Home Blog Page 3981

પાકિસ્તાની ડ્રાઈવરે જ્યારે ભારતીય યુવતીનું ખોવાયેલું વોલેટ પાછું આપ્યું

નવી દિલ્હીઃ દુબઈના એક પાકિસ્તાની ડ્રાઈવરે ભારતીય યુવતીનું ખોવાયેલું પાકીટ પાછું આપ્યું છે. હકીકતમાં રૈશેલ રોજ નામની એક યુવતીનું પાકીટ ખોવાયું હતું, જેમાં તેના યૂકેના સ્ટૂડન્ટ વિઝા સહિત અન્ય જરુરી કાગળીયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર રૈશેલ રોજ નામની આ યુવતી દુબઈ ગઈ હતી અને પાછી આવવાના ત્રણ દિવસ પહેલા તેનું પાકીટ ખોવાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર રૈશેલે 4 જાન્યુઆરીના રોજ મોદાસર ખાદિમની ટેક્સીમાં વોલેટ ભૂલી ગઈ હતી જ્યાં તે 8 જાન્યુઆરીના રોજ માન્ચેસ્ટર જવા નીકળી ગઈ હતી.

જ્યારે આ ઘટના ઘટી તો કેલેસ્ટર યૂનિવર્સિટીમાં કોર્પોરેટની લો ની વિદ્યાર્થીની પોતાના દોસ્તના જન્મ દિવસમાં જઈ રહી હતી. 4 જાન્યુઆરીના રોજ સાંજે સાડા સાત વાગ્યે તેણે પોતાના એક મિત્ર સાથે ટેક્સી લીધી હતી. ત્યાર બાદ તુરંત જ તેણે પોતાના એક અન્ય દોસ્તની બીજી કારમાં જોયો અને પછી તેની સાથે જ વેન્યુ પર જવાનો નિર્ણય કર્યો પછી રૈશેલ અને તેની બહેનપણી ટેક્સીમાંથી ઉતરી ગયા પરંતુ પોતાનું પાકીટ ટેક્સીમાં જ ભૂલી ગયા.

યુવતીના વોલેટમાં કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ હતા અને 1000 રુપિયાથી વધારેના દિરહમ પણ હતા. ટેક્સી ડ્રાઈવર ખાદિમે જ્યારે તેમને પોતાના વેન્યુ સુધી પહોંચાડ્યા બાદમાં તેમનું પાકીટ જોયું તો તેમાંથી કેટલાક કોન્ટેક્ટ નંબર નિકળ્યા. બાદમાં ખાદીમે રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની મદદથી આ વોલેટને યુવતીના ઘર સુધી પહોંચાડ્યું.

મોદી-શાહ લોકોને ગેરમાર્ગે દોરે છે: સોનિયા ગાંધી

નવી દિલ્હી: નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી દળોની બેઠક પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોને દબાવવા, નફરત ફેલાવવા અને લોકોને સાંપ્રદાયિકતાના આધારે ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહી છે. દેશમાં અભૂતપૂર્વ ડરનો માહોલ છે. બંધારણને નબડું પાડવામાં આવી રહ્યું છે અને તંત્રનો દુરપયોગ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે, કોંગ્રેસે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ એક સરખી વિચારધારા ધરાવતા તમામ રાજકીય પક્ષોને રણનીતિ બનાવવા માટે આમંત્રિત કર્યા હતા. પણ આ વિપક્ષી એકતામાં એક પછી એક તિરોડો પડતી ગઈ અને પહેલા મમતા અને ત્યારબાદ માયાવતી અને કેજરીવાલે પણ આ બેઠકમાં હાજરી આપવાથી દૂરી બનાવી લીધી.

બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે, યુવાઓ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્સન થયા છે, જેને દેશવાસીઓનું સમર્થન પણ મળ્યું હતું. સીએએ અને એનઆરસી આની પાછળ મુખ્ય કારણ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન લોકોની અંદરનો ગુસ્સો અને નિરાશાને દેખાડે છે, હવે આ ખુલીને બહાર આવી ગયો છે. દિલ્હી અને યૂપીમાં પોલીસની પ્રતિક્રિયા ક્રૂર અને પક્ષપાતપૂર્ણ રહી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, લાગે છે કે, અસમમાં એનઆરસીએ બેક ફાયર કર્યું છે. મોદી શાહ સરકાર હવે થોડા મહિનામાં શરુ થનારી એનપીઆર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં એનઆરસીને લાગુ કરવાને લઈને આ બધુ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી દળોની બેઠક પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાઓની સમસ્યાઓને ઉકેલવાને બદલે નરેન્દ્ર મોદી દેશનું ધ્યાન ભટકાવવા અને સાંપ્રદાયિકતાના ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. યુવાઓની માગણીઓ યોગ્ય છે અને તેને દબાવવી ન જોઈએ, પણ સરકારે આ માગણીઓને સાંભળવી જોઈએ.

જેએનયુમાં દીપિકાની હાજરી: કંપનીઓમાં બ્રાન્ડવેલ્યુને લઈને ડર?

નવી દિલ્હી: જેએનયુમાં ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ દીપિકા અને તેની ફિલ્મ છપાકનો જબરજસ્ત વિરોધ શરુ થઈ ગયો હતો. જેની અસર ફિલ્મના બોક્સઓફિસ કલેક્શન પર પણ જોવા મળી રહી છે. હવે આ વિવાદને લઈને દીપિકાને મોડેલ તરીકે ઉપયોગ કરતી બ્રાન્ડ્સ પણ સતર્ક થઈ ગઈ છે. દેશમાં જાહેરાત અને ફિલ્મો માટે સૌથી વધુ પેમેન્ટ મેળવતી અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પોતાની બ્રાન્ડનું નામ જોડાયેલું હોઈ મોટાભાગની કંપની સતર્કતા દાખવવા લાગી છે.

કેટલીક બ્રાન્ડ્સે કહ્યું કે જે જાહેરાતમાં દીપિકા હોય તેવી જાહેરખબર અમે હાલ દેખાડવી ઓછી કરી દીધી છે. તો ટોચના સ્ટાર્સના જાહેરખબરોના કોન્ટ્રાક્ટર માટે કામ કરતા મેનેજર્સનું કહેવું છે કે આગામી સમયમાં જાહેરખબરોના કરારમાં એ બાબત ઉમેરવામાં આવી શકે છે કે જે તે કલાકાર જો કોઈ રાજકીય પગલું ભરે તો તેનાથી સરકાર કે લોકોના વર્ગની નારાજગીથી કંપનીને થતા નુકસાન અંગેનો ઉલ્લેખ હોઈ શકે છે. કોકા-કોલા અને અમેઝોન જેવી કંપનીઓને રિપ્રેઝેન્ટ કરતી IPG મીડિયાબ્રાન્ડ્સમાં ચીફ એક્જેક્યુટિવ શશિ સિન્હાએ કહ્યું કે, ‘સામાન્ય રીતે કંપનીઓ અને બ્રાન્ડ્સ હંમેશા સુરક્ષિત દાવ જ રમવા માગે છે. તેઓ કોઈપણ જાતના વિવાદથી બચવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, પોતાની ફિલ્મ છપાકની રિલીઝના 3 દિવસ પહેલા જ દીપિકા 7 જાન્યુઆરીના રોજ JNU કેમ્પસ પહોંચી હતી. અહીં તે JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ પાસે ઉભેલી જોવા મળી. તેની આ તસવીર સામે આવતા ડાબેરી વિચારધારા તરફ ઝોક ધરાવતા કલાકારોથી લઈને મંત્રીઓએ તેના સાહસના વખાણ કર્યા હતા. તો જમણેરી વિચારધારા સાથે સંકળેયાલા તમામે તેના પર નિશાન સાધ્યું હતું. ટ્રોલર્સે પણ તેને આ માટે ટ્રોલ કરી હતી. બાયકોટ છપાકના વિરોધ વચ્ચે ફિલ્મે પ્રથમ બે દિવસમાં 11.67 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનો કુલ ખર્ચ 35 કરોડ જેટલો છે.

