Home Blog Page 2925

જિયાનાં માતા કોર્ટના ચુકાદાથી નારાજ; સૂરજ પંચોલીએ કહ્યું, ‘સત્યની જીત થઈ છે’

મુંબઈઃ યુવા અભિનેત્રી જિયા ખાનનાં શંકાસ્પદ મૃત્યુના કેસમાં મજબૂર કરવાના આરોપમાંથી યુવા અભિનેતા અને જિયાનાં બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે નિર્દોષ જાહેર કર્યા બાદ જિયાનાં માતા રબીયા ખાને કોર્ટના ચુકાદા અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કેન્દ્રીય તપાસનીશ એજન્સી સીબીઆઈની ઝાટકણી કાઢી હતી. કોર્ટની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘હું સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પડકારીશ. એ લોકો ઈચ્છે છે કે હું વધારે મહેનત કરું. હું વધારે મહેનત કરીશ. મેં 10 વર્ષથી લડાઈ લડી છે, હજી વધારે લડીશ. જિયાને ન્યાય મળશે.’

ઉલ્લેખનીય છે કે જિયા ખાન 2013માં મુંબઈમાં જુહૂ વિસ્તારસ્થિત એનાં ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં એનાં મૃત્યુને આત્મહત્યા તરીકે ગણવામાં આવ્યો હતો. બાદમાં રબીયા ખાને આરોપ મૂક્યા બાદ સૂરજ પંચોલી વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જિયાનાં મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે એવી માગણી સાથે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે સૂરજ જિયાને સાથે ગેરવર્તન કરતો હતો.

દરમિયાન, બોલીવુડ કલાકાર દંપતી – આદિત્ય પંચોલી અને ઝરીના વહાબનાં 32 વર્ષીય પુત્ર સૂરજ પંચોલીએ આજે સ્પેશિયલ કોર્ટના ચુકાદા બાદ પોતાનું મૌન તોડ્યું છે. એણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છેઃ ‘સત્યની હંમેશાં જીત થાય છે. ભગવાન મહાન છે.’ જજે ચુકાદો આપ્યો ત્યારે સૂરજ અને તેની માતા ઝરીના વહાબ કોર્ટમાં હાજર હતાં.

સૂરજ સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 306 (આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુના) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. 2013ના જૂનમાં એની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ જ વર્ષના જુલાઈમાં એનો જામીન પર છૂટકારો થયો હતો. જિયાએ છ-પાનાંના લખેલા એક પત્રના આધાર પર સૂરજ પંચોલી સામે આરોપ નોંધવામાં આવ્યો હતો.

જિયા ખાન સુસાઇડ કેસઃ અભિનેતા સૂરજ પંચોલીને છોડી મુકાયો

મુંબઈઃ એક્ટ્રેસ અને મોડલ જિયા ખાનને સુસાઇડ માટે ઉશ્કેરવાના આરોપમાં એક્ટર સૂરજ પંચોલીને મુંબઈની સ્પેશિયલ કોર્ટે છોડી મૂક્યો છે. સૂરજ પંચોલી તેની માતા ઝરીના વહાબની સાથે કોર્ટમાં આવ્યો હતો. એક દાયકા પછી આ મામલે CBIની સ્પેશિયલ કોર્ટનો ચુકાદો આવ્યો છે.

‘નિશબ્દ’ એક્ટ્રેસ જિયા ખાને ત્રીજી જૂન, 2013એ આપઘાત કર્યો હતો. 10 જૂને જિયા ખાનનો એક પત્ર મળ્યો હતો, જેને આધારે મુંબઈ પોલીસે એક્ટર સૂરજ પંચોલી પર કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું)  હેઠળ કેસ નોંધ્યો હતો.

જિયાની માતા રાબિયા ખાને દાવો કર્યો હતો કે તેની પુત્રી સૂરજ પંચોલીની સાથે અપમાનજનક રિલેશનશિપમાં હતી અને તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે. ઓક્ટોબર, 2013માં તેણે કેસમાં CBI તપાસની માગ કરતાં બોમ્બે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. હાઇકોર્ટના આદેશ પર CBIએ એક વર્ષ પછી જુલાઈ, 2014માં મહારાષ્ટ્ર પોલીસે આ કેસ હાથમાં લીધો હતો.

