Home Blog Page 292

અદાણી ગ્રુપ દ્વારા દાવોસમાં રૂ. છ લાખ કરોડના મૂડીરોકાણનો પ્રસ્તાવ

દાવોસ: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 56મી વાર્ષિક બેઠકમાં અદાણી ગ્રુપે મહારાષ્ટ્રના વિકાસ માટેનો પોતાનો રોડમેપ રજૂ કર્યો છે. અદાણી જૂથે $ 66 બિલિયન (રૂ. છ લાખ કરોડ)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (MoU)માં રોકાણના રોડમેપને ઔપચારિક બનાવવામાં આવ્યો હતો. ગ્રુપે જણાવ્યું હતું કે આ રોકાણ ફક્ત બાંધકામ ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નહીં હોય, પરંતુ રોજગાર, શહેરી વિકાસ અને ગ્રીન એનર્જીને પણ વેગ આપશે.

દાવોસમાં WEF બેઠકમાં અદાણી ગ્રુપે આગામી વર્ષોમાં રોકાણ યોજનાઓ વિશે માહિતી આપી હતી. અદાણી જૂથના પ્રસ્તાવિત રોકાણો ઉડ્ડયન, સ્વચ્છ ઊર્જા, શહેરી માળખાગત સુવિધા, ડિજિટલ પ્લેટફોર્મ અને અદ્યતન ઉત્પાદન જેવાં ક્ષેત્રોમાં કરવામાં આવશે. આ રોકાણ આગામી દસ વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં અદાણી ગ્રુપ દેશના સૌથી પડકારજનક શહેરી પ્રોજેક્ટ્સમાંના એક એવા ધારાવીના પુનર્વિકાસને પ્રાધાન્ય આપશે. આ યોજના હેઠળ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને એક વ્યવસ્થિત અને આર્થિક રીતે સક્ષમ વિસ્તારમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેનાથી અહીંના રહીશો માટે રહેવાની, કામ કરવાની અને વ્યવસાયિક સુવિધાઓમાં સુધારો થશે.

દાવોસમાં પત્રકારો સાથે વાત કરતાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય તેની વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત લાંબા ગાળાના રોકાણકારોનું સ્વાગત કરે છે, તેમણે ભાર મૂક્યો હતો કે રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ અને વિકાસનો વેગ જાળવી રાખવા સતત રોકાણો મહત્વપૂર્ણ છે. અદાણી ગ્રુપ નવી મુંબઈને એક મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યું છે. 25 ડિસેમ્બરથી કાર્યરત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈની આસપાસના ક્ષેત્રમાં હવાઈ મુસાફરી ક્ષમતામાં વધારો તેમ જ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ અને વ્યાપારી વિકાસને વેગ આપશે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગ્રુપના રોકાણોનું આયોજન લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ રોકાણો ભવિષ્ય માટે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ બનાવવા પર કેન્દ્રિત છે જે આગામી 7-10 વર્ષોમાં આર્થિક વૃદ્ધિ, ઊર્જા પરિવર્તન અને ડિજિટલ વિસ્તરણને મજબૂતી આપનારા બનશે.

નવા રોકાણથી રોજગાર સર્જનની સાથે અર્થતંત્રને લાંબા ગાળાના લાભો થશે. આગામી સાતથી 10 વર્ષમાં તબક્કાવાર થનારા આ રોકાણમાં 3000 મેગાવોટની ક્ષમતા ધરાવતા ગ્રીન ડેટા સેન્ટર પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એરપોર્ટ નજીક એક એરેના ડિસ્ટ્રિક્ટ, કોલસા આધારિત પ્રોજેક્ટ્સ, 8,700 મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ તેમજ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ જેવી યોજનાઓ છે.

નવાં રોકાણો ફક્ત માળખાગત સુવિધાઓ બનાવવા કે સંપત્તિ સર્જન પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ એક એવી ઇકોસિસ્ટમ બનાવશે, જે મોટા પાયે રોજગારી સર્જન, પર્યાવરણને અનુકૂળ અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો પ્રભાવ વધારતી હોય.

