આ ‘પ્રેરણા’ આપે છે અભાવમાં અભ્યાસ કરવાની પ્રેરણા

અમદાવાદઃ રાજ્યમાં બાળકોને સારું ભણતર મળી રહે એ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ અથાગ પ્રયત્નો કરે છે. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરી છેવાડાના અંતરિયાળ ગામડાના લોકોનાં બાળકો પણ શાળા એ જતાં થાય એવા પ્રયાસ થાય છે.

માર્ગો પર જ રહેતા, ચાર રસ્તા પર રઝળતાં બાળકોને પણ શિક્ષણ મળે એ માટે ‘સિગ્નલ સ્કૂલ’નો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ‘સિગ્નલ સ્કૂલ’ નામે સુવિધા સાથેની બસો બાળકોને ભણતર અને ગણતર પુરું પાડી રહી છે. એ જ રીતે જુદાં-જુદાં સ્થળે ફરી બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો, કામદારોનાં બાળકો માટેની શેલ્ટર શાળાઓ પણ ચાલી રહી છે.

અત્યારના સમયમાં શહેરની નગરપાલિકા સંચાલિત શાળાઓ, સરકારની શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓની શાળાઓના એકદમ ઉચ્ચ શિક્ષણ મેળવી આવેલા શિક્ષકો સંવેદનશીલ રીતે બાળકોને ભણાવે છે. એમની સાથે લાગણીથી જોડાઈ દરેક બાબતે મદદરૂપ થાય છે. કેટલાક શ્રમજીવી પરિવારનાં બાળકો સરકારી શાળામાં ભણવા જાય છે. આ સાથે પરિવારને આર્થિક રીતે મદદ થાય એવા પ્રયાસ કરે છે.

શહેરના જમાલપુર બ્રિજ પર સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર અને છૂટક મજૂરી કરતો પરિવાર હાલ છત્રીઓ વેચે છે. ચોમાસાની શરૂઆતે જમાલપુર બ્રિજ પરની ફૂટપાથ પર પડેલી છત્રીઓ સૌનું ધ્યાન ખેંચે છે. રંગબેરંગી છત્રીઓની વચ્ચે અભ્યાસ કરતી એક નાનકડી બાળકી પ્રેરણા પણ ક્યારેક દેખાઈ જાય. પ્રેરણા સવારે મ્યુનિસિપલ સ્કૂલમાં ભણે અને પછીનો સમય અભ્યાસની સાથે પરિવારની મદદે આવી જાય. પપ્પા ભરતભાઈ જ્યારે ધંધાનો માલસામાન લેવા જાય ત્યારે ફૂટપાથ પરનો પથારો પ્રેરણા સંભાળે. પ્રેરણા હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. સતત ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર વેપાર કરી પરિવારને પેટિયું રળવા માં મદદ કરવી અને સાથે અભ્યાસ કરવોએ પ્રેરણા આપે એવી બાબત છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)