દીપિકા બ્રિટાનિયાના ગુડ ડે, લોરિયલ, તનિષ્ક, વિસ્તારા એરલાઇન્સ અને એક્સિસ બેંક સહિત 23 બ્રાન્ડ માટે જાહેરખબર કરે છે. દીપિકાની નેટવર્થ 103 કરોડની છે. ટ્વિટર પર તેના 2.68 લાખ ફોલોઅર્સ છે. કહેવાય છે કે એક ફિલ્મ માટે દીપિકા 10 કરોડ અને એક જાહેરખબર માટે 8 કરોડ રુપિયા લે છે.

સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડોઃ સોનું 40,432 ના ભાવે

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં સોમવારના રોજ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યુરીટીઝ અનુસાર વૈશ્વિક સ્તર પર ભારે વેચવાલી અને રુપિયો મજબૂત થવાથી સોમવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 236 રુપિયાના ઘટાડા સાથે 40,432 રુપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર આવી ગયું છે. ગત સત્રમાં સોનું 40,668 રુપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયું હતું. દિલ્હીમાં ચાંદીની કીંમતમાં 376 રુપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. શહેરમાં ચાંદી સપ્તાહના પ્રથમ સત્રમાં 47,635 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું. ગત સત્રમાં ચાંદી 48,011 પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થયું હતું.  

HDFC Securities માં સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે, ભારે વેચવાલી અને મજબૂત રુપિયાના કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ સોમવારના રોજ પ્રતિ દસ ગ્રામ 236 રુપિયા જેટલો ઘટી ગયો. દિવસના વ્યાપારમાં ડોલરના મુકાબલે રુપિયો 13 પૈસા મજબૂત થઈ ગયો.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તર પર સોનાનો ભાવ 1,550 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયું છે. તો પ્રતિ ઓંસ ચાંદીનું મૂલ્ય 17.97 ડોલર રહ્યું.

મહિલા ક્રિકેટર જૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા મુખ્ય ભૂમિકા કરશે?

મુંબઈ – અનુષ્કા શર્મા છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળી હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સદંતર પીટાઈ ગઈ હતી. 2019નું આખું વર્ષ અનુષ્કા ફિલ્મોથી દૂર રહી હતી. એનાં પ્રશંસકો અનુષ્કા સ્ક્રીન પર પાછી ફરે એ જોવા માટે ખૂબ આતુર છે.

આખરે અનુષ્કા રૂપેરી પડદા પર પાછી ફરવા સજ્જ થઈ ગઈ છે. એની નવી ફિલ્મ ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન અને પશ્ચિમ બંગાળનિવાસી ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીનાં જીવન પર આધારિત બાયોપિક હશે.

એક અહેવાલ મુજબ, અનુષ્કા આવતી 25 જાન્યુઆરીથી કોલકાતામાં જૂલન ગોસ્વામી બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરે એવી ધારણા છે.

અનુષ્કા ગઈ કાલે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે જૂલન ગોસ્વામી સાથે જોવા મળી હતી. અનુષ્કા ક્રિકેટરનાં ડ્રેસમાં સજ્જ થઈ હતી. કહેવાય છે કે એ જુલનની બોલિંગ સ્ટાઈલ તથા એની બીજી સ્ટાઈલને અપનાવવાની કોશિશ કરી રહી છે.

જુલન ગોસ્વામી જમણેરી મધ્યમ ઝડપી બોલર ઓલરાઉન્ડર તરીકે રમી છે. 2002માં એણે કારકિર્દીનો આરંભ કર્યો હતો અને હજી પણ રમી રહી છે.