મુંબઈમાં ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવ સંપન્ન

મુંબઈઃ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં બુધવારે જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્થિક વ્યવસ્થાને સામ્રાજ્યવાદમાંથી મુક્ત કરી ભારતીય સભ્યતાના મૂલ્યો અને વૈશ્વિક સ્તરે વસુધૈવ કુટુમ્બકમની પ્રસ્તુતતા પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

દિવસની શરૂઆત ‘આર્થિક વ્યવસ્થાની સામ્રાજ્યવાદમાંથી મુક્તિ’ વિષય ઉપર પેનલ સાથે થઈ હતી. આ ચર્ચાનું સંચાલન ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર શૌર્ય ડોભાલ દ્વારા કરવામાં આવ્યું હતું. પેનલમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષ, નાલંદા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સચિન ચતુર્વેદી અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર એમ. કે. જૈન ઉપસ્થિત રહ્યા હતા.

79મા આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મુંબઈમાં આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવમાં વક્તાઓએ પ્રવર્તમાન વૈશ્વિક આર્થિક વ્યવસ્થાની માળખાગત મર્યાદાઓ તરફ ધ્યાન દોરી આર્થિક સાર્વભૌમત્વ, નાણાકીય અસમાનતાઓ અને નૈતિક સંતુલન પર ભાર મૂક્યો હતો.

આ ચર્ચાઓમાં સર્વસમાવેશકતા તથા લાંબા ગાળાની ટકાઉક્ષમતા પર આધારિત વૈકલ્પિક મોડલ્સની જરૂરિયાત સમજાવવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મુંબઈ યુનિવર્સિટી, ગીતાર્થ ગંગા અને જ્યોત ફાઉન્ડેશન વચ્ચે થયેલા ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) હતા, જેનો ઉદ્દેશ્ય શિક્ષણ, સંશોધન અને સંવાદ દ્વારા ભવિષ્યની પેઢીઓને વસુધૈવ કુટુમ્બકમના વિચાર સાથે સક્રિયપણે જોડવાનો છે.

બપોરના સત્રમાં ‘વસુધૈવ કુટુમ્બકમ અને સંક્રમણ કાળ’ વિષય હેઠળ આદિલ ઝૈનુલભાઈ, વિજય ચોથાઈવાલે, સચિન ચતુર્વેદી અને જક્ષય શાહ જેવા મહાનુભાવોએ વિચાર-વિમર્શ કર્યો હતો કે કેવી રીતે ‘વિશ્વ એક પરિવાર છે’નો સિદ્ધાંત વિભાજિત થતી દુનિયામાં શાસન અને વૈશ્વિક સહયોગ માટે માર્ગદર્શક બની શકે છે. આખો દિવસ ચાલેલા પ્રદર્શનમાં પ્રાચીન ભારતીય જ્ઞાનના 12 શાશ્વત સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હતા, જે આધુનિક પડકારોનો સામનો કરવા માટે વ્યવહારુ માર્ગદર્શિકા પૂરી પાડે છે. સાંજના સમયે ટેકનોલોજી અને મીડિયાના સામાજિક પ્રભાવ પર પોડકાસ્ટ સત્રો યોજાયા હતા અને લેસર શો દ્વારા પરિવાર તથા વૈશ્વિક સંવાદિતાના વિષયોનું વિઝ્યુઅલ અર્થઘટન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા શેરી નાટકોએ મૂલ્યો અને ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરીને મુલાકાતીઓમાં ચિંતન જગાવ્યું હતું, જે આ કોન્ક્લેવને ભારતીય સભ્યતાના જ્ઞાનને વૈશ્વિક પ્રશ્નો સાથે જોડતું એક ગંભીર પ્લેટફોર્મ બનાવે છે.

