Home Blog Page 325

શક્તિ સંકલ્પ સફર: એક યુવાનની પેડલ પર પ્રકૃતિની પૂજા

આકાશ નીલું રહેવા દઈએ

ધરતી હરિયાળી રહેવા દઈએ  પ્રદૂષણના પ્રપંચ ન કરીએ

પર્યાવરણને પવિત્ર રાખીએ  વૃક્ષો વાવીએ, જળ સંગ્રહ કરીએ

પ્રકૃતિનું રક્ષણ સૌ કરીએ  જતન વૃક્ષોનું કરીને અહેસાન એનો ઉતારી દઈએ

પર્યાવરણને પ્રેમથી સજાવીએ

આ પંક્તિઓને 26 વર્ષીય યુવાન સુબોધ કુંદા વિજયએ જીવનમંત્ર બનાવી લીધી છે. આજના યુવાનોને જ્યારે સોશિયલ મીડિયાનું ઘેલું લાગતું હોય છે, ત્યારે સુબોધને પર્યાવરણના જતનનું અને દેશપ્રેમનું ઘેલું લાગ્યું છે. મહારાષ્ટ્રના રોહા રાયગઢના રહેવાસી સુબોધ સમગ્ર ભારતમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણાદાયક મિશન પર નીકળ્યા છે.

લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં અનેક ટ્રેક પર ટ્રેકિંગ કરી ચૂકેલા અનુભવી પર્વતારોહક સુબોધ, હાલમાં સમગ્ર ભારતમાં એક મહત્વાકાંક્ષી સાઈકલ યાત્રા કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય ભારતના તમામ 28 રાજ્યોમાં 1,00,000 વૃક્ષો વાવવાનું છે. જેથી પર્યાવરણને થઈ રહેલા નુક્સાનને મહ્દઅંશે રોકી શકાય અને સંરક્ષણની જરૂરિયાત વિશે લોકોને જાગૃત કરી શકાય. સાથે જ પૃથ્વીને વધુ લીલું આવરણ ચઢાવી શકાય.

19મી જૂન, 2024ના રોજ સુબોધે આ યાત્રા શરૂ કરી છે. જે લદ્દાખથી શરૂ થઈ છે અને નોર્થ-ઈસ્ટ થઈને નેપાળમાં પૂર્ણ થશે. 2027માં સુબોધની આ યાત્રા પૂર્ણ થવાની છે. આમ સુબોધ એક માળાના સ્વરૂપમાં ભારતના 28 રાજ્યોની યાત્રાને પૂર્ણ કરવાના છે. અત્યાર સુધીમાં તેમણે 9 રાજ્યોની યાત્રા પૂર્ણ કરી છે. ગુજરાત 10મું રાજ્ય છે જેમાં તેઓ સાયકલ યાત્રા કરીને લોકોમાં પ્રકૃતિ બચાવવાનો સંદેશ ફેલાવી રહ્યા છે.

પોતાની યાત્રા વિશે સુબોધનું કહેવું છે, “મારી આ સાઈકલ યાત્રાનું નામ છે ‘શક્તિ સંકલ્પ સફર’ છે. જે એક મુવમેન્ટ છે, જેનાથી હું એક સખત બેઝ તૈયાર કરવા માંગું છું. આ યાત્રામાં શક્તિ આપણી અંદરની શક્તિને પ્રસ્તુત કરે છે, સંકલ્પ આપણા દ્રઢ નિશ્ચિયને રજૂ કરે છે. જ્યારે સફર આપણા જીવનના સંઘર્ષ, શિસ્ત અને સતત શીખવાની વૃત્તિને રજૂ કરે છે. આ યાત્રા સમગ્ર દેશના યુવાનો માટે એક વેકઅપ કોલ સમાન છે. જેને હું આગામી વર્ષોમાં પણ સતત ચલાવતો રહીશ.”

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

સુબોધ ગુજરાત પહોંચ્યા ત્યાં સુધીમાં અંદાજિત 42,000 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી ચૂક્યા છે. આગળ તેઓ હજુ 58,000 કિલોમીટરની યાત્રા કરવાના છે. ગુજરાતથી સુબોધ દક્ષિણ ભારત તરફ જવાના છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા થઈને આગળ વધશે. વધુમાં સુબોધે જણાવ્યું કે, “હું સાઈકલ પર 1 કલાકમાં 17થી 18 કિલોમીટરનું અંતર કાપુ છું. હું દિવસના 7 કલાક સાઈકલ ચલાઉ તો પણ એવરેજ 120 કિલોમીટર અંતર કાપી શકુ છુ. સૌથી વધુ મેં 14 કલાકમાં 230 કિલોમીટર સુધી સાઈકલ ચલાવી છે. સાઈકલ પર હું 12થી 15 કિલોનો સમાન સાથે લઈને ફરું છું. જેમાં પુસ્તકો, ફાઈલો, કપડાં, ઇમરજન્સી માટે જમવાનું બનાવવાનો સામાન પણ સાથે રાખ્યો છે અને સાઈકલ રીપેરિંગ કીટ પણ સાથે લઈ નીકળ્યો છું.”

