિગતવાર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. DGCAએ કહ્યું છે કે મુસાફરોને થતી મુશ્કેલીઓ માટે એરલાઇન જવાબદાર છે અને તેને યોગ્ય વળતર આપવું પડશે. કંપની દરરોજ અંદાજે 2300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે.

માનવીના આ મોટા દુશ્મનને ઓળખો…

અમે સાધુસંતો એમ કહેતા હોઈએ છીએ કે વેરઝેર રાખવાથી નુકસાન છે. વેરને તો ભૂલી જવું સારું, જેની સામે વેર રાખવાનું થાય એને માફી આપી, જીવનમાં આગળ વધવું.

-પણ ધારો કે હું તમને એમ કહું કે વેર બાંધો… તો? તમને આશ્ચર્ય થશે, નહીં? આપણે માંડીને વાત કરીએઃ

તમે ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલનું આ વાક્ય સાંભળ્યું જ હશેઃ “મૅન ઈઝ અ સોશિયલ એનિમલ અર્થાત્ માણસ સામાજિક પ્રાણી છે. તો માનવસ્વભાવ અથવા માનવતાની વ્યાખ્યા કરતાં કોઈએ કહ્યું કે મૅન ઈઝ અ રૅશનલ ઍનિમલ અર્થાત્ મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે, તો ત્રીજાએ કહ્યું કે મૅન ઈઝ અ મ્યુઝિકલ ઍનિમલઃ મનુષ્ય એક સંગીતમય પ્રાણી છે.

માનવીની, માનવસ્વભાવ વિશેની આવી કંઈકેટલી, જુદી જુદી વ્યાખ્યા વિશ્વ સમસ્તમાં થઈ છે. આના મૂળમાં માણસના સ્વભાવ છે. સ્વભાવના અનુભવથી લોકો માણસને ઓળખતા આવ્યા છે, ઓળખાવતા આવ્યા છે, માટે આવી અનેક ઓળખાણોના સરવાળા રૂપે કહેવું હોય તો એટલું જ કહી શકાય કે મૅન ઈઝ અ ટેમ્પરામેન્ટલ ઍનિમલઃ માણસ એ મૂળ તો સ્વભાવયુક્ત પ્રાણી છે.

જાતજાતના ને ભાતભાતના સ્વભાવોનું ઘર એટલે માણસ. મધ જેવા મીઠા ને મરચાં જેવા તીખા સ્વભાવ એમાંથી તમને મળે. તૂરા ને બૂરા, ખારા ને ખોરા સ્વભાવ ને પણ મળી આવે તો નવાઈ નહીં પામવાની. એ તમને યાદ પણ કરશે ને તમારી સામે રિયાદ પણ કરશે. એ લાગણીઓ પણ વ્યક્ત કરશે ને માગણીઓ પણ મૂકશે. એ નિંદા માટે પણ મોં ખોલી શકે છે ને પ્રશંસા માટે પણ! એ મારવા માટે પણ હાથ લંબાવી જાણે છે ને તારવા માટે પણ.

યુગ અને જમાનાની ઓળખાણ પણ મનુષ્યના સ્વભાવ ઉપરથી કરવામાં આવે છે. ઈજિપ્તના પિરામિડોનું ઐતિહાસિક સંશોધન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં કેટલાક એવા અવશેષો મળી આવ્યા કે જેના પર કંઈક લખેલું હતું. પ્રાચીન લિપિના નિષ્ણાતોએ હજારો વર્ષો પૂર્વેના એ લખાણને વાંચ્યું તો તેમાં એક જગ્યાએ એમ લખેલું હતું કે ‘અત્યારે જમાનો બગડી ગયો છે. આજથી વર્ષો પહેલાંનો જમાનો ખૂબ સારો હતો.’