અત્યાર સુધીમાં એ 10 ટેસ્ટ મેચ, 177 વન-ડે ઈન્ટરનેશનલ અને 68 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી ચૂકી છે. ટેસ્ટમેચોમાં એણે 283 રન કર્યા અને 40 વિકેટ લીધી છે. વન-ડે ક્રિકેટમાં 1061 રન કર્યા છે અને 218 વિકેટ લીધી છે જ્યારે ટ્વેન્ટી-20 ક્રિકેટમાં 405 રન કર્યા છે અને 56 વિકેટ લીધી છે. એ 2008થી 2011ની સાલ સુધી ભારતની કેપ્ટન રહી હતી.

જુલન ગોસ્વામીને 2007માં આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ યર ઘોષિત કરવામાં આવી હતી. એ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરોમાંની એક છે.

2010માં એને ‘અર્જૂન એવોર્ડ’ આપવામાં આવ્યો હતો અને 2012માં ‘પદ્મશ્રી’ ખિતાબથી એને નવાજવામાં આવી હતી.

જાણીતી વ્યક્તિઓની બાયોપિક ફિલ્મ બનાવવાનો બોલીવૂડમાં છેલ્લા કેટલાક વખતથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવાનું પણ નિર્માણ હેઠળ છે. એમાં તેની ભૂમિકા તાપસી પન્નૂ કરવાની છે.

દિગ્દર્શક કબીર ખાને 1983માં ભારતે મેળવેલા ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપ વિજય પર આધારિત હિન્દી ફિલ્મ ’83’ બનાવી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહે કરી છે.

વોલમાર્ટે ભારતમાં 56 કર્મચારીઓને છૂટા કર્યા

મુંબઈ – અમેરિકાસ્થિત ગ્લોબલ રીટેલ કંપની વોલમાર્ટની ભારતસ્થિત પેટાકંપની વોલમાર્ટ ઈન્ડિયાએ ભારતમાં 56 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આમાં આઠ સિનિયર મેનેજમેન્ટ સ્તરના છે.

કંપનીએ તેની પુનઘર્ડતર પ્રક્રિયા શરૂ કરી છે અને તેના ભાગરૂપે એણે 56 કર્મચારીઓને છૂટા કર્યા છે.

વોલમાર્ટ ઈન્ડિયા ભારતમાં 28 કેશ-એન્ડ-કેરી સ્ટોર્સ ચલાવે છે. આ સ્ટોર્સને વધારે સરસ રીતે ચલાવવાનો તે પ્લાન ઘડી રહી છે.

વોલમાર્ટ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને સીઈઓ ક્રિશ ઐયરે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે અમારા સ્ટોર્સને વધારે કુશળતાપૂર્વક ચલાવવા માગીએ છીએ. એ માટે અમારે અમારા કોર્પોરેટ સ્ટ્રક્ચરની સમીક્ષા કરવી આવશ્યક છે, જેથી અમે યોગ્ય રીતે ઓર્ગેનાઈઝ થઈ શકીએ. આ સમીક્ષાના ભાગરૂપે અમે કોર્પોરેટ ઓફિસમાં તમામ સ્તરે અમારા 56 સહયોગીઓને છૂટા કર્યા છે.

આ 56 જણમાં 8 જણ સિનિયર મેનેજમેન્ટ સ્તરે છે અને 48 જણ મધ્યમ તેમજ નીચલા સ્તરના મેનેજમેન્ટમાં છે.

ઐયરે જોકે એક સ્પષ્ટતા કરી છે કે કંપની આવતા એપ્રિલ મહિનામાં રીસ્ટ્રક્ચરિંગનો બીજો રાઉન્ડ લાવવાની નથી. એ વિશેની બધી અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે.