સુબોધના જણાવ્યા મુજબ, તેમણે હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે અને 6 મહિના લદ્દાખમાં અને 6 મહિના હિમાચલ તેમજ ઉત્તરાખંડમાં માર્ગદર્શક તરીકે કામ કરે છે. પરિવારમાં ચાર સભ્યો છે. જેમાં પિતા વિજય, માતા કુંદા અને મોટા ભાઈનો સમાવેશ થાય છે. મોટાં ભાઈ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પિતા પહેલાં સરકારી નોકરીમાં હતા, રિટાર્યડ થયા પછી હવે તેઓ ખેતીની પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.

સુબોધે આ યાત્રા એકલાં જ શરૂ કરી હતી. જો કે તેઓ આગળ વધતા ગયા અને લોકો વધુમાં વધુ તેમની સાથે જોડાતા ગયા છે. તેમની આ યાત્રામાં પરિવારનો તો તેમને સહયોગ મળ્યો જ હતો. જો કે ધીમે-ધીમે દરેક રાજયમાં અનેક પર્યાવરણ પ્રેમી મિત્રોનો પણ સહયોગ મળ્યો છે. સુબોધ ખાસ કરીને યુવાનોને આ અભિયાન સાથે જોડવા માગતા હોવાથી તેઓ દરેક રાજ્યમાં જઈને અનેક શાળાઓ અને કોલેજમાં યુવાનો માટે ખાસ પર્યાવરણ જાગૃતિ પર સેશન રાખે છે. જેમાં તેઓ પોતાની યાત્રા અને પર્યાવરણ બચાવવાની મુહિમ વિશે યુવાનોને જણાવે છે. તેમને આશા છે કે તેમની આ યાત્રાથી ચોક્કસ જ કેટલાંક યુવાનો તો પ્રેરિત થઈને પર્યાવરણને બચાવવા આગળ આવશે.

“સુબોધ વિજય જેવા યુવાનો આજના યુગના સાચા હીરો છે. તેમની ‘શક્તિ સંકલ્પ સફર’ દ્વારા માત્ર વૃક્ષો જ નહીં, પરંતુ લાખો યુવાનોના મનમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જવાબદારીનું બીજ વાવવામાં આવી રહ્યું છે. આવો, આપણે પણ તેમની સાથે જોડાઈએ અને પૃથ્વીને વધુ હરિયાળી બનાવીએ.”

 (રાધિકા રાઓલ- અમદાવાદ)

પેલેસ્ટિનને નામે 4 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે વસૂલાતઃ બેની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન પેલેસ્ટિનને મદદ કરવાનો ખોટો દાવો કરીને 4 કરોડ રૂપિયાથી વધુ રકમ ગેરકાયદે રીતે વસૂલવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે નકલી રીતે ફાળો એકત્ર કરવાની ફરિયાદમાં ચાર લોકો સામે કેસ નોંધ્યો છે. 7 ઓક્ટોબર, 2023એ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદથી પેલેસ્ટિનમાં કુલ 71,000થી વધુ પેલેસ્ટિનોનાં મોત થયાં છે. ઓક્ટોબર 2025માં ગાઝામાં લડાઈ રોકવા માટે થયેલા સીઝફાયર બાદથી 400થી વધુ લોકોનાં મોત થયાં છે.

એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને તેની એન્ટિ-ટેરરિઝમ યુનિટને શંકાસ્પદ રીતે આતંકવાદીઓને મદદ માટે ટેરર ફંડિંગ અંગે માહિતી મળી હતી. ત્યાર બાદ માજલગાવના પાત્રુડ ગામમાં શોધ અભિયાન ચલાવવામાં આવ્યું. આરોપીઓએ પેલેસ્ટિનની મદદને બહાને લોકો સાથે છેતરપિંડી કરીને 4 કરોડ રૂપિયાથી વધુ રકમ એકત્ર કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આ રકમ એક એવા ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી, જે ચેરિટી કમિશનર પાસે નોંધાયેલું નહોતું. આ કારણે ફાળો એકત્ર કરવો ગેરકાયદે બને છે. માજલગાવ ગ્રામીણ પોલીસે ચારેય આરોપીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે, જેમાંથી બેની ધરપકડ કરી લેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓનો કોઈ પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધ છે કે નહીં. એ સાથે-સાથે આ પણ તપાસ ચાલી રહી છે કે એકત્ર કરાયેલું ફંડ ટેરર ફાઇનાન્સિંગનો ભાગ તો નથીને?

