ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રખાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે દેશમાં ઘઉંની જરૂરિયાત સામે પૂરવઠાની સ્થિતિ હજી રાહતપૂર્ણ જણાતી ન હોવાથી ઘઉંની નિકાસ પર મૂકાયેલો પ્રતિબંધ ચાલુ રહેશે.

સરકાર સંચાલિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશોક મીણાએ કહ્યું છે કે દેશમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડ્યો હોવા છતાં ઘઉંના ઉત્પાદન પર કોઈ માઠી અસર પડી નથી. કમોસમી વરસાદની મુસીબત આવી હોવા છતાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે 11 કરોડ 20 લાખ ટનનો વિક્રમી આંકડો પ્રાપ્ત કરશે. દુનિયામાં ઘઉંના સૌથી મોટા ઉત્પાદક દેશોમાં ભારત બીજા નંબરે આવે છે. ગયા વર્ષે દેશમાં ઘઉંની કિંમતને વધતી રોકવા માટે સરકારે ગયા વર્ષના મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેને હજી ચાલુ જ રખાશે.