Home Blog Page 2761

કોકપિટમાં અનધિકૃત વ્યક્તિને પ્રવેશવા દીધોઃ એર ઈન્ડિયાના બંને પાઈલટ સસ્પેન્ડ

મુંબઈઃ આ મહિનાના આરંભમાં ચંડીગઢ-લેહ ફ્લાઈટ વખતે એક અનધિકૃત વ્યક્તિને કોકપિટમાં પ્રવેશવા દેવા બદલ એર ઈન્ડિયાના એક પાઈલટનું લાઈસન્સ એવિએશન નિયામક સંસ્થા DGCA એ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે. નિયામક ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને પાઈલટ-ઈન-કમાન્ડનું લાઈસન્સ એક વર્ષ માટે અને ફર્સ્ટ ઓફિસરનું લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. તે ઘટના ગઈ 3 જૂને બની હતી.

બંને પાઈલટ સામે આરોપ છે કે તેમણે એરક્રાફ્ટ રૂલ્સ, 1937 અંતર્ગત આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને ડીજીસીએ દ્વારા ઘડવામાં આવેલા નિયમોનો ભંગ થવા દીધો હતો.

નિયામકે બંને પાઈલટ સામે તપાસ પણ શરૂ કરાવી છે. ડીજીસીએના સેફ્ટી નિયમો અનુસાર, કોકપિટની અંદર અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા કરવાની મનાઈ છે. ચંડીગઢ-લેહ ફ્લાઈટના ફર્સ્ટ ઓફિસરની ભૂલ એ હતી કે કોકપિટમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ બાબતે તેણે કોઈ વિરોધ કર્યો નહોતો અને નિયમ ભંગ વિશે સત્તાવાળાઓને જાણ પણ કરી નહોતી.

આઇસી15 ઇન્ડેક્સમાં 1,002 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત ત્રીજા દિવસે વૃદ્ધિનો માહોલ રહ્યો હતો. બિટકોઇનના ઈટીએફના ફાઇલિંગના સમાચારે બજારમાં નવો ઉત્સાહ રેડ્યો છે. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન વધ્યા હતા, જેમાંથી શિબા ઇનુ, કાર્ડાનો, ચેઇનલિંક અને પોલીગોન 7થી 13 ટકાની વૃદ્ધિ સાથે મોખરે હતા. બિટકોઇન 4.07 ટકા વધીને બે મહિના બાદ 30,000 ડોલરની સપાટીને વટાવીને 30,236 બંધ રહ્યો હતો.

દરમિયાન, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે ડિજિટલ મની સ્ટાન્ડર્ડ અંગેનું શ્વેતપત્ર બહાર પાડ્યું હતું. ઉપરાંત, રિપલે સિંગાપોરમાં ડિજિટલ એસેટ પેમેન્ટ તથા ટોકન પ્રોડક્ટ્સ ઓફર કરવા માટેની મુખ્ય પેમેન્ટ સંસ્થા તરીકે કામ કરવા માટે મોનેટરી ઓથોરિટી પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી પ્રાપ્ત કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.57 ટકા (1,002 પોઇન્ટ) વધીને 40,048 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,046 ખૂલીને 40,469ની ઉપલી અને 38,841 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

માઇક્રોન 2.75 અબજ ડોલરના મૂડીરોકાણ દ્વારા પ્લાન્ટ સ્થાપશે

અમદાવાદઃ ચિપ બનાવતી અમેરિકી કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી છે. કંપની આ પ્લાન્ટમાં 2.75 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. કંપનીનું ભારતમાં આ પહેલવહેલું મૂડીરોકાણ હશે. આ પ્લાન્ટને લગાવવા માટે માઇક્રોન ટેક્નોલોજી 82.5 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે.

કંપનીએ કહ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતના સહયોગથી આ ચિપ સુવિધા લગાવવા માટે કંપની દ્વારા 2.75 અબજ ડોલર (રૂ. 22,540 કરોડ)નું મૂડીરોકાણ કરવામાં આવશે, જેમાં 50 ટકા કેન્દ્ર અને 20 ટકા રાજ્ય સરકાર પણ મૂડીરોકાણ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે આ નવા પ્લાન્ટના બાંધકામનો પ્રારંભ 2023માં જ શરૂ થશે અને 2024ના અંત સુધીમાં કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન ચાલુ થઈ જશે. આ ચિપ પ્લાન્ટના બીજા તબક્કા પર કામ આ દસકાના બીજા મધ્યમ ભાગથી શરૂ કરવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે બંને તબક્કા દ્વારા 5000 સીધી રોજગારીનું સર્જન થશે, જ્યારે 15,000 લોકોને આગામી કેટલાંક વર્ષો સુધી રોજગારી મળતી રહેશે.

અમેરિકામાં કંપનીના CEO સંજય મહેરોત્રાની સાથે વડા પ્રધાન મોદીની બેઠક પછી આ સોદાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સેમી કન્ડકટ્ર પ્લાન્ટ લગાવવાના પ્રોજેક્ટને કેબિનેટની પહેલાં જ મંજૂરી મળી ગઈ છે. રાજ્યમાં વેદાંતાના અનિલ અગ્રવાલ પણ સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી ચૂક્યા છે.

 

 

 

 

 

 

‘હું કોર્ટના આદેશ સ્વીકારતો નથી, હિન્દી ફિલ્મોને પરવાનગી નહીં આપું’: કાઠમાંડુ મેયર

કાઠમાંડુઃ ‘આદિપુરુષ’ ફિલ્મને કારણે ભડકી ગયેલા નેપાળના પાટનગર શહેર કાઠમાંડુના મેયર બાલેન શાહે કહ્યું છે કે, ‘કોર્ટનો આદેશ હોવા છતાં હું આ શહેરમાં ભારતની ફિલ્મોને બતાવવાની પરવાનગી નહીં આપું.’

ઉલ્લેખનીય છે કે, ભારતીય ફિલ્મોને પ્રદર્શિત કરવાની પરવાનગી આપવાનો હાઈકોર્ટે આજે વચગાળાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ મેયર શાહે તરત જ એને પડકાર્યો હતો. ભારતીય ફિલ્મોને પ્રદર્શિત કરવા દેવા માટે નેપાલ ફિલ્મ યૂનિયને હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી હતી. તેની સુનાવણી વખતે હાઈકોર્ટે કહ્યું કે સેન્સર બોર્ડે પાસ કરી દીધી હોય એવી કોઈ પણ ફિલ્મને દર્શાવવાનું બંધ કરાવવું નહીં. હાઈકોર્ટના આ આદેશ બાદ તરત જ મેયર શાહે એમના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘દેશના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાની વાત હોય ત્યારે હું કોઈ પણ કાયદા કે કોર્ટના ઓર્ડરને માનવાનો નથી.’

મેયર શાહે એવી શરત મૂકી છે કે, જ્યાં સુધી ‘આદિપુરુષ’ ફિલ્મના નિર્માતાઓ ભગવાન રામના પત્ની સીતાનાં જન્મસ્થળ વિશેની ભૂલ સુધારશે નહીં ત્યાં સુધી તેઓ કાઠમાંડુ શહેરના થિયેટરોમાં એક પણ ભારતીય ફિલ્મને પ્રદર્શિત કરવાની પરવાનગી નહીં આપે.

‘આદિપુરુષ’ના નિર્માતાઓએ મેયર શાહને પત્ર લખીને જણાવ્યું છે કે આ ફિલ્મમાં એવો કોઈ ડાયલોગ નથી કે જેનાથી નેપાળી લોકોની લાગણીઓને ઠેસ પહોંચે. પરંતુ, નેપાળના લોકોનું માનવું છે કે સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો જે સ્થળ હવે નેપાળના પ્રદેશમાં છે.

આ ‘પ્રેરણા’ આપે છે અભાવમાં અભ્યાસ કરવાની પ્રેરણા

અમદાવાદઃ રાજ્યમાં બાળકોને સારું ભણતર મળી રહે એ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ અથાગ પ્રયત્નો કરે છે. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરી છેવાડાના અંતરિયાળ ગામડાના લોકોનાં બાળકો પણ શાળા એ જતાં થાય એવા પ્રયાસ થાય છે.

માર્ગો પર જ રહેતા, ચાર રસ્તા પર રઝળતાં બાળકોને પણ શિક્ષણ મળે એ માટે ‘સિગ્નલ સ્કૂલ’નો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ‘સિગ્નલ સ્કૂલ’ નામે સુવિધા સાથેની બસો બાળકોને ભણતર અને ગણતર પુરું પાડી રહી છે. એ જ રીતે જુદાં-જુદાં સ્થળે ફરી બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો, કામદારોનાં બાળકો માટેની શેલ્ટર શાળાઓ પણ ચાલી રહી છે.

અત્યારના સમયમાં શહેરની નગરપાલિકા સંચાલિત શાળાઓ, સરકારની શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓની શાળાઓના એકદમ ઉચ્ચ શિક્ષણ મેળવી આવેલા શિક્ષકો સંવેદનશીલ રીતે બાળકોને ભણાવે છે. એમની સાથે લાગણીથી જોડાઈ દરેક બાબતે મદદરૂપ થાય છે. કેટલાક શ્રમજીવી પરિવારનાં બાળકો સરકારી શાળામાં ભણવા જાય છે. આ સાથે પરિવારને આર્થિક રીતે મદદ થાય એવા પ્રયાસ કરે છે.

શહેરના જમાલપુર બ્રિજ પર સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર અને છૂટક મજૂરી કરતો પરિવાર હાલ છત્રીઓ વેચે છે. ચોમાસાની શરૂઆતે જમાલપુર બ્રિજ પરની ફૂટપાથ પર પડેલી છત્રીઓ સૌનું ધ્યાન ખેંચે છે. રંગબેરંગી છત્રીઓની વચ્ચે અભ્યાસ કરતી એક નાનકડી બાળકી પ્રેરણા પણ ક્યારેક દેખાઈ જાય. પ્રેરણા સવારે મ્યુનિસિપલ સ્કૂલમાં ભણે અને પછીનો સમય અભ્યાસની સાથે પરિવારની મદદે આવી જાય. પપ્પા ભરતભાઈ જ્યારે ધંધાનો માલસામાન લેવા જાય ત્યારે ફૂટપાથ પરનો પથારો પ્રેરણા સંભાળે. પ્રેરણા હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. સતત ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર વેપાર કરી પરિવારને પેટિયું રળવા માં મદદ કરવી અને સાથે અભ્યાસ કરવોએ પ્રેરણા આપે એવી બાબત છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૨ જૂન, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૨ જૂન, ૨૦૨૩

શિખર ધવને ચાર કરોડની કિંમતની રેન્જ રોવર કાર ખરીદી

નવી દિલ્હીઃ ડાબોડી બેટર શિખર ધવન મોંઘી કાર ચલાવવાનો શોખીન છે. એની પાસે બે લક્ઝરિયસ કાર છે. હવે એણે એક વધુ મોંઘી કાર ખરીદી છે – લેન્ડ રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી. એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની આ નવી કાર સાથેની એક રીલ શેર કરી છે. ધવન પાસે મર્સિડીઝ-બેન્ઝ જીએલ-ક્લાસ કાર અને એક બીએમડબલ્યુ M8 જેવી બે લક્ઝરિયસ કાર છે, જે એણે 2021માં ખરીદી હતી.

રૂ. ચાર કરોડની કિંમતની રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી સેલિબ્રિટી વ્યક્તિઓ બહુ પસંદ કરે છે. રેન્જ રોવરની અગાઉની કારની સરખામણીમાં આ નવી મોડેલની ડિઝાઈન અને ફીચર્સ ઘણા સરસ છે. નવી કારના હેડલેમ્પ્સમાં ઈન્ટીગ્રેટેડ LED DRL અને LED લાઈટ્સ પ્રોજેક્ટર છે. નવી સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ કારનું ઈન્ટીરિયર પણ ઘણું સુધારિત છે. કારમાં મેરીડિયન 35-સ્પીકર ઓડિયો સિસ્ટમ છે. તદુપરાંત ડિજિટલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જેમાં 13.1 ઈંચનો સ્ક્રીન છે.

વિપક્ષી એકતાની પહેલમાં અખિલેશ, માયા-મમતા પલીતો ચાંપશે

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં નીતીશકુમારની પહેલ પર 23 જૂને વિપક્ષી એકતાની બેઠક અને સભા યોજાવાની છે. CM હાઉસમાં થનારી બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને અટકાવવા માટે વ્યૂહરચના તૈયાર થવાની છે.

પટનાના કાર્યક્રમના એક દિવસ પહેલાં BSP સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કર્યું હતું કે વિપક્ષની બેઠક દિલ મળે ના મળે હાથ મિલાવતા રહો-ની કહેવતને ચરિતાર્થ કરે છે. આ બેઠક પહેલાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે શરત મૂકી હતી કે કોંગ્રેસને UPથી દૂર રાખવામાં આવે.આ નિવેદનોથી બંને પક્ષોમાં કોઈ ગઠબંધનથી દૂર રહેવાના સંકેત તરીકે જોવામાં આવે છે. આવામાં સવાલ એ ઠે કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં કોઈ ગઠબંધન વગર વિપક્ષ ભાજપને કેવી રીતે અટકાવી શકે?

વળી, પટનામાં કેટલાંક પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં છે, જેમાં અરવિંદ કેજરીવાલને PMપદના દાવેદાર જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીનું નામ લખ્યું છે, પરંતુ પાર્ટીનું કહેવું છે કે એ કામ તેમના વિરોધીઓનું છે. આપ કાર્યકર્તાઓનું નથી.

સાત રાજ્યોમાં ભાજપની વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનની સંભાવના નાને બરાબર છે. આ રાજ્યો- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. 2019માં આ રાજ્યોની કુલ 303 સીટોમાંથી ભાજપે 106 સીટો જીતી હતી. વળી, આ રાજ્યોમાં કોંગ્રેસ સિવાય કોઈ પણ અન્ય પાર્ટીનો વોટ શેર પાંચ ટકાથી વધુ નથી રહ્યો. વળી, વિપક્ષી એકતા પર કોંગ્રેસનું વલણ પણ હજી સુધી સ્પષ્ટ  નથી.

TMCનાં મમતા બેનરજીએ કહ્યું હતું કે બંગાળમાં કોંગ્રેસનું CPI (M)ની આગેવાનીમાં લેફ્ટ પાર્ટીઓનું ગઠબંધન છે. આવામાં TMC કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. આમ વિપક્ષમાં બાર ભાયાને તેર ચોકા છે.

 

 

 

કાકાસાહેબ કાલેલકર સાહિત્ય સન્માન સાહિત્યકાર ભાગ્યેન્દ્ર પટેલને

નવી દિલ્હીઃ દક્ષિણ ગુજરાતમાં વાંસદાના ભીનાર ગામમાં એક ખેડૂત કુટુંબમાં જન્મેલા ભાગ્યેન્દ્ર પટેલે મૂક્સેવકની ભૂમિકામાં રહીને સાહિત્યસૃજન અને પ્રસાર ક્ષેત્રે ભૂમિકા ભજવી છે. સાહિત્ય ક્ષેત્રે સિદ્ધિઓ અને પ્રોત્સાહન માટે કાકાસાહેબ કાલેલકર સ્મૃતિ રાષ્ટ્રીય પ્રોત્સાહન સન્માન-૨૦૨૨ જાણીતા સાહિત્યકાર-સંપાદક ભાગ્યેન્દ્ર પટેલને એનાયત થયું છે. શનિવારે દિલ્હીમાં ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા સંસ્થામાં યોજાયેલી સંનિધિ સંગોષ્ઠિમાં ‘જનસત્તા’ દૈનિકના સંપાદક મુકેશ ભારદ્વાજને હસ્તે આ પ્રતિષ્ઠિત સન્માન પટેલને એનાયત કરવામાં આવ્યું હતું. કાકાસાહેબ કાલેલકર તથા વિષ્ણુ પ્રભાકરની સ્મૃતિને સમર્પિત આ સન્માનમાં શાલ સ્મૃતિ-ચિહન તથા પ્રશસ્તિ-પત્ર સામેલ છે. તેમને અગાઉ વર્ષ ૨૦૦૬માં સૂર્યા સંસ્થાન, નોઇડા તરફથી ગુજરાતી વિદ્વાન સન્માન એનાયત થયું હતું.

આ પ્રસંગે ગાંધીવિચાર પ્રણેતા જ્ઞાનેન્દ્ર રાવત, રમેશ શર્મા, વિશ્વ સમન્વય સંઘનાં અધ્યક્ષ કુસુમ શાહ, ઉપાધ્યક્ષ અતુલકુમાર પ્રભાકર, મહામંત્રી અભિનવ આચાર્ય અને મંત્રી રાજકુમાર વગેરે મહાનુભાવો હાજર હતા. આ કાર્યક્રમમાં અન્ય છ પ્રતિભાઓને વિષ્ણુ પ્રભાકર સન્માન એનાયત થયું હતું.

ભાગ્યેન્દ્ર પટેલ લગભગ છેલ્લા ત્રણ દાયકાથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની પુસ્તક પ્રકાશન તથા પ્રસારની અગ્રણી સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયામાં ગુજરાતી ભાષાના સંપાદક તરીકે કાર્યરત છે. તેઓ ૫૦૦ ઉપરાંત પુસ્તકોના સંપાદન, ૧૦૦ આસપાસ અનુવાદ અને વાર્તા-લેખ-કવિતા વગેરેમાં લેખન-યોગદાનની સાથોસાથ પુસ્તક-વાંચનની આદતના પ્રસાર-પ્રચાર માટે પ્રવૃત્તિશીલ છે. આ સિવાય તેઓ ચિત્રકાર, વકતા, નાટ્યલેખક-દિગ્દર્શક, અભિનેતા અને સ્વર-કલાકાર તરીકે એક અનુભવી પ્રતિભા છે. તેઓ માતૃભાષા-સાહિત્ય-સંસ્કૃતિના સંવર્ધન કાજે સાર્વજનિક ગોષ્ઠિઓ, સામાજિક બાબતો અને શિક્ષણલક્ષી નાટકો, દસ્તાવેજી ચલચિત્રો વગેરેમાં સક્રિય છે. તેમણે આકાશવાણી રાષ્ટ્રીય પ્રસારણ સેવાના ગુજરાતી સમાચાર વિભાગમાં સમાચાર અનુવાદ અને વાચક તરીકે તેર વર્ષ સુધી સેવા આપી હતી. તેમણે ઐતિહાસિક ટીવી-રેડીઓ ધારાવાહિક ‘સ્વરાજ’ની ગુજરાતી આવૃત્તિમાં શરૂઆતના ૧૯ એપિસોડ સુધી મહત્વનાં પાત્રો માટે અવાજ આપ્યો છે.

 

 

 

 

 

અદાણી વિદ્યામંદિરમાં યોગ દિવસની અનોખી ઉજવણી 

 અમદાવાદઃ અદાણી વિદ્યામંદિરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યામંદિરના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત સૌ યોગમય બન્યા હતા. આ વર્ષે ખાસ વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત ઉજવણી કરવામાં આવી હતી.

AVમાં યોગ યુનિફોર્મમાં સજ્જ વિદ્યાર્થીઓની યોગનિષ્ઠા અને શિસ્ત ઊડીને આંખે વળગે તેવા હતા. આ કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના અને પતંજલીના યોગમંત્રની સાથે નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યોગાભ્યાસુ વિદ્યાર્થીઓએ પરંપરાગતથી અલગ 25 સ્ટેપ્સમાં સૂર્ય નમસ્કાર કરી સૌને અચંબિત કરી દીધા. હતા. યોગના માધ્યમથી બનાવેલી માનવ સાંકળ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. વળી બામ્બુ સ્ટિક્સ અને હુલાહૂપ દ્વારા યોગાસનની પ્રસ્તુતિ મનમોહક હતી.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મોટિવેશનલ સ્પીકર સાજન શાહ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાન્ટેબલ પેન્સિલ અને સફાઈ કામદારોને UV ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. યોગાસનોમાં SDGs પર આધારિત ઉત્તમ સ્વાસ્થ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પર્યાવરણનું જતન, સામાજિક સમાનતાના હેતુઓને આવરી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે. આપણે સૌ તેની શરૂઆત કરીને ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ.

આ કાર્યક્રમના સમાપનમાં શિક્ષકોએ યોગશક્તિ પ્રદાન કરતા તાલીયોગ અને નૃત્ય પ્રસ્તુત કર્યુ હતું. AVમાં આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે આદર્શ વિદ્યામંદિર છે. હાલ તેમાં અમદાવાદના 1,000 વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણનાં મૂલ્યો સાથે જીવન ઘડતર થઈ રહ્યું છે.