અમેરિકાની મધ્યસ્થતાથી ઓક્ટોબરમાં થયેલા સીઝફાયર છતાં ઇઝરાયલી સેનાએ ગાઝાના એવા વિસ્તારોમાં વધુ હુમલા કર્યા છે, જે તેના સીધા સૈન્ય નિયંત્રણ હેઠળ નથી. ઇઝરાયલી સેનાએ પુષ્ટિ કરી છે કે તે ઉત્તર ગાઝામાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી રહી છે. એ સાથે-સાથે દાવો કર્યો છે કે તેમનું નિશાન જમીન ઉપર અને જમીન નીચેના આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે, જેમાં બેઇત લહિયામાં આવેલી સુરંગો પણ સામેલ છે. ઇઝરાયલી ડ્રોને પૂર્વી ગાઝા શહેરમાં અનેક ઘરો પર વિસ્ફોટકો પણ ફેંક્યા છે.

ઓસ્કાર 2026: ‘કાંતારા: ચેપ્ટર 1’, ‘તન્વી ધ ગ્રેટ’ દાવેદાર ફિલ્મોમાં સામેલ

નવી દિલ્હીઃ 98મા એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કારની ઘડી નજીક આવી રહી છે. ભારતીય સિનેમાએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા ફિલ્મ મંચ પર પોતાની ઓળખ મજબૂત કરી છે. આ વર્ષે બે શાનદાર ભારતીય ફિલ્મો—ઋષભ શેટ્ટીની ‘કાંતારા: ચેપ્ટર 1’ અને અનુપમ ખેરની ‘તન્વી ધ ગ્રેટ’—બેસ્ટ પિક્ચર કેટેગરી માટે પાત્ર ફિલ્મોની લાંબી યાદીમાં સામેલ થઈ છે.

આ વર્ષે કુલ 317 ફીચર ફિલ્મો ઓસ્કાર માટે પાત્ર ઠરી છે, જેમાંથી 201 ફિલ્મોને બેસ્ટ ફિલ્મની યાદીમાં સ્થાન મળ્યું છે. આ બંને ભારતીય ફિલ્મોએ પણ વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી છે. આ ફિલ્મો ઓસ્કારની આ યાદીમાં ત્યારે સામેલ થાય છે, જ્યારે તે કેટલાક કડક નિયમો પૂર્ણ કરે છે. સૌપ્રથમ, ફિલ્મને 2025 દરમિયાન અમેરિકાનાં ટોચનાં 50 બજારોમાં ઓછામાં ઓછાં 10 સ્થળોએ થિયેટરમાં રિલીઝ થવી જરૂરી છે અને ત્યાં ઓછામાં ઓછા સાત દિવસ સતત ચાલવી જોઈએ.

ફિલ્મના નિર્માતાઓએ એક ખાસ ફોર્મ ભરવું પડે છે, જેને Academy Representation and Inclusion Standards (RAISE) કહેવામાં આવે છે. આ ફોર્મ દ્વારા ખાતરી કરવામાં આવે છે કે ફિલ્મમાં સમાજના દરેક વર્ગનું સન્માન કરવામાં આવ્યું છે અને વિવિધતા તથા સમાવેશને ધ્યાનમાં લેવામાં આવ્યું છે.

આ માટે ચાર માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા બે માપદંડ પૂર્ણ કરવા ફરજિયાત છે. તેમાં ઓન-સ્ક્રીન પાત્રોમાં વિવિધતા, ફિલ્મની ટીમમાં વિવિધ સમુદાયના લોકોની ભાગીદારી અને ફિલ્મનિર્માણ દરમિયાન સમાવેશની કાળજી જેવા મુદ્દાઓ સામેલ છે. 22 જાન્યુઆરી 2026એ ઓસ્કારના નામાંકનની જાહેરાત થશે અને ત્યાર બાદ તેમાંથી વિજેતાને ઓસ્કાર આપવામાં આવશે. જો આ બંને ફિલ્મો નામિત થાય છે, તો તે ભારતીય સિનેમા માટે અત્યંત મોટી સિદ્ધિ હશે.