વોલમાર્ટે ભારતમાં છ નવા બેસ્ટ પ્રાઈસ મોડર્ન હોલસેલ સ્ટોર્સ શરૂ કર્યા છે અને 2019માં કંપનીનું વેચાણ 22 ટકા જેટલું વધ્યું હતું. કંપની વાસ્તવિક (બ્રિક એન્ડ મોર્ટર અથવા નોર્મલ) સ્ટોર્સ તથા ઈ-કોમર્સ બિઝનેસમાં વધુ મૂડીરોકાણ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે 2018માં વોલમાર્ટે ભારતની ઈ-કોમર્સ રીટેલર કંપની ફ્લિપકાર્ટમાં 16 અબજ ડોલરમાં બહુમતી હિસ્સો ખરીદી લીધો હતો અને ત્યારબાદ કંપનીના બ્રિક એન્ડ મોર્ટર બિઝનેસમાં છટણીઓ કરવાનું શરૂ કર્યું હતું.

વોલમાર્ટનો મુકાબલો હરીફ ગ્લોબલ કંપની એમેઝોન સાથે છે. આ બંને કંપની વચ્ચે ભારતમાં ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.

વોલમાર્ટે 2014માં ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને પહેલો સ્ટોર લખનઉ અને હૈદરાબાદમાં ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યો હતો. બાદમાં એણે બીજા સ્ટોર્સ પણ શરૂ કર્યા હતા.

બગદાદમાં ફરી યુએસ એરબેઝ પર હુમલોઃ 4 ઈરાકી સૈનિક ઘાયલ

બગદાદ: ઈરાન અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં જ ઈરાને કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેતા ઈરાન સ્થિત બે અમેરિકન આર્મી કેમ્પ પર એક ડર્ઝનથી વધુ બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો. ઈરાની મીડિયાનો દાવો છે કે, આ હુમલામાં લગભગ 80 અમેરિકન સેૈનિકો માર્યા ગયા. અમેરિકાએ આ વાતનું ખંડન કર્યું હતું. ઈરાકની રાજધાની બગદાદમાં ગયા રવિવારે ફરી એક વખત અમેરિકન સેન્ય કેમ્પ પર રોકેટ છોડી હોવાના સમાચાર બહાર આવ્યા છે.

અલ જજીરાના અહેવાલ અનુસાર, આ હુમલામાં ચાર ઈરાકી સૈનિકો ઘાયલ થયા છે. અમેરિકન સૈનિકોને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી. મળતી માહિતી મુજબ, અહીં સ્થિત અલ બલાદ એરબેઝ પર રોકેટો છોડવામાં આવી હતી. આ બેઝમાં અમેરિકન ટ્રેનર, સલાહકાર અને એફ 16 લડાકૂ વિમાનની મેન્ટેનન્સ સર્વિસ સાથે જોડાયેલા સૈનિકો રહે છે. અલ બલાદ એફ 16 લાડાકૂ વિમાનોનો મુખ્ય એરબેઝ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક રોકેટ એરબેઝ સ્થિત રેસ્ટોરન્ટમાં આવીને પડી હતી.

આ હુમલામાં એરબેઝનો રન વે પણ ક્ષતિગ્રસ્ત થયો છે. રોકેટ અટેકમાં ઘાયલ થયેલા ઈરાકી સૈનિકો એરબેઝના ગેટ પર તૈનાત હતા. બેઝમાં અમેરિકન એક્સપર્ટ્સ, ટ્રેનર અને એડવાઈઝર સહિત અનેક લોકો હતા. હુમલામાં કોઈના મોતના સમાચાર નથી. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને જોતા હાલમાં જ યુએસએ તેમના અધિકારીઓ અને સૈનિકોને આ એરબેઝ પરથી ખસેડવાનું શરું કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ હુમલો થયો એ સમયે એરબેઝ પર અમેરિકન નાગરિકો નહતા.

