કોકપિટમાં અનધિકૃત વ્યક્તિને પ્રવેશવા દીધોઃ એર ઈન્ડિયાના બંને પાઈલટ સસ્પેન્ડ

મુંબઈઃ આ મહિનાના આરંભમાં ચંડીગઢ-લેહ ફ્લાઈટ વખતે એક અનધિકૃત વ્યક્તિને કોકપિટમાં પ્રવેશવા દેવા બદલ એર ઈન્ડિયાના એક પાઈલટનું લાઈસન્સ એવિએશન નિયામક સંસ્થા DGCA એ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે. નિયામક ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને પાઈલટ-ઈન-કમાન્ડનું લાઈસન્સ એક વર્ષ માટે અને ફર્સ્ટ ઓફિસરનું લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. તે ઘટના ગઈ 3 જૂને બની હતી.

બંને પાઈલટ સામે આરોપ છે કે તેમણે એરક્રાફ્ટ રૂલ્સ, 1937 અંતર્ગત આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને ડીજીસીએ દ્વારા ઘડવામાં આવેલા નિયમોનો ભંગ થવા દીધો હતો.

નિયામકે બંને પાઈલટ સામે તપાસ પણ શરૂ કરાવી છે. ડીજીસીએના સેફ્ટી નિયમો અનુસાર, કોકપિટની અંદર અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા કરવાની મનાઈ છે. ચંડીગઢ-લેહ ફ્લાઈટના ફર્સ્ટ ઓફિસરની ભૂલ એ હતી કે કોકપિટમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ બાબતે તેણે કોઈ વિરોધ કર્યો નહોતો અને નિયમ ભંગ વિશે સત્તાવાળાઓને જાણ પણ કરી નહોતી.