Home Blog Page 359

આ ગુજરાતી યુવાને ભારત–રશિયા સંબંધોને આપી નવી દિશા

મોસ્કો /ગુજરાત: ગુજરાતી યુવાન મધિશ પરીખે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન ગુજરાતમાં રશિયન સંસ્કૃતિ કેન્દ્ર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો. આ મુલાકાત “વી આર ટુગેધર” આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક મંચ દરમિયાન થઈ હતી. જ્યાં મધિશભાઈ રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરનારા એકમાત્ર ભારતીય સહભાગી હતા.મધિશભાઈ રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે તેઓ ભારતમાં રશિયન હાઉસ સાથે મળીને ગુજરાતમાં સંસ્કૃતિ કેન્દ્ર સ્થાપવાના પ્રયાસ કરી રહ્યા છે. પ્રસ્તાવિત કેન્દ્ર રશિયા અને ભારત વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે અને ભારત- રશિયા સંબંધોને મજબૂત બનાવશે. આ મુલાકાત રાષ્ટ્રપતિ પુતિનની ભારતની સુનિશ્ચિત સત્તાવાર મુલાકાત પહેલા થઈ હતી. તેમની વાતચીત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી મોદીને પરીખ સાથેની તેમની ચર્ચા વિશે વ્યક્તિગત રીતે માહિતી આપશે.મધિશભાઈ બ્રિક્સ યુથ એલાયન્સ અને એલિક્સિર ફાઉન્ડેશનના સ્થાપક નિર્દેશક છે. તેમણે રાષ્ટ્રપતિ પુતિનને પોતાનો પરિચય પ્રધાનમંત્રી મોદીના ગૃહ રાજ્યના વતની તરીકે કરાવ્યો અને શેર કર્યું કે રશિયાની તેમની પહેલી મુલાકાત કોરોના કાળ દરમિયાન માનવતાવાદી કાર્ય માટે “વી આર ટુગેધર” આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્તકર્તા તરીકે હતી. તેઓ હવે પુરસ્કારના એમ્બેસેડર તરીકે સેવા આપે છે.મુલાકાત દરમિયાન, મધિશભાઈએ રાષ્ટ્રપતિ પુતિનનો મિશન ડોબ્રો માટે આભાર માન્યો, જેના હેઠળ યુવા રશિયન સ્વયંસેવકો ભારતમાં માનવતાવાદી પ્રોજેક્ટ્સને સમર્થન આપે છે. તેમણે ભારત અને રશિયા વચ્ચે આવી વધુ ક્રોસ-બોર્ડર સ્વયંસેવક પહેલની જરૂરિયાત પર ભાર મૂક્યો.

મધિશભાઈએ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વોલેન્ટિયર્સ – DOBRO સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર બ્રિક્સ યુથ એલાયન્સ દ્વારા BRICS દેશોના યુવાનો માટે વિસ્તૃત તકો અને નેતૃત્વ માર્ગો બનાવવાનો છે, જેને તેમણે ઉલિયાનોવસ્ક ક્ષેત્રમાં બ્રિક્સ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા સમર્થિત યુવા સહકાર માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરી છે.મધિશ પરીખે બ્રિક્સ યુથ એલાયન્સની સ્થાપના કરી, જે બ્રિક્સ અને તેનાથી આગળ રાજદ્વારી, નવીનતા અને પરિવર્તનને આકાર આપતી યુવા નેતાઓની સંયુક્ત ચળવળ છે. રશિયન ફેડરેશનની ફેડરલ એજન્સી ફોર યુથ અફેર્સ સાથે ભાગીદારીમાં બ્રિક્સ યુથ એલાયન્સએ ભારતમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બ્રિક્સ એડયુકેશનલ એક્સપીડીશનનું આયોજન કર્યું હતું.

મધિશભાઈને યુવા સેવા માટે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રીય યુવા પુરસ્કાર મળ્યો છે. ૨૦૨૫ માં, તેમને ૧૩ દેશોના ૪૦૦થી વધુ નામાંકિત ઉમેદવારોમાંથી પસંદ કરાયેલ શ્રેષ્ઠ યુવા સામાજિક ઉદ્યોગસાહસિક માટે BRICS અને SCO યંગ લીડર્સ એવોર્ડ મળ્યો. તેમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય મંચો સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

વર્ષ 2025: ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક વર્ષ

નવી દિલ્હીઃ વર્ષ 2025 ભારતીય અર્થતંત્ર માટે કોઈ ટર્નિંગ પોઈન્ટથી જરાય ઓછું નથી રહ્યું. ક્યારેક મોઘવારી પર અંકુશ લાગ્યો તો ક્યારેક મૂડીરોકાણે જોર પકડ્યું. શેરબજારમાં નવા રેકોર્ડ બન્યા, વ્યાજદરોએ રાહત આપી અને ભારત ફરી એક વાર વિશ્વના સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ઊભરી આવ્યું હતું. સરકારની નીતિઓ, RBIના નિર્ણયો અને ઘરેલુ રોકાણકારોના વિશ્વાસે મળીને અર્થતંત્રની ગાડી ફુલ સ્પીડમાં દોડાવી.

સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વર્ષ 2025માં ભારત ફરી વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો. આગામી નાણાકીય વર્ષ માટે પણ વૃદ્ધિનો અંદાજ મજબૂત રાખવામાં આવ્યો. તેની પાછળ ઇન્કમ ટેક્સમાં રાહત, સરળ મોનેટરી પોલિસી, જીએસટી સુધારા અને અમેરિકા સાથે સંભવિત ટ્રેડ ડીલ જેવાં મોટા કારણો રહ્યાં.

  1. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ પર ભાર

IMF અને RBI અનુસાર વર્ષ 2025માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો અને રિન્યુએબલ એનર્જી જેવાં ક્ષેત્રોમાં સરકારના રોકાણથી વિકાસને નોંધપાત્ર ગતિ મળી.

  1. મોંઘવારી પર કાબૂ અને સસ્તી લોન

આ ઉપરાંત ઓક્ટોબર, 2025માં રિટેલ મોઘવારી માત્ર 0.25 ટકા રહી, જે RBIના 4 ટકાના લક્ષ્યથી ઘણી ઓછીં છે. ડિસેમ્બર MPC બેઠકમાં RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 5.25 ટકા કર્યો હતો. આ સાથે આ વર્ષે ચોથી વખત કેન્દ્રીય બેન્કે રેપો રેટ ઘટાડ્યો છે, જેથી લોકો માટે લોન લેવી સરળ બની અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો.

  1. સર્વિસ એક્સપોર્ટ અને રેમિટન્સે સંભાળ્યું મોરચું

આ વર્ષે આઈટી, બીપીઓ, કન્સલ્ટિંગ અને રિમોટ હેલ્થ/એજ્યુકેશન જેવી સેવાઓની નિકાસ મજબૂત રહી. IMFના અહેવાલ અનુસાર મજબૂત સર્વિસ એક્સપોર્ટ અને રેમિટન્સે કરંટ અકાઉન્ટનું સંતુલન જાળવવામાં મદદ કરી, ભલે ઊર્જાની કિંમતો અને ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા રહી.

  1. IPO બજારમાં રેકોર્ડ ઉછાળો

ઓક્ટોબર, 2024થી સપ્ટેમ્બર, 2025 દરમિયાન 86 IPO દ્વારા લગભગ 1.71 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા, જે ગયા વર્ષથી લગભગ બમણા છે. નવા લિસ્ટિંગ્સ મોટા ભાગે ઓવરસબ્સક્રાઇબ થયાં અને નિફ્ટી કરતાં લગભગ ચાર ગણું વધુ રિટર્ન આપ્યું. આ બધું ઘરેલુ રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રિટેલ રોકાણના કારણે શક્ય બન્યું.

  1. ઘરેલુ રોકાણકારોએ શેરબજારને આપ્યો સહારો

આ સમયગાળા દરમિયાન વિદેશી રોકાણ અસ્થિર રહ્યું, પરંતુ ઘરેલુ રોકાણકારોએ ભારતીય શેરબજારને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. SIP, વધતા ડીમેટ અકાઉન્ટ્સ અને ‘ગિરાવટ પર ખરીદી’ની માનસિકતાએ બજારને મજબૂતી આપી.

ઈશા અંબાણી 680થી વધુ બાળકો સાથે ESA ડેમાં જોડાયા

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના વાર્ષિક એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) ડે દરમિયાન, સમગ્ર શહેરમાંથી આવેલા 680થી વધુ બાળકોએ હેમલીઝ વન્ડરલેન્ડ ખાતે મનોરંજન તેમજ શિક્ષણ બંન્નેનો સાથે એક ખાસ, મનોરંજક અનુભવ કર્યો. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ બિન-સરકારી સંસ્થાઓના બાળકોને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષભરની વિવિધ પહેલ દ્વારા સમર્થન આપવામાં આવે છે.ESA ડે માટે બાળકો સાથે જોડાતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું, “રિલાયન્સ ફાઉન્ડેશન માને છે કે જ્યારે બાળકોને આનંદદાયક અનુભવો થાય છે, ત્યારે તેમનામાં મહત્વાકાંક્ષાઓ જન્મે છે, ચારિત્ર્યનું નિર્માણ થાય છે અને તેમની ક્ષમતાઓનો વિકાસ થાય છે. અમારો ESA કાર્યક્રમ આ વિચારધારાને આપવવાના આનંદ સાથે જોડે છે. 15 વર્ષથી વધુ સમયથી, રિલાયન્સ ફાઉન્ડેશન વિવિધ પૃષ્ઠભૂમિના બાળકો માટે ઉત્સવની ઉજવણીનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે, બાળકોએ હેમલીઝ વન્ડરલેન્ડ ખાતે લાઇટ એટેલિયરનો પણ અનુભવ કર્યો. નાના બાળકોને પ્રકાશ અને પડછાયા સાથે રમતી વખતે પ્રદર્શન દ્વારા શીખવાનો આનંદ માણતા જોવું અદ્ભુત હતું.”જિયો વર્લ્ડ ગાર્ડનમાં હેમલીઝ વન્ડરલેન્ડ કાર્નિવલમાં, બાળકો વિવિધ આકર્ષણોનો અનુભવ કરીને રોમાંચિત થયા. જેમાં ડીનો વર્લ્ડ, એલિવેટર ટુ ધ નોર્થ પોલ, જાયન્ટ ફેરિસ વ્હીલ, કેરોયુઝલ, બમ્પર કાર્સ, વન્ડર બલૂન, વન્ડર બોટ અનેઅન્ય આકર્ષક રમતોનો સમાવેશ થાય છે.