બીજી બાજુ, સૂરજે કહ્યું હતું કે જિયા ખાનની સાથે તેના સંબંધ સારા હતા. તેણે કહ્યું હતું કે નફીસા (જિયાનું મૂળ નામ)ની સાથે મારા સંબંધ શરૂઆતથી જ સારા રહ્યા છે. રાબિયાના આ દાવા વિશે પૂછવામાં આવતાં કે આત્મહત્યાનો કેસ નહીં, પણ હત્યાનો મામલો છે, પંચોલીએ કહ્યું હતું કે હું નફીસાના મોત માટે જવાબદાર નથી.

CBIની વિશેષ ન્યાયાધીશ એ. એસ. સૈયદે આ મામલે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભ્યા પછી ગયા સપ્તાહે ચુકાદો 28 એપ્રિલે સુરક્ષિત રાખ્યો હતો.

 

 

 

 

વાસ્તુ મુજબ પ્લોટ ખરીદીને બાંધકામ કરવું કેટલું જરૂરી?

શું ઇતિહાસમાં નામ આવે એના માટે જીવન ખર્ચી નંખાય? ઈતિહાસ તો ઇતિહાસકારોના હાથમાં  હોય છે. વિશ્વભરમાં કેટલાય નામ ઇતિહાસમાં ખોવાઈ ગયા હશે. જયારે કોઈએ મહંમદ ઘોરીનો વધ કર્યો હશે ત્યારે એને અપેક્ષા હશે કે ઈતિહાસ એની નોંધ લેશે. પણ એ નોંધ ન લેવાઈ હોય તો એ વ્યક્તિ શું કરી શકે? નાયીકાદેવી જેવું પાત્ર અંધારામાં હોય અને ચૌલાદેવી એ જ નાયીકાદેવી એવું મન મનાવીને લોકો વાતને ફેરવવા લાગે ત્યારે સમજાય છે કે ઈતિહાસ વિષે જેટલી વાતો થાય છે એટલો ઈતિહાસ સમજાયો નથી. જો ઇતિહાસના માર્ક અગિયારમાં ધોરણના એડમિશનમાં ગણાવાના જ ન હોય તો એમાં મહેનત થોડી કરાય? આવો અભિગમ પણ ક્યારેક દેખાય. પણ તેનાથી જે તે વ્યક્તિનું કાર્ય બદલાતું નથી. એ કદાચ જે તે સમયની જરૂરીયાત હતી. બસ એ કાર્ય કરવું જરૂરી છે. પણ લોક ચાહના માટે પોતાને ન ગમતું કામ તો ન જ કર્યા કરાય. વળી ઇતિહાસકાર બદલાય એની સાથે ઈતિહાસ પણ બદલાઈ શકે. તો પછી એના માટે મહેનત થોડી કરાય? હા, સકારાત્મક જીવન ખુબ જ જરૂરી છે. અને એના માટે વાસ્તુના નિયમો મદદરૂપ થાય છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ પણ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક ડોક્ટર છું. મારા પતિ પણ ડોક્ટર છે. આમ જોવા જઈએ તો અમને ઘણા લાભ મળે. એમાંથી એક લાભ એટલે ઓછા માર્ક હોવા છતાં ડોક્ટર બનવા મળ્યું. અમે એક જગ્યાએ પ્લોટ ખરીદીને બાંધકામ કર્યું. એની પાછળના પ્લોટમાં એક પરિવાર રહેતો હતો. એ મારા પતિના શિક્ષક હતા. બહુ કડક સ્વભાવ. એ ગુજરી ગયા ત્યારે પણ અમે મળવા નહોતા ગયા. અમે એમના પરિવારને અમારી ઓળખણો લગાડીને ઘર ખાલી કરાવ્યું. નાના ગામમાં ડોક્ટરને બધા ઓળખે. વળી મારા પતિ વાતોમાં એક્ષ્પર્ટ. એટલે મોટા નામો આપીને બધાને ઈમ્પ્રેસ કરી લે. અમે એ લોકોના કમ્પાઉન્ડ વિગેરે વાપરતા હતા અને અચાનક એ લોકો પાછા આવી ગયા. અમે અમારી વગ વાપરીને ફરીથી ઘર ખાલી કરાવ્યું. ખબર નહિ કેમ એવું લાગે છે કે એ ઘરમાં ભૂત થાય છે. રાત્રે ઊંઘ નથી આવતી. તો શું ભૂત હોય ખરું? વળી ડોક્ટર તરીકે કોઈને કહીએ તો સારું પણ ન લાગે. ક્યારેક એવું પણ લાગે છે કે મારા પતિને હવે હું નથી ગમતી. ખબર નહિ કેમ ચિંતાઓ વધતી જાય છે. ઉપાય બતાવો.