ABSLAMCનો નફો 20 ટકા વધીને રૂ. 2.7 અબજ થયો

મુંબઈઃ  આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમિટેડ (ABSLAMC)એ 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિના માટેના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કંપનીની વાર્ષિક ધોરણે કામગીરી થકી આવક સાત ટકા વધીને રૂ. 4.8 અબજ ડોલર થઈ,હતી, જ્યારે કંપનીનો કરવેરા પહેલાંનો નફો 19 ટકા વધીને રૂ. 3.6 અબજ થયો છે અને કરવેરા પછીનો નફો 20 ટકા વધીને રૂ. 2.7 અબજ થયો છે. કંપનીની MF QAAUM 15 ટકા વધીને રૂ. 4432 અબજ થઈ છે, જ્યારે ઇક્વિટી MF QAAUM 11 ટકા વધીને રૂ. 1994 અબજ થઈ છે.

કંપનીની વ્યાવસાયિક કામગીરીની હાઇલાઇટ્સ

  • 31 ડિસેમ્બરે પૂરા થતા સમયગાળામાં કંપનીની વૈકલ્પિક એસેટ્સ સહિત કુલ QAAUM 20 ટકા વધીને 31 ત્રિમાસિક ગાળા માટે રૂ. 4814 અબજ થઈ હતી. ABSLAMC મ્યુચ્યુઅલ ફંડની QAAUM 15 ટકા વધીને રૂ. 4432 અબજ થઈ હતી.
  • ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની QAAUM 11 ટકા વધીને ત્રિમાસિક માટે રૂ. 1994 અબજ થઈ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની મિક્સ ત્રિમાસિક ગાળા માટે 45 ટકાએ હતી.
  • ડિસેમ્બર, 2025 માટે વ્યક્તિગત મન્થલી AAUM રૂ. 2119 અબજ હતી જ્યારે વ્યક્તિગત મિક્સ મ્યુચ્યુઅલ ફંડ AUM 48 ટકાએ રહી હતી.
  • B-30 માસિક AAUM વાર્ષિક ધોરણે 12 ટકા વધીને ડિસેમ્બર, 2025માં રૂ. 770 અબજ થઈ હતી, જ્યારે B-30 મિક્સ મ્યુચ્યુઅલ ફંડ AUMમાં 3 ટકા રહી હતી.
  • 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ESIC મેન્ડેટ સહિત PMS/AIFની QAAUM 8 ગણી વધીને રૂ. 327 અબજ થઈ હતી, જે અગાઉ રૂ. 38 અબજ હતી. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક માટે ESIC મેન્ડેટની QAAUM રૂ. 273 અબજના સ્તરે હતી.
  • 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે પેસિવ QAAUM રૂ. 387 અબજના સ્તરે રહી હતી., જેમાં વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

  • 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ABSLAMCએ 8 મિલિયન ફોલિયોનું સંચાલન કર્યું હતું.
  • ડિસેમ્બર 2025 માટે માસિક SIP યોગદાન (STP સહિત) રૂ. 80 અબજના સ્તરે રહ્યું હતું, જેમાં 4.04 મિલિયન યોગદાન આપતા SIP એકાઉન્ટ્સ હતાં.
  • 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન અંદાજે 5,31,000 નવા SIPs (STP સહિત) નોંધાયાં હતાં.
  • 93,000થી વધુ KYD-અનુરૂપ MFDs, 360 નેશનલ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 90+ બેંકોને 310+ સ્થળો દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાંથી 80 ટકાથી વધુ સ્થળો B-30 શહેરોમાં છે.

