બગદાદમાં ફરી યુએસ એરબેઝ પર હુમલોઃ 4 ઈરાકી સૈનિક ઘાયલ

બગદાદ: ઈરાન અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં જ ઈરાને કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેતા ઈરાન સ્થિત બે અમેરિકન આર્મી કેમ્પ પર એક ડર્ઝનથી વધુ બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો. ઈરાની મીડિયાનો દાવો છે કે, આ હુમલામાં લગભગ 80 અમેરિકન સેૈનિકો માર્યા ગયા. અમેરિકાએ આ વાતનું ખંડન કર્યું હતું. ઈરાકની રાજધાની બગદાદમાં ગયા રવિવારે ફરી એક વખત અમેરિકન સેન્ય કેમ્પ પર રોકેટ છોડી હોવાના સમાચાર બહાર આવ્યા છે.

અલ જજીરાના અહેવાલ અનુસાર, આ હુમલામાં ચાર ઈરાકી સૈનિકો ઘાયલ થયા છે. અમેરિકન સૈનિકોને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી. મળતી માહિતી મુજબ, અહીં સ્થિત અલ બલાદ એરબેઝ પર રોકેટો છોડવામાં આવી હતી. આ બેઝમાં અમેરિકન ટ્રેનર, સલાહકાર અને એફ 16 લડાકૂ વિમાનની મેન્ટેનન્સ સર્વિસ સાથે જોડાયેલા સૈનિકો રહે છે. અલ બલાદ એફ 16 લાડાકૂ વિમાનોનો મુખ્ય એરબેઝ છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક રોકેટ એરબેઝ સ્થિત રેસ્ટોરન્ટમાં આવીને પડી હતી.

આ હુમલામાં એરબેઝનો રન વે પણ ક્ષતિગ્રસ્ત થયો છે. રોકેટ અટેકમાં ઘાયલ થયેલા ઈરાકી સૈનિકો એરબેઝના ગેટ પર તૈનાત હતા. બેઝમાં અમેરિકન એક્સપર્ટ્સ, ટ્રેનર અને એડવાઈઝર સહિત અનેક લોકો હતા. હુમલામાં કોઈના મોતના સમાચાર નથી. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને જોતા હાલમાં જ યુએસએ તેમના અધિકારીઓ અને સૈનિકોને આ એરબેઝ પરથી ખસેડવાનું શરું કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ હુમલો થયો એ સમયે એરબેઝ પર અમેરિકન નાગરિકો નહતા.

મહત્વનું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકી આપી ચૂક્યા છે કે, તે યુદ્ધના પક્ષમાં નથી પણ જો ઈરાને કોઈ પણ અમેરિકન નાગરિક કે તેમની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું તો તેના ગંભીર પરિણામો આવશે. બીજી તરફ ઈરાની મંત્રીઓએ પણ અમેરિકાને જવાબ આપતા કહ્યું કે, તે પણ યુદ્ધ નથી ઈચ્છતા પણ સ્વરક્ષણમાં શક્ય જવાબ ચોક્કસપણે આપીશું. હાલમાં જ ઈરાને મિસાઈલ એટેકમાં યૂક્રેનના એક પેસેન્જર વિમાનને તોડી પાડ્યું હતું. જેમાં 176 લોકોના મોત નિપજ્યા હતા. ઈરાને પોતાની ભૂલ સ્વીકારતા આ ઘટનાને માનવીય ભૂલ ગણાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]