બાળકોએ આ વર્ષના નવા આકર્ષણ – લાઇટ એટેલિયરનો પણ અનુભવ કર્યો – જે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા કતારના ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ દાદુના સહયોગથી રજૂ કરવામાં આવ્યું. લાઇટ એટેલિયર 4 થી 12 વર્ષની વય જૂથના બાળકોને રમત-રમતમાં, વ્યવહારુ શોધ દ્વારા પ્રકાશ, પડછાયા અને રંગના જાદુને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં ઇમર્સિવ શિક્ષણ વાતાવરણમાં રમતિયાળ, વ્યવહારુ શોધખોળનો સમાવેશ થાય છે.રિલાયન્સ ફાઉન્ડેશનનો ESA કાર્યક્રમ આ પ્રકારની શૈક્ષણિક તકોને તમામ પૃષ્ઠભૂમિના બાળકો માટે સુલભ બનાવવાનો પ્રયાસ કરે છે; એક અભિગમ જે રિલાયન્સની ‘વી કેર’ ફિલસૂફીમાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવે છે. ડિસેમ્બરમાં આ ખાસ કાર્યક્રમનો હેતુ વિવિધ સમુદાયોના બાળકોને સક્ષમ બનાવવા, તેમની કલ્પના અને આકાંક્ષાઓને બળ આપતા અનુભવોનો આનંદ માણવા તેમજ આનંદ અને આપવાની ભાવનાની ઉજવણી કરવાનો છે.

પત્રયુદ્ધઃ પ્રદૂષણ મુદ્દે LGએ ભૂતપૂર્વ CM કેજરીવાલને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હીના રાજકારણમાં ફરી એક વાર ‘પત્રયુદ્ધ’ શરૂ થયું છે, પરંતુ આ વખતે સ્વર પહેલાં કરતાં ઘણો વધુ આકરો અને વ્યક્તિગત આક્ષેપોથી ભરેલો છે. ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને 15 પાનાંનો પત્ર લખીને માત્ર પ્રદૂષણ માટે તેમને જવાબદાર ઠેરવ્યા નથી, પરંતુ અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા છે.

અરવિંદ કેજરીવાલને સંબોધીને લખેલા પત્રમાં LGએ જણાવ્યું છે કે આજે દિલ્હીમાં જે ઈમરજન્સી જેવી પરિસ્થિતિ છે, તેના માટે તમારી સરકારની 11 વર્ષની ઉપેક્ષા અને ગુનાહિત નિષ્ક્રિયતા જવાબદાર છે. LGએ કેજરીવાલ પર દિલ્હીવાસીઓના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનો અને ચૂંટણી હાર્યા બાદ સંવાદના રસ્તા બંધ કરી દેવાનો આરોપ પણ લગાવ્યો છે.

  1. ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ પત્રમાં એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે લખ્યું છે કે જ્યારે તમે મુખ્ય મંત્રી હતા અને હું આપ સાથે પ્રદૂષણ અંગે વાત કરતો હતો, ત્યારે તમે કહેતા હતા કે આ તો માત્ર 15-20 દિવસનો હોબાળો છે. પછી મિડિયા અને NGOવાળા બધું ભૂલી જશે.
  2. LGએ દિલ્હીના પ્રદૂષણ માટે પણ અરવિંદ કેજરીવાલને જ જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે જો 11 વર્ષોમાં કંઈ કામ થયું હોત તો આજે દિલ્હીમાં પ્રદૂષણની હાલત આવી ન હોત.
  3. તેમણે કહ્યું હતું કે તમે ફક્ત મોટી-મોટી જાહેરાતો કરતા હતા, કામ કંઈ કરતા નહોતા. એ સાથે જ સક્સેનાએ જણાવ્યું હતું કે તમે દરેકને હંમેશાં મૂર્ખ બનાવી શકતા નથી. તમારી સાથે પણ એવું જ થયું. દિલ્હીની જનતાએ તમને હરાવ્યા.
  4. વી.કે. સક્સેનાએ એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. દીપાવલીની શુભેચ્છા આપવા માટે ફોન કર્યો હતો, ત્યારે ખબર પડી કે કેજરીવાલે LGનો નંબર બ્લોક કર્યો છે.