જવાબ: જે વ્યક્તિ પોતાની જાતને નથી ચાહી સકતી એને જ અન્યથી તકલીફો થાય છે. જુના જમાનામાં શિક્ષકો કડક વલણ વાળા હતા કારણકે એ પોતાના વિદ્યાર્થીઓને સફળ જોવા ઈચ્છતા હતા. તમે બંને એ ભેગા થઇ અને એમના પરિવારને ઘર ખાલી કરાવ્યું? અને એ પણ બબ્બે વાર? તમે તમારા પદનો દુરુપયોગ કર્યો. જે લોકોએ તમારું કશુજ નથી બગાડ્યું એમનું તમે નુકશાન કર્યું કારણકે એ લોકોની જગ્યા તમે મફતમાં વાપરવા માંગતા હતા? એમને ઘર ખાલી કરાવવા માટે તમે જે સંસ્થાનો દુરુપયોગ કર્યો એ સાચું હોય તો સાચે જ દુખદ છે. એ સંસ્થા ના સત્કાર્યો વિષે જ સાંભળ્યું છે. એટલે તમે કેટલી વિકૃત રીતે ખોટી રજૂઆત કરી હશે?

તમારા મનમાં ભૂત છે. તમારા કર્મો તમને રાત્રે સુવા નથી દેતા. અને તમારા પતિ જે પોતાના ગુરુને તકલીફ આપી શકતા હોય એની પાસેથી તમે શું અપેક્ષા રાખી શકો? જયારે અગ્નિના નકારાત્મક પદમાં મુખ્ય દ્વાર આવતું હોય ત્યારે વ્યક્તિનો સ્વભાવ આવો થઇ જાય છે. વળી તમારા ઘરમાં ઈશાનમાં અને ઉત્તરમાં જમીનથી ઉપર પાણી છે. ઉત્તરમાં ટોઇલેટ છે. જે શંકાશીલ સ્વભાવ આપે. સહુથી પહેલા તો તમારો સ્વભાવ અને અભિગમ બદલો. વડીલોને સન્માન આપો.

સુચન: કોઈનું ઝુંટવી લેવાની ભાવનાથી પણ નકારાત્મકતા આવે છે. કર્મના સિદ્ધાંત સામે કોઈ ઓળખાણ કામ કરતી નથી.

(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)

ચાવીઓ ગુમઃ ભાજપ-કોંગ્રેસે ઓડિશા સરકારને આડે હાથ લીધી

પુરીઃ ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરના રત્ન ભંડારની ચાવીઓ ગુમ થવાને લઈને વિપક્ષ-ભાજપ અને કોંગ્રેસ રાજ્યની બિજુ જનતા દળની સરકાર પર નિશાન સાધતાં રાજ્યમાં આંદોલન શરૂ કર્યું છે. આ ઉપરાંત આ પક્ષોએ તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચનો રિપોર્ટ જાહેર કરવાની વાત કરી છે. 12મી સદીના મંદિરના ખજાનાની ખોવાયેલી ચાવીઓને મામલામાં બે દિવસ પહેલાં ઓડિશા હાઇકોર્ટે એક અરજી પર રાજ્ય સરકારને 10 જુલાઈ સુધી જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં લાપપતા રત્ન ભંડારની ચાવીઓ પર જસ્ટિસ રઘુબીર દાસ પંચનો તપાસ રિપોર્ટને જાહેર કરવાની માગ પણ કરવામાં આવી હતી.