નવાઈની વાત છે કે આજથી હજારો વર્ષ પહેલાં લોકો જે બોલતા હતા એવું જ આજે પણ લોકો બોલે છેઃ ‘અમારો જમાનો સારો હતો.’ કદાચ પ્રવૃત્તિઓ બદલાઈ હશે, પણ વૃત્તિ તો એની એ જ છે. સ્વભાવ અથવા પ્રકૃતિ અનાદિકાળથી આપણી સાથે જ છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં સમજાવે છે કે “…જીવે જે પૂર્વજન્મના વિશે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાના વિશે અગ્નિપ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવાં કર્મને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

આમ, કોટિકલ્પથી આ સ્વભાવ માણસમાં લોહીની જેમ વણાઈ ગયા છે. ગંભીરતાપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે વિશ્વનાં ભયાનક યુદ્ધો, પારિવારિક સંબંધોમાં તિરાડ, વ્યાવસાયિક સ્થળોમાં પક્ષપાત, શાસનમાં પડ્યુંત્ર વગેરેનાં મૂળ તો કામ, ક્રોધ, માન, મોહ, ઈર્ષ્યા જેવા માણસના સ્વભાવો જ છે. બીજા વિશ્વયુદ્ધની પાછળ હિટલરનો અહંકાર હતો તો પાણિપતની પડતી માટે ભારતીય રાજાઓના શંકાશીલ અને ક્રોધી સ્વભાવ હતા. જ્યાં સુધી આ સ્વભાવો આપણામાંથી દૂર નથી થતા ત્યાં સુધી સુખમય જીવનની કલ્પના અશક્ય છે.

આવા મહાભયાનક શત્રુને દૂર કરવાનો ઉપાય બતાવતાં વચનામૃત જણાવે છે “…માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય, તે સ્વભાવ સાથે સીધું દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે હરિની ને હરિભક્તની જે ઉપર દયા થાય ત્યારે પોતાના શત્રુ, જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે સ્વભાવ સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે.”

અત્યાર સુધી આપણે સ્વભાવોને મિત્ર માનીને પંપાળતા રહ્યા, પરિણામે તે વધુ ગાઢ બનતા ગયા, પરંતુ જો શાશ્વત સુખ અને શાંતિ તરફ વળવું હોય તો સ્વભાવો સાથે વેર બાંધવું જ રહ્યું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સંસદના મકર દ્વારે વિરોધ પક્ષોનું પ્રદૂષણ મુદ્દે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ દિલ્હીના પ્રદૂષણ મુદ્દો ગંભીર થ ગયો છે. ગુરુવાર સવારે સંસદ પરિસરમાં વિરોધ પક્ષના સાંસદો મકર દ્વારે પહોંચી પ્રદૂષણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષના કેટલાક સાંસદોએ પોતાના ચહેરા પર માસ્ક પહેર્યા હતા અને પ્રદૂષણવિરોધી સૂત્રો લખેલાં પ્લેકાર્ડ અને બેનર હાથમાં રાખ્યાં હતા. કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન થયું હતું. એક બેનર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે ‘मौसम का मजा लीजिए’ લખ્યું હતું.

પ્રદૂષણ પર ચર્ચા કરો’ના નારા

વિરોધી સાંસદોએ તેમની આ ટિપ્પણીને દિલ્હી અને અન્ય ઘણાં શહેરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સાથે જોડીને તેમના પર નિશાન સાધ્યું. સંસદ પરિસરમાં વિરોધ દરમિયાન સાંસદોએ “પ્રદૂષણ પર ચર્ચા કરો”ના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસ સંસદીય દળનાં મુખ્ય સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રદૂષણથી નિપટવા માટે કંઈક કરવા સરકાર જવાબદાર છે. તેમણે શિયાળુ સત્રમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ પર ચર્ચાની માગ સાથે સંસદ પરિસરમાં વિરોધ પક્ષનાં સાંસદો સાથે પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ હાલની વાયુ પ્રદૂષણ પરિસ્થિતિને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે કયા મોસમનો મજા લઈએ? બહાર જુઓ કેવી સ્થિતિ છે. જેમ સોનિયાજી એ કહ્યું કે નાનાં બાળકો શ્વાસ લઈ શકતા નથી.” તેમણે દાવો કર્યો કે દર વર્ષે સ્થિતિ ખરાબ થાય છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે હવે નક્કર પગલાં લેવાની જરૂર છે.

વિરોધ પક્ષના સાંસદો ચહેરા પર માસ્ક લગાવીને સંસદ પહોંચ્યા હતા. વિરોધ પક્ષ સરકાર પાસે પ્રદૂષણ સામે અસરકારક પગલાંની માગ કરી રહ્યો છે. રોહતકથી લોકસભા સાંસદ હુડ્ડાએ પત્રકારોને  કહ્યું હતું કે આજે આપણે અહીં ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર છીએ. અમારી માગ છે કે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિષય પર (જવાબ આપવા) આગળ આવે.

કોઈને પણ વક્ફ સંપત્તિઓને હાથ લગાવવાની મંજૂરી નહીં આપીએઃ CM મમતા બેનર્જી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રના વક્ફ સુધારા કાયદાને લઈને તેમની સરકારની સ્થિતિનું બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ કાયદો ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમની સરકાર રાજ્યમાં વક્ફ સંપત્તિઓને કોઈને પણ સ્પર્શ કરવાની મંજૂરી આપશે નહીં.

કેટલાક મહિનાઓ સુધી બંગાળ સરકારે સુધારેલા કાયદાને અમલમાં મૂકવાનું ટાળ્યું હતું. જોકે હવે તેણે તેને સ્વીકાર્યો છે. રાજ્ય સરકારે પાંચ ડિસેમ્બર સુધી 82,000 વક્ફ સંપત્તિઓની માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર અપલોડ કરવાની સૂચના આપી છે. આ નિર્ણયની અનેક અલ્પસંખ્યક જૂથો અને સંગઠનો દ્વારા ટીકા થઈ રહી છે.

કેટલાક લોકો ધર્મના આધારે ઝઘડી રહ્યા છે – CM મમતા

તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ધર્મને આધારે ઝઘડી રહ્યા છે. વક્ફ સંપત્તિ કાયદો ભાજપે બનાવ્યો છે. અમે વિધાનસભામાં તેનો વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં મામલો દાખલ કર્યો છે, જે હજુ ચાલી રહ્યો છે. જ્યાં સુધી અમે અહીં છીએ, અમે કોઈને પણ ધાર્મિક સ્થળોને હાથ લગાવવા નહીં દઈએ. કોઈ પણ હોય, હું કોઈને પણ ધાર્મિક સ્થળોને સ્પર્શ કરવા નહીં દઉં. હું સાંપ્રદાયિક રાજકારણ કરતી નથી. મને બધા ધર્મો પ્રિય છે.

મંગળવારે TMC મંત્રી અને જમિયત ઉલેમા-એ-હિંદ બંગાળના પ્રમુખ સિદ્દીકુલ્લા ચૌધરીએ કહ્યું હતું કે જો વક્ફ સંપત્તિઓ છીનવી લેવામાં આવશે તો મુસ્લિમો ચૂપ નહીં બેસે. મુખ્ય મંત્રીએ SIR (સોશિયલ આઇડેન્ટિફિકેશન રજિસ્ટર) પ્રક્રિયાની પણ ટીકા કરી અને લોકોને ગણતરીનો ફોર્મ યોગ્ય રીતે ભરવા, સુનાવણીમાં હાજર રહેવા અને પ્રવાસી મજૂરોને ઘરે પાછા આવવા અપીલ કરી. આ પ્રક્રિયા વિશે તેમણે કહ્યું હતું કે 12 તારીખથી દરેક બ્લોકમાં કેમ્પો મૂકવામાં આવશે, જેથી જેમનાં નામ કાપવામાં આવશે તેઓ ત્યાં પહોંચી શકે છે.

યુરોપને યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે PM મોદીથી અપેક્ષા

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આજથી ભારતના બે દિવસીય પ્રવાસે છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીનો આ તેમનો ભારતનો પહેલો પ્રવાસ છે. માનવામાં આવે છે કે છેલ્લા થોડા દિવસોમાં યુરોપના ઘણા રાજદૂતો અને અધિકારીઓએ ખાનગી રીતે ભારત સરકારને યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે પુતિન પર દબાણ લાવવાની વિનંતી કરી છે.

અનેક યુરોપિયન દેશોના દૂતાવાસ અધિકારીઓ દ્વારા આ વાત સૌજન્યપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે. તેઓ આ યુદ્ધને પોતાના અસ્તિત્વ અને યુરોપીય સુરક્ષા માટે ખતરો ગણે છે. સ્ત્રોતોએ જણાવ્યું છે કે આ યુરોપિયન રાજદૂતો અને રાજધાનીઓની તરફથી ભારતને મોકલાયેલા સંદેશનો સાર આ છે — પુતિન તમારા મિત્ર છે, તેઓ તમારી વાત સાંભળે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યુદ્ધના મેદાનમાં ઉકેલ મળી શકતો નથી, તેથી કૃપા કરીને તેમને યુદ્ધ રોકવા કહો.
ભારતે બુખા હત્યાકાંડનો વિરોધ કર્યો હતો

યુરોપિયન દેશોનો આ સંદેશ ફેબ્રુઆરી, 2022માં યુદ્ધ શરૂ થતાં જ આપેલા સંદેશથી જુદો છે, જ્યારે તેમણે ભારતને યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની ટીકા કરવા કહ્યું હતું. એ સમયે અનેક યુરોપિયન નેતા અને વિદેશ મંત્રી દિલ્હી આવ્યા હતા અને ભારતને એક પક્ષ પસંદ કરવાની અપીલ કરી હતી.

ભારતે રશિયન આક્રમણની સ્પષ્ટ નિંદા કરવા ઇનકાર કર્યો હતો, પરંતુ તેણે બુખા હત્યાકાંડ સામે અવાજ ઉઠાવ્યો હતો અને ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી હતી. રાજદ્વારી રીતે કડક વલણ અપનાવતાં ભારતે યુએનના યુક્રેન મુદ્દાના ઠરાવોમાં સતત ગેરહાજરી નોંધાવી હતી.

યુરોપથી આવેલો આ નવો સંદેશ એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે તેમાંના કેટલાક દેશ ભારતના ખૂબ નજીકના વ્યૂહાત્મક ભાગીદાર છે અને ઘણા અન્ય દેશો ભારતીય કામદારો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે મહત્વના સ્થળ તરીકે ઊભર્યા છે. આ દેશો વિકાસના કેન્દ્ર અને ટેકનોલોજી તથા મૂડીના સ્ત્રોત પણ છે. હકીકતમાં, યુરોપીય સંઘના નેતાઓને 2026ની જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસ પરેડના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ

અમદાવાદ: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતા બે જાસૂસોની ધરપકડ કરી છે. આ બે આરોપીઓની ધરપકડથી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.

દમણ અને ગોવાથી ધરપકડ

ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ઓપરેશનમાં દમણ અને ગોવા એમ બે અલગ-અલગ સ્થળોએથી બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.  રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એ.ટી.એસ. દ્વારા દમણમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજો આરોપી એ.કે. સિંહ, જે ભારતીય આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો, તેની ધરપકડ ગોવામાંથી કરવામાં આવી છે.

પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરવાનો ગંભીર આક્ષેપ છે. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એટીએસ હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યાર સુધીમાં કેટલી અને કઈ-કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.

દિલ્હી-મુંબઈના વિમાન ભાડા 20,000ને પાર! 150 થી વધુ ફ્લાઇટ્સ અચાનક રદ

નવી દિલ્હી: દિલ્હી-મુંબઈ રૂટ પર, સામાન્ય રીતે ભાડા આસમાને પહોંચે છે. મોટા પાયે ફ્લાઇટ વિલંબ, રદ અને એરલાઇન્સમાં ચાલી રહેલી ઓપરેશનલ સમસ્યાઓ હવે ટિકિટના ભાવ પર સીધી અસર થઈ રહી છે. દિલ્હી-મુંબઈના વિમાન ભાડા 20,000 રૂપિયાથી વધુ વધી ગયા છે.