ICC રેન્કિંગ: દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા ખેલાડીઓ માટે નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે, રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા T20I રેન્કિંગમાં નંબર 1 બોલર બની છે. આ દરમિયાન, સ્મૃતિ મંધાનાને મોટો ઝટકો લાગ્યો છે. તેણીએ બેટ્સમેન માટે ODI રેન્કિંગમાં પોતાનું નંબર 1 સ્થાન ગુમાવ્યું છે. એક સ્ટાર દક્ષિણ આફ્રિકાની બેટ્સમેન તેને પાછળ છોડી દીધી છે. આ ખેલાડીએ તાજેતરમાં ઘરઆંગણે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

દીપ્તિ શર્માને પ્રથમ વખત T20I બોલિંગ રેન્કિંગમાં નંબર 1નો તાજ પહેરાવવામાં આવ્યો છે. તેણીએ વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામેની T20I શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી, 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 1 વિકેટ લીધી હતી, જેનાથી તેણીના રેન્કિંગમાં સુધારો થયો હતો. અગાઉ, આ સ્થાન ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ પાસે હતું, પરંતુ દીપ્તિએ હવે તેને પાછળ છોડી દીધી છે. દીપ્તિની કારકિર્દીમાં આ એક મોટી સિદ્ધિ છે.

લૌરા વોલ્વાર્ડે મંધાનાનું સ્થાન લીધું

બીજી તરફ, દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ODI બેટિંગ રેન્કિંગમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણીએ આયર્લેન્ડ સામેની ઘરઆંગણે ODI શ્રેણીની છેલ્લી બે મેચમાં સદી ફટકારીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો. આ પ્રદર્શનથી તેણીએ કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ મેળવ્યું અને ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પાછળ છોડીને નંબર વન બની. લૌરા વોલ્વાર્ડે અગાઉ આ સ્થાન મેળવ્યું હતું.

T20 રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ

આ અપડેટ ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર છે. T20 બેટિંગમાં, જેમીમાહ રોડ્રિગ્ઝ પાંચ સ્થાન ઉપર ચઢીને ટોચના 10માં પ્રવેશી છે, જે હવે નવમા ક્રમે છે, શ્રીલંકા સામે તેની અણનમ અડધી સદીને કારણે. સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને છે અને શેફાલી વર્મા તેમની સાથે દસમા સ્થાને છે. દરમિયાન, બોલિંગમાં, અરુંધતી રેડ્ડી પણ પાંચ સ્થાન ઉપર આવીને 36મા સ્થાને પહોંચી ગઈ છે.

 

બધા ધારાસભ્યો, સાંસદો કમિશન લે છેઃ જીતનરામ માંઝીનો દાવો

ગયા: દેશમાં બધા સાંસદો અને ધારાસભ્યો કમિશન લે છે, એવો કેન્દ્રીય મંત્રી અને હિંદુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)ના નેતા જીતનરામ માંઝીએ દાવો કર્યો છે. તેમણે પોતાની પાર્ટીના ધારાસભ્યોને પણ આવું કરવાની સલાહ આપી છે. ગયાજીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તેમણે ઘણી વાર પોતાના કમિશનના પૈસા પાર્ટીને આપ્યા છે અને સૂચન કર્યું છે કે આ ફંડનો ઉપયોગ કાર ખરીદવા માટે પણ કરી શકાય.

ધારાસભ્યોને કમિશન લેવાની સલાહ

માંઝીએ પોતાની પાર્ટીના ધારાસભ્યોને કહ્યું હતું કે જો તમે 10 ટકા કમિશન ન લઈ શકો તો ઓછામાં ઓછું પાંચ ટકા તો લો. દરેક સાંસદ અને ધારાસભ્ય કમિશન લે છે. એક રૂપિયામાંથી 10 પૈસા પણ મોટી રકમ બને છે. તેમણે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય માટે પાંચ કરોડ રૂપિયા મળે છે અને જો તેમાં 10 ટકા કમિશન મળે તો તે 40 લાખ રૂપિયા થાય છે.

પાર્ટીનો વિસ્તાર કરવા માગે છે માંઝી

માંઝીએ આવનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીની યોજના પણ રજૂ કરી અને ભારપૂર્વક કહ્યું છે કે HAM(S)ને 100 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો તેમની માગ પૂર્ણ નહીં થાય તો પાર્ટી સ્વતંત્ર રીતે પણ ચૂંટણી લડી શકે છે. તેમણે આગળ કહ્યું હતું કે મારી જાતિના લોકો અમારો સાથ આપશે, જોકે અમને અન્ય જાતિઓના સમર્થનની પણ જરૂર પડશે.