તંદૂરી રોટી પર થૂંકવાનો વિડિયો વાયરલઃ જાવેદની ધરપકડ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં એક રેસ્ટોરાંમાં તંદૂરી રોટી પર થૂંકવાનો ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો વાયરલ થયા બાદ ગાઝિયાબાદમાં ગુરુવારે સાંજે એક ઢાબામાં ખોરાક બનાવતા રસોઈયાની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મિડિયા પર રસોઈયાનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં તે રોટી બનાવતાં પહેલાં લોટ પર થૂંકતો નજરે પડે છે.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ, દિલ્હી–મેરઠ રોડ પર વર્ધમાન પુરમ પોલીસ ચોકીની નજીક રોડ પર આવેલા એક ઢાબામાં બની હતી. આ વિડિયો સામે આવ્યા બાદ બહારનું ખાવાનું લઈને લોકોના મનમાં ભય અને નફરત ફેલાઈ ગઈ છે. ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા મુજબ કેટલાક ગ્રાહકોએ રસોઈયાને લોટ અને રોટીઓ પર થૂંકતા જોયો હતો.

ત્યાર બાદ લોકોએ આ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો, જે બાદમાં સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થયો. આ વિડિયોને આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને તેને ધરપકડમાં લીધો. પોલીસના જણાવ્યા મુજબ રસોઈયાની ઓળખ મુરાદનગર કસ્બાના રહેવાસી જાવેદ અંસારી તરીકે થઈ છે.

અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (કવિનગર) સૂર્યબલી મૌર્યે જણાવ્યું હતું કે ‘ચિકન પોઇન્ટ’ ઢાબાનો માલિક વસીમ નામની વ્યક્તિ છે. તેમણે કહ્યું હતું કે ઘટના સમયે માલિક દુકાન પર હાજર હતો કે નહીં, તેની તપાસ પોલીસ કરી રહી છે. ACPએ ઉમેર્યું કે ઢાબાના લાઇસન્સની માન્યતા પણ તપાસવામાં આવી રહી છે.

અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં માલિકની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે ઢાબાના માલિક સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માટે મામલાનો રિપોર્ટ ફૂડ સેફ્ટી અને આરોગ્ય વિભાગોને મોકલી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી સામે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે રેસ્ટોરાં અને ઢાબાઓમાં થૂંકીને રોટી બનાવવાના આવા કેસો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે.

એચડી-ક્વૉલિટીના વિડિયો સ્વરૂપે ફેલાતી અફવા..

થોડા સમય પહેલાં એક મોટા ગજાના ડિરેક્ટર સાથે અમસ્તી વાતચીત ચાલી રહી હતી. ટોક-વિધન-ટોકમાં કોઈ બીજા દિગ્દર્શકનો નામોલ્લેખ થયો, જેમનો અમુકે વિવાદ થયેલો, ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળા એ ડિરેક્ટરના ટેકામાં એમની તરફેણમાં બોલતા, અમુકે એમની વિરુદ્ધ મોરચો માંડતાં કહેલું કે “એ તો છે જ એવો… વાતે વાતે ત્રાગાં કરનારો.” અમુક મભમ બોલતા. મેં પેલા મોટા ગજાના ડિરેક્ટરને પૂછ્યું કે “આ અથવા આવા કોઈ પણ મુદ્દે તમે ક્યારેય કોઈ જ સ્ટેન્ડ લેતા નથી. એમ કેમ?”

તો એ કહે “કોઈ જ સ્ટેન્ડ ન લેવું, ચૂપ રહેવું એ પણ એક રીતે સ્ટેન્ડ જ છેને?”

વીતેલા થોડા દિવસો દરમિયાન એક્ટર કાર્તિક આર્યન વિશે ઈન્ટરનેટ પર જાતજાતની વાતો ફરતી થઈ. લોકોએ બેફામ બનીને એના વિષે ફાવે તે લખ્યું. કોઈ સગીર વયની યુવતી સાથે એનું નામ જોડવામાં આવ્યું. પછી તો આ વિષયે ગંભીર આરોપો લગાડવાની જાણે રેસ લાગી. ઈન્ટરનેટ પર બનીબેઠેલા જાસૂસો પોતપોતાના દાવા, પોતપોતાની થિયરી લઈને આવ્યા.

આ ઘટનાનું ઝડપી રિ-રન જોઈએ તો, કાર્તિકે ગોવાના દરિયાકિનારા પરની પોતાની એક તસવીર એના સોશિયલ મિડિયા પર શૅર કરી. ઈન્ટરનેટની પ્રજાએ તરત એ તસવીરને યુકેની એક યુવતી સાથે જોડી કાઢી. એવો દાવો કરવામાં આવ્યો કે કાર્તિક અને તે અન્ડર એજ યુવતી સાથે હતાં. પછી તો એક યુવતીનો પ્રોફાઈલ શૅર થવા લાગ્યો. કાર્તિક એ કન્યાને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે એની સાબિતી આપતો સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યો. તે પછી તરત બીજો સ્ક્રીનશોટ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે કાર્તિકે એ અકાઉન્ટને અનફૉલો કરી દીધું છે.

લોકોએ એ યુવતીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની પાછળ પડી ગયા. જૂની તસવીરો ખોળી એની ઉંમર શોધવાનો પ્રયાસ કર્યો. એ આધારે નક્કી કરી નાખ્યું કે તે સગીર છે. હદ તો ત્યારે થઈ, જ્યારે કોઈએ એ યુવતીની પોસ્ટ પર કમેન્ટ કરીઃ “કાર્તિક આર્યનથી દૂર રહેજે… એ સારો માણસ નથી.”

પેલી યુવતીએ જવાબ આપ્યો: “હું કાર્તિકની ગર્લફ્રેન્ડ નથી.”

કાર્તિક કે એની ટીમે આ આરોપોનો કોઈ જવાબ આપ્યો નહીં. સામાન્ય રીતે સેલેબ્રિટીઓ આવી બાબત વિશે ખૂલેઆમ કંઈ ન બોલે તો પણ ઈન્સ્ટાગ્રામ પર તડ ને ફડ અથવા સાંકેતિક ભાષામાં પોતાની વાત કહી દેતી હોય છે. કાર્તિક તરફથી આવું કંઈ જ કરવામાં આવ્યું નહીં.

આ ચર્ચામાંથી બે વાત સ્પષ્ટ થાય છે. પહેલીઃ લોકોએ જાતતપાસ કરી, જાતે જ ચુકાદો આપી દીધો. આ કહાણી સાથે જોડાયેલાં પાત્રો શું કહે છે, તેનો જવાબ આવવા સુધી રાહ જોવાની જરૂર પણ સમજાઈ નહીં. બીજીઃ કાર્તિકના ફૅન્સનો દાવો છે કે એને ટાર્ગેટ કરવા માટે નેગેટિવ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એમનું કહેવું છે કે અમુક અભિનેતાઓ દ્વારા કાર્તિકને ખરાબ ચીતરવા આવું મિશન ચલાવવામાં આવે છે. આ આક્ષેપ-પ્રતિઆક્ષેપનું સત્ય ત્યાં સુધી બહાર નહીં આવી શકે, જ્યાં સુધી કાર્તિક તરફથી સત્તાવાર નિવેદન ન આવે.

આ ઘટના કાર્તિક આર્યનની જેટલી છે, એટલી જ આપણી ઈન્ટરનેટ સંસ્કૃતિની પણ છે. આજકાલ એક તસવીર, એક સ્ક્રીનશૉટ, ફૉલો-અનફૉલો પરથી માણસના વ્યક્તિત્વને વિટનેસ બૉક્સમાં ઊભું કરી દેવામાં આવે છે. પછી એ સેલેબ્રિટી હોય કે સામાન્ય યુવતી. મોબાઈલ બની જાય ન્યાયાધીશ. એક ક્લિકમાં અભિપ્રાય, એક શૅરમાં ચુકાદો, એક કમેન્ટમાં ચરિત્રહનન. આ જ છે આજની ગંદી રમત.

સૌથી ખતરનાક વાત એ છે કે આ બધું સુચિંતા કે ન્યાયના નામે થાય છે. હકીકતમાં તો આ ઉતાવળ, અર્ધસત્ય અને સંવેદનશીલતાના અભાવનું પરિણામ છે. જ્યાં સુધી સત્ય સામે ન આવે, ત્યાં સુધી મૌન રહેવું પણ જવાબદાર વલણ હોઈ શકે, જે પેલા મોટા ગજાના ડિરેક્ટરે મને કહેલું. કોઈ જ વલણ ન લેવી, પણ સોશિયલ મિડિયા પર આ મુશ્કેલ છે.

હવે તો આ ગંદી રમત તસવીર કે સ્ક્રીનશોટ પૂરતી સીમિત રહી નથી. ડીપફેક વિડિયો જેવી ખતરનાક ટેક્નોલોજીએ ચારિત્ર્યહનનને નવી, વધુ ભયાનક સપાટી આપી છે. કોઈનો ચહેરો ઉઠાવી બીજાના શરીર પર ચોંટાડો, અવાજની નકલ કરો. બસ, થોડી સેકન્ડમાં એવો વિડિયો તૈયાર થઈ જાય છે, જેને જોઈને આંખો પણ ભ્રમિત થઈ જાય. એક સમયે અફવા મોઢેથી મોઢે ફેલાતી. આજે એ HD ક્વૉલિટી વિડિયો સાથે ફેલાય છે. દુખદ સત્ય એ છે કે ઈન્ટરનેટની ટોળકીને હવે સત્ય કરતાં સનસનાટી વધારે આકર્ષે છે. આપણે જોઈ રહ્યા છીએ એ સત્ય છે કે બકવાસ? એ ચકાસવાની તસદી લીધા વિના એને આગળ મોકલી દે છે.