દેશની સૌથી મોટી એરલાઇન બે દિવસથી ઓપરેશનલ ખામીઓના જાળામાં ફસાઈ ગઈ છે જેના કારણે મુસાફરોની મુસાફરીમાં ભારે અવરોધ ઉભો થયો છે. દરેક મુખ્ય એરપોર્ટ પર ટિકિટો માટે લાઇનો લાગેલી છે, પરંતુ ફ્લાઇટ્સ કાં તો રદ થઈ રહી છે અથવા કલાકો સુધી મોડી પડી રહી છે.

બે દિવસમાં 200થી વધુ ફ્લાઇટ્સ રદ
મંગળવાર અને બુધવારે 150થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ અચાનક રદ કરવામાં આવી હતી. બુધવારે જ, ઘણા મોટા શહેરોમાં ફ્લાઇટ્સ ખોરવાઈ હતી જેમ કે:

બેંગલુરુ: 42 ફ્લાઇટ્સ રદ
દિલ્હી: 38
મુંબઈ: 33
અમદાવાદ: 25
હૈદરાબાદ: 19
ઇન્દોર: 11
કોલકાતા: 10
બે દિવસમાં કુલ 200 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી અને સેંકડો ફ્લાઇટ્સ મોડી પડી હતી.

મુસાફરોની ધીરજ ખૂટી, એરપોર્ટ્સ અંધાધૂંધી
ફ્લાઇટ્સ અચાનક બંધ થવાથી દેશભરના એરપોર્ટ્સ પર ભારે ભીડ જોવા મળી હતી. ટિકિટ કાઉન્ટર પર લોકો દલીલ કરતા જોવા મળ્યા હતા, જ્યારે પરિવારો લાંબી કતારોમાં ફસાયેલા જોવા મળ્યા હતા. એક નિવેદનમાં, ઇન્ડિગોએ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હવામાન, સિસ્ટમ સંબંધિત ટેકનિકલ ખામીઓ અને સ્ટાફિંગ નિયમોમાં ફેરફારને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. કંપનીનો દાવો છે કે આગામી 48 કલાકમાં સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તાત્કાલિક સમગ્ર બાબતનો અહેવાલ માંગ્યો છે – કંપની પાસેથી કટોકટી શા માટે ઊભી થઈ અને તેને ઉકેલવા માટેની તેની વ્યૂહરચના અંગે વિગતો માંગી છે.

FDTL નિયમોનો નવો રાઉન્ડ સમસ્યાનું મૂળ કારણ બન્યો
ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોના નવા રાઉન્ડના અમલીકરણથી ક્રૂની ઉપલબ્ધતામાં અચાનક ઘટાડો થયો છે. પરિણામે, ઘણા વિમાનો એરપોર્ટ પર તેમને ચલાવવા માટે જરૂરી ક્રૂ ઉપલબ્ધ ન હોય ત્યાં પાર્ક કરવામાં આવે છે. ઇન્ડિગોએ વિલંબ અને રદ કરવાની મોટી સંખ્યાને સ્વીકારી, જેમાં ટેકનિકલ સમસ્યાઓ અને ટર્મિનલ પર ભીડ સમસ્યાને વધુ વકરી રહી છે.

ઇન્ડિગોએરલાઇન જણાવે છે કે,

રદ કરાયેલ ફ્લાઇટ્સના મુસાફરોને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહ્યા છે. જો ઇચ્છા હોય તો સંપૂર્ણ રિફંડ આપવામાં આવી રહ્યું છે. રાહત ટીમો વિલંબિત ફ્લાઇટ્સ પર મુસાફરોને સહાય પૂરી પાડી રહી છે. કંપનીએ પુનઃરોચ્ચાર કર્યો કે મુસાફરોની સલામતી અને આત્મવિશ્વાસ તેની ટોચની પ્રાથમિકતા છે. ઇન્ડિગોએ મુસાફરોને એરપોર્ટ પર ભીડ અને વધારાની મુશ્કેલી ટાળવા માટે ઘરેથી નીકળતા પહેલા નવીનતમ ફ્લાઇટ સ્થિતિ તપાસવાની પણ સલાહ આપી છે.