NDA પાસે રાજ્યસભાની બેઠકની માગ

તેમણે રવિવારે આરોપ લગાવ્યો છે કે NDAની અંદર તેમના સાથે અન્યાય થઈ રહ્યો છે અને સંકેત આપ્યો કે જો તેમની પાર્ટી, હિંદુસ્તાની આવામ મોરચા (હમ),ને રાજ્યસભાની બેઠક નહીં મળે તો તેઓ પોતાના વિકલ્પો પર પુનર્વિચાર કરી શકે છે. માંઝીએ ગઠબંધનમાં પોતાના સાથે થયેલા કથિત વિશ્વાસઘાત વિશે પણ વાત કરી.

હાસ્યના નામે સ્ત્રીનું અપમાન કેટલું યોગ્ય?

અંજલિ માટે આ કોઈ પહેલી વારની ઘટના નહોતી. છેલ્લા કેટલાય સમયથી આકાશની મહેફિલોનો ‘મુખ્ય ખોરાક’ અંજલિ પરના જોક્સ જ બની ગયા હતા. ક્યારેક એના રસોઈના વખાણ કરતો આકાશ મિત્રો વચ્ચે બેસીને હસતા હસતા કહેતો, “સાહેબ, પત્નીના હાથની રસોઈ એટલે ધીમું ઝેર, ખાવ તોય મરવાનું ને ન ખાવ તોય ભૂખે મરવાનું!” આ સાંભળીને આકાશના મિત્રો પણ જાણે સ્પર્ધામાં ઉતર્યા હોય એમ પોતપોતાની પત્ની કે ગર્લફ્રેન્ડના લૂક્સ, એમની બુદ્ધિ કે એમના સ્વભાવની મિથ્યા મજાક ઉડાવવા લાગતા.

ધીરે ધીરે વાતનું સ્તર એટલું નીચું ઉતરી જતું કે અંજલિને ડ્રોઈંગ રૂમમાં ચા મૂકવા જવામાં પણ સંકોચ થતો. એના કાન પર એવા શબ્દો અથડાતા જે એક સ્ત્રીના ચારિત્ર્ય કે એની અંગત પસંદગીઓને પણ નહોતા છોડતા. એક મિત્ર બોલ્યો, “મારી વાળી તો એટલી બુદ્ધિ વગરની છે કે…” અને એની પાછળ અભદ્ર ટિપ્પણી… અંજલિને થતું કે આ તે કેવા મિત્રો અને આ કેવો પતિ? જે સ્ત્રી એમના ઘરની ધૂરી છે, જે એમના સંતાનોની માતા છે, એને જ જાહેર પ્રદર્શનની વસ્તુ બનાવી દેવી?

હદ તો ત્યારે થઈ જ્યારે આકાશે અંજલિના દેખાવ પર ટિપ્પણી કરતા કહ્યું, “લગ્ન પહેલા જે ગુલાબ જેવી લાગતી હતી, હવે એ જંગલી થોર જેવી લાગે છે!” આ સાંભળીને મિત્રોએ ટેબલ ઠપકારીને જે અટ્ટહાસ્ય કર્યું, એનાથી અંજલિના સ્વમાનના ટુકડા થઈ ગયા. એ સમજી શકી કે આ માત્ર હાસ્ય નથી, પણ એક એવી માનસિકતા છે જ્યાં પુરુષ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા સ્ત્રીના અસ્તિત્વને જોક્સના ખાડામાં ધકેલી દે છે.

સ્ત્રીએ આવા હાસ્યનો હિસ્સો બનવાનું ટાળવું જોઈએ

હાસ્ય માટે હંમેશા મહિલાને જ કેમ પંચિગ બેગ બનાવવામાં આવે છે? જોક્સ પત્ની પર જ કેમ?” સ્ત્રીને, ખાસ કરીને હાસ્યના ‘સોફ્ટ ટાર્ગેટ’ તરીકે રજૂ કરવામાં આવે છે. વૉટ્સએપ જોક્સ, સ્ટેન્ડ-અપ કોમેડી અને મિત્રોની મહેફિલમાં પોતાની પત્નીની નબળાઈઓ કે સ્વભાવની મજાક ઉડાવવી એ એક ફેશન બની ગઈ છે. વેસ્ટર્ન કેરોલિના યુનિવર્સિટીના થોમસ ફોર્ડ જેવા સંશોધકોના મતે, આ માત્ર મનોરંજન નથી પરંતુ એક ‘માસ્ક્ડ અગ્રેસન’ છે, જ્યાં પુરુષ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા જીવનસંગિનીને નીચી બતાવે છે. શું હાસ્યના નામે મહિલા માટે અપમાનજનક શબ્દો વાપરવા નૈતિક રીતે યોગ્ય છે?

