Home Blog Page 3012

70 વર્ષ પછી દેશમાં ચિત્તાનો જન્મ, નામીબિયન માદા ચિત્તાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી દેશ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નામિબિયાની માદા ચિત્તા સિયાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. માદા ચિત્તા અને ચાર નાના મહેમાનો અત્યારે એકદમ સ્વસ્થ છે. એક ખાસ ટીમ નવા મહેમાનો અને માદા ચિતાની ખાસ કાળજી લઈ રહી છે. 1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા. 70 વર્ષ પછી આવું પહેલીવાર બન્યું છે, જ્યારે દેશની ધરતી પર ચિત્તાનો જન્મ થયો છે.

ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ નવા મહેમાનોના આગમન પર તેમની ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે બચ્ચાનો જન્મ એ હકારાત્મક સંકેત છે કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ તેમના નવા વાતાવરણમાં સારી રીતે અનુકૂલન કરી રહ્યા છે. આ ઉદ્યાનને ભારતની વન્યજીવ વસ્તીમાં ચિત્તાના પુનઃ પ્રવેશ માટે યોગ્ય નિવાસસ્થાન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ તેમના 72માં જન્મદિવસના અવસર પર એમપીના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તા છોડ્યા હતા, જેમાં નામીબિયાથી લાવવામાં આવેલા પાંચ નર અને ત્રણ માદા ચિત્તાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એક માદા ચિત્તા સાશાનું ઇન્ફેક્શનને કારણે મોત થયું હતું.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે બુધવારે જણાવ્યું હતું કે નામીબિયાથી ભારત લાવવામાં આવેલી માદા ચિત્તામાંથી એકે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. તેમણે તેને ‘અમૃત કાલ’ દરમિયાન ભારતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે વર્ણવ્યું હતું. ટ્વીટ કરીને લખ્યું કે “મને એ જણાવતા આનંદ થાય છે કે વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વમાં 17 સપ્ટેમ્બર 2022ના રોજ ભારતમાં લાવવામાં આવેલ ચિત્તાના ચાર બચ્ચાનો જન્મ થયો છે.” મંત્રીએ પ્રોજેક્ટ ચિતાની સમગ્ર ટીમને ચિત્તાઓને ભારતમાં પાછા લાવવાના તેમના અથાક પ્રયાસો અને ભૂતકાળમાં થયેલી પર્યાવરણીય ભૂલને સુધારવાના તેમના પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા.

બે દિવસ પહેલા શાશાનું અવસાન થયું હતું.

નામિબિયાની માદા ચિત્તા સાશા સોમવારે, 27 માર્ચના રોજ કુનો નેશનલ પાર્કમાં તેના ઘેરામાં મૃત હાલતમાં મળી આવી હતી. તેમની કિડની ફેઈલ થઈ ગઈ હતી અને તેમની સારવાર ચાલી રહી હતી. આ સમાચારે દેશમાં ચિત્તાઓને પુનઃ સ્થાયી કરવા માંગતા વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા, પરંતુ એકસાથે ચાર બચ્ચાનો જન્મ થયા બાદ હવે દેશમાં ચિત્તાના પુનઃ વસવાટની આશા ફળીભૂત થઈ રહી છે.

કુનોમાં ચિત્તાઓની સંખ્યા વધીને 23 થઈ ગઈ

ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે નામીબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા અને કુનોમાં છોડવામાં આવ્યા હતા, જ્યારે 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ ભારતમાં લાવવામાં આવી હતી. આ 12 ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે. તમામ ચિત્તાઓ સહિત, હાલમાં કુનોમાં ચિત્તાઓની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે.

1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા

ભારતમાં છેલ્લો ચિત્તો 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર હેઠળ ભારતમાં ચિત્તાઓને ફરીથી રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે 2009 માં ‘પ્રોજેક્ટ ચિતા’ની શરૂઆત કરી હતી. દેશના ઘણા રાજ્યોમાં થયેલા સર્વે બાદ, મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્કને ચિત્તાઓના પુનર્વસન માટે અનુકૂળ ગણવામાં આવ્યું હતું અને પ્રોજેક્ટ ચિતા માટે તેની પસંદગી કરવામાં આવી હતી. લગભગ 22 વર્ષની લાંબી રાહ જોયા બાદ 2022માં આઠ ચિત્તા પ્રથમ વખત નામીબિયાથી લાવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા.