કાર્તિક આર્યનની ઘટનાને આપણને માત્ર સેલેબ્રિટી ગૉસિપ તરીકે નહીં, પણ એક ચેતવણી તરીકે જોવી જોઈએઃ જો આજે આપણે મૌન રહીશું તો કાલે કોઈ પણ વ્યક્તિ એક ડીપફેક ક્લિપનો શિકાર બની શકે છે. જો આજે અટક્યા નહીં, તો એ સમય દૂર નથી જ્યારે સત્યનો નહીં, પણ વાયરલ જૂઠાણાંનો જ વિજય થશે.

ટેક્નોલોજી જેટલી ઝડપે આગળ વધી રહી છે, એટલી જ ઝડપે આપણો વિવેક, સંયમ અને માનવીય સંવેદના પણ આગળ વધવાં જોઈએ નહીતર, સ્ક્રીન પરનાં જૂઠાણાં અને વાસ્તવિક જીવનનો વિનાશ એ વચ્ચેનું અંતર ઘટતું જ જશે.

-અને ઓ હેલ્લો, આ કોઈ એક અભિનેતાની વાત નથી. આવતી કાલે કોઈના પણ સ્ક્રીનશૉટ પર કન્ટેન્ટ બની શકે છે.

મોદીએ જાતે ફોન ન કર્યો એટલે ટ્રમ્પે ટ્રેડ ડીલ અટકાવી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ તેથી શક્ય બની નહીં, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો ન હતો. એવો દાવો અમેરિકાના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લટનિકે કર્યો છે. લટનિકે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે મેં ડીલ તૈયાર કરી હતી, પરંતુ તેના માટે મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરવો જરૂરી હતો. તેઓ (ભારત) અસહજ અનુભવી રહ્યા હતા. તેથી મોદીએ ફોન કર્યો નહીં.

લટનિકે જણાવ્યું હતું કે તેમણે પહેલાં અન્ય દેશો સાથે વાટાઘાટો કરી હતી, કારણ કે તેમને લાગતું હતું કે ભારત સાથે તો ડીલ સહેલાઈથી અને પહેલા જ થઈ જશે. અમેરિકન કોમર્સ સેક્રેટરી અનુસાર ખુલ્લેઆમ કહીએ તો આ (ટ્રેડ ડીલ) તેમની (ટ્રમ્પની) ડીલ છે. તેઓ જ તેને ક્લોઝ કરે છે. બધું સેટ હતું, ફક્ત મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરવાનો હતો. ત્રણ શુક્રવારની આપવામાં આવેલી સમયમર્યાદા પૂરી થયા પછી અમે આગલા અઠવાડિયામાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ અને વિયેતનામ સાથે ડીલ કરી. અમે અનેક ડીલની જાહેરાત કરી. તેમની સાથે અમે વાટાઘાટો કરી હતી અને ભારત બાબતે એવું માન્યું હતું કે ભારત સાથેની ડીલ તો એ દેશોથી પણ પહેલાં થઈ જશે. તેથી અમે તેમની સાથે વધુ દરે ચર્ચા કરી હતી. પછી ભારત પાછળ હટ્યું હતું.

લટનિકે વધુમાં દાવો કર્યો કે જે શરતો પર ભારત અને અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાના હતા, તે શરતો હવે ચર્ચામાં નથી. તેમના જણાવ્યા મુજબ અમેરિકા હવે તે ટ્રેડ ડીલથી પાછળ હટી ગયું છે, જેના પર પહેલાં સહમતી થઈ હતી. હવે અમે તેના વિશે વિચારતા પણ નથી.લટનિકનાં આ નિવેદનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પ્રતિબંધ બિલને મંજૂરી આપ્યા પછીના એક દિવસ બાદ આવ્યાં છે. આ બિલ ટ્રમ્પને રશિયાના વેપારી ભાગીદારો પર કડક કાર્યવાહી કરવાની વ્યાપક સત્તા આપે છે, ખાસ કરીને રશિયન તેલ ખરીદવા બદલ દંડ લગાવવાની. રશિયાના વેપારી ભાગીદારોમાં ભારત, ચીન અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.