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેડિટેશન ટ્રેનર અમિતા ગજેરા કહે છે, “હાસ્ય એ જીવન જીવવાની કળા છે, પરંતુ જ્યારે તેનો ઉપયોગ માત્ર સ્ત્રીઓના ઉપહાસ માટે થાય ત્યારે તે વેદનાદાયક બને છે. સ્ત્રીઓ પર થતા આવા કટાક્ષ માટે ઘણીવાર તેમનું મૌન અને ‘જતું કરવાની’ વૃત્તિ જવાબદાર હોય છે, જે સામેવાળી વ્યક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. સ્ત્રી પોતે અપમાનની પીડા જાણતી હોવાથી તે વળતો પ્રહાર કરીને કોઈને દુઃખ આપવા નથી ઈચ્છતી, પરંતુ જ્યારે તે સ્વયં આ ઉપહાસનો સ્વીકાર કરી લે છે ત્યારે સમાજ માટે તે મનોરંજન બની જાય છે. પોતાની ગરિમા જાળવવા માટે સ્ત્રીએ આડકતરી રીતે પણ આવા હાસ્યનો હિસ્સો બનવાનું ટાળવું જોઈએ.”

પરિવર્તન હાસ્યથી જ શક્ય છે, જો એ માનવતાથી ભરેલું હોય

ખરેખર હાસ્યના નામે પત્ની માટે અપમાનજનક શબ્દો વાપરવા નૈતિક રીતે યોગ્ય નથી કારણ કે પહેલેથી જ આપણો દેશ પુરુષપ્રધાન રહ્યો છે. સ્ત્રીઓને વર્ષો પહેલા બોલવાની આઝાદી ન હતી. અને સ્ત્રીઓ માટે ભણતર પણ ન હતું. પરંતુ અત્યારના સમયમાં સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની ગઈ છે. પુરુષોને પોતાનો અહમ ન સંતોષાતા તેઓ સ્ત્રીઓને હાસ્યાસ્પદ રીતે રજૂ કરે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ક્રિએટિવ આર્ટિસ્ટ, જેની દેસાઈ કહે છે કે,  “સ્ત્રી પર આધારિત અપમાનજનક જોક્સ એ અસમાનતાને હસતાં હસતાં મજબૂત કરે છે. મને હાસ્યથી વાંધો નથી, મને અપમાનથી છે. મને મજાકથી નહીં, પરંતુ મજાકના નામે થતી નીચે પાડવાની માનસિકતાથી વાંધો છે. જો હાસ્ય સંબંધોને મજબૂત બનાવે તો એ સૌંદર્ય છે.  જો એ સંબંધોને ઘાયલ કરે તો આત્મચિંતનનો વિષય છે. સમાજ બદલાવા માટે મોટા ભાષણોની જરૂર નથી, ક્યારેક શબ્દો બદલવાથી જ પરિવર્તન શરૂ થાય છે. અને એ પરિવર્તન હાસ્યથી જ શક્ય છે, જો એ માનવતાથી ભરેલું હોય.”

હાસ્ય એવું હોય જે સ્ત્રીને સન્માન આપે, અપમાન નહીં

હાસ્ય એ ખુશી વ્યક્ત કરવાનો સુંદર માર્ગ છે, પણ શું એ હંમેશા સ્ત્રીને લક્ષ્ય બનાવીને જ હોવું જોઈએ? અલબત્ત એ સમજવું જરૂરી છે કે કોમેડી વ્યક્તિના સ્વભાવ, વર્તન કે પરિસ્થિતિ પર આધારિત હોઈ શકે છે, પરંતુ એ ક્યારેય ‘લિંગ’ પર આધારિત ન હોવી જોઈએ.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને મેટરનિટી એક્સપર્ટ ડો. દિપાલી શિવાસણે કહે છે, “ગઈકાલે એક સ્ટેન્ડ-અપ કોમેડી શોમાં સૌ કોઈ ખડખડાટ હસી રહ્યું હતું, હું પણ એમાં સામેલ હતી. પરંતુ શો દરમિયાન મને એ વાતની ગંભીરતા સમજાઈ કે મોટાભાગની મજાકો પત્ની અને ગર્લફ્રેન્ડને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી હતી. પુરુષ પ્રેક્ષકો એનો વિશેષ આનંદ લઈ રહ્યા હતા, કદાચ તેઓ પોતાની જાતને એ પરિસ્થિતિ સાથે જોડી રહ્યા હતા. ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે, શું સ્ત્રી માત્ર મજાકનું જ પાત્ર છે? લગ્નજીવનમાં પુરુષને પીડિત બતાવીને સ્ત્રીને નીચી દેખાડવાની જરૂર નથી. આપણે એવું હાસ્ય ન પીરસવું જોઈએ જેમાં આપણી બાજુમાં બેઠેલી કોઈ સ્ત્રી અસહજ કે અપમાનિત અનુભવે. હાસ્ય એવું હોવું જોઈએ જે સૌને સાથે જોડે, તોડી નહીં. પતિ-પત્ની એકબીજાની સામે જોઈને હસે પણ એ હાસ્ય એકબીજાની ખામીઓ પ્રત્યેની સહજતા અને સ્વીકૃતિનું હોવું જોઈએ.”

રિસર્ચ કહે છે…

રિસર્ચ મુજબ, જે પતિ જાહેરમાં પત્નીનું સન્માન જાળવી શકતા નથી, એમના સંબંધોમાં આત્મીયતાનો અભાવ હોય છે. પત્ની ઘણીવાર ‘સોફ્ટ ટાર્ગેટ’ બની જાય છે કારણ કે એ સૌથી નજીકની વ્યક્તિ છે અને એની નબળાઈઓ પર જોક બનાવવો સૌથી સરળ છે. વિશ્વપ્રસિદ્ધ મનોચિકિત્સક અને સંબંધોના નિષ્ણાત હારવિલ હેન્ડ્રિક્સના મતે, મજાકમાં વપરાતા ‘કર્કશા’ કે ‘વેલણ ગેંગ’ જેવા નકારાત્મક શબ્દો એ હકીકતમાં ‘શાબ્દિક હિંસા’ છે. તેઓ માને છે કે આવા કટાક્ષો સ્ત્રીના આત્મસન્માનને તોડી નાખે છે અને જીવનસાથી પ્રત્યેનો આદર ઓછો કરે છે. હેન્ડ્રિક્સ ચેતવે છે કે “હું તો મજાક કરતો હતો” એવું કહીને અપમાનને છુપાવવું એ સંબંધો માટે અત્યંત હાનિકારક છે. આજકાલના સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ પણ સ્ત્રીઓને ‘નેગેટિવ’ રીતે રજૂ કરીને સમાજમાં એવો પૂર્વગ્રહ દ્રઢ કરે છે કે પત્ની એટલે પરેશાન કરનારું પાત્ર. આ માનસિકતા બદલવાની જરૂર છે. જેની સાથે સુખ-દુઃખ વહેંચવાના છે, એને હાસ્યાસ્પદ બનાવીને ખરેખર શું સાબિત થાય છે?

હેતલ રાવ

ભૂપેશ બઘેલના પુત્ર સામે છેતરપિંડી મામલે ચાર્જશીટ દાખલ

નવી દિલ્હીઃ છત્તીસગઢના બહુચર્ચિત 3000 કરોડ રૂપિયાથી વધુના દારૂ કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યની એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ સોમવારે રાયપુરની વિશેષ અદાલતમાં સાતમી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે.આ વિશાળ 3800 પાનાંના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૈતન્ય બઘેલ માત્ર આ સિન્ડિકેટના ‘માસ્ટર માઇન્ડ’ જ નહોતા, પરંતુ તેમને આ ગેરકાયદે ધંધામાં હિસ્સા તરીકે 200થી 250 કરોડ રૂપિયા મળ્યા હતા.

બિગ બોસ’ સંભાળતો હતો વસૂલાતનો સિન્ડિકેટ

તપાસ એજન્સી અનુસાર 2018થી 2023 દરમિયાન કોંગ્રેસ સરકારના સમયમાં એક્સાઇઝ વિભાગમાં ચાલી રહેલા બળજબરીથી વસૂલાતના રેકેટને સ્થાપિત કરવા અને તેને સંરક્ષણ આપવાની મુખ્ય ભૂમિકા ચૈતન્યની હતી. ચાર્જશીટમાં એક ગુપ્ત વોટ્સએપ ગ્રુપ ‘BIG BOSS’નો ઉલ્લેખ છે, જેના માધ્યમથી આખી સિન્ડિકેટ ચલાવવામાં આવતી હતી. ચૈતન્ય આ નેટવર્કમાં ઉચ્ચ અધિકારીઓ અને જમીન સ્તરના ગુંડાઓ વચ્ચે ‘કો-ઓર્ડિનેટર’ તરીકે કામ કરતા હતા. તેમની સૂચના અનુસાર જ ગેરકાયદે વસૂલાત અને પૈસાની વહેંચણી નક્કી થતી હતી.

કાળી કમાણી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો આરોપ

તપાસ એજન્સીનો આરોપ છે કે ચૈતન્યએ કૌભાંડથી મળેલી કરોડોની રકમને છુપાવવા માટે પોતાના વિશ્વાસુ સાથીઓ અને બેંકિંગ ચેનલોનો ઉપયોગ કર્યો. ચાર્જશીટ મુજબ, દારૂ વેપારી ત્રિલોક સિંહ ઢિલ્લોની કંપનીઓ મારફતે પૈસા ચૈતન્યની પારિવારિક કંપનીઓ સુધી પહોંચાડવામાં આવ્યા. આ કાળી કમાણીનો મોટો ભાગ ‘વિટ્ઠલ ગ્રીન’ અને ‘બઘેલ ડેવલપર્સ’ જેવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરાયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પહેલેથી જ ચૈતન્યની 61.20 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી ચૂકી છે, જેમાં 364 રહેણાક પ્લોટ્સ અને ખેતીની જમીન સામેલ છે.