આ મુદ્દે મૌન ધારણ કરવા બદલ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની ટીકા કરતાં ઊજપના પ્રદેશ એકમના અધ્યક્ષ બસંત પાંડાએ આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશનો ઉદ્દેશ લોકોનું ધ્યાન બીજે વાળવાનું છે. ન્યાયિક પેનલે આશરે પાંચ વર્ષ પહેલાં નવેમ્બર 2018માં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો. સરકારે એના પર કોઈ કાર્યવાહી નથી અને અને એને કોરાણે મૂકી દીધો છે, એમ ભાજપના પ્રવક્તા પિતાંબર આચાર્યેએ કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિજય પટનાયકે કહ્યું હતું કે જો સરકાર પારદર્શિતામાં વિશ્વાસ કરતી હોય તો ન્યાયિક પંચનો રિપોર્ટ વિના વિલંબે જાહેર કરવો જોઈએ. સત્તારૂઢ  BJD એક નિવેદનમાં કહ્યું હતું કે રત્ન ભંડાર 1985થી 38 વર્ષથી ખૂલ્યો નથી અને વિપક્ષે ભગવાન જગન્નાથને નામે રાજકારણ કરવાથી બચવું જોઈએ. મંદિરના ગર્ભગૃહમાં સ્થિત રત્ન ભંડારના બે ભાગ છે. રત્ન ફંડારના બહારના ભાગમાં દેવતાઓ દ્વારા દૈનિક આધારે ઉપયોગ કરવામાં આવતાં આભૂષણોનો સંગ્રહ છે, જ્યારે આભૂષણોના કેટલાય ટુકડા આંતરિક ભવન રાખવામાં આવ્યા છે.

 

 

 

 

રાજયોગમાં પરમપિતા પરમાત્મા સાથે સંબંધ જોડો

ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે તે જ આપ્યું હતું અને તે જ લઈ લીધું. એ ખૂબ મહત્વનું છે કે આ મારી પરિસ્થિતિ છે. પરમાત્માનું કામ એ નથી કે આવીને મારી પરિસ્થિતિ ઠીક કરી દે કારણ કે મારી સામે જે પરિસ્થિતિ આવી છે એ મારા જ કર્મનું ફળ છે. રાજયોગ મેડિટેશનમાં આપણે શક્તિના સાગર પરમાત્મા પાસેથી શક્તિ ભરવાની હોય છે. તે શક્તિથી આપણે પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. પરમાત્મા સાથે સંબંધ એટલા માટે ન જોડીએ કે તેઓ મારી પરિસ્થિતિ ને ઠીક કરી દે.

પરમપિતા પરમાત્મા પાસેથી શક્તિ લેવાની છે. અને માંગવાનું નથી કે ભગવાન મને શાંતિ આપો, પ્યાર આપો. વાસ્તવમાં જ્યારે આપણે તેમના બાળક બનીએ છીએ તો તેમની પાસે જે છે તેના આપણે અધિકારી બની જઈએ છીએ. હું શાંતિના સાગરની સંતાન છું. એ સંકલ્પ કરતાની સાથે જ આપણી અંદર શાંતિની શક્તિ આવી જશે. હું કોણ છું? તેનો જવાબ છે – હું શાંત સ્વરૂપ આત્મા છું. શાંતિના સાગર પરમાત્માની સંતાન છું. શાંતિધામની રહેવાસી છું. આ સ્મૃતિના કારણે આપણને ગુસ્સો આવશે જ નહીં. લૌકિકમાં પણ ખાનદાનની સ્મૃતિ રહેવાના કારણે પોતાના વર્તન તથા વ્યવહારમાં પરિવર્તન આવી જાય છે.

આજથી આપણે એ સ્મૃતિ રાખીએ કે હું સર્વશક્તિવાનની સંતાન છું. પવિત્ર આત્મા છું. પવિત્રતાના સાગરની સંતાન છું. આખી દુનિયા તેને યાદ કરે છે કારણકે બધા મનુષ્ય આત્માઓ આ પવિત્ર બની ગયા છે. ખાલી થઈ ચુક્યા છે. આજ સુધી આપણે ભગવાનને કહેતા હતા કે તેઓ પતિત ને પાવન બનાવવાળા છે. પરંતુ કંઈ સમજતા ન હતા. પતિતને પાવન બનાવવાનો અર્થ શું છે? હું આત્મા જે અપવિત્ર બની ગઈ છું તેને પાવર હાઉસ સાથે મન-બુદ્ધિથી જોડીને ફરીથી પવિત્ર બનાવવાની છે. ઘણીવાર આપણને એ ખબર પડે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ. પરંતુ તે ભૂલને કેવી રીતે સુધારવી તે સમજ નથી હોતી. રાજયોગ દ્વારા જ્યારે આપણે મૂળભૂત બાબતો શીખી લઈએ છીએ ત્યારે પરિવર્તન કરવું મુશ્કેલ નથી લાગતુ.