મહત્વનું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકી આપી ચૂક્યા છે કે, તે યુદ્ધના પક્ષમાં નથી પણ જો ઈરાને કોઈ પણ અમેરિકન નાગરિક કે તેમની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું તો તેના ગંભીર પરિણામો આવશે. બીજી તરફ ઈરાની મંત્રીઓએ પણ અમેરિકાને જવાબ આપતા કહ્યું કે, તે પણ યુદ્ધ નથી ઈચ્છતા પણ સ્વરક્ષણમાં શક્ય જવાબ ચોક્કસપણે આપીશું. હાલમાં જ ઈરાને મિસાઈલ એટેકમાં યૂક્રેનના એક પેસેન્જર વિમાનને તોડી પાડ્યું હતું. જેમાં 176 લોકોના મોત નિપજ્યા હતા. ઈરાને પોતાની ભૂલ સ્વીકારતા આ ઘટનાને માનવીય ભૂલ ગણાવી હતી.

‘આજ કે શિવાજી – નરેન્દ્ર મોદી’ પુસ્તક સાથે કોઈ લેવાદેવા નથીઃ ભાજપ

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી જાણીતા મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરતા એક પુસ્તક ‘આજ કે શિવાજી – નરેન્દ્ર મોદી’એ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધનો વંટોળ ઊભો કર્યો છે. આ પુસ્તક ભારતીય જનતા પાર્ટીના નેતા જય ભગવાન ગોયલે લખ્યું છે.

આ પુસ્તક છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરે છે એવી શિવસેનાના નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે ઝાટકણી કાઢી છે.

વિરોધને પગલે આખરે ભાજપે આ પુસ્તકને પાછું ખેંચી લેવાનો લેખકને આદેશ આપ્યો હોવાનો અહેવાલ છે. આ આદેશ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્યામ જાજૂએ આપ્યો હોવાનું કહેવાય છે.

પુસ્તકને પાછું ખેંચી લેવાનો આદેશ આપી દેવાતા આ મુદ્દે થયેલા વિવાદનો હવે ઝડપથી અંત આવી જશે. કારણ કે, મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધન, મહાવિકાસ આઘાડીની એક સહભાગી શિવસેના પાર્ટીએ આવતીકાલે મુંબઈમાં વિરોધ-દેખાવો કરવાની જાહેરાત કરી છે.

સોલાપુરમાં જય ભગવાન ગોયલ સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગોયલ લિખિત આ પુસ્તકનું ગઈ કાલે રવિવારે નવી દિલ્હીમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

સંજય રાઉત (શિવસેના)

આ પુસ્તકના સમાચાર બહાર આવ્યા બાદ શિવસેના ઉપરાંત મહારાષ્ટ્ર સરકારમાં તેની ભાગીદાર કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓએ ભાજપની ટીકા કરી હતી.

ગોયલે ગઈ કાલે પુસ્તક વિમોચન પ્રસંગે એમ કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનો જેટલો આદર હું કરું છું એટલો મરાઠી લોકો પણ કરતા નથી. જે લોકો આ પુસ્તક વિશે ચર્ચા કરે છે એમણે એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ. તો એમને સવાલોના જવાબ મળી જશે. જે લોકોને મારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવી છે એમને તેમ કરવાનો અધિકાર છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે એવો સવાલ કર્યો છે કે આ પુસ્તક સાથે છત્રપતિ શિવાજી મહારાજના વંશજો – ભાજપના નેતા ઉદયનરાજે ભોસલે અને સંસદસભ્ય સંભાજીરાજે સહમત થાય છે ખરા?

એના જવાબમાં સંભાજીરાજેએ ટ્વીટ કર્યું કે, ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને એમની જીભને લગામ આપવાની સલાહ આપી હતી.

સંજય રાઉતે એમ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની સરખામણી વિશ્વની કોઈ પણ વ્યક્તિ સાથે કરી શકાય નહીં. એક જ સૂર્ય, એક જ ચંદ્ર અને એક જ શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ. ભાજપના મહારાષ્ટ્ર એકમે આ વિશે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. સાતારા ગાદીના વારસદાર શ્રીમંત ઉદયનરાજે, શ્રીમંત શિવેન્દ્રરાજે અને કોલ્હાપુરના છત્રપતિ સંભાજી રાજેને આવી સરખામણી શું માન્ય છે? શિવરાયાના વંશજો બોલો, કંઈક તો બોલો.