ટેન્શન વધારી રહેલા બાંગ્લાદેશને 1971 યાદ કરાવ્યું રશિયાએ

નવી દિલ્હીઃ રશિયાએ બાંગ્લાદેશને સલાહ આપી છે કે તે ભારત સાથે ચાલી રહેલા ટેન્શનને વહેલી તકે ઘટાડે. રશિયાએ કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સારા સંબંધો પ્રદેશની શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જ જરૂરી છે. ઢાકામાં રશિયાના રાજદૂત એલેક્ઝાન્ડર ગ્રિગોરિયેવિચ ખોજિને જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેન્શન ઓછું થવું જોઈએ. તેમણે યાદ અપાવ્યું હતું કે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે ભારતની મોટી ભૂમિકા રહી હતી અને એ સમયે રશિયાએ પણ તેને સમર્થન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારત, બાંગ્લાદેશ અને રશિયાએ ખભેખભો મિલાવીને સાથે કામ કર્યું છે. રશિયન રાજદૂતે એ પણ કહ્યું છે કે હાલની પરિસ્થિતિમાં ટેન્શન વધવું યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ ભારત અને બાંગ્લાદેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નથી કરતો, પરંતુ તેમનો મત છે કે બંને દેશોએ સમજદારીથી વર્તવું જોઈએ, જેથી હાલનું ટેન્શન વધુ ન વધે.

અમેરિકન સાંસદોએ બાંગ્લાદેશમાં હિંદુ વ્યક્તિની હત્યાની નિંદા કરી

અમેરિકન સાંસદોએ બાંગ્લાદેશમાં એક હિંદુ વ્યક્તિની ભીડ દ્વારા માર મારીને કરવામાં આવેલી હત્યાની કડક નિંદા કરી છે. સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ વધતી અસ્થિરતા અને અશાંતિ વચ્ચે દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી હત્યાની આકરી નિંદા કરી છે. તેમણે બાંગ્લાદેશી અધિકારીઓને જવાબદારી નિશ્ચિત કરવા, ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં એક હિંદુ વ્યક્તિ દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા થયેલી હત્યાથી હું સ્તબ્ધ છું — આ હિંસા એવું કૃત્ય છે જે ખતરનાક અસ્થિરતા અને અશાંતિના સમયમાં થયું છે.

તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે સંપૂર્ણ રીતે પારદર્શક તપાસ કરવી જોઈએ અને તમામ દોષિતોને કાયદા હેઠળ આકરામાં આકરી સજા આપવી જોઈએ. એ સાથે-સાથે હિંદુ સમુદાયો અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યકોને હિંસાથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ, સ્થિતિ વણસી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને દીપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગ સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અન્ય હિન્દુ સંગઠનો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર થઈ રહ્યું છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાના વિરોધમાં નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આજે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અને અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે આજે સવારે 11 વાગ્યાથી બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું. બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. પોલીસ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ જોવા મળી છે.

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર ભેગા થયા હતા અને પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી રહ્યા હતા. બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લામાં 27 વર્ષીય હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની નિર્દયતાથી માર મારીને હત્યા કરવામાં આવી હતી.

ટોળાએ માર મારીને મારી નાખ્યો અને તેના શરીરને આગ ચાંપી

અહેવાલો અનુસાર, દીપુ ચંદ્ર દાસ પર કથિત રીતે એક ટોળાએ તેના પર ઇશનિંદાનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો. એવો આરોપ છે કે યુવકને પહેલા ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હતો, પછી તેના શરીરને ઝાડ પર લટકાવીને આગ લગાવી દેવામાં આવી હતી. આ અમાનવીય ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો.

બાંગ્લાદેશ સામે રાષ્ટ્રવ્યાપી આક્રોશ

બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે ચાલી રહેલી હિંસા અને એક હિન્દુ યુવાનની મોબ લિંચિંગ અંગે દેશભરમાં ગુસ્સો અને રોષ છે. આ જ કારણ છે કે દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, સુરત અને પટના સહિત દેશના અનેક શહેરોમાં લોકો બાંગ્લાદેશની વચગાળાની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મુહમ્મદ યુનુસના પુતળાનું દહન કરી રહ્યા છે.

આ દરમિયાન, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે મંગળવારે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા હતા. નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર કથિત વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં આ સમન્સ જારી કરવામાં આવ્યું હતું.