રાજયોગમાં પરમાત્મા પિતા સાથે સંબંધી જોડીને તેમને યાદ કરવાથી પરમાત્માની વિશેષતા તથા શક્તિ મારામાં આવતી જશે. અહીં બેઠા-બેઠા તમે તમારા બાળકને યાદ કરો તો તેની સાથેના પ્યારનો અનુભવ તમને અહીં જ થશે. તમે કોઈ એવી વ્યક્તિને યાદ કરો કે જેની સાથે તમારા સંબંધ બરાબર નથી. તો તમને દુઃખ-દર્દની અનુભૂતિ થશે. યાદમાં એટલી બધી શક્તિ છે કે તમે તે વ્યક્તિની ગેરહાજરીમાં પણ તેને યાદ કરીને સુખ કે દુઃખની અનુભૂતિ કરો છો. હવે તમે પવિત્રતાના સાગરને યાદ કરો છો તો તમારો પવિત્રતાનો સંસ્કાર બને છે. જો તમે શાંતિના સાગરને યાદ કરો છો તો શાંતિનો સંસ્કાર બને છે.

આપણે શરીરના ભાનમાં છીએ એટલે શરીરના સંબંધીઓની યાદ આવે છૅ. જેવી રીતે આપણે પોતાના પુત્રને યાદ કરીએ છીએ તો તરત જ તે યાદ આવી જાય છે. જેણે આપણને થોડું પણ દર્દ આપ્યું હોય તેને યાદ કરતા જ તેની યાદ તરત જ આવી જાય છે. તેવી જ રીતે જો આપણે આત્મ અભિમાની બનવાનો અભ્યાસ કરતા જઈશું તો પરમપિતા પરમાત્મા સાથે આપણો સંબંધ મજબૂત બનતો જશે. એક બાબત એ છે કે જેટલો આપણે આત્મ અભિમાની બનવાનો અભ્યાસ કરતા જઈશું તેટલો પરમાત્મા સાથે સંબંધ મજબૂત બનતો જશે. બીજી બાબત એ છે કે જેટલો પરમાત્મા સાથે સંબંધ મજબૂત બનાવતા જઈશું તેટલું આપણા માટે આત્મ અભિમાની બનવાનું સરળ બનતું જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

કોરાનાના 7533 નવા કેસો, 44નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 7533 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 44 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,32,344 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,468 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,47,024 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,047 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 53,852એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.12 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.69 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,08,112 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.63 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,59,219 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4775 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

કૉલેજ પોલિટિક્સ રસનો સબ્જેક્ટ હોય તો આ ક્લાસ અટેન્ કરવા જેવો

આજકાલની આપણી ટીવીસિરિયલમાંથી બે સારી વાત શોધીને લખવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવી વાત છે… પણ 1990ના દાયકામાં (કદાચ 1993ની આસપાસ) મારી એક ફેવરીટ સિરિયલ હતીઃ ‘કૅમ્પસ’ (ઝી ટીવી). કૉલેજ લાઈફ, કૉલેજ પોલિટિક્સ, રોમાન્સની આસપાસ ફરતી આ સિરિયલનું અમીતકુમારે કમ્પોઝ કરેલું ટાઈટલ સૉન્ગ આજેય કાનમાં ગુંજે છે. સંજીવ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત ‘કૅમ્પસ’માં પરિતોષ પેઈન્ટર-નિનાદ કામત-રીટા ભાદુરી-મિલિન્દ ગવલી-અજિત વાચ્છાની-આરીફ ઝકરિયા જેવા કલાકાર હતા.

અત્યારે આ ટીવીસિરિયલ યાદ આવવાનું કારણ છેઃ ‘ગર્મી.’ ના ના, અકળાવનારી ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે ઘરમાં બેસીને આ સિરિયલ યુટ્યુબ પર જોવાની એમ નહીં. વાત છે હેમલ અશોક ઠક્કર-સ્વરૂપ રાવલ નિર્મિત, તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત વેબસિરીઝ ‘ગર્મી’ની. ‘હાસિલ,’ ‘સાહેબ બિવી ઔર ગેંગસ્ટર’થી લઈને ‘પાનસિંહ તોમર’ જેવી ફિલ્મના સર્જક તિગ્માંશુ ધુલિયાની ‘ગર્મી’ એટલે કૉલેજ પોલિટિક્સ, પ્યાર, પોલિટિક્સ અને ગુનાખોરીની ડબલ ચવાળી સચ્ચાઈની સૃષ્ટિ.