ટોલ ટેક્સ બાકી હશે તો કાર વેચી નહીં શકાય

નવી દિલ્હી: જો તમારી ગાડી પર ટોલ પ્લાઝાનો કોઈ બાકી ટેક્સ છે તો સાવધાન થઈ જાઓ. હવે કારમાલિકોને વાહન વેચતાં પહેલાં અથવા ફિટનેસ સર્ટિફિકેટ લેવા પહેલાં તમામ ટોલ પ્લાઝાની બાકી રકમ ચૂકવવી ફરજિયાત રહેશે. મોદી સરકારે બેરિયર-ફ્રી ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની દિશામાં આ પગલું લીધું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા કેન્દ્રીય મોટર વાહન નિયમો, 2026 જાહેર કરી દીધા છે. ટોલ પ્લાઝા પરની તમામ જૂની બાકી રકમ ચૂકવ્યા પછી જ વાહન વેચી શકાશે.

 ઓનલાઈન ટોલ કલેક્શન સુધારાશેઆ ફેરફારોનો ઉદ્દેશ એ છે કે વાહન માલિક તમામ પ્રકારની યુઝર ફી ચૂકવે. ઇલેક્ટ્રોનિક રીતે ટોલ ટેક્સ વસૂલવાની ક્ષમતા વધારવામાં આવશે અને નેશનલ હાઇવે પર ટોલ ચોરી ઘટાડવામાં આવશે. સરકાર મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ લાગુ કર્યા પછી ટોલ કલેક્શન મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. આ સિસ્ટમ હેઠળ નેશનલ હાઇવે નેટવર્ક પર કોઈ બેરિયર વિના ટોલ વસૂલાશે. જો ટોલ બાકી હશે તો વાહનનું ટ્રાન્સફર શક્ય નહીં બને. ફિટનેસ રિન્યુઅલ અને પરમિટ માટે એનઓસી પણ આપવામાં આવશે નહીં.

 બાકી રકમ પર કડક વલણ

નવા નિયમો હેઠળ “અનપેડ યુઝર”ની નવી વ્યાખ્યા ઉમેરવામાં આવી છે. એટલે કે નેશનલ હાઇવેના કોઈ ભાગના ઉપયોગ બદલ જે ફી ચૂકવવાની હોય તે. જો ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા વાહનની અવરજવર નોંધાય, પરંતુ નેશનલ હાઇવે એક્ટ, 1956 મુજબ નક્કી કરેલી ફી વસૂલ ન થાય, તો તેને બાકી ગણવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે આ સુધારાઓથી NHAIને ઓટોમેટિક ટેક્નોલોજી આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને પ્રોત્સાહન મળશે. એ સાથે જ દેશના નેશનલ હાઇવે નેટવર્કની મરામત અને જાળવણીમાં મદદ મળશે.

વાહન માલિકે બાકીનો ખુલાસો કરવો પડશેફોર્મ 28માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફોર્મમાં અરજદારે જણાવવું પડશે કે વાહન સામે કોઈ ટોલ પ્લાઝાની બાકી યુઝર ફી છે કે નહીં અને તેની સંપૂર્ણ વિગત આપવી પડશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે, નિયમોમાં નિર્ધારિત ઓનલાઈન પોર્ટલ મારફતે ફોર્મ 28ના ઘણા ભાગો ઓનલાઈન જારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોર્મ 28 વાહન ટ્રાન્સફર માટે જરૂરી દસ્તાવેજ છે, જે આ બાબતની ખાતરી આપે છે કે વાહન પર કોઈ જૂનો ટેક્સ, ચલણ અથવા કાનૂની જવાબદારી બાકી નથી.

મેં મનથી એની સાથે લગ્ન કરી લીધા છે: આમિર ખાન

આમિર ખાને ગયા વર્ષે તેના જન્મદિવસ પર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો પરિચય ચાહકો સાથે કરાવ્યો હતો. તેમને ઘણીવાર લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, અને આમિર ખાને આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.

આમિર ખાન હાલમાં તેની ફિલ્મ “હેપ્પી પટેલ” માટે સમાચારમાં છે. વીર દાસ દ્વારા દિગ્દર્શિત અને અભિનીત, આમિરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે અને તેમાં એક નાનકડી ભૂમિકા પણ નિભાવી છે. વધુમાં, તે તેના અંગત જીવનને કારણે સતત સમાચારમાં રહે છે. ગયા વર્ષે, તેના જન્મદિવસ પર, આમિરે તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો પરિચય મીડિયા સામે ચાહકો સાથે કરાવ્યો હતો. તેઓએ તાજેતરમાં જ એક નવા ઘરમાં રહેવાનું નક્કી કર્યું છે. તેણે લગ્ન વિશે એક રસપ્રદ ખુલાસો પણ કર્યો.

આમિર ખાન અને ગૌરી નવા ઘરમાં સાથે રહેવા ગયા

ચાહકો ઘણીવાર પૂછે છે કે શું આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન થયા છે, અથવા તેઓ ક્યારે કરશે. આ પ્રશ્નોના જવાબ આપીને આમિર ખાને પોતાનું મૌન તોડ્યું. મિસ્ટર પરફેક્શનિસ્ટે કહ્યું કે તે પહેલાથી જ ગૌરી સાથે તેના હૃદયમાં લગ્ન કરી ચૂક્યો છે. આમિર ખાન અને ગૌરી મુંબઈમાં એક નવા ઘરમાં રહેવા સાથે શિફ્ટ થયા છે.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. 2025માં, આમિર ખાને તેના 60મા જન્મદિવસ પર તેમના સંબંધોની પુષ્ટિ કરી. ગૌરી મૂળ બેંગ્લોરની છે, પરંતુ તે અને આમિર ખાન તાજેતરમાં મુંબઈમાં એક નવા ઘરમાં રહેવા ગયા. આમિર ખાને ગૌરી સાથેના તેના સંબંધો વિશે કહ્યું કે તે તેના પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તેને તેની પત્ની તરીકે સ્વીકારી લીધી છે. જોકે, હાલમાં લગ્નનો કોઈ પ્લાન નથી.

આમિર ખાને તાજેતરમાં બોલિવૂડ હંગામા સાથે તેના ગર્લફ્રેન્ડ ગૌરી સાથેના સંબંધો વિશે વાત કરતા કહ્યું, “ગૌરી અને હું એકબીજા પ્રત્યે ગંભીર છીએ, અને અમારો સંબંધ ખૂબ જ મજબૂત છે. અમે પ્રતિબદ્ધ છીએ. અમે ભાગીદાર છીએ. અમે સાથે છીએ. લગ્નની વાત કરીએ તો, મારા મનમાં હું પહેલાથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું. લગ્નને ઔપચારિક બનાવવું કે નહીં તે હું સમય જતાં નક્કી કરીશ.” નવા ઘરમાં સાથે રહેવા વિશે વાત કરતા આમિર ખાને કહ્યું, “આ (સ્થળાંતર) મારી ફિલ્મ ‘હેપ્પી પટેલ’ ની રિલીઝની વચ્ચે જ થઈ રહ્યું છે. તો આ એકદમ પાગલપન છે.”

ગૌરી સ્પ્રેટ શું કરે છે?

આમિર ખાન અને ગૌરી લગભગ બે દાયકાથી એકબીજાને ઓળખે છે. તેઓ લગભગ દોઢ વર્ષ પહેલા ફરી મળ્યા હતા. ગૌરી છ વર્ષના પુત્રની માતા છે. તે હાલમાં આમિર ખાન પ્રોડક્શન્સ સાથે કામ કરે છે. આમિર ખાનના અંગત જીવનની વાત કરીએ તો, તેમના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. તેમને બે બાળકો છે: પુત્ર જુનૈદ અને પુત્રી આયરા. તેમના બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા હતા. કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ છે. રીના અને કિરણ બંનેથી છૂટાછેડા લીધા બાદ તેમના જીવનમાં ગૌરીનું આગમન થયું.

કર્ણાટકમાં રાજ્યપાલ, રાજ્ય સરકાર શા માટે વિવાદ થયો? જાણો..

બેંગલુરુઃ તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ બાદ હવે કર્ણાટકમાં પણ રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે ટકરાવ ઊભો થયો છે. આજે વર્ષનું પ્રથમ વિધાનસભા સત્ર શરૂ થવાનું છે. સામાન્ય રીતે વર્ષનું પહેલું સત્ર બજેટ સત્ર હોય છે, પરંતુ આ વખતે કર્ણાટકની કોંગ્રેસ સરકારે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદામાં કરાયેલા ફેરફાર પર ચર્ચા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. હવે આ સત્ર દરમિયાન થનારા ભાષણને લઈને રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે.

ભાષણની નકલ પર વિવાદ

વર્ષનું પ્રથમ સત્ર હોવાથી પરંપરા મુજબ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને સત્રના પ્રથમ દિવસે વિધાનમંડળના સંયુક્ત અભિભાષણ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ માટે સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલી ભાષણની નકલમાં મનરેગા બિલને બદલીને લાવવામાં આવેલા નવા G રામ G બિલની ખામીઓ દર્શાવવામાં આવી છે. એ સાથે જ ભદ્રા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાયમાં દાખવવામાં આવતી ઉદાસીનતા અને GST મુદ્દે બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે થતી ભેદભાવપૂર્ણ વર્તણૂકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજ્યપાલે શી સલાહ આપી?

ભાષણની નકલ વાંચ્યા બાદ રાજ્યપાલે મુખ્ય સચિવને જવાબ આપીને ભાષણમાંથી એવા 11 પેરાગ્રાફ દૂર કરવાની સલાહ આપી હતી, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના ટકરાવનું કારણ બની શકે છે. જોકે રાજ્ય સરકારે રાજ્યપાલને સમજાવ્યું કે મુખ્ય મંત્રીના નેતૃત્વ હેઠળની હાઈ લેવલ કમિટીએ નિર્ણય લીધો છે કે ભાષણમાં કેટલાક તકનિકી અને નાના ફેરફાર શક્ય છે, પરંતુ પેરાગ્રાફ દૂર કરી શકાય નહીં. એ પછી રાજ્યપાલે બુધવારે સંયુક્ત અભિભાષણમાં હાજર રહેવાની પોતાની અસહમતી વ્યક્ત કરી દીધી હતી.

મામલો સુપ્રીમ કોર્ટ સુધી જવાની શક્યતા

કર્ણાટકના ઇતિહાસમાં આ સૌપ્રથમ વાર બન્યું છે. આવી સ્થિતિમાં સરકાર પાસે કોર્ટનો રસ્તો અપનાવવાનો વિકલ્પ છે. CMOનાં સૂત્રો મુજબ સરકારે એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીને દિલ્હી મોકલી દીધા છે. જો રાજ્યપાલ સભાને સંબોધવા નથી આવતા તો સરકાર સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવે એવી શક્યતા છે.

I-PAC મામલોઃ જે કંપનીનું અસ્તિત્વમાં જ નથી, તેનાથી મળી લોન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં EDના દરોડા બાદ રાજકીય તાપમાન વધી ગયું છે. I-PAC કંપની પર દરોડા પડ્યા બાદ TMC અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. એ દરમિયાન તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ I-PAC કંપનીને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.

તપાસમાં ખુલાસો થયો છે કે 2021માં I-PACને એક કંપની પાસેથી 13.50 કરોડ રૂપિયાની લોન મળી હતી, પરંતુ તે કંપની સત્તાવાર રેકોર્ડમાં ક્યારેય અસ્તિત્વમાં જ નહોતી.

ROC (રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ)ની ફાઇલિંગની સમીક્ષા કરતાં જાણવા મળ્યું હતું કે I-PACએ 17 ડિસેમ્બર 2021ના રોજ ક્રેડિટર્સની યાદી જાહેર કરી હતી. તેમાં માહિતી આપવામાં આવી હતી કે તેને રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા લિ. નામની કંપની પાસેથી 13.50 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. કંપનીનું સરનામું પણ નોંધાયું હતું — ત્રીજો માળ, અશોકા પ્લાઝા, દિલ્હી રોડ, રોહતક, હરિયાણા.

પરંતુ આ સરનામે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં આ નામની કોઈ કંપની અસ્તિત્વમાં જ નહોતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે 27 જૂન 2025S I-PACએ જણાવ્યું હતું કે તેણે 13.50 કરોડમાંથી 1 કરોડ રૂપિયા પરત ચૂકવી દીધા છે અને હજુ 12.50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ લોન અંગે I-PACના સહ-સ્થાપક અને ડિરેક્ટર પ્રતીક જૈનને સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. I-PACની ફરીદાબાદ સ્થિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પૂનમ ચૌધરીને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરંતુ તેમણે પણ મૌન જાળવ્યું હતું.

મહત્વની વાત એ પણ છે કે ROCના રેકોર્ડમાં માત્ર ‘રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ના ઇન્કોર્પોરેશન સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ છે, જ્યારે I-PAC દ્વારા જાહેર કરાયેલી ‘રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા લિમિટેડ’ના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી.

દાવોસમાં ટ્રમ્પે ‘ગ્રીનલેન્ડ ડીલ’ની જાહેરાત કરી

દાવોસઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ગ્રીનલેન્ડને લઈને તેમણે એક ‘ફ્યુચર ડીલનું ફ્રેમવર્ક’ તૈયાર કરી લીધું છે. આ સમજૂતી પછી ટ્રમ્પે ડેન્માર્ક, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત તમામ યુરોપિયન દેશો પર 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા ભારે ટેરિફને ટાળવાનો નિર્ણય લીધો છે. આ દેશો ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો વિરોધ કરી રહ્યા હતા.

આ સમજૂતીમાં શું છે?નાટોના મહાસચિવ માર્ક રૂટ સાથે મુલાકાત બાદ ટ્રમ્પે આ સમજૂતીનો ખુલાસો કર્યો હતો. હજી તેની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ નથી, પરંતુ સૂત્રો અને ટ્રમ્પનાં નિવેદનો પરથી ત્રણ મુખ્ય મુદ્દા સામે આવ્યા છે:

1 ‘સાયપ્રસ મોડલ’ પર ચર્ચા

આ સમજૂતી બ્રિટન અને સાયપ્રસ વચ્ચેના સૈન્ય આધાર મોડલ જેવી હોવાની શક્યતા છે. એટલે કે ગ્રીનલેન્ડ ડેન્માર્કનો ભાગ રહેશે, પરંતુ અમેરિકા ત્યાંના કેટલાક સૈન્ય અને સંસાધન વિસ્તારો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.

2 ખનિજ અને સુરક્ષા

ટ્રમ્પે આને ‘અલ્ટિમેટ લોંગ-ટર્મ ડીલ’ ગણાવી છે. અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ગ્રીનલેન્ડના વિશાળ રેર અર્થ મેટલ્સ અને ત્યાં ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવાનો છે.

  1. બળપ્રયોગથી ઇનકાર

ટ્રમ્પે પહેલી વખત સ્પષ્ટ કહ્યું હતું કે હું ગ્રીનલેન્ડ માટે બળપ્રયોગ કરવા માગતો નથી અને નહીં કરું, જોકે અમેરિકા અજેય છે.

યુરોપને મોટી રાહત

ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે ટ્રમ્પે ડેન્માર્ક સહિત 8 નાટો દેશો પર 10 ટકાથી 25 ટકા સુધી ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ‘ટ્રૂથ સોશિયલ’ પર લખ્યું હતું કે આ વાતચીતને આધારે હું 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા ટેરિફ અમલમાં મૂકવાનો નથી.

સુવિચાર – ૨૨ જાન્યુઆરી ૨૦૨૬

૨૨ જાન્યુઆરી ૨૦૨૬