રાઉતે ભાજપના રાજ્યસભાના સદસ્ય છત્રપતિ સંભાજી રાજે અને સાતારાના ભૂતપૂર્વ સંસદસભ્ય ઉદયનરાજે ભોસલેનું નામ લીધા વગર એમને ટાર્ગેટ બનાવ્યા હતા. ભોસલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં હતા, પણ એમાંથી રાજીનામું આપીને હવે ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપના મિડિયા સેલ તરફથી એવું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે આ પુસ્તક સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી.

પક્ષ કહેશે તો પુસ્તક પાછું ખેંચી લઈશઃ જય ભગવાન ગોયલ

પુસ્તક અંગે મહારાષ્ટ્રમાં વિરોધ થવાથી લેખક જય ભગવાન ગોયલે પીછેહઠ કરી છે અને કહ્યું છે કે જો કોઈની લાગણી દુભાઈ હોય અને પક્ષ જો આદેશ આપશે તો હું મારું પુસ્તક પાછું ખેંચી લેવા તૈયાર છું.

ગોયલે કહ્યું કે જે રીતે શિવાજી મહારાજ એમના રાજ્યમાં માતા-બહેનોની ચિંતા કરતા હતા એવી જ રીતે નરેન્દ્ર મોદી પણ દેશની માતા, બહેનોની સુરક્ષા માટે કામ કરે છે. મોદીના નેતૃત્ત્વમાં દુનિયામાં ભારતનું માન વધ્યું છે.

દેવેન્દ્ર સિંહ સાથે પણ આતંકી જેવો જ વ્યવહાર કરાશે: J&K પોલીસ

નવી દિલ્હી: જમ્મુ કશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમ્યાન રવિવારે એક ગાડીમાંથી હિઝબુલ મુઝાહીદીનના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, જે સમયે એ આતંકીઓની ધરપકડ કરવામાં આવી એ સમયે તેમની સાથે ગાડીમાં જમ્મુ કશ્મીર પોલીસના એક ડીએસપી દેવેન્દ્ર સિંહ પણ હતાં. સુરક્ષાદળોએ આતંકીઓની સાથે જ ડીએસપીની પણ ધરપકડ કરી છે.

DSP દેવેન્દ્ર સિંહની ધરપકડ બાદ જમ્મુ કશ્મીર પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પોલીસે ડીએસપી દેવેન્દ્ર સિંહ સાથે પણ આતંકીઓ જેવો જ વ્યવહાર થશે, તેની ખાતરી આપી હતી. રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે જણાવ્યું કે અમે ડીએસપી દેવેન્દ્ર સિંહની સંડોવણીને જઘન્ય અપરાધ માની છીએ અને તેમની સામે એવી જ કાર્યવાહી કરવામાં આવશે જેવી આતંકીઓ સાથે કરવામાં આવે છે.

અધિકારીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં એરપોર્ટ પર તૈનાત ડીએસપી દેવેન્દ્ર સિંહની નવીદ અને અલતાફ નામના આતંકીઓ સાથે શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમના મુજબ ડીએસપી પર આરોપ છે કે તે આતંકીઓને શોપિયા વિસ્તારથી સલામત રીતે કશ્મીરની બહાર લઇ જઇ રહ્યા હતા. તેઓની જે ગાડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી, એમાંથી પાંચ ગ્રેનેડ અને પાછળથી તેમના ઘરની તપાસમાં બે એકે 47 રાઇફલ મળી આવી હતી. ડીએસપી રાજ્ય પોલીસમાં વરિષ્ઠ પદો પર કામ કરી ચૂક્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ ડીએસપીની આતંકીઓ સાથે સંડોવણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર સિંહને ગયા વર્ષે 15 ઓગસ્ટના દિવસે જ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર સિંહ અને નવીદ બાબૂની ધરપકડ અને પૂછપરછ પછી પોલીસે શ્રીનગર અને દક્ષિણ કશ્મીરમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા અને મોટાપ્રમાણમાં હથિયારો અને દારુગોળો જપ્ત કર્યા.