આશાસ્પદ યુવાનો એન્જિનિયર, ડૉક્ટર, લૉયર કે આઈએએસ અફ્સર બનવા કૉલેજમાં જાય છે. આમાંના મોટા ભાગના પોતપોતાના કારકિર્દીપથ પર આગળ વધતા રહે છે, પણ અમુક એવા પણ હોય છે, જે કૉલેજ પોલિટિક્સ અને તે પછી સ્ટેટ પોલિટિક્સમાં પડીને નેતા અથવા ડૉન બની બેસે છે. ખાસ કરીને પૂર્વાંચલનાં અમુક વિદ્યાધામ આ માટે જાણીતાં છે, જેને ગુનાખોરીનાં બાળમંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રાઈમ નર્સરી તરીકે જાણીતી આવી જ એક વિદ્યાપીઠની કહાણી છે ‘ગર્મી.’

અરવિંદ શુક્લા (વ્યોમ યાદવ) પિતાનાં સપનાં સાકાર કરવા શુક્લા નિવાસમાંથી નીકળી ત્રિવેણીપુર યુનિવર્સિટીમાં પહોંચે છે. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી લઈને ઈન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જવા માગતા, ગરમ મિજાજનો અરવિંદ પોતાના હક માટે લડવા તૈયાર હોય છે, પણ એ દિશાવિહીન છે. એવામાં યુનિવર્સિટીનું ઈલેક્શન આવે છે, જે એની કારકિર્દીને એક જુદો જ વળાંક આપે છે. એક તેજસ્વી વિદ્યાર્થી પહેલાં રાજકારણ અને પછી ગુનાખોરીના વમળમાં ફસાતો જાય છે અને… એ કેટલો આગળ વધે છે ને કેવાં પરાક્રમ કરે છે એ જોવા-જાણવા તમારે સોની લિવ પર ‘ગર્મી’ જોવી પડે.

મને આ સિરીઝની ગમી ગયેલી વાત છે લેખન (તિગ્માંશુ ધુલિયા અને કમલ પાંડે) અને દિગ્દર્શન. રંગમંચ પરથી આવતા પુનિતસિંહ, અનુરાગ ઠાકૂર, જતીન ગોસ્વામી જેવા પ્રતિભાશાળી યુવા નવોદિત કલાકારોને યોગ્ય દિશાદર્શન આપ્યું છે તિગ્માંશુભાઈએ. ક્લાસરૂમને બદલે યુનિવર્સિટીના કૅમ્પસ પરથી પોલિટિકલ સાયન્સના પાઠ ભણતો વ્યોમ યાદવ તો રીતસરનો એના કૅરેક્ટરમાં અંદર સુધી ખૂંપી ગયો છે. આ ઍક્ટર આગળ જતાં અલાહાબાદથી નીકળેલો વધુ એક એન્ગ્રી યંગ મૅન બને તો નવાઈ નહીં. રાઈટિંગ-ડિરેક્શન ઉપરાંત ચોટદાર અને બોલચાલની ભાષામાં વપરાતા સંવાદ પણ દર્શકને જકડી રાખે છે. એક સીનમાં પ્રદેશનો માથાભારે માફિયા અરવિંદ શુક્લાને કહે છેઃ “તારું ભવિષ્ય સરકારી અધિકારી બનવામાં નહીં, પણ સરકાર બનાવવામાં છે.”

કૉલેજ રાજકારણનાં મૂળિયાં રાજકીય નેતા, માથાભારે ગુંડા, ભ્રષ્ટ પોલીસ અધિકારી સાથે કેવી રીતે જોડાયેલાં હોય છે એનું આબાદ ચિત્રણ કરતી ‘ગર્મી’ની ફર્સ્ટ સીઝનના બધા એપિસોડ પૂરા કરો ને એ તમને ગમી જાય તો પછી કૉલેજ પોલિટિક્સ પર બનેલી અમુક ફિલ્મ તમારે જોવી જોઈએ. જેવી કે રામગોપાલ વર્માની ‘શિવા,’ તિગ્માંશુ ધુલિયાની જ પહેલી ફિલ્મ ‘હાસિલ,’ મણિરત્નમની ‘યુવા,’ અનુરાગ કશ્યપની ‘ગુલાલ,’ રાકેશ ઓમપ્રકાશ મેહરાની ‘રંગ દે બસંતી,’ આનંદ એલ. રાયની ‘રાંઝણા,’ વગેરે.