BSFએ પાક સરહદે ત્રણ ડ્રોન તોડી પાડ્યા, 10 કિલોગ્રામ હેરોઇન જપ્ત

ચંડીગઢઃ પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદની પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ એક ડ્રોન તોડી પાડ્યું હતું, જ્યારે અન્ય બે પર ગોળીઓ વરસાવી હતી, જેનો ઉપયોગ સંભવતઃ હેરોઇનની તસ્કરી માટે થઈ રહ્યો હતો, એમ BSFના એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. આ ઘટનાઓમાં આશરે 10 કિલોગ્રામ હેરોઇન, એક પિસ્તોલ, એકે મેગઝિન અને આઠ રાઉન્ડ ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી.

એક અન્ય મામલામાં BSFના જવાનોએ ફાજિલ્કા જિલ્લામાં સીમા બાડની પાર હેરોઇનનું પેકેટ ફેંકનારા બદમાશો પર ગોળીઓ વરસાવી હતી. BSFના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમૃતસરના રાજાતાલ ગામમાં સોમવારે રાત્રે આશરે સાડા આઠ કલાકે પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ માલૂમ પડી હતી અને BSFના જવાનોએ એના પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ મંગળવારે એ વિસ્તારની શોધખોળ દરમ્યાન એક કાળા રંગનું ડ્રોન (એક ડીજેઆઇ મેટ્રિસ ક્વાડકોપ્ટર) જપ્ત કરવામાં આવ્યું હતું.

BSFના પ્રવક્તાએ કહ્યું હતું કે ડ્રોનથી જોડાયેલી એક બેગની અંદર પીળા રંગની ટેપમાં વીંટળાયેલું હેરોઇનનું એક પેકેટ મળ્યું હતું, જેમાં 2.6 કિલોગ્રામ માદક પદાર્થ હતો. અમૃતસરના બચીવિંડમાં BSF સોમવારે રા6 પાકિસ્તાનની તરફથી ગામમાં ઘૂસી રહેલા એક અન્ય ડ્રોનને તોડી પાડ્યું હતું. BSFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્રોનની તપાસ દરમ્યાન એક પોલિસ્ટર બેગમાંથી ત્રણ પેકેટમાં છુપાવી રાખવામાં આવેલા ત્રણ કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

 

 

 

‘બેફામ’ના સર્જનને સમય ભૂંસી શક્યો નથીઃ રવીન્દ્ર પારેખ

કફન, જનાઝો, કબર, જિંદગી, મોત, વગેરે શબ્દો સાથે કોઈની ગઝલ યાદ આવે તો એમાં પહેલું નામ કવિ બરકત વિરાણી ઉર્ફે ‘બેફામ’નું હોય.

****

બેફામ કાં રડે છે મારા મોત પર એ સૌ આજે,

જેમણે જિંદગીભર રડાવ્યો છે મને…

****

કેટલુંય થાકી જવું પડ્યું બેફામ,

નહીંતર માર્ગ જીવનનો હતો માત્ર ઘરથી કબર સુધી…


આવા તો કેટલાંય શેર ટાંકી-ટાંકીને ‘બેફામ’ની વાતો સાંભળવાનો આ અવસર ગયા શનિવારે કાંદિવલીમાં યોજાયો હતો. ‘બેફામ’ના શતાબ્દિ વર્ષ નિમિત્તે કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા તા.૨૫ માર્ચની સાંજે ‘કવિ બરકત વિરાણી – બેફામ શતાબ્દી વંદના’નું આયોજન કરાયું હતું. સાહિત્ય, સંગીત, કળા, સંસ્કૃતિ, જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત સંવિત્તિનો આ સળંગ ૮૦મો કાર્યક્રમ હતો.

આ પ્રસંગે જાણીતા કવિ અને વિવેચક રવીન્દ્ર પારેખે મુખ્ય વક્તા તરીકે બેફામના જીવન અને સર્જન વિશે રસપ્રદ વાતો સંભળાવી હતી. જેને ભાવકો-ચાહકોએ દાદ આપીને સતત ઝીલી હતી.

રવીન્દ્ર પારેખ

સુરતથી ખાસ આ અવસર માટે આવેલા રવીન્દ્ર પારેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું, બેફામે કિસ્મત કુરેશી નામના એ સમયના ખ્યાતનામ શાયર પાસેથી તાલીમ લીધી હતી. તેમને ‘બેફામ’ ઉપનામ પણ કુરેશી સાહેબે આપ્યું હતું. બેફામે પોતાની પહેલી ગઝલ ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ લખી હતી. બેફામના સમયકાળને યાદ કરીને પારેખે કહ્યું હતું કે બેફામને જીવનમાં ખોટા અને ખરાબ માણસો વધુ મળ્યા હતા અને સારા માણસો ઓછાં મળ્યા હતા એનું દર્દ તેમના સર્જનમાં વ્યક્ત થતું રહ્યું હતું. બરકત વિરાણ ઉર્ફે બેફામે ગઝલને ગુજરાતી ભાષામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ સમયે ગઝલો બોલચાલની ભાષામાં કહેવાતી હોવાથી લોકપ્રિય બહુ થઈ હતી. અલબત્ત, એ સમયે આ કામ શૂન્ય પાલનપુરી, મરીઝ, વગેરે જેવા શાયરોએ પણ મોટેપાયે કર્યું હતું. બરકત ભાઈએ રેડિયો સ્ટેશન પર લાંબો સમય કામ કર્યુ હતું, તેમના બુલંદ અવાજને કારણે તેમને રેડિયો પર કામ કરવાનો અવસર મળ્યો હતો. અગાઉ તેમણે ‘વતન’ દૈનિકમાં પણ કામ કર્યુ હતું.

શયદા, કુરેશી અને મરીઝ – એ ત્રિપુટી સાથે બેફામને નિકટતા અને દોસ્તી થઈ હતી. બેફામ નામ સાથે બરકતભાઈએ જીવનભર મરણની ભરપુર વાતો કરી હતી, જે આજે પણ લોકોને સ્પર્શૈ છે. બેફામની વાત મન સુધી જ નહી, બલકે મનન સુધી પહોંચી છે. બેફામના કેટલાંય સર્જનને સમય ભૂંસી શકયો નથી. રાત દિવસ શ્વાસ લેવાનું રહે છે, નીંદમાંય જીવનનો પ્રવાસ ચાલે છે એમ કહેતા બેફામ પછી એમ પણ ઉમેરે છે કે શ્વાસ લેવાનો પણ થાક લાગે છે, ભલા શ્વાસ પણ કેવો બોજ છે જીવનનો, માણસ રોજ ઉપાડીને મુકે છે અને મુકીને ઉપાડે છે…

કીર્તિભાઈ શાહ

આ પ્રસંગે સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહે આવકારમાં પોતાના કોલેજકાળમાં યોજાયેલા મુશાયરામાં બેફામનો અને ગુજરાતી ગઝલોનો પરિચય કઈ રીતે થયો તેનો રસપ્રદ કિસ્સો કહ્યો હતો. તેમણે આ કાર્યક્રમના આયોજન વિશે અને રવીન્દ્ર પારેખનો પરિચય આપ્યા બાદ એસએનડીટી કોલેજના પ્રાધ્યાપક ડો. કવિત પંડયાએ પોતાની આગવી શૈલીમાં બેફામની માતા વિશેની એક ગઝલ રજૂ કરી હતી. બીજી રચનામાં દર્દ હતું, જેમાં બેફામ કહે છે,  ‘હું મારા શત્રુના હાથે ફેકાઈ ગયેલો માણસ છું, ને હું મારા શત્રુના હાથે ઝડપાઈ ગયેલો માણસ છું…’

ડો. કવિત પંડ્યા

એસએનડીટીના વિધાર્થિની ગોપી શાહે બેફામની અતિ લોકપ્રિય ગઝલ – ‘ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે મારા નથી બન્યા તેનો બનાવ્યો છે મને….’ સ્વકંઠે પ્રસ્તુત કર્યુ હતું.

ગોપી શાહ

સંવિત્તિના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટે પણ બેફામ લિખિત એક સુંદર ગીત ‘નૈન ને નૈન મળે જ્યાં છાના, થાય બંને દિલ દિવાના’, ‘તમને પારકા માનું કે માનું પોતાના’… ગાઈને શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. હાર્દિક ભટ્ટે પોતાના રિસર્ચના આધારે બેફામ વિશે બહુ ઓછાં લોકોને જાણમાં હોય એવી માહિતી આપતા કહ્યું હતું કે બેફામે બે ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો જેના નામ છે – મંગળફેરા (૧૯૪૯) અને ગોરખધંધા (૧૯૪૯).

હાર્દિક ભટ્ટ

ગીતકાર તરીકે તેમણે કુલ સાત ગુજરાતી ફિલ્મોમાં ગીત લખ્યા છે.

આ સાત‌ ફિલ્મો છેઃ

૧) લાખો વણજારો – ૧૯૬૩

૨) અખંડ સૌભાગ્યવતી – ૧૯૬૪

૩) મોટા ઘરની દીકરી (સ્નેહ બંધન નામથી રજૂ થઈ હતી) – ૧૯૬૭

૪) જીગર અને અમી – ૧૯૭૦

૫) રણુજાના રાજા રામદેવ – ૧૯૭૪

૬) ભ્રષ્ટાચાર મુર્દાબાદ – ૧૯૭૭

૭) સદેવંત સાવળીગા – ૧૯૭૭

બરકત બેફામ છે અને બેફામમાં ભરપુર બરકત છે એવા શબ્દો સાથે સંવિતિના સભ્ય જયેશ ચિતલિયાએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો.દિનકર જોશીએ વિશેષ હાજરી આપી હતી.

નવાજુદ્દીન સિદ્દીકીએ બાળકોની કસ્ટડી માટે કેસ ફાઇલ કર્યો

મુંબઈઃ બોલીવૂડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી હાલના ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. એક્ટરની પત્ની આલિયા સાથે ચાલતા ખટરાગને કારણે તેના જીવનમાં ઊથલપાથલ ચાલી રહી છે. બંને જણ કેટલાંક વર્ષો પહેલાં તલાક લેવાનો વિચાર કરી રહ્યા હતા, પણ પુત્રીઓને કારણે સમજૂતી કરી લીધી હતી. એક્ટરની માતાએ પણ વહુની સામે FIR નોંધાવતાં સંબંધો વધુ વણસ્યા હતા. હવે આલિયાએ પુષ્ટિ કરી છે કે તે તેનાં બાળકોની કસ્ટડી માટે લડશે, કેમ કે તે તેની સાથે નથી રહેવા ઇચ્છતી. તેણે એ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે બંને વચ્ચે તલાક ચોક્કસ થશે.

આ સપ્તાહના પ્રારંભે નવાજુદ્દીનના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી અને આલિયાની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એક્ટરે રૂ. 100 કરોડ અને એક માફીનામું માગ્યું છે. બંને વચ્ચે હવે બાળકોની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મારાં બંને બાળકો મારી સાથે રહેવા ઇચ્છે છે અને તેની સાથે નથી રહેવા ઇચ્છતા, એમ આલિયાએ જણાવ્યું હતું.

નવાજુદ્દીન સિદ્દીકીનું નિવેદન

સોશિયલ મિડિયા પોસ્ટમાં નવાજુદ્દીન સિદ્દીકીએ આલિયાના આરોપો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારા ચૂપ રહેવાને કારણે મને દરેક જગ્યાએ ખરાબ આદમી કહેવામાં આવે છે.હું એટલા માટે ચૂપ છું કે આ બધો તમાશો મારાં બાળકો ના જુએ. તેણે કહ્યું હતું કે સૌથી પહેલાં હું અને આલિયા અનેક વર્ષોથી એકસાથે નથી રહેતાં. અમે પહેલેથી અલગ છીએ, પણ અમારી વચ્ચે બાળકો માટે સમજૂતી હતી. તેમણે એમ કહ્યું હતું કે મારાં બાળકો છેલ્લા દોઢ મહિનાથી સ્કૂલે નથી જતાં. સ્કૂલ મને દરરોજ પત્ર મોકલી રહી છે. મારાં બાળકોને 45 દિવસોથી બંધક બનાવી લેવામાં આવ્યા છે અને દુબઈમાં તેમને સ્કૂલની યાદ આવી રહી છે. મેં મારાં બાળકો માટે વર્સોવા, મુંબઈમાં એક શાનદાર સી ફેસિંગ અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આલિયાને એ અપાર્ટમેન્ટમાં સહ માલિક બનાવવામાં આવી હતી.

નવાજુદ્દીન સિદ્દીકીની પોસ્ટ પહેલાં તેની પત્ની આલિયાએ એક વિડિયો શેર કર્યો હતો અને તેના પર બાળકોને ઘરથી બહાર કાઢવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્દીકી અને આલિયાને એક પુત્ર અને એક પુત્રી છે.

 

 

 

 

 

 

નોટ આઉટ@ 92: ડૉ. હર્નિશકાંત પરીખ

પોતાના રમુજી સ્વભાવથી જીવનના તણાવની ક્ષણોને જોત-જોતામાં ભગાડી દેનાર ડૉ. હર્નિશકાંત પરીખની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ અને અભ્યાસ રાજપીપળામાં, પાંચ ભાઈ, એક બહેનનું કુટુંબ,અત્યારે ભાઈ-બહેનોમાં તેઓ એકલા જ છે! પિતાજી નાના હતા ત્યારે એમનાં વડીલો ગુજરી ગયાં હતાં. તેમણે પોતાના ભાઈબહેનોને મોટાં કરી બહુ હાર્ડશીપમાં જિંદગી કાઢી. દારૂની ફેક્ટરીના એજન્ટ બન્યા, છતાં આખી જિંદગી ચા ચાખી ન હતી! જો કે માતાને “ચા”નો શોખ! આખો વાટકો ભરી ચા પીએ નહીં ત્યાં સુધી તેમની સવાર ઊગે નહીં!

રાજપીપળાથી એસએસસી કરી સુરત કોલેજમાં કમ્બાઇન એલોપેથી અને આયુર્વેદનો કોર્સ કરી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં જોબ લીધી. પછી અમદાવાદમાં લેબર-હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કર્યું. ત્યારબાદ વડોદરા (દશરથ) અને પછી પોતાનું ક્લિનિક કર્યું. થોડા સમયમાં પ્રેક્ટિસ બંધ કરી ભરૂચ(ગરુડેશ્વર)માં પંચાયતમાં મેડિકલ-ઓફિસર તરીકે અને પછી નેત્રંગમાં ભરૂચ નગરપાલિકામાં દસ વર્ષ કામ કર્યું. ઝઘડિયાની કન્યા સાથે 1959માં લગ્ન કર્યા. પત્ની એમએસસી ભણેલા અને કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતાં હતાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

રાતના 11 વાગ્યા સુધી વાંચન અને ટીવી ચાલે. અનિંદ્રાનો રોગ એટલે સવાર મોડી પડે. 8:00 વાગે ઊઠે, જાતે ચા બનાવે, પછી છાપુ અને ટીવી. હજી પ્રેક્ટિસ ચાલુ છે. જરૂરિયાત પ્રમાણે ઘરમાંથી પ્રેક્ટિસ કરે છે. આખો દિવસ મેડિકલનું વાંચે, GOOGLE કરે, નવી-નવી વસ્તુઓ અને દવાઓ જાણે અને શોધે!

શોખના વિષયો : 

જૂના હિન્દી ગીતો બહુ ગમે. રોજ રાત્રે એક કલાક જૂના હિન્દી ગીતો સાંભળે. મુકેશ-મન્ના ડે ફેવરિટ કલાકાર, ક્લાસિકલ સંગીત પણ ગમે. પ્રવાસ કરવો બહુ ગમે. આખા ભારતમાં ફર્યા છે. દીકરી સાથે 81 વર્ષે યુરોપનો પ્રવાસ પણ કર્યો છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

બાળપણથી અખાડામાં જતા, અત્યારે પણ કસરતની ટેવ છે. રોજ 40-45 મિનિટ કસરત કરે, ખાવા-પીવામાં ઘણું સાચવે. ઘણી વસ્તુઓની એલર્જી ડેવલોપ થઈ છે. તજ-લવિંગ-કાંદા-લસણ ખવાતા નથી. ઘણી એલોપેથી ડ્રગ્સની એલર્જી છે. બીપી/ડાયાબિટીસ જેવો કોઈ મોટો રોગ નથી, ક્યારેક હાઈપર-એસિડિટી થાય છે. 86 વર્ષે એક પગનું ઓપરેશન કરાવ્યું ત્યારે બધાનો વિરોધ હતો, પણ જમાઈએ સપોર્ટ આપ્યો! એક કાનનું ઓપરેશન કરાવ્યું છે.

યાદગાર પ્રસંગ: 

બીજાને હસાવે અને જાતે હસે! જિંદગીમાં ઘણી તકલીફો આવી છે, ઘણા અપ્સ-અને-ડાઉન્સ આવ્યા છે, હવે લાંબો વિચાર કરતો નથી. વર્તમાનમાં જ જીવે છે. મોટી દીકરીએ પારસી સાથે લગ્ન કર્યા છે. શરૂઆતમાં બંને કુટુંબમાં વિરોધ હતો પણ હવે બહુ સરસ સંબંધો છે. નાની દીકરીના લગ્નમાં પણ ઘણી તકલીફો આવી હતી. દીકરો બહુ હોંશિયાર, CEPTમાંથી સરસ રીતે અભ્યાસ કરી આર્કિટેક થયો, સ્વીઝરલેન્ડ ભણવા ગયો. દુબઈમાં જોબ કરતો હતો પણ એના મગજમાં ટ્યુમર ડેવલપ થઈ. મુંબઈ ડોક્ટર ભગવતીને બતાવ્યું. ત્રણ વાર ઓપરેશન કર્યું, પણ તેની 54 વર્ષની ઉંમરે તે ભગવાનને ઘેર સિધાવ્યો. HE WAS A WONDERFULL PERSON!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

રોજ કલાકો સુધી ગુગલિંગ કરે છે. મેડિકલની રીસન્ટ ડેવલપમેન્ટ્સ વાંચે, દવાઓના ઓપ્શન્સ શોધે, નવા મોલેક્યુલ્સ વિશે માહિતી મેળવે. આજના ડોક્ટરો પણ નથી કરતા તેવો ડિપ સ્ટડી તેઓ ટેકનોલોજીની મદદથી કરે છે. જમાઈ તેમના વખાણ કરતા થાકતા નથી!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ત્યારના દેશી-ઘી અને અત્યારની ટ્રાન્સફેટ વાળી ચરબીમાં જેટલો ફેર હોય તેટલો ફેર ત્યારમાં અને અત્યારમાં છે! ફાસ્ટ-ફૂડની લારીઓ વધી રહી છે અને ઘરનું ખાવાનું ઘટી રહ્યું છે! ગુજરાતીઓ ફરસાણ ખાય અને તેલ વારંવાર ગરમ થાય એટલે એ તેલ પેટમાં ઝેરનું કામ કરે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમનાં દર્દીઓ ત્રણ-ચાર પેઢી સુધી તેમની સાથે હોય! તેઓ માત્ર દર્દીઓની નહીં પણ આખા કુટુંબની ટ્રીટમેન્ટમાં ઇન્વેસ્ટ કરે! દવાનું ટ્યુનિંગ થાય ત્યાં સુધી ખાણી-પીણી, રહેણી-કરણીની માહિતી મેળવે. દર્દીઓને આ બહુ ગમે છે. આટલું બધું કરવા માટે આજે સમય કોની પાસે છે? પેઢી-દર-પેઢીના દર્દીઓ તેમની પાસે હોય. તેઓ સાસુ-વહુના પ્રશ્નો પણ સાંભળે અને સોલ્વ કરે! આવા ડોક્ટરો ક્યાં મળે જે ચાર પેઢીથી કુટુંબની દવા કરતા હોય! કુટુંબના સભ્યો કરતાં તેમને કુટુંબની હિસ્ટ્રી વધારે ખબર હોય!

સંદેશો : 

યુવાનોએ ક્યારેય શોર્ટ-કટ શોધવા નહીં. શાંતિથી જીવવું હોય તો રમુજી સ્વભાવ રાખવો. વર્તમાનમાં જીવવું અને ભૂલો રીપીટ ન થાય તેનું ધ્યાન રાખવું.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં 10 મેએ મતદાન, 13 મેએ પરિણામ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.  તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 10 મેએ મતદાન થશે અને મત ગણતરી 13 મેએ કરવામાં આવશે. એક જ તબક્કામાં મતદાન થશે.  કર્ણાટક વિધાનસભાની હાલની વિધાનસભાનો કાર્યકાળ 24 મેએ પૂરો થઈ રહ્યો છે. એ પહેલાં ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરશે. કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ 24 મેએ પૂરો થશે.રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા આજથી લાગુ થશે.

હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે અને બસવરાજ બોમ્મઈ મુખ્ય પ્રધાન છે. ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 104 સીટો પર જીત હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસે 80 અને JDS 37 સીટો જીતી હતી. કોઈ પક્ષને બહુમતી નહોતી મળી. કર્ણાટકમાં 5.22 કરોડ મતદાતાઓ છે. રાજ્યમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે. રાજ્યમાં 100થી વધુ ઉંમરના 16,000થી વધુ મતદાતાઓ છે, જ્યારે 80 વર્ષથી વધુ વયના મતદારો ઘરેથી મત આપી શકશે. રાજ્યમાં ચૂંટણી માટે 224 એવા બૂથ બનાવવામાં આવશે, જેમાં યુથ કર્મચારી તહેનાત રહેશે. 100 બૂથો પર દિવ્યાંગ કર્મચારી તહેનાત રહેશે. રાજ્યમાં 58,282 મતદાન કેન્દ્રો બનાવવામાં આવશે.

પાંચ વર્ષમાં ત્રણ CM બદલાયા

રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજકીય ઊથલપાથલ રહી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ વાર મુખ્ય પ્રધાન બદલાયા છે, જેમાં સૌથી પહેલા 23 મે, 2018એ કુમારસ્વામીએ શપથ લીધા હતા. ત્યાર બાદ યેદિયુરપ્પા 26 જુલાઈ, 2019થી 28 જુલાઈ, 2021 સુધી CM રહ્યા હતા. ત્યાર બાદ બસવરાજ મુખ્ય પ્રધાન બન્યા છે. તેઓ રાજ્યના હાવના મુખ્ય પ્રધાન છે.

 

 

 

 

 

કોરાનાના 2148 નવા કેસો, સાતનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2148 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે સાત જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,09,676 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,848 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,66,925 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1222 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 11,903એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.02 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,42,497 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 1.30 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.47 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,67,697 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11,336 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

મધ્ય રેલવેએ મફતિયા પ્રવાસીઓને દંડીને રૂ.ત્રણ-અબજની કમાણી કરી

મુંબઈઃ મધ્ય રેલવેએ ટિકિટ ખરીદ્યા વગર ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી દંડ વસૂલ કરીને વર્ષ 2022-23માં રૂ. 300 કરોડની કમાણી કરી છે. તમામ ઝોનમાં ટિકિટ ચેકિંગ અને મફતિયા પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલીની કામગીરી અસરકારક રીતે બજાવવામાં આવતાં આટલી મોટી કમાણી થઈ શકી છે.

આ વર્ષ દરમિયાન ટિકિટ વગર પ્રવાસ કરતા 46.32 લાખ લોકોને પકડવામાં આવ્યા હતા. તમામ ઝોનની મળીને દંડ વસૂલીથી આટલી મોટી કમાણી થઈ હોવાનું મધ્ય રેલવેમાં આ પહેલી જ વાર બન્યું છે. એકલા મુંબઈ ડિવિઝને જ રૂ. 108.25 કરોડની કમાણી કરી છે. વર્ષ 2021-22માં મધ્ય રેલવેના તમામ ઝોનમાં દંડ વસૂલીની કમાણીનો કુલ આંક રૂ. 214.41 કરોડ હતો.

ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રખાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે દેશમાં ઘઉંની જરૂરિયાત સામે પૂરવઠાની સ્થિતિ હજી રાહતપૂર્ણ જણાતી ન હોવાથી ઘઉંની નિકાસ પર મૂકાયેલો પ્રતિબંધ ચાલુ રહેશે.

સરકાર સંચાલિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશોક મીણાએ કહ્યું છે કે દેશમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડ્યો હોવા છતાં ઘઉંના ઉત્પાદન પર કોઈ માઠી અસર પડી નથી. કમોસમી વરસાદની મુસીબત આવી હોવા છતાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે 11 કરોડ 20 લાખ ટનનો વિક્રમી આંકડો પ્રાપ્ત કરશે. દુનિયામાં ઘઉંના સૌથી મોટા ઉત્પાદક દેશોમાં ભારત બીજા નંબરે આવે છે. ગયા વર્ષે દેશમાં ઘઉંની કિંમતને વધતી રોકવા માટે સરકારે ગયા વર્ષના મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેને હજી ચાલુ જ રખાશે.

૨૯ માર્ચ, ૨૦૨૩

૨૯ માર્ચ, ૨૦૨૩