Birthday Special: કલમના માસ્ટરનો દીકરો પણ માસ્ટર, બન્યો સફળ અભિનેતા અને નિર્માતા

ફરહાન અખ્તર આજે તેનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભાગ મિલ્ખા ભાગ સહિત અનેક સુપરહિટ ફિલ્મો આપનાર, ફરહાન બહુમુખી પ્રતિભાશાળી અને પ્રશંસાને પાત્ર છે.

ફરહાન અખ્તર બોલિવૂડના એવા થોડા સ્ટાર્સમાંના એક છે જેમણે ફિલ્મ ઉદ્યોગના લગભગ 70 ટકા ક્ષેત્રોમાં નિપુણતા મેળવી છે. ગાયનથી લઈને અભિનય, દિગ્દર્શન અને એક સફળ નિર્માતા તરીકે પણ, ફરહાને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે 52 વર્ષનો, ફરહાન અખ્તરના પિતા કલમના માસ્ટર અને લેખન જગતમાં સુપરસ્ટાર છે. તેમનો પુત્ર, ફરહાન પણ કોઈ કમ નથી, જેણે 27 વર્ષની ઉંમરે જ નોંધપાત્ર સફળતા મેળવી લીધી હતી. તેમના જન્મદિવસ પર આપણે ફરહાન અખ્તરની કારકિર્દી અને અંગત જીવનની રસપ્રદ વાત જાણીએ.

ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી, 1974ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા જાવેદ અખ્તર ફિલ્મ જગતમાં કહાનીઓના રાજા. આ એ સમય હતો જ્યારે સલીમ-જાવેદની કલમ સુપરહિટ ફિલ્મો પાછળનું પ્રેરક બળ હતું. પિતાના ફિલ્મી વાતાવરણમાં ઉછરેલા ફરહાને પણ એ જ માર્ગ અપનાવ્યો અને 2001માં તેમણે “દિલ ચાહતા હૈ” ફિલ્મ બનાવી. તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું અને તેમાં મુખ્ય ભૂમિકા પોતે ભજવી. આ ફિલ્મ માત્ર સફળ જ નહોતી પણ એક સંપ્રદાય પણ બની હતી. આ પછી, તેમણે 2004માં ઋત્વિક રોશન અભિનીત ફિલ્મ “લક્ષ્ય”નું દિગ્દર્શન કર્યું, જે સુપરહિટ રહી. આનાથી તે એક સફળ દિગ્દર્શક અને અભિનેતા તરીકે સ્થાપિત થયા.

27 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો

ફરહાન અખ્તરે આજ સુધીમાં 52 થી વધુ પુરસ્કારો જીત્યા છે. તેમણે તેમની પ્રથમ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો અને અભિનેતા અને દિગ્દર્શક તરીકે અનેક ફિલ્મફેર પુરસ્કારો જીત્યા છે. મિલ્ખા સિંહ જેવી તેજસ્વી વાર્તાઓ પ્રત્યેના તેમના અભિનય સમર્પણને લોકો સલામ પણ કરે છે. તેઓ એક તેજસ્વી નિર્માતા પણ છે જેમણે લોકોના દિલ જીતી લે તેવી ડઝનબંધ વાર્તાઓ કહી છે. તાજેતરમાં જ, ફિલ્મ 10 બહાદુર રિલીઝ થઈ હતી, જેની ખૂબ પ્રશંસા થઈ હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, તેમ છતાં તેની વાર્તા શાનદાર હતી. તેમણે મિર્ઝાપુર જેવી ઘણી સુપરહિટ OTT શ્રેણીઓનું પણ દિગ્દર્શન કર્યું છે.

26 વર્ષ પહેલા લગ્ન

ફરહાન અખ્તરે 26 વર્ષ પહેલા 2000 માં અધુના ભાવનાની સાથે લગ્ન કર્યા હતા. તેમની મુલાકાત તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મના નિર્માણ દરમિયાન થઈ હતી. તેઓ પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. તેમના લગ્ન 16 વર્ષ સુધી રહ્યા અને 2016 માં છૂટાછેડા લીધા. ત્યારબાદ ફરહાને શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા.

 

લાલુ યાદવ પરિવાર સામે ‘લેન્ડ ફોર જોબ’ કેસમાં આરોપ નક્કી

નવી દિલ્હીઃ દિલ્હીની કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે નોકરીને બદલે જમીન હડપવાને મામલે આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ મુજબ ચાર્જશીટમાં એવા સંકેતો મળે છે કે રેલ મંત્રી તરીકે પોતાના પદનો દુરુપયોગ કરીને લાલુ યાદવે સરકારી નોકરીઓને બદલે જમીનો કબજે કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

કોર્ટે તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ સામે પણ આરોપ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સંદેહને આધારે માન્યું છે કે લાલુ યાદવ અને તેમના પરિવાર દ્વારા વ્યાપક કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપપત્રમાં નોકરીને બદલે જમીન મેળવવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.લાલુ પરિવાર ગુનેગાર ગેંગની જેમ કામ કરતો હતો – કોર્ટ

કોર્ટે સંદેહને આધારે નિષ્કર્ષ કાઢ્યો છે કે લાલુ યાદવ અને તેમના પરિવાર દ્વારા એક વ્યાપક કાવતરું રચાયું હતું. ચાર્જશીટમાં નોકરીને બદલે જમીન કબજે કરવાની વાત સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. આ પરથી કોર્ટનું માનવું છે કે લાલુ યાદવ અને તેમનો પરિવાર એક ગુનેગાર ગેંગની જેમ કાર્ય કરી રહ્યો હતો.

કોર્ટે 52 લોકોને નિર્દોષ જાહેર કર્યા

કોર્ટે લાલુ યાદવ અને તેમના પરિવાર સહિત 40થી વધુ લોકો સામે આરોપ નક્કી કર્યા છે. જ્યારે આ કેસમાં કોર્ટ દ્વારા 52 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

ઈરાનમાં ખોમિની સામે મધરાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ કરન્સીના ભારે ઘટાડા સામે ઈરાનમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન ગુરુવાર રાત્રે વધુ ઉગ્ર બન્યું હતું. ઈરાનથી દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રજા પહેલવીએ લોકોને રસ્તાઓ પર ઊતરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ રસ્તાઓ પર આવી ગયા હતા અને રેલીઓ કાઢી હતી. ઈરાની સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા. મિડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાનના ઓછામાં ઓછાં 50 શહેરોમાં મોટા પાયે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારે ઇન્ટરનેટ અને ટેલિફોન લાઈનો બંધ કરી દીધી, જેને કારણે લોકો વધુ ઉગ્ર બન્યા અને ખોમિની સરકાર વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા હતા.

ખાસ વાત એ છે કે આ વિરોધ પ્રદર્શનોમાં રજા પહેલવીના સમર્થનમાં નારા લગાવવામાં આવી રહ્યા છે, જ્યારે ઈરાનમાં શાહના સમર્થનમાં નારા લગાવવા મૃત્યુદંડને પાત્ર ગુનો ગણાય છે.

ઈરાનમાં એર સ્પેસ બંધ, એર ડિફેન્સ સક્રિય

આ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ખોમિની સરકારે ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઈરાને એક NOTAM જાહેર કરીને એર સ્પેસ પર પ્રતિબંધો વધાર્યા છે.

રજા પહેલવીનું આહવાન

રજા પહેલવીએ ગુરુવાર અને શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવા આહ્વાન કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ રાત્રે 8 વાગતાં જ તહેરાનના અનેક વિસ્તારોમાં નારા ગૂંજવા લાગ્યા હતા. આ  નારાઓમાં “તાનાશાહ મુર્દાબાદ” અને “ઇસ્લામિક ગણરાજ્ય મુર્દાબાદ” જેવા નારા સામેલ હતા. એ સાથે જ કેટલાક લોકોએ રજા પહેલવી શાહની પ્રશંસા કરતા નારા પણ લગાવ્યા — “આ છેલ્લી લડાઈ છે, પહેલવી પાછો ફરશે.ઈરાનમાં તમામ ટેલિફોન સેવાઓ બંધ થતાં પહેલાં હજારો લોકો રસ્તાઓ પર જોવા મળ્યા હતા.

રજા પહેલવીએ એક પોસ્ટમાં કહ્યું હતું  કે આજે રાત્રે ઈરાનના લોકોએ પોતાની આઝાદીની માગ કરી. તેના જવાબમાં ઈરાની સરકારે સંચારનાં તમામ માધ્યમો બંધ કરી દીધાં છે. તેમણે આગળ જણાવ્યું હતું  કે દેશમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. લેન્ડલાઈન પણ કાપી નાખી છે. તેઓ સેટેલાઇટ સિગ્નલ જામ કરવાની કોશિશ પણ કરી શકે છે. તેમણે યુરોપીય નેતાઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિને સાથે મળીને “શાસનને જવાબદાર ઠેરવવા” માટે પગલાં લેવાની અપીલ કરી હતી.

પંચાંગ 09/01/2026