વિપક્ષી એકતાના કોંગ્રેસના પ્રયાસોને એક પછી એક પાર્ટીઓના ઝટકા

નવી દિલ્હી: જેએનયુ વિવાદ, નાગરિકતા કાયદો અને હાલની રાજકીય સ્થિતિ પર સત્તાધારી પાર્ટી બીજેપીને ભીંસમાં લેવા અને વિપક્ષી એકતાનો દમ દેખાડવા કોંગ્રેસે આજે દિલ્હીમાં એક બેઠક બોલાવી છે. પણ આ બેઠક પહેલા જ વિપક્ષી દળોમાં તિરાડ જોવા મળી રહી છે. એક એક કરીને વિપક્ષી પાર્ટીઓ બેઠકથી દૂરી બનાવી રહી છે. અગાઉ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બસપા સુપ્રીમો માયાવતી અને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં સામેલ થવાનો ઈનકાર કર્યો છે. આ સ્થિતિમાં બધાની નજર કોંગ્રેસના નવા સાથી શિવસેના પર છે જેને ભાજપ સાથે વર્ષો જૂની મિત્રતા તોડી કોંગ્રેસ અને એનસીપી સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે.

આજ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભાવી રાજકીય દળ બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસની બેઠકમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી. માયાવતીએ તાજેતરમાં જ રાજસ્થાનના કોટાની એક હોસ્પિટલમાં બાળકોના મોતના આંકડાઓ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ મહાસચિવ બાળકોને ગુમાવનાર માતાઓને મળવા કોટા નહીં જાય તો ઉત્તર પ્રદેશમાં પીડિત પરિવારો સાથેની તેમની મુલાકાતને રાજકીય હીત અને ડ્રામા જ માનવામાં આવશે.

મમતા બેનરજીએ ગયા સપ્તાહે ટ્રેડ યુનિયનની સ્ટ્રાઈક દરમિયાન વામપંથી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ વિપક્ષની બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, મેં જ વિપક્ષને બેઠકનો વિચાર આપ્યો હતો. રાજ્યમાં જે થયું તેના કારણે હવે મારા માટે આ બેઠકમાં સામેલ થવું શક્ય નથી. CAA-NRC વિરુદ્ધ સૌથી પહેલાં આંદોલન મેં જ શરૂ કર્યું હતું. CAA-NRCના નામે વામપંથી અને કોંગ્રેસ જે કરી રહ્યા છે તેને આંદોલન ન કહી શકાય.

 

સોનિયાએ CAAને ભાગલા પાડનાર કાયદો ગણાવ્યો

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શનિવારે નાગરિકતા કાયદાને એક ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો ગણાવ્યો છે, જેનો હેતુ લોકોના ધાર્મિક આધારે ભાગલા પાડવાનો છે. પાર્ટીએ સીએએને તાત્કાલિક પરત લેવા અને એનપીઆરની પ્રક્રિયા રોકવાની માંગણી કરી હતી.

બેઠકમાં મહત્વનો મુદ્દો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી હિંસા છે. આ મામલે કોંગ્રેસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પણ બનાવી છે. આ કમિટીએ તેમનો રિપોર્ટ હાઈ કમાનને સોંપી દીધો છે. આજે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી, દ્રવીડ મુનેત્ર કડંગમ (DMK), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લી, લેફ્ટ, રાષ્ટ્રીય જનતા જળ, (આરજેડી), સમાજવાદીપાર્ટી (એશપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ થશે. પાર્લામેન્ટ એનેક્સીમાં બપોરે 2 વાગે થનારી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થાય તેવી શક્યતા છે.