ધનુષ-સોનમ કપૂર-જિશાન અયુબ-અભય દેઓ-સ્વરા ભાસ્કર, વગેરેને ચમકાવતી અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના કૅમ્પસમાં આકાર લેતી વાર્તાવાળી ‘રાંઝણા’ને આ વિષય પર બનેલી વિચારોત્તેજક ફિલ્મની યાદીમાં મૂકી શકાય. શું કહો છો?

ઘણી જર્મન ટ્રેનો કરતાં દિલ્હી મેટ્રો ચઢિયાતી છેઃ જર્મન રાજદૂત

નવી દિલ્હીઃ વસ્તીના મામલે ચીનને પાછળ રાખી દઈને ભારત દુનિયામાં નંબર-1 બનતાં જર્મન મેગેઝિન ‘ડેર સ્પાઈજેલ’માં ભારતની ટીકા કરતું એક કાર્ટૂન છપાયું હતું. એનો વિવાદ થયો છે. ખુદ જર્મનીના ભારતસ્થિત રાજદૂત ફિલિપ એકરમેનને પણ એ કાર્ટૂન પસંદ પડ્યું નથી.

એકરમેને કહ્યું છે કે, તે કાર્ટૂન ન તો રમૂજી છે કે ન તો ઉચિત છે. મારું આ કાર્ટૂન દોરનારને આમંત્રણ છે કે તે દિલ્હી આવે અને મારી સાથે દિલ્હીની મેટ્રો ટ્રેનમાં સવારી કરે. મારું માનવું છે કે જર્મનીની ઘણી મેટ્રો ટ્રેનો કરતાં દિલ્હી મેટ્રો સેવા ચઢિયાતી છે. કાર્ટૂનિસ્ટે ભારત વિશે થોડીક વધારે માહિતી મેળવવી જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે ભારતની મેટ્રો રેલવે સિસ્ટમ કેટલી આધુનિક છે.

ફિલ્મફેર એવોર્ડ્સ-2023: આલિયા, રાજકુમાર રાવ શ્રેષ્ઠ અદાકાર ઘોષિત

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં ઝમકદાર કામગીરી બજાવવા માટે દર વર્ષે કલાકારો અને કસબીઓને અપાતા ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહનું ગઈ કાલે અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ ગયેલા આ 68મા ફિલ્મફેર એવોર્ડ્સ કાર્યક્રમમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ છવાઈ ગઈ હતી. આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક (સંજય લીલા ભણસાલી) અને શ્રેષ્ઠ અભિનેત્રી (આલિયા ભટ્ટ) જેવા ટોચના એવોર્ડ કબજે કર્યા છે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રાજકુમાર રાવે જીત્યો છે, ‘બધાઈ દો’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા માટે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ 2022ના ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. તેમાં એક એવી સામાન્ય યુવતીની વાર્તા છે જેને મુંબઈમાં વેશ્યાવાડે વેચી દેવામાં આવે છે જે બાદમાં અંધારીઆલમમાં અને મુંબઈમાં છેક અંગ્રેજોના વખતથી દેહવ્યાપારના કેન્દ્ર બની ગયેલા કમાઠીપુરા વિસ્તારની મોટી આગેવાન બની ગઈ હતી.

શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ) એવોર્ડ બે અભિનેત્રીને આપવામાં આવ્યો છે – ‘બધાઈ દો’ ફિલ્મમાં રાજકુમાર રાવની હિરોઈન બનેલી ભૂમિ પેડણેકરને અને ‘ભૂલ ભૂલૈયા 2’ માટે તબુને.

આ વખતના ફિલ્મફેર એવોર્ડ સમારોહનું સંચાલન એક્ટર સલમાન ખાન અને મનીષ પૌલે કર્યું હતું. એવોર્ડ નાઈટમાં આલિયા ભટ્ટ, રેખા, કાજોલ, આયુષમાન ખુરાના, નોરા ફતેહી, જ્હાન્વી કપૂર, વિકી કૌશલ સહિત બીજા અનેક કલાકારોએ હાજરી આપી હતી. વિકી કૌશલ, ટાઈગર શ્રોફ, જેક્લીન ફર્નાન્ડિસ અને જ્હાન્વી કપૂરે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો