મધ્ય રેલવેએ મફતિયા પ્રવાસીઓને દંડીને રૂ.ત્રણ-અબજની કમાણી કરી

મુંબઈઃ મધ્ય રેલવેએ ટિકિટ ખરીદ્યા વગર ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી દંડ વસૂલ કરીને વર્ષ 2022-23માં રૂ. 300 કરોડની કમાણી કરી છે. તમામ ઝોનમાં ટિકિટ ચેકિંગ અને મફતિયા પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલીની કામગીરી અસરકારક રીતે બજાવવામાં આવતાં આટલી મોટી કમાણી થઈ શકી છે.

આ વર્ષ દરમિયાન ટિકિટ વગર પ્રવાસ કરતા 46.32 લાખ લોકોને પકડવામાં આવ્યા હતા. તમામ ઝોનની મળીને દંડ વસૂલીથી આટલી મોટી કમાણી થઈ હોવાનું મધ્ય રેલવેમાં આ પહેલી જ વાર બન્યું છે. એકલા મુંબઈ ડિવિઝને જ રૂ. 108.25 કરોડની કમાણી કરી છે. વર્ષ 2021-22માં મધ્ય રેલવેના તમામ ઝોનમાં દંડ વસૂલીની કમાણીનો કુલ આંક રૂ. 214.41 